स त्वमग्निं स्वर्ग्यमध्येषि मृत्यो प्रब्रूहि त्वं श्रद्दधानाय मह्यम् ।
स्वर्गलोका अमृतत्वं भजन्त एतद् द्वितीयेन वृणे वरेण ॥ १३॥

मृत्‍यो, હે મૃત્યુદેવ; सः त्‍वम्‌, તે તમે; स्‍वर्ग्यम्‌, સ્વર્ગ તરફ લઈ જનારા; अग्निम्‌, અગ્નિને- અગ્નિ દ્વારા થતા યજ્ઞને; अध्येषि, જાણો છો; श्रदृधानाय, શ્રદ્ધા રાખનારા એવા; मह्यम्‌ प्रब्रूहि, મને કૃપા કરીને સમજાવો; स्‍वर्गलोकाः સ્વર્ગલોકમાં વસનારાઓ; अमृतत्‍वम्‌, અમરત્વને; भजन्ते, ભોગવે છે; एतत्‌, આ (એટલે કે (અગ્નિ દ્વારા થતા આ યજ્ઞના જ્ઞાનને); द्वितीयेन वरेण, મારા બીજા વરદાન તરીકે; वृणे, હું માગું છું.

હે મૃત્યુદેવ, તમે એ યજ્ઞાગ્નિને જાણો છો કે જે સ્વર્ગના માર્ગરૂપ છે. કૃપા કરી મને એ સમજાવો મને શ્રદ્ધા છે. સ્વર્ગમાં રહેનારાઓ અમરત્વ ભોગવે છે. આ યજ્ઞાગ્નિનું જ્ઞાન તમારી પાસેથી હું મારા બીજા વરદાન તરીકે માગું છું. (૧૩)

હિન્દુઓની માન્યતા પ્રમાણે દેવો અને દેવીઓ મૂળે તો સામાન્ય માનવ પ્રાણીઓ જ હતાં. પણ તેમણે આધ્યાત્મિક બાબતોમાં પોતાનો પરિષ્કાર કર્યો અને એમ કરીને તેમણે દેવત્વ પ્રાપ્ત કર્યું છે. આપણી પુરાણકથાઓમાં એવા પુરુષોના દાખલાઓ છે કે જેઓ પોતાના મૃત્યુ પછી સ્વર્ગલોકમાં ગયા છે. એને સ્વર્ગલોક, દેવલોક અથવા બ્રહ્મલોક પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે એવા લોકો ત્યાં ઘણું સુખી જીવન જીવતા હોય છે. તેઓમાંના કેટલાક તો યમરાજની પેઠે અધિકારીનું પદ પણ ભોગવતા હોય છે. યમ મૃત્યુના અધિષ્ઠાતા દેવ છે. એવી જ રીતે બીજા દેવો પણ અન્યાન્ય કારભારનું અધિષ્ઠાતાપણું સંભાળતા હોય છે. આ બધી બાબતો લોભામણી તો છે જ. પરંતુ તેઓ જે કોઈ સારા ભોગવિલાસો માણે છે, તે બધા કામચલાઉ જ છે, હંગામી જ છે. બહુ બહુ તો તેઓ હજાર-દસ હજાર વરસો લગી ટકી શકે તેવા હોય છે. પણ કોઈક ને કોઈક દિવસ એનો અંત તો અવશ્ય આવવાનો હોય છે. જે કંઈપણ વસ્તુ આ પરિવર્તનશીલ ઘટનામય જગતના ભાગરૂપ હોય છે, તે નાશવંત જ હોય છે. જેમ સ્વર્ગની બધી વસ્તુઓ અને એમાં રહેનારાઓ નાશવંત હોય છે તેવી રીતે સ્વર્ગ પોતે પણ નાશવંત જ છે. જ્યારે સ્વર્ગનાં દેવો અને દેવીઓ પોતપોતાનો મુકરર થયેલો સમય પૂરો થાય, ત્યારે તેઓ જ્યાંથી આવ્યાં હતાં તે ‘મર્ત્ય’ તરીકે પાછું પોતાનું એ જીવન ધારણ કરે છે. જ્યાં સુધી તેઓ બધા આ કહેવાતા સ્વર્ગના જીવનની વ્યર્થતાનો અનુભવ નહિ કરે અને આત્મજ્ઞાનના માર્ગે નહિ વળે ત્યાં સુધી આવું બધું ચાલ્યા જ કરવાનું. ફક્ત આત્મજ્ઞાન જ મુક્તિ આપી શકે. અને એટલા માટે એ જ ખરું અમરત્વ આપી શકે. સ્વર્ગ અમરત્વની ખાતરી તો આપે  છે, પણ એ અમરત્વ તો કેવળ સાપેક્ષ અમરત્વ જ છે. એ અમરત્વ તો ફક્ત દીર્ઘ આયુષ્યના અર્થમાં જ છે. એવી જ રીતે જે કોઈ લોભામણા ભોગવિલાસની સ્વર્ગ ખાતરી આપે છે, તે બધા જ સાપેક્ષ છે. જે વસ્તુ આત્મજ્ઞાન આપે છે, તે જ માત્ર શાશ્વત છે.

प्र ते ब्रवीमि तदु मे निबोध स्वर्ग्यमग्निं नचिकेतः प्रजानन् ।
अनन्तलोकाप्तिमथो प्रतिष्ठां विद्धि त्वमेतं निहितं गृहायाम्‌ ॥१४॥

नचिकेतः, હે નચિકેતા; स्वर्ग्यम्‌ अग्निम्‌ प्रजानन्, સ્વર્ગ તરફ લઈ જતા યજ્ઞાગ્નિને હું સારી રીતે જાણું છું; प्र ते ब्रवीमि तत्‌ उ, હું તે તને બરાબર રીતે કહીશ – સમજાવીશ; मे निबोध, મારી પાસેથી ધ્યાનપૂર્વક જાણ- સાંભળ; विद्धि, જાણવાનો પ્રયત્ન કર; त्‍वम्‌, તું; एतम्‌, આ (એટલે કે આ યજ્ઞાગ્નિને); अनन्तलोकाप्तिम्‌, સ્વર્ગની (અમરત્વની) પ્રાપ્તિનું સાધન; अथो प्रतिष्ठाम्‌, વિશ્વના આધારરૂપ; गृहायाम्‌ निहितम्‌, ગુફામાં છુપાયેલું (એટલે કે પ્રબુદ્ધ માનવીઓના હૃદયમાં રહેલું).

(યમે કહ્યું કે-) હે નચિકેતા, સ્વર્ગ તરફ લઈ જતા તે યજ્ઞાગ્નિને હું સારી રીતે જાણું છું. હું તને તે વિસ્તારથી સમજાવીશ. બહુ કાળજીપૂર્વક સાંભળ અને એને સમજવાનો પ્રયત્ન કર. એ યાદ રાખજે કે આ યજ્ઞાગ્નિ અમરત્વ મેળવવાનું સાધન છે; તેમજ વિશ્વના આધારરૂપ છે. અને જ્ઞાનીજનોના હૃદયમાં એ છુપાયેલો પડ્યો છે. (૧૪)

અહીં આપેલા ‘અગ્નિ’ શબ્દનો અર્થ ‘સર્વનું સત્ત્વ’ એવો થાય છે. એટલા માટે એને ‘વિશ્વના આધારરૂપ’ ગણવામાં આવેલ છે. હિન્દુઓ માને છે કે તમે જે કોઈની પણ ઉપાસના કરો, તો તમારે એ ‘ઉપાસ્ય’ની સાથે એકરૂપ બની જવું જોઈએ. એટલે જો તમે અગ્નિની ઉપાસના કરતા હો તો તમારે અગ્નિસ્વરૂપ બની જવું જોઈએ – તમે એવા બનો જ છો. એટલે કે તમે એવા – ‘સર્વના સત્ત્વરૂપ’ બની જાઓ છો. અને જ્યારે તમે ‘સર્વસત્ત્વસ્વરૂપ’ બનો છો, ત્યારે તમે અમર બની જાઓ છો. એટલા માટે અહીં એવું કહેવામાં આવ્યું છે કે અગ્નિની ઉપાસનાથી તમને અમરત્વની પ્રાપ્તિ થાય છે.

વેદાંત અનુસાર વિશુદ્ધ ચૈતન્ય જ પારમાર્થિક સત્‌ છે. આ વિશુદ્ધ ચૈતન્ય કોના જેવું છે, તે કોઈ જ વર્ણવી શકતું નથી. એને સત્ય, જ્ઞાન અને અનંત પણ કહેવામાં આવે છે. અથવા એ સત્‌-ચિત્‌-આનંદ સ્વરૂપ કહેવાય છે. એનાં બીજાં નામો ‘પરમબ્રહ્મ’ અને ‘પરમાત્મા’ પણ છે. આ ઘણાં બધાં નામોનો ઉપયોગ એવું સૂચવે છે કે સત્યને વર્ણવવું એ કેટલો તુચ્છ પ્રયત્ન છે! સાચી વાત તો એ છે કે પારમાર્થિક સત્ય તો વિચાર અને વાણીની પહોંચની બહારનું છે; એની એકની જ માત્ર અહીં હસ્તી છે અને જ્યારે એ માત્ર એક જ અસ્તિત્વ ધરાવે છે, તો એ કારણે જ એનું વર્ણન કરનાર બીજું વળી કોણ હોય? અને એનું વર્ણન પણ ક્યા સ્વરૂપે થઈ શકે? એ સત્યના વર્ણનના સંદર્ભમાં તમે ગમે તે વિશેષણ વાપરો, તો તે તો એને ઊલટું બગાડી નાખશે – જો તમે કહો કે એ ‘સારું’ છે, તો પછી ‘ખરાબ’ શું છે? અને તો પછી તમારે એવું પણ માનવું પડે ને કે કોઈક બીજું યે પારમાર્થિક સત્‌ પણ છે! અને એમ થાય તો ‘દ્વૈત’ આવી પડે! અદ્વૈતવાદમાં તો ‘સત્‌’ કેવળ ‘એક’ અને ‘અદ્વિતીય’ જ સ્વીકૃત છે.

આપણે આપણી આસપાસ વિવિધતા જોઈએ છીએ ખરા, પણ સાચી રીતે એ વિવિધતા નથી. એ એક જ છે આપણે વિવિધતા જોઈએ છીએ એનું કારણ એ છે કે એ એક જ સત્‌ વિવિધ નામો અને વિવિધ રૂપો ધારણ કરે છે. એકમાં વિવિધતા જોવાની પ્રક્રિયાને ‘માયા’ કહેવામાં આવે છે. અથવા એ અવિદ્યા કે અજ્ઞાન છે. આ વિવિધતા ભલે સાચી ન હોય, છતાં પણ વ્યાવહારિક સ્તર ઉપર એને સાચી માનીને જ ચાલવું જોઈએ. દૃઢ વૈરાગ્યના સેવનથી અને સદ્‌ગુરુની સહાયથી પ્રાપ્ત થયેલ વિવેકજ્ઞાન દ્વારા મારા-તારા અને હુંપણાના ખોટા ખ્યાલો એના સહચારી અન્ય ભાવો સાથે સમૂળા જ ચાલ્યા જશે. અને બાકી ફક્ત રહેશે- ‘હું’ એટલે એકમાત્ર આત્મા. એ આત્મા બધાનો સામાન્ય આત્મા-ચૈતન્ય- છે. આ સર્વસાધારણ આત્મા, બધાં અસ્તિત્વોને, જેમ કોઈ દોરો બધા મણકાઓને હારમાં એક સાથે પરોવીને ધારણ કરે છે, તેવી રીતે એકી સાથે ધારણ કરી રહેલ છે. આ સર્વસાધારણ આત્માને જ આ મંત્રમાં ‘અગ્નિ’ તરીકે ઓળખવામાં આવ્યો છે. એને ‘વિરાટ્‌’ વૈશ્વાનર (વૈશ્વિક અસ્તિત્વ), હિરણ્યગર્ભ (સુવર્ણ અંડ), ઈશ્વર (પ્રભુ), પ્રજાપતિ (પ્રજાઓના સ્વામી), બ્રહ્મા – વગેરે પણ કહેવામાં આવે છે. ‘બ્રહ્મનું-પારમાર્થિક સત્‌નું- માયાની સાથેનું સર્વપ્રથમ પ્રકટીકરણ છે. આ તબક્કે એ ‘સગુણ’ બને છે – વિશિષ્ટ બને છે. પારમાર્થિક સત્‌ તત્ત્વ સ્વરૂપે તે એ વિશુદ્ધ ચૈતન્ય નિર્ગુણ અને નિર્વિશેષ જ છે. અને એનું વર્ણન કરવાનો કોઈ ઉપાય નથી.

लोकादिमग्निं तमुवाच तस्मै या इष्टका यावतीर्वा यथा वा ।
स चापि तत्प्रत्यवदद्यथोमथास्य मृत्युः पुनरेवाह तुष्टः ॥१५॥

तस्मै, તેને (અર્થાત્‌ નચિકેતાને); लोक आदिम्‌, વિશ્વના આરંભક અથવા તો પ્રથમ શરીરધારી અસ્તિત્વને; तम्‌, તેને (ચર્ચાના પ્રસ્તુત વિષયને); अग्निम्‌, અગ્નિસંબંધી વિષયને; उवाच, સમજાવવા લાગ્યા; याः જેવા પ્રકારની; यावतीः वा, અને જેટલી સંખ્યાની; इष्टकाः ઈંટો (યજ્ઞવેદી બનાવવામાં વાપરવી જોઈએ); यथा वा, અને જેવી રીતે અગ્નિ પ્રગટાવવો જોઈએ તે; सः, વળી તે (નચિકેતા) પણ; तत्‌, તે બધું; यथा उम्‌, જે કહ્યું હતું (યમરાજે જે કંઈ કહ્યું હતું તે); प्रत्‍यवदत्‌, પાછું બોલી ગયો; अथ, ત્યાર પછી; मृत्‍युः મૃત્યુના દેવ (યમરાજ); अस्‍य, આથી (નચિકેતાના આ સુયોગ્ય પુનરુચ્ચારણથી); तुष्टः પ્રચ્છન થઈને; पुनः एव, ફરી વખત; आह, કહેવા લાગ્યા.

યમે નચિકેતાને કહ્યું કે અગ્નિ પ્રથમ વિશ્વ છે, અર્થાત્‌ સૌ પ્રથમ દેહધારી અસ્તિત્વ છે. પછી તેણે આ અગ્નિથી યજ્ઞ કેવી રીતે કરવો, તે વિસ્તારથી સમજાવ્યું. એ યજ્ઞની વેદી કેવી રીતે બનાવવી, એમાં કેવી પ્રકારની ઈંટો વાપરવી, અને એ બધીને કેવી રીતે ગોઠવવી, વગેરે બધું બરાબર રીતે સમજાવ્યું. વળી એમણે એ પણ સમજાવ્યું કે એમાં અગ્નિ પણ કેવી રીતે પેટાવવો. નચિકેતા યમરાજે કહેલી વાતનો શબ્દેશબ્દ બરાબર રીતે ફરીથી બોલી ગયો. આથી યમરાજ ખુશ થયા અને ફરીથી તેને કહેવા લાગ્યા. (૧૫)

સૌ પ્રથમનું આકારધારી અસ્તિત્વ અહીં વારંવાર હિરણ્યગર્ભ કે વિરાટ તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે. પરંતુ, એને જ ઈશ્વર, પ્રજાપત્તિ, અગ્નિ, વાયુ અને આદિત્ય તરીકે પણ ઉલ્લેખવામાં આવે છે. એ બધાં જ વિશ્વનાં આરંભક આકારધારી કે વિશિષ્ટ ચિહ્‌નો છે. આ દરેક નામનો સંકેતાર્થ ભલે જુદો જુદો હોય, પણ તે બધાં એક જ તત્ત્વનો અર્થ સૂચવે છે.

અગ્નિ એટલે આપણે જે જોઈએ છીએ તેવો અગ્નિ નહિ. આ અગ્નિ તો બધાનો મૂળસ્રોત છે. અને આપણે જે સામાન્ય અગ્નિ જોઈએ છીએ, તે પણ એમાં સમાઈ જાય છે.

तमब्रवीत्प्रीयमाणो महात्मा वरं तवेहाद्य ददामि भूयः ।
तवैव नाम्ना भविताऽयमग्निः सृङ्कां चैनामनेकरूपां गृहाण ॥ १६ ॥

प्रीयमाणः ખુશ થયેલા; महा आत्‍मा्‌, મહાન આત્મા (અર્થાત્‌ યમરાજ); तम्‌, તેને (અર્થાાત્‌ નચિકેતાને); अब्रवीत, કહેવા લાગ્યા; इह, આ; अध, હવે; तव, તને; भूयः ફરી વખત – બીજું; वरम्‌, વરદાન; ददामि, આપું છું; अयम्‌, આ; अग्निः અગ્નિ; तव एव नाम्‍ना, તારા જ નામથી; भविता, થશે (અર્થાત્‌ જાણીતો થશે); च, વળી; इमाम्‌, આ; अनेकरुपाम्‌, અનેક ભાતવાળી – વિવિધરંગી; सृङ्काम्‌, માળા-હાર; गृहाण, સ્વીકાર કર.

તે મહાન આત્મા યમરાજ ખૂબ ખુશ થયા અને નચિકેતાને કહેવા લાગ્યા : ‘હું તને આ એક અન્ય વરદાન પણ આપવા ઇચ્છું છું. યજ્ઞનો આ (મેં જણાવેલો) અગ્નિ આજથી માંડીને તારા નામે જાણીતો થશે. અને વળી આ વિવિધભાતવાળી માળા પણ તું લે.’ (૧૬)

અગ્નિના નામકરણનું જે વરદાન યમરાજ આપી રહ્યા છે, તે ચોથું વરદાન છે. પહેલાં તો યમરાજે નચિકેતાને ત્રણ વરદાનો આપવાનું વચન આપ્યું હતું. યમરાજને અહીં ‘મહાત્મા’નું આદરણીય વિશેષણ અપાયું છે. તો ક્યા અર્થમાં તે ‘મહાન આત્મા’ છે? અથવા તો ‘મહાત્મા’ કોને કહી શકાય? જેનું મન સદૈવ ઉચ્ચ સ્તરે જ સ્થિર હોય, એને ‘મહાત્મા’ કહેવાય. એક દેવ હોવાને કારણે યમરાજ ખરેખર એના જ ‘મહાત્મા’ હતા.

અહીં – મંત્રમાં આવેલ ‘સૃંકા’ શબ્દના બે અર્થો થાય છે. એક અર્થ ‘હાટ’ કે ‘માળા’ એવો થાય છે. એને વિવિધ આકારવાળી કહી છે એટલે એ વિશિષ્ટ પ્રકારનો હાટ હશે. એ હાટ જુદા જુદા આકારવાળાં અને જુદા જુદા રંગવાળાં મોતીઓનો બનેલો હોવો જોઈએ. વળી તે હાર એવો પણ હશે કે તે પહેરીને મનુષ્ય ચાલે ત્યારે તેમાંથી સંગીતના સૂરો પણ ગૂંજી ઊઠતા હોય.

‘સૃંકા’ શબ્દનો બીજો અર્થ યજ્ઞમાં કરવી પડતી વિધિઓ અને એનાં સારાં ફળો મેળવવાનો માર્ગ-પદ્ધતિ – એવો પણ થાય છે. યમરાજ નચિકેતાને આ માર્ગનો બોધ આપવાની ખાતરી આપે છે.

શંકરાચાર્યને પહેલા અર્થ કરતાં આ બીજો અર્થ વધારે અનુકૂળ લાગે છે.

(ક્રમશ:)

Total Views: 59

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.