એ તો બરાબર જ છે કે જ્ઞાન દ્વારા પણ ભગવાનની પ્રાપ્તિ થાય છે, અને ભક્તિ દ્વારા પણ થાય છે. પણ આ બંનેમાં તફાવત છે. ઠાકુર કહેતા હતા કે મોટા માણસના ઘરમાં એક દીવાનખાનું હોય છે, અને બીજું અંત:પુર હોય છે. દીવાનખાનામાં તો બધા જઈ શકે છે, પણ અંત:પુરમાં ફક્ત સ્ત્રીઓ જ જઈ શકે છે. ત્યાં પુરુષો જઈ શકતા નથી. એ જ રીતે ભગવાનનું દીવાનખાનું પણ છે અને અંત:પુર પણ છે. જ્ઞાન છે પુરુષવર્ગમાંનું. તેને ફક્ત દીવાનખાના સુધી જ જવાનો અધિકાર છે. જો ભગવાન દીવાનખાનામાં હોય તો તેને તેનાં દર્શન મળે નહીંતર ભગવાન અંત:પુરમાંથી ક્યારે દીવાનખાનામાં આવે તેની રાહ જોતા જ્ઞાનીને બેસી રહેવું પડે. જ્યારે ભક્તિ સ્ત્રીવર્ગમાંની છે. તેણે જોઈ લીધું કે ભગવાન દીવાનખાનામાં બેઠા નથી. તો તે સીધી અંત:પુરમાં ચાલી જશે અને ત્યાં ભગવાનને મળશે. ભક્તિ દીવાનખાનામાં અને અંત:પુરમાં બંને જગ્યાએ જઈ શકે છે. પરંતુ જ્ઞાનને અંદર જવાનો અધિકાર નથી. આ જ્ઞાન-ભક્તિ દ્વારા જ્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી જીવાત્મા જુદાં જુદાં શરીરોમાં આવાગમન કરતો રહે છે, એટલે કે તે જન્મ અને મૃત્યુના ચક્રાવામાં ફરતો રહે છે.

પાઠક : આ વાતો સાંભળવામાં તો ખૂબ મજાની લાગે છે કે માછલી પકડાઈ પણ જાય અને પાણીને સ્પર્શ પણ ન થાય. જોઉં છું કે આદિથી અંત સુધી એ ઈશ્વરનું જ કાર્ય છે. હવે એક વાત એ જાણવા ઇચ્છું છું કે જીવાત્મા કેવી રીતે દેહમાં પ્રવેશ કરે છે ને કેવી રીતે દેહનો ત્યાગ કરે છે?

ભક્ત : તમે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ વખતની પરિસ્થિતિ જોઈ છે ને? અહીં પણ બરાબર એવી જ વાત છે. ચન્દ્ર કે સૂર્યને જ્યારે રાહુ પકડે છે, ત્યારે રાહુને કોઈ જોઈ શકતું નથી, પરંતુ સૂર્ય કે ચન્દ્ર પર થયેલી ક્રિયાથી એ જાણી શકાય છે કે રાહુએ ક્યારે સૂર્ય કે ચંદ્રને પકડ્યો ને ક્યારે છોડી દીધો? બરાબર એ જ રીતે શરીરને ધારણ કરનારી શક્તિની ક્રિયાથી જાણી શકાય છે કે જીવાત્માએ ક્યારે શરીરમાં પ્રવેશ કર્યો અને ક્યારે તેનો ત્યાગ કર્યો. શરીરનાં કેટલાંક સામાન્ય લક્ષણો છે, જેનાથી જાણી શકાય છે કે જીવાત્મા શરીરમાં છે કે તેણે શરીર છોડી દીધું છે. આ વિષેની એક સરસ વાત તો એ છે કે જ્યારે તે આવે છે, ત્યારે શરીરની સાથે આવે છે અને જ્યારે તે જાય છે, ત્યારે શરીર છોડીને જાય છે. આ મારી સમજ છે કે જ્યારે તે શરીર છોડી દે છે, ત્યારે તો સ્પષ્ટ જણાઈ આવે છે કે તેણે શરીર છોડી દીધું છે, પણ જન્મ સમયે તે શરીર કેવી રીતે ધારણ કરે છે, તેની સ્પષ્ટ જાણકારી નથી. જીવાત્મા પરમાત્માના હાથનું પ્યાદું છે. તે જીવાત્મા પોતે જ છે, છતાં તે જન્મ મૃત્યુને જાણી શકતો નથી. માયાના ખેલની રસમ અદ્‌ભુત છે. માયા કોઈપણ રીતે તમને તે જાણવા દેતી નથી કે તે તમારી અંદર ઘૂસીને તમને વાંદરાની જેમ નચાવી રહી છે. જ્યાં સુધી માયા ન છૂટે ત્યાં સુધી અંત:પુરમાં પ્રવેશ કરવાનો કોઈ ઉપાય નથી.

પાઠક : તો પછી માયા જાય કેવી રીતે?

ભક્ત : માયાને ઓળખી લેવાથી તે ભાગી જાય છે. તે કેવી રીતે તે જાણો છો? – એક ગૃહસ્થના ઘરમાં ચોર આવ્યો છે, માલિકને એની જાણ થતાં જ ચોર ભાગી જાય છે, એવી જ રીતે માયાને ઓળખી જવાથી તે ભાગી જાય છે. આ વિષયને અનુરૂપ ઠાકુરે કહેલી એક મજાની વાર્તા સાંભળો.

એક કુલગુરુને પોતાના શિષ્યને ત્યાં જવું હતું. પણ તેમનો સામાન ઉંચકનારો કોઈ મળતો નહોતો. આમતેમ તપાસ કરતાં આખરે તેને એક મોચી મળ્યો. બ્રાહ્મણે કહ્યું : ‘મારો સામાન ઉપાડીશ?’ તેણે કહ્યું : ‘મહારાજ, હું તો મોચી છું.’ બ્રાહ્મણને તો ખૂબ જરૂર હતી એટલે તેણે કહ્યું : ‘અરે, તું ચાલ તો ખરો. હું કોઈને ય નહીં કહું કે તું મોચી છે.’ મોચી આવવા સંમત થયો પણ તેણે કહ્યું : ‘પણ જો કોઈ મને કોઈ મોચી તરીકે ઓળખી જશે, તો હું તુરત જ ભાગી જઈશ.’ બ્રાહ્મણે કહ્યું : ‘ભલે.’ તેણે પોતાનો સામાન મોચીના માથે ચડાવ્યો ને બંને ચાલી નીકળ્યા. અને તે પોતાના બ્રાહ્મણ શિષ્યને ત્યાં આવી પહોંચ્યો. મોચી તો કોઈ જાણી જશે તો એ બીકનો માર્યો ઓસરીના છેવાડે ચુપચાપ બેઠો રહેતો.

એક દિવસ આ બ્રાહ્મણ શિષ્યના ઘરે આ સામાન ઉંચકનારને ઊંચી જાતિનો જાણીને બ્રાહ્મણે કહ્યું : ‘જરા પાણીનો લોટો આ બાજુ સરકાવી દે તો, મારે મોઢું ધોવું છે : આ સાંભળીને તે બીકનો માર્યો ગુમસુમ થઈ ગયો, લોટાને અડકવાની તેની હિમ્મત ચાલી નહીં. સંકોચને લઈને તે આજ્ઞાપાલનમાં વિલંબ કરવા લાગ્યો, તેમ તેમ પેલો બ્રાહ્મણ જોર-શોરથી તેને હુકમ કરવા લાગ્યો. તોય પેલાએ તેનો હુકમ માન્યો નહીં એટલે તે ભારે ગુસ્સે થઈને તેને કહેવા લાગ્યો : ‘અરે, તું શું મોચી છે? બ્રાહ્મણનું કહ્યું માનતો નથી તે?’ ત્યારે ધ્રૂજતાં ધ્રૂજતાં તેણે કહ્યું : ‘ઓ મહારાજજી, હું ઓળખાઈ ગયો છું, હું જાઉં છું.’ એમ કહીને તે દોડતો ભાગ્યો. અહીં પણ બરાબર એ જ વાત છે. માયાને ઓળખી લેવાથી જ માયા ભાગી જાય છે. પણ એક વાત છે; – જે માયા કામ-કાંચનમાં મોહ પમાડીને જકડી રાખે છે, તે છે, અવિદ્યા માયા. અવિદ્યામાયા જતાં વિદ્યામાયાનું રાજ્ય શરૂ થાય છે. આ રાજ્યનો કોઈ છેડો જ નથી. જેટલા દૂર, જ્યાં ક્યાંય જાઓ, વિદ્યામાયાનું રાજ્ય પૂરું થતું નથી. સાંભળ્યું છે કે સમાધિમાં જવાથી વિદ્યામાયાથી પર થઈ શકાય છે. પણ એ તો ઘણી દૂરની વાત થઈ. એનો મને કોઈ જ અનુભવ નથી. હું તો જોઉં છું કે બધો શક્તિનો જ ખેલ છે. સમગ્ર વિશ્વ-અખિલ બ્રહ્માંડ જ મા રાજરાજેશ્વરીનું રાજ્ય છે. મૂળ પરમા પ્રકૃતિ દ્વારા જ આ સૃષ્ટિ રચાઈ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એની જ આજ્ઞા પ્રમાણે કાર્ય કરે છે. જ્યારે તે આદિપુરુષ – એકેશ્વર અવતાર રૂપે આવે છે, તો તેમણે પરમા પ્રકૃતિમાંથી જ આવવું પડે છે. તેઓ તેની શક્તિથી શક્તિમાન બનીને લીલા કરે છે અને પછી એમની અંદર જ સમાઈ જાય છે. ઠાકુરના મુખે સાંભળ્યું છે :

અનંત રાધાકી હૈ માયા, નહીં કહીં કછુ જાય
કોટિ કોટિ હો રામકૃષ્ણ ફિર જિસ મેં જાય સમાય.

ઠાકુર કહેતા કે પ્રત્યેક અવતાર આ મહાશક્તિના સાગરનો ફક્ત એક-એક પરપોટો જ છે!

આ સૃષ્ટિમાં તમે જે કંઈ જુઓ છો કે સાંભળો છો, જાણો છો કે કલ્પના કરો છો, સર્વ કંઈ આ પરમા પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયું છે અને એ પ્રકૃતિ જ બધાંની અંદર રહેલી છે. એ જ દેહ છે ને પાછી એ જ દેહમાં રહેનાર જીવ પણ છે, એ જ છે યંત્ર ને પાછી એ જ છે. યંત્રી, એ જ છે રથને પાછી એ જ છે રથી, એ જ છે પુરુષને પાછી એ જ છે પ્રકૃતિ, એ જ છે શિવને પાછી એ જ છે શિવાની.

પાઠક : મહાશય, આપની વાતો ઘણી જ વિચિત્ર અને રહસ્યમય છે. થોડા સમય પહેલાં આપે આત્માને સર્વેસર્વા કહ્યો હતો અને હવે શક્તિને સર્વેસર્વા કહો છો. જેની શક્તિ છે, એને તો તમે પાછળ રાખી દો છો અને શક્તિને જ સર્વોપરી બતાવો છો. વળી એક વધારે વાત, જો પ્રકૃતિ-શક્તિ જ આધાર-આધેય અને બધી જ સૃષ્ટ વસ્તુઓ હોય તો પછી પુરુષનું શું?

ભક્ત : રામકૃષ્ણદેવ કહેતા હતા, ગુરુની કૃપાથી જ્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ કે આત્મદર્શન નથી થયું ત્યાં સુધી ઈશ્વરીય તત્ત્વ ખૂબ જટિલ અને દુર્બોધ બની રહે છે. ઈશ્વરની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પોકાર, પ્રાર્થના અને દોડધામ પૂરા થતાં નથી. પરંતુ એકવાર ઈશ્વરદર્શન કે આત્મદર્શન થવાથી અંતર્જગત અને પરમ તત્ત્વ સૂર્યપ્રકાશની જેમ પ્રત્યક્ષ થતાં બધું સ્પષ્ટ થઈ જાય છે અને તમામ સંશયો નિર્મૂળ થઈ જાય છે.

તે અનાદિ, અખિલ, એકેશ્વર, પછી ભલે તે ગમે તે નામથી ઓળખાય, પરંતુ એક સિવાય બીજું કંઈ જ નથી. એની બે અવસ્થા છે. એક નિત્ય અને બીજી લીલા. નિત્યની અવસ્થામાં તેની ઉત્પત્તિ, સ્વરૂપ વિષે કોઈ જાણી શકતું નથી. ફક્ત તે પોતે જ જાણે છે. આટલું કહેવામાં જ નિત્ય અવસ્થાની વાત થઈ જાય છે. પરંતુ લીલાની અવસ્થામાં તે એક જ એટલાં અગણિત રૂપો બન્યા છે કે તેને જે કહેવું હોય તે કહો પણ તે તે જ છે. અને તે અવસ્થામાં જોવાની, સાંભળવાની, બોલવાની એટલી બધી વાતો છે કે યુગો સુધી તમે જુઓ, સાંભળો, બોલો તો પણ તમે તેનું સોમાં ભાગનું વર્ણન પણ પૂરું કરી શકો નહીં.

(ક્રમશ:)

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.