જે પુરુષ છે, તે જ પ્રકૃતિ છે. એક જ બે બન્યા છે. પરંતુ બંનેમાં કોઈ તફાવત નથી. બંને મળીને એક જ છે. ફક્ત લીલા કે સૃષ્ટિ માટે તેઓ એકમાંથી બે બન્યા છે. તે કઈ રીતે જાણો છો? જેવી રીતે એક ચણો પાણીમાં રાખવાથી બે દાણામાં વહેંચાય જાય છે અને તેના પરિણામે એ બે દાણાની વચ્ચેથી અંકુર ફૂટે છે, એ જ રીતે એક જ તત્ત્વ પુરુષ અને પ્રકૃતિના રૂપમાં વિભક્ત થઈને જગતની ઉત્પત્તિનું કારણ બન્યું છે. પરમાત્મા અથવા બ્રહ્મ પોતાના સ્વરૂપમાં પછી ભલે ગમે તે અવસ્થામાં હોય, પરંતુ લીલામાં એટલે કે સૃષ્ટિ સર્જનમાં તેમને શક્તિની જરૂર પડે છે. જેમકે માત્ર માટીથી જ ઘડવાનું કામ નથી થતું પણ તેમાં પાણી ભેળવવું પડે છે, એ જ રીતે લીલામાં એકલા બ્રહ્મથી કામ નથી થતું, એમાં શક્તિની વિશેષ જરૂર રહે છે. તે એક જ તત્ત્વ લીલામાં એક રૂપે પુરુષ છે. તો બીજા રૂપે પ્રકૃતિ છે. તત્ત્વમાં કોઈ જ ભેદ નથી. પરંતુ લીલામાં જુદી જુદી સ્થિતિ પ્રાપ્ત કરીને તે અલગતાનો દેખાવ કરે છે. જેમકે લોટ દળવાની ઘંટીમાં શું છે? બે ગોળ પથ્થર. એક ઉપર અને બીજો નીચે. નીચેના પથ્થરની બરાબર વચ્ચે લાકડાની એક ખીલડી હોય છે અને ઉપરના પથ્થરની બરાબર વચ્ચે એક કાણું હોય છે. ખીલડી પર કાણાંને બરાબર બેસાડીને બંને પથ્થરોનાં ઘર્ષણથી અનાજ દળાય છે અને આપણને લોટ મળે છે એ જ રીતે એક જ તત્ત્વનાં બે રૂપોનું પાછું એક સાથે કાર્યમાં સંયોજન થવાથી તે કાર્યફળ રૂપે સૃષ્ટિ સર્જાઈ છે. તમે તેને કેવળ પુરુષ પણ કહી શકો કે કેવળ પ્રકૃતિ પણ કહી શકો છો. જ્યારે તે પુરુષ અને પ્રકૃતિ આ બંને રૂપોમાં રમમાણ હોય છે, ત્યારે તેની લીલાની અવસ્થા હોય છે. લીલામાં પુરુષ કરતાંય વિશેષ પ્રકૃતિનો ખેલ જોવામાં આવે છે. આ વિષે ઠાકુરની દૃષ્ટાંત કથા છે :

ઘરનો માલિક મોટી ઉંમરનો અને હુક્કાનો શોખીન, ઓસરીમાં બેઠો બેઠો હુક્કો જ પીધા કરે છે. જાણે હુક્કો પીવો એ જ એનું કામ છે! તે કંઈ વાતચીત પણ કરતો નથી. જો ક્યારેક બોલવું પડે તો વધારેમાં વધારે ‘હા-હું’ એટલું જ બોલી દે છે. ઘરનું સઘળું કામકાજ કરવાનું અને બધી દેખભાળ રાખવાનું કામ તેની પત્ની એટલે કે ઘરની માલિકણ કરે છે. માલિકણ ખૂબ ચતુર છે. જે કંઈ કરવાનું છે, તે બધું જાણે છે અને કર્યા કરે છે. ફક્ત માલિકની સંમતિ લેવા માટે તેને એકવાર પૂછી લે છે. માલિકણ ભલે ગમે તેટલી કુશળ અને ચતુર હોય તો પણ માલિકને પૂછ્યા વગર કામ કરતી નથી અને એ માટે બીજો કોઈ ઉપાય પણ નથી. કામની બધી મુશ્કેલીઓ તે માલિકની સમક્ષ રજૂ કરી જાય છે. માલિક બધું સાંભળીને જવાબ આપે છે : ‘હું’. માલિકનો ‘હું’ સાંભળીને તે પાછી ચાલી જાય છે ને કામ કરવા મંડી પડે છે. તે બધા પર હુકમ ચલાવે છે ને બધા પાસે કામ પણ કરાવડાવે છે. કામ કરવાવાળા લોકો તો માલિકણને જ સર્વેસર્વા જુએ છે અને માને છે. માલિક છે કે નહીં એની કંઈ ખબર એમને પડતી નથી. અહીં લીલાના ક્ષેત્રમાં પણ એ જ વાત છે. ફક્ત શક્તિની જ બોલબાલા દેખાય છે. રમતમાં એ જ મુખ્ય જણાય છે. લીલામાં રાજરાજેશ્વરી શક્તિનું જ રાજ્ય અને પ્રભુત્ત્વ છે. ઘંટીના બે પથ્થરોમાંથી નીચેનો પથ્થર તો સ્થિર જ હોય છે. કામ તો ઉપલો પથ્થર કરે છે. એ જ રીતે લીલાના ક્ષેત્રમાં પુરુષની કેવલ હાજરી જ માત્ર હોય છે. આખી યે રમત તો માત્ર શક્તિની જ જણાય છે. જ્યાં સુધી મન છે, ત્યાં સુધી અહંકાર છે. ત્યાં સુધી શક્તિના રાજ્યની અંદર રહેવું પડે છે. પણ એનાથી પર એટલે કે જ્યારે મનનો નાશ થાય છે, અહંનો નાશ થાય છે, પછી શું અવસ્થા થાય છે, અને કેવી સ્થિતિ હોય છે, એ વિષે હું કંઈ કહી શકું તેમ નથી.

પાઠક : તે ક્યારે ઘરમાલિક હોય છે અને ક્યારે માલિકણ?

ભક્ત : નિર્ગુણ અવસ્થામાં તે માલિક હોય છે અને સગુણ અવસ્થામાં માલિકણ. તે એકમેવંનાં જ આ બે સ્વરૂપો છે. જે નિર્ગુણ છે, તે સગુણ છે. નિર્ગુણનો આસ્વાદ થઈ શકતો નથી. જ્યારે સગુણનો આસ્વાદ થઈ શકે છે.

પાઠક : દેહત્યાગ બાદ જીવાત્મા બીજું શરીર ધારણ કરે છે તે અને પરલોકની વાતને શું આપ માનો છો?

ભક્ત : ચોક્કસ માનું છું. આ લોકને પરલોકને તો માનું જ છું. સાથે સાથે એ પણ માનું છું કે જે રીતે વસ્તુ પોતાની છાયાને સાથે લઈ જાય છે, એવી રીતે જીવાત્મા પણ એક જન્મનાં કર્મફળ અને સ્વભાવને સાથે લઈને પુનર્જન્મ પ્રાપ્ત કરે છે. આ પરમ રહસ્યમય વાતને સમજાવવા માટે ઠાકુરે એક વાર્તા કહી છે તે સાંભળો. – એક રાજા હતો, તેને ચાર દીકરા હતા. આ રાજકુમારો રાજમહેલમાં જ રહેતા અને ત્યાં જ રમતા રહેતા. એક દિવસ આ રાજકુમારો અને સેવકોના છોકરાઓ સાથે રમવા માટે ભેગા થયા. રાજાના મોટા કુંવરે બધાંને કહ્યું : ‘આવો ભાઈઓ, હું રાજા છું.’ બીજા નંબરના રાજકુમારે કહ્યું : ‘હું પ્રધાન છું.’ ત્રીજાએ કહ્યું: ‘હું સેનાપતિ છું.’ રાજા ઊંચા આસને બેઠો. પ્રધાન હાથ જોડીને તેની સામે ઊભો રહ્યો. અને સેનાપતિ બીજા છોકરાઓને સૈનિક બનાવીને, પોતે સેનાપતિ રૂપે રાજાની સલામ કરીને ઊભો રહ્યો. સૌથી નાના રાજકુમારે આ રમત જોઈને કહ્યું કે હું આ રમત નહીં રમું. નાનાભાઈની અનિચ્છા જોઈને મોટાભાઈએ પૂછ્યું : ‘તો તું શું રમવા ઇચ્છે છે?’ ‘તમે ઊંધા સૂઈ જાવ, હું તમારી પીઠ ઉપર કપડાં ધોઈશ.’ નાનાભાઈએ કહ્યું. ‘આ વાર્તા પૂરી કરતાં ઠાકુરે જણાવ્યું હતું કે ‘એ જે નાનો દીકરો હતો તે પૂર્વજન્મમાં ધોબી હતો. કર્મફળને લઈને રાજાને ત્યાં જન્મ્યો હતો. પરંતુ કપડાં ધોવાના જે પૂર્વજન્મના સંસ્કાર હતા તે આ જન્મમાં પણ પ્રબળ હતા.’

સુગંધી તેલ જોયું છે? જેમકે ચમેલીનું તેલ. ચમેલીના સુગંધી-કણોની તેલની સાથે રાસાયણિક પ્રક્રિયા થવાથી ચમેલીનું તેલ બને છે. તેલમાં કંઈ ફૂલનો આકાર રહેતો નથી, અને છતાં ચમેલી નાશ પણ પામતી નથી, તે તેલમાં હોય છે જ. ચમેલીની સુગંધ જ એનું સારતત્ત્વ છે. પહેલાં એ સારતત્ત્વનો આધાર ફૂલ હતું, હવે તેલ છે. ચમેલીના તેલ સ્વરૂપમાં પણ જેમ ચમેલીની જ સુગંધ અને ગુણ હોય છે, એ જ રીતે પહેલાંના શરીરને બદલીને બીજું શરીર ધારણ કરવાથી નવા શરીરમાં પહેલાંનો સ્વભાવ હોય છે.

પાઠક : કર્મ અને સ્વભાવનું કારણ શું છે?

ભક્ત : વાસના, પ્રવૃત્તિ, ભોગવિલાસ કે ઈંદ્રિય-સુખની આકાંક્ષા, એ કર્મ અને સ્વભાવનું કારણ છે. લોકોને કહેતા સાંભળ્યા છે કે જપ-તપ કરવાથી શું વળે? ખરેખર તો મરવાનું જાણવું જોઈએ.’ એનો ખરો અર્થ એ છે કે જીવ જો દેહત્યાગ સમયે વાસનાઓ સાથે મરે છે તો એ બધી વાસનાઓને ભોગવવા માટે પાછો જન્મ લેવો જ પડે છે. પણ જો તે ભગવાનનું નામ લેતાં લેતાં, એનું સ્મરણ કરતાં કરતાં શરીર છોડે છે, તો તેને પાછું આવવું પડતું નથી. મુખથી, મનથી ભગવાનના નામના અવિરત જપ, એમનાં સ્મરણ – મનનનો અભ્યાસ કરવો, એ સાધના છે. સાધનાનો ઉદ્દેશ્ય એ છે કે અંતિમ સમયે એમનું સ્મરણ રહે. મેં તમને પહેલાં જ કહ્યું છે કે અવિદ્યામાં ડૂબેલું મન, ભ્રમિત અને અસત્‌ બુદ્ધિને લઈને સતત સંકલ્પ -વિકલ્પ કરતું રહે છે અને કેવી રીતે પૈસા કમાવા, કઈ રીતે માન મેળવવું, પુત્ર-પરિવાર ઘર-સંપત્તિની વૃદ્ધિ કઈ રીતે થાય – આ બધાં ભૌતિક સુખોની સતત કામના કરતું રહે છે. ઊંઘમાં પણ આ દોડધામ મનમાં ચાલતી જ રહે છે. જો તમે આ બાબતમાં ઊંડા ઊતરીને વિચાર કરશો તો જોશો કે કુંભારના ચાકડાની જેમ કલ્પનાઓનો ચાકડો દિવસ-રાત ફરતો જ રહે છે. એનું ફરવાનું બંધ થવું જોઈએ. એને જ નિવૃત્તિ કહે છે. એ પ્રાપ્ત કરવા માટેના બે ઉપાય છે. પહેલો ને મુખ્ય ઉપાય છે, – ભગવાનનું નામ લેવું, એમની સેવા કરવી, સાધુસંગ કરવો. તત્ત્વવિચાર કરવો, થોડા થોડા સમયે નિર્જન એકાંતમાં જઈને તેનું નામ-સ્મરણ કરવું અને ભગવાનને પ્રાર્થના કરવી.

પાઠક : પ્રાર્થનામાં શું કહેવું? શું બોલીને પ્રાર્થના કરાય?

ભક્ત : કહેવું પડશે કે ‘હે ભગવાન, તમારા સિવાય મારું કોઈ જ નથી. જેટલાં છે, તે બધાં તો બે-ચાર દિવસ માટેનાં છે.’ વળી કહેવું પડશે,  – ‘મને ભક્તિ આપો. ભક્તિ સિવાય મારે બીજું કંઈ જ જોઈતું નથી. ભક્તિની શક્તિથી મારું મન હંમેશા તમારાં ચરણકમળમાં જ લાગેલું રહે.’

પાઠક : નિવૃત્તિ માટેનો બીજો ઉપાય ક્યો છે?

ભક્ત : નિત્ય અને અનિત્ય અથવા સત્‌ અને અસત્‌ વસ્તુનો વિચાર. આ વિષે ઠાકુરનો ઉપદેશ છે કે નાની-નાની વાસનાઓને તો ભોગવી લો, પણ મોટી વાસનાઓને વિચાર દ્વારા મનમાંથી દૂર કરો. પ્રવૃત્તિને નિવૃત્તિ બનાવવાનું નામ જ (ઠાકુરના શબ્દોમાં) મનની દિશા ફેરવવાનું છે. મન જઈ રહ્યું હતું, મેટિયાબુર્જ બાજુ, તેને દક્ષિણેશ્વર બાજુ ફેરવી દેવાનું, એ જ છે દિશા બદલવી. મનની દિશા બદલવા માટે પોતાનો સાથી બદલીને બીજો સંગાથી લેવો પડશે. મને જે સંકલ્પ કર્યો એનાથી વિપરિત સંકલ્પ મૂકવો પડશે. જે કામમાં મન લાગેલું હોય, ત્યાંથી તેને હટાવીને બીજાં કામમાં લગાડવું પડશે. અહીં તમને એક વાત જણાવી દઉં કે મન જ બધી મુશ્કેલીઓનું મૂળ છે. મનના બદલવાથી બધું જ બદલાઈ જશે. એકલું મન જ મદારીના માંકડાની જેમ શરીરને બધાં પ્રકારનાં કામોમાં નચાવતું ફરે છે. તે જે કહે છે, તેમ શરીરને કરવું પડે છે. મનને કહેવું પડશે કે ‘ભાઈ એ બાજુ ન જા. એ બધી વસ્તુની ઇચ્છા ન કર, એને મેળવવાનો વિચાર પણ ન કર, અને એ બધાંની સાથે રહેવાનું છોડી દે. વળી કહેવું પડશે. આ બાજુ આવ, ચિંતન કર. અહીં રહે.’ – આનું નામ છે દિશા બદલવી. પ્રવૃત્તિમાર્ગની જેમ જ નિવૃત્તિમાર્ગમાં પણ સંકલ્પ છે, સંગ છે અને કાર્ય છે. પણ પ્રવૃત્તિમાર્ગમાં જે પ્રકારનાં સંગ, સંકલ્પ ને કાર્ય છે, એના કરતાં જુદી પ્રકૃતિનાં કાર્ય નિવૃત્તિમાર્ગમાં છે, બસ એટલો જ તફાવત છે.

મન વિષે ચર્ચા કરતાં મેં જણાવ્યું હતું કે મનનો સ્વભાવ જ છે કે વિષયોમાં સોળઆના ડૂબેલું રહે છે. જેમ માછલી પાણી વગર જીવી શકતી નથી એમ મન પણ વિષય વગર રહી શકતું નથી. પરંતુ જો કોઈપણ રીતે તેને વિષયોમાંથી હટાવીને ભગવત્ચર્ચામાં વાળી શકાય તો પછી તે અગાઉના વિષયોમાં જવા ઇચ્છશે નહીં. ઘોર પ્રવૃત્તિમાંથી તેને વાળીને નિવૃત્તિના રસ્તે જો લઈ જવામાં આવે તો પછી તે પ્રવૃત્તિ તરફ નહીં જાય. ભલે કદાચ લાંબા સમયના સ્વભાવને લઈને એકાદવાર જાય પણ તરત જ તે પાછું ફરી જશે અને જાણે ઘણા વેગથી નિવૃત્તિના પથે દોડવા લાગશે. એ જોતાં એવું જણાશે કે જાણે તે થોડા શક્તિ સંચય કરવા માટે એકવાર પ્રવૃત્તિના માર્ગે ગયું હતું.

(ક્રમશ:)

Total Views: 76

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.