(તા. ૨૦-૯-૨૦૦૮ ને શનિવારના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિર નીચેના હોલમાં ‘વરિષ્ઠ સંન્યાસીના સંભારણા’ વિષય પર સ્વામી સુહિતાનંદજી મહારાજે આપેલ હિંદી પ્રવચનનો કુસુમબહેન પરમારે કરેલ ભાવાનુવાદ આપવામાં આવેલ છે. – સં.)

સ્વામીજી જ્યારે ભારત પરિભ્રમણ કરતા હતા ત્યારે ગુજરાતમાં છ મહિના કરતા ય વધારે સમય માટે રહ્યા હતા. સ્વામીજી કોઈ સ્થળે આટલા દીર્ઘસમય માટે રોકાયા ન હતા. સ્વામીજી ગુજરાતમાં લાંબા સમય સુધી શા માટે રહ્યા? સ્વામીજીને ભારતની પરિસ્થિતિમાં કંઈક સુધારણા કરવી હતી અને તે માટે કોઈ સાધનની આવશ્યકતા હતી. તેમના મનમાં આશા હતી કે રાજાઓ, દિવાનો વગેરે અગ્રણીઓ સાથે મુલાકાત કરવાથી વિચારોનું આદાન-પ્રદાન થશે. તેમની સહાયથી હું કંઈક સુધારો લાવીશ. પરંતુ રાજાઓની પણ કેટલીક મર્યાદાઓ હતી. રાજાઓને અંગ્રેજ શાસનને લીધે મુશ્કેલીઓ પડતી અને પોતાની અંગત ભોગ-વિલાસની મર્યાદાઓ પણ હતી. તદુપરાંત સ્વામીજી જ્યારે રાજમહેલોમાં મળતા ત્યારે બ્રિટીશ સરકારની ચાંપતી નજર સ્વામીજી પર રહેતી. સ્વામીજી શા માટે રાજમહેલોમાં રાજવીઓને મળવા જાય છે અને રાજાઓનો ઘનિષ્ઠ સંપર્ક કેમ ધરાવે છે? બ્રિટીશ પોલીસની નજરથી બચવા સ્વામીજીને ક્યારેક ક્યારેક છૂપાઈને રહેવું પડતું હતું. સ્વામીજી મોટેભાગે બુદ્ધિજીવીઓ પાસે જતા. તેમને આશા હતી કે બુદ્ધિજીવીઓ તેમને કંઈક મદદ કરશે. પરંતુ સ્વામીજીએ જોયું કે બુદ્ધિજીવીઓ સ્વાર્થી હતા. તેઓ પોતાના કેરિયર સિવાય કંઈ વિશેષ કરવા ઇચ્છતા ન હતા. સ્વામીજીએ નક્કી કર્યું કે હવે કંઈક બીજો ઉપાય શોધવો પડશે તેથી તેઓ વિદેશમાં નીકળી ગયા. ત્યારબાદ તેમને એક પ્રલોભન આવ્યું. તેમના મનમાં એક સંસ્થા અર્થાત્‌ સંગઠિત સંઘ ઊભા કરવાનો વિચાર દૃઢ થયો, સંઘ શા માટે બનાવવો જોઈએ એ વિશે પોતાનો અભિપ્રાય સ્વામીજીએ ઓલીબુલને લખેલ પત્રમાં વ્યક્ત કર્યો છે. તેમણે એક પત્રમાં લખ્યું હતું કે – હું એક કાસ્કેટ – તિજોરીની શોધમાં છું.

મારી પાસે એક અમૂલ્ય રત્ન છે તેને હું એક પટારામાં રાખવા ઇચ્છું છું. એ અમૂલ્ય રત્ન શ્રીઠાકુરનો સ્વાનુભાવપૂર્ણ આધ્યાત્મિકભાવ છે. સ્વામીજી તેને પટારામાં અર્થાત્‌ સંઘમાં સુરક્ષિત સ્થાપવા ઇચ્છતા હતા. સ્વામીજીએ અનુભવ્યું હતું કે ઠાકુરજીના ઉદાત્ત ભાવને ઘણા લોકો સમજી શકતા ન હતા તેથી તેમણે વિચાર્યું કે નવલોહિયા યુવાનોને હું એકઠા કરીશ અને સંઘરૂપી તિજોરીમાં શ્રીરામકૃષ્ણ ભાવધારારૂપી રત્નને સાચવીશ. યુવાન સંન્યાસીઓ સંઘમાં રહીને એનું જતન કરશે. સ્વામીજી, રવિન્દ્રનાથ ટાગોર અને અરવિંદ વગેરેનાં મૌલિક ચિંતનો હતા. દરેક માણસને પોતાના આગવા વિચારો હોય છે. તે સમયના મહાનુભાવોએ પોતાની મૌલિક વિચારધારાથી દેશમાં કંઈક સુધારણા કરવા ઇચ્છતા હતા. રવિન્દ્રનાથ અને અરવિંદની કેવી કફોડી સ્થિતિ થઈ હતી. અરવિંદની વિચારધારા માંડ માંડ સરકારની સહાયથી ચાલી. જ્યારે રામકૃષ્ણ મિશનને સરકારની સહાય નહિ પરંતુ વિરોધનો સામનો કરવો પડયો હતો. રામકૃષ્ણ મિશનનો ઇતિહાસ જોઈએ તો જાણવા મળે છે કે સ્વાતંત્ર્ય સંગ્રામના દિવસોમાં મિશનને સરકારની ડખલગીરી સહેવી પડી હતી. ક્યારેક તો સંઘ સંચાલન પણ કપરું નીવડતું, તેમ છતાંય ગમે તેવી સ્થિતિમાં સંઘે પોતાના આદર્શને ટકાવી રાખ્યો હતો. સંઘનો અર્થ મકાન – રૂપિયા વગેરે નથી. સંઘનો અર્થ છે સંન્યાસીઓ અને નિષ્ઠાવાન નક્કર ભક્તો. તેઓ જ સંઘની યથાર્થતા છે. સ્વામીજીના સંઘમાં સંન્યાસીઓ અને ભક્તો બંને મળીને રામકૃષ્ણ ભાવધારારૂપી અમૂલ્ય રત્નનું રક્ષણ કરે છે. અમને હાલમાં એક પત્ર મળ્યો છે તેમાં એક પ્રશ્ન પૂછ્યો છે.

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોનાં જીવન વિશે પુસ્તકો પ્રકાશિત થવા જોઈએ કે નહિ? અમારા સંઘમાં અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ મહારાજના દેહાંત બાદ તેમના જીવન વિશે થોડી માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. તેમની નાની પુસ્તિકા બહાર પડે, ત્યારબાદ અમે એ બાબતમાં બહુ ધ્યાન આપતા નથી.એ અમારી પરંપરા છે. એ પત્રમાં એક સૂચન હતું કે ઠાકુરનાં સાક્ષાત્‌ શિષ્યો પછીના સંન્યાસીઓ વિશે પુસ્તકો બહાર પડવા જોઈએ; જેમકે વિરજાનંદ, શંકરાનંદ, વિશુદ્ધાનંદ, પ્રેમેશાનંદ, શાંતાનંદ મહારાજ વગેરે સંન્યાસીઓનું સંઘ માટે મોટું પ્રદાન રહ્યું છે. તેથી તેમના જીવન વિશે કંઈક બહાર પડે તે ઇચ્છનીય છે. સ્વામીજીઓ આ અંગે વિચાર-વિમર્શ કરશે. હજુ કંઈ નિર્ણય કર્યો નથી. પરંતુ અમને  એમ પણ સમજાયું છે કે અમારી પરંપરાની જાળવણી માટે તેમના જીવન વિશે ચર્ચા કરવી આવશ્યક છે.

હું સ્વામી રંગનાથાનંદજી મહારાજની એક વાત કહીશ. તેઓ આપણા સંઘના તેરમા અધ્યક્ષ હતા. તેઓ જ્યારે ઉપાધ્યક્ષ હતા ત્યારે દેશ-વિદેશોમાં ઘણી જગ્યાએ પ્રવચનો આપવા જતો. કોન્વોકેશન કલ્ચરલ એમ્બેસેડર ઓફ ઈન્ડિયા વગેરે પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં તેઓ પ્રવચન આપતા અને મહારાજને વિશ્વ વિખ્યાત વિભૂતિ તરીકે નામના મળી હતી. એક વખત તેઓએ આ બધી પ્રવૃત્તિઓને એક મહિના સુધી સ્થગિત કરી દીધી અને હરિદ્વારના કનખલમાં નિવાસ કરવા લાગ્યા. ત્યારે હરિદ્વાર જવાની તક મને પણ મળી હતી. કનખલમાં એક વખત બપોરના ભોજન બાદ હું તેમની પાસે ગયો અને આસ્તેથી મહારાજની પગચંપી કરવા લાગ્યો – થોડા વખત પછી મેં મહારાજને ધીમેથી પૂછ્યું, ‘મારા મનમાં એક પ્રશ્ન છે, આપ સંમતિ આપો તો પૂછું.’ મહારાજે પ્રશ્ન પૂછવાની અનુમતિ આપી. મેં કહ્યું : ‘મહારાજ અત્યારે તો આપ વિશ્વવિખ્યાત વ્યક્તિ થઈ ગયા છો. આપ વિદેશની વિદ્યાપીઠો જેવી કે પીન્સ્ટોન, મોસ્કો વગેરે યુનિવર્સિટીમાં ભાષણ આપ્યા છે. ધારો તો આપ સ્વતંત્ર રીતે ફરી શકો તેમ છો. આપને શું હજુ પણ સંઘની જરૂરત છે? પ્રશ્ન સાંભળતા જ મહારાજ એકદમ ઊભા થઈ ગયા અને બોલ્યા : ‘તમે આ શું કહો છો? સંઘ વગર તો હું ઝીરો છું. મારી કોઈ કિંમત જ નથી. મારું જે કંઈ છે તે સંઘનું જ પ્રદાન છે. મહારાજનું જીવન કેવું ભવ્ય છતાં સરળ સ્વભાવથી કેવા અદ્‌ભુત સંઘનિષ્ઠ હતા!

સ્વામી રંગનાથાનંદજી રામકૃષ્ણ મઠ-મિશનના અધ્યક્ષ બન્યાને હજુ થોડા દિવસો જ વિત્યા હતા. એક વખત બપોરે ત્રણ વાગે તેઓ સ્વામી બ્રહ્માનંદજીના મંદિરથી શ્રીમાના મંદિર સુધી પાયચારી કરતા હતા. એ સમયે બેલુરમઠમાં ભક્તોની આવન-જાવન હોતી નથી. તેથી બધાં જ મંદિર પાસે અત્યંત નીરવતા હતી. મેં દૂરથી મહારાજને જોયા. હું તેમની પાસે ગયો. તેમણે મને કહ્યું : ‘જુઓ, મને તો તમે પ્રેસિડન્ટ બનાવી દીધો પરંતુ બેલુરમઠમાં આવીને રહેતા મારા મનમાં એવો ભાવ આવે છે કે જાણે હું એક નાનો બ્રહ્મચારી છું અને ગઈકાલે જ સંઘમાં જોડાયો છું. પ્રેસિડન્ટ થયા છતાં પણ તેમનો આંતરિક ભાવ કેવો ઋજુ, નમ્ર્ર અને મુગ્ધ છે!

સ્વામી રંગનાથાનંદજીની મહાસમાધિ પહેલા લગભગ એક મહિના અગાઉ તેઓ કહેતા, હું ફરી જન્મ લઈશ. રામકૃષ્ણ સંઘમાં બ્રહ્મચારી બનીને ફરી ગુરુમહારાજની સેવા કરીશ. મારે મુક્તિની જરૂર નથી. ભાગવતમાં કહ્યું છે કે જેઓ હૃદયની વિશાળતા પામે છે તેમને કૈવલ્યની જરૂર નથી.

હવે હું સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજની વાત કહીશ. હું જ્યારે પ્રેમેશાનંદજી મહારાજનો સેવક હતો ત્યારે પ્રેમેશાનંદજી મહારાજની આંખના જામરનું ઓપરેશન કોલકાતામાં થયું હતું પરંતુ ઓપરેશન સફળ ન રહ્યું અને આંખે અંધાપો આવ્યો. તદુપરાંત તેમને ડાયાબિટીસ, હૃદયરોગ, લકવા વગેરે તકલીફ હતી. તેને કારણે તેઓ પરવશ થઈ ગયા હતા. સ્વામી વીરેશ્વરાનંદજી (પ્રભુ મહારાજ) ત્યારે જનરલ સેક્રેટરી હતા. તેઓ સ્વામી પ્રેમેશાનંદજીને હોસ્પિટલમાં મળવા ગયા હતા અને સ્વામી પ્રેમેશાનંદજીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા પછી ક્યાં મોકલવા તે અંગે ચર્ચા કરવા લાગ્યા. તેમણે મહારાજને કહ્યું કે આપ સારગાચ્છી મેડિકલ કોલેજમાં જવા ઇચ્છતા હો તો હું ત્યાં મોકલવાની વ્યવસ્થા કરું. આપની ઇચ્છા હોય તો બેલુરમઠમાં રાખું. આપની ઇચ્છા હોય તો વારાણસીમાં મોકલું. આપ જેમ ઇચ્છશો તેમ થશે. સ્વામી પ્રેમેશાનંદજી મહારાજે જવાબ આપતા કહ્યું, મહારાજ, મને આ કોઈ સ્થળે જવાની ઇચ્છા થતી નથી. મારી તો એક જ ઇચ્છા છે કે મને ઋષિકેશ મોકલી દયો. હું ત્યાં રહીશ અને અન્નક્ષેત્રમાંથી ભિક્ષા કરીશ અને ઈશ્વરનું નામ લઈશ. પછી પ્રભુ મહારાજ સમજી ગયા અને બોલ્યા – ‘સારું આપને કંઈ વિચારવાની જરૂર નથી. હું આપના માટે યોગ્ય વ્યવસ્થા કરીશ આ પ્રસંગથી તેઓનો પરસ્પરનો પ્રેમ અને આત્મીયતા કેવી ગાઢ હતી તે સમજી શકાય છે.

સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ જ્યારે દશમા પ્રેસિડન્ટ બન્યા ત્યારબાદ વારાણસીમાં સ્વામી પ્રેમેશાનંદજીને મળવા ગયા. મહારાજને આંખથી દેખાતું ન હતું તેથી તેમની શય્યા ભૂમિ પર જ રહેતી, સ્વામી પ્રેમેશાનંદજી મહારાજના ઓરડામાં પ્રેસિડન્ટ મહારાજ માટે ખુરશી ગોઠવવામાં આવી હતી. સ્વામી વીરેશ્વરાનંદજી (પ્રભુ મહારાજ) વારાણસીમાં આવ્યા. સીધા મંદિરમાં શ્રીઠાકુરને પ્રણામ કરીને સ્વામી પ્રેમેશાનંદજીના ઓરડામાં ગયા અને મહારાજને કહ્યું : ‘હું આવ્યો છું. હું પ્રભુ બોલું છું. પ્રેમેશાનંદજી તો પ્રભુ મહારાજને જોઈ શકતા નથી. તેથી તેઓ બોલ્યા : આપ ક્યાં છો? આપનાં ચરણમાં પ્રણામ કરવા છે. પ્રભુ મહારાજે કહ્યું. ના, ના એની જરૂર નથી. હું પ્રણામ કરીશ. બંને વચ્ચે આ રીતે વાતચીત થઈ પછી પ્રભુ મહારાજ સ્વામી પ્રેમેશાનંદજી મહારાજની પાસે બેઠા અને બંને એ એકબીજાના હાથ પકડી રાખ્યા. તેમના ઓરડામાં લગભગ ત્રીસેક સંન્યાસીઓ હતા. ઓરડામાં નીરવ શાંતિ છવાઈ હતી. બંને થોડા વખત ચૂપચાપ આમ બેઠા રહ્યા. ત્યારબાદ પ્રેમેશાનંદજીએ કહ્યું : ‘ઘણો વખત વીતી ગયો છે હવે તમારા ઓરડામાં જઈને આરામ કરો.’ આવો ગાઢ સંબંધ પરસ્પર હતો.

સ્વામી માધવાનંદજી મહારાજનો એક પ્રસંગ યાદ આવે છે. તેઓ પ્રેસિડન્ટ થયા ત્યારબાદ સારગાચ્છી આવ્યા હતા. સ્વામી પ્રેમેશાનંદજીને માધવાનંદજીએ પૂછ્યું: ‘મહારાજ, ઠાકુરે મને કેમ આટલી તકલીફ

આપી? મને શા માટે પ્રેસિડન્ટ બનાવ્યો? મેં તો ઠાકુરને કોઈ દિવસ કંઈ તકલીફ આપી નથી.’ ત્યારે સ્વામી પ્રેમેશાનંદજીએ કહ્યું: ‘હા, તમે ઠાકુરને હેરાન નથી કર્યા. પરંતુ અમે ઠાકુરને હેરાન કર્યા છે. તેથી તમારે પ્રેસિડન્ટ થવું પડ્યું. અમે ઇચ્છતા હતા કે તમે પ્રેસિડન્ટ બનો.’ ત્યારબાદ સ્વામી માધવાનંદજી પોતાના ઓરડામાં ચાલ્યા ગયા.

સ્વામી વિશુદ્ધાનંદજીની એક વાત કહું છું. હું સ્વામી પ્રેમેશાનંદજીની સેવા કરતો એટલે મને પ્રત્યક્ષ દર્શી થવાનું સૌભાગ્ય મળ્યું છે. સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ ઠાકુર મંદિરમાં જતા. પછી સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ પાસે આવતા અને થોડી વાતચીત કરતા. સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ ખૂબ વરિષ્ઠ હતા. તેથી સ્વામી પ્રેમેશાનંદજી તેમને પ્રણામ કરતા. સ્વામી વિશુદ્ધાનંદજી કહેતા, ‘જુઓ, ભક્તોને  દીક્ષા આપતી વખતે મારા મનમાં ખૂબ ઉત્સાહ રહેતો. મારામાં તો કોઈ પ્રકારની ગુરુબુદ્ધિ નથી. હું તો ઠાકુરનો સેવક-ઠાકુરજીનો નાનો એવો નોકર. મારા માધ્યમ દ્વારા ઠાકુર સેવા ગ્રહણ કરે છે. ફૂલનો હાર ઠાકુરજીના ચરણોમાં સોંપું છું.’

સ્વામી વિશુદ્ધાનંદજી જ્યારે પ્રેસિડન્ટ થયા ત્યારે બેલુર મઠમાં હતા અને સ્વામી પ્રેમેશાનંદજી સારગાચ્છીમાં હતા. સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજે એક વખત એક બ્રહ્મચારીને પત્ર દ્વારા સંદેશો મોકલ્યો કે તમે મારા વતી સ્વામી પ્રેમેશાનંદજીને પ્રણામ કરજો. બ્રહ્મચારી પ્રેમેશાનંદજી પાસે જઈને કહે છે કે સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ વતી મારે આપને પ્રણામ કરવાના છે. સ્વામી પ્રેમેશાનંદજીએ કહ્યું: ‘ક્યારેય મહારાજ વતી પ્રણામ કરશો નહિ. મહારાજના પ્રણામને લાયક હું નથી. તમે તમારા પ્રણામ કરો.’ ત્યારબાદ સ્વામી પ્રેમેશાનંદજીએ સ્વામી વિશુદ્ધાનંદજીને પત્ર લખી જણાવ્યું કે ‘મહારાજ, આપ અમારા જ્યેષ્ઠ ભ્રાતા છો. એટલે આપે પ્રણામ કહેવડાવ્યા, એ બરાબર છે. પ્ર+નામ અર્થાત્‌ આપે મને પ્રતિષ્ઠિત નામ સંભળાવ્યું છે. આપે મને સ્મરણ કરાવ્યું છે કે મારે શ્રીરામકૃષ્ણનું નામ સતત લેવું જોઈએ.’ આ પત્ર જ્યારે સ્વામી વિશુદ્ધાનંદજી પાસે પહોંચ્યો ત્યારે સ્વામી વિશુદ્ધાનંદજી બોલી ઊઠ્યા:

‘અરે! આ શું? આમણે તો બહુ બુદ્ધિ વાપરી. સ્વામી પ્રેમેશાનંદજી મને આવું લખ્યું છે એનો શો જવાબ આપવો. દિલીપ પંડિતને જલ્દી બોલાવો અને તેમની સલાહ લઉં કે હું મહારાજને શું જવાબ આપું!’ પંડિતજીએ કહ્યું કે ‘ઠાકુરજી કહેતા ‘કા’ની આગળ કાનો લગાડો તો ‘કા’ જ થાય. આપને તો માતાજીએ ઠાકુરનું નામ સંભળાવ્યું છે હવે હું શું સંભળાવી શકું? મારી પાસે આપવા જેવું કંઈ જ નથી.’ આ રીતે શ્રીશ્રીમાના આ બંને શિષ્યો વચ્ચે પ્રેમ તર્ક યુદ્ધ થતું રહેતું, એ અમે નજરે જોયું છે.

વિશુદ્ધાનંદજી મહારાજે એક વખત પ્રેમેશાનંદજી મહારાજને એક કિનારવાળું સરસ ધોતિયું મોકલ્યું હતું. સેવકને કહેવડાવ્યું કે ધોતીને ધોઈને ગેરુઆ રંગ કરીને મહારાજને પહેરાવજો. તેના જવાબમાં સ્વામી પ્રેમેશાનંદજીએ કહ્યું કે આટલો વખત હું વિધવા – પ્રેમ વગરનો હતો હવે સધવા-પ્રેમથી ભરપૂર થયો. અર્થાત્‌ ઈશ્વરપ્રેમને જાગ્રત કર્યો. આમ બંને વચ્ચેનો આધ્યાત્મિક સંબંધ નિહાળવાનો અવસર અમને મળતો.

સ્વામી શાંતાનંદજીના વિદેહભાવની એક વાત કહીશ. પ્રેમેશાનંદજી મહારાજના દેહાંત બાદ હું બેલુર મઠમાં આવ્યો. મેં દશ વર્ષ લગાતાર દિવસ-રાત મહારાજની સેવા કરી હતી અને સતત સાથે રહેતો હતો. જ્યારે પ્રેમેશાનંદજી મહારાજ મહાસમાધિ પામ્યા ત્યારે મારા મનમાં એક ખાલીપો આવી ગયો ત્યારે શાંતાનંદજી મહારાજે મને સાંત્વના આપીને સાચા અર્થમાં સાચવી લીધો હતો. મારો ઉદાસભાવ જોઈને તેમણે મને કહ્યું: ‘મારી પાસે આવ. મારી સેવા કર.’ હું પણ વચ્ચે વચ્ચે તેમની પાસે જતો. એક દિવસ મહારાજે મને પૂછ્યું: ‘તમારે પ્રણવધ્વનિ થાય છે?’ મેં કહ્યું: ‘ના મહારાજ, એવું કશું થતું નથી.’ ત્યારે મહારાજે કહ્યું: ‘મારે તો થાય છે. જુઓ જુઓ અત્યારે પણ થાય છે. પ્રણવધ્વનિ સંભળાય છે.’ એક દિવસ બપોરે હું મહારાજ પાસે ગયો. મેં જોયું કે મહારાજને હેડકી આવે છે.મેં મહારાજને પૂછ્યું: ‘આપને હેડકી ક્યારથી આવે છે?’ તેમણે જવાબ આપ્યો: ‘મને તો ખબર પણ નથી.’ આમ તેમને કોઈ દેહબોધ રહેતો નહિ!

એક રસપ્રદ વાત કરું છું. એક દિવસ બેલુર મઠમાં સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટીસ આવ્યા. મોટી હસ્તી, તેથી તેમની સાથે પોલીસ, બોડીગાર્ડ વગેરે કાફલો પણ હતો. ચીફ જસ્ટીસ જનરલ સેક્રેટરી, પ્રેસિડન્ટ મહારાજને મળ્યા. ત્યારબાદ તેમને સ્વામી શાંતાનંદજીનાં દર્શન કરવા લઈ ગયા. સ્વામી શાંતાનંદજીને વાકેફ કર્યા હતા કે સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટીસ આપને મળવા આવે છે. સ્વામી ચિદાત્માનંદજી ચીફ જસ્ટીસને લઈને સ્વામી શાંતાનંદજી પાસે આવ્યા. તેમણે મહારાજને પ્રણામ કર્યા ત્યારે સ્વામી શાંતાનંદજી મહારાજે તેમને પૂછ્યું: ‘તમે શું કરો છો?’ ચિદાત્માનંદજી મહારાજ શરમાઈ ગયા કેમકે મહારાજને તો કહ્યું હતું કે ચીફ જસ્ટીસ આપનાં દર્શન કરવા આવે છે, તો પણ મહારાજે આવો પ્રશ્ન પૂછ્યો. સ્વામી શાંતાનંદજીએ ત્રણવાર એક જ પ્રશ્ન પૂછ્યો ત્યારે ચીફ જસ્ટીસે કહ્યું કે તેઓ સુપ્રિમકોર્ટમાં ચીફ જસ્ટીસ છે. સ્વામી શાંતાનંદજીએ કહ્યું: ‘સારું, સારું. તમને કેટલો પગાર મળે છે? શરમની વાત છે કે આવો પ્રશ્ન કર્યો.’ ચીફ જસ્ટીસે કહ્યું‘ બરાબર પગાર મળે છે.’ ફરી સ્વામી શાંતાનંદજીએ પૂછ્યું: ‘તમારો સંસાર બરાબર ચાલે છે તો? કોઈ તકલીફ નથી તો?’ ચીફ જસ્ટીસે કહ્યું: ‘બધું બરાબર ચાલે છે.’ ત્યારબાદ ચીફ જસ્ટીસે કહ્યું: ‘મેં આવા માણસ કદી જોયા નથી કે જેઓ માત્ર ઈશ્વરને જ જાણે છે.’

(ક્રમશ:)

Total Views: 43

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.