સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ-સ્પર્ધાઓ

સ્વામી વિવેકાનંદની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં દર વર્ષે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૦ થી ૧૬ ડિસેમ્બર સુધી મુખપાઠ, વક્તૃત્વ, નિબંધ લેખન, ચિત્ર, નાટ્યસ્પર્ધા, દેશભક્તિ અને સમૂહગાન જેવી સ્પર્ધાઓમાં રાજકોટ શહેરની વિવિધ શાળા અને મહાશાળાનાં ૩૦૦૦ જેટલાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

શ્રીમા સારદાદેવીનો ૧૫૬મો જન્મજયંતી મહોત્સવ

૧૮ ડિસેમ્બર ગુરુવારે સવારે ૫.૧૫ થી બપોરે૧૨ વાગ્યા સુધી શ્રીમંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભજન, હવન, વિશેષ પૂજા, સપ્તશતી પાઠનું આયોજન થયું હતું. 

અંધમહિલા વિકાસ ગૃહ, રાજકોટના અંતેવાસીઓનાં તેમજ સુખ્યાત ભજનિક શ્રીજયંતીભાઈ પટેલનાં ભજન રહ્યાં હતાં. આ વિશેષ પૂજા-મહોત્સવમાં બહોળી સંખ્યામાં ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા. હવન-આરતી પછી પ્રસાદ વિતરણ થયું હતું. સાંજે શ્રીમાનામ સંકીર્તન અને સંધ્યા આરતી પછી ‘શ્રીમા સારદાદેવી’ વિશે વિશેષ પ્રવચનનું આયોજન થયું હતું. આ મહોત્સવના ઉપલક્ષ્યમાં ૧૭ ડિસેમ્બર, સવારે ૫.૧૫ થી ૧૮ ડિસેમ્બર સવારે ૭.૦૦ વાગ્યા સુધી જપયજ્ઞનું આયોજન થયું હતું.

૨૧ ડિસેમ્બર, રવિવારે સવારે ૯ થી ૧૨ સુધી ૨૮ જેટલી વિવિધ સંસ્થાઓના ૧૬૦૦ જેટલા અંતેવાસીઓએ મંદિરમાં ભજન-કીર્તન કર્યાં હતાં તથા ‘નારાયણ સેવા’ના ભાગ રૂપે પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

એ જ દિવસે સાંજે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ દ્વારા વિવેક હોલમાં સાંજે ૭ વાગ્યે લીલાગીતિ ‘નવદુર્ગારૂપિણી શ્રીમા સારદાદેવી’ રજૂ થઈ હતી.

૨૨ ડિસેમ્બર સોમવારે શ્રીમંદિરમાં સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ભજન, હવન, વિશેષ પૂજાનું આયોજન થયું હતું. સાંજે સંધ્યા આરતી પછી સ્વામી શિવાનંદના જીવન સંદેશ પર વિશેષ પ્રવચન હતું.

૨૪ ડિસેમ્બર, બુધવારે સાંજે સંધ્યા આરતી પછી શ્રીરામકૃષ્ણ મંદિરમાં ક્રિસમસ ઈવ ઉજવાઈ હતી. આ પ્રસંગે ઈશુના જીવન અને સંદેશ પર ઈમેક્યુલેટ કંસેપ્સન ચર્ચના ફાધર ઝેવિયરનું વિશેષ પ્રવચન હતું. એમના અંતેવાસીઓ દ્વારા ક્રિસમસ કેરોલ્સનું ગાન પણ ભક્તજનોએ માણ્યું હતું.

શ્રીરામકૃષ્ણ પુરાણ નવાહ્‌ન પારાયણ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૨૨ થી ૩૦ નવેમ્બર, દરરોજ સાંજના ૭ થી ૯ વાગ્યા સુધી ‘શ્રીરામકૃષ્ણ પૂંથિ – શ્રીરામકૃષ્ણ પારાયણ’ની કથાનું આયોજન ભક્તજનોએ બહોળી સંખ્યામાં માણ્યું હતું. વ્યાસપીઠ પર સુખ્યાત કથાકાર શ્રીનલીનભાઈ કેશવલાલ શાસ્ત્રી વિરાજ્યા હતા. સંગીતનો સાથ જાણીતા ભજનકાર અને સંગીતકાર શ્રી જિતુભાઈ અંતાણી અને એમના વાદ્યવૃંદે આપ્યો હતો. દરરોજ રાત્રે કથાશ્રવણ પછી ભાવિકજનોને પ્રસાદ વિતરણ થયું હતું. ૩૦ નવેમ્બર, રવિવારે પૂર્ણાહૂતિના દિવસે વિશેષપૂજા, હવનનું આયોજન થયું હતું.

મા સારદા સેરેબ્રલ પાલ્સી આરોગ્ય સેવાકેન્દ્ર

સેરેબ્રલ પાલ્સી રોગના પુનરાવર્તિત કેઈસ રૂપે ૩૬૦૨ બાળકોને નિયમિત રીતે આ કેન્દ્રમાં મળતી નિ:શુલ્ક સેવાનો લાભ મળ્યો હતો. વધુ ને વધુ સંખ્યામાં આવાં બાળકોને સમાવવા માટે આ કેન્દ્રને સુસમૃદ્ધ બનાવવા અને સેરેબ્રલ પાલ્સીના બાળકોની વિવિધ સેવાપ્રવૃત્તિઓ વિસ્તારવા રૂપિયા ૧૫ લાખથી વધુ રકમની જરૂર છે.

‘શ્રીમા સારદાદેવી જીવનસંદેશ’ના ચિત્રપ્રદર્શનનું ઉદ્‌ઘાટન

૧૮ ડિસેમ્બરે શ્રીરામકૃષ્ણદેવના લીલાસહધર્મિણી શ્રીમા સારદાદેવીના ૧૫૬મા જન્મજયંતી મહોત્સવ નિમિત્તે રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં શ્રીમાના જીવન અને સંદેશ વિશે ૪૦ પેનલ્સવાળું ચિત્રપ્રદર્શન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ શ્રીમતી મૃણાલિની દેવી પવારના વરદ્‌ હસ્તે ખુલ્લું મુકાયું હતું.

Total Views: 31

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.