(ગતાંકથી આગળ)

એક વખત શાંતાનંદજી મહારાજે મને પૂછ્યું: ‘કેટલાય દિવસોથી વિરજાનંદજી મહારાજને જોયા નથી. અત્યારે તેઓ ક્યાં છે?’ મેં કહ્યું: ‘તેઓ તો ઘણા દિવસો અગાઉ શ્રીઠાકુર પાસે ચાલ્યા ગયા છે.’ સ્વામી શાંતાનંદજી બાળકની જેમ બોલ્યા: ‘ઓહ, ઠાકુરની પાસે ચાલ્યા ગયા છે!’

સ્વામી પ્રેમેશાનંદજી વારાણસીમાં હતા. હું એમની સેવા કરતો હતો. એક દિવસ તેમના દેહાંતના એક મહિના પહેલાં તેમણે મને કહ્યું: ‘મારા દેહાંત પછી તમે તુરંત બેલુર મઠ ચાલ્યા જજો. એક સપ્તાહની અંદર જ વારાણસી છોડી બેલુર ચાલ્યા જજો.’ મેં પૂછ્યું: ‘એમ કેમ કહો છો?’ ત્યારે મહારાજે કહ્યું: ‘મારા કેટલાક અનુયાયીઓ છે. તેઓ બધા ભેગા થઈને એક દળ બનાવશે અને તેમાં તમને પણ તાણશે. બીજી એક સંસ્થા ઊભી કરવા પ્રયત્ન કરશે. પરંતુ શ્રીરામકૃષ્ણ ભાવધારામાં ઠાકુર, મા, સ્વામીજી સિવાય કોઈને વિશેષ સ્થાન આપવામાં આવતું નથી. તેથી તમે સીધા બેલુર મઠ ચાલ્યા જજો.’ અને મેં પણ તેમ જ કર્યું હતું.

વારાણસીના અધ્યક્ષ સ્વામી ભાસ્કરાનંદજી ખૂબ પ્રેમાળ હતા. તેઓ રાજા મહારાજના શિષ્ય હતા. સ્વામી પ્રેમેશાનંદજી મહારાજની મહાસમાધિ બાદ મેં બેલુર મઠ જવા માટે તેમની રજા માગી. તેમણે મને કહ્યું: ‘તમે ભંડારા સુધી નહિ રહો?’ ત્યારે મેં કહ્યું: ‘પ્રેમેશાનંદજી મહારાજે મને સીધા બેલુર મઠ જવાનું કહ્યું છે. ત્યારે તેમણે મને રજા આપી. હું બેલુર મઠ પહોંચ્યો. સીધો પ્રભુ મહારાજ પાસે ગયો અને તેમને કહ્યું: ‘પ્રેમેશાનંદજી મહારાજના આદેશ પ્રમાણે હું આપની પાસે હાજર થયો છું. આપ જેમ કહેશો તેમ કરીશ. અધ્યક્ષ મહારાજે મને બીજે દિવસે સવારે આવવા કહ્યું.

એક ડોક્ટરના જીવનની ઘટના કહું છું. એક ડોક્ટર જ્યારે મેડિકલ સ્ટુડન્ટ હતા ત્યારે બેલુર મઠમાં સ્વયંસેવક તરીકે સેવા આપતા હતા. તેમણે સ્વામી પ્રેમાનંદ (બાબુરામ મહારાજ), સ્વામી બ્રહ્માનંદ (રાખાલ મહારાજ), સ્વામી સુબોધાનંદ (ખોકા મહારાજ) વગેરેનાં દર્શન કર્યાં હતાં. સમય જતાં તેઓ ડોક્ટરના વ્યવસાયમાં વ્યસ્ત થઈ ગયા અને જેમ સામાન્ય રીતે બને તેમ પૈસાની લાલચમાં બધું ભૂલી ગયા. ઘણાં વર્ષો પછી તેમણે અચાનક એક પુસ્તક વિક્રેતા પાસેથી પુસ્તક, સામયિક ખરીદ્યાં. તેમાં એક પેઈજ પર તેમણે રાખાલ મહારાજ, બાબુરામ મહારાજ, મહાપુરુષ મહારાજ વગેરે નામ વાંચ્યા. તેમને પુણ્ય સ્મૃતિ થઈ આવી. હા, હું આમને ક્યાંક મળ્યો છું. એમનાં નામ તો પરિચિત છે. તેમને મનમાં ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો અને વિચારવા લાગ્યા. શું કરું, ક્યાં જાઉં? કોઈ સજ્જને તેમને કહ્યું કે સારગાચ્છી નજીકમાં છે. ત્યાં રામકૃષ્ણ આશ્રમ છે, ત્યાં જાઓ. ડોક્ટર સારગાચ્છી આશ્રમમાં આવ્યા તેમજ પ્રેમેશાનંદજી મહારાજ સાથે પરિચય થયો. ત્યારબાદ તેઓ દરરોજ આવવા લાગ્યા. એક દિવસ ડોક્ટરે મહારાજને કહ્યું: ‘આપની પાસે મારી એક પ્રાર્થના છે. મારે આપનો એક ફોટો જોઈએ છે.’ એ સમયમાં તો ફોટો મળવો મુશ્કેલ હતો. પ્રેમેશાનંદજી મહારાજે કહ્યું કે એની કોઈ જરૂર નથી. તમે ઠાકુર, મા, સ્વામીજીના ફોટા રાખો. તો પણ વૃદ્ધ માણસ હઠપૂર્વક વિનંતી કરતા અને વચ્ચે વચ્ચે ફોટો આપવા કહેતા. છેવટે એક દિવસ સ્વામી પ્રેમેશાનંદજીએ કહ્યું: ‘કાલે સ્નાન કરીને આવો.’ મને કુતૂહલ થયું કે મહારાજ શું કરશે? બીજે દિવસે ડોક્ટર આવ્યા. મહારાજે તેમને ગંગાજળ છાંટીને નજીક બોલાવ્યા. મહારાજે તેમને એક ફોટો આપ્યો. ડોક્ટરે ફોટો જોયો તો તે ઠાકુરનો હતો. ડોક્ટરે કહ્યું કે તેમની પાસે રામકૃષ્ણદેવનો ફોટો તો છે. મહારાજે પૂછ્યું: ‘શ્રીરામકૃષ્ણ ભગવાન છે?’ ડોક્ટરે કહ્યું: ‘હા.’ ત્યારે ફરી મહારાજે પૂછ્યું: ‘ભગવાન એટલે શું? જેનામાં સર્વસ્વ સમાયેલું છે તે ભગવાન. તેમનામાં પ્રેમેશાનંદ પણ છે. પછી તેમણે ગંભીર સ્વરે કહ્યું: ‘Never lower down you ideal’ આ રીતે સ્વામી પ્રેમેશાનંદજીએ શીખવ્યું કે આદર્શને કદી નીચો નહિ બનાવો. મને પણ ડર લાગતો હતો તેથી સ્વામી પ્રેમેશાનંદજીનો ફોટો બહાર રાખતો નહિ. એક – બે ફોટા મારી પાસે છે પરંતુ હું તેને કબાટમાં રાખું છું.

હું જ્યારે સ્વામી પ્રેમેશાનંદજીની સેવા કરતો ત્યારે તેમના ભોજન માટે રસોઈ કરવાનું કામ હું કરતો. રસોઈઘરમાં હું તેમના માટે લગભગ ૩૦-૩૫ મિનિટ સુધી ઉભા ઉભા સુપાચ્ય શાકભાજી બનાવતો. ત્યારે ત્રણ દિવસ આ રીતે વિત્યા. ચોથે દિવસે સ્વામી પ્રેમેશાનંદજીએ સ્વયં ત્યાં જઈને એક ખીલી ખોડી અને ત્યાં સ્વામીજીની છબી ગોઠવી અને મને કહ્યું કે વચ્ચે વચ્ચે સ્વામીજીનું દર્શન અને ચિંતન કરો. તે જ રીતે હું સ્વામી પ્રેમેશાનંદજી સાથે સવાર-સાંજ ચાલવા જતો ત્યારે મહારાજે મને કહ્યું કે તમે ગીતા સાથે રાખો અને ગીતાના શ્લોકોનું વાંચન કરો. મેં કહ્યું : ‘હું ગીતાનો અર્થ સમજતો નથી. હું શા માટે ગીતાના શ્લોક મુખસ્થ કરું?’ ત્યારે મહારાજે મને પ્રેમથી સમજાવતાં કહ્યું કે હું વૃદ્ધ છું મને નહિ સંભળાવો? આમ ગીતાના અધ્યાય એક એક કરતાં બધા જ અધ્યાયના શ્લોકો કંઠસ્થ થઈ ગયા! મહારાજ જબરદસ્તીથી બધું કરાવતા. તે જ રીતે મહારાજ માટે હું સંદેશ (એક પ્રકારની મીઠાઈ) બનાવતો. ધીમી આંચે સંદેશની વાનગી બનાવાય. લગભગ ૩૫ મિનિટ લાગતી. મહારાજે મને પૂછ્યું : એ સમયે તમે શું કરો છો? મેં કહ્યું : તમારા માટે સંદેશ બનાવું છું. તે સાંભળી મહારાજ બોલ્યા : ના, ના, એમ નહિ કરો. તમે એક કાગળમાં દસ પાંતજલિ યોગસૂત્રો લખીને લઈ જાવ અને વચ્ચે વચ્ચે વાંચો અને તે યાદ થઈ જશે. તેમ કરતાં કરતાં પાતંજલિ યોગસૂત્ર પણ મુખસ્ત થઈ ગયું!

ત્યાં રસોડામાં એક વૃદ્ધ નોકર હતા. તેઓ દરરોજ એક કપ દૂધ લઈને મહારાજ પાસે આવતા. સવારે નાસ્તાના સમયે બધાની વ્યવસ્થા કરવાની રહેતી. તેથી તેને દૂધ લઈ આવવામાં થોડું મોડું થતું. મને થયું કે આ રીતે રોજ મોડું થાય છે તો હું મહારાજ માટે દૂધ લઈ આવું તો નાસ્તા સાથે દૂધ પી શકે. એક દિવસ મેં તેમને કહ્યું કે હવેથી હું દૂધ લઈ જઈશ, તમારે આવવાની જરૂર નથી; તમારે ઘણું કામ હોય છે તેથી હું જ દૂધ લઈ જઈશ. પરંતુ સ્વામી પ્રેમેશાનંદજી મહારાજે પૂછ્યું: ‘શા માટે આજે તેઓ દૂધ લઈને ન આવ્યા?’ મેં કહ્યું: ‘તેને ઘણું કામ હોય છે. મોડું થઈ જાય છે. તેથી હું જ દૂધ લઈ આવ્યો. ત્યારે તો મને કંઈ કહ્યું નહિ. પછી મહારાજે મને કહ્યું: ‘તેમને મારી પાસે આવવાની આ બહાને એક તક મળે છે. અને મારી સાથે બે ચાર વાતો કરે છે. તેમને મારી પાસે આવવા દો. તેથી મારી સાથે તેમનો સંપર્ક રહે છે. વૃદ્ધ ચાકરની ભાવના માટે કેવી ઊંડી મમતા!

વિરજાનંદજી મહારાજે તેમને એક સરસ આસન આપ્યું હતું. સ્ટૂલ પર મેં આસન પાથર્યું, તેના પર મહારાજ પગ રાખશે. પરંતુ મહારાજે તે આસનને ઊલટું કરીને રાખવા કહ્યું. મેં પૂછ્યું: ‘એમ કેમ?’ મહારાજે કહ્યું: ‘હું ગામડામાં રહું છું. ગામના લોકો મને પોતાનો માનીને મારી પાસે આવે છે. આસન સીધું રાખશો તો આ ગરીબ લોકોને ડર લાગશે અને મારી પાસે આવશે નહિ. મહારાજ પોતાની જીવનશૈલી એવી રાખતા કે ગામડાના આબાલવૃદ્ધ સર્વે તેમને પોતાના માણસ તરીકે માનતા.

એક દિવસ મહારાજે એક બ્રહ્મચારીને કહ્યું કે રસ્તાની સામેની બાજુએ એક વૃદ્ધ બેઠા છે તેને તમે આ ધોતી આપી આવો પરંતુ એ રીતે આપજો કે તમે એનું મોઢું ન જોશો અને તે તમારું મોઢું ન જોઈ શકે તે રીતે ચૂપચાપ ઝડપથી આપી આવજો. મહારાજનો આદેશ એવો હતો કે દાન આ રીતે ચૂપચાપ દેવું જોઈએ.

સારગાચ્છીમાં એક ભક્ત રોજ દર્શન કરવા આવતા અને મહારાજને પણ રોજ મળતા. એક વખત તેઓ બહાર ફરવા ગયા હતા. ત્યાંથી તેઓ બે ગરમ, સુવાળા મફલર લઈ આવ્યા. એક સ્વામી પ્રેમેશાનંદજી માટે અને એક મારા માટે. ભક્તે કહ્યું કે હું એક મફલર લાઉં તો આપ સેવક મહારાજને આપી દો. તેથી હું બંને માટે લાવ્યો છું. અમે મફલર વાપરવા લાગ્યા. પરંતુ થોડા દિવસો બાદ મહારાજે મને કહ્યું: ‘ચાલો. આપણે મફલરની અદલાબદલી કરીએ.’ મેં પૂછ્યું: ‘શા માટે? પહેલાં કારણ બતાવો પછી વિચારીશ.’ મહારાજે કહ્યું કે આ મફલર વાપરો ત્યારે તમને યાદ આવે કે અમુક બાબુએ આપેલું મફલર છે. મારી પણ એવી જ સ્થિતિ છે. આપણે અદલીબદલી કરી નાખીએ તો તું વિચારીશ કે આ સ્વામી પ્રેમેશાનંદજીનું મફલર છે અને હું વિચારીશ કે આ સનાતનનું (મારું) મફલર છે. આમ તેમની ઉપદેશ આપવાની પદ્ધતિ પણ વિશિષ્ટ હતી. એક દિવસ એક ભક્ત મહારાજનાં દર્શન કરવા આવ્યા. તેમણે મને દેખાડીને કહ્યું કે મહારાજ, આ તો આપની કેટલા દીર્ઘસમયથી સેવા કરે છે. આમને તો બધું જ મળી ગયું હશે. સ્વામી પ્રેમેશાનંદજીએ કહ્યું કે તેને બધું મળશે જો તે સ્વયં તેના માટે પ્રયત્ન કરશે તો. અર્થાત્‌ સાધના વિના સિદ્ધિ ન મળે.

એક દિવસ મેં મહારાજને કહ્યું કે હું આઠ વર્ષથી દિવસરાત આપની પાસે રહું છું. પરંતુ મેં ક્યારેય આપને ગુસ્સે થતા જોયા નથી. મહારાજ બોલ્યા: ‘ગુસ્સો કઈ રીતે કરું? ગુરુનો આદેશ છે ને?’ મેં પૂછ્યું: ‘ગુરુનો આદેશ છે?’ એમણે કહ્યું: ‘મારું નામ શું છે?’ મેં કહ્યું: ‘પ્રેમેશાનંદજી મહારાજ.’ તેઓ બોલ્યા: ‘તો પછી ગુસ્સો કઈ રીતે થાય?’ મહારાજને જ્યારે આંખે અંધાપો આવ્યો ત્યારે મેં પ્રશ્ન પૂછ્યો: ‘મહારાજ, પહેલાં તો આપ બધું જોઈ શકતા હતા અને હવે તો કંઈ જોઈ શકતા નથી. આપના મનમાં દુ:ખ નથી થતું?’ મહારાજે જવાબ આપતાં કહ્યું: ‘સંસારમાં કેટલી સારી વસ્તુ છે તો હું જોઉં? દુનિયામાં બધું જ દુ:ખમય છે. તેના કરતાં અંદરમાં જોવું સારું. અર્થાત્‌ અંતર્મુખ રહેવું સારું.’

એક વખત ડાયાબીટીસને કારણે મહારાજના બ્રેઈનમાં થોડી ગડબડી થઈ હતી. એક અઠવાડિયા સુધી તેમની યાદદાસ્ત ચાલી ગઈ હતી. ભોજન કર્યું કે નહિ એ યાદ રહેતું નહિ. પરંતુ આધ્યાત્મિક પ્રસંગ ઉપસ્થિત થાય તો બરાબર સ્પષ્ટ વાત કરે ત્યારે મેં પૂછ્યું: ‘મહારાજ, આપ તો રોજિંદી બાબતમાં ઊલટપલટ કરો છો પરંતુ આપને આધ્યાત્મિક પ્રશ્ન પૂછે તો કોઈ સમસ્યા નથી.’ એકદમ યથાર્થ જવાબ આપો છો. પ્રેમેશાનંદજી મહારાજે ત્યારે ઉત્તર આપ્યો: ‘બુદ્ધિની અંદર ગડબડ થાય પરંતુ બુદ્ધિની બહાર જે ચીજ છે તેમાં કદી ગડબડ થાય નહિ. અર્થાત્‌ સ્મૃતિ દેહધર્મ સાથે સંયુક્ત છે પરંતુ અધ્યાત્મ આંતરિક અનુભૂતિ છે તેથી તેમાં કોઈ દ્વિધા ઊભી ન થાય. મેં જોયું છે કે ક્યારેક ક્યારેક મહારાજ આખી રાત વચ્ચે વચ્ચે ટોર્ચ કરીને કંઈક ફંફોળે છે. મેં પૂછ્યું: ‘મહારાજ, શું કરો છો?’ મહારાજ જવાબ આપતાં કહેતા: ‘તારે શું છે? હું મારી માને જોઉં છું.’ અર્થાત્‌ આખી રાત માતાજીના ફોટાને જોયા કરતા.

એક દિવસ અચાનક મેં મહારાજને પૂછ્યું: ‘અત્યારે તમે શું વિચારી રહ્યા છો?’ તરત જવાબ મળ્યો: ‘દક્ષિણેશ્વર.’ એ જ રીતે એક દિવસ તેમણે ઉત્તર આપ્યો: ‘સર્વવ્યાપી રામકૃષ્ણ.’ મેં કહ્યું: ‘સર્વવ્યાપી રામકૃષ્ણ કઈ રીતે થાય?’ મહારાજ બોલ્યા: ‘હા, થાય તો છે પરંતુ તને કેવી રીતે સમજાવું કે સર્વવ્યાપી રામકૃષ્ણ હોય. આ બંને પ્રસંગો દર્શાવે છે તેમના આંતરિક જગતની એકનિષ્ઠા, ઉચ્ચતા અને વિશાળતા.’

‘સોનાર માનુષ’ બંગાળી ભાષામાં તેમના જીવનપ્રસંગો વિશેનું સુંદર પુસ્તક છે તેમાં એક પ્રસંગ જોવા મળે છે. અલબત્ત એ પ્રસંગ મહારાજે મને કહ્યો નથી પરંતુ હું તમને કહીશ. હૃષીકેશમાં મહારાજ ગંગા સ્નાન કરીને બેસતા અને પંચદશી પુસ્તક વાંચતા અને ઊંડા ધ્યાનમાં ગરકાવ થઈ જતા. એક વખત તેમણે જોયું કે ઠાકુરજી ગંગામાંથી ધીરે ધીરે બહાર આવે છે અને તેમનું પુસ્તક બંધ કરી દે છે. જ્યારે પુસ્તક બંધ થઈ ગયું કે તરત મહારાજના ચિંતનમાં એક નવી દિશા ખૂલી ગઈ અને બધું જ સ્પષ્ટ થઈ ગયું!

મહારાજને એક દિવસ મારા ખોળામાં સુવડાવી તેમને ચમચીથી ખવડાવતો હતો; ત્યારે અચાનક ખાવાનું બંધ થઈ ગયું. મેં વિચાર્યું કે મહારાજ મજાક-મસ્તી કરે છે. તેથી મેં કહ્યું ‘મહારાજ, આટલું પૂરું કરો, મારે ઘણું કામ કરવાનું બાકી છે. પરંતુ કોઈ જવાબ મળ્યો નહિ. હજુ પાંચ મિનિટ પહેલાં તો ડોક્ટર ચકાસીને ગયા હતા અને તેમના અભિપ્રાય પ્રમાણે મહારાજ તદ્દન સ્વસ્થ હતા. હું ફરી દોડતો દોડતો ડોક્ટરને બોલાવવા ગયો. ડોક્ટર આવ્યા અને તેમને તપાસીને કહ્યું કે મહારાજે શરીર છોડી દીધું છે. મારા મનમાં એક પ્રશ્ન ઊઠ્યો. તેનું નિરાકરણ કરવા મેં રામગતિ મહારાજ કે જેઓ પંડિત છે અને બ્રહ્મસૂત્ર પર બૃહદ્‌ પુસ્તક લખ્યું છે, તેમને પૂછ્યું: ‘પ્રેમેશાનંદજી મહારાજ તો શ્રીમાના શિષ્ય છે. વળી કાશીમાં તેમનો દેહાંત થયો છે અને સાંભળ્યું છે કે તેઓએ સાક્ષાત્કાર પણ કર્યો છે. પરંતુ અંતિમ સમયમાં કોઈ વિશેષ પરિવર્તન થયું નહિ. જેમ કે પુલક, રોમાંચ વગેરે. એમ શા માટે થયું?’ ત્યારે જવાબ આપતાં તેમણે કહ્યું: ‘(બૃહદારણ્યક) ઉપનિષદમાં આવે છે : … न तस्‍य प्राणा उत्क्रामन्ति… તેઓ તો દેહમુક્ત થઈ ગયા હતા. તેમને તો દેહમાંથી બહાર નીકળવાનું ન હતું. પ્રારબ્ધ સમાપ્ત થતાં સહજે દેહ છૂટી જાય. જેમકે આપણી ઘડિયાળ ચાલતાં ચાલતાં અચાનક બંધ થઈ જાય, તેવી રીતે દૈહિક કાર્ય અટકી જાય છે. મહારાજના દેહાંતના ત્રણ ચાર દિવસ પહેલાં મેં તેમને એક પ્રશ્ન પૂછ્યો હતો. સામાન્ય રીતે હું તેમને કદી આધ્યાત્મિક પ્રશ્ન પૂછતો નહિ. કેમ કે અમારી વચ્ચે મિત્રતાનો સંબંધ હતો. હું તેમની વાત ક્યારેય માનતો નહિ અને તેઓ પણ મારી વાત માનતા નહિ. મેં પૂછ્યું: ‘મહારાજ, મારે એક પ્રશ્ન પૂછવો છે. આપ જવાબ આપશો.’ મહારાજે કહ્યું: ‘વારુ, પૂછો. શું પ્રશ્ન છે?’ મેં કહ્યું: ‘આપ શ્રીઠાકુરને જોઈ શકો છો?’ મહારાજે કહ્યું: ‘હા.’ મેં ફરી પૂછ્યું: ‘મા તથા સ્વામીજીને પણ જુઓ છો?’ મહારાજે કહ્યું: ‘હા.’ શ્રીઠાકુર સાથે આપ વાતચીત કરો છો? જવાબ મળ્યો: ‘ના.’ મેં ફરી પૂછ્યું: ‘માતાજી સાથે વાતચીત થાય છે?’ મહારાજે ગંભીર સ્વરે કહ્યું: ‘હા, માતાજી સાથે વાતચીત થાય છે.’

Total Views: 28

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.