દેહ સાથેનું તાદાત્મ્ય ત્યજી દો અને ઉન્નત બનો! ‘અસ્તિ’ ‘અસ્તિ’(‘બધું છે’, ‘બધું છે’) કહો; રચનાત્મક વિચારો કેળવો. ‘નાસ્તિ’ ‘નાસ્તિ’ (‘નથી’ ‘નથી’) એવા નિષેધવાદમાં માનવાથી આખા દેશનો વિનાશ થઈ રહ્યો છે! ‘સોઽહમ્‌’ ‘સોઽહમ્‌,’ ‘સોઽહમ્‌’ ‘હું તે જ છું,’ ‘હું તે જ છું,’ ‘હું શિવ છું,’ શી ઉપાધિ! દરેક આત્મામાં અનંત શક્તિ રહેલી છે. તો પછી નિષેધાત્મક વિચારો કરીને તમારે તમારી જાતને કૂતરાં-બિલાડાં જેવી બનાવવી છે? નિષેધવાદ કોણ શીખવે છે? તમે કોને નિર્બળ અને શક્તિહીન કહો છો? ‘શિવોઽહમ્‌’ ‘શિવોઽહમ્‌’ (‘હું શિવ છું’, ‘હું શિવ છું.’) જ્યારે લોકોને હું નિષેધાત્મક વિચાર કરતા જોઉં છું ત્યારે મારા મસ્તક પર વજ્રઘાત થયો હોય એવું લાગે છે. પોતાનું મૂલ્ય ઓછું આંકવાની આ વૃત્તિ એ રોગનું જ બીજું નામ છે. તમે તેને નમ્રતા ગણો છો? એ છૂપું મિથ્યાભિમાન જ છે! ન લિંગં ધર્મકારણં, સમતા સર્વભૂતેષુ એતન્મુક્તસ્ય લક્ષણમ્‌ – બાહ્ય ચિહ્‌નો ધર્મને લાવતાં નથી; બધાં પ્રાણીઓ પ્રત્યે સમભાવ એ જ મુક્તનું લક્ષણ છે. અસ્તિ અસ્તિ, સોઽહં સોઽહં, ચિદાનન્દરૂપ: શિવોઽહં શિવોઽહં – ‘ હું તે જ છું, ‘જ્ઞાન અને આનંદરૂપ હું શિવ છું!’ નિર્ગચ્છતિ જગજ્જાલાત્‌ પિઞ્જરાદિવ કેશરી: ‘સિંહ પાંજરામાંથી છૂટે તેમ આ જગતનાં બંધનોમાંથી નીકળી જાય છે. ‘નાયમાત્મા બલહીનેન લભ્ય:-’ ‘નિર્બળને આ આત્મા પ્રાપ્ત થતો નથી.’ …. ધસી પડતા બરફના પહાડની પેઠે જગત પર તૂટી પડો! તમારા વજનથી પૃથ્વીને બે ભાગમાં ચિરાઈ જવા દો! હર! હર! મહાદેવ! ઉદ્ધેરદાત્મનાત્માનમ્‌ ‘માણસે પોતાની શક્તિથી જ પોતાના આત્માને ઉગારવો જોઈએ.’… પરહિત માટે આ જીવ સમર્પિત થવાનો દિવસ કદી ઊગશે ખરો? દુનિયા કંઈ બાળકના ખેલ નથી. જેઓ પોતાનાં લોહી રેડીને બીજા માટે રાજ માર્ગ બનાવે તેઓ જ ખરા મહાન પુરુષો છે. પોતાના શરીરનું બલિદાન આપીને એક માણસ પુલ બાંધે છે અને તેની મદદથી બીજા હજારો લોકો નદી ઓળંગે છે. શાશ્વત કાળથી આમ બનતું આવ્યું છે. એવમસ્તુ, એવમસ્તુ, શિવોઽહં શિવોઽહં- ‘એમ જ થજો; એમ જ થજો; હું શિવ છું. હું શિવ છું!’..દરેકની સાથે પ્રેમથી બોલો; મિજાજ ગુમાવવાથી કામ બગડે છે. લોકો ગમે તે કહે, તમે તમારા સિદ્ધાંતને વળગી રહો; તો ખાતરી રાખજો કે જગત તમારા પગમાં પડવાનું છે. લોકો કહે છે: ‘અમુક વ્યક્તિમાં વિશ્વાસ રાખો.’ પણ હું કહું છું: ‘પહેલાં તમારામાં વિશ્વાસ રાખો;’ એ જ સાચો રસ્તો છે. તમારામાં શ્રદ્ધા રાખો. સઘળી શક્તિ તમારામાં જ રહેલી છે; તેના પ્રત્યે સભાન બનો અને તેને બહાર લાવો. કહો કે ‘હું બધું કરી શકીશ.’ ‘જો તમે દૃઢતાથી સર્પના ઝેરના અસ્તિત્વનો પણ અસ્વીકાર કરો તો તે ઝેર પણ બિનઅસરકારક થઈ જાય.’ ખ્યાલ રાખજો; ‘ના’ કહેવાની જ નથી. નિષેધાત્મક વિચાર જ નહિ! હા, હા જ કહો (‘સોઽહમ્‌ સોઽહમ્‌’) ‘હું તે છું’ ‘હું તે છું.’

કિન્નામ રોદષિ સખે ત્વયિ સર્વશક્તિ: આમન્ત્રયસ્વ ભગવન્‌ ભગદં સ્વરૂપમ્‌ ।
ત્રૈલોક્યમેતદખિલં તવ પાદમૂલે આત્મૈવ હિ પ્રભવતે ન જડ: કદાચિત્‌ ॥

‘હે મિત્ર! શા માટે રડે છે? તારામાં જ બધી શક્તિ છે. ઓ શક્તિશાળી (આત્મા)! તારા સર્વશક્તિમાન સ્વભાવને આહ્‌વાન આપ એટલે આ આખું જગત તારાં ચરણમાં આવશે. આ આત્મા જ પ્રબળ છે, નહિં કે જડ વસ્તુ.’ અથાક ઉત્સાહ સહિત કામ કરો! ભય વળી શું છે? તમને રોકવા કોણ શક્તિમાન છે? કુર્મસ્તારકચર્વણં ત્રિભુવનમુત્પાટયામો બલાત્‌, કિં ભો ન વિજાનાસ્યસ્માન્‌, રામકૃષ્ણદાસા વયમ્‌ – ‘આપણે તારાઓનો ચૂરો કરી નાખીશું, જગતને બળપૂર્વક ઉખેડી નાખીશું. તમે નથી જાણતા કે આપણે કોણ છીએ? આપણે શ્રીરામકૃષ્ણદેવના દાસ છીએ.’

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા – સંચયન, પૃ.૪૧૭-૪૧૯)

Total Views: 40

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.