બેલુર મઠ, બંગાબ્દ નૂતન વર્ષ, ૧૩૬૯, ૧૫-૪-૧૯૬૨, રવિવાર

વહેલી સવારે પરમાધ્યક્ષશ્રીએ ખૂલે પગે સેવક સાધુ સાથે દરેક મંદિરે જઈને પ્રણામ કર્યા. રાજા મહારાજ (સ્વામી બ્રહ્માનંદ)ના મંદિરની ઉત્તરના વરંડામાંથી શ્રીશ્રી ભવતારિણીના મંદિર તરફ જોઈને બે હાથ જોડીને પ્રણામ કર્યા તથા શ્રીગંગા વંદના પણ કરી.

થોડીવાર પછી ૬.૩૦ વાગ્યે શ્રીમત્‌ સ્વામી નિર્વાણાનંદજી મહારાજ સાથે યુગતીર્થ દક્ષિણેશ્વરમાં દર્શનાર્થે ગયા. રસ્તામાં કલ્યાણેશ્વર મહાદેવની જગ્યામાં જઈને શિવપૂજા કરી.

ગાડી કાલીવાડી પાસે રોકાઈ. પરમાધ્યક્ષશ્રીએ તીર્થરજને શિરે ધારણ કરીને શ્રીઠાકુરના સ્મૃતિપવિત્ર ઓરડામાં જઈને હાથ જોડીને ખાટ પાસે ઊભા રહ્યા. પછી આંગણાનાં બારણામાંથી નીકળીને પશ્ચિમ દ્વારના રસ્તે ભવતારિણીના મંદિરમાં પ્રવેશ્યા. મહાદેવીની સન્મુખ ઊભા રહ્યા, હાથ જોડ્યા અને એમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. જગદંબાનાં રક્તવર્ણાં ચરણમાં ચંદન સાથે જાસુદનું ફૂલ અને બિલ્વપત્રની અંજલિ આપીને નિર્માલ્ય લીધું. પૂજારીએ મહાદેવીનાં શ્રીચરણ પરથી સિંદૂર લઈને તેનું મહારાજના ભાલમાં તીલક કર્યું. ત્યાર પછી દેવીમંદિરની પ્રદક્ષિણા કરીને વિષ્ણુમંદિરમાં જઈને શ્રીરાધાકાંતજીની પૂજા કરી. ત્યાર પછી દ્વાદશ શિવમાંથી એક શિવજીની પૂજા કરીને નોબતખાના, પંચવટી અને બેલતલામાં ગયા. આ જ છે, યોગેશ્વરી ભૈરવી બ્રાહ્મણીએ સ્વહસ્તે સ્થાપિત પંચમુંડાસન. અહીં શ્રીરામકૃષ્ણદેવે અનન્ય તંત્રસાધના કરી હતી. દર્શન પૂર્ણ કરીને કાલીવાડીના રસ્તે થઈને મોટરમાં બેઠા અને બેલૂર મઠ પાછા આવ્યા.

મા ભવતારિણીના ભોગ-નૈવેદ્ય માટે પરમાધ્યક્ષ મહારાજે ૧૦૧ રૂપિયા પ્રણામી આપી અને બીજાં મંદિરોમાં પણ પ્રણામી આપીને દર્શન કર્યાં. આજે કાલીવાડીમાં શ્રીમંદિરના કાર્યવાહકોએ સંન્યાસીવૃંદ સાથે પ્રસાદ લેવા બોલાવ્યા હતા. પરંતુ પરમાધ્યક્ષશ્રીએ વિનમ્રભાવે ત્યાંથી જવા દેવા વિનંતી કરી. એનું એક કારણ હતું વૃદ્ધાવસ્થા. મુખ્યત્વે બીજું કારણ એ પણ હતું કે આજે બંગાળી નવા વર્ષને લીધે દર્શનાર્થીઓની સંખ્યા ઘણી મોટી હતી. મઠે પહોંચતાં સવા આઠ વાગી ગયા. પોતાના ખંડમાં જઈને પછી કલ્યાણેશ્વર મહાદેવની સ્તુતિ કરી.

અત્યારે નવ વાગ્યા છે. લગભગ હજારેક જેટલાં ભક્ત નરનારી આમ્રવૃક્ષની નીચે શિસ્તબદ્ધ રીતે કતારબંધ (પૂજનીય મહારાજના) દર્શનાર્થે ઊભાં હતાં. દર્શનનો આરંભ ૧૦ વાગ્યે થયો. પરમાધ્યક્ષશ્રી બીજામાળની ઓસરીમાં ખુરશીમાં બેસીને ભક્તજનોને દર્શન આપે છે. પ્રસન્ન જ્યોતિર્મય મુખ! ગળામાં ભક્તોએ દીધેલી રજનીગંધા પુષ્પમાલા છે. એમની જમણીબાજુએ એક ટેબલ મૂક્યું છે. ટેબલ ઉપર અને નીચે જાણેકે પુષ્પનો સ્તૂપ બની ગયો છે. ભક્તોની એટલી બધી ભીડ હતી કે આજે એમની સન્મુખ ઝાઝો સમય બેસવાનો સુયોગ ન મળ્યો. એમણે એક-બે વાતોથી બધાં ભક્તોનાં મનપ્રાણ ભરી દીધાં. કથાવાર્તામાં સ્નેહનું ઝરણું વહેતું હતું. 

બપોરે હજારો ભક્તોએ પંગતમાં બેસીને બંગાળી શુભ નવવર્ષનો શ્રીઠાકુરનો પ્રસાદ મેળવ્યો. 

બપોર પછી ૩ વાગ્યે કાલીવાડીના સંવાહકો શ્રી શ્રીભવતારિણી માતાનો પ્રસાદ લઈને આવ્યા. પરમાધ્યક્ષે એમને પોતાના કક્ષમાં બોલાવ્યા, એમને માન-આદર આપ્યાં અને એમની મિષ્ટાન્નસેવા કરી. એ લોકોએ લાવેલ પ્રસાદમાંથી થોડો પ્રસાદ રાખીને બાકીનો બધો પ્રસાદ ભંડારઘરમાં મોકલી દીધો.

ગ્રીષ્મનો તાપ ઘણો વધુ છે. બપોર પછી આકાશ વાદળથી છવાઈ ગયું અને પવન-ધૂળનો ઝંઝાવાત ફૂંકાયો. આમ હોવા છતાં પણ ઘણા ભક્તજનો દર્શને આવ્યા હતા. સવારે શ્રીમા કાલીના અંગે એકેય અલંકાર ન જોતાં એમણે બે-એક ભક્તજનો સમક્ષ એનો ઉલ્લેખ કર્યો. આજે સારી એવી વેળા વીતી ગઈ છતાં પણ ગઈ કાલનાં પુષ્પોનો શ્રીમા કાલી સમક્ષ જે સ્તૂપ રચાયો હતો એને પણ દૂર કરાયો ન હતો, એના માટે પણ એમને મનોવેદના થઈ.

બેલુર મઠ, ૧૬-૪-૧૯૬૨

આજના દર્શનાર્થીઓમાં ઉપસ્થિત બજબજના એક ભક્ત મહિલાએ કહ્યું કે તે કુંભમેળામાંથી પાછી આવી છે. પરમાધ્યક્ષશ્રીએ એ સાંભળીને કહ્યું: ‘કુંભમેળામાં વિશાળ સાધુસમાજ એકઠો થાય છે. અપૂર્વ દૃશ્ય! એમાં અદ્‌ભુત આકર્ષણ છે. અહીં સમગ્ર ભારતના લોકો એક બની જાય છે – એમાં ક્યાંયે પ્રાદેશિકતાનો ભાવ હોતો નથી.

ધર્મભાવ એમની કરોડરજ્જુમાં જોડાયેલો છે, બધા લોકો અહીં એકસૂત્રે બંધાયેલા છે; વિજ્ઞાનનો ગમે તેટલો પ્રભાવ આવે પણ આ ધારા ચાલુ રહેવાની, કોઈ એને રોકી શકે તેમ નથી.

આ તો થઈ એક બાજુની વાત. એનો અર્થ એ નથી કે આપણે હંમેશાં આમ તેમ ભટકતા ફરતા રહીએ, તે સારું નથી. તીર્થાટન કર્યા પછી હવે તમારે કુટિચક બનવું પડે; એક જગ્યાએ બેસીને વાંચવું પડે, સ્મરણ-મનન, ધ્યાન-ચિંતન કરવું પડે.’

બેલુર મઠ, ૧૭-૪-૧૯૬૨

એક પ્રવીણ દર્શનાર્થીના મુખે દુ:ખવિષાદની વાત સાંભળીને પરમાધ્યક્ષશ્રીએ કહ્યું : ‘એમનાં (ભગવાનનાં) ચરણકમળમાં ભક્તિલાભ ન થયો, એટલે જ આપણે સંસારમાં આટલા બધા મચ્યા રહીએ છીએ. દહીંમાંથી માખણ કાઢીને જો પાણીમાં રાખી દો તો તે તરતું જ રહેશે, તે પાણીમાં ભળી જતું નથી. જો માણસ ભક્તિલાભ કરીને સંસારમાં રહે તો એમને આસક્તિમાં બંધાવાની આશંકા રહેતી નથી. માખણ કાઢવાનો સમય હતો સૂર્યોદય પહેલાંનો. હવે બપોર થઈ ગઈ છે, કામકાજમાં હવે એ સુયોગ નથી. એટલે જ હવે વ્યર્થ બળાપા કાઢ્યા વિના અત્યારે પણ શક્તિ અનુસાર તેમને બોલાવો. એમને (ભગવાનને) કહો, ‘હે પ્રભુ, તમે દયા કરીને અમને તમારી પાસે બોલાવી લો.’ મનમુખ એક કરીને આર્તભાવે એમને પ્રાર્થના કરશો તો તમારું રક્ષણ થશે.’

બેલુર મઠ, ૧૮-૪-૧૯૬૨

એક ઉચ્ચ શિક્ષિત મહિલાએ મંત્રદીક્ષાની ઇચ્છા પ્રગટ કરી એટલે પરમાધ્યક્ષશ્રીએ પૂછ્યું: ‘તમે શ્રીઠાકુર, શ્રીમા, સ્વામીજીનાં થોડાંઘણાં પુસ્તકો વાંચ્યાં છે ખરાં?’ મહિલાએ કહ્યું: ‘કથામૃત, લીલાપ્રસંગ અને પૂંથિ પૂર્ણ કરીને અત્યારે હું સ્વામી વિવેકાનંદની જીવનકથા વાંચું છું.’

પરમાધ્યક્ષશ્રીએ કહ્યું: ‘એમ, કથામૃતના પાંચ ભાગ પૂરા થઈ ગયા! હું તો ૧૯૦૪ થી વાંચું છું પણ હજીયે પૂરા થયા નથી. ગીતા, ભાગવત, કથામૃત – આ મહાગ્રંથો એક-બેવાર વાંચીને પૂરા કરી દેવાનો વિષય છે ખરો! અરે મા, કોણ જાણે પણ મને એમ લાગતું નથી. યુગો યુગોથી આ બધા ગ્રંથોનું પઠન થતું આવ્યું છે અને એ ચિરકાલીન થતું રહેશે. જુઓ મા, તમે બે બાબત નથી કરી, મનન અને નિદિધ્યાસન. પાઠ કરો પછી વાંચેલા વિષય પર ચિંતન કરો અને ત્યાર પછી તેના પર ધ્યાન ધરો; તો જ શાસ્ત્રનો મર્મ પામી શકાય. નહીં તો પોપટની જેમ પઢવાથી કામ નહિ ચાલે.’

બેલુર મઠ, ૧૯-૪-૧૯૬૨

સવારે શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ પરમાધ્યક્ષ પાસે આવ્યા. ઘણા સમય સુધી એમણે પરમાધ્યક્ષશ્રી સાથે વાતચીત કરી. એટલે આજે સવારના દર્શન સમયમાં એકાદ કલાક મોડું થયું. દસ વાગ્યે જ્યારે સંઘ સચિવ સ્વામી વીરેશ્વરાનંદજી ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે દર્શનની રાહ જોતાં નરનારીઓ બીજે માળે ગયાં અને પરમાધ્યક્ષશ્રીનાં દર્શન કર્યાં. દરરોજની જેમ પહેલાં એમણે ભક્તજનોને સંબોધ્યા : (એક બાળકને જોઈને) ‘ધોતિયું પહેરવાને લીધે થોડો લાંબો દેખાય છેને! હવે ક્યાંક દાખલ થવું જોઈએ… વિદ્યાપીઠ (ગુરુકુળ)માં થઈ શકે… માબાપને છોડીને રહી શકે ખરો? પોતાનાં બાળકો પર માનો કેટલો પ્રેમ હોય છે! અને જો બીજા કોઈ છોકરાનો આદર કરે કે ચાહે તો એમાં પેલા જેવું અનુભવભર્યું આસ્વાદન થતું નથી. પરંતુ અમારાં શ્રીમાની વાત તો સાવ જુદી જ છે. એમની સામે કોઈ પોતિકું-પારકું નથી, બધાં પર એક સરખો પ્રેમ. એટલે જ અમે એમને નામ આપ્યું છે ‘કુપમંડુકતાભંજક મા’.’ 

(બાળકના પિતાને ઉલ્લેખીને) : આસક્તિ સારી નથી. શ્રીઠાકુર કહેતા, ‘લોકો કહે કે આ કાલીવાડી રાસમણિની છે, પણ એ માની ઇચ્છાથી થયું છે એમ કોઈ કહેતું નથી. એમની ઇચ્છા વિના ઝાડનું પાંદડુંયે ફરકતું નથી.’

(ભક્તોના મુખ તરફ દૃષ્ટિ કરીને): ‘જુઓ, જેમણે આટલાં બધાં મુખ બનાવ્યાં છે એ કેટલો મોટો શિલ્પકાર હશે! તમે કોઈ પ્રખ્યાત કલાકારને એક પટ પર દસ લોકોનાં કલ્પિત મુખનું ચિત્રાંકન કરવાનું કહો તો તો એની પરેશાનીનો પાર નહિ રહે અને સો લોકોનું ચિત્રાંકન કરવાનું કહો તો તો અશક્ય જ!

બધું આપણી ભીતર જ છે. (પોતાનો જમણો હાથ હૃદય પર રાખીને કહ્યું) : કસ્તુરીમૃગ કસ્તુરીની સુગંધથી આકર્ષાઈને વન-વન ભટકતો રહે છે. પરંતુ એ તો આપણી અંદર જ છે. એ ન જાણવાને લીધે આપણે અહીં તહીં ભટકતા રહીએ છીએ.

પ્રવચનમાં અંતરાય આવ્યો. દર્શનાર્થીઓમાંથી પશ્ચિમવાસી એક ભદ્ર પુરુષે સુંદર મજાની બંગાળી ભાષામાં કહ્યું: ‘મહારાજ, મેં ધનબાદમાં મહિલાઓ માટે એક શાળા બનાવી છે. એ શાળા હું મિશનને સોંપવા ઇચ્છું છું. મેંગલોરના ખ્રિસ્તી મિશનરીઓ આ શાળા લેવા આતુર છે, પણ હું એમને સોંપવા ઇચ્છતો નથી.’ પરમાધ્યક્ષશ્રીએ સસ્નેહ કહ્યું: ‘ચોક્કસ, ત્યાં શા માટે જાય? તમે અહીં જનરલ સેક્રેટરી મહારાજને મળીને વાત કરી જુઓ. (કોઈને ઈશારાથી બોલાવીને) એમને જનરલ સેક્રેટરી મહારાજ પાસે લઈ જાઓ.’ (વિમાન મહારાજ આવ્યા અને આગંતુક સદ્‌ગૃહસ્થને મઠના સચિવાલયમાં લઈ ગયા.)

પશુપતિ બસુ : ‘મહારાજ, આજે અમે દિલ્હી જઈએ છીએ.’

પરમાધ્યક્ષ : “નદેર નિમાઈ’ નો તમે હિંદી અનુવાદ કરાવશો? ઠીક છે, (પહેલા દિલ્હી જઈને) કામ કરીને આવો. હું જો ત્યાં હોત તો એકવાર જઈને બેસત.’

કાલનાનો યુવક : ‘મહારાજ, આઠ વર્ષ પહેલાં આપે કાશીમાં ‘નદેર નિમાઈ’ જોયું હતું. વૃંદગાન કરનારા છોકરાઓમાંથી એક છોકરાએ એટલું સુંદર ગાયું કે આપે એને મેડલ આપ્યું હતું.’

પરમાધ્યક્ષ : ‘અરે એ વાત શું કરો છો? પશુપતિ મારા સાત રૂપિયા ખાઈ ગયા. એ મેડલના રૂપિયા હજી સુધી આપ્યા નથી.’ (બધાનું હાસ્ય).

પશુપતિ અને હૃષીકેશ ચરણરજ લઈ રહ્યા છે. પરમાધ્યક્ષશ્રીએ અભિનેતાને કહ્યું: ‘વારુ, તમે પશુપતિમાં મગ્ન રહો છો કે પશુપતિ તમારામાં! (બધાનું હાસ્ય). જતી વખતે શ્રીઠાકુરનું થોડું ચરણામૃત લેતા જજો.

હમણાં જ આવેલા એક ભક્ત વકીલ તરફ નજર કરતાં પરમાધ્યક્ષશ્રીને જૂની વાતની યાદ આવી. ‘મેદિનીપુરમાં તું દરરોજ મારા માટે દૂધ લાવતો, એ મને બહુ યાદ આવે છે… વારુ, આ તમારા કોર્ટકચેરીના મામલામાં મિથ્યા કે અસત્ય ન બોલીએ તો ન ચાલે? અહીં બી.ટી. કોલેજમાં ઈંન્ટરવ્યુ ચાલી રહ્યા હતા. એક શિક્ષકે આવીને કહ્યું કે એનું ઘર કામારપુકુરથી પાંચ માઈલ દૂર છે અને પોતે કામારપુકુર મઠમાં આવન-જાવન કરે છે. એને જ્યારે પૂછવામાં આવ્યું કે ત્યાં કયા દેવતાની મૂર્તિ છે? તેના જવાબમાં તેણે કહ્યું : ‘કાલી પ્રતિમા.’ અંતે અવશ્ય કહેલું ખરું, પણ બી.ટી. પાસ થયા વગર પગાર વધે નહિ. 

પહેલાં મુદ્રાલેખમાં લખેલું રહેતું કે dieu et mondroit – (સદૈવ સત્ય બોલવું). માતપિતા જો સત્યવાદી હોય તો પુત્રપુત્રી સાચું બોલેને, એ સિવાય તે થઈ ન શકે.’

આજે મહારાજનું સવારનું દર્શન એક કલાકને બદલે ૧૭ મિનિટમાં પૂરું થઈ ગયું. વિદાય લેતાં દર્શનાર્થીઓ નીચે જવા માટે દાદરા તરફ જઈ રહ્યા હતા અને સ્વામી ચિત્તસુખાનંદજી કમંડળમાંથી બધાના હાથમાં બ્રહ્મવારિ (સ્વામી અભયાનંદજી મહારાજ આ વખતે પૂર્ણકુંભયોગમાં હરિદ્વારમાં આ દુર્લભ તીર્થવારિ લઈ આવ્યા હતા અને પરમાધ્યક્ષશ્રીને અર્પણ કરવા મોકલ્યું હતું. બધાના આનંદમાં જ પરમાધ્યક્ષશ્રીનો આનંદ) આપતા હતા.

બપોર પછી પાંચ વાગ્યે હંમેશની જેમ દર્શન થાય છે. ત્રીસ દર્શનાર્થી સ્ત્રીપુરુષ ત્યાં હતાં. પરમાધ્યક્ષશ્રીએ પહેલાં સંભાષણ આપ્યું : (એક ચાકરને) તમારે તો કેટલાય દિવસની રજા હતી. તમે કુંભમેળામાં કેમ ન ગયા?’

ચાકર : ‘વારુ, અહીં એનાથી પણ કંઈક વધુ મારા નસીબમાં હતું. એટલે જ મારે ઝાઝું દૂર જવું ન પડ્યું.’

પરમાધ્યક્ષ : ‘સ્નાન કેટલાય પ્રકારનું હોય છે. કૂવાનું સ્નાન, તળાવનું સ્નાન, મોટા સરોવરનું સ્નાન, નદીમાં ડૂબકી મારીને સ્નાન, અને પૂરમાં જ્યારે સર્વત્ર જળબંબાકાર થઈ જાય ત્યારે એમાં સ્નાન કરવાથી પણ કેટલી તૃપ્તિ મળે છે! (યાવાનર્થ ઉદપાને સર્વત: સંપ્લુતોદકે । તાવાન્‌ સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત: ॥ ૨.૪૬) ચારે બાજુથી છલોછલ ભરેલ જળાશય પ્રાપ્ત થયા પછી ખાબોચીયું જેટલું જરૂરનું લાગે છે. (જરૂરનું લાગતું નથી ને?) તે રીતે જ આત્માને જાણનાર બ્રહ્મજ્ઞાનીને વેદો જરૂરના લાગે છે. (જરૂરના ન જ લાગે) – શ્રીઠાકુર બે ગીત ગાતા : ‘કાલીપદ સુધાહૃદે ચિત્ત ડૂબ્યું રહે, તો પછી પૂજા-બલિ-હોમ-યોગની ત્યાં શી વિશાત’, ‘માના પદતળે વસે છે કેટલાં ગયા-ગંગા-વારાણસી’.

ત્યાં બધાં તીર્થો વ્યર્થ લાગે છે. બધું ભીતર જ છે. (જમણો હાથ હૃદય પર રાખીને) જો થોડોક પ્રતિસાદ મળે તો કેવું બની જાય!

‘દ્વારકામાં શ્રીકૃષ્ણ અને અર્જુન ફરવા નીકળ્યા. તેઓ બંને એક શ્રેષ્ઠીના દરવાજે આવીને ઊભા રહ્યા. શ્રેષ્ઠીનો એવો આદેશ હતો કે કોઈ અજાણ્યું આવે તો એને દરવાને તરત જ હાંકી કાઢવા. દરવાન આ બંનેને ઓળખતો ન હતો, એટલે એણે એમને તિરસ્કારપૂર્વક હાંકી કાઢ્યા. બંને મિત્રો વળી પાછા રસ્તે ચાલવા લાગ્યા. શ્રીકૃષ્ણે શ્રેષ્ઠીના ભવન તરફ એક નજર નાખીને કહ્યું: ‘એમનું ઐશ્વર્ય વધુ વૃદ્ધિ પામો.’ બંને સાથે થોડા દૂર ચાલ્યા અને એક પર્ણકુટિ પાસે આવીને ઊભા રહ્યા. એ એક અકિંચન ભક્તની કુટિર હતી. એનું પોતાનું અંગત કોઈ હતું નહિ. એની ગાય જ એનો એકમાત્ર આશરો હતી. એનું દૂધ વેંચીને જેમ તેમ કરીને પોતાનું ભરણપોષણ કરતો હતો. એમને જોઈને ભક્ત તો આજે રાજી રાજી થઈ ગયો. એણે તૂટેલી સાદડી પાથરીને એમને બેસાડ્યા અને ઝડપથી કૂચો બાળીને ગરમ દૂધ પાઈને એમની સેવા કરી. શ્રીકૃષ્ણે બે-એક વાત કરીને ત્યાંથી ચાલી નીકળ્યા. ભક્ત એમને થોડે સુધી મૂકવા ગયો. નજર બહાર ગયા પછી શ્રીકૃષ્ણે કહ્યું: ‘તારી ગાય પણ મરી જાય!’ અર્જુને અસ્થિર બનીને કહ્યું: ‘મિત્ર, તમારું આ વર્તન તો ખરેખર વિચિત્ર છે! જે તમારી પાસે કંઈ માગતો નથી, એને તમે અસીમ ઐશ્વર્ય આપી દો છો, અને તમારા આ દીનભક્તની તમે વંચના જ કરી. જો એની ગાય મરી જાય તો એ ગાયને લીધે જે પાલનપોષણ થતું હતું એ પૂરું થઈ જશે!’ શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું: ‘અર્જુન! કુરુક્ષેત્રમાં મેં તને શું કહ્યું હતું, એ એટલીવારમાં ભૂલી ગયો! 

અનન્યાશ્ચિંતયન્તો માં યે જના: પર્યુપાસતે ।
તેષાં નિત્યાભિયુક્તાનામ્‌ યોગક્ષેમં વહામ્યહમ્‌ ॥ (૯.૨૨)

જુઓ, અર્જુન! એ ધનવાન શ્રેષ્ઠી તો માત્ર ઐશ્વર્યની જ ઉપાસના કરે છે અને વધુ ઐશ્વર્ય પામીને તે એમાં જ રચ્યોપચ્યો રહેશે. મારું એકવાર પણ ચિંતન કરવાનો નથી. અને મારો આ પ્રિય ભક્તે બાર આના મન તો મારામાં લગાવી દીધું છે અને ચાર આના મન પેલી ગાયમાં. અને આ બંધન તૂટી જાય તો એનું સોળે આના મન મને જ આપી શકે. તો હું એને મારા હૃદયમાં સ્થાન આપી શકું.’

એ પૂર્ણ શરણાગતિ અને આત્મસમર્પણનું માહાત્મ્ય દર્શાવતી આ વાર્તા કરીને પરમાધ્યક્ષ શાંત થઈ ગયા. એ અખંડ શાંતિનો ભંગ કરીને એક વૃદ્ધ ભક્તે પૂછ્યું: ‘મહારાજ, આપે અહીં આવવાની મને અનુમતિ આપી હતી, પણ એ પત્ર હું ઘરે ભૂલી આવ્યો છું.’

પરમાધ્યક્ષશ્રી (સસ્નેહ): ‘વારુ, તમે ક્યાં રહો છો?’

ભક્ત (વિનમ્રસ્વરે) : ‘જી, નફરકુંડુ રોડ પર.’

એક યુવક : ‘મહારાજ, એ એમ કહે છે કે તે નફરકુંડુ રોડ પર ભવાનીપુરમાં રહે છે.’

પરમાધ્યક્ષશ્રી (થોડા વિરક્તભાવે) : ‘અરે, મને ખબર છે. ત્યારે હું પદ્મપુકુર રોડ પર રહેતો હતો. એમના દેહાંતને સમયે નરફકુંડુ મહાશયને જોવા ગયો હતો.’

ભક્ત : ‘મહારાજ, મારે કંઈક પૂછવું છે.’

પરમાધ્યક્ષ : ‘આટલી ઉંમરે વધુ પ્રશ્ન ન થાય એ વધારે હિતાવહ છે. બધું સખળદખળ થઈ જાય છે. તમારી ઉંમર કેટલી થઈ?’

ભક્ત : ‘૮૨ વર્ષ.’

પરમાધ્યક્ષ : ‘અરે જુઓ! મને ૮૦ થયાં છે અને એને ૮૨ ક્યાંથી? હું કહું છું એ સંભળાય તો છે ને?’

ભક્તનાં ગૃહિણી : ‘એને બરાબર સંભળાય છે અને આંખેય બરાબર દેખાય છે. પણ મને આંખમાં બરાબર દેખાતું નથી, હું ચશ્મા પહેરું છું.’

પરમાધ્યક્ષ : ‘દીક્ષા લીધાને કેટલા દિવસ થયા?’

ભક્ત : ‘દસ વર્ષ.’

પરમાધ્યક્ષ : ‘તમને કંઈક દર્શનાદિ થાય છે એવું તમે લખ્યું હતું ને?’

ભક્ત મૌન રહે છે. ગૃહિણી : ‘તે પોતાનામાં રત રહે છે, શ્રીરામકૃષ્ણ કથામૃત અને લીલાપ્રસંગ વાંચે છે, અને કેટકેટલુંય જુએ છે! વાત બહુ થોડી કરે છે. ક્યારેક એકાદ-બે શબ્દ. ઘરસંસારની કંઈ પડી નથી.’

પરમાધ્યક્ષ : ‘ઘરમાં તમે કેટલા જણ છો?’

ગૃહિણી : ‘બે છોકરા, બે છોકરી, બંને છોકરાની પત્નીઓ અને પૌત્રપૌત્રીઓ.’

પરમાધ્યક્ષ (હાસ્ય સાથે) : ‘અને તમે હજી પણ ઇચ્છો છો કે એ સંસારમાં રસ લે! (ભક્તને ઉદ્દેશીને) તમારે શું કહેવું છે?’

ભક્ત મૌન રહે છે. ગૃહિણી : ‘આપને કંઈક એકાંતમાં કહેવા માગે છે.’

પરમાધ્યક્ષ : ‘સારું, થોડીવાર બેસો. બીજા બધાનું થવા દો.’ દર્શન ચાલે છે. છ વાગી ગયા છે. બીજા બધા લોકો વિદાય લઈને નીચે ઊતરી ગયા. પેલા જૂના ભક્ત દંપતી પરમાધ્યક્ષનાં ચરણકમળ નજીક રહીને એમને એકાંતમાં કંઈક કહે છે.

(ક્રમશ:)

Total Views: 37

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.