આપણે કોઈને મળીએ છીએ ત્યારે હસ્તધૂનન કરીએ છીએ. લગ્નવિધિ પૂરો થાય અને વરઘોડિયું લગ્ન કરીને લગ્નમંડપમાંથી બહાર આવે તે ભેગું જ. એ વડીલોને વંદન કરવાનું આરંભે અને દરેક વડીલ એ વરવધૂને મસ્તકે કે વાંસે હાથ મૂકી આશીર્વાદ આપે. સાતતાળીની, કબડ્ડીની અને એવી કેટલીક રમતોમાં એક રમનાર બીજાને સ્પર્શ કરીને ‘માર’ કરે છે. અને ગુસ્સે થનાર વડીલ બાળકને તમાચો મારે છે ત્યારે પણ એ બાળકને સ્પર્શ કરે છે. મૈત્રીનો, આશીર્વાદનો, ક્રોધનો, વત્સલતાનો ભાવ ભલે ભિન્ન હોય પણ આપણે એ વ્યક્ત કરીએ છીએ સ્પર્શ વડે જ.

બેસતે વરસે આપણે વીસ જણને પગે લાગ્યાં હોઈએ અને એ વીસ વડીલોએ આશીર્વાદ વરસતા પોતાના હાથ આપણા શિર ઉપર કે વાંસે મૂક્યા હોય. એ સ્પર્શની અસર કેટલી ક્ષણજીવી હોય છે? પૂજા કરતા કોઈ વડીલને પ્રણામ કરી, શાક સમારતાં કાકીને પ્રણામ કરવા જઈએ ત્યાં સુધી પણ એ સ્પર્શની અસર ટકતી નથી. હા, કોઈએ તમાચો માર્યો હોય અને તેના સોળ પડયા હોય તે થોડાક કલાક ટકી રહે છે અને કોઈ દુર્વાસા શિક્ષકે કરેલી શિક્ષાની છાપ પણ બેત્રણ દહાડા ટકી રહે છે. પરંતુ આટલો સમય ટકી રહેતી આ કે આવી અસરો વ્યક્તિત્વની સપાટી ઉપરની અસરો છે. દૈહિક છે. પ્રિયતમાને એના પ્રિયતમે કરેલો સ્પર્શ દીર્ઘકાલીન સંસ્કાર મૂકે છે ખરો.

આવા સ્પર્શની તુલનાએ ઠાકુર શ્રીરામકૃષ્ણનો સ્પર્શ અનોખો હતો. જુદી જુદી વ્યક્તિઓને એ સ્પર્શના જુદા જુદા અનુભવો થતા એટલું જ નહીં વ્યક્તિને ઠાકુરના જુદા જુદા સ્પર્શોની જુદી જુદી-કોઈવારે તો સાવ વિરોધી ભાસે તેવી-અસરોનાં અનેક દૃષ્ટાંતો આપણને સાંપડે છે.

શ્રીરામકૃષ્ણ પાસે વિશેષ પ્રકારની દૃષ્ટિ હતી. કાચના કબાટમાં રાખેલી વસ્તુઓ આપણે સરળતાથી જોઈ શકીએ એથી ક્યાંય વધુ સરળતાથી ઠાકુર આવનાર માણસનું ભીતર જોઈ શકતા. એમને દક્ષિણેશ્વરને ઓરડે પહેલી જ વાર જનાર રામચંદ્ર દત્તે ઓરડામાં પગ મૂક્યો તે ભેગા જ, જમીન પર ચાદર ઓઢીને સૂતેલા ભાણેજ હૃદયને એમણે કહ્યું હતું : ‘હૃદુ, દાક્તર આવ્યા છે. તારી તબિયત દેખાડી લે.’ બીજા મિત્રો સાથે પહેલીવાર ઠાકુર પાસે જનાર નરેન્દ્રનાથ દત્તને એમણે ભારપૂર્વક કહ્યું હતું : ‘તું બીજીવાર આવજે, ને એકલો જ.’ અને ઓગણીસ વર્ષનો એ તરવરિયો તોખાર બીજી વાર એકલો ગયો. તે દિવસે પોતાને થયેલા શ્રીરામકૃષ્ણના સ્પર્શના બે અનુભવો નરેન્દ્રનાથે – ભાવિના વિવેકાનંદે – જ આમ વર્ણવ્યા છે :

‘એક નાનકડી ચારપાઈ ઉપર મેં એમને એકલા બેઠેલા જોયા. મને જોઈને એ પ્રસન્ન થયા અને પ્રેમપૂર્વક બોલાવીને ચારપાઈ ઉપર પોતાની પાસે મને બેસાડયો. પરંતુ બીજી જ ક્ષણે મેં એમને એક પ્રકારના આવેશમાં આવી ગયેલા જોયા. કંઈક સ્વગત ગણગણતા મારી તરફ એકીટશે જોતા એ ધીમે ધીમે મારી તરફ સરક્યા. મને થયું કે પૂર્વે કર્યું હતું એવું જ કંઈ વિચિત્ર વર્તન એ કરશે. પરંતુ નિમિષમાત્રમાં જ એમણે મારી છાતી પર પોતાનો જમણો પગ મૂકી દીધો. એમનો સ્પર્શ થતાંવેંત મને કોઈ અવનવો અનુભવ થયો. આંખો ઉઘાડી હોવા છતાં મેં જોયું કે દીવાલો અને ઓરડામાંની તમામ ચીજવસ્તુઓ એકદમ ફરવા લાગી અને શૂન્યમાં લય પામી ગઈ હતી અને મારા સહિત આખું વિશ્વ એક સર્વગ્રાહી શૂન્યમાં ગરક થઈ જવાની અણી ઉપર હતું! હું અત્યંત ભયભીત થઈ ગયો. મને થયું કે હું મૃત્યુના મુખમાં છું, કારણ કે વ્યક્તિત્વનો લોપ થતો હોય ત્યાં મૃત્યુના ભાવ સિવાય બીજું કશું હોઈ શકે નહીં. મારાથી રહેવાયું નહીં તેથી હું બરાડી ઊઠ્યો : ‘તમે મને આ શું કરી રહ્યા છો? ઘેર મને મારાં માતાપિતા છે!’ આ સાંભળીને તેઓ મોટેથી હસી પડયા અને મારી છાતી પર હાથ ફેરવીને બોલ્યા : ‘ઠીક, હમણાં આ બધું ભલે બંધ પડે. વખત આવ્યે બધું થઈ રહેશે.’ આશ્ચર્યની વાત તો એ હતી કે એમણે આમ કહ્યું કે તરત જ મારો એ અવનવો અનુભવ પણ દૂર થઈ ગયો. ફરી હું સ્વસ્થ થયો…

નરેન્દ્રનાથને, ભવિષ્યના સ્વામી વિવેકાનંદને એકદમ અલ્પ સમયમાં થયેલા શ્રીરામકૃષ્ણના બે સ્પર્શોનું વર્ણન કેવું તો ચમકાવી દે તેવું છે! પહેલો સ્પર્શ નરેન્દ્રને કોઈ અલૌકિક અનુભૂતિ કરાવે છે. એ સ્પર્શ થતાંની સાથે નરેન્દ્રને પોતાની જાત સહિતનું સમગ્ર વિશ્વ એક થઈ જતું જણાય છે. આપણે એને કયા નામે ઓળખીશું? એ સર્વોચ્ચ અદ્વૈતની અનુભૂતિ હતી? સિંહણનું દૂધ ઝીલવા માટે સુવર્ણપાત્ર જોઈએ તેમ, અદ્વૈતાનુભૂતિ માટે શંકરાચાર્ય સમી પાત્રતા જોઈએ. ઠાકુરને પોતાને પણ એ અદ્વૈત દશાએ પહોંચતા પહેલાં, ગુરુ તોતાપુરીને હાથે બે ભ્રમર વચ્ચે તીક્ષ્ણ કાચનો ચીરો સહન કરવો પડયો હતો અને એ પહેલાં, ઠાકુરે દ્વૈતમાર્ગની તથા એવા બીજા કેટલાક માર્ગોની સાધના પૂરી કરી હતી. આ નરેન્દ્ર હતા નવો નિશાળિયો. એમની લાયકાતની ખાતરી એમના ગુરુને ન હોત તો, એ પહેલે જ ધડાકે નરેન્દ્રને એવો ભય પમાડે તેવો અનુભવ કદાચ ન કરાવત.

પરંતુ, ઠાકુરના સ્પર્શમાં એવી કેવી તે સમર્થ શક્તિ હશે કે એમનાં ચરણનો નરેન્દ્રનાથને સ્પર્શ થતાં જ એ દ્વન્દ્વોના વિશ્વની પાર પહોંચવા લાગ્યા અને એ ખૂબ ગભરાઈ ગયા? અને, નરેન્દ્રની ધા સાંભળીને, જરા મલકતે મુખે ઠાકુરે પોતાનો હાથ નરેન્દ્રની છાતીએ પ્રસરાવ્યો તે ભેગા તો, નરેન્દ્રનાથ પોતાના ‘વિચિત્ર’ જગતમાંથી પાછા, દક્ષિણેશ્વરમાં, શ્રીરામકૃષ્ણની જ પડખે, એ જ પાટ પર તેઓ પાછા આવી ગયા! ક્ષણમાત્રમાં ઠાકુરે ભાવિના વિવેકાનંદને ‘અરધ-ઉરધ’નો અકલ્પ્ય અનુભવ કરાવી દીધો. ઠાકુરને પ્રથમ સ્પર્શે નરેન્દ્રનાથે જાણે કે જગતની પાર ઠેકડો માર્યો હતો તો, ગુરુને બીજે સ્પર્શે પાછા આ જગતની નક્કર ભોમકા પર પાછા એમને આણી દીધા હતા. ઠાકુરના સ્પર્શનો એ દિવ્ય જાદુ હતો.

આ બે અનુભવોએ નરેન્દ્રનાથને ખૂબ વિચાર કરતા કરી મૂક્યા હતા. ઠાકુરે કંઈ નજરબંધી કે હિપ્નોટિઝમ તો કર્યું ન હતું. વળી નરેન્દ્ર પોતે હતા દૃઢ મનોબળવાળા. છતાં ઠાકુર પાસે એ માટીના લોંદા જેવા બની ગયા હતા. પૂરા સચેત રહેવાના દૃઢ નિશ્ચય સાથે તેઓ ત્રીજીવાર ગયા. કાલી મંદિરમાં ભીડ જેવું હોવાને કારણે ઠાકુર નરેન્દ્રને મંદિરની બાજુમાં જ આવેલા યદુ મલ્લિકને ઘેર લઈ ગયા. ત્યાં વળી નરેન્દ્રને જુદો જ અનુભવ થયો.

ત્યાં થોડું ટહેલ્યા પછી, નરેન્દ્રને પોતાની બાજુએ જ બેસાડી શ્રીરામકૃષ્ણ જાતે સમાધિમાં સરી પડયા. અને એ વિશે નરેન્દ્રને આશ્ચર્ય જાગ્યું તેવો જ, સમાધિસ્થ રામકૃષ્ણે નરેન્દ્રને સ્પર્શ કર્યો અને, ઠાકુરની સમાધિનો જાણે ચેપ લાગ્યો હોય તેમ નરેન્દ્ર પણ સમાધિમાં સરી પડયા અને બાહ્ય જ્ઞાન ગુમાવી બેઠા. અને થોડા સમય પછી એ સ્વસ્થ થયા ત્યારે, એમણે ગુરુદેવને પોતાની છાતી ઉપર હાથ ફેરવતા જોયા.’

અગાઉના ઠાકુરના સ્પર્શના બે અનુભવોની તુલનાએ આ સ્પર્શાનુભવ નરેન્દ્ર માટે જુદા પ્રકારનો હતો. ઠાકુરના સ્પર્શમાં એ કયું જાદુઈ તત્ત્વ હતું જે જુદે જુદે સમયે નરેન્દ્રને જુદી જુદી દશામાં મૂકી દેતું હતું? નરેન્દ્રને ઠાકુરે કરેલા પ્રથમ બે સ્પર્શો એકમેકના વિરોધી હતા એમ કહી શકાય. ઠાકુરને પહેલે સ્પર્શે નરેન્દ્ર અદ્વૈતના એવરેસ્ટે ચડી ગયા હતા તો, આ ત્રીજા સ્પર્શે એમનામાં શો ફેરફાર કર્યો હતો? એ શું સાવ બેહોશ બની ગયા હતા? એમની એ ભાવાવિષ્ટ દશામાં, એમને વિશે જે કંઈ માહિતી ઠાકુરે પોતાનાં દર્શન દ્વારા મેળવી હતી તેની ખરાઈ, ઠાકુરે કરી હતી. પ્રશ્નોત્તર દ્વારા જ એમ બન્યું હશે ને? પોતાની એ વિશિષ્ટ સમાધિદશામાં નરેન્દ્રનાથે પોતાના ભૂતકાળમાં જ ભૂસકો માર્યો હશે અને ઠાકુરને એ વિશે કહ્યું હશે.

નરેન્દ્રનાથથી વધારે નહીં તો, એમના જેટલા જ લાડકા ઠાકુરના બીજા શિષ્ય રાખાલ-સ્વામી બ્રહ્માનંદનું દૃષ્ટાંત આવા સ્પર્શનું જ છે પણ તે સાવ જુદું પડતું છે.

રાખાલના પિતા સમૃદ્ધ જમીનદાર હતા. એમના જમીનદારીના ગામડામાં નિશાળ ન હતી. એમને ત્યાં પુત્ર રાખાલનો જન્મ થયો અને એ પુત્રની વય પાંચછ વર્ષની – નિશાળે બેસાડવા જેવડી- થઈ એટલે જમીનદાર પિતાએ ગામમાં પ્રાથમિક શાળા ખોલી. જમીનદારના બંગલામાં નોકરોનો ઠાકઠઠારો હોય જ. પાણી પણ નોકર કે નોકરાણી લાવી આપે. શાળાએ જતી આવતી વેળા દફતર પણ નોકર ઉપાડે. આવા આ રાખાલચંદ્ર સત્તરેક વર્ષના થયા તેવા જ બાપાએ એને પરણાવી દીધા અને, વિધિની વિચિત્રતા તો એ કે, એમના સાળા મનમોહન જ એમને ઠાકુર પાસે લઈ ગયા. એથી વધારે વિચિત્ર તો એ કે, ત્યાં ‘પ્રથમ દૃષ્ટિએ પ્રેમ’ જેવું થઈ ગયું. એક દર્શનમાં ઠાકુરને માએ પુત્ર દેખાડયો હતો. આ રાખાલ તે જ પુત્ર. અને રાખાલનાં જનેતા રાખાલના શૈશવમાં જ ગુજરી ગયાં હતાં. ઠાકુર રાખાલની જનેતા બન્યા. એ ‘જનેતા’ પોતાના પુત્ર ઉપર વારી જાય પણ, આ જમીનદારનો પુત્ર કદી પાણીનો પ્યાલો પણ ઠાકુરને ન આપે. ગામધણીના દીકરા કંઈ કામ કરે? પણ ઠાકુરને એની પડી પણ ન હતી.

આ સત્તર અઢારના રાખાલ એક દિવસે બપોરે જરા વહેલેરા ઠાકુરને ઓરડે આવી ચડયા. એ સમયે ઠાકુર પથારીમાં લેટતા હતા.’ અહીં આવ ને બેસ’, કહી તેમણે રાખાલને પોતાને ખાટલે જ બેસાડયા. પછી કહે, ‘જરા પગચંપી કર.’ રાખાલના નાકનું ટીચકું ચડી ગયું.’ હું જમીનદારનો દીકરો. શું આવું સેવકનું કામ હું કરું?’ પણ ઠાકુરે જરા સમજાવ્યા હશે અને, ‘ના’ કહેતાં જીભ નહીં ઉપડી હોય – તેઓ થોડા શરમાળ : ઓછાબોલા હતા – એટલે, પરાણે તેઓ ઠાકુરના પગ દબાવવા લાગ્યા. થોડીક જ વેળા વીતી હશે ત્યાં, જગદંબા બાલિકા-સ્વરૂપે આવતાં અને ઠાકુરના પલંગની પ્રદક્ષિણા કરતાં રાખાલને દેખાયાં. આ અદ્‌ભુત દર્શનથી તેઓ ચક્તિ બની ગયા.’ કેમ, ગુરુસેવાનું ફળ જોયું ને?’ મલકતે મુખે ઠાકુર બોલ્યા. ઇચ્છા વગર કરવા પડેલા ગુરુના ચરણસ્પર્શનું કેવું તો અદ્‌ભુત ફળ રાખાલને મળ્યું! એ ઘડીથી રાખાલના વર્તનમાં મોટું પરિવર્તન આવી ગયું. સ્વામી બ્રહ્માનંદ પણ રામકૃષ્ણ મઠ-મિશનના આધારસ્તંભ હતા.

નરેન્દ્ર અને રાખાલ બંને ખાનદાન અને સંસ્કારી કુટુંબોના નબીરાઓ હતા. પણ શ્રીરામકૃષ્ણદેવનો સ્પર્શ કુલીન યુવાનો પૂરતો જ મર્યાદિત ન હતો. જ્યાં જ્યાં એમને વિભૂતિમત, શ્રીમત, ઊર્જિત સત્તા દેખાતી ત્યાં ત્યાં, તેઓ અહેતુકકૃપાસિંધુ, સ્વયં વરસી પડતા અને જેની પર તેઓ વરસે તે ધન્ય બની જતું.

ઠાકુરના એક ભક્ત હતા રામચંદ્ર દત્ત. એ ડોક્ટર પહેલી જ વાર ઠાકુર પાસે ગયા હતા ત્યારે એ ડોકટર છે એ વાત એમને કપાળે લખી ન હોવા છતાં ઠાકુર જાણી ગયા હતા તેનો ઉલ્લેખ લેખના આરંભમાં જ કરવામાં આવ્યો છે. એ રામચંદ્રને ત્યાં એક જુવાન ઘરઘાટી હતો. નામે રખ્તુરામ. મૂળ બિહારના એક ગામડાના ભરવાડનો દીકરો. સાવ અભણ. શ્રીરામકૃષ્ણનું કદી દર્શન કર્યા વિના, એમનો બોલ કદી સાંભળ્યા વિના, દક્ષિણેશ્વરથી, ઠાકુર પાસેથી ઘેર પાછા આવીને, પોતાની પત્નીને રામચંદ્ર જે ઉત્સાહપૂર્વક વાત કરે તે આ નિરક્ષર રખ્તુરામના અંતરમાં પ્રવેશે ને જડ ઘાલે. દક્ષિણેશ્વર જતા રામચંદ્ર સાથે એ રખ્તુરામ એકવાર ગાડીમાં કૂદી પડયા. ફળનો કરંડિયો કે મીઠાઈનો ટોપલો ગાડીમાંથી લઈ એણે ઠાકુરને ઓરડે મૂક્યો. ઠાકુર ઓરડામાં ન હતા. રામચંદ્ર તો ઓરડામાં જ બેઠા. પણ આ રખ્તુરામ ‘એટિકેય્‌ટ’ જાણતા હતા. નોકરથી કંઈ એમ અંદર ન જવાય કે ન બેસાય. દ્વારપાળની જેમ તેઓ ઠાકુરના ઓરડાના પ્રવેશદ્વાર પાસે ઊભા રહ્યા. થોડીવાર પછી ઠાકુર ઓરડામાં પાછા આવ્યા. અંદર જઈ તેમણે રામચંદ્રને સીધો પ્રશ્ન કર્યો : ‘રામ, આ છોકરો તમારી સાથે આવ્યો છે? મને એનામાં ભક્તનાં લક્ષણ દેખાય છે.’ ઠાકુરની વેધક દૃષ્ટિ રખ્તુરામનાં મેલાંઘેલાં લૂગડાં વીંધીને એના અંતર સુધી પહોંચી ગઈ. એમણે રખ્તુરામને અંદર બોલાવ્યા અને બેસવા કહ્યું અને જેવા તેઓ બેઠા તેવો જ એના મસ્તક પર ઠાકુરે પોતાનો વરદ હસ્ત મૂક્યો. અને રખ્તુરામ ગહન સમાધિમાં સરી પડયા. ઈશ્વર પ્રત્યેનો અનુરાગ કંઈ કહેવાના ઉચ્ચ વર્ણોનો વિશેષાધિકાર નથી. અખો, ભોજો ભગત, પાનબાઈ, કબીર, તુકારામ, કોઈ ‘દ્વિજ’ ન હતા. નિષ્કુળાનંદ સુતાર હતા. ઈસુ ખ્ર્રિસ્તના પટ્ટશિષ્ય પીટર અને એનો ભાઈ એન્ડ્રયુઝ માછીમારો હતા. ઈશ્વર પ્રત્યેનો અનુરાગ નાત જોતો નથી.

આ રખ્તુરામને શ્રીરામકૃષ્ણ ‘લાટુ’ કહેતા. અને એ પછાત જાતિના, નિરક્ષર લાટુનું પરિવર્તન શ્રીરામકૃષ્ણને સ્પર્શે મહાજ્ઞાનીમાં કર્યું હતું. સ્વામી વિવેકાનંદે એમને યોગ્ય સંન્યાસનામ જ આપ્યું હતું. – સ્વામી અદ્‌ભુતાનંદ.

ઠાકુરને અદ્‌ભુત સ્પર્શે શરાબીઓને શરાબનું વ્યસન છોડાવ્યું છે, વેશ્યાગમન કરનારાઓને સંયમને માર્ગે વાળ્યા છે અને વેશ્યાની પુત્રીને પોતાની માતાને પગલે ચાલી વેશ્યા થવાને બદલે ભક્તમાં પરિવર્તિત કરી છે. ઠાકુરનો સ્પર્શ પતિતોદ્ઘારક હતો, ઉચ્ચ જીવન તરફ લઈ જનારો હતો, આ પાર્થિવ જગતની પારના ઉચ્ચતમ જગતની અનુભૂતિ કરાવનાર હતો.

એ પાવક સ્પર્શ પામનાર સૌ ધન્ય થઈ ગયાં. સને ૧૮૮૬ના જાન્યુઆરીની ૧લી તારીખે ઠાકુરના તારક સ્પર્શનો અનુભવ કેટલા બધા લોકોને થયો હતો! કેટલા બધાં ચૈતન્યસિંધુમાં સરી પડયા હતા!

————————————————-

સંદર્ભ :

૧. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, પુ. ૨, પૃ. ૩૩
૨. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, પુ. ૨, પૃ. ૩૪

Total Views: 38

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.