કદાચ ઘણા ભારતીયો એના નામથી અજાણ હશે. પરંતુ આ અનોખો આદમી નોબેલ પારિતોષિક વિજેતા અલગોરાના પર્યાવરણ સુધારણાના વિષયમાં રસરુચિ માટે જાણીતો બન્યો છે. આવા અનોખા આદમી ડોક્ટર અશોક ખોસલાએ ૨૦૧૮ સુધીમાં ગામડાંના ભારતમાં દસ કરોડ કામધંધા ઊભા કરવાની યોજના કરી છે. વિકાસના વિકલ્પો (ડેવલપમેન્ટ ઓલ્ટરનેટિવ્સ) ના સ્થાપક અને ચેરમેનના રૂપે ન્યુ દિલ્હીના નિવાસી ડો. ખોસલાએ ગામડાંના માણસોને મળતી પાયાની સુવિધાઓ અને એમાંથી એમને કામધંધો કે રોટીરોજી આપવાના કાર્ય માટે નાની નાની ફેક્ટરીઓ ઊભી કરવાના કાર્યમાં મશગૂલ બન્યા છે. આમાં ક્યાંય બજારું નફો મેળવવાની વાત નથી. છેલ્લા પંદર વર્ષમાં આવા કાર્યના પ્રારંભથી ૩૦ લાખ કામધંધા ઊભા થયા છે.

આવા ઉદાત્ત પરોપકારી વિચારો અને આદર્શોને વરેલા આ માનવીએ ૧૨૦ મિલિયન ડોલરનું સફળ સાહસ ખેડ્યું છે. ડો. ખોસલા કહે છે : ‘ગરીબ લોકો વધુ ને વધુ ઉત્પાદિત વસ્તુઓ જુએ છે, પણ એ લઈ શકતા નથી. એનું કારણ એ છે કે એમની પાસે ખરીદશક્તિ નથી.’ ૨૦૦૨માં એમને આવા ઉમદા કાર્ય માટે યુનાઈટેડ નેશન્સ (વિશ્વસંઘ)નું સાસાકાવા એન્વાયરમેન્ટલ (પર્યાવરણ) પારિતોષિક અપાયું હતું. ૨૦૦૪માં એમને સ્ક્વાબ ફાઉન્ડેશનનો સામાજિક ક્ષેત્રે ઔદ્યોગિક સાહસિકતા માટેનું સારું કાર્ય કરવા માટેનો એવોર્ડ (પુરસ્કાર) મળ્યો હતો. કેમ્બ્રિજ અને હાર્વર્ડ યુનિ.ના ડો. ખોસલાને તાજેતરમાં જ બ્રિટિશ એમ્પાયર (સામ્રાજ્ય)ના અધિકારી તરીકે નીમવામાં આવ્યા છે.

‘ડેવલપમેન્ટ ઓલ્ટરનેટિવ્સ’ (વિકાસના વિકલ્પો) એ સીધા બજારનો અભિગમ દાખવે છે. કોઈ દાન ધર્માદા પર આધાર રાખતું નથી. તે કેવી રીતે કામ કરે છે એ વિશે આશ્ચર્ય થયા વિના ન રહે. ઉદાહરણ તરીકે ગામડાંમાં પોતાના પ્રકલ્પ માટે જરૂરી સાધન સામગ્રીની ખરીદી માટે સહકારી મંડળ રચે છે, કાર્યકરો માટે મજૂરી કે કામના દર નક્કી કરે છે. આ કામ કે મજૂરીના દર સામાન્ય રીતે ઓછામાં ઓછા મહેનતાણાની સરખામણીમાં થોડા વધારે હોય છે. ‘ડેવલપમેન્ટ ઓલ્ટરનેટિવ્સ’ના આ સામાજિક ઔદ્યોગિક સાહસિકતા ગ્રામ્ય વિસ્તારની સાર્વત્રિક ઉન્નતિ માટે તેમજ ગ્રામ્યજનોએ ઉત્પાદન કરેલ ચીજવસ્તુઓને બજારમાં મૂકવા માટેનું કાર્ય કરે છે.

ગામડામાં રહેવાના મકાનોની અછતને દૂર કરવા માટે સમગ્ર દેશમાં માટીથી બનેલ ઈંટ કે બ્લોકનો ઉપયોગ કરે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાંચ લાખ જેટલા ઘર બાંધવામાં આવ્યા છે. ઈંટ બનાવવામાં માટીને પકડી રાખવા માટે ડાંગરની ફોતરી જેવા કે ઘઉંના કુંવળ (ભૂંસા)નો ઉપયોગ થાય છે. એમાં યંત્રોનો ઉપયોગ પણ થઈ શકે અને હાથેથી પણ ઈંટો પાડી શકાય. આ સંસ્થા ગરીબ લોકોને માટે કમાણીની નવી ને નવી તકો આપવા માટે સામાજિક તેમજ પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે.

‘તારા’ અને ‘ડેવલપમેન્ટ ઓલ્ટરનેટિવ્સ – ડીએ’ પણ એક નવું વણાટકામનું યંત્ર ઊભું કર્યું છે. વણકરો વધુ ઉત્પાદન કરી શકે છે અને સારી ગુણવત્તાવાળું હેન્ડલુમ (હાથવણાટ) આપી શકે છે. એમણે કાગળ બનાવવાનું યંત્ર પણ તૈયાર કર્યું છે. આ યંત્રની મદદથી પસ્તી જેવા નકામા કાગળમાંથી સારી એવી ગુણવત્તાવાળા અને લંબાઈ પહોળાઈવાળા કાગળનું ઉત્પાદન કરી શકે છે. આને લીધે માલસામાન માટે ઉપયોગમાં આવતા જાડા કાગળ તેમજ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં ઉપયોગ કરી શકે તેવા સારા કાગળનું ઉત્પાદન થાય છે.

આ સંસ્થા આટલું જ કાર્ય કરે છે એવું નથી. આ ઉપરાંત ગામડાંના ખેડૂતોની કૃષિપેદાશોને સારી બનાવવાનું, એમાં નવા નવા પ્રયોગો દ્વારા સુધારણા લાવવાનું કાર્ય કરે છે અને એણે હમણાં હમણાં ગામડાંમાં સાઈબરકિઓક્સ – જુદી જુદી માહિતી આપવા માટેનું સંદેશ-વ્યવહાર ઘર સ્થાપવાનું પણ શરૂ કર્યું છે. દરેક ગામડાંને આવી એક ફ્રેંચાઈઝ આપવામાં આવે છે. આવાં કેન્દ્રોને ‘તારા કેન્દ્રો’ નામ અપાયું છે. આ કેન્દ્રો વ્યાવસાયિક તાલીમ, શૈક્ષણિક અને કારકિર્દી માર્ગદર્શન, કૃષિ અને આરોગ્ય વિશે સલાહસૂચનો, પોતાનાં ઉત્પાદનો વેંચવા, તેમજ જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા જેવી બાબતોનાં જ્ઞાનમાહિતી પણ મેળવી દે છે. એ રીતે ગ્રામ્યજનોને સહાયરૂપ બને છે.

ડો. ખોસલાના શબ્દોમાં કહીએ તો ‘અમે ઊભું કરેલું આ સાઈબરકિઓક્સનું કાર્ય અત્યંત ક્રાંતિકારી પગલું ગણી શકાય. એને લીધે ગામડું વૈશ્વિક અર્થકારણમાં ભળે છે અને વૈશ્વિક અર્થકારણને ગામડાંમાં લાવી શકાય છે. એક તો એ અત્યંત સસ્તી કિંમતે મળી રહે છે અને ભારતનાં ગામડાંની ગરીબીની સમસ્યાઓને ઉકેલવા સારા એવાં સમાધાનો શોધી આપે છે.’ આખા દેશમાં અત્યારે ૩૦૦ જેટલાં ‘તારા’ કેન્દ્રો ચાલે છે. આ સંસ્થા ૧૦૦૦ જેટલાં ‘તારા’ કેન્દ્રો ઊભા કરી શકશે ત્યારે નફો રળતી સંસ્થા બની જશે.

ગાંધીજીએ કલ્પેલ સર્વોદય પ્રમાણે ગ્રામોદય યોજનાને ડો. ખોસલા જેવા દેશહિતેચ્છુ કોઈ કમાણીને નજર સમક્ષ રાખ્યા વગર કામ કરતાં બને તો ગ્રામકલ્યાણ હાથવેંતમાં છે. સરકારી સહાય પર આધાર રાખીને ગામડું બેસી રહે એ દિવસો દૂર કરવાની હવે જરૂર છે.

રામકૃષ્ણ મિશન દ્વારા ‘પલ્લિમંગલમ્‌’ યોજના હેઠળ ચાલતા ગ્રામકલ્યાણનાં કાર્યો પણ આવું કાર્ય કરનારે ધ્યાનમાં રાખવા જોઈએ.

Total Views: 27

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.