ઇચ્છાપુર (પ.બં.)માં શ્રીરામકૃષ્ણદેવના નૂતન મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

ભગવાન શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજીના જન્મસ્થાન ઇચ્છાપુરમાં શ્રીરામકૃષ્ણદેવના નૂતન મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ રામનવમીના પાવનકારી દિવસે, ૩ એપ્રિલ, ૨૦૦૯ના રોજ સવારે ૭.૦૦ કલાકે રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે અસંખ્ય સાધુ બ્રહ્મચારીઓ અને ૫,૦૦૦ જેટલા ભક્તજનોની ઉપસ્થિતિમાં થયો હતો. ૪૦,૦૦૦ થી વધુ ગ્રામ્યજનોએ બપોરે ભોજનપ્રસાદનો લાભ લીધો હતો.

જૂના નાના મંદિરમાંથી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી પ્રમેયાનંદજી મહારાજ, જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજ, આ.સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી શિવમયાનંદજી અને ઇચ્છાપુર કેન્દ્રના અધ્યક્ષ સ્વામી નિર્લિપ્તાનંદજી મહારાજની નિશ્રામાં અહીં ઉપસ્થિત સંન્યાસીઓ અને બ્રહ્મચારી વૃંદના સવારે સંગીતમય ભજનગીત અને તાલનૃત્ય સાથે ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી, સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામકૃષ્ણાનંદજીની તસવીરો સાથેની એક વિશાળ અને ભવ્ય શોભાયાત્રા નૂતન મંદિર સુધી યોજાઈ હતી. મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે શોભાયાત્રાને આવકારી હતી અને મંદિરને પ્રજાજનો માટે ખુલ્લું મૂક્યું. મંદિરમાં સંન્યાસી-બ્રહ્મચારી વૃંદના ભારે હર્ષોન્નાદ સાથે શ્રીરામકૃષ્ણ, શ્રીમા સારદાદેવી અને સ્વામીજીની તસવીરોનું પ્રતિષ્ઠાપન થયું હતું.

૨ એપ્રિલના રોજ શ્રીમંદિરમાં સવારે ૪ વાગ્યે મંગલ આરતી, ૫ થી ૬ વૈદિક મંત્રોચ્ચાર અને ભજન-સંગીત તેમજ વિદ્વાન પંડિતોની ઉપસ્થિતિમાં શ્રીરામકૃષ્ણ પૂજા અને વાસ્તુયજ્ઞ સંપન્ન થયો હતો.

૩ એપ્રિલના રોજ શ્રીમંદિરમાં સવારે ૪ વાગ્યે મંગલ આરતી, સવારે ૭ વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર અને ભજન-સંગીત હતાં. મંદિરના ઉદ્‌ઘાટન પછી સવારે ૮ વાગ્યે વિશેષ પૂજા અને હોમનું આયોજન થયું હતું. તે જ દિવસે ૯.૩૦ વાગ્યે આશ્રમની બહારના મેદાનમાં એક વિશાળ જાહેર સભાનું આયોજન થયું હતું. આ જાહેર સભામાં હજારો ગ્રામ્યજનો ઊમટી પડ્યા હતા. 

શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે આ શુભ પ્રસંગે પોતાના વક્તવ્યમાં આશીર્વચન આપ્યાં હતાં. સભાના અધ્યક્ષ સ્થાને શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજ અને અતિથિ વિશેષ રૂપે શ્રીમત્‌ સ્વામી પ્રમેયાનંદજી મહારાજ હતા. રામકૃષ્ણ મઠ, કામારપુકુરના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વિશ્વનાથાનંદજી મહારાજ અને સેવાપ્રતિષ્ઠાન, કોલકાતાના સચિવ સ્વામી સર્વલોકાનંદજી મહારાજે વક્તવ્યો આપ્યાં હતાં. 

સાંજના ૪ થી ૫.૩૦ આકાશવાણી અને દૂરદર્શનના કલાકાર શ્રી બુદ્ધદેવ મુખોપાધ્યાયનું ભજનસંગીત ભાવિકજનોએ માણ્યું હતું. નૂતન મંદિરમાં સંન્યાસીઓ અને રામકૃષ્ણ મિશન કોલકાતા સ્ટુડન્ટ હોમ, બેલઘરિયાના વિદ્યાર્થીઓએ સ્વામી એકવ્રતાનંદજીના માર્ગદર્શન હેઠળ કાલીકીર્તનનો દિવ્ય આનંદ ભાવિકજનોને આપ્યો હતો. રાત્રે ૭ થી ૮.૨૦ સ્વામી મુક્તેશાનંદ, સ્વામી દિવ્યવ્રતાનંદ અને શ્રી ચંદ્રકાંત અધિકારીનું ભજન-સંગીત પીરસાયું હતું. રાત્રે ૮.૩૦ થી ૧૦ આંતરરાષ્ટ્રિય લોકગાયક પરીક્ષિત બાલાના લોકસંગીતની મજા લોકોએ માણી હતી.

આ ઉપરાંત વિવિધ આધ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું.

નૂતન મંદિરના નિર્માણ કાર્યમાં વિવિધ ક્ષેત્રે પોતાની સેવા આપનાર ભાવિકજનોને પરમાધ્યક્ષશ્રીના વરદ હસ્તે શ્રીમંદિરનું સ્મૃતિચિહ્‌ન, વિશેષ સ્મરણિકા, બહેનોને સાડી અને ભાઈઓને ધોતી પ્રસાદી રૂપે આપવામાં આવ્યાં હતાં.

પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ અહીં સતત ૧૨ દિવસ સુધી રહ્યા હતા. ત્રણ દિવસમાં ૩૦૮ જેટલા ભાવિક-ભક્તજનોને મંત્રદીક્ષા આપી હતી. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના મયાલ-બન્દિપુર તાલુકાના ઇચ્છાપુરમાં શ્રીરામકૃષ્ણ સાર્વજનિક મંદિરના નિર્માણથી એક નવું આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર ઊભું થયું છે.

રામકૃષ્ણ મિશન, લીંબડીમાં બાલભારતીજ્ઞાનયજ્ઞ

૧૪ થી ૧૮ એપ્રિલ સુધી લીંબડીના ટાવર બંગલામાં સંસ્થા દ્વારા ધો.૫ થી ૭નાં ૬૫ બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મતના અભિગમથી બાલભારતી જ્ઞાનયજ્ઞનું આયોજન થયું હતું.

કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કેળવણી નિરીક્ષક શ્રી હરેશભાઈ જોષીએ કર્યું હતું. ઊંટડી પ્રાથમિક શાળાના બે શિક્ષકોએ બાળકોને સુંદર મજાની વાર્તા કહી હતી. ડો. પંકજભટ્ટે બાળકો આરોગ્ય વિષયક સુટેવો, શરીર અને વસ્ત્રની સફાઈ, સ્વાસ્થ્ય, પોષક આહાર, અને ઘર આંગણાની સ્વચ્છતાની આવશ્યકતા વિશે રસદાયી વાતો કરી હતી. ચિત્ર શિક્ષક શ્રી પ્રવીણભાઈ કણજરિયાએ ચિત્રને કેવી રીતે દોરવું; તેમાં કેવી રીતે રંગપૂરણી કરવી એ વિશે સુયોગ્ય દૃષ્ટાંતો સાથે ચિત્રશિક્ષણ આપ્યું. ઊંટડી પ્રાથમિક શાળાના શિક્ષકોએ યોગાસનો યોગ્ય કસરતોનું નિદર્શન કર્યું હતું. 

૧૮મીએ છેલ્લા દિવસે સુલેખન કેવી રીતે કરવું તેનું શિક્ષણ અપાયું હતું. અંતે બાલગીત, અભિનય ગીત, ભક્તિગીત બાળકોએ રજૂ કર્યાં હતાં. સ્વામી આદિભવાનંદજીએ બાળકોને પોતાનો સર્વાંગી વિકાસ કરવા આશીર્વચન આપ્યાં હતાં.

રામકૃષ્ણ મિશન હોસ્પિટલ, ઈટાનગર (અરુણાચલ)ના વિવિધ કાર્યક્રમો

દેશની ઈશાને આવેલ રમણીય અરુણાચલ પ્રદેશના પાટનગર ઈટાનગરમાં રામકૃષ્ણ મિશન હોસ્પિટલની સેવાઓ અદ્વિતીય રહી છે. છેલ્લા ત્રણ ત્રણ દાયકાથી અરુણાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારમાં એક અને અનન્ય હોસ્પિટલ લોકોની આરોગ્ય ચિકિત્સા અને શલ્ય ચિકિત્સા-સેવાનું મહાન ભગીરથ કાર્ય કરી રહી છે. આ સંસ્થાના નવા બંધાયેલા ઓપીડી ભવન તેમજ ૨૦ પથારીવાળા આઈ.સી.યુ. – સી.સી.યુ., અને ચક્ષુ વિભાગનું પણ ઉદ્‌ઘાટન થયું હતું. સાથે ને સાથે સ્કૂલ ઓફ નર્સિંગના તાલીમાર્થીઓનો દીક્ષાંત સમારોહ પણ યોજાયો હતો.

નવનિર્મિત ઓ.પી.ડી. વિભાગનું ઉદ્‌ઘાટન ૧૦ મે, ૨૦૦૯ના રોજ સાંજે ૩.૩૦ વાગ્યે (અરુણાચલ પ્રદેશના માનનીય રાજ્યપાલશ્રી) જનરલ જે.જે.સિંઘે કર્યું હતું. રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ હસ્તે એ જ દિવસે સાંજના ૪ વાગ્યે ૨૦ પથારીવાળા આઈ.સી.યુ. – સી.સી.યુ., અને ચક્ષુ વિભાગનું મંગલ ઉદ્‌ઘાટન થયું હતું.

સાંજના ૪.૩૦ વાગ્યે શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને વિવેકાનંદ હોલમાં જાહેર સભાનું આયોજન થયું હતું. જનરલ જે.જે. સિંઘ અને રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી તેમજ રામકૃષ્ણ વિદ્યાલય કોઈમ્તુર, તામીલનાડુના સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી આત્મરામાનંદજી મહારાજ આ પ્રસંગે અતિથિ વિશેષ સ્થાને હતા. વિશેષ મહેમાન તરીકે કેન્દ્ર સરકારના ઈશાન વિસ્તારનાં રાજ્યોના સચિવ જર્નલ સિંઘ અને એન.ઈ.સી. વિભાગના સચિવ ઉત્તમકુમાર સંગમા રહ્યા હતા. પાંચેય મહાનુભાવોનાં વ્યાખ્યાનો ભાવિકોએ માણ્યાં હતાં.

૧૧ મેના રોજ વિવેકાનંદ હોલમાં સાંજે ૫ વાગ્યે શ્રી પી.પી. શ્રીવાસ્તવ (નોર્થઈસ્ટ કાઉન્સીલના સભ્ય)ના અતિથિ વિશેષ સ્થાને અને શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજની નિશ્રામાં ૨૩મો કેપિંગ સેરેમની – પદવીદાન સમારોહ યોજાયો હતો. શ્રીવાસ્તવજીએ ઉત્તમ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પારિતોષિકો આપ્યાં હતાં. સ્વામી સ્મરણાનંદજી મહારાજનું આશીર્વચન આપતું પ્રવચન સૌ કોઈએ માણ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના કાર્યક્રમો

રામકૃષ્ણ મિશન વિદ્યાપીઠ, દેવઘરના સચિવ સ્વામી સર્વગાનંદજી મહારાજની ભજનસંધ્યાનો કાર્યક્રમ ૨૯ એપ્રિલ, ૨૦૦૯ના રોજ શ્રીમંદિર નીચેના હોલમાં સાંજના ૭.૩૦ વાગ્યે યોજાયો હતો. ભાવિકજનોએ સ્વામીજીના કંઠે વહેતાં ભક્તિસભર ભજનો માણ્યાં હતાં.

સ્વામીજી માનવ બનાવનાર અને ચારિત્ર્ય ઘડતર કરનાર કેળવણી ઇચ્છતા હતા. ભાવાત્મક મૂલ્યોને જીવનમાં ઊતારીને ચારિત્ર્ય ઘડતર થઈ શકે. આ ઉદાત્ત હેતુને ધ્યાનમાં રાખીને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘મા સારદા સંસ્કાર શિબિર’ ના નામે મૂલ્યનિષ્ઠ કેળવણી શિબિરનું ૨૦૦૯ના ઉનાળાના વેકેશન દરમિયાન આયોજન થયું હતું.

૪ મે, સોમવારથી ૨૯ મે, શુક્રવાર, ૨૦૦૯ દરમિયાન સપ્તાહના પાંચ દિવસની આ શિબિરમાં ૧૩૦ બાળકો ૨૯મી મે સુધી પ્રાર્થના, ધ્યાન, ભજન-સંગીત, પ્રેરણાદાયી-નૈતિક બોધ આપતી વાર્તાઓ, યોગાસનની તાલીમ, ચિત્રકામ, હસ્તકલા કૌશલ જેવી હાથની કળા શીખ્યાં હતાં. તેમજ વનસ્પતિસૃષ્ટિ, વન્યપ્રાણીઓ, અગ્નિશમન વ્યવસ્થા, દાંતની કાળજી જેવા વિષયો પર શૈક્ષણિક સ્લાઈડ્‌સ બતાવાઈ હતી. કલા અને સંસ્કૃતિના સુખ્યાત વ્યક્તિઓ સાથે મુલાકાત માણી હતી. બાળકોને આ સંસ્કાર શિબિરમાં ભાગ લેવા બદલ પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.

૧૬ થી ૨૧ મે સુધી દરરોજ સાંજે ૭.૩૦ કલાકે શ્રીમંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ મિશન, રાયપુરના સચિવ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે ‘કર્મયોગ’ (શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાનો ત્રીજો અધ્યાય) વિશે આપેલાં વ્યાખ્યાનોનો લાભ બહોળી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો.

૨૨ મેના રોજ સાંજે ૭.૩૦ કલાકે શ્રીમંદિર નીચેના હોલમાં ‘સ્વામી વિવેકાનંદ – જીવન અને સંદેશ’ વિશે સ્વામી સત્યારૂપાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને જાહેરસભાનું આયોજન થયું હતું. આ પ્રસંગે ભાવિક જનોએ સ્વામી સુખાનંદજી અને પોરબંદરના પ્રો.જ્યોતિબહેન થાનકીનાં વ્યાખ્યાનો માણ્યાં હતાં.

૨૩ મેના રોજ સાંજે ૭.૩૦ કલાકે શ્રીમંદિર નીચેના હોલમાં ‘શ્રીમા સારદાદેવી – જીવન અને સંદેશ’ વિશે સ્વામી સત્યારૂપાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને જાહેરસભાનું આયોજન થયું હતું. આ પ્રસંગે ભાવિક જનોએ રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી અને સ્વામી સુખાનંદજીનાં વ્યાખ્યાનો માણ્યાં હતાં.

આ જ દિવસે રાત્રે ૮.૪૫ થી ફલહારિણી કાલીપૂજા નિમિત્તે વિશેષ પૂજાહોમ અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. બહોળી સંખ્યામાં ભક્તજનો આ કાર્યક્રમમાં ઉપસ્તિ રહ્યા હતા.

૨૪ મે ને રવિવારે સવારે ૮ થી ૧૨.૩૦ સુધી મંદિર નીચેના હોલમાં અગાઉથી નોંધાયેલા ભક્તજનો માટે આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. આ આધ્યાત્મિક શિબિરમાં સ્વામી સત્યરૂપાનંદજી, રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી અને સ્વામી સુખાનંદજીનાં આધ્યાત્મિક પ્રેરણાનું સિંચન કરતાં વક્તવ્યો રહ્યાં હતાં. પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ પણ યોજાયો હતો. તે જ દિવસે સાંજે ૭.૩૦ કલાકે શ્રીમંદિર નીચેના હોલમાં ‘શ્રીરામકૃષ્ણદેવ – જીવન અને સંદેશ’ વિશે સ્વામી સત્યરૂપાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને જાહેરસભાનું આયોજન થયું હતું. આ પ્રસંગે સ્વામી આદિભવાનંદજી અને સ્વામી સુખાનંદજીએ પ્રવચનો આપ્યાં હતાં.

Total Views: 31

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.