સંન્યાસીઓનો સંઘ

પોતાના પરિવ્રાજક જીવન દરમિયાન સ્વામીજીએ જોયું કે આખો દેશ તમસમાં ડૂબી ગયો છે. લોકોના હૃદયમાં સાહસ અને ખંતનો સાવ અભાવ છે. શારીરિક રીતે નિર્બળ અને દૂબળા-પાતળા ભારતના લોકોને પોતાના દૈનંદિન નિભાવની નજીવી કમાણી માટેય ચિંતા સેવવી પડે છે. ભારતના નવજાગરણ માટેના પોતાના સ્વપ્નને સાકાર કરી શકે તેવા આ પ્રજામાંથી સુયોગ્ય કાર્યકરો શોધવાની પણ એમને આશા ન હતી. આ જ વખતે સમગ્ર ભારતમાં પરિભ્રમણ કરતા રહેતા અને લોકોને તત્ત્વજ્ઞાન શીખવતા સેંકડો સંન્યાસીઓ પણ જોયા. આવા સંન્યાસીઓમાં જ જાણે કે થોડીઘણી શક્તિ હતી. આવા થોડા લોકોના વૃંદનો ઉપયોગ કરીને પ્રાથમિક કેળવણીની સાથે ધર્મની કેટલીક સાચી સંકલ્પનાઓનો પ્રચાર-પ્રસાર લોકોમાં થાય એમ સ્વામીજી ઇચ્છતા હતા. આરોગ્યનું વ્યવહારુ જ્ઞાન, ધંધાકીય કાર્યકૌશલ્ય અને સમગ્ર વિશ્વ વિશેનું સામાન્ય જ્ઞાન ગામડે ગામડે જઈને તેઓ આપવા ઇચ્છવા હતા. સ્વામીજી લોકોને સંગઠિત કરવા, એમને પ્રબુદ્ધ બનાવવા અને પોતાની સમસ્યાઓનો આપમેળે ઉકેલ શોધતા બનાવવા ઇચ્છતા હતા. એમણે એક વખત પોતાના શિષ્ય શ્રી શરત્‌ચંદ્ર ચક્રવર્તીને કહ્યું હતું :

‘પ્રથમ તો ત્યાગની ભાવનાથી રંગાયેલા નવયુવકોની જરૂર છે. પોતાનાં અંગત સુખમાં મંડ્યા રહેવાને બદલે બીજાઓને માટે પોતાના જીવનનું બલિદાન આપવા તૈયાર હોય એવા નવયુવકોની આવશ્યકતા છે. આ હેતુને લક્ષમાં રાખીને યુવાન સંન્યાસીઓને તૈયાર કરવા માટે હું એક મઠ સ્થાપવા માગું છું. આ સંન્યાસીઓ ઘેર ઘેર જઈને હકીકતો અને તર્કયુક્ત દલીલો દ્વારા લોકોને તેમની દયાજનક સ્થિતિનું ભાન કરાવશે, તેમના કલ્યાણના ઉપાયો અને માર્ગોનું શિક્ષણ આપશે, અને સાથે સાથે જ બને તેટલી સ્પષ્ટ રીતે, સાવ સાદી અને સહેલી ભાષામાં ધર્મનાં ઊંચાં સત્યો સમજાવશે.’ (૧૧.૧૦૪)

આ ઉદાત્ત હેતુને ધ્યાનમાં રાખીને સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ સંસ્થાના માધ્યમથી પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવે આપેલા ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શનો પ્રચાર-પ્રસાર અને એની જાળવણીનું કાર્ય તેઓ કરવા ઇચ્છતા હતા. શ્રીરામકૃષ્ણના અસીમ પ્રેમ આડે ધર્મ કે સંપ્રદાય, દેશ કે રાજ્ય, જ્ઞાતિ કે જાતિનાં બંધનો ન હતાં. આ પ્રેમ અને સેવા શરત્‌ વિહોણાં હતાં. એમાં ક્યાંયે સ્વાર્થની ગણતરી જ ન હતી. એમને દયા શબ્દ ગમતો ન હતો. કારણ કે તેમાં માન-મોભો કે મોટાઈનું વલણ હોય છે. તેઓ એટલા પ્રેમાળ અને કોમળ હૃદયના હતા કે જેથી બીજા લોકોનાં દુ:ખદર્દને સહન ન કરી શકતા. આજના કહેવાતા સામાજિક સેવકોની જેમ એમણે ક્યારેય દુ:ખી પીડિત લોકો માટેની ચિંતા અને પ્રેમ માટે દંભ કે દેખાવ કર્યો ન હતો. એનું કારણ એ હતું કે સામાન્ય અને પીડિત લોકો માટેનો આ પ્રેમ અને સેવાભાવ મનદેહના સ્રોત કરતાં ઘણાં ઊંડાણમાંથી આવ્યો હતો. આવા લોકો માટેની એમની ઉદ્વિગ્નતા કે ચિંતા એ કોઈ દિવ્ય પ્રતિબદ્ધતાના સ્વરૂપની હતી. પોતાની મહાસમાધિ પહેલાંના થોડા દિવસ પૂર્વે લીલાસહધર્મિણી શ્રીમા સારદાદેવીને એમણે કહ્યું હતું કે તેણે આવા દુ:ખીપીડિત લોકો માટે ઘણું ઘણું કરવાનું છે. તેમણે યુવાનોના એક સમૂહને ગહન આધ્યાત્મિક જીવન જીવવાની તાલીમ આપી સાથે ને સાથે વિશ્વના સાર્વત્રિક ક્ષેમકલ્યાણ માટે કાર્ય કરવા પણ કેળવ્યા. શ્રીરામકૃષ્ણદેવના સમગ્ર માનવજાત માટેના અસીમ પ્રેમનું સઘન સ્વરૂપ એટલે રામકૃષ્ણ મિશન.

આજે શ્રીરામકૃષ્ણદેવના દિવ્ય જીવન અને સંદેશનું મુખ્ય સંવાહક રામકૃષ્ણ મિશન છે. આ સંસ્થા ૧ મે, ૧૮૯૭ના રોજ અસ્તિત્વમાં આવી હતી. આ સંસ્થાનું નામકરણ પણ સ્વામીજીએ પોતાના ગુરુદેવના નામે કર્યું હતું. રામકૃષ્ણ મિશનની સર્વપ્રથમ ઐતિહાસિક સભામાં બોલતાં એમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા :

‘જેના નામથી અમે સૌ સંન્યાસીઓ બન્યા છીએ, જેને આદર્શ તરીકે સ્વીકારીને આ સંસારમાં તમે સૌ ગૃહસ્થજીવન ગાળી રહ્યા છો, જેનું પવિત્ર નામ અને જેના અપૂર્વ જીવન અને ઉપદેશોનો પ્રભાવ આ બાર વર્ષોની અંદર જ પૂર્વ તેમજ પશ્ચિમમાં અભૂતપૂર્વ વેગથી પ્રસરી રહેલ છે, તેમનું નામ આ સંઘ સાથે જોડવામાં આવશે; એટલે આ સંઘનું નામ ‘રામકૃષ્ણ મિશન’ રહેશે.’ (સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર, પૃ.૨૫૦)

આનો અર્થ એવો નથી થતો કે શ્રીરામકૃષ્ણદેવની આ વૈશ્વિક સંસ્થા એક સંસ્થાકીય માળખું જ માત્ર છે. શ્રીરામકૃષ્ણદેવ સમગ્ર માનવજાતિના હતા અને એમની આ અનન્ય આધ્યાત્મિક શક્તિ સર્વ લોકોના ક્ષેમકલ્યાણના વિવિધ પ્રવાહસ્રોતો દ્વારા કાર્ય કરી રહી છે. પરંતુ રામકૃષ્ણ મિશન આ બધા પ્રવાહ-સ્રોતોનું મુખ્ય સ્રોત છે. સ્વામી વિવેકાનંદે જ એની સ્થાપના કરી છે. એનો ઉદ્દેશ શ્રીરામકૃષ્ણદેવનાં જીવન-સંદેશનો પ્રચાર-પ્રસાર કરવાનો છે. મિશન દ્વારા થતાં બધાં કાર્યો એમના નામે જ થાય છે અને મિશનને મળેલી સિદ્ધિઓ પણ એમની ગૌરવ ગરીમા બનીને એમને શરણે સમર્પિત થાય છે.

૧૮૯૪માં પોતાના ગુરુભાઈઓને આ અગ્નિકણ સમા શબ્દોવાળો પ્રેરક પત્ર લખ્યો હતો. તેમાં તેઓ લખે છે :

‘વત્સ! તમારે શાંતિનું શું કામ છે? તમે સર્વસ્વ છોડી દીધું છે. ચાલો, હવે શાંતિ અને મુક્તિ માટેની ઝંખના ત્યજવાનો વારો છે! લેશમાત્ર ચિંતા ન કરો. સ્વર્ગ કે નરક, ભક્તિ કે મુક્તિ, કશાની દરકાર ન કરશો. પરંતુ મારા વત્સ! બારણે બારણે જઈને ઈશ્વરના નામનો પ્રચાર કરો! અન્યનું કલ્યાણ કરવાથી જ પોતાનું કલ્યાણ થાય છે. બીજાને ભક્તિ અને મુક્તિને પંથે દોરવાથી જ પોતાને તે બંને મળે છે. તમારી જાતને ભૂલી જઈને એ વિચાર પકડી લો અને તેની પાછળ ગાંડા બનો. જેવી રીતે શ્રીરામકૃષ્ણ તમને ચાહતા, જેવી રીતે હું તમોને ચાહું છું, તેવી જ રીતે તમે જગતને ચાહો.

આટલી બાબતો યાદ રાખજો :

(૧) આપણે સંન્યાસીઓ છીએ. આપણે બધું છોડી દીધું છે : ભક્તિ, મુક્તિ, ભોગ, સર્વસ્વ.

(૨) આપણી પ્રતિજ્ઞા આ પ્રમાણે છે : હલકામાં હલકા મનુષ્ય સુધી જગતનું ઉચ્ચમાં ઉચ્ચ હિત કરવું. તેમ કરતાં મુક્તિ મળે કે નરક; તેને આવકારો.’ (૧૦.૫૩-૫૪)

ગૃહસ્થ ભક્તોનું મંડળ

સ્વામી વિવેકાનંદ ગૃહસ્થ ભક્તોનું એક મંડળ રચવાનું ઇચ્છતા હતા. એને લીધે સંન્યાસીઓની સાથે તેઓ પણ સર્વકલ્યાણનું કાર્ય કરતા રહે. સાથે ને સાથે આવા સમાજ દ્વારા શ્રીરામકૃષ્ણદેવના ઉદાત્ત જીવન-સંદેશનો પ્રચાર-પ્રસાર કરી શકાય અને આ ભાવ-આંદોલનને સુદીર્ઘકાળનું બનાવી શકાય. આ કાર્ય એકલા સંન્યાસીઓથી થઈ ન શકે. બારાનગર મઠના પ્રારંભિક કાળથી જ રામકૃષ્ણ ભાવધારામાં સંન્યાસીઓ અને ગૃહસ્થ ભક્તો વચ્ચે નિકટનો સંપર્ક-સંબંધ હતો. આધ્યાત્મિક ભાવથી કેળવાયેલા અને જ્ઞાતિ-જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવથી પર એવા ગૃહસ્થ ભક્તો શ્રીરામકૃષ્ણના પરમભક્ત અને સમર્પિત સ્વયંસેવકો પ્રબુદ્ધ લોકોનું સંગઠન કે મંડળ રચે. સંન્યાસીઓની સાથે રહીને આ સમર્પિત ભાવવાળા ગૃહસ્થ ભક્તો આધ્યાત્મિક કેળવણી અને ધર્મના વૈશ્વિક ભાવને સામાન્ય માનવ જનસમૂહના જીવનમાં ઉતારે અને તેઓ પોતાના પગ પર ઊભા રહી શકે તેવાં કલા, કૌશલ્ય અને ઔદ્યોગિક કાર્ય માટે પણ પ્રેરતા રહે. આ કાર્ય એમણે શ્રીરામકૃષ્ણે ઉપદેશેલા અને જીવનમાં જીવી બતાવેલા, સૌને નવજીવન બક્ષતા આદર્શોનો પ્રચાર-પ્રસાર કરતાં કરતાં કરવાનું છે. સ્વામી વિવેકાનંદે આ માટે એ સમયે આવું સ્વપ્ન સેવ્યું હતું :

‘પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ:પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતા સિંહની જેવી હિંમત રાખીને મુક્તિ, સહાય, સામાજિક ઉત્થાન અને સમાનતાનો બોધ આપતાં એક લાખ સ્ત્રીપુરુષોએ દેશના એક છેડાથી બીજા છેડા સુધી ઘૂમી વળવું જોઈએ.’ (૧૧.૨૦૧-૨૦૨)

કોલંબોથી આલમોડા સુધી આપેલાં પોતાનાં સંભાષણોમાં પોતાના દેશના ભલા માટે બધું સમર્પિત કરી દેનારાં યુવાન ભાઈ-બહેનોને એમણે આવી રણહાક કરી હતી. મદ્રાસના વિક્ટોરિયા હોલમાં સ્વામીજીએ આપેલા પોતાના સુખ્યાત વ્યાખ્યાન ‘મારી સમર યોજના’માં આવી સિંહગર્જના કરી હતી:

‘આપણે ખરી જરૂર છે માણસોની, અનેક માણસોની. બીજું બધું પછી થઈ રહેશે; સહુ પ્રથમ બળવાન, ચેતનવંતા, અને અંતરમાં ઊંડી શ્રદ્ધાવાળા નવયુવકોની આવશ્યકતા છે. એક સો આવા નવલોહિયા યુવકો મળે તો દુનિયામાં ક્રાંતિ આવી જાય!’ (૪.૧૦૩)

મદ્રાસમાં એમણે આપેલા એક બીજા વ્યાખ્યાનમાં યુવાનોને આ શબ્દો કહીને પ્રેર્યા હતા :

‘ભારતના મહાન ઋષિઓના સંદેશને લઈને દુનિયાના દરેકેદરેક દેશમાં જવા તૈયાર હોય એવા માણસો ક્યાં છે? આ સંદેશો જગતને ખૂણેખૂણે પહોંચી જાય એટલા સારુ સર્વસ્વનો ભોગ આપનારા યુવાનો ક્યાં છે? સત્યના પ્રચારમાં સહાય કરવા સારુ આવા વીર આત્માઓની આવશ્યકતા છે. વેદાંતનાં મહાન સત્યોનો પ્રચાર કરવામાં સહાયરૂપ થવા સારુ, પરદેશ જવા માટે આવા વીર કાર્યકરોની જરૂર છે.’ (૪.૧૫૧)

૧૦ જુલાઈ, ૧૮૯૩ના રોજ યોકોહામાથી પોતાના શિષ્ય આલાસિંગા અને મદ્રાસના પોતાના સુહૃદજનોને લખેલા પ્રેરણાદાયી પત્રમાં તેઓ તેમને આવી હાર્દિક અપીલ કરે છે :

‘ઓછામાં ઓછા એક હજાર નવયુવાનોનું બલિદાન ભારત માગે છે, ખ્યાલ રાખજો કે યુવાનોનું બલિદાન, હેવાનોનું નહિ. તમારી જરઠ બની ગયેલી સંસ્કૃતિને તોડવા માટે અંગ્રેજ સરકાર તો પ્રભુએ આ દેશમાં આણેલું એક નિમિત્ત છે; અને અંગ્રેજોને પગભર બનવામાં સહાય કરનારા શરૂઆતના માણસો મદ્રાસે આપ્યા હતા. આજે હવે ગરીબો માટે હમદર્દી, ભૂખ્યાં માટે રોટી અને વિશાળ જનસમાજને જ્ઞાનનો પ્રકાશ આપીને અભિનવ પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે, જીવનમરણનો જંગ ખેલવાને તથા તમારા બાપદાદાઓના અત્યાચારોના કારણે પશુકોટિમાં ઊતરી ગયેલાઓને ફરીથી મર્દ બનાવવા માટે મરણ સુધી ઝૂઝવાને મદ્રાસ કેટલા નિ:સ્વાર્થી અને પૂર્ણ નિષ્ઠાવાન માણસો આપવાને તૈયાર છે?’ (૧૧.૧૯૮)

પોતાની મહાસમાધિના થોડા મહિના પૂર્વે ૧૯૦૧માં પોતાના એક શિષ્ય સમક્ષ બેલૂર મઠમાં એમણે પોતાના હૃદયની સાચી વાત કરી અને પોતાનું કાર્ય પાર પાડવા કેવા યુવાનોની જરૂર છે એ વિશે એમને આ શબ્દો કહ્યા હતા : 

‘મારી ભવિષ્યની આશા બુદ્ધિમાન, બીજાઓની સેવા માટે સર્વસ્વનો ત્યાગ કરનારા, આજ્ઞાપાલક, ચારિત્ર્યવાન યુવકો ઉપર નિર્ભર છે. મારે એવા યુવકો જોઈએ છીએ જેઓ મારા વિચારોને મૂર્તિમંત બનાવવા માટે પોતાનું જીવન સમર્પણ કરે, અને તેમ કરીને તેઓ પોતાનુ તથા દેશનું ભલું કરે! નહિ તો, સાધારણ યુવાનો તો ટુકડીબંધ આવે છે, અને આવશે. તેમના ચહેરા ઉપર નિસ્તેજતા આલેખાયેલી જ દેખાય છે; તેમનાં હૃદય શક્તિહીન છે, તેમનાં શરીર માયકાંગલાં અને કાર્ય કરવા માટે અયોગ્ય છે તથા તેમનાં મન હિંમત વિનાનાં છે. આવા લોકોથી શું કામ થવાનું હતું? નચિકેતાની શ્રદ્ધાવાળા જો દશબાર યુવકો મને મળી જાય તો આ દેશનાં વિચારો અને પ્રવૃત્તિઓને હું નવું જ વલણ આપી શકું.’ (૧૧.૭૨)

તેઓ એમ પણ ઇચ્છતા હતા કે પોતાના આવા યુવાન અને સ્ત્રીઓ જનસમૂહમાંથી જ આગળ આવવા જોઈએ. એમનું સંગઠન પાયાનું હશે. સ્થાનિક લોકો એમની મેળે સંગઠિત થશે, આવાં મંડળો રચશે, ધન એકઠું કરશે અને બહારની મદદની અપેક્ષા રાખ્યા વગર તેઓ પોતાની સમસ્યાઓનું સમાધાન કરશે. આ કેન્દ્રમાંથી સેંકડો અને હજારો મંડળો કે સંસ્થાઓ ઉદ્‌ભવશે. એટલે જ સ્વામીજીએ આમ કહ્યું છે:

‘લોકો દ્વારા જ લોકોનો ઉદ્ધાર, એ આજની નવી વ્યવસ્થા છે.’ (૮.૨૯)

સફળ સુધારકના ગુણો

સ્વામીજી એ વાતથી પૂરેપૂરા જ્ઞાત હતા કે કોઈ પણ સંસ્થાનું સામર્થ્ય અને એમાંયે વિશેષ કરીને સંન્યાસી સંસ્થાનું સામર્થ્ય તેનાં પોતાનાં માનવ-સંસાધનોની ગુણવત્તા પર આધાર રાખે છે. ચારિત્ર્યવાન, પવિત્ર, બુદ્ધિપ્રતિભાવાળા અને નિ:સ્વાર્થી સેંકડો હજારો યુવાન નરનારીઓ આગળ આવે તે જોવા સ્વામીજી ઇચ્છતા હતા. સાથે ને સાથે તેઓ ભારત ભૂમિ માટેના પોતાના સ્વપ્નને સાકાર કરવા પોતાનું જીવન સમર્પણ કરે તેવું પણ ઇચ્છતા હતા. એમની દૃષ્ટિએ બધાં કાર્યની અસર અંતે તો આત્મલક્ષી જ બની રહે છે. આ વિશ્વ એક વિરાટ નૈતિક વ્યાયામશાળા છે અને એમાં આપણે આપણી જાતને પૂર્ણ બનાવવા આવ્યા છીએ. દરેક સમયે જરાય ઘટ્યા વિના પોતાની ભલાઈ બૂરાઈના ભાગ ભજવવા સાથે, દુનિયા તો જેવી છે તેવી જ રહેવાની. એમના ભાગ્યને સુધારવા માટે કરેલાં પરિવર્તનો દ્વારા માત્ર આપણે જ વધુ સારા ભલા બનીએ છીએ. એટલે જ એમનો આદેશ ‘માનવ બનો અને બનાવો’ એવો હતો. પોતાનાં બધાં લખાણો અને સંભાષણોમાં એમણે પોતાના અનુયાયીઓમાં હોવી જોઈતી ગુણવત્તાની એક વિશાળ યાદી આપી છે. આપણે એમાંની કેટલીક જોઈએ:

સાચા સુધારક બનવા માટે ત્રણ બાબતોની આવશ્યકતા રહે છે :

પહેલું – બીજાઓ માટે સંવેદના અનુભવવી.

* શું ખરેખર પોતાના દેશબંધુઓ માટે તમારા પ્રાણ આકુળવ્યાકુળ થઈ રહ્યા છે?

* જગતમાં આટલાં બધાં દુ:ખો, આટલાં કષ્ટો, આટલું અજ્ઞાન, આટલા બધા વહેમો છે, એવું શું તમને સાચેસાચું લાગી રહ્યું છે?

* એક ગાઢ અંધારિયા વાદળની જેમ અજ્ઞાન આ ભૂમિ પર છવાઈ ગયું છે એવું તમે સાચે જ અનુભવો છો?

* શું આ ભાવના તમારા રોમેરોમમાં વ્યાપી ગઈ છે? 

* શું આ ભાવના તમારા લોહીમાં રગેરગે ઊતરી ગઈ છે? તમારી નસેનસમાં ધબકી રહી છે? અને શું તમારા શરીરની પ્રત્યેક નાડીમાં તેનો ઝણઝણાટ થઈ રહ્યો છે?

* શું તમે સહાનુભૂતિની ભાવનાથી તરબોળ બન્યા છો?

બીજું – વ્યવહારુ પગલાં

* એમને વખોડવાને બદલે તમે કંઈ વ્યવહારુ ઉકેલ કે કોઈ સહાય શોધી કાઢ્યાં છે ખરાં?

* એમની દુ:ખકષ્ટની કઠણાઈમાં શાતા બક્ષતી અને જીવતા મરી રહેલાઓને બહાર કાઢવા તમારી પાસે થોડી મધુરવાણી છે?

* પુરાણા વિચારો ભલે વહેમોથી ભરેલા હોય પરંતુ તે વહેમોમાં પણ સત્યના સુવર્ણની લગડીઓ વિદ્યમાન છે.

* તેનું પૃથક્કરણ કરીને એમાંથી કાંચન મેળવવા માટે તમે કોઈ ઉપાય શોધી કાઢ્યો છે?

ત્રીજું – તમારો ઈરાદો શો છે?

* શું તમે સોએ સો ટકા કહી શકો છો કે તમને પૈસાનું પ્રલોભન નથી, કીર્તિની લાલસા નથી કે અધિકારની આકાંક્ષા નથી?

* તમારો એવો દૃઢ નિશ્ચય છે ખરો કે ભલે સમસ્ત દુનિયા તમને નીચે પાડવાનો પ્રયત્ન કરે તો પણ તમે તમારા ધ્યેયને વળગી રહીને કાર્ય કરશો?

* શું તમને એવી ખાતરી છે કે તમે જે કંઈ ઇચ્છો છો તે તમે બરાબર જાણો છો અને તમારા પ્રાણ જાય તો પણ તમારું કર્તવ્ય કરતાં જ રહેશો?

* શું તમારી એવી અડગ માન્યતા છે કે તમારા જીવનની છેલ્લી ક્ષણ સુધી તમારા હૃદયના છેક છેલ્લા ધબકારા સુધી તમે તમારા ઉદ્દેશની પૂર્તિમાં લાગ્યા રહેશો?

ત્યારે જ અને માત્ર ત્યારે જ તમે સાચા સુધારક છો, સાચા શિક્ષક અને સમગ્ર માનવજાતને આશીર્વચન આપતા સાચા ગુરુ છો.

Total Views: 43

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.