રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા ચતુર્થ વાર્ષિક મહોત્સવ

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, દિલારામ બંગલો, સર્કિટ હાઉસ સામે, આર. સી. દત્ત રોડ, અલકાપુરી, વડોદરા દ્વારા આશ્રમનો ચતુર્થ વાર્ષિકોત્સવ તા. ૧૩ થી ૨૮ એપ્રિલ, ૨૦૦૯ સુધી આશ્રમના પ્રાંગણમાં યોજવામાં આવ્યો.

ઉત્સવની શરૂઆતમાં તા. ૧૩ થી ૧૫ એપ્રિલ રામકૃષ્ણ મિશન જયપુરના સચિવ શ્રીમત્‌ સ્વામી નિખિલાત્માનંદજી મહારાજના રામચરિત માનસ પર હિન્દીમાં પ્રવચનો યોજવામાં આવ્યાં.

રાજકોટના શ્રી જીતુભાઈ અંતાણી, નલીનભાઈ શાસ્ત્રી તથા અન્ય ભક્તજનો દ્વારા શ્રીરામકૃષ્ણ પુરાણ-સંગીતમય આખ્યાન રજૂ કરવામાં આવ્યું. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી વિનિર્મુક્તાનંદજી મહારાજ દ્વારા ભજન સંધ્યા રજૂ કરવામાં આવી. સુપ્રસિદ્ધ કથાકાર માણભટ્ટ શ્રી ધાર્મિકલાલ પંડયાએ સંગીતમય આખ્યાન રજૂ કર્યું હતું.

શ્રીમા શારદાદેવીના જીવન સંદેશની પ્રાસંગિકતા એ વિષય પર જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું. અધ્યક્ષપદે મહારાજા સયાજીરાવ યુનિ.ના ચાન્સેલર ડો. શ્રીમતી મૃણાલિનીદેવી પુવાર ઉપસ્થિત રહ્યાં હતાં. વક્તા તરીકે સ્વામી નિર્વિકલ્પાનંદજી મહારાજ અધ્યક્ષ રામકૃષ્ણ આશ્રમ, દહેરાદૂન તથા સ્વામી સર્વગાનંદજી મહારાજ સચિવ, રામકૃષ્ણ મિશન, દેવઘર (ઝારખંડ)નાં પ્રવચનો ભાવિકજનોએ માણ્યાં હતાં.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવના જીવન સંદેશની પ્રાસંગિકતા એ વિષય પર જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું. સ્વામી આદિભવાનંદજી મહારાજ, સચિવ, રામકૃષ્ણ મિશન, લીંબડી અધ્યક્ષ સ્થાને હતા. સ્વામી નિર્વિકલ્પાનંદજી મહારાજ તથા સ્વામી સર્વગાનંદજી મહારાજનાં વ્યાખ્યાનોનો લાભ ભક્તજનોએ લીધો હતો.

‘સ્વામી વિવેકાનંદજીના જીવન સંદેશની પ્રાસંગિકતા’ એ વિષય પર જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટના સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજ અધ્યક્ષ સ્થાને હતા. સ્વામી સર્વગાનંદજી મહારાજ તથા મહારાજા સયાજીરાવ યુનિ. ઓફ બરોડાના ફેકલ્ટી ઓફ આર્ટસના ડીન પ્રોફેસર શ્રી નીતિનભાઈ વ્યાસનાં વક્તવ્યો સૌએ માણ્યાં હતાં.

ઉત્સવનું સમાપન સુપ્રસિદ્ધ ગાયક સ્વામી સર્વગાનંદજી મહારાજની ભજન સંધ્યા દ્વારા કરવામાં આવ્યું.

વાર્ષિકોત્સવના તમામ કાર્યક્રમોનું રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સંચાલન કર્યું હતું. કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

રામકૃષ્ણ મિશન, લીંબડીમાં નેત્ર ચિકિત્સા કેમ્પ

૪૫ પુરુષો, ૩૭ સ્ત્રીઓ, (ગ્રામ્ય વિસ્તારના ૪૮ અને શહેરી વિસ્તારના ૩૪) કૂલ મળીને ૮૨ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા. ૧૧ દર્દીઓના સૌરાષ્ટ્ર સેન્ટ્રલ આઈ હોસ્પિટલ વીરનગરમાં ઓપરેશન થયાં હતાં. બાકીના દર્દીઓને દવા વગેરે અપાયાં હતાં.

રામકૃષ્ણ મિશન-પોરબંદરમાં બાલસંસ્કાર શિબિરનો સમાપન સમારોહ

રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં તા. ૧લી મે થી ૭ જૂન, ૦૯ સુધી ચતુર્થ બાલસંસ્કાર શિબિર યોજવામાં આવી હતી. જેમાં ૧૫૦ બાળકોએ પોતાના નામ નોંધાવ્યા હતા અને તેમાંથી દરરોજ સવારે ૮-૩૦ થી ૧૧-૩૦ દરમિયાન ૮૫ જેટલાં બાળકો હાજર હતાં. વેદમંત્રો-સ્તુતિ, સ્તોત્રો અને ગીતાના શ્લોકોનું પઠન, બાલગીતોનું ગાન, યોગ-આસનો, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર, ધ્યાનનું શિક્ષણ, મેદાની અને ઓરડામાં રમવાની રમતો, ચિત્રકલા, સિરામિક અને વક્તૃત્વ કલાનું માર્ગદર્શન, અંગ્રેજી વ્યાકરણની સમજ અને મહાપુરુષોના જીવનપ્રસંગો દ્વારા મૂલ્યનું સિંચન, સંસ્કાર ઘડતર અને સર્વાંગી વિકાસ એ શિબિરના મુખ્ય ઉદ્દેશોને, ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન બાળકો જે શીખ્યા હતાં તેનું સંકલન કરીને તેમણે એક સુંદર કાર્યક્રમ આ સમારોહમાં આપ્યો હતો.

રામકૃષ્ણ મિશન – પોરબંદર સચિવ સ્વામી અવ્યયાત્માનંદજીએ પોતાના સ્વાગત પ્રવચનમાં છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલી આ બાળ-સંસ્કાર શિબિરના ઉદ્દેશો જણાવી બાળકોના સંસ્કાર ઘડતરની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. સમાપન સમારોહના સંચાલક સ્વામી ચિરંતનાનંદજીએ પ્રતિવર્ષ શિબિરાર્થીઓની વધતી જતી સંખ્યા, બાળકોનો ઉત્સાહ, બાળકોની અંતર્નિહિત શક્તિઓનો વિકાસ વગેરે બાબતો દ્વારા શિબિરની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. શિબિરમાં સહાયક તરીકે સેવા આપી રહેલાં શ્રી જ્યોતિબહેન થાનકીએ શિબિરમાં, બાળકો સાથેના પોતાના અનુભવોની વાત રસપ્રદ રીતે કહીને બાળકોમાં રહેલી જિજ્ઞાસા, આગળ વધવાની તમન્ના, ઉત્સાહ અને અથાક શક્તિને યોગ્ય દિશામાં વાળવાની જરૂરિયાત જણાવી હતી. બાળકોમાં વાંચનભૂખ જગાડવામાં આવે તો બાળકો મિડિયાના આક્રમણથી જરૂર બચી શકે, એ પણ જણાવ્યું હતું. અતિથિવિશેષ તરીકે પોરબંદર જિલ્લાના ડી.એસ.પી. શ્રી દીપાંકર ત્રિવેદીએ પોતાના પ્રેરક ઉદ્‌બોધનમાં બાળકોને આ શિબિરમાંથી પ્રાપ્ત થયેલા સંસ્કારોનું સંવર્ધન કરવા અનુરોધ કર્યો હતો. તેમજ તેમણે બાળકોને ત્રણ વસ્તુઓની શિખામણ આપતાં જણાવ્યું હતું કે ‘ખૂબ સારી રીતે રમવું, ખૂબ સરસ મજાનું (પૌષ્ટિક) ખાવું અને ખૂબ ખૂબ ભણવું. અત્યારે તમારે આજ કરવાનું છે.’

તેમણે બાળકોને યોગ્ય વાતાવરણ પૂરું પાડવા વાલીઓને – માતાપિતાઓને પણ અનુરોધ કર્યો હતો. પોરબંદરના ખ્યાતનામ ઉદ્યોગપતિ શ્રી ધીરેન્દ્રભાઈ મહેતાએ પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં શિબિરાર્થી બાળકોને સુંદર કાર્યક્રમ માટે અભિનંદન પાઠવીને, સ્વામી વિવેકાનંદના જીવનમાંથી પ્રેરણા મેળવીને બાળકોએ પોતાના ચારિત્ર્યનું ઉત્તમ ઘડતર કરી શ્રેષ્ઠ મનુષ્ય બનવાનું છે, એ વાત કરી હતી. 

તેમણે બાળકોનું મૂલ્યોનું સિંચન કરનારી આવી સુંદર શિબિરના આયોજન માટે રામકૃષ્ણ મિશનના સ્વામીજીઓને ધન્યવાદ પાઠવ્યા હતાં અને ભવિષ્યમાં બાળકોને વધુ ને વધુ પ્રમાણમાં આ શિબિરમાં મોકલવા માટે હાજર રહેલા શ્રોતાજનોને અનુરોધ કર્યો હતો. પ્રમુખશ્રી અને અતિથિવિશેષના વરદહસ્તે શિબિરાર્થી બાળકોને પ્રમાણપત્રો અને પારિતોષિકો એનાયત કરવામાં આવ્યાં હતાં.

આ સમારોહમાં શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, બાળકોનાં માતા-પિતા, શિક્ષિકો વગેરે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં. શિબિરમાં સેવા આપનાર સહુ શિક્ષકોને તથા સ્વયંસેવકોને પણ પ્રમુખશ્રીના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યા હતાં. સમારોહનું આભાર દર્શન સ્વામી ચિદવિલાસાનંદે કર્યું હતું. શ્રીમા શારદાદેવીની સ્તુતિથી સભાનું સમાપન કરવામાં આવ્યું હતું.

Total Views: 39

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.