સંસ્થાના સભ્યોનું ચારિત્ર્ય

કોઈ પણ સુધારણા આંદોલનની સંસ્થાની સફળતા અને તેના કાયમીપણાનો આધાર તેમના સભ્યોના ચારિત્ર્ય પર નિર્ભર રહે છે. પોતાના કાર્યકરો પૂર્ણ હોય એમ તેઓ ઇચ્છતા હતા. અનેક સ્થળે એમણે નિષ્પાપ ચારિત્ર્યના મહત્ત્વ પર ભાર પૂર્વક કહ્યું હતું. તેઓ કહેતાં કે એ બધા ઈર્ષ્યા, જૂથવાદ, પ્રમાદ, નિરસતા, સ્વ-ઉન્નતિની ઇચ્છા રાખનારા, અહંભાવ અને નિર્બળતા વિહોણા હોવા જોઈએ. ભાવાત્મક પક્ષે તેમનામાં સત્ય પ્રિયતા, નિષ્ઠા, પવિત્રતા, ખંત, ધીરતા, પ્રતિભા, માયાળુપણું, નિ:સ્વાર્થ ભાવના અને પ્રેમ હોવાં જોઈએ.

‘પહેલાં ચારિત્ર્ય ઘડતર કરી લો પછી હું તમારી વચ્ચે જ હોઈશ.’ આવું અમેરિકાથી સ્વામીજીએ લખ્યું હતું. તેમનો શિષ્ય ઉત્કટ અને સૌથી વધુ સઘન ચારિત્ર્યના આદર્શ રૂપ બને, એવી પોતાનો શિષ્ય હોવા માટેની એક માત્ર શરત તેઓ મૂકતા. આ આંકડે મધ લેવા જેવું કામ નથી, એનાથી તેઓ પૂરેપૂરા વાકેફ હતા. એ માટે તો જીવનભરનો પ્રયાસ આવશ્યક છે; એ કરવું એ પણ એક પાત્રતા છે. ૧૮૯૪માં શિકાગોમાંથી મદ્રાસના પોતાના શિષ્ય આલાસિંગાને લખેલા એક પત્રમાં સ્વામીજી આ શબ્દો સાથે એમને પ્રેરણા આપે છે :

‘ચારિત્ર્યનું ઘડતર યુગોના પુરુષાર્થ પછી થાય છે. હતાશ થશો નહિ. સત્યનો એક શબ્દ પણ કદી વ્યર્થ જતો નથી; સત્ય કદાચ યુગો સુધી કચરા નીચે દટાયેલું રહે, પરંતુ વહેલું કે મોડું એ અવશ્ય પ્રકાશમાં આવશે. સત્ય નાશરહિત છે. સદ્‌ગુણ નાશરહિત છે, પવિત્રતા નાશરહિત છે.’ (૧૧.૨૪૧-૪૨)

સ્વામીજીની સમગ્ર ગ્રંથમાળામાં વેરાયેલ સૌથી વધુ મહત્ત્વના આ ચારિત્ર્ય ઘડતરના સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી ઉદ્‌ગારો આ પ્રમાણે છે : દરેકે દરેક મહાકાર્ય કે પ્રયાસે અસંખ્ય મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. એક વખત સ્વામીજીએ પોતાના પ્રિય શિષ્ય આલાસિંગા પેરુમલને એક પત્રમાં આ રીતે લખ્યું હતું :

‘નથી પૈસાથી કંઈ વળતું, ન તો નામથી, ન કીર્તિથી, કે ન વિદ્યાથી; એકમાત્ર ચારિત્ર્ય જ મુશ્કેલીની વજ્ર જેવી દીવાલો ભેદીને માર્ગ કાઢી શકે.’ (૧૨.૪૮)

નિ:સ્વાર્થ પ્રેમભાવ અને પવિત્રતાની આવશ્યકતા પર ભાર મૂકતાં પોતાનાં આઈરિશ શિષ્યા માર્ગરેટ નોબલ (ભગિની નિવેદિતા)ને ૭ જૂન, ૧૮૯૭ના રોજ એક પ્રેરણાદાયી પત્રમાં આ શબ્દો લખ્યા હતા: 

‘જગતના ધર્મો નિર્જીવ અને હાંસી જેવા થઈ ગયા છે. દુનિયા ચારિત્ર્ય માગે છે. જેમનું જીવન એક નિ:સ્વાર્થ જ્વલંત પ્રેમરૂપ છે, તેવા પુરુષોની દુનિયાને જરૂર છે. એવા પ્રેમનો પ્રત્યેક શબ્દ વજ્ર જેવી અસર કરશે.’ (૧૨.૫૯)

૧૮૯૫ની ૧૧મી જાન્યુઆરીએ શિકાગોથી અત્યંત પ્રબળ ભાષામાં સ્વામીજીએ પોતાના શિષ્ય શ્રી જી.જી. નરસિંહાચાર્યને આમ લખ્યું હતું :

‘મારા પ્રભાવનું કારણ છે ચારિત્ર્યનું, પવિત્રતાનું, સત્યનું અને વ્યક્તિનું બળ… પુસ્તકો અને સિદ્ધાંતોની વાત રહેવા દો. લોકહૃદયને હલાવી દે એવો જો કોઈ ઉત્તમોત્તમ અને અદ્વિતીય માર્ગ હોય તો એ છે આપણું પોતાનું ‘જીવન’… અત્યંત નિષ્ઠાવાન, સંપૂર્ણપણે નિ:સ્વાર્થી અને વિશેષત: પૂર્ણ પવિત્ર થઈને મને અનુસરો.’ (૧૧.૨૪૯-૫૦)

લંડનમાં અપાયેલ ‘રાજયોગ વિશેનાં વ્યાખ્યાનો’ની એમની નોંધમાં સ્વામીજી કહે છે : 

‘મોટા ભાગના સંપ્રદાયો અલ્પજીવી હશે, અને પાણીના પરપોટાની જેમ થોડો કાળ ટકશે, કેમ કે તેના પ્રણેતાઓ સાધારણ રીતે ચારિત્ર્યશીલ માનવીઓ નથી હોતા. જેમાં હૃદય કદી પ્રતિકાર નથી કરતું તેવો પૂર્ણ પ્રેમ ચારિત્ર્યને ઘડે છે. નેતામાં ચારિત્ર્ય ન હોય તો તેને બીજા લોકોની સંપૂર્ણ વફાદારી મળવી શક્ય નથી; માત્ર સંપૂર્ણ પવિત્રતાની જ બીજાની કાયમી વફાદારી અને વિશ્વાસની બાંયધરી મળે છે.’ (૯.૨૫૧-૫૨)

તદુપરાંત સ્વામીજી પૂરેપૂરું જાણતા હતા કે એમના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ સત્યની પ્રતિમૂર્તિ હતા. એમના અદ્‌ભુત જીવન અને સંદેશથી પ્રેરિત કોઈ પણ ભાવધારા કે ભાવ-આંદોલન ગમે તેવા વિકટ સંજોગોમાં પણ એક માત્ર સત્ય અને સત્યને જ વળગી રહે તો જ સફળ થાય. આ માટેના એમના ઉદ્‌ગારો હતા:

‘હું તમને ફરીથી યાદ અપાવું છું, ‘તારો અધિકાર કાર્ય કરવામાં છે પણ તેના ફળનો નહિ’. એક પર્વતની જેમ અડગ ઊભા રહો. સત્યનો અંતે જય થાય છે. શ્રીરામકૃષ્ણનાં સંતાનો પોતે સત્યનિષ્ઠ બને બાકી બધું સમુંસુતર થઈ જશે… કર્મ કરવામાં આનંદ અને સંતોષ માણો, આ બધું હોવા છતાં પણ તમારે પોતે જ સત્યનિષ્ઠ બનવું પડશે. પવિત્ર, મક્કમ અને હૃદયપૂર્વકની નિષ્ઠાવાળા બનો, અને બાકીનું બીજું બધું બરાબર થઈ જશે.’

નિ:સ્વાર્થ ભાવના જ મુક્તિનો એકમાત્ર પથ

બધાનું ભલું કરવું અને પૂર્ણ નિ:સ્વાર્થ ભાવના સૌથી વધારે આવશ્યક છે. મક્કમ મનહૃદયનો પ્રેમ અને પૂર્ણ નિ:સ્વાર્થ ભાવના સર્વ કોઈ પર વિજય મેળવી શકે છે. કાર્યકરો દ્વારા જેટલી નિ:સ્વાર્થ ભાવનાનું પ્રગટીકરણ થાય એટલા પ્રમાણમાં જ સફળતા પ્રાપ્ત થાય છે. તદુપરાંત નિ:સ્વાર્થ ભાવના કોઈ પણ વ્યક્તિને મનદેહના સંકુલથી મુક્ત કરે છે અને એને જીવનના પોતાના ધ્યેય એટલે કે મોક્ષ સુધી લઈ જાય છે. સ્વામીજીએ નિર્દેશ કર્યો છે કે દરેકેદરેક માનવ જાણ્યે અજાણ્યે આ મોક્ષ કે મુક્તિ તરફ જ ઉન્નતિ કરતો રહે છે, પછી ભલે તેનાથી તે માહિતગાર હોય કે ન હોય. ‘કર્મયોગ’ના આદર્શ વિશેના સુખ્યાત વ્યાખ્યાનમાં તેઓ આ શબ્દોમાં કહે છે :

‘એક જણને આપણે સારું કામ કરતો જોઈએ, બીજાને મદદ કરતો જોઈએ, ત્યારે એનો અર્થ એ થાય છે કે એ ‘હું અને મારાં’ના મર્યાદિત વર્તુળોની અંદર રહી શકતો નથી. નિ:સ્વાર્થપણાની કોઈ મર્યાદા નથી; સંપૂર્ણ નિ:સ્વાર્થવૃત્તિ એ જ લક્ષ્ય છે, સર્વ નીતિશાસ્ત્રો એમ કહે છે. માનો કે આ સંપૂર્ણ નિ:સ્વાર્થપણું માણસ પ્રાપ્ત કરે, પછી એનું શું થાય? પછી એ ‘શ્રી.. ફલાણા-ફલાણા -’ રહેતા નથી; એ અનંત વિસ્તારને પામે છે. પહેલાં જે એનું અલ્પ વ્યક્તિત્વ હતું એ હંમેશને માટે ગયું; એ અનંત બન્યો. અને આ અનંત વિસ્તારને પામવું એ ખરેખર બધાં ધર્મોનો, નીતિનો અને તત્ત્વજ્ઞાનનો ઉપદેશ છે.’ (૩.૮૮)

આ વિશ્વમાં ૯૯% લોકો પોતાના સ્વાર્થમાં જ રચ્યા પચ્યા રહે છે. તેઓ એમ માને છે કે શા માટે નિ:સ્વાર્થી બનવું જોઈએ? આવો પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊભો થવાનો. આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં સ્વામીજી ‘કર્મ અને તેનો ચારિત્ર્ય પર પ્રભાવ’ વિશેનાં વ્યાખ્યાનમાં કહે છે :

‘માણસ કોઈ પણ સ્વાર્થી હેતુ વિના જ કાર્ય કરે, તો શું એને કશો લાભ થતો નથી? એને અવશ્ય લાભ થાય છે, એ ઉચ્ચતમ લાભને પામે છે. નિ:સ્વાર્થવૃત્તિ હંમેશાં વિશેષ લાભ આપે છે; માત્ર માણસમાં કેવળ એવી વૃત્તિનો અમલ કરવાની ધીરજ હોતી નથી. આરોગ્યની દૃષ્ટિએ પણ નિ:સ્વાર્થ વૃત્તિ વધુ લાભદાયક છે. પ્રેમ, સત્ય અને નિ:સ્વાર્થવૃત્તિ એ નીતિ વિશેના માત્ર શાબ્દિક અલંકારો નથી, પણ એ આપણા ઊંચામાં ઊંચા આદર્શના ઘડવૈયા છે, એવાઓમાં જ શક્તિ પ્રગટ થાય છે.’ (૩.૨૬)

કોઈ પણ સમાજસુધારકમાં લોકો સર્વ પ્રથમ બાબત એ જુએ છે કે તેમાં કોઈ સ્વાર્થભર્યો હેતુ છે કે નહિ! અને જ્યારે એ સમાજસુધારકનો હેતુ શુદ્ધ હોય ત્યારે તેનામાં વિશ્વાસ રાખો અને કોઈ પણ સમાજ સુધારકને પોતાના કાર્યમાં સમય જતાં ઊભાં થનારાં અનિવાર્ય વિરોધ અને વિઘ્નોનો સામનો કરતી વખતે આ નિ:સ્વાર્થ ભાવના જ કવચ બની રહે છે. નિ:સ્વાર્થ ભાવની શક્તિમાં સ્વામીજીને ગહન શ્રદ્ધા હતી. તેઓ આ નિ:સ્વાર્થ ભાવનાને પોતાના શિષ્યો અને ગુરુભાઈઓમાં સંક્રમિત કરી શક્યા હતા. ૬ જૂન, ૧૮૯૬ના રોજ બ્રહ્મવાદિન નામના સામયિક માટે એક વખત એમણે પોતાના એક લેખમાં જણાવ્યું હતું:

‘જ્યાં સત્ય છે, જ્યાં પવિત્રતા છે, જ્યાં નિ:સ્વાર્થ વૃત્તિ છે, ત્યાં તેના ધારણ કરનારને જગત પરની કોઈ પણ સત્તા દબાવી શકનાર નથી. એનાથી સજ્જ થયેલો માનવી, એકલો આખા વિશ્વના વિરોધનો સામનો કરી શકે છે.’ (૫.૨૨૮)

સામર્થ્ય અને નિર્ભયતા

પોતાના કાર્યકરો શારીરિક, માનસિક, નૈતિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક રીતે પ્રબળ બને એમ સ્વામીજી ઇચ્છતા હતા.

શારીરિક સામર્થ્ય નિયમિત વ્યાયામ, સાદું પોષક ભોજન અને આરોગ્ય દ્વારા વિકસાવી શકાય છે.

માનસિક શક્તિ એકાગ્રતા, પવિત્રતા વગેરે દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.

નૈતિક બળ નીતિમત્તા અને સદાચાર વાળું જીવન જીવવાથી મળે છે.

બુદ્ધિ પ્રતિભા જ્ઞાનપ્રાપ્તિ દ્વારા મેળવી શકાય.

આધ્યાત્મિક શક્તિ આત્મજ્ઞાનથી મળે છે.

સ્વામીજીએ કોઈ પણ સ્વરૂપની નિર્બળતાને વખોળી કાઢી છે. પોતાના શિષ્યો પ્રબળ અને નિર્ભય બને તે માટે તેમણે વારંવાર ભારપૂર્વક કહ્યું છે. ‘ફ્રિડમ ઓફ સોલ’ નામે ૫ નવેમ્બર, ૧૮૯૬ના રોજ લંડનમાં આપેલ વક્તવ્યમાં સ્વામીજીએ કહ્યું હતું :

‘વેદાંત કહે છે : આ દુનિયામાં સર્વ દુ:ખોનું કારણ નબળાઈ છે; દુ:ખનું એક માત્ર કારણ નબળાઈ છે. આપણે દુ:ખી થઈએ છીએ તેનું કારણ એ છે કે આપણે નબળા છીએ. આપણે ખોટું બોલીએ છીએ, ચોરી કરીએ છીએ, ખૂન કરીએ છીએ જ, અને બીજા પણ ગુના કરીએ છીએ કારણ કે આપણે નબળા છીએ. આપણે હેરાન થઈએ છીએ કારણ કે આપણે નબળા છીએ. આપણે મૃત્યુને અધીન થઈએ છીએ કારણ કે આપણે નબળા છીએ. જ્યાં આપણને દુર્બળ બનાવે એવું કંઈ જ ન હોય ત્યાં મૃત્યુ કે શોક હોય જ નહિ. આપણે ભ્રમને લીધે દુ:ખી છીએ. ભ્રમને છોડી દો એટલે આખી વસ્તુ અદૃશ્ય થઈ જશે.’ (૭.૨૦૨)

‘વ્યવહારુ વેદાંત’ નામે ૧૦ નવેમ્બર, ૧૮૯૬ના રોજ લંડનમાં એમણે આપેલ વ્યાખ્યાનમાં કહે છે :

‘નબળાઈનું ચિંતવન કર્યા કરવું એ નબળાઈ દૂર કરવાનો ઉપાય નથી, પરંતુ શક્તિનું ચિંતન કરવું એ એનો ઉપાય છે. મનુષ્યની અંદર પ્રથમથી જ જે બળ રહેલું છે તે તરફ તેનું ધ્યાન ખેંચો. તમે પાપી છો એમ કહેવાને બદલે વેદાંત એથી વિરુદ્ધ જઈને કહે છે કે ‘તમે પવિત્ર અને પૂર્ણ છો; જેને તમે પાપ કહો છો, તે તમારામાં નથી.’ પાપો એ આત્માની અભિવ્યક્તિની નીચી કક્ષા છે; તમારા આત્માને ઉચ્ચ માત્રામાં અભિવ્યક્ત કરો. યાદ રાખવાની બાબત એ એક જ છે; અને આપણે સહુ એ કરી શકીએ છીએ. કદી ‘ના’ કહો નહીં; ‘મારાથી બનતું નથી’ એમ કદી ન કહો, કારણ કે તમે અનંત છો. તમારી પ્રકૃતિની તુલનામાં દેશ અને કાળ કંઈ હિસાબમાં નથી. તમે સર્વ કંઈ કરી શકો છો; તમે સર્વશક્તિમાન છો.’ (૭.૨૮૭)

રામનદથી નીકળીને પરમકુડીમાં એમના થયેલા અભિવાદન સમારંભના પ્રત્યુત્તર રૂપે એમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા :

‘સામર્થ્ય એ ભલાઈ છે, દુર્બળતા એ પાપ છે. ઉપનિષદોમાંથી બોંબની પેઠે નીકળી આવતો અને અજ્ઞાનના સમૂહો પર ધડાકાભેર પડતો જો કોઈ એક શબ્દ દેખાતો હોય તો એ છે અભી: – નિર્ભયતા. શીખવવા જેવો જે એક માત્ર ધર્મ છે, તે નિર્ભયતાનો ધર્મ છે. આ વ્યાવહારિક જગતમાં કે ધાર્મિક જગતમાં એ સાચું છે કે ભય એ જ અધ:પતન અને પાપનું મુખ્ય કારણ છે. દુ:ખને લાવનાર ભય છે, મૃત્યુને બોલાવનાર ભય છે, અનિષ્ટને ઉછેરનાર ભય છે.’ (૪.૫૦)

શ્રદ્ધા

ભારતની ભૂતકાળની મહાનતાનું કારણ ભારતવાસીઓના હૃદયમાં ધબકતી શ્રદ્ધા હતી. જ્યારે એમણે આ શ્રદ્ધા ગુમાવી ત્યારે અધ:પતનનો પ્રારંભ થયો. એટલે જ સ્વામી વિવેકાનંદે નવ ભારતની રચના કરવા માટે ભારતવાસીઓએ ફરીથી આવી ઉત્કટ શ્રદ્ધા સાથે આગળ ધપવા પર ભાવ દીધો હતો. ‘વેદાંતનો ઉદ્દેશ’ નામના પોતાના કુંભકોણમ્‌માં આપેલ વ્યાખ્યાનમાં એમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા :

‘શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા; પોતામાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા! મહત્તાનું આ જ રહસ્ય છે. ભલે તમને તમારા પુરાણના તેત્રીસ કરોડ દેવતાઓમાં શ્રદ્ધા હોય, ભલે તમને પરદેશીઓએ અવારનવાર તમારામાં ઘુસાડેલા બધાય દેવતાઓમાં શ્રદ્ધા હોય, પણ જો તમને તમારા પોતામાં શ્રદ્ધા નહીં હોય તો તમારે માટે મુક્તિની કોઈ આશા નથી. તમારા પોતામાં શ્રદ્ધા રાખો; એ શ્રદ્ધા પર મુસ્તાક રહો અને બળવાન બનો; આપણને અત્યારે એની જરૂર છે.’ (૪.૭૫-૭૬)

‘વ્યવહારુ વેદાંત’ નામના ૧૦-૧૧-૧૮૯૬ના રોજ એમણે લંડનમાં આપેલ વ્યાખ્યાનમાં કહ્યું હતું :

‘આપણે જોઈ શકીએ છીએ કે માણસ માણસ વચ્ચે જે કંઈ તફાવત છે તે તેની જાત વિશેની શ્રદ્ધાની હાજરી અથવા ગેરહાજરીને લીધે છે. આત્મશ્રદ્ધા સર્વ કંઈ કરશે. મેં મારા જીવનમાં તે અનુભવ્યું છે અને હજી અનુભવી રહ્યો છું; અને જેમ જેમ હું ઉંમરમાં વધતો જાઉં છું તેમ તેમ મારી એ શ્રદ્ધા વધુ ને વધુ દૃઢ થતી જાય છે. જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. પ્રાચીન ધર્મો ઈશ્વરમાં ન માનવાને નાસ્તિકતા કહેતા; નવો ધર્મ કહે છે કે જેને પોતામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. પરંતુ એ શ્રદ્ધા સ્વાર્થી શ્રદ્ધા નથી, કારણ કે પાછો વેદાંતનો સિદ્ધાંત એકત્વનો છે. તેનો અર્થ સર્વમાં શ્રદ્ધા એવો થાય છે, કારણ કે તમે સર્વરૂપ છો. તમારા પોતા પર પ્રેમનો અર્થ છે સહુ પ્રત્યે પ્રેમ, પશુઓ પ્રત્યે પ્રેમ, દરેક વસ્તુ પ્રત્યે પ્રેમ; કારણ કે, તમે સહુ એક છો. આ મહાન શ્રદ્ધા જ જગતને વધારે સારું બનાવશે; મને એની ખાતરી છે.’ (૭.૨૮૮)

અટલ ઈચ્છા

સામાજિક પરિવર્તન કંઈ એક દિવસમાં આવી જતું નથી. સમાજના જુદા જુદા વિભાગોમાંથી આવતા વિરોધોની વચ્ચે સુદીર્ઘ કાળના પ્રયાસોની એમાં આવશ્યકતા રહે છે. સમાજ સુધારણાના કાર્યમાં રત રહેનારા લોકોમાં આ બધાં પૂર્વ નિશ્ચિત ગુણો ઉપરાંત પ્રબળ ઇચ્છાશક્તિ પણ હોવી જોઈએ. સ્વામીજીએ આ વાતનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. તેઓ આવો નિર્દેશ આપવાનું ચૂક્યા નથી. એટલે તેઓ આ પ્રશ્નો પૂછે છે :

પર્વતને ઓળંગી જવાનું કે કાર્યમાં નડતા મોટાં મોટાં વિઘ્નોને પાર કરવાની ઇચ્છા તમારામાં છે?

આખી દુનિયા હાથમાં તલવાર લઈને તમારી વિરુદ્ધ ઊભી રહે છતાં પણ તમે જે કંઈ સાચું કરવાનો નિર્ધાર કર્યો છે તે કરવાની હિંમત કરી શકો છો?

તમારાં સ્ત્રી-સંતાનો તમારી વિરુદ્ધ થઈ જાય, તમારી બધી સંપત્તિ ચાલી જાય, તમારું નામ સુધ્ધાં મટી જાય, તમારી સમૃદ્ધિ ચાલી જાય, છતાં પણ તમે એને વળગી રહેશો ખરા?

આ બધું હોવા છતાં પણ તમે એ મહાકાર્યની પાછળને પાછળ પડ્યા રહેશો અને ધીમે ધીમે તમારા પોતાના ધ્યેય તરફ આગળ ધપશો ખરા?

રાજા ભર્તૃહરિએ કહ્યું છે તે પ્રમાણે નીતિનિપુણ લોકો નિંદા કરે કે પ્રશંસા કરે, લક્ષ્મી આવે કે જાય, મૃત્યુ પણ ભલે આજે આવતું કે પછી સો વર્ષ પછી આવે ખરેખર ધીર તો એ જ છે કે જે સતના પથથી એક ઈંચ પણ નીચે ઊતરતો નથી.

તમે આવી મક્કમતા ધરાવો છો?

હૃદયને પ્રગટ કરો : કોઈ પણ ભાવ-આંદોલનની સફળતાનો આધાર સંસ્થાના સભ્યોની વચ્ચેના પ્રેમ, સમજણ, પરસ્પર સહાય અને વિશ્વાસ પર જ છે. સ્વામીજીએ અવારનવાર આ બાબત પર ભાર દીધો છે. સ્વામીજીએ કહ્યું હતું કે દરેકેદરેક વ્યક્તિ બીજા માટે લાગણી અનુભવે છે પણ જે વ્યક્તિ એ સમસંવેદનાને આચરણમાં અભિવ્યક્ત કરે છે એ વધારે સફળ થાય છે. પોતાના કાર્યકરો વિશુદ્ધ ચારિત્ર્યની ગુણવત્તાઓથી પોતાની જાતને બીજા સાથે પ્રેમ ભાવ વધારે એમ સ્વામીજી ઇચ્છતા હતા. એનાથી જ એમના સંદેશના પ્રચાર-પ્રસારને વધુ સરળ-સહજ બને છે. પોતાના ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીને કેલિફોર્નિયાથી ૨૧ ફેબ્રુઆરી, ૧૯૦૦ના રોજ લખેલ પત્રમાં આ શબ્દો હતા: 

‘વિદ્યા અને ડહાપણ એ બાહ્ય વસ્તુઓ છે, માત્ર સપાટી પરનો ચળકાટ જ છે, પરંતુ હૃદય જ સર્વશક્તિનું સિંહાસન છે. જ્ઞાન, શક્તિ અને પ્રવૃત્તિયુક્ત આત્મા મગજમાં નહિ પણ હૃદયમાં બિરાજે છે. ‘શતં ચૈકા ચ હૃદયસ્ય નાડ્ય:’ – ‘હદયની એક સો ને એક નાડીઓ છે.’ આત્માનું મંદિર કરુણામય ગ્રંથિ તરીકે ઓળખાતા હૃદયની નજીક આવેલા મુખ્ય જ્ઞાનતંતુના કેન્દ્રમાં છે. હૃદય, સહાનુભૂતિનો જેટલો વધુ વિકાસ સધાય, તેટલી સફળતા વધારે પ્રાપ્ત થાય. મગજની ભાષા તો માત્ર થોડાક જ સમજી શકે છે, પણ હૃદયની ભાષા તો બ્રહ્માથી માંડીને ઘાસના તણખલા સુધી સૌ કોઈ સમજી શકે છે.’ (૧૨.૧)

આ પહેલાં આલમોડાથી ૧૮૯૭ની ૧૫મી જૂને સ્વામીજીએ સ્વામી અખંડાનંદજીને લખેલા એક પત્રમાં આમ કહ્યું હતું:

‘હૃદય – અને કેવળ હૃદય જ – જીતે છે, નહિ કે બુદ્ધિ. પ્રેમની તુલનામાં પુસ્તકો અને વિદ્યા, યોગ અને ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન, વગેરે બધાં ધૂળ જેવાં છે. પ્રેમ જ તમને દૈવી શક્તિઓ બક્ષે છે, પ્રેમ જ ભક્તિ પ્રદાન કરે છે, પ્રેમ જ જ્ઞાન આપે છે, વળી પ્રેમ જ મુક્તિ અપાવે છે. (૧૦.૧૬૧)

બાંધ છોડ નહિ જ : માનવ ટૂંકાગાળાના લાભ માટે સિદ્ધાંતોનો ભોગ આપવાનું વલણ ધરાવે છે, સ્વામી વિવેકાનંદ માનવજાતની આ નિર્બળતાથી પૂરેપૂરા સચેત હતા. તેઓ પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણના નામે ચાલેલ ભાવ-આંદોલનને હંમેશાંને માટે વિશુદ્ધ અને પવિત્ર રાખવા આગ્રહી હતા. એમને મન સાધનો સાધ્ય જેટલાં જ મહત્ત્વનાં હતાં. તેમના અનુયાયીઓ ઉચ્ચ નૈતિક ધોરણને પ્રદર્શિત કરે એમ તેઓ ઇચ્છતા હતા. તેઓ જ આ ધરતીનું લવણ બનશે અને વિશ્વમાં આ નવા સંઘને ઊભરવા દેવા માટેનું કેન્દ્ર બનશે. ૧૮૯૬ના ઓગસ્ટમાં સ્વીટ્‌ઝર્લેન્ડથી પોતાના શિષ્ય સ્વામી કૃપાનંદજીને આ દૃષ્ટિબિંદુ નજરમાં રાખીને એક પત્રમાં લખ્યું હતું:

‘બીજાઓ ગમે તે ધારે કે કરે, પરંતુ તમારું પવિત્રતાનું, સદાચરણનું અને પ્રભુપ્રેમનું ધોરણ નીચું પડવા દેશો નહિ; ખાસ કરીને તમામ ગુપ્ત સંસ્થાઓથી ખૂબ ચેતતા રહેજો. જેને ઈશ્વર પ્રત્યે પ્રેમ છે તેણે કોઈ છળકપટનો ડર રાખવાની જરૂર નથી. પૃથ્વી પર તેમ જ સ્વર્ગમાં પવિત્રતા એ શ્રેષ્ઠ અને દિવ્ય શક્તિ છે. ‘એક માત્ર સત્ય જ વિજયી નીવડે છે, અસત્ય નહિ. કેવળ સત્ય દ્વારા જ ઈશ્વરને પહોંચવાનો માર્ગ ખુલ્લો થાય છે.’ તમારી સાથે કાર્યમાં કોણ હાથ મિલાવે છે અગર નથી મિલાવતું તેની પળભર પણ પરવા ન કરશો; તમે ઈશ્વરનો હાથ સાહ્યો છે તેની ખાતરી રાખજો. એટલું બસ છે..’ (૧૨.૧૭૭)

૩ જાન્યુઆરી, ૧૮૯૫ના રોજ જસ્ટીસ સર સુબ્રમણ્યમ્‌ ઐયરને શિકાગોથી લખેલા એક પત્રમાં કહ્યું હતું: 

‘હું ઇચ્છું છું કે તમારામાં દંભ, છેતરપિંડી કે લુચ્ચાઈ હોવાં ન જોઈએ. હું હંમેશાં ઈશ્વર ઉપર આધાર રાખું છું. દિવસના પ્રકાશ જેવા તેજસ્વી સત્ય ઉપર અવલંબન રાખું છું. નામ કે યશ મેળવવા કે કોઈ સારું કામ કરવા માટે પણ છળકપટ કરવાનું કલંક મારા અંતરાત્મા ઉપર રાખીને હું મરવા માગતો નથી. અનીતિનો લેશ સરખોય, અશુદ્ધ કાર્યપ્રણાલીનો ડાઘ સુદ્ધાં લાગવો ન જોઈએ.’ (૫.૨૯૪)

૬ જૂન, ૧૮૯૬ના રોજ ‘બ્રહ્મવાદિન’ સામયિકમાં લંડનથી લખેલા એક લેખમાં સ્વામીજી આમ કહે છે :

‘સૌથી વધારે તો આદર્શોની બાબતમાં છૂટછાટથી ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. હું એમ નથી કહેવા માગતો કે તમારે કોઈ સાથે દુશ્મનાવટ રાખવી; પણ સુખમાં કે દુ:ખમાં તમારે સિદ્ધાંતને વળગી જ રહેવું જોઈએ; અનુયાયીઓ મેળવવાના લોભથી ખેંચાઈને બીજા લોકોના તરંગી વિચારો સાથે મેળ બેસાડવાનો – સમાધાન કરી લેવાનો પ્રયાસ કરશો નહિ. તમારો આત્મા જ વિશ્વનો આધાર છે; તમારે વળી કોના આધારની આવશ્યકતા હોય? ધીરજ, પ્રેમ શાંતિ સાથે રાહ જુઓ; જો મદદગારો અત્યારે તૈયાર ન હોય તો ભવિષ્યમાં સમયસર આવશે જ. આપણે ઉતાવળ કરવાની શી જરૂર છે? બધાં મહાન કાર્યોનું સાચું લગભગ પ્રેરક બળ તેમના અદૃશ્ય આરંભમાં છે. (૫.૨૨૮)

ઈશ્વરમાં શ્રદ્ધા : પોતાનું રામકૃષ્ણ ભાવ-આંદોલન માત્ર સામાજિક કે રાજનૈતિક ભાવ-આંદોલનને બદલે એક આધ્યાત્મિક ભાવ-આંદોલન બને એના પર સ્વામીજી પહેલેથી જ ભાર દેતા હતા. અહીં સર્વમાં રહેલા અનંત પ્રભુની સેવા અને આત્માની મુક્તિ એ જ બધાં કાર્યોનો મર્મ છે. તેઓ એ વાતથી પૂરેપૂરા વાકેફ હતા વિશ્વે જોયેલા શ્રેષ્ઠ કાર્યકરો એ જ છે કે જેમને પ્રભુમાં અનન્ય શ્રદ્ધા હતી. વ્યક્તિગત આદર્શો પરની શ્રદ્ધા ભીતરની ભવ્ય શક્તિ લાવી મૂકે છે. વિવિધ સમયે પોતાના કાર્યકરોને એમણે શ્રીરામ, શ્રીકૃષ્ણ, મહાવીર, સીતા, બુદ્ધ, રામકૃષ્ણ જેવા મહાન મનીષીઓનો આદર્શ નજર સમક્ષ રાખવા કહ્યું હતું. તેઓ એવા ૨૦ યુવા નર-નારીઓને ઝંખતા હતા કે જે શેરીઓમાં ઊભાં રહે અને ઈશ્વર સિવાય તેમની પાસે બીજું કંઈ નથી એવી ઉદ્‌ઘોષણા કરી શકે. એમણે લખ્યું છે : ‘પ્રભુમાં અતૂટ શ્રદ્ધા-નિષ્ઠા ધરાવનારા અને દુનિયામાં કશીયે ખેવના ન રાખનારા માનવોનો એક નવો સંઘ હું રચવાનો છું.’

Total Views: 41

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.