(પત્રકાર શોભા વોરિયરને શ્રીશરદબાબુએ rediff.comને આપેલ અંગ્રેજી મુલાકાતનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી સારાંશ યુવાવર્ગના પ્રેરણાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ.)

સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘જો તમારી પાસે પ્રબળ ઇચ્છાશક્તિ હોય તો તમે ગમે તે કરી શકો. તમે ઇચ્છો તો સાગરનેય પીઈ જઈ શકો. તમે સર્વશક્તિમાન છો.’

આપણી ભીતર આવી પ્રબળ આત્મશક્તિ રહેલી છે. પણ એ આત્મશક્તિને જગાડીને એને કાર્યાન્વિત કરનાર માનવની આપણા દેશને વધારે જરૂર છે. આવી જ વાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદના ૨૭ વર્ષના શરદબાબુએ કરી બતાવી. તેઓ ૨૭ વર્ષની ઉંમરે સ્નાતક બન્યા અને ઘણા મોટા પગારની ઓફર સાથેની નોકરી મળતી હોવા છતાં પણ એમણે એ ન સ્વીકારી. એમને થયું કે હું મારો જ પોતાનો ધંધો કે ઉદ્યોગ સ્થાપું એ વધારે મહત્ત્વનું છે. એમણે તો ‘ફૂડકિંગ કેટરિંગ સર્વિસ’નું એક ઉદ્યોગસાહસ અમદાવાદમાં શરૂ કરવાનો નિર્ણય કર્યો. એમનાં માતા ચેન્નઈમાં રોડની પગથિ પર ઇડલી વેંચીને ગુજરાન ચલાવતા અને પોતાના છોકરાને ભણાવવાનો ખર્ચ કાઢતાં. ઇન્ફોસિસના સહસ્થાપક એન.આર. નારાયણ મૂર્તિએ એનામાં દીપ પ્રગટાવીને શરદભાઈના આ ઈડલી સાંભારના ઔદ્યોગિક સાહસનું ઉદ્‌ઘાટન કર્યું. પોતાના આ સાહસથી ચેન્નઈ કોર્પોરેશનની આઈટી ફર્મના ૨૦૦૦ ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પોતાના ઉલ્લાસ ટ્રસ્ટ દ્વારા આપી શકે છે.

શરદ બાબુના શબ્દોમાં કહીએ તો, ‘હું ચેન્નઈના માદીપક્કમ નામના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જન્મ્યો અને ઊછર્યો. મારે બે મોટી બહેનો અને બે નાના ભાઈઓ હતાં. મારી મા ઈડલી વેચીને ઘરબાર ચલાવતી અને મને અમદાવાદની આઈઆઈએમમાં ભણવા માટેની સુવિધા પણ એમણે કરી આપી. પોતાની આવી નાની આવકમાંથી પાંચ બાળકોનો ઉછેર કરવો એમને માટે મુશ્કેલ કાર્ય હતું. તેઓ દસમું ધોરણ ભણ્યાં હતાં. દર મહિને ૩૦ રૂપિયાના પગારથી તામીલનાડુ સરકારની મધ્યાહ્‌ન ભોજન યોજનામાં એમને એક નોકરી મળી ગઈ. એટલે કે તેઓ ૬ લોકો માટે દરરોજ એક રૂપિયો કમાતાં! આમાંથી પૂરું કરવું અશક્ય. એટલે સવારના સમયે તેઓ ઇડલી વેચતાં. બપોર સુધી મધ્યાહ્‌ન ભોજનનું કાર્ય કરતાં. સાંજે તેઓ પ્રૌઢ શિક્ષણનું કાર્ય કરતાં. આ રીતે ત્રણ ત્રણ કામ કરીને તેમણે અમને ઊછેર્યા અને કેળવણી પણ આપી. જો કે એમણે ક્યારેય સ્પષ્ટપણે સારું ભણજો એવું કહ્યું ન હતું. અમને ખબર હતી કે અમને સારું શિક્ષણ અપાવવા એમને ઘણું ઘણું મથવું પડતું. મેં મનમાં પાકો નિર્ણય કર્યો કે મારી માનો આ પ્રયત્ન અને પુરુષાર્થ નકામો ન જવો જોઈએ. મારે કંઈક બનવું જ જોઈએ.

શાળામાં સામાન્ય રીતે હું હંમેશાં ઉચ્ચકક્ષાએ રહેતો. સવારમાં અમે ઈડલી વેચવા જતા. એનું કારણ એ હતું કે ઝૂંપડપટ્ટીના લોકો એટલું વહેલા ઈડલી ખરીદવા ન આવતા. ઝૂંપડપટ્ટીમાં રહેતાં નાનાં બાળકો માટે ઈડલી એ વિશેષ નાસ્તો ગણાય. વળી મારી માતાને બીટ્‌સપિલાની કે આઈઆઈટીના અભ્યાસક્રમોનો ખ્યાલ ન હતો. અમને સારો કામ ધંધો મળી રહે એવા સદ્‌હેતુ સાથે તેઓ અમને ભણાવતાં. એ સમયે મારે શું કરવું જોઈએ એનો મને સ્પષ્ટ ખ્યાલ ન હતો. એનું કારણ એ હતું કે મારા મિત્રવર્તુળમાં કોઈએ ઉચ્ચ કેળવણી કે IIT-JEE જેવા અભ્યાસક્રમોની તૈયારી કરવાની વાતો કરવાનુંય મેં સાંભળ્યું ન હતું.

જ્યારે બે ટંકનું ખાવાનું મળવામાંય સાંધા પડતા હોય ત્યારે તમે ડોક્ટર કે ઇજનેર બનવાની કલ્પના ન કરી શકો. મારી મા ઘરબાર-અમારા ભણતર માટે જે રીતે ઝઝૂમતા હતા એ જોઈને મારા મનમાં કંઈક સારો એવો કામ ધંધો કરવાનો વિચાર આવતો. દસમા ધોરણમાં મને ઘણા સારા ગુણ મળ્યા. પણ મારા જીવનનો આ ઘણો કટોકટીનો સમય હતો. દસમા ધોરણ સુધી તો શાળા પરીક્ષા-ફી નહીંવત્‌ હતી; પણ ૧૧-૧૨ માટે તો બે થી ત્રણ હજાર રૂપિયા ભરવા પડે. ઉનાળામાં બુકબાઈડિંગ કરીને શાળાની ફીની રકમ ભેગી કરી લેતો. આમાં મને જ્યારે વધારે કામ મળવા માંડ્યું ત્યારે મેં બીજાં ૨૦ બાળકોને એ કામમાં રોકી લીધાં. અમે બધાં સાથે જ કામ કરતાં. આવા કામધંધાનું સાહસ કરવાનો મારો આ પ્રથમ અનુભવ હતો. મેં એમાં તક જોઈ અને મારું કામ હું વધારતો ગયો.

જ્યારે હું આઈઆઈએમના કોમન એડમિશન ટેસ્ટ માટે તૈયારી કરતો હતો ત્યારે મેં સમાચાર પત્રોમાં વાંચ્યું કે ભારતની ૩૦% વસતીને બે ટંકનું ખાવાનુંયે મળતું નથી. એ બિચારા ભૂખ્યા કેવી રીતે રહેતાં હશે! એમને હું મદદરૂપ કેવી રીતે થઈ શકું, એવું મેં મનમાં વિચાર્યું. મેં ઇન્ફોસિસના નારાયણમૂર્તિ અને રિલાયન્સના અંબાણી બંધુઓની વાત વાંચી. એ લોકો ત્રીસ થી ચાલીસ હજાર લોકોને કામધંધો પૂરો પાડે છે. અંબાણીનું ઔદ્યોગિક સાહસ પચ્ચીસ હજાર લોકોને કામધંધો અપાવે છે અને એ રીતે એક થી સવા લાખ લોકોને પોષે છે. મને પણ આવા ઔદ્યોગિક સાહસિક બનવાની ઇચ્છા થઈ આવે છે.

મારી મા હું ઇજનેર બનું, નોકરી મેળવું, એમનું બધું કરજ ચૂકવી દઉં, રહેવા માટે પાકું ઘર બંધાવું અને ઘરમાં બધાની સારસંભાળ લઉં એમ ઇચ્છતા હતા. મારી ઇચ્છા કોઈ ઔદ્યોગિક સાહસ ઊભું કરવાની હતી. મને પોલારિસમાં જોબ મળી ગયો. ૩૦ મહિના સુધી એમાં કામ કર્યું. એમાંથી મારી માનું કરજ ચૂકવી દીધું અને એમને રહેવા માટે સારું ઘર પણ બંધાવી દીધું. હવે મારી ઇચ્છા મારા મન પર સવાર થઈ. ત્રીજી વખત હું આઈઆઈએમની પ્રવેશ પરીક્ષામાં પાસ થઈ ગયો અને મને અમદાવાદમાં પ્રવેશ મળ્યો. બે વર્ષ સુધી મને શિષ્યવૃત્તિ મળી અને મારા આત્મવિશ્વાસને કારણે હું કોલેજમાં ઘણી જવાબદારીઓ મારા શિરે લેતો. પહેલા અને બીજા વર્ષે હું મેસ સમિતિનો સભ્ય હતો અને પછી તેનો મંત્રી પણ બન્યો. મારા બીજા વર્ષના અભ્યાસના અંતે વર્ષે આઠ લાખ જેટલી આવક થાય તેવી નોકરીઓ મેં ન સ્વીકારી. મારી મા એક ઔદ્યોગિક સાહસિક જ હતાં અને એમની જ મને પ્રેરણા મળી. મારા મનમાં એવી તીવ્ર ઇચ્છા હતી કે હું મારા ધંધામાં ઘણા લોકોને કામધંધો અપાવી શકું. મારી આ મહેચ્છામાં સૌએ મને પ્રોત્સાહન આપ્યું. ૩૦ થી ૪૦ વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને પોતાનું ઔદ્યોગિક સાહસ શરૂ કરવાની ઇચ્છા હતી. એટલે અમે અવારનવાર એ વિશે વિચાર કર્યા કરતા.

રાંધેલો ખોરાક વેચવાની બાબતમાં મારી માતા મારી પ્રથમ પ્રેરણા બન્યાં. હું પણ એમની સાથે રહીને મદદ કરતો. બીજી પ્રેરણા મળી મને આઈઆઈએમ, અમદાવાદમાં જ્યારે હું એનો સેક્રેટરી બન્યો. હજારો ફરિયાદો આવતી, સૂચનો આવતાં અને એનો ઉકેલ લાવવાનો હું પ્રયત્ન કરતો.

મને થયું કે તૈયાર કોળિયાના ધંધામાં સારી તક છે. સમાજના નબળા વર્ગના લોકો આ ધંધા દ્વારા સારું એવું કમાય છે. મારા મિત્રોએ મને એવી કંપની સ્થાપવા અને ૧૦૦ લાખનું ભંડોળ આપવામાં મને મદદ કરી. હું આઈઆઈએમનો સફળ વિદ્યાર્થી હતો એટલે જાહેર સંદેશવ્યવહારનાં સાધનોનો મને સારો સહકાર મળ્યો. શરૂઆતમાં મેં એક ઓફિસ લીધી અને એમાં ત્રણ વ્યક્તિને નોકરીએ રાખ્યા. અમદાવાદની એક સોફ્‌ટવેર કંપનીમાંથી પેલો ઓર્ડર મળ્યો. એમાં મારે ચા-કોફી અને નાસ્તો આપવાનાં હતાં. અમે ઓટોરીક્ષામાં બધી ચીજવસ્તુઓ પહોંચાડતા. ત્યાર પછી આઈઆઈએમ અમદાવાદમાંથી ઓર્ડર મળ્યો. મેં બેંકમાંથી ૧૧ લાખની લોન લીધી અને વિશાળ રસોડું શરૂ કર્યું. મારી પ્રારંભની મૂડી ૧૧.૭૫ લાખની હતી. આમ ત્રણેક મહિના વીત્યા. હવે મારી પાસે ૪૦ કર્મચારીઓ છે. આઈઆઈએમ, અમદાવાદ, દર્પણ એકેડેમી, ગુજરાત એનર્જી રિસર્ચ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, સિસ્ટર પ્લસ જેવા ચાર મોટા ગ્રાહકો છે. પહેલે મહિને અમે આશરે ૩૫૦૦૦ કમાણા. અત્યારે અમારી કુલ આવકજાવક ૨,૫૦,૦૦૦ છે. બીજા ત્રણ મહિનામાં ચેન્નઈમાં આવું વિશાળ ઔદ્યોગિક સાહસ શરૂ થશે.

મારી ઇચ્છા વધુ ને વધુ લોકોને કામધંધો અપાવવાની છે. જેથી એમનું જીવનધોરણ સુધરે. પહેલે વર્ષે ૨૦૦ થી ૫૦૦ વ્યક્તિને રોજીરોટી અપાવવી છે. પછીના પાંચ વર્ષમાં ૧૫૦૦૦ લોકોને રોજીરોટી મળી રહે તેવી હું આશા સેવું છું. આ શક્ય બનશે એવી મને પાકી ખાતરી છે. હું ભારતભરનાં બધાં મોટાં શહેરોમાં મારું આ ઔદ્યોગિક સાહસ શરૂ કરવા ઇચ્છું છું. જો શક્ય બને તો વિશ્વના બીજા દેશોમાંયે ખરું. મેં ઝૂંપડપટ્ટીથી માંડીને પ્રબુદ્ધ સમાજમાં રહેતા બધાં ક્ષેત્રના લોકો જોયા છે. એટલે મારા માટે કાર હોય કે બંગલો હોય એને હું મહત્ત્વનું ગણતો નથી. પૈસો જ રળવો એ પણ મારે મન અગત્યનું નથી. મારી કોઈ વ્યક્તિગત મહેચ્છા નથી પણ હું ઘણા ગરીબોને રોટીરોજી આપી શકું અને મારી માને રહેવા હજીયે સારું ઘર અને કાર અપાવી શકું એવી ઇચ્છા છે.’

સ્વામી વિવેકાનંદ કહે છે :

‘જેઓ બીજાને માટે જીવે છે એ જ ખરેખર જીવે છે. બાકીના બીજા તો જીવતા કરતાં મરેલા વધુ છે.’

શરદબાબુ જેવા વિચારો સેવનારા પરગજુ ઔદ્યોગિક સાહસિકો (સાહસવીરો)ની આપણા રાષ્ટ્રને જરૂર છે. પોતાનાં કે પોતાના કુટુંબો માટે અબજો રૂપિયાની મૂડી એકઠી કરનાર મહાધનાઢ્યો અને ઉદ્યોગવીરો કરતાં આવા પરગજુ ઉદ્યોગ સાહસવીરો જ સમાજનું સાચું કલ્યાણ કરી શકશે અને મહાત્મા ગાંધીના સર્વોદયના સિદ્ધાંતને સાકાર કરી શકશે.

Total Views: 35

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.