(૧૫ વર્ષની ઉંમરથી જીવન સંઘર્ષ કરતાં કરતાં મોટા ઉદ્યોગપતિ બન્યા. સક્રિય રાજનીતિમાં ભાગ લીધો હતો, એવા શ્રી રામેશ્વર તાંતિયાએ લખેલ ‘ભૂલે ન ભૂલાયે’ પુસ્તકમાંથી ગુજરાતી અનુસર્જન રૂપે કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)

થોડા દિવસો પહેલાં દિલ્હીના સંસદભવનના સેન્ટ્રલ હોલમાં હું ગયો. મારા મિત્ર સાંસદ શ્રી ભોલા રાવતે કહ્યું: ‘આવો, આપને એક જૂના મિત્ર સાથે પરિચય કરાવું.’ મેં ચારે તરફ નજર નાખી પણ કોઈ ઓળખીતું જાણીતું જોવા ન મળ્યું. પાસેના બાંકડા પર ભગવાં વસ્ત્ર પહેરીને એક સંન્યાસી બેઠા હતા. ભોલા બાબુએ હસતાં હસતાં કહ્યું: ‘આમને ઓળખ્યા નહિ? આ છે મહેન્દ્રકુમાર સિંહ! આપની સાથે ૧૯૬૨ સુધી સાંસદ રહ્યા હતા.’ પછી તો દાઢીમૂછવાળા, હસતા ચહેરામાં દસ વર્ષ પહેલાંના મહેન્દ્રકુમાર મને દેખાયા.

૧૯૬૨ પહેલાથી જ એમના મનમાં વૈરાગ્ય જન્મ્યો હતો. એટલે એના પછીની સંસદીય ચૂટણીમાં તેઓ ઊભા ન રહ્યા. એમણે પોતાનો ભર્યોભાદર્યો પરિવાર અને ધનસંપત્તિ બધું છોડીને સંન્યાસ ગ્રહણ કર્યો. આગલાં દસ વર્ષોમાં તેઓ ભારતના લગભગ બધાં તીર્થો અને પહાડોની યાત્રા કરી ચૂક્યા હતા. મેં પૂછ્યું: ‘શું આપને કોઈ પણ પ્રકારની અગવડતાનો અનુભવ થતો નથીને?’ એમણે સીધો જવાબ આપ્યો: ‘આમ જોઈએ તો સંન્યાસીએ સુખસુવિધા કે માન-અપમાનની ખેવના ન કરવી જોઈએ. ગંગા-યમુનાનો પવિત્ર દેશ છે આપણો. એના દરેક નાનાં મોટાં ગામમાં શ્રદ્ધાળુ માતાઓ અને બહેનો મળી જાય છે. જાણ્યે-અજાણ્યે હું કોઈ પણ સ્થળે જાઉં છું ત્યારે ખાવા રોટલી કે રોટલો રહેવાને સ્થાને જ મળી જાય છે. આમ તો હું ત્રીજા વર્ગમાં યાત્રા કરું છું, એના માટે પૈસાની જરૂર પડતી રહે છે. સહજ સરળ રીતે વ્યવસ્થા ન થાય તો પગપાળા યાત્રા કરી લઉં છું.’

થોડીવારમાં જ એમના પરિચિત મિત્રોએ એમને ઘેરી લીધા. એક મિત્રે પૂછ્યું: ‘મહારાજ, આપ તો ઘણા આરામ અને મોજશોખમાં રહ્યા હતા. આવા સાધુ-જીવનથી આપને દુ:ખકષ્ટ થતાં નથી?’ પ્રત્યુત્તર આપતાં એમણે કહ્યું: ‘આ એક નવા વળાંકથી વસ્તુત: મને સુખ અને શાંતિ જ મળ્યાં છે. જે સુખ અને શાંતિ આના દ્વારા મળ્યાં છે એના સોમાં ભાગનું સુખ આ પહેલાંના જમીનદારના અને રાજનૈતિક જીવનમાં મળ્યાં નથી.’ બીજા મિત્રે પૂછ્યું: ‘શું આપ ક્યારેય તમારા પરિવારમાં જાઓ છો ખરા?’ તેમણે કહ્યું: ‘હા, ક્યારેક ક્યારેક. પણ જેમ બીજાના ઘરે રહું છું તેમ એકાદ-બે દિવસ માટે ત્યાં રોકાઈ જાઉં છું.’ મહેન્દ્રબાબુ સાથે અમે હંમેશાં રાજનૈતિક ચર્ચા અને વ્યંગવિનોદ કર્યા કરતા હતા. આજે મેં જોયું કે એમના પ્રત્યે બધાના મનમાં શ્રદ્ધાનો ભાવ છે.

એ રાત્રે મારે જયપુર જવાનું હતું. ઉપરની બર્થ મળી હતી. હંમેશાંની જેમ ભગવા રંગનો ખાદીનો ઝભ્ભો પહેર્યો હતો. બ્લડપ્રેશરના ઉપચાર માટે મારા મિત્ર શ્રી રામાશય દીક્ષિતે આપેલી રુદ્રાક્ષની માળા ગળામાં હતી. સંજોગવશાત્‌ એ બહારથી દેખાતી હતી. ગાર્ડ ટિકિટ ચેક કરતાં કરતાં મારી પાસે આવ્યા. ઘણી શ્રદ્ધા સાથે મારી તરફ જોયું અને મારા માટે નીચેની બર્થની વ્યવસ્થા કરી દીધી. મેં મનમાં વિચાર્યું: ‘આ ગાર્ડ મારા વેશથી પ્રભાવિત થયા છે. એટલે શા માટે આ યાત્રામાં મહેન્દ્રજીનો નુસખો અજમાવી જોવો?’

જયપુરનું કામ થોડીવારમાં પતાવીને અઢી વાગ્યાવાળી બસમાં આગ્રા જવા રવાના થયો. બસ કંડક્ટરે કહ્યું: ‘બાબાજી, રસ્તામાં મહેંદીપુરના હનુમાનજીનું મંદિર આવે છે. જરૂર દર્શન કરજો, એનો તરત પરચો મળે છે.’ આ સ્થાનનું નામ ઘણા દિવસોથી મારા સાંભળવામાં આવ્યું હતું. ત્યાં પહોંચતાં પહોંચતાં સાંજના પાંચ વાગી ગયા. હું ઊતર્યો. મંદિર મુખ્ય માર્ગથી બે-ત્રણ માઈલ અંદરમાં આવેલું છે. ઘોડાગાડી કરીને ત્યાં છ વાગ્યે પહોંચ્યો. કંદોઈ, અનાજ કરિયાણાની નાની નાની દુકાનો હતી, બે ચાર ધર્મશાળાઓ અને બેડોળ જેવું મંદિર! આવું હતું મહેંદીપુર. અંદર જઈને જોયું તો ઢોલક પર કીર્તનભજન થઈ રહ્યાં છે. ત્રણ-ચાર સ્ત્રીઓ એના તાલમાં પોતાનું માથું ધુણાવી રહી છે. વચ્ચે વચ્ચે બરાડા પણ પાડે છે. મંદિરના વિશે એવી વાત કહેવાય છે કે બાલાજી હનુમાનના પ્રભાવથી અહીં પ્રેતભૂત વળગાડ દૂર થાય છે. અલબત્ત હું આ વિવાદમાં પડવા માગતો નથી. વાસ્તવિક રીતે તો એ બધી સ્ત્રીઓ પ્રેતપીડિત હતી કે દર્શનાર્થીઓને પ્રભાવિત કરવા પૂજારીઓએ દેખાડા માટે નિયુક્ત કરેલી હતી, એ કોણ જાણે!

એક તો ગરમી, દુકાનોની માખીઓ અને સડેલા પદાર્થોની દુર્ગંધથી હું કંટાળી ગયો અને વળી પાછો મુખ્ય રસ્તે આવી ગયો. સાત વાગ્યા હતા. એક કલાક સુધી ઊભો રહ્યો પણ આગ્રા જનારી કોઈ બસ આવી નહિ. જાણવા મળ્યું કે હવે કોઈ બસ મળશે પણ નહિ. લાચાર બનીને સડકની એક બાજુએ સામાન રાખીને કૂવાના કાંઠે બેઠો. આઠ વાગી ગયા અને અંધારું થઈ ગયું. મનમાં વિચારવા લાગ્યો કે કદાચ વળી પાછું મહેંદીપુર જઈને કોઈ ધર્મશાળામાં તો નહિ રહેવું પડે ને! એવામાં દૂરથી આવતો પ્રકાશ નજરે ચડ્યો. થોડીવારમાં જોયું તો એક ટ્રક આવતો હતો. પાસે આવ્યો એટલે હાથ ઊંચો કર્યો અને ડ્રાઈવરે ટ્રકને રોક્યો. તેણે પૂછ્યું: ‘બાબાજી, ક્યાં જવું છે?’ મેં કહ્યું: ‘આગ્રા.’ આનાથી વધારે કંઈ આગળ કહું એ પહેલાં તો મોટા અવાજે પોતાના ક્લીનરને મારો સામાન ટ્રક પર ચડાવવા કહ્યું. જ્યાં સુધી તે નીચે ઊતર્યો ત્યાં સુધી આસપાસ ઊભેલા ભક્તોએ મારો સામાન એના હાથમાં પકડાવી દીધો. ડ્રાઈવરે છત ઉપર આંગળી ચીંધીને કહ્યું: ‘આપ ઉપર સામાન રાખજો. એમાં કંઈ વાંધો નથી ને?’ એના અવાજમાં સ્નેહ, શ્રદ્ધા અને વિનય જોઈને હું કંઈ બોલી ન શક્યો. પેલા ક્લીનરે પોતાનું એક જૂનું બિછાનું સૂવા માટે પાથરી દીધું હું એના પર સૂઈ ગયો.

ટ્રક વિશાળ માર્ગ પર બંને બાજુએ ઊંચાં ઊંચાં વૃક્ષોથી ઝૂકેલી ડાળીઓ નીચેથી પસાર થતો હતો. ઉપર ખુલ્લું આકાશ અને ટમટમતા તારલા. પેલો ક્લીનર નાની ઉંમરનો હતો, થોડો સ્ફૂર્તિવાળો અને ઝડપી. પોતાનાં સુખદુ:ખની વાત કરવા લાગ્યો: ‘પાંચ છ વર્ષથી ટ્રકોમાં ફર્યા કરું છું. ઘરની ગરીબ પરિસ્થિતિ અને કઠિન જીવનને લીધે મારે આવું કરવું પડે છે. બે નાનાં ભાઈઓ અને બહેનની સારસંભાળ મા રાખે છે. બાપ દારૂડિયો હતો. પાંચ વિઘા જમીન હતી તે ગિરવી મૂકીને મરી ગયા. આ ટ્રક દૌસા ગામથી સોફ્‌ટસ્ટોન લાવીને કાનપુર જતો હતો. ટ્રક ડ્રાઈવરને હું મારો ઉસ્તાદ માનું છું. એણે જ મને આ નોકરીમાં રાખ્યો હતો. મારા ઉસ્તાદની વાણી કડવી ઝેર જેવી છે. પણ એનું દિલ છે મીઠું, મધુર. ગાળો પણ દે છે અને મારેય ખરો. પણ કામ શીખવાડીને જ છોડે. એક વર્ષ, બે વર્ષ થયાં ડ્રાઈવિંગનું લાયસન્સ પણ અપાવી દીધું છે. ક્યારેક ક્યારેક સ્ટિયરિંગ પકડાવી દે છે. આમ તો પૂરેપૂરી રીતે ગાડી મારી પાસે ચલાવતા નથી. પગાર ઉપરાંત પોતાની પાસે થોડા ઘણા છૂટા પૈસા હોય તો એ પણ આપી દે છે.’

હું આ સાંભળતો હતો. થાકને લીધે મારી આંખ મીંચાઈ. ક્યારે ગાઢ નિદ્રામાં સરી પડ્યો એની ખબર ન પડી. એકાએક ડ્રાઈવરનો અવાજ કાને પડ્યો: ‘મહારાજ, ભોજન કરશો કે?’ ઘડિયાલમાં જોયું તો રાતના અગિયાર વાગ્યા હતા. હાથ મોં ધોઈને ત્યાં રાખેલ મૂંજના ખાટલા પર સૂઈ ગયો. થોડીવાર પછી શુદ્ધ ઘીમાં વઘારેલી દાળ, સ્વાદિષ્ટ રોટલી અને સારું દહીં એક થાળીમાં રાખીને લઈ આવ્યો. સાથે થોડું અથાણું અને ડૂંગળી પણ હતાં. પેટભરીને ખાધું. ઊભા થતી વખતે પૈસા દેવા ગયો તો ધાબાવાળો લેવામાં ખચકાવા લાગ્યો.

ટ્રક લગભગ દોઢ-બે વાગ્યે આગ્રાની નજીક આવેલ જકાતનાકા પાસે ઊભો રહ્યો. ‘ઉપર કોણ છે?’ એવો અવાજ સંભળાયો. અવાજ સંભળાતાં જ હું જાગ્યો. ડ્રાઈવરે કહ્યું: ‘એક મહાત્માજી છે.’ ટ્રક ચાલુ કરતી વખતે એણે મને પૂછ્યું: ‘મહારાજ, આપ ક્યાં ઉતરશો?’ મેં કહ્યું: ‘કોઈ ધર્મશાળા પાસે મને ઉતારી દેજો.’ એણે વિનંતી કરતાં કહ્યું: ‘આજે રાતે આ ટ્રક પર આરામ કરી લો તો? સવારે જ્યાં જવાની ઇચ્છા હોય ત્યાં ચાલ્યા જજો.’ મને ઊંઘ આવતી હતી, એની વાત મેં માની લીધી અને હું ટ્રકમાં જ ઊંઘી ગયો.

સવારે પાંચ વાગ્યે ઊઠીને જોયું તો શહેરની બહારના એક પેટ્રોલ પંપ પર બીજા ટ્રકોની સાથે અમારો ટ્રક પણ ઊભો હતો. ડ્રાઈવર અને એનો મદદગાર મારી બાજુમાં જ ઊંઘમાં પડ્યા હતા. આજુબાજુની ઝાડીઓમાં શૌચાદિ પતાવીને પાછો આવ્યો. ત્યાં સુધીમાં એ લોકો જાગી ગયા હતા. ટ્રક જમુનાની આ બાજુએ નવનિહાઈમાં રોકાયો. સંજોગવશાત્‌ સવારની પાળીમાં જતી એક રિક્ષા મળી ગઈ. હાથથેલો અને પોતાનું કાર્ડ આપીને ટ્રક ડ્રાઈવરને કહ્યું: ‘કાનપુરમાં પોતાની ઓફિસમાં રખાવી દેજો. હું ત્યાંથી મંગાવી લઈશ.’ ડ્રાઈવરે આશ્વાસન આપતાં કહ્યું: ‘મહારાજ ચિંતા ન કરજો. આપની પેટી પરમદિવસે સવારસુધીમાં પહોંચી જશે.’ રિક્ષામાં બેસીને જ્યારે હું બેલનગંજથી પસાર થતો હતો ત્યારે વિચાર્યું કે મેં ટ્રકનો નંબરેય ન લીધો અને ડ્રાઈવરનું નામ-સરનામુંયે ન પૂછ્યું. પણ મારા મને મને કહ્યું કે આમાં દગા જેવું કંઈ નથી.

આગ્રામાં પોતાના સાહિત્યિક મિત્ર રાવીજીને ત્યાં આખો દિવસ વીતાવીને રાત્રે જ્યારે સ્ટેશને પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે કાનપુર જનારી પેસેન્જર ટ્રેનમાં ફર્સ્ટક્લાસની બધી સીટો પહેલેથી જ ભરાઈ ગઈ છે. ત્રણ દિવસની સતત યાત્રાથી થાકી ગયો હતો. મનમાં ચિંતા થવા લાગી. જોયું તો એક ડબ્બાના એક કંપાર્ટમેન્ટમાં પતિ, પત્ની અને ત્રણ બાળકો હતાં. મેં પૂછ્યું: ‘ભાઈ સાહેબ એક સીટ મને આપવાની કૃપા કરશો?’ એમણે બાળકોને એક સીટ પર બેસાડી દીધા અને એક પૂરી બર્થ મને આપી. મેં જોયું કે અહીં પણ મારાં ભગવાં વસ્ત્રે પોતાનો ચમત્કાર દેખાડ્યો ખરો. કાનપુર ઊતર્યો ત્યારે પતિ, પત્ની અને બાળકોએ ભક્તિભાવથી મને પ્રણામ પણ કર્યાં.

ઘરે પહોંચ્યો તો બે ત્રણ કલાક પછી અરોરા ટ્રાન્સપોર્ટનો ફોન આવ્યો: ‘આપની બેગ અમારા ટ્રક દ્વારા આવી છે, ડ્રાઈવર અહીં જ બેઠો છે. આપને પ્રણામ પાઠવે છે.’ એમણે એ પણ પૂછ્યું : ‘આપ પોતે જ ટ્રકમાં આવ્યા હતા કે આપને ત્યાં આવનાર કોઈ મહાત્માજી આવ્યા હતા?’ મેં જ્યારે જણાવ્યું કે મહેંદીપુરથી આગ્રા સુધી હું જ એમની ટ્રકમાં આવ્યો હતો ત્યારે એને વિશ્વાસ થયો.

આ યાત્રામાં એક અભિનવ અનુભવ થયો કે આજે પણ આપણા દેશના જનમાનસમાં ગંગાની પવિત્રતા અને યમુનાનો પ્રેમ પ્રત્યક્ષ જોવા મળે છે. હજારો વર્ષોથી આ બંને ભગિનીઓની પુણ્યભૂમિ પર વસેલા લોકો સાધુ મહાત્માઓની સેવા કરે છે. દેશનું એ સદ્‌ભાગ્ય છે કે આ પરંપરા કેટલેક અંશે આજે પણ એમને એમ ચાલે છે. આને લીધે જ કોઈ પણ સહારા વિના સાધુઓ બદ્રીનાથથી કન્યાકુમારી અને દ્વારકાથી સુદૂર આવેલ કામાખ્યા તીર્થ સુધી નિશ્ચિંતતા પૂર્વક યાત્રા કરે છે.

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.