ત્રીજી વલ્લી, પ્રથમ અધ્યાય

ऋतं पिबन्तौ सुकृतस्य लोके
गुहां प्रविष्टौ परमे परार्धे ।
छायातपौ ब्रह्मविदो वदन्ति
पञ्चाग्नयो ये च त्रिणाचिकेताः ॥ १ ॥

लोके, આ લોકમાં; सुकृतस्य ऋतम् पिबन्तौ, પોતાનાં કર્મનું ફળ ભોગવતા; परमे परार्धे, હૃદયના આ ઉચ્ચતર અવકાશમાં; (यौ, તે બન્નેને); गुहाम् प्रविष्टौ, બુદ્ધિની ગુફામાં રહેલા; ब्रह्म-विदः, બ્રહ્મને જાણનારા; (तौ, તે જ બન્નેને;) छाया-आतपौ वदन्ति, પ્રકાશ અને પડછાયાની પેઠે વર્ણવે છે; ये च, વળી જેઓ; पञ्चाग्नयः, પાંચ અગ્નિઓના ઉપાસકો; त्रि-णाचिकेताः, તેમજ જેઓ ત્રણ વખત ‘નાચિકેત’ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે (ते अपि वदन्ति) તેઓ પણ આમ જ કહે છે.

વ્યક્તિગત આત્મા-જીવ અને વૈશ્વિક આત્મા-ઈશ્વર-એ બન્ને આત્મજ્ઞાનની શ્રેષ્ઠ ભૂમિકા એવી બુદ્ધિની ગુફામાં રહીને પોતાનાં કર્મોનાં ફળો ભોગવે છે. બ્રહ્મને જાણનારાઓ કહે છે કે વ્યક્તિગત આત્મા અને વૈશ્વિક આત્મા (આત્મા અને પરમાત્મા) છાયા અને પ્રકાશની પેઠે એકબીજા સાથે સંબંધ ધરાવે છે. જે ગૃહસ્થો પંચાગ્નિને પૂજનારા છે અને જેમણે નાચિકેત અગ્નિનું ત્રણ વખત અનુષ્ઠાન કર્યું છે, તેવા લોકો પણ આવું જ કહે છે. (૧)

બ્રહ્મ પોતે જ આ જગતરૂપે અભિવ્યક્ત થયું છે. અને એક રીતે એ જ એનું સર્જક છે. જો કે આ એક આલંકારિક કથન જ છે. ખરી રીતે તો બ્રહ્મ ક્યારેય કોઈપણ પ્રકારના કર્મ સાથે સંકળાયેલું હોતું નથી. પણ બ્રહ્મ એક છતાં વ્યષ્ટિ અને સમષ્ટિ બન્ને પ્રકારનું ચૈતન્ય છે. (આત્મા અને પરમાત્મા – બન્ને પ્રકારનું છે) વ્યષ્ટિ ચૈતન્ય – જીવ – તરીકે એણે ઘણા પાઠો ભજવવા પડે છે: એ કર્મો કરે છે અને કર્મફળો ભોગવે છે. પણ એની આ પ્રક્રિયા ત્યારે જ શક્ય બને છે કે એની પાછળ જો સમષ્ટિચૈતન્ય-પરમાત્મા હોય.

વ્યષ્ટિચૈતન્ય અને સમષ્ટિચૈતન્ય હંમેશાં સાથે જ રહે છે. તેઓ પ્રકાશ અને છાયા જેવાં છે. સમષ્ટિ ચૈતન્ય ક્યારેય કશું કરતું નથી, પરંતુ આ ઘનિષ્ઠ સંબંધને કારણે જાણે કે તે કર્મ કરતું હોય તેવું દેખાય છે. એ તો ખાલી એવું દેખાવા પૂરતું જ છે. આ દેખાવ તો માત્ર આભાસી જ છે. એ કંઈ વાસ્તવિક નથી. કેવળ પ્રાતિભાસિક ખ્યાલમાં જ એવું દેખાય છે કે વ્યષ્ટિચૈતન્ય અને સમષ્ટિ ચૈતન્ય સક્રિય સ્વરૂપમાં અને પોતાનાં કર્મોનાં ફળોને ભોગવતાં દેખાય છે. આમ તો આ બંને ચૈતન્ય એક અને અદ્વિતીય છેે પણ પ્રાતિભાસિક રૂપે અલગ અલગ જણાય છે.

‘ऋतम’, નો અર્થ ‘સત્ય’ થાય છે- પણ એનો અર્થ ‘અફર નિયમ’ – અપરિવર્તનીય નિયમ – એવો પણ થાય છે. અહીં આ શબ્દ ‘કર્મફળો’ના અર્થમાં વપરાયો છે. તમે કર્મ કરો તો કર્મફળ અવશ્ય એની પાછળ આવવાનું જ છે એટલા માટે અહીં ‘ઋતમ્‌’ શબ્દ ‘કર્મફળ’ના અર્થમાં વપરાયો છે.

‘सुकृतस्य’, શબ્દનો અર્થ ‘સારા કર્મોનું’ એવો થાય છે. પણ એનો અર્થ ‘મનુષ્યે કરેલાં કર્મનો’ એવો પણ થાય છે. દિવ્યતાએ કરેલું કોઈપણ કર્મ સારું જ હોય છે, એ આનંદ જ આપે છે. સર્જનહાર આનંદથી સર્જન કરે છે અને આવા સર્જનનું પરિણામ પણ આનંદ જ હોય છે. જો કોઈ મનુષ્ય ઈશ્વરને બાદ કરીને સ્વતંત્ર રીતે પોતે કર્મ કરે તો એનું પરિણામ એના પોતાના માટે અને બીજાને માટે પણ ખરાબ આવી શકે.

જ્યારે કોઈ વ્યષ્ટિ ચૈતન્ય – જીવાત્મા – કર્મ કરે ત્યારે એણે આ યાદ રાખવું સારું છે કે તે કર્મ સમષ્ટિ ચૈતન્ય – પરમાત્મા – માટે છે. આવી સ્મૃતિ તેને પોતે જે કર્મ કરી રહ્યો છે, તેના ફળની આસક્તિમાંથી બચાવી લેશે. વ્યષ્ટિચૈતન્ય – જીવાત્મા માટે કર્મો તરફ આવી જાતનું વલણ રાખવું એ જ જરૂરી વાત છે.

परमे,‘ઉચ્ચતર’ શરીરના બીજા ભાગોમાં રહેલા અવકાશ કરતાં હૃદયમાં રહેલા અવકાશને ઉચ્ચતર માનવામાં આવેલ છે. અથવા તો એને એની બહારનો અવકાશ ગણવામાં આવ્યો છે. કારણ કે એ એવો અવકાશ છે કે જ્યાં ઉચ્ચતમ આધ્યાત્મિક અનુભૂતિ થાય છે.

परार्धे– એ હૃદયનો એવો અવકાશ છે કે જ્યાં બ્રહ્મ અનુભવાય છે, એનો શબ્દાર્થ તો ‘શરીરનો વધારે સારો ભાગ’ એવો થાય છે.

यः सेतुरीजानानामक्षरं ब्रह्म यत् परम् ।
अभयं तितीर्षतां पारं नाचिकेतं शकेमहि ॥ २ ॥

ईजानानाम् यः सेतुः, યજ્ઞો દ્વારા (કર્મો દ્વારા) જીવનરૂપી સાગરને ઇચ્છનારાઓ માટે જે એક સેતુ સમાન છે; (तम्, તેવા;) नाचिकेतम्, યમરાજાએ નચિકેતાને અર્પણ કરેલા—એનું નામ આપેલા—યજ્ઞને; (वयम् ज्ञातुम्) शकेमहि, અમે સાધના કરવા માટે શક્તિમાન થઈએ; तितीर्षताम्, પેલી પાર પહોંચવા તરી જવા ઇચ્છનારાના; अभयम् पारम्, કે જ્યાં ભય નથી એ તટે; (એવા મનુષ્ય માટે એ તટ પર પહોંચવાનો રસ્તો ખુલ્લો જ છે); अक्षरम् ब्रह्म यत् परम्, કે જે નિર્ગુણ—નિર્વિશેષ બ્રહ્મને પોતાના પ્રિયતમ તરીકે સ્વીકારતો હોય.

જે મનુષ્ય યજ્ઞ દ્વારા (કર્મો દ્વારા) આ દુનિયાના આ બાજુના અનુભવોની પેલી પાર જવા ઇચ્છતા હોય, તેમને માટે નાચિકેત નામનો (યજ્ઞનો) અગ્નિ એક સેતુ સમાન છે જ. અમે એ અગ્નિને જાણીએ છીએ. અને અમે એનું અનુષ્ઠાન પણ કરી શકીએ છીએ. વળી, અમે તમને જે માર્ગ પરબ્રહ્મ – નિર્ગુણ – નિર્વિશેષ બ્રહ્મ સાથે એકાકાર કરી દે છે તે સામા કિનારાના માર્ગ વિશે પણ જાણીએ છીએ, કે જેથી તમે અભયપદને પ્રાપ્ત કરી શકો. (૨)

જેઓ કર્મકાંડ તરફ ઢળેલા છે – વિધિવિધાનવાળી ઉપાસના તરફ ઢળેલા છે, તેમને જગતના અનુભવોની પેલી પાર જવા માટે નાચિકેત અગ્નિનો ઉપયોગ, દુનિયાના અનુભવોરૂપી સાગરને તરી જવાના એક સેતુ તરીકે કરી શકે છે. તેના દ્વારા તેઓ ક્રમશ: સ્વર્ગમાં જાય છે અને ત્યાં તેઓ વિરાટ સાથે એકરૂપ થાય છે. અને યમરાજ જેવું મહત્ત્વનું સ્થાન ધારણ કરે છે. પણ આ લોકો પૂર્ણ રીતે એ સ્થાન ભોગવી શકતા નથી. એનાથી અમુક વખત પછી એ લોકો થાકી જાય છે. અને તેઓ બ્રહ્મ સાથે સંપૂર્ણપણે એકાકાર થઈ જવા માટે સંઘર્ષ આદરે છે, વહેલા મોડા પણ તેઓ તેમાં સફળ થાય છે અને એને જ ‘મુક્તિ’ કહેવામાં આવે છે.

મનુષ્યોનો એક બીજી જાતનો પણ સમૂહ હોય છે. એમને ‘મુક્તિ’ માટેનો આ ગોળ ગોળ ફરીને જતો માર્ગ પસંદ નથી. એમને સ્વર્ગમાં જઈને સમય બગાડવાનું પસંદ આવતું નથી. કારણ કે સ્વર્ગમાં અથવા બીજે ક્યાંય પણ તેમને આકર્ષી શકે એવું કશું તેમને માટે હોતું નથી. એમને તો સીધેસીધું આત્મજ્ઞાન જ જોઈએ છે. જ્યારે તેઓ શરીર છોડે છે ત્યારે તેઓ બ્રહ્મ સાથે ભળી જાય છે. એ એવી અવસ્થા છે કે જ્યાં કેવળ ‘અદ્વૈત’ જ છે અને ત્યાં ‘દ્વૈત’ ન હોવાને કારણે કશો ભય-ડર હોતો નથી. એટલે તેઓ ભયને સામે પાર ચાલ્યા જાય છે. તેઓ સર્વત્ર એક જ આત્માને જુએ છે.

આ જનસમૂહ પરબ્રહ્મનું ધ્યાન કરે છે – નિર્ગુણ-નિર્વિશેષનું ચિંતન કરે છે. અને એની પહેલાં કહેલા લોકો ‘અપર બ્રહ્મ – સગુણ બ્રહ્મ’નું ધ્યાન કરે છે.

आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु ।
बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ॥ ३ ॥

आत्मानम्, આત્માને; रथिनम् विद्धि, રથના માલિક તરીકે તું જાણ; शरीरम्, શરીરને; रथम् एव च, અને રથ તરીકે સમજ; बुद्धिम् तु, બુદ્ધિને; सारथिम् विद्धि, સારથિ—રથના ચાલક—તરીકે જાણ; मनः, મનને; प्रग्रहम् एव च, લગામ તરીકે જાણ.

શરીરધારી આ આત્માને રથના સ્વામી તરીકે, શરીરને રથ તરીકે, બુદ્ધિને સારથિ તરીકે અને મનને લગામ તરીકે માન. (૩)

વ્યષ્ટિ ચેતન – જીવાત્મા, મન, બુદ્ધિ અને શરીર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવા માટે અહીં એક સુંદર સરખામણી પ્રયોજવામાં આવી છે. આત્મા દેખીતી રીતે તો કશું કરતો નથી, પણ એની હાજરી જ માત્ર શરીર, મન અને બુદ્ધિને કામ કરાવવા માટે પૂરતી થાય છે. તેઓમાંનું કોઈપણ સ્વતંત્ર નથી. તે બધાં આત્માની ઇચ્છા પ્રમાણે જ કામ કરે છે.

અહીં આત્માનો અર્થ જીવ-વ્યષ્ટિ ચૈતન્ય- છે. લાંબે ગાળે તો એ પરમાત્મા જ – સમષ્ટિ ચૈતન્ય જ છે. પણ જ્યાં સુધી એ માયાની નાગચૂડમાંથી પોતાને મુક્ત ન કરે, ત્યાં સુધી એને ઘણી મર્યાદાઓ છે. આમ તો જીવાત્મા પણ મુક્ત જ છે પણ એ માને છે કે પોતે મુક્ત નથી પણ બંધાઈ ગયો છે. આ મોહ-ભ્રમમાંથી છુટકારો મેળવવા માટે એણે ભારે પરિશ્રમ કરવો પડે છે. જેવી રીતે તમે તમારા વાહનને કોઈ સારી કે કોઈ ખરાબ જગ્યાએ હાંકીને લઈ જઈ શકો છો, તેવી રીતે જ તમે તમારા શરીરને કાં તો મુક્તિ મેળવવા માટે અથવા તો સંસારમાં હજુ આગળ ફસાવા માટે દોરી લઈ જઈ શકો છો. આ આખીયે બાબત તમારા હાથની વાત છે. જે બુદ્ધિ છે – સારથિ છે – તે તો એક ચાવી માત્ર છે. જો બુદ્ધિ સાવધાન હશે, તો તમે ક્યારેય મુશ્કેલીમાં નહિ આવી પડો.

દરેક વ્યક્તિ પાંચ કમેન્દ્રિયોના (હાથ, પગ, જીભ, જનનેન્દ્રિય અને મલત્યાગની ઈંદ્રિય) તથા પાંચ જ્ઞાનેન્દ્રિયોના (આંખ, કાન, નાક, જીભ અને ચામડીના) સમૂહનો બનેલો છે. આ ઉપરાંત, ચાર અંત:કરણો હોય છે (મન, બુદ્ધિ, હૃદય (ચિત્ત) અને અહંકાર), મન શંકા અને અનિશ્ચય – સંકલ્પ વિકલ્પના લક્ષણવાળું છે. જ્યારે બુદ્ધિ નિશ્ચય કરનારી હોય છે. હૃદય (ચિત્ત) એ ભૂતકાલીન સંસ્કારોનું સંગ્રહ સ્થાન છે અને અહંકાર શરીર ધારણ કરનાર આત્માને કર્મ કરવા ધકેલે છે પણ બુદ્ધિ મુખ્ય છે.

इन्द्रियाणि हयाना-
हुर्विषयांस्तेषु गोचरान् ।
आत्मेन्द्रियमनोयुक्तं
भोक्तेत्याहुर्मनीषिणः ॥ ४ ॥

मनीषिणः, બુદ્ધિમાન મનુષ્યો; इन्द्रियाणि हयान् आहुः, ઇંદ્રિયોને અશ્વો તરીકે ગણે છે; तेषु विषयान् गोचरान् आहुः, વિષયો (શબ્દ, રૂપ વગેરે)ને તેને ચાલવાના રસ્તા જેવા ગણે છે; आत्मा-इन्द्रिय-मनः-युक्तम् भोक्ता, શરીર, મન અને ઇંદ્રિયો સહિત આત્માને ‘ભોક્તા’ (ભોગવનાર) તરીકે જાણે છે.

શાણા માણસો ઈંદ્રિયોને ઘોડાઓ જેવી અને શરીરને રથ જેવું વર્ણવે છે; અને શબ્દ, રૂપ વગેરે વિષયોને એ ઘોડાઓને ચાલવાના માર્ગ તરીકે કહે છે અને શરીર, મન તેમજ ઈંદ્રિયો સાથેના આત્માને ‘ભોક્‌તા’ તરીકે ઓળખે છે. (૪)

જો શરીર રથ હોય, તો એને ખેંચવા માટે ઘોડાઓ પણ જોઈએ જ. તો ઈંદ્રિયો એના ઘોડા છે. આ સરખામણી સુયોગ્ય છે કારણ કે જેમ ઘોડાઓ ચંચળ હોય છે, તેમ ઈંદ્રિયો પણ ચંચળ હોય છે. એ બન્નેને કાબૂમાં રાખવાં ઘણાં કઠિન છે કોઈ વસ્તુ સારી હોય કે ખરાબ, એની પરવા કર્યા વગર ઈંદ્રિયો એ વસ્તુવિષય તરફ ખેંચાય છે. તેઓ સારાનરસાનો વિચાર કરી શકતી નથી. પણ મન ખરાબ અને સારું પારખી શકે છે. અને મન જ ઈંદ્રિયોને વશમાં લાવી શકે છે. જેવી રીતે ઘોડાઓ રસ્તાઓ ઉપર દોડે છે, તેવી રીતે મન પણ એક વિષય પરથી બીજા વિષય પર દોડ્યા કરે છે.

પ્રશ્ન એ થાય છે કે શરીર જે કંઈ કરે છે, એનો કરનાર કોણ છે? એનો સંચાલક કોણ છે? શું એ શરીર પોતે જ છે કે મન છે કે પછી ઈંદ્રિયો છે? એનો જવાબ એ છે કે, શરીર, મન અને ઈંદ્રિયો સાથે જોડાયેલો એ આત્મા જ કર્તાહર્તા છે. એ જ એનો સંચાલક છે. આવો આત્મા ‘જીવ’ તરીકે ઓળખાય છે. એને વ્યષ્ટિ ચૈતન્ય પણ કહેવામાં આવે છે. સાચો આત્મા તો પરમાત્મા છે અને એ તો પરમચૈતન્ય – વિશુદ્ધ ચૈતન્ય છે. આ પરમાત્મા માયાના પ્રભાવમાં વિવિધ ગુણો-લક્ષણોને ધારણ કરે છે અને વ્યષ્ટિ ચૈતન્ય બને છે. આત્મસંયમથી આવાં લક્ષણોને દૂર કરી શકાય છે મન જ આવાં ગુણ – લક્ષણોને ઉત્પન્ન કરે છે અને વળી મન જ એનો નાશ કરે છે. જો આ મનને બરાબર રીતે તાલીમ આપવામાં આવે, તો આ સમષ્ટિ ચૈતન્ય – પરમાત્મા અને વ્યષ્ટિ ચૈતન્ય જીવ – વચ્ચેના ભાગલા પાડતો ભ્રમ હટી જાય એટલે મન જ મનુષ્યનાં બંધન અને મોક્ષ માટે જવાબદાર છે.

यस्त्वविज्ञानवान्भ-
वत्ययुक्तेन मनसा सदा ।
तस्येन्द्रियाण्यवश्यानि
दुष्टाश्वा इव सारथेः ॥ ५ ॥

यः तु, જે બુદ્ધિરૂપી સારથિ; अयुक्तेन मनसा, વશમાં ન રહેલા મન સાથે જોડાયેલો; सदा, હંમેશાં; अविज्ञानवान्, વિવેકશક્તિ વગરનો; भवति, હોય છે; सारथेः दुष्टा अश्वाः इव, સારથિના તોફાની ઘોડાઓની પેઠે (તોફાની ઘોડાઓને શાંત પાડવાનું કરતા સારથિના ઘોડાઓની પેઠે); तस्य इन्द्रियाणि अवश्यानि, તેની ઇંદ્રિયો કાબૂમાં રહેતી નથી.

જો બુદ્ધિરૂપી સારથિ સારાનરસાનો વિવેક કરવાની શક્તિ ન ધરાવતો હોય અને વશમાં ન રહે એવા મન સાથે જોડાયેલ હોય, તો એ તો કાબૂમાં ન રહે તેવા તોફાની ઘોડાઓ સાથે પનારો પાડનારા સારથિ જેવો છે. (૫)

જો મનુષ્ય સારા અને નરસામાંથી સારું તારવી શકવાની શક્તિ ન ધરાવતો હોય તો એ પોતાના આવેગોની દયા ઉપર જ જીવી રહ્યો છે. ત્યારે એ એવાં કામ કરી બેસે છે કે જે એણે ન કરવાં જોઈએ. જે વસ્તુઓ દેખીતી રીતે જ ખોટી છે અને એને નુકસાન કરી બેસે એના કરતાં ન કરવી જ વધારે સારી છે, એવી વસ્તુઓ એ કરી બેસે છે. એમાંય સૌથી વધારે જો એનું મન કાબૂમાં નહિ હોય તો તો એનાં દુ:ખનો કાંઈ પાર નહિ રહે. તો તો એ પોતે જ મૂર્ખ અને અજ્ઞાની સારથિ સમાન બનશે. અને વધારામાં એને પેલા તોફાની અને કાબૂમાં ન આવી શકે તેવા ઘોડાઓ સાથે પનારો પાડવો પડશે.

અહીં ઈંદ્રિયોના સંયમ ઉપર તેમજ સારાસારના વિવેકની મનુષ્યની ક્ષમતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આ બન્ને જો તમે ન કરી શકો તો તમને ધિક્કાર છે.

यस्तु विज्ञानवान्भवति
युक्तेन मनसा सदा ।
तस्येन्द्रियाणि वश्यानि
सदश्वा इव सारथेः ॥ ६ ॥

यः तु, પરંતુ જેનો બુદ્ધિરૂપી સારથિ; सदा, હંમેશાં; युक्तेन मनसा, સંયમમાં રાખેલા મન સાથે જોડાયેલો; विज्ञानवान् भवति, વિવેકશીલ બને છે; तस्य इन्द्रियाणि, તેની ઇંદ્રિયો; वश्यानि, કાબૂમાં રહેલી હોય છે; सारथेः सदश्वा इव, સારથિના (રથ હાંકવા માટે) સારા ઘોડાઓની પેઠે.

જો મનુષ્યમાં વિવેકશીલ બુદ્ધિ હોય અને એવી બુદ્ધિ એના કાબૂમાં રહેલા મનની સાથે જોડાયેલી હોય તો એ મનુષ્ય એવા સારથિ જેવો છે કે જેની પાસે રથ હાંકવા માટે તાલીમ પામેલા સારા ઘોડા હોય. (૬)

આધ્યાત્મિક પ્રગતિ માટે મનનો સંયમ એ ગુરુચાવી છે. સૌથી પહેલાં તો તમારામાં સારી અને વિવેકશીલ બુદ્ધિ હોવી જોઈએ. એના પછીની વાત એ છે કે તમારું મન એવું હોવું જોઈએ કે જે હંમેશાં તમારા વશમાં જ રહેતું હોય. જ્યારે વિવેકશીલ બુદ્ધિ, વશમાં રહેલા મન સાથે જોડાઈને કામ કરે છે, ત્યારે તમે ખૂબ પ્રસન્ન થાઓ છો. ત્યારે તમે જાણે એવા સારથિ જેવા બનો છો કે જેની પાસે રથ હાંકવા માટે સારા જાતવાન અને તાલીમ પામેલા ઘોડાઓ સેવામાં હોય. તમારું મન અને તમારી ઈંદ્રિયો ત્યારે તમને ક્યારેય અવળે રસ્તે દોરી જશે નહિ. અને આત્મજ્ઞાન તરફની તમારી પ્રગતિ સુનિશ્ચિત બની જાય છે. અને જો તમે એકવાર આત્મજ્ઞાન મેળવી લીધું હોય, તો પછી વધારે વખત સુધી તમે આ દુનિયાની લોભલાલચોના ભોગ બનશો નહિ – પછી તો તમે એક આદર્શ માનવ બની જશો.

Total Views: 44

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.