દુર્ગાભાવમાં શ્રીરામકૃષ્ણ

સ્વામી શારદાનંદે એકવાર નીચેની ઘટના વર્ણવી: ‘એક દિવસ ઠાકુર પંચવટીમાં બેઠા હતા. તે સમયે ગંગામાંથી મા દુર્ગા પ્રગટ થયાં. ઠાકુર તરફ આવ્યાં અને એમના દેહમાં સમાઈ ગયાં. ઠાકુરે પછીથી હૃદયને કહ્યું કે : ‘મા દુર્ગા આવ્યાં હતાં. જો, એમનાં પગલાં હજી ભૂમિ પર છે.’

નીલકમળ પર બેઠેલાં દુર્ગાના ઠાકુરનાં દર્શનની વાત રામલાલે કહી છે : ‘એકવાર કેશવ સેન સાથે સ્ટીમરમાં બેસી ઠાકુર કોલકાતાનો ઈડન ગાર્ડન જોવા ગયા. ત્યાં એક પુકુરમાં એમણે અનેક નીલકમળ જોયાં. એક મોટા કમળ ઉપર એમણે મા દુર્ગાને બેઠેલાં જોયાં. એમના ખોળામાં ગણેશ હતા. કમળ ધીમે ધીમે હલતું હતું. એ દર્શન થતાં ઠાકુર સમાધિમાં સરી પડ્યા.’

દર વરસે દુર્ગાપૂજાને સમયે, પોતાને જાનબજારને ઘેર મથુર ઠાકુરને નિમંત્રણ આપતા. મથુર અને એનાં કુટુંબીઓ સાથે ઠાકુર એ દિવસો આનંદથી પસાર કરતા. એક વેળા દેવીને પૂજારી પ્રસાદ ધરાવતો હતો ત્યારે ઠાકુર ત્યાં હતા. ત્યારે એક અજબ ઘટના બની. અક્ષય સેને લખ્યું છે કે : ‘પૂજારી પ્રસાદ ધરાવતા હતા ત્યારે, એ પ્રસાદપોતાના હાથમાં લઈ ઠાકુર આરોગવા લાગ્યા. પૂજારી આભો બની ગયો. તરત જ મથુરે પૂજારીને અને બીજા લોકોને કહ્યું કે : ‘મા દુર્ગાની મારી પૂજા ફળી છે તે હું હવે સમજી શકું છું કારણ, ઠાકુરે એ પ્રસાદ ગ્રહણ કર્યો છે.’

ઠાકુરે મથુર ઉપર ગુરુ તરીકે કૃપા વરસાવી હતી. એક વર્ષે દુર્ગાપૂજાને છેલ્લે દહાડે મથુરે ઠાકુરને કહ્યું: ‘બાબા બીજાઓ ગમે તે કહે, માની મૂર્તિને હું ગંગામાં પધરાવા નહીં દઉં. પૂજા રોજ ચાલુ રહે તેવો હુંકાર મેં કર્યો છે. મા વિના આ સંસારમાં હું કેવી રીતે રહી શકું?’

ઠાકુરે મથુરની છાતી પર હાથ પસવાર્યો અને કહ્યું કે: ‘અરે! તમને આ બાબતનો ડર છે? તમારે મા વિના રહેવાનું છે એમ કોણ કહે છે? અને તમે આ મૂર્તિને ગંગામાં પધરાવશો તો પણ, મા ક્યાં જવાનાં 

છે? મા શું પોતાના પુત્રથી દૂર રહી શકે? પૂજા મંડપમાં છેલ્લા ત્રણ દિવસથી માએ તમારી પૂજા ગ્રહણ કરી છે પણ હવેથી, તમારે હૈયે વસીને તેઓ તમારી પૂજા ગ્રહણ કરશે.’ અને મથુર શાંત થઈ ગયા.

હૃદયે સિહડમાં એકવાર દુર્ગાપૂજા કરી પણ ઠાકુર ત્યાં જઈ શક્યા ન હતા. ત્યાં આરતી વેળા અને સંધિકાળે દુર્ગાની મૂર્તિની બાજુમાં હૃદયને ઠાકુર દેખાયા હતા. પછીથી એ દક્ષિણેશ્વર આવ્યો ત્યારે એણે ઠાકુરને પોતાનાં દર્શનની વાત કરી. ઠાકુર કહે : ‘આરતી અને સંધિપૂજા વખતે તારી પૂજા જોવાની મને ખૂબ ઉત્કંઠા થતી હતી એ સાચું છે. મને સમાધિભાવમાં લાગતું કે પ્રકાશના દેહ રૂપે હું જ્યોતિપથ પર જતો અને તારા પૂજામંડપમાં પ્રવેશતો.’

કેન્સરની સારવાર હેઠળ શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરમાં હતા ત્યારે, સૂક્ષ્મ દેહ ધારણ કરીને તેઓ સુરેન્દ્ર મિત્રને ઘેર દુર્ગાપૂજા જોવા ગયા હતા. ‘અહીંથી સુરેન્દ્રના ઘર સુધી જ્યોતિર્મય પથ ખૂલી ગયો; મૂર્તિમાં મને માતાજીનાં દર્શન થતાં. સુરેન્દ્રની ભક્તિએ એમને આહ્‌વાન આપ્યું હતું. એ મૂર્તિના ત્રીજા નેત્રમાંથી એક કિરણ પ્રગટ થતું! પૂજાઘરમાં અનેક દીવાઓ પ્રકાશતા હતા. આંગણામાં કરુણાપૂર્ણ સ્વરે સુરેન્દ્ર રુદન કરતો હતો. ‘મા, ઓ મા!’ શ્યામપુકુરમાં પોતાના ઓરડામાં પોતાની સામે બેઠેલા ભક્તોને શ્રીઠાકુરે કહ્યું : ‘તમે સૌ અત્યારે જ ત્યાં જાઓ. તમને જોઈને એનું મન શાંત થશે.’

નરેન્દ્ર અને બીજા ભક્તોએ ઠાકુરને પ્રણામ કર્યા અને સુરેન્દ્રના ઘરની વાટ પકડી. ઠાકુરે સમાધિમાં જોયું હતું તે સાચું છે એમ સુરેન્દ્રને પૂછીને ભક્તોએ જાણ્યું. સુરેન્દ્રને આશિષ આપવા માટે ઠાકુર ખરે જ ત્યાં જ્યોતિરૂપે ગયા હતા.

કુંડલિની શક્તિ તરીકે શ્રીરામકૃષ્ણ

પોતે બાવીસ-ત્રેવીસ વર્ષના હતા ત્યારે શ્રીરામકૃષ્ણ દિવ્યભાવમાં સ્થાપિત થયા હતા. કુંડલિનીનાં ષટ્‌ચક્રોની પાર તેઓ કેવી રીતે ગયા હતા તે એમણે પછીથી પોતાના ભક્તોને કહ્યું હતું :

માણસની કુંડલિની જાગ્રત ન થાય ત્યાં સુધી તેની આધ્યાત્મિક ચેતના જાગતી નથી. કુંડલિની મૂલાધારમાં રહે છે. એ જાગે ત્યારે સુષુમ્ણા નાડી વાટે, સ્વાધિષ્ઠાન, મણિપુર વગેરે ચક્રોમાંથી પસાર થઈ આખરે એ મસ્તકે પહોંચે છે. એને મહાવાયુની ગતિ કહેવાય છે. એ સમાધિમાં પરિણમે છે.

માત્ર પુસ્તકો વાંચ્યેથી આધ્યાત્મિક ચેતના જાગતી નથી. આપણે પ્રભુને પ્રાર્થના પણ કરવી જોઈએ. સાધક ઈશ્વરને માટે ઉત્કટતા અનુભવે તો જ કુંડલિની જાગ્રત થાય. માત્ર થોથાં વાંચીને અને સાંભળીને જ્ઞાનની વાત કરવી! એથી શું સધાય?

મેં આ દશા પ્રાપ્ત કરી તેની પહેલાં જ, કુંડલિની કેવી રીતે જાગે તેનું દર્શન મને થયું હતું; જુદાં જુદાં કેન્દ્રોનાં કમળ કેમ ખીલે અને આ સઘળું સમાધિમાં કેમ પરિણમે તે સર્વનું મને દર્શન થયું હતું. આ ગૂઢ અનુભૂતિ છે. મને મળતા આવતા ૨૨-૨૩ વર્ષના જુવાનને સુષુમ્ણા નાડીમાં પ્રવેશતાં, બધાં પદ્‌મો સાથે સંપર્ક સાધતાં અને તેમને પોતાની જીભ વડે સ્પર્શ કરતો મેં જોયો હતો. ગુદા પાસેથી આરંભી, કામેન્દ્રિયમાંથી પસાર થઈ, નાભિ અને બીજાં કેન્દ્રોમાંથી એ પસાર થયો હતો. ચાર દલનાં, છ દલનાં, દસ દલનાં એમ, વિવિધ પદ્‌મો નીચે ઢળેલ હતાં તે એના સ્પર્શથી પ્રસ્ફૂટિત થઈ ઉઠ્યાં.

મને બરાબર યાદ છે કે એ હૃદય પાસે પહોંચ્યો અને ત્યાંના પદ્‌મ સાથે વિનિમય કરી, પોતાની જીભથી એ દ્વાદશદલ પદ્‌મને સ્પર્શ્યો ત્યારે, એ ઢળેલું પદ્‌મ ટટ્ટાર થઈ ગયું અને એની પાંખડીઓ ખીલી ઊઠી. પછી એ કંઠમાંના ષોડશદલ પદ્‌મ પાસે અને કપાળમાંના દ્વિદલ પદ્‌મ પાસે આવ્યો ને અંતે, મસ્તકમાંનું સહસ્રદલ પદ્‌મ વિકસ્યું. ત્યારથી હું આ દશામાં છું.

કુંડલિની શક્તિને ઠાકુર ‘ચૈતન્ય વાયુ’ કહેતા; એને તેઓ ‘મહાવાયુ’, ‘સર્પ’ અને ‘મા’ પણ કહેતા. આ શક્તિ ઠાકુરમાં સદા જાગ્રત હતી. કોઈકવાર ગીત ગાઈને પોતાના ભક્તોમાં તેઓ આ શક્તિ જગાડતા. સ્વામી શારદાનંદે લખ્યું છે કે :

એકવાર શ્રીઠાકુર દક્ષિણેશ્વરમાં જગન્માતાને પગે લાગ્યા. પછી, ભાવાવેશમાં પોતાના યુવાન શિષ્ય સાથે તેઓ નટમંદિર તરફ ગયા. ત્યાં બેસીને તેઓ પોતાના મધુર અવાજે ગાવા લાગ્યા :

હે મા, શિવસંગિની, તેં જગતને ઠગ્યું છે.

મૂલાધારના મહાપદ્‌મમાં વીણા વગાડી તું મનને આનંદિત કરે છે.

ત્રણ ગુણોનું રૂપ ધારણ કરીને, ત્રણ સપ્તકને વીંધી તમારું સંગીત વાગી રહ્યું છે.

દેહરૂપી વાદ્યના, સુષુમ્ણા, ઈડા અને પિંગળાના ત્રણ તારને તમારું સંગીત વગાડી રહ્યું છે.

કુંડલિનીનાં છ કેન્દ્રોમાં તમે ગાન, તાલ અને ભાવ સાથે ક્રીડા કરી રહ્યાં છો : ભૈરવ રાગ મૂલાધારમાં છે, વસંત રાગ અનાહતમાં છે, હિંડોળ વિશુદ્ધમાં છે અને કર્ણાટકી રાગ આજ્ઞાચક્રમાં છે.

અને વળી, અરે મા, ત્રણ સપ્તકોની પાર જઈને તમે ધ્વનિથી પાર ચાલ્યાં જાઓ છો.

હે મા, બ્રહ્મના મુખને આચ્છાદિત કરતા તમારા ત્રણ ગુણોના અવગુંઠનને તમે દૂર ન કરો ત્યાં સુધી માનવી પરમ સત્યનો સાક્ષાત્કાર કરી શકે નહીં એમ નંદકુમાર કહે છે.

દેવીની સામે, નટમંદિરના ઓતરાદા ભાગમાં બેસીને ઠાકુર ગાતા હતા. ગાતાં ગાતાં ઠાકુર અચાનક ઊભા થઈ ગયા અને સમાધિમાં સરી પડ્યા. ગાન અટકી ગયું. એમના મુખ પરના દિવ્ય સ્મિતે ત્યાં સર્વત્ર આનંદનું પૂર વહાવ્યું. ઠાકુરના સુંદર સ્વરૂપને નીરખતા ભક્તો અવાક્‌ બની ગયા. આ દશામાં નટમંદિરની ઓતરાદી બાજુએથી ઠાકુર લથડતાં લથડતાં પગથિયાં ઊતર્યા.

ચોક ઓળંગીને ઠાકુર પોતાને ઓરડે ગયા અને પશ્ચિમની અર્ધગોળાકાર પરસાળમાં જઈને બેઠા. હજી તેઓ ભાવાવસ્થામાં હતા; ભાવે એમને પકડી લીધા હતા. કોઈવાર એ ઓછો થતો પણ, ફરી પાછો એ વધી જતો અને તેઓ લગભગ ભાન ગુમાવી બેસતા. આ ભાવમાં કેટલોક સમય રહ્યા પછી, એ જ ભાવાવસ્થામાં એમણે ભક્તોને કહ્યું કે : ‘તમે સર્પને જોયો છે? એ મને પીડ્યા કરે છે!’ ભક્તોને ભૂલી જઈને, સર્પ જેવી કુંડલિનીને એમણે કહ્યું : ‘હવે જતી રહે. મારે તંબાકુ પીવી છે અને મોં ધોવું છે. મેં મારા દાંત પણ હજી સાફ નથી કર્યા.’ આમ તેઓ ભક્તોની સાથે વાતો કરતા અને કોઈવાર, ભાવાવસ્થામાં જોયેલા દિવ્યરૂપની સાથે બોલતા હતા. ધીમે ધીમે તેઓ સામાન્ય દશામાં આવ્યા.

કુંડલિની જાગે ત્યારે, ઠાકુરનો દેહ વૃદ્ધિ પામતો. કોઈવાર તેઓ ભૂખથી ખૂબ અધીરા બની જતા. એકવાર, દક્ષિણેશ્વરમાં મધરાતે એમણે રામલાલ પાસે ખાવાનું માગ્યું. સ્વામી શારદાનંદ લખે છે કે :

ઠાકુરના ઓરડામાં થોડાં ફળ અને મીઠાઈ રહેતાં પણ, રામલાલે તપાસ કરી તો તે દિવસે કશુંય ના મળ્યું. એટલે નોબતખાને જઈ એણે પૂ. શ્રીમાને તથા અન્ય ભક્તોને વાકેફ કર્યાં. ઘાસ અને લાકડાંનો અગ્નિ પેટાવી એમણે તરત બે રતલ જેટલી રવાની ખીર તૈયાર કરી. સ્ત્રીભક્ત ગોલાપમા પત્થરના મોટા વાસણમાં એ લઈ ગયાં. ઓરડામાં દાખલ થતાં ખૂણામાં તેલનો ઝાંખો દીવો બળતો એમણે જોયો. ભાવમાં આવીને ઠાકુર આંટા મારી રહ્યા હતા અને રામલાલ બાજુમાં બેઠા હતા. એ શાંત અને ગંભીર રાત્રિમાં ઠાકુરની ગંભીર અને દેદીપ્યમાન મુખમુદ્રાને અને એમના નિર્વસ્ત્ર ઈશ્વરમસ્ત દેહને જોઈને તેઓ ઘા ખાઈ ગયાં. જેમની સામે અખિલ વિશ્વ સમાધિમાં લય પામતું અને પુન: પ્રગટતું. એમનાં વિશાળ નેત્રો ભીતરમાં મંડાયેલાં હતાં. આનંદસભર અને નિર્હેતુક ચાલતા ઠાકુરને નિહાળીને ગોલાપમાનું હૈયું આનંદથી છલકાવા લાગ્યું; ઠાકુર એકચિત્ત હતા. જાણે ઠાકુર આ ધરતી પરના ના હોય એમ એમનો દેહ ગોલાપમાને ક્યાંય મોટો લાગતો હતો! આ પીડાભર્યા જગતમાં, કોઈ દેવે સ્વર્ગેથી આવી માનવદેહ ધારણ ન કર્યો હોય! પોતાના કરુણ હૃદયથી પ્રેરાઈને, એ અંધારી રાતે, આ દુ:ખ ઘેર્યા જગતનું દિવ્યધામમાં પરિવર્તન કરવા માટે એમણે પોતાની જાતને ઢાંકી દીધી હતી. પોતે હંમેશ જોતાં એ ઠાકુર આ ન હતા. ઠાકુર સમીપ જતાં એ અકથ્ય ધ્રુજારી અનુભવવા લાગ્યાં.

રામલાલે ઠાકુર માટે આસન આણ્યું હતું અને ગોલાપમાએ તેની આગળ રવાની ખીરનું પાત્ર મૂક્યું. ઠાકુર ત્યાં બેઠા અને બાહ્ય ભાનમાં આવી જઈને તેઓ બધી ખીર ખાઈ ગયા.

ગોલાપમાએ પાછળથી પોતાના અનુભવનું વર્ણન કર્યું છે : ‘મેં એકવાર જોયું કે ઠાકુર ખાતા હતા ત્યારે, એમના ગળામાંથી એક સર્પ બધું ઓહિયાં કરી જતો હતો. ઠાકુરે મને પૂછ્યું કે : ‘હું ખાઉં છું કે બીજું કોઈ ખાય છે એ મને કહેશો?’ ‘આપના ગળામાં એક સર્પ બેઠો છે અને એ બધું ખાઈ જાય છે એમ મને લાગે છે’, મેં કહ્યું. રાજી થઈ તેઓ બોલ્યા : ‘તમે સાચાં છો. એ જોવા બદલ તમે ભાગ્યશાળી છો.’ સર્પરૂપી કુંડલિનીને ઠાકુર ખવરાવતા હતા તે મેં પ્રત્યક્ષ જોયું.’

ઠાકુરના ગળામાંની સર્પરૂપી કુંડલિનીને ખોરાક લેતી નિસ્તારિણી ઘોષે પણ જોઈ હતી. જે બન્યું હતું તેનું વર્ણન એના પુત્ર સ્વામી અંબિકાનંદે પછીથી કર્યું હતું : ‘કોલકાતાને અમારે ઘેર ઠાકુર આવ્યા ત્યારે એમને કંઈ ખવરાવવા માટે મારી મા એમને અંદરને ઓરડે લઈ ગયાં. ઠાકુરને સંદેશ ખૂબ પ્રિય હતા એટલે ઉત્તમ સંદેશ ખરીદી આણવામાં આવ્યા હતા. ઠાકુર બેઠા અને એમની સામે હાથ જોડીને મારી મા બેઠાં. ઠાકુરે પૂછ્યું : ‘બોલ, તારે શું જોઈએ છે? તારે હાથે તારે મને ખવરાવવું છે? ભલે, તેમ કર.’ એમણે મોઢું ખોલ્યું અને મારાં માએ એમાં સંદેશ મૂક્યો ને જોયું કે એ સંદેશ બીજું કોઈ ખાઈ ગયું હતું. આથી મા ગભરાઈ ગઈ. પોતે નાસ્તો કર્યા પછી ઠાકુરે માને પ્રસાદ લેવા કહ્યું. અતિથિઓની હાજરીમાં યજમાન ખાય એવો રિવાજ નથી. મારી મા અચકાઈ તો ઠાકુરે એને આગ્રહ કર્યો એટલે માએ થોડો પ્રસાદ લીધો અને બાકીનો પ્રસાદ નીચે મોકલાવ્યો. ભક્તો બધો પ્રસાદ ખાઈ ગયા. ‘એટલા માટે તો મેં તને પહેલાં પ્રસાદ લેવા કહ્યું હતું’, એમ ઠાકુર બોલ્યા.’

સ્વામી વિજ્ઞાનાનંદ ઠાકુરને બીજીવાર બેલઘરિયામાં મળ્યા હતા તેનું વર્ણન તેમણે કરેલું છે :

એક જુવાન (નરેન્દ્ર) ભજન ગાતો હતો – ‘જય જય દયામય, જય જય દયામય.’ એ વૃંદની મધ્યમાં શ્રીરામકૃષ્ણ ઊભા હતા અને તેઓ પડી ન જાય તે માટે બીજા એક યુવાને (બાબુરામે) તેમને ઝાલી રાખ્યા હતા. પોતાની આસપાસના પરિસરનું જરી પણ ભાન ઠાકુરને ન હતું. એમણે સફેદ વસ્ત્ર પહેર્યું હતું અને એમને હોઠે હાસ્ય રમતું હતું. એમનું મુખમંડલ તેજોમય હતું. એમના દાંત દેખાતા હતા અને, એમના મુખ પર એવી તો પ્રસન્નતા છવાઈ હતી કે, એ તરબૂચના ફાડની જેમ તૂટી જશે એમ લાગતું હતું? એમનાં નેત્ર કશુંક તાકી રહ્યાં હતાં અને તેઓ આનંદસાગરમાં ડૂબેલા દેખાતા હતા. બીજી જે વસ્તુ મને સ્પર્શી ગઈ તે કાયમને માટે મારી સ્મૃતિમાં અંક્તિ થઈ ગઈ છે. ઠાકુરની કરોડરજ્જુ એના મૂળથી માંડીને ઠેઠ મસ્તક સુધી ધીંગા રાંઢવા જેવી સૂજી ગઈ હતી. અને મસ્તક તરફ જતી જે શક્તિ ઉપર ચડી રહી હતી તે સર્પની માફક પોતાની ફેણ પસરાવતી અને આનંદથી પોતાનું મસ્તક ડોલાવતી જણાતી હતી.

Total Views: 51

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.