ઝંડુભટ્ટજીનો દિવસ સવારે ૪ વાગ્યે આરંભાતો. સ્નાન અને પૂજાપાઠ કર્યા પછી ભટ્ટજી પોતાને ઓરડે પ્રવેશતા. એટલી વહેલી સવારથી – સાત સાડા સાત વાગ્યેથી – દર્દીઓ આવતા. એ સૌ દવા લેતા અને ભટ્ટજીને ત્યાં ચા પણ પીતા. અનેક દર્દીઓ પાસેથી ભટ્ટજી દવાના પૈસા લેતા નહીં. એંશી રૂપિયે તોલો કિંમતની દવા પણ તેઓ પૈસા લીધા વિના આપતા.

નવ વાગ્યે તેઓ પોતાના ટાંગામાં બેસી જે દર્દીઓને ઘેર જોવા જવાના હોય તેમને ત્યાં જતા. આના અનુસંધાને સ્વામી અખંડાનંદે ભટ્ટજીની સિદ્ધાંત-નિષ્ઠાનો અને નિ:સ્પૃહતાનો એક મજાનો દાખલો આપ્યો. પોતાના સિગરામમાં બેસીને જામનગરથી ભટ્ટજી વઢવાણના ઠાકોર સાહેબે બોલાવ્યા હોવાથી વઢવાણ ગયા હતા. બાસઠ-ત્રેસઠ ગાઉનું – ૨૦૦ કિલોમિટરનું – એ અંતર કાપી, ભટ્ટજી ત્યાં થોડા દિવસ રોકાયા પણ હતા. પણ એમની કશી કારી ફાવી નહીં અને ઠાકોર સાહેબની તબિયત વધારે ખરાબ થતી ચાલી. જામનગરથી આવવાની આટલી તકલીફ ઉઠાવી, સિગરામમાં બેસી ભટ્ટજી આવ્યા અને આટલા દહાડા પોતાનો કામ ધંધો ખોટી કરી તેઓ ઠાકોર સાહેબ પાસે વઢવાણ રોકાયા તે બદલ, ઠાકોર સાહેબે એમને એક હજાર રૂપિયા ભરેલી થેલી ધરી અને કહ્યું કે ‘આ આપની ફી નથી પણ આપે મને જે મોંઘી દવાઓ આપી તેની કીમત છે. મારો રોગ જ અસાધ્ય છે. આપ શું કરી શકો?’ પણ ભટ્ટજીની આંખો આંસુથી ઉભરાઈ. એ બોલ્યા : ‘મારી દવાથી આપને કશો ફાયદો થયો નથી પછી મારાથી એક પૈસો પણ ન લેવાય.’ અને એકપણ પૈસો લીધા વિના ગાઠનું ગોપીચંદન કરીને ભટ્ટજી જામનગર પાછા ફર્યા. સ્વામી અખંડાનંદે જણાવ્યું છે કે એ સમયે ભટ્ટજી ઉપર એક લાખ રૂપિયાનું કરજ હતું. જામ વિભાએ પણ એમના કરજની જવાબદારી ઉપાડવા ભટ્ટજીને કહ્યું હતું પણ ભટ્ટજીએ એ સૂચનનો પણ સાદર અસ્વીકાર જ કર્યો હતો. એવી સિદ્ધાંત નિષ્ઠા.

ભટ્ટજીના આંગણામાં ઉટકવાનાં પડેલાં વાસણોમાંથી એક બ્રાહ્મણને એક પ્યાલો ઉપાડતાં ભટ્ટજીએ જોયો. એમણે એ બ્રાહ્મણને પોતાની પાસે બોલાવ્યો અને તેને નવાં થાળી-વાટકો અને નવો પ્યાલો ભેટમાં આપ્યાં અને એ બ્રાહ્મણને કહ્યું: ‘તમને વાસણની તંગી હશે એટલે જ તમે ગંદો પ્યાલો ઉપાડ્યો હશે ને? આ વાસણો તમે લઈ જાઓ.’ પેલા બ્રાહ્મણનું જીવન પલટાઈ ગયું.

આખે શરીરે ધાધરથી સડી ગયેલા કોઈ ગરીબ દર્દીને ભટ્ટજીએ પોતાની પથારીમાં જ થોડા દિવસો સૂવાડતાં અખંડાનંદજીએ ભટ્ટજીને જોયા હતા. છાણ વીણતી બાઈનો છાણનો સૂંડલો એ બાઈને મસ્તકે ચડાવતાં પણ ભટ્ટજીને સંકોચ ન હતો. આ સર્વનું કારણ એમનો આદર્શ હતો. ભટ્ટજી પળવાર પણ નવરા પડે ત્યારે સતત નીચેના શ્લોકો ગણગણતા :

ન ત્વહં કામયે રાજ્યં ન સ્વર્ગં ના પુનર્ભવમ્‌ ।
કામયે દુ:ખતપ્તાનાં પ્રાણિનામાર્તિનાશનમ્‌ ॥

‘રાજ્યની, સ્વર્ગની કે પુનર્જન્મની કામના નથી; દુ:ખથી પીડિત પ્રાણીઓની પીડા દૂર કરવાની જ કામના છે.’

કો નુ સષ્યાત્‌ ઉપયોઽત્ર યેનાહં સર્વદેહિનામ્‌ ।
અંત: પ્રવિશ્ય સતતં ભવેયં દુ:ખ ભાગ ભાક્‌ ॥

‘બીજાઓના દેહમાં દાખલ થઈ એમની પીડા હું વહોરું એવો કોઈ માર્ગ છે?’

ભટ્ટજીનો આ જીવનમંત્ર હતો અને તે અનુસારનું એમનું આચરણ હતું. ઠાકુરે આપેલ ‘શિવજ્ઞાને જીવસેવા’ના મહાન મંત્રને ભટ્ટજી અજાણતા પ્રત્યક્ષ વ્યવહારમાં મૂકી રહ્યા હતા તે ચકોર સ્વામી અખંડાનંદજી તરત જ જોઈ શક્યા. એટલે તો એમણે લખ્યું છે કે ‘સેવાવ્રતનાં મૂળ જામનગરમાં ફૂટ્યાં હતાં.’

શ્રીરામકૃષ્ણદેવે દક્ષિણેશ્વરમાં નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ), ગંગાધર (સ્વામી અખંડાનંદ) વગેરે યુવાન શિષ્યોમાં ‘શિવભાવે જીવસેવા’નાં બીજ વાવ્યાં હતાં. નરેન્દ્રનાથે કહ્યું હતું કે ‘જો સમય અને સામર્થ્ય પ્રાપ્ત થશે તો આ મહાન દિવ્ય વિચારધારાને જગતમાં પ્રસરાવીશ.’ અને ખરેખર વિદેશથી સ્વામી વિવેકાનંદ સ્વામી અખંડાનંદને પત્રો દ્વારા આ સેવાવ્રતની દિવ્ય પ્રેરણાઓ આપતા રહ્યા. આમ સ્વામી વિવેકાનંદની પ્રેરણા અને ઝંડુભટ્ટમાં પ્રસ્ફૂટિત થયેલ સેવાવ્રતના મૂર્તસ્વરૂપનાં દર્શન કરી સ્વામી અખંડાનંદમાં પણ સેવાવ્રતનાં બીજ વવાયાં અને તેનો છોડ રૂપે વિકાસ થવા લાગ્યો.

જામનગર છોડી ફરતાં ફરતાં તેઓ રાજસ્થાનના જયપુરની પાસે આવેલા દેશી રાજ્ય ખેતડીમાં ગયા હતા અને ત્યાં એમણે શિક્ષણને લગતું સેવાકાર્ય કર્યું હતું. ખેતડીના રાજાના ગોલાઓના દીકરાઓ માટે ભણવાનો પ્રબંધ અખંડાનંદે કર્યો હતો. તેમજ ત્યાં સંસ્કૃત શિક્ષણ માટે પણ વ્યવસ્થા તેમણે કરી હતી.

ફેબ્રુઆરી ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદ સાત વર્ષે પાછા કોલકાતે આવ્યા હતા. શિકાગોની વિશ્વ ધર્મ પરિષદે સ્વામીજીને જગપ્રસિદ્ધ બનાવી દીધા હતા. ત્યાં આવી સ્વસ્થ થયા પછી પહેલું કાર્ય સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મઠને વ્યવસ્થિત સ્વરૂપ આપવાનું તથા રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવાનું કર્યું હતું. પોતાની નાદુરસ્ત તબિયતને કારણે સ્વામીજી દાર્જિલિંગ ગયા હતા. એમણે પોતાના નાના ભાઈ ગંગા (સ્વામી અખંડાનંદ)ને પોતાની સાથે આવવા કહ્યું હતું પણ આ ‘ગંગા’નો પ્રવાહ ઉત્તરે દાર્જિલિંગ તરફ નહીં વળ્યો. તેઓ ગયા બંગાળની જૂની નવાબી રાજધાની મુર્શિદાબાદ અને રોબર્ટ ક્લાઈવે દગાથી બંગાળના તે કાળના નવાબને જે રણમેદાન પર હરાવ્યો હતો તે પ્લાસીની રણભૂમિ તરફ. રેલગાડીના કે નાવના પ્રવાસ પેટે ખર્ચ થાય તે હેતુથી પોતાની પાસે બે રૂપિયા લઈ નીકળેલા સ્વામી અખંડાનંદ ત્યાં આવેલા દાદપુર નામના ગામે મોડી રાતે પહોંચ્યા. મોડું થઈ ગયું હતું એટલે એક દુકાનને ઓટલે જ એમણે રાત પસાર કરી. બીજી સવારે તેઓ સ્વસ્થ થયા અને દિવસ ઉગ્યા પછી નદીમાં નાહીને પાછા વળતા હતા ત્યારે તેરચૌદ વર્ષની એક મુસલમાન છોકરીને તેમણે રડતી ઊભેલી જોઈ. સ્વામી અખંડાનંદજીએ પૂછતાછ કરતાં એ છોકરીએ કહ્યું કે ‘અહીં આકરો દુકાળ છે. અમે ત્રણ દિવસથી સરખું ખાવા પામ્યાં નથી, અમારા ઘરમાં પાણી લાવવા અને સંઘરવા માટે આ એક જ ઘડો હતો તે મારા હાથમાંથી છટકી નીચે પડી ફૂટી ગયો છે, હવે ઘેર જઈશ તો મારી મા મને મારી નાખશે.’ એ છોકરીના દિદાર તથા એની પાસે પડેલા માટલીના ટુકડા જોઈ સ્વામી અખંડાનંદજીને એની વાત સાચી લાગી. કોલકાતા છોડતી વખતે પોતે લીધેલા બે રૂપિયામાંથી રેલગાડી, નૌકા વગેરેનો ખર્ચ થયા પછી સ્વામી અખંડાનંદજી પાસે ચાર આના – આજના પચ્ચીસ પૈસા – બચ્યા હતા. એ રકમમાંથી તેઓ બે પૈસાનો ઘડો લઈ આવ્યા અને બે પૈસાનું કંઈ ધાણીમમરા જેવું ખાવાનું લઈ આપ્યું. એ છોકરી રાજી થઈ ગઈ.

સ્વામી અખંડાનંદનું આ ઉદાર કૃત્ય નિહાળતા અર્ધનાગા અને અર્ધભૂખ્યા ત્રણચાર છોકરાઓ ત્યાં દોડી આવ્યા અને પોતાનાં ખાલી પેટ તેમણે સ્વામી સમક્ષ ખૂલ્લાં કર્યાં. પેલા ચાર આનામાંથી બચેલા ત્રણ આનાના ધાણીમમરા એ દુકાળભૂખ્યા છોકરાઓને સ્વામી અખંડાનંદજીએ લઈ આપ્યાં.

રામકૃષ્ણ મિશનના દુષ્કાળ રાહતના શ્રીગણેશ આ ચાર આનાની, આજના પચ્ચીસ પૈસાની, ‘માતબર’ મૂડીથી મંડાયા. પછી સ્વામી અખંડાનંદ ત્યાં જ રહી ગયા. ઝાડાથી પીડાતી અને મળમૂત્રથી ભરેલી ગયાવૈષ્ણવી નામની નિરાધાર વૃદ્ધાની સેવાચાકરી તેમણે કરી અને, રામકૃષ્ણ મિશનની સેવાપ્રવૃત્તિના શ્રીગણેશ તેમણે માંડ્યા. સ્વામી અખંડાનંદ ત્યાં જ આજીવન રહી પડ્યા હતા અને ત્યાં અનેકવિધ સેવાપ્રવૃત્તિઓ એમણે વિકસાવી હતી. આમ ‘મુર્શિદાબાદમાં સેવા પ્રવૃત્તિને ફળ લાગ્યાં હતાં’ તેમ સ્વામી અખંડાનંદે લખ્યું છે તે સંપૂર્ણપણે સાચું છે. ભટ્ટજીની સેવાએ સ્વામી અખંડાનંદને સેવાદૃષ્ટિ આપી હતી. સ્વામી અખંડાનંદના સેવાવ્રતને દૃષ્ટિ આપવાનો યશ જામનગરને ફાળે જાય છે, એમ આપણે કહી શકીએ.

Total Views: 42

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.