એક ધનવાન માણસ હતો. તેના બગીચામાં બે માળી કામ કરતા હતા.

આમાંનો એક માળી ખૂબ આળસુ હતો. તે બિલકુલ કામ કરતો નહીં. જ્યારે માલિક બગીચામાં આવે ત્યારે માત્ર ઊભો થઈ હાથ જોડીને કહેતો : ‘મારા માલિકનું મુખ કેટલું સુંદર છે!’ અને એમ કહીને તેની સમક્ષ એ નાચવા લાગતો.

બીજો માળી ઝાઝું બોલતો નહીં, પરંતુ સખત મહેનત કરતો અને તમામ પ્રકારનાં ફળ અને શાકભાજી ઉગાડતો તથા બધો માલ પોતાને માથે ઊંચકી ખૂબ દૂર રહેતા પોતાના માલિકને પહોંચાડતો.

આ બે માળીઓમાંથી ક્યો માળી તેના માલિકને વધારે પ્રિય હશે?

ભગવાન એ માલિક છે અને આ જગત તેનો બગીચો છે. બે પ્રકારના માળીઓ અહીં હોય છે : એક આળસુ અને કપટી માળી છે જે કંઈ કામ કરતો નથી, પરંતુ કેવળ ભગવાનનાં સુંદર નેત્રો, નાક અને બીજાં અંગોનાં વર્ણન કર્યા કરે છે; જ્યારે બીજો માળી દીનદુખિયાં અને દુર્બળ સંતાનો, સર્વ જીવજંતુઓ, અરે, તેમની આખી સૃષ્ટિની સંભાળ લે છે.

ભગવાનને આ બેમાંથી વધારે વહાલો કોણ હશે? અવશ્ય, તે જ કે જે ભગવાનનાં સંતાનોની સેવા કરે છે. જે પિતાની સેવા કરવા માગે છે, તેણે સૌથી પ્રથમ તેનાં સંતાનોની સેવા કરવી જોઈએ, તેણે સૌથી પ્રથમ આ જગતમાં બધાં પ્રાણીઓની સેવા કરવી જોઈએ.

શાસ્ત્રમાં કહ્યું છે કે, ઈશ્વરના ભક્તોની જે સેવા કરે છે એ તેના શ્રેષ્ઠ સેવકો-ભક્તો છે.

(‘ચાલો સાંભળીએ સ્વામીજી વાર્તા કહે છે’માંથી)

Total Views: 36

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.