‘કાચી ખીચડીના દાળચોખા જુદા કરી શકાય છે, પણ રંધાયેલી ખીચડીના દાળભાતને જુદાં કરી શકાતાં નથી. અંગ્રેજી શબ્દો ‘મિક્સર’ અને ‘કંપાઉંડ ’ વચ્ચેનો ભેદ સમજાવવા માટે અમારા વિજ્ઞાનના પ્રાધ્યાપક આ દૃષ્ટાંત આપતા. આ દૃષ્ટાંત પૂરો ઘરગથ્થુ હોઈ, લગભગ સૌ વિદ્યાર્થીઓના જાત અનુભવનો હતો એટલે એ બે શબ્દોના શાસ્ત્રીય અર્થો અમે સરળતાથી ગ્રહણ કરી શકતા.

આ ભૌતિક વિજ્ઞાનની વાતો સમજવા કરતાં આધ્યાત્મિક વિજ્ઞાનની વાતો સમજવી અતિ કઠિન છે. એક નાનું સરખું પણ કાર્ય આપણે હાથે થયું હોય તો આપણે તેનો ઢોલ કેટલો પીટીએ છીએ? આ ‘હું કરું – હું કરું’ -ને નરસિંહ મહેતા ‘અજ્ઞાનતા’ કહે છે અને તેને ગાડા હેઠળના કૂતરાની વાત કરીને – ‘શકટનો ભાર જેમ શ્વાન તાણે’ કહીને – ચોટદાર રીતે રજૂ કરે છે. ગહન વાતને સરળતાથી સમજાવવા માટે આવાં દૃષ્ટાંતોનો ઉપયોગ વેદના વારાથી થતો આવ્યો છે. અને આ બાબત માત્ર આપણા દેશ કે ધર્મ પૂરતી જ મર્યાદિત નથી. વેદો, ઉપનિષદો, મહાભારત સમાં પુરાણોમાં આવા દૃષ્ટાંતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બૌદ્ધ અને જૈન સાહિત્યમાં ચોટડુક દૃષ્ટાંતો જોવા મળે છે. તાઓમાં, જાપાનના ઝેન સાહિત્યમાં, બાઈબલમાં, યહૂદી ધર્મગ્રંથોમાં, કુરાનમાં … એમ સર્વત્ર ધર્મ સંસ્થાપકોએ અને ધર્મપ્રચારકોએ આવી દૃષ્ટાંતકથાઓ દ્વારા ધર્મનાં ગહન સત્યોને હસ્તામલકવત બનાવી આપ્યાં છે કે તે સત્યોને પુષ્ટિ આપી છે. ઈસુખ્રિસ્તને મહાત કરવા જનાર યહૂદી ધર્મગુરુને ધ ગુડ સેમેરિટનના દૃષ્ટાંત દ્વારા ઈસુ ખ્રિસ્ત સારો પાઠ ભણાવે છે.

ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસે અનેક દૃષ્ટાંતકથાઓ આપી છે. સદ્ધર્મનું, સદાચરણનું, અધ્યાત્મનું પોતે જે ગહન સત્ય સમજાવતા હોય તેને, પોતાના શ્રોતાઓને ગળે ઉતારવાને માટે ઠાકુરને શ્રીમુખેથી દૃષ્ટાંતકથાઓ સહજ રીતે સરી પડતી. બ્રાહ્મસમાજીઓ નિરાકાર બ્રહ્મમાં માનતા અને બીજા બધા પ્રકારની ઈશ્વરની ઉપાસના તેમને અગ્રાહ્ય હતી તો, સને ૧૮૭૫માં બ્રાહ્મસમાજી નેતા શ્રી કેશવસેન પોતાની મંડળી સાથે બેલઘરિયામાં આવ્યા છે; તે જાણી ઠાકુર તેમને પહેલીવાર મળવા ગયા ત્યારે, કાકીંડાનો દૃષ્ટાંત આપી ઈશ્વરને એક જ રૂપમાં બાંધી રાખવો તે કેટલું અયોગ્ય છે તે તેમણે સિફતથી ચીંધી બતાવ્યું હતું. સૂરજને પ્રકાશવું જેટલું સહજ છે તેટલું સહજ ઠાકુરને માટે દૃષ્ટાંત કથન હતું.

શ્રીરામકૃષ્ણે કહેલી દૃષ્ટાંત કથાઓ અને વાર્તાઓ મુખ્યત્વે આપણને શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત લિખિત અદ્‌ભુત ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં જોવા મળે છે. તે ઉપરાંત એ દૃષ્ટાંતોના તથા કથાઓના બીજા સ્રોતો પણ છે. બસ્સો ઉપરના આ સંગ્રહ ઉપરાંત વણસંઘરાયેલી કેટલીક દૃષ્ટાંતકથાઓ પણ હશે. (શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંત કથા ઉપરનું સચિત્ર ગુજરાતી પુસ્તક પ્રકાશિત થશે.)

શ્રીરામકૃષ્ણના સમગ્ર ઉપદેશનો હેતુ હતો, લોકોને ઈશ્વરાભિમુખ કરવાનો. એ માર્ગે ચાલનારને નીતિવિમુખ થવું પાલવે નહિ; એ સદા સત્યપરાયણ જ હોય; એ કદી વાસનાને વશ ન થાય; ધનની કે બીજા કશાના સંગ્રહની એ કદી લિપ્સા રાખે નહિ. ઠાકુરનાં વિવિધ દૃષ્ટાંતો દ્વારા આ સનાતન સત્યો પ્રગટ થયાં કરે છે.

‘સંસારમાં સરસો રહે ને મન મારી પાસ’ આ પુરાણી સત્ય સમજાવવા માટે ઠાકુર મોટા ઘરની કામવાળીનું દૃષ્ટાંત આપે છે. શેઠિયાને બંગલે એ છે ત્યાં સુધી, શેઠિયાનો દીકરો એ કામવાળીને ‘મારો બાબુ’ છે પણ, સાંજ થતાં જેવી એ શેઠિયાને બંગલેથી પોતાને ઝૂંપડે જવા નીકળે છે કે, એના ચિત્તનો કબજો એનો પોતાનો પુત્ર લઈ લે છે. કેટલી તો સરળ રીતે ચિત્તને ઈશ્વરમાં રાખવાનું ઠાકુર શ્રોતાઓનાં મનમાં ઠસાવે છે!

કશુંક ઉચ્ચતર પામવા માટે માનવીએ સતત પ્રયત્ન કરવો પડે છે. ‘એગિયે જાઓ’ – ‘આગળ બઢો’ની દૃષ્ટાંત કથામાંનો કઠિયારો એને સાધુએ આપેલી આ શિખામણ મુજબ આગળ ન વધ્યો હોત તો, જિંદગી આખી કઠિયારો જ રહ્યો હોત. પણ કઠિયારાના અંતરમાં એવું કોઈ તત્ત્વ-સત્ત્વ હતું કે જેણે એને બાવળનાં વૃક્ષોના જંગલથી આગળ ધકેલ્યો અને એને ઈમારતી લાકડાનું જંગલ દેખાયું. એથી આગળ વધતાં સીસમનું, સુખડનું એમ વિવિધ વધારે ને વધારે મોંઘાં વૃક્ષો એની દૃષ્ટિએ પડવાં લાગ્યાં, પણ કઠિયારાના ચિત્તમાં સાધુએ ‘આગળ વધો’નો કીડો મૂકી દીધો હતો. એટલે એ આગળ વધતાં વધતાં હીરાની ખાણ સુધી પહોંચી ગયો. ઈશ્વર રૂપી હીરો મળે નહિ ત્યાં સુધી આપણી આધ્યાત્મિક કૂચ આપણે વણથંભી જારી જ રાખવી જોઈએ.

કઠિયારાની આ દૃષ્ટાંતકથામાં બોધને સાચી રીતે ગ્રહણ કરવાની બાબત છે. પણ વિવેકબુદ્ધિ વાપર્યા વિના માણસ બોધનું અનુસરણ કરે તો જાતને કેવી તકલીફમાં તે મૂકી દે છે તે બાબત ‘બધું નારાયણ છે’ એ કથા ચોટદાર રૂપે રજૂ કરે છે. બધા જ જીવો નારાયણ સ્વરૂપ છે તેથી, વાઘને કે સાપને ભેટવા જવાય નહિ. આવી કથા વ્યવહારની સાચી સમજ તરફ શ્રોતાઓનું અને વાચકોનું લક્ષ દોરે છે.

દૃષ્ટાંતકથાઓ દ્વારા ગ્રાહ્ય આચરણની વાત કરતાં ઠાકુર ત્યાજ્ય આચરણની પણ વાત સરસ રીતે રજૂ કરે છે.

‘કેશવ, કેશવ’, ‘ગોપાલ, ગોપાલ’, ‘હર, હર’ અને ‘હરિ, હરિ’ બોલતા સોની ભાઈઓ દેખીતી રીતે તો ભગવાનનાં જ નામ લેતા હતા. પરંતુ એ હરિનામોનો ઉપયોગ હરિસ્મરણ માટે કરવામાં આવતો ન હતો. આ હરિનામ સાંકેતિક શબ્દો હતા અને આવેલા ઘરાકને ખંખેરવા માટે જ તેમનો ઉપયોગ થતો હતો. ઈશ્વરનો – ઈશ્વરના નામનો – આ પણ ઉપયોગ છે!

આ દૃષ્ટાંતોના ઉલ્લેખો નિર્દેશે છે તેમ ઠાકુરની દૃષ્ટાંતકથાઓ એમના બોધના વૈવિધ્યને આવરી લે છે. ઠાકુરની બોધગંગા સતત વહેતી રહેતી અને એમાં વિવિધ વિષયોની વાતો થતી. એ બધી વાતોના વિષયોના મણકાઓ ભલે જુદા જદા હતા પણ એમનો દોર એક ઈશ્વર જ હતો. એ જુદા જુદા મણકાઓ ઈશ્વરના, એને પામવાના, એને પામવા આડે આવતાં વિઘ્નોનાં અને એ વિઘ્નોને ઓળંગવાના માર્ગોના મણકાઓ છે તે સમજવું કઠિન નથી. પણ જે પ્રસંગે ઠાકુર જે વાત કરતા હોય તેને પુષ્ટિ આપે તેવી દૃષ્ટાંત કથા તેમને શ્રીમુખેથી સહજ સરી પડતી. આ ગ્રંથમાં એ દૃષ્ટાંતકથાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે કામકાંચનનો ત્યાગ એમનું ધ્રુવપદ હતું એમ કહી શકાય. શેઠ બધાંનો, ગુલામ વાસનાનો; અર્વાચીન જનકરાજાઓ!; પૈસો પણ મોટી ઉપાધિ છે; વગેરે જેવી ૧૩ દૃષ્ટાંતકથાઓ અહીં સંગ્રહાયેલી છે. એમાંની દરેક કથા બીજી કથાઓથી જુદી પડે છે. ગોવિંદજીના મંદિરના પૂજારીઓ પરણ્યા ન હતા ત્યાં સુધી એમને મહારાજાની પણ પડી ન હતી. મહારાજાને મળવા તેઓ જતા નહિ. પણ મહારાજાએ એ પૂજારીઓને પરણાવીને પોતાની સલામે આવતા કરી મૂક્યા. ભાગવતનું શ્રવણ અને મનમાં વૈશ્યાગૃહનું સ્મરણ – એ કથા પણ કેટલી ચોટદાર છે? બે મિત્રોમાંથી વૈશ્યાગૃહે ગયેલી મિત્ર મનમાં ને મનમાં જવા બદલ પસ્તાવો કરવા લાગ્યો અને કથા સાંભળવા ગયેલા એના મિત્રના કાન પર કથાના શબ્દો તો પડતા હતા પણ પોતે મિત્ર સાથે ‘મજા કરવા’ ન ગયો તે બદલ પસ્તાતો હતો. ‘ગુડ ઈન્ટેન્શન્સ પેવ ધ વે ટુ હેલ’ ((આચરણ વગરના) માત્ર સારા ઈરાદાઓ નરકને માર્ગે લઈ જાય છે) તેનું આ સરસ ઉદાહરણ છે. ઓગણીસમી અને વીસમી સદીના સંગમકાળે થઈ ગયેલા સુપ્રસિદ્ધ ફ્રેંચ નવલકથાકાર આનાનોલ ફ્રાંસની પ્રખ્યાત નવલકથા ‘થેઈ’ (Thais)નું વસ્તુ પણ ઠીક ઠીક અંશે ઠાકુરની આ દૃષ્ટાંતકથાને મળતું આવે છે.

આ દૃષ્ટાંતકથાઓનો બોધ શ્રોતાઓને ગળે સરળતાથી ઊતરે તેવું એમનું અગત્યનું લક્ષણ એમાં રહેલો ઓછોવત્તો હાસ્યરસ છે. હાથીને જોવા ગયેલા ચાર-પાંચ અંધોની વાર્તામાં, ‘સૌ જીવો નારાયણ સ્વરૂપ છે’ તેમ સમજી ગાંડો હાથી આવતો હોવાની ચેતવણી અને રસ્તાની બાજુએ કોઈ ઓટલે ચડી જવાની સલાહને અવગણનાર શિષ્યની દૃષ્ટાંતકથામાં, ભગવાનનાં નામ લઈ ગ્રાહકોને છેતરતા સોનીઓની કથામાં … એમ અનેક દૃષ્ટાંતકથાઓમાં હાસ્યરસની વધતી ઓછી છાંટ રહેલી જોવા મળે છે.

આ મર્માળા હાસ્યથી મૂળના ગહન સત્યને પુષ્ટિ મળે છે ને એને સમજવું સરળ બને છે. તે ઉપરાંત શ્રોતાઓનાં ચિત્તમાંના ગાંભીર્યના બોજાને તે સફળતાથી અને સહજ રીતે હળવો કરી નાખે છે. શ્રોતાજનો બધો સમય જાગ્રતિની એકદમ ઉચ્ચ સપાટીએ રહી શકે નહિ. આમ આ ભાવ પરિવર્તન અને રસ પરિવર્તન દૃષ્ટાંત પાછળના સત્યને શ્રોતાનાં ચિત્તમાં જડબેસલાક કરી દે છે. આ દૃષ્ટાંતોની એ મોટી સિદ્ધિ છે અને તેમની પાછળનો હેતુ પણ એ જ છે.

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના દળદાર ભાગો વાંચવા બધાને આસાન નથી. પણ આ દૃષ્ટાંતકથાઓનું નાનકડું પુસ્તક સૌ સરળતાથી વાંચી શકે છે, તે વાચનનો આનંદ માણી શકે છે અને એની પાછળ રહેલા સત્યનું પણ આકલન કરી શકે છે. સો કરતાં વધારે વર્ષોથી ગુજરાતનો સુજ્ઞ વર્ગ સ્વામી વિવેકાનંદ, એમના બીજા ગુરુભાઈઓથી અને સ્વામીજીના ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસથી ઓછેવત્તે અંશે પરિચિત છે. આ નાનું પુસ્તક એ પરિચયને વધારે પ્રસન્ન, વધારે નિકટનો અને વધારે ચોટડુક બનાવવામાં સહાય કરશે.

કાકીંડો

એક વાર એક માણસ જંગલમાં દાખલ થયો અને એણે ઝાડ ઉપર એક નાનું પ્રાણી જોયું. પાછા આવીને એક માણસને એણે કહ્યું કે, ‘મેં એક ઝાડ ઉપર સુંદર લાલ રંગનું એક પ્રાણી જોયું.’ પેલાએ જવાબ આપ્યો : ‘હું જંગલમાં ગયો હતો ત્યારે મેં પણ એ પ્રાણી જોયું હતું પણ, તમે એને લાલ શા માટે કહો છો? એ લીલું છે.’ બીજો એક આદમી ત્યાં હતો તેણે આ બેઉનો વિરોધ કરી કહ્યું કે, ‘એ પ્રાણી તો પીળું છે.’ એ જ સમયે બીજા લોકો ત્યાં આવી ચડ્યા અને કહેવા લાગ્યા કે, ‘એ ભૂરુંછે, જાંબલી છે, આસમાની છે.’ અંતે અંદરોઅંદર લડવા મંડ્યા. ઝઘડો મિટાવવા એ સૌ પેલા ઝાડ પાસે ગયા. એક માણસને એ ઝાડ નીચે બેઠેલો તેમણે જોયો. એને પૂછતાં એ બોલ્યો : ‘હા, હું આ ઝાડ નીચે રહું છું અને તે પ્રાણીને સારી રીતે જાણું છું. તમારા સૌનાં વર્ણન સાચાં છે. કોઈક વાર એ લાલ દેખાય છે, કોઈ વાર પીળું, કોઈવાર વળી આસમાની, જાંબલી ને એ પ્રમાણે. એ કાકીંડો છે. એને કોઈક વાર રંગ જ નથી. કોઈક વાર આ રંગ હોય તો કોઈક વાર કશો જ ન હોય.’ એ પ્રમાણે, ઈશ્વરનું નિત્ય ચિંતન કરે તે એનું સાચું સ્વરૂપ જાણી શકે; ઈશ્વર પોતાનાં વિવિધ રૂપોમાં એને ખોજનારાઓ સમક્ષ પ્રગટ થાય છે ને માત્ર એ મનુષ્ય જ જાણે છે, ઈશ્વર સગુણ છે તેમ નિર્ગુણ પણ છે. ઝાડ નીચે રહેનાર જ જાણે છે કે કાકીંડો વિવિધ રંગ ધારણ કરે તેમજ રંગ વગરનો પણ દેખાય. બીજા બધાઓ મિથ્યા તર્કથી પીડાય છે.

આગે બઢો

એક વાર એક કઠિયારો જંગલમાં લાકડાં કાપવા જતો હતો. અચાનક એક બ્રહ્મચારીને એ મળ્યો. એ સાધુએ એને કહ્યું, ‘ભલા માણસ, આગે બઢો.’ ઘેર પાછા વળ્યા પછી કઠિયારો વિચારવા લાગ્યો : ‘બ્રહ્મચારીએ મને ‘આગે બઢો’ શા માટે કહ્યું: ‘કેટલોક સમય વીતી ગયો. પછી એક દહાડો એને બ્રહ્મચારીના શબ્દો યાદ આવ્યા. પોતાની જાતને એણે કહ્યું, ‘આજે હું જંગલમાં આઘેરો જઈશ.’ જંગલમાં ઊંડે જતાં એને સુખડનાં અનેક વૃક્ષો જોવાં મળ્યાં. એ ખૂબ રાજી થઈ ગયો. ગાડાં ભરીને એ ચંદનનાં લાકડાં લાવ્યો અને બજારમાં તે વેચી એ ખૂબ ધનવાન બન્યો.

થોડા દિવસ વીતતાં, આગળ વધવાના સાધુના શબ્દો યાદ આવ્યા. એ જંગલમાં ઊંડેરો ગયો અને ત્યાં નદી પાસે એને રૂપાની ખાણ જડી. આ એના સ્વપ્નથી પર હતું. ખાણમાંથી એણે રૂપું ખોદી કાઢ્યું અને બજારમાં વેચ્યું. એ એટલું કમાયો કે પોતાની પાસે કેટલું નાણું છે તે પણ એ જાણતો ન હતો.

થોડા દિવસ ગયા. એક દહાડો એને વિચાર આવ્યો : ‘બ્રહ્મચારીએ મને રૂપાની ખાણે જ અટકી જવા કહ્યું ન હતું : એણે તો મને આગળ જવા કહ્યું હતું. ‘આ વેળા એ નદીની પેલે પાર ગયો તો સોનાની ખાણ તેણે જોઈ. એટલે એ ઉદ્‌ગારી ઊઠ્યો : ‘વારુ, જુઓ તો ખરા? આ માટે તો એણે મને ‘આગે બઢો’ કહ્યું હતું!’

વળી થોડા દહાડા પછી એ જંગલમાં વધારે અંદર ગયો તો, હીરાના અને બીજાં રત્નોના ઢગલા એણે જોયા. એ બધું એણે લીધું અને એ કુબેર જેવો સમૃદ્ધ બની ગયો.

જે કંઈ તમે સારું કરો તેમાં વધારે ને વધારે આગળ જશો તો વધુ સમૃદ્ધ થશો. જપ કરવાથી તમને થોડી સમૃદ્ધિ લાધે પરંતુ, તેથી એમ ના માની લેવું કે આધ્યાત્મિક જીવનમાં તમે બધું પ્રાપ્ત કરી લીધું છે. જીવનનું ધ્યેય કર્મ નથી. આગે બઢો અને તમે નિષ્કામ કર્મ કરવા સુધી પહોંચી શકશો.

ધાર્મિક તરીકે જાતને ખપાવતા ધૂતારાઓ

એક સોનીની ઘરેણાંની દુકાન હતી. એ મોટો ભક્ત હોય તેવો દેખાતો, ગળામાં માળા પહેરતો અને કપાળમાં તિલક કરતો. સ્વાભાવિક રીતે લોકો એનો વિશ્વાસ કરતા અને, એની દુકાને કામ પાડવા જતા. આવો ધાર્મિક માણસ છે એટલે ‘એ કદી છેતરશે નહીં એમ તેમને લાગતું. એની દુકાને ઘરાકો આવે ત્યારે, એનો એક કારીગર ‘કેશવ! કેશવ!’ એમ બોલી ઊઠે. થોડી વાર પછી બીજો બોલે, ‘ગોપાલ! ગોપાલ!’ પછી ત્રીજો બોલે ‘હરિ! હરિ!’ અંતે કોઈ બોલી ઊઠે, ‘હર! હર!’ આ બધાં ભગવાનનાં જુદાં જુદાં નામ છે એ તમે જાણો છો. આમ ભગવાન- નામ લેવાતાં સાંભળીને ઘરાકોને થતું કે આ સોની તો ખૂબ ઊંચો આદમી છે. પણ સોનીનો સાચો હેતુ તમે કલ્પી શકો છો? જે માણસ ‘કેશવ! કેશવ!’ બોલતો તે પૂછતો કે, ‘આ બધા ઘરાક કેવા છે?’ ‘ગોપાલ! ગોપાલ!’ બોલનાર મનુષ્ય કહેવા માગતો કે ‘આ સૌ તો ગાયનું ધણ છે.’ એમની સાથે થોડીક વાત કર્યા પછી એણે એમને માપી લીધા હતા. ‘હરિ! હરિ!’ બોલનાર કહેતો કે, ‘આ બધા ગાયના ધણ જેવા છે તો, આપણે એમને લૂંટી ન લઈએ?’ ‘જે ‘હર! હર!’ કહેતો તેનો અર્થ હતો કે, ‘આ બધા ગાયના ધણ જેવા છે તો, એમને બરાબર લૂંટી જ લો.’

‘કામિની અને કાંચન’ એ જ બંધન

‘કામિની અને કાંચન’ મનુષ્યને બંધનમાં નાખે છે અને એનું સ્વાતંત્ર્ય આંચકી લે છે. સોનાની જરૂર સ્ત્રી ઊભી કરે છે. સ્ત્રીને માટે માનવી બીજાનો ગુલામ બને છે અને પોતાની સ્વાતંત્ર્ય ગુમાવે છે. પછી એ પોતાને ફાવે તેમ વર્તી શકતો નથી.

જયપુરમાં ગોવિંદજીના મંદિરના પૂજારીઓ પહેલાં બ્રહ્મચારી હતા અને તે વેળા, તેઓ ઉગ્ર સ્વભાવના હતા. એક વાર જયપુરના રાજાએ તેમને બોલાવ્યા તો તેમણે દાદ ન દીધી. એમણે દૂતને કહ્યું, ‘રાજાને અમારી પાસે આવવા કહો.’ સલાહ લીધા પછી, રાજા અને એના પ્રધાનોએ એમનાં લગ્ન કરાવી દીધાં. પછી રાજાએ એમને બોલાવવા પડતા ન હતા. જાતે જ તેઓ રાજા પાસે જઈને કહે : ‘મહારાજ, અમે આશીર્વાદ આપવા આવ્યા છીએ. આ મંદિરનું નિર્માલ્ય છે. કૃપા કરી સ્વીકારો.’ હવે એ રાજા પાસે એટલા માટે આવતા કે, એક કે બીજા કારણસર તેમને પૈસાની જરૂર પડતી – કાં મકાન બાંધવું હોય, કાં પોતાનાં બાળકોનાં અણબોટણ હોય કે પોતાનાં છોકરાંઓના અભ્યાસને લગતો કંઈ વિધિઓ હોય.

પૈસો પણ મોટી ઉપાધિ છે

પૈસો પણ એક ઉપાધિ છે ને તે પણ પાછી ખૂબ મોટી. માનવી પૈસાદાર બને તેવો એ પૂરો બદલાઈ જાય છે.

ખૂબ રાંક અને નમ્ર્ર એવો એક બ્રાહ્મણ અહીં અવારનવાર આવતો, કેટલોક કાળ વીત્યા પછી એ આવતો બંધ થઈ ગયો અને એને શું થયું છે તેની અમને કંઈ જ ખબર ન હતી. એક વાર અમે નાવમાં બેસી કોન્નગર ગયા. અમે નાવમાંથી ઊતર્યા તો એ બ્રાહ્મણને ગંગાકાંઠે બેઠેલો દીઠો, મોટા લોકની માફક એ ચોક્ખી હવા માણી રહ્યો હતો. મને જોઈને, મારી ઉપર શેઠાઈ કરતો હોય તેમ તે બોલ્યો, ‘કાં ઠાકુર! હમણાંનું તમારું કેમ ચાલે છે?’ એના અવાજના પરિવર્તન તરફ મારું ધ્યાન તરત જ ગયું અને, મારી સાથે હૃદય હતો તેને મેં કહ્યું, ‘હૃદય, તને કહું છું કે આ માણસને ચોક્કસ ક્યાંકથી પૈસો પ્રાપ્ત થયો છે. એ કેટલો બધો બદલાઈ ગયો છે એ તું નથી જોઈ શકતો શું?’ ને હૃદય ખડખડાટ હસી પડ્યો.

પૈસો આવતાં માણસમાં આટલો ફરક પડી જાય છે.

કાનમાં ભાગવત, મનમાં વેશ્યાગૃહ

એક વેળા બે મિત્રો જતા હતા ત્યાં, રસ્તામાં એક સ્થળે એમણે લોકોને ભાગવતની કથા સાંભળતા જોયા. ‘ચાલ, દોસ્ત,’ એકે બીજાને કહ્યું, ‘આપણે આ કથા સાંભળીએ.’ એમ બોલીને એ અંદર જઈને બેઠો. બીજો ડોકું જરા કાઢીને ચાલ્યો ગયો. એ કોઈ વેશ્યાગૃહે ગયો. પણ તરત જ એ ત્યાંથી ત્રાસી ગયો. ‘લ્યાનત છે મને!’ એ વિચારવા લાગ્યો. ‘મારો ભાઈબંધ હરિનામ શ્રવણ કરે છે અને હું ક્યાં આવી પડ્યો છું!’ પણ પેલો ભાગવતશ્રોતા પણ કંટાળી ગયો. ‘હું તે કેવો મૂરખ!’ એ મનોમન બોલ્યો. ‘હું આ ભટજીની કથાનું બેં બેં સાંભળું છું ને મારો દોસ્તાર જલસા કરે છે!’ સમય જતાં બેઉ મૃત્યુ પામ્યા.

ભાગવત સાંભળનારને યમદૂત ઉપાડી ગયા અને, એને નરકમાં નાખ્યો. વેશ્યાને ઘેર જનારને લઈ જવા દેવદૂત આવ્યા અને એને સ્વર્ગે લઈ ગયા.

ભગવાન ખરે જ માણસના હૃદયમાં જુએ છે, ભાવ જુએ છે.

Total Views: 40

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.