ભૂખ-તરસથી પીડાયેલ અને જર્જરિત અંગ દેશની અભાગી પ્રજા મહારાજા લોમપાદના રાજમહેલ સામે આક્રંદ કરી રહી હતી. રાજા પોતે પણ દુ:ખી દુ:ખી હતા. રાજ્યમાં વરસાદ ન વરસ્યો. ભયંકર દુકાળ પડ્યો. રાજાએ મંત્રીઓને બોલાવીને કહ્યું: ‘હે મંત્રીઓ, રાજ્યમાં ભીષણ દુકાળ પડ્યો છે. પ્રજા દુ:ખી છે, લોકોના પ્રાણ સંકટમાં છે. એ બધાનું રક્ષણ કરવાની જવાબદારી તમારા શિરે છે. આ વિપત્તિથી મુક્ત થવા જલદી કંઈ ઉપાય શોધો.’

મંત્રીઓએ વિદ્વાનો સાથે વિચાર-વિનિમય કર્યો. તેઓ એ તારણ પણ આવ્યા કે ઈંદ્રના પ્રકોપને કારણે વરસાદ વરસ્યો નથી. એટલે ગમે તે ઉપાયે દેવરાજ ઈંદ્રને પ્રસન્ન કરવા જોઈએ. તો જ આ વિપત્તિમાંથી મુક્તિ મળે. આ વિદ્વાનોમાંથી એકે ઉપાય બતાવ્યો: ‘અંગરાજની સીમાની બહાર એક વિભાંડક નામના ઋષિ વસે છે. એના પુત્ર જેવો પવિત્ર અને નિષ્કલંક પુરુષ આ સંસારમાં બીજો કોઈ નથી. એમના આ યુવાન પુત્રે આજ સુધી કોઈ સ્ત્રીને પણ જોઈ નથી. એમનું મન સ્વાભાવિક રૂપે બ્રહ્મચર્યમાં લીન રહે છે. કોઈ પણ સ્થળે આ ઋષિકુમાર ઋષ્યશૃંગની હાજરી પરમકલ્યાણકારી બની જાય છે. જો એ ઋષિકુમારને કોઈ પણ રીતે આપણા રાજ્યમાં લઈ આવીએ તો વરસાદ વરસે અને દુકાળ દૂર થાય.

આ વાત સાંભળીને બધાનાં મનમાં આશાના અંકુર ફૂટ્યા. પણ ઋષ્યશૃંગને એમના આશ્રમમાંથી બહાર કાઢીને અંગદેશની સીમામાં કેવી રીતે લાવવા એ એક મોટી સમસ્યા હતી. એક તો એ પોતે કઠોર તપસ્વી અને વળી આશ્રમની બહાર ક્યાંય જતા નહિ. એમાં વળી એમના પિતા ક્યારેય કોઈ બીજી વ્યક્તિને એમના પુત્ર સાથે મળવા ન દેતા. ચર્ચા-વિચારણા કર્યા પછી વિભાંડક ઋષિના આશ્રમ તરફ કેટલાક ગુપ્તચરોને મોકલ્યા. એમણે ઋષિ તથા એમના પુત્રની દિનચર્યા અને બીજી પ્રવૃત્તિઓની પૂરેપૂરી માહિતી મેળવી લીધી. એ પણ જાણી લીધું કે ઋષિકુમાર કયે સમયે આશ્રમમાં એકલા હોય છે. ત્યાંથી પાછા ફરીને ગુપ્તચરોએ રાજાને વિગતવાર માહિતી આપી.

રાજાએ મનમાં ને મનમાં કંઈક યોજના બનાવી. નગરની બધી વારાંગનાઓને રાજદરબારમાં હાજર થવા આદેશ કર્યો. રાજાની આ ઓચિંતાની આજ્ઞા સાંભળીને બધી વારાંગનાઓ રાજ-દરબારમાં હાજર થઈ. રાજાએ આદેશ આપતાં કહ્યું: ‘હે વારાંગનાઓ, પ્રજાના રક્ષણ અને રાજના કલ્યાણ માટે તમારે એક વિશેષ કાર્ય કરવાનું છે. આ મારો આદેશ છે. ગમે તે ભોગે તમારે એ કાર્ય પૂરું કરવું પડશે. અંગરાજની સીમાની બહાર વિભાંડક ઋષિનો આશ્રમ છે. એમના તેજસ્વી પુત્ર બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને કઠોર તપમાં ડૂબેલા રહે છે. એમને આશ્રમમાંથી બહાર કાઢીને આપણી રાજધાનીમાં લાવવાના છે. પરંતુ હું તમને સાવધાન કરી દઉં છું, આ કાર્ય એમના પિતાની નજર બચાવીને કરવાનું છે. જો એમ નહિ થાય તો ઋષિના શ્રાપથી તમે બધા નાશ પામશો.’

કાર્ય ખરેખર કઠિન હતું. એક બાજુ રાજદંડનો ભય અને બીજી બાજુ ઋષિના શ્રાપનો ભયંકર ભય. એમાંય વળી જેણે આજ સુધી સ્ત્રીને ન જોઈ હોય એવા તપસ્વીને લોભાવવાના! થોડીક પળ સુધી રાજસભામાં શાંતિ પથરાઈ ગઈ. એક આધેડ ઉંમરની વારાંગનાએ શાંતિનો ભંગ કરતાં કહ્યું: ‘મહારાજ, આ દુષ્કર કાર્ય કરવા પ્રયત્ન કરીશ. પરંતુ મારે એ કાર્ય કરવા માટે જે જે વસ્તુઓની જરૂર પડે તેની વ્યવસ્થા આપે કરી દેવાની રહેશે.’

રાજાએ તો કર્મચારીઓને આજ્ઞા આપી: ‘એમની ઇચ્છા પ્રમાણે એમને જે જોઈએ તે વસ્તુ આપવી.’ પુરુષની દુર્બળતા તથા એના નગ્ન પશુત્વથી ચિરપરિચિત આ વારાંગના તરુણ તપસ્વી ઋષ્યશૃંગને લોભાવવા લલચાવવાનો ઉપાય વિચારવા લાગી. તે પુરુષ સ્વભાવનાં વિભિન્ન રૂપોથી પૂરેપૂરી પરિચિત હતી. તે જાણતી હતી કે પ્રતિકાર અને પડકારથી પુરુષને જીતવો સહજસરળ નથી. એનો અનુભવ એવો હતો કે સ્વીકૃતિ તથા સમર્પણભાવ દ્વારા જ પુરુષની કઠોરતાને ઓગાળી શકાય અને એના સંયમનો બંધ તોડી શકવો ઘણો સહજ છે. દેહવિક્રયનો વ્યવસાય કરનારી આ વારાંગના એ બરાબર જાણતી હતી કે સંયમી પુરુષના સંયમના દૃઢ અંકુશને વાસનાના સ્થૂળ પ્રવાહથી તોડવો કઠિન છે. પરંતુ સૂક્ષ્મ વાસનાઓના બાણથી નિરંતર પ્રહાર કરીએ તો આ સંયમનો દૃઢબંધ પણ જર્જરિત કરી શકાય. એમ થાય તો સ્થૂળ વાસનાના એક જ પ્રહારથી એના સંયમના બંધને ભોં ભેગો કરી શકાય.

આધેડ વારાંગનાની ઇચ્છા પ્રમાણે એક વિશાળ નાવ પર સુંદરમજાનો આશ્રમ બનાવ્યો. ચતુર માળીઓએ એને ફળફૂલનાં નાનાં વૃક્ષ અને છોડથી સજાવી દીધો. એ આશ્રમ તો જાણે કે ઇન્દ્રની અમરાવતી નગરી જ નાવમાં ઊતરી આવી હોય એવો લાગતો હતો. વારાંગનાએ પોતાની તરુણ રૂપવતી કન્યાને બોલાવી. તે પણ પોતાની માના જ વ્યવસાયમાં હતી. એની સાથે એની બીજી કેટલીક સખીઓ પણ હતી. પ્રૌઢ વારાંગનાએ પોતાનાં જીવન અને વ્યવસાયનાં રહસ્યો બતાવીને એમને ઋષ્યશૃંગને લોભાવવા પ્રેરિત કરી. એની આજ્ઞા પ્રમાણે એ સુસજ્જિત નાવ ઋષિ વિભાંડકના આશ્રમ તરફ ઉપડી. જ્યારે આશ્રમ થોડો દૂર રહ્યો ત્યારે નાવને કિનારે લગાડી દીધી. એને મોટાં વૃક્ષ અને ઝાડીઓની ઓથમાં એવી રીતે છુપાવી દીધી કે કોઈ એને એકાએક જોઈ ન શકે.

પ્રૌઢાએ પોતે થોડાક દિવસો સુધી છાની માની ઋષિ વિભાંડકની બધી દૈનંદિન પ્રવૃત્તિઓનું અધ્યયન કર્યું. એણે એ પણ જાણી લીધું કે કયે સમયે ઋષ્યશૃંગ આશ્રમમાં એકલા જ રહેતા હોય છે. એક દિવસ સુઅવસર મેળવીને તેણે પોતાની પુત્રીને તપસ્વી બ્રહ્મચારીના વેશમાં ઋષિકુમાર પાસે મોકલી. એમની પાસે પહોંચીને બ્રહ્મચારી વેશધારી વારાંગનાપુત્રીએ નમ્રતાપૂર્વક અભિવાદન કરતાં કહ્યું: ‘હે તપસ્વીવર! મારા પ્રણામ સ્વીકારો.’ ઋષ્યશૃંગની વિચારધારા તૂટી. માથું ઊંચું કરતાં જ એની દૃષ્ટિ એક તરુણી પર પડી. ક્ષણભર માટે કોણ એની સામે ઊભું છે એ સમજી ન શક્યા. એમને કોઈ નારીને આવી રીતે નજરે જોઈ હોય એવો પ્રસંગ એમના જીવનમાં આ પ્રથમ જ હતો. તરુણી એમની નજીક આવી. એના શરીરમાંથી મધુર મધુર સુગંધિત તેલ અને અત્તરની મહેક નીકળતી હતી. આશ્ચર્યચકિત થયેલા ઋષ્યશૃંગ નેત્રો ફાડીને તરુણી તરફ જોઈ રહ્યા. એ જ વખતે તરુણીએ પોતાના કોમળ હાથથી એમનાં ચરણનો સ્પર્શ કરતાં કહ્યું: ‘હે ઋષિકુમાર! હું પણ એક તપસ્વી બ્રહ્મચારી છું. આપના તપની ખ્યાતિ સાંભળીને આપનાં દર્શનાર્થે આવ્યો છું.’

બ્રહ્મચારીના સ્પર્શથી ઋષ્યશૃંગ અન્યમનસ્ક થઈ ગયો. હવે એમને શિષ્ટાચારનો ખ્યાલ આવ્યો. એમણે કહ્યું: ‘હે બ્રહ્મચારી! મને માફ કરજો. મેં આપના અભિવાદનનો પ્રતિસાદ ન વાળ્યો. મારા પણ પ્રણામ સ્વીકારીને મહેરબાની કરીને આ આસન પર બેસો.’ તરુણીએ કહ્યું: ‘હે તપસ્વી! હું જે વ્રતનું પાલન કરું છું એ વ્રત પ્રમાણે મને આપના પ્રણામ સ્વીકાર કરવાનો અધિકાર નથી. મારા વ્રત પ્રમાણે મારે જ આપની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. આપ મને આપની પૂજા કરવાની અનુમતિ આપો.’

ઋષ્યશૃંગ કંઈ જવાબ આપે એ પહેલાં જ તરુણીએ એમને પોતાના તરફ ખેંચીને એને પ્રેમપૂર્વક ભેટી પડી. ઋષિકુમાર હતપ્રભ થઈ ગયા. તરુણીએ એમને પોતાની સાથે લાવેલ અત્યંત કોમળ આસન પર બેસાડ્યા અને મીઠાં મજાનાં પકવાન ખાવા આપ્યાં. મધુર મદિરા પણ પીવડાવી. એ પીણું પીને ઋષિકુમારને અદ્‌ભુત અનુભૂતિ થઈ. તરુણીએ વિભિન્ન હાવભાવ સાથે એમનું મનોરંજન પણ કર્યું. બ્રહ્મચારી વેશ ધારણ કરીને આવનાર તરુણીએ જોયું કે હવે પેલા વૃદ્ધ ઋષિના પાછા આવવાનો સમય થયો છે. એ જવા માટે તૈયાર થઈ. જતાં જતાં એણે ફરી એકવાર ઋષિકુમારને આલિંગન દીધું. નારી નામથી જ અપરિચિત ઋષ્યશૃંગનું મન કુતૂહલથી ભરાઈ ગયું. તેઓ એ અદ્‌ભુત બ્રહ્મચારી વિશે મનમાં ને મનમાં વિચાર કરતા રહ્યા. એમની ગેરહાજરીને લીધે એમને મનમાં કોઈ અજાણ્યો અભાવ જણાવા લાગ્યો. એના ચિંતનમાં ને ચિંતનમાં તે પોતાનાં નિત્યકર્મ ભૂલી ગયા.

ઋષિ વિભાંડક વનમાંથી ફળ અને કંદમૂળ લાવ્યા. એમણે જોયું તો આશ્રમની ચીજવસ્તુઓ અસ્તવ્યસ્ત છે. યજ્ઞની કોઈ તૈયારી થઈ નથી અને ઋષ્યશૃંગ પણ આશ્રમમાં નથી. શંકા ભરેલા હૃદયે એમ ને એમ ઋષિ બહાર આવ્યા. બહાર આવીને જોયું તો આશ્રમના પાછળના એક શિલાખંડ પર એમનો પુત્ર ઋષ્યશૃંગ ચિંતામગ્ન બેઠો હતો. પુત્રનું આવું ઝંખવાણું મોઢું જોઈને ઋષિની ચિંતા વધી ગઈ. પાસે જઈને એમને પ્રેમપૂર્વક પૂછ્યું: ‘બેટા, તું ઉદાસ કેમ છે? જે હોય તે મને જરાય સંકોચાયા વિના કહેજે.’

ઋષ્યશૃંગે કહ્યું: ‘પિતાજી, આપ જ્યારે વનમાં ગયા એ સમયે એક અદ્‌ભુત બ્રહ્મચારી તપસ્વી આવ્યો હતો. એનું શરીર અત્યંત કોમળ હતું. એના શરીર પર બહુ ઓછી રુવાંટી હતી. એમનું મુખમંડળ તો હંમેશાં રોમવિહોણું હતું. એમની છાતી ઊંચી હતી. બિલ્વફળ જેવાં બે માસપીંડ હતાં. તે પોતાની સાથે સ્વાદિષ્ટ ભોજન પદાર્થો અને પીણું પણ લાવ્યા હતા. એણે મને જે પીણું પાયું એનાથી મને એક વિચિત્ર તંદ્રાની અનુભૂતિ થઈ. હે તાત, મારું મન એ બ્રહ્મચારીમાં લાગી ગયું છે. મારા હૃદયમાં સતત એનું સાંનિધ્ય રહે એવી તીવ્ર ઇચ્છા જાગી છે.’

પુત્રની વાતો સાંભળીને વૃદ્ધ ઋષિના આશ્ચર્યનો પાર ન રહ્યો. થોડી ક્ષણ માટે તો એને એવું લાગ્યું કે જાણે એના જીવનભરની સાધના ધૂળમાં મળી ગઈ. પરંતુ બીજી ક્ષણે જાગ્રત બનીને એમણે પોતાના પુત્રને કહ્યું: ‘બેટા, એ રાક્ષસી માયા છે. એ સાધકનો સાધનાભંગ કરવા કોઈ માયાવી રૂપ લઈને આવ્યો છે. ફરી પાછો જો એ માયાવી આવે તો તું એને મળતો નહિ. ચાલ, ઊભો થા અને નિત્યકર્મ પતાવી લે.’ અનુભવી વિભાંડકે રાક્ષસી માયાની વાત કરીને પુત્રને થોડોઘણો શાંત કરી દીધો. પણ હવે એના પોતાના મનમાં પણ વિચારનો વંટોળિયો જાગી ઊઠ્યો. પુત્રના મોંએથી બ્રહ્મચારીનું વર્ણન સાંભળીને એને પાકી ખાતરી થઈ ગઈ કે એણે ચોક્કસ કોઈ તરુણી સ્ત્રીને જ જોઈ છે. પરંતુ?

આ જટિલ પ્રશ્ન ઋષિના મનમાં જાગ્યો – જેણે આજીવન કોઈ સ્ત્રીને ન જોઈ હોય, જે સ્ત્રીપુરુષના લિંગભેદને જરાય જાણતો ન હોય એવા તરુણ યુવકના મનમાં પણ શું નારીને માટે આકર્ષણ કે એના પ્રત્યેની અભિરુચિ જન્મી શકે ખરી? અનુભવી ઋષિનું મન એ ભૂતકાળ તરફ દોડી ગયું કે જ્યારે એમના જીવનમાં પણ આવું તારુણ્ય હતું. ત્યારે તેઓ ગુરુકુળના પવિત્ર વાતાવરણમાં રહેતા હતા. કઠોર વ્રતોનું પાલન કરતા હતા. અરૂપ આત્મ તત્ત્વની ચર્ચા કરતા અને એના ધ્યાનમાં જ રહેવું એ એમનું નિત્યકર્મ હતું. જો કે સ્ત્રીઓ સાથે એમને પરિચય તો હતો છતાં પણ આશ્રમમાં સ્ત્રીઓ સાથે એમનો કોઈ સંપર્ક સંબંધ ન હતો. આમ જોઈએ તો શું એ સમયે એમનું મન સર્વથા નિર્વિકાર હતું? શું એને વાસના સાથે સંઘર્ષ કરવો પડ્યો ન હતો? ‘હે ભગવાન, આ કામ તો માર્યોયે મરતો નથી’- આવી પ્રાર્થના પોતાના ગુરુદેવને એમણે કેટકેટલીવાર કરી હતી.

એમના કાનોમાં વર્ષો પહેલાં ઉચ્ચારેલ ગુરુની ગંભીરવાણી ફરીથી પડઘાઈ: ‘હે વત્સ! અદ્વૈત બ્રહ્મજ્ઞાનના અગ્નિથી જ કામબીજ નષ્ટ થાય છે. એ પહેલાંની બધી અવસ્થાઓમાં પછી ભલે સૂક્ષ્મ રૂપમાં કેમ ન હોય, પણ કામ તો અવશ્ય રહે જ છે.’ ઋષ્યશૃંગ કામિનીથી પરિચિત હતા, કામથી નહિ. એટલે પુત્રના કલ્યાણ માટે વૃદ્ધ ઋષિએ એને સાવધાન કરી દેવો જોઈએ એવું ઉચિત લાગ્યું. સમજાવતાં એણે પુત્રને કહ્યું: ‘બેટા, હવે જો એ માયાવી બ્રહ્મચારી આવે તો એને મળતો નહિ. આંખ ઉઘાડીને પણ એના તરફ ન જોતો. નહિ તો તારી સાધના ભંગ થઈ જશે.’

બીજે દિવસે ઋષિ વિભાંડક વળી પાછા વનમાં ચાલ્યા ગયા. પેલી તરુણી તો એની જ રાહ જોઈ રહી હતી. વિભાંડક થોડા દૂર ગયા એટલે તે અંગમરોડ કરતી કરતી ઋષ્યશૃંગ પાસે આવી. હાવભાવ સાથે એમનું અભિવાદન પણ કર્યું. પણ આ શું? ઋષ્યશૃંગે એના અભિવાદનનો પ્રતિસાદ સુધ્ધા ન આપ્યો. એના તરફ આંખ ઉઘાડીને પણ ન જોયું! ઋષ્યશૃંગના કાનોમાં માયાવી બ્રહ્મચારીને મળતો નહિ – ‘એના તરફ નજરેય ન નાખતો’ પિતાના એ શબ્દો, એ વાણી અને ચેતવણી ગુંજી ઊઠ્યા.

તરુણી ક્ષણભર માટે થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ. પરંતુ બીજી જ પળે એણે વળી પાછા એ જ હાવભાવ સાથે આ વખતે એનાં નુપૂર અને કંગન ખણખણી ઊઠ્યાં. એણે મધુર સ્વરે કહ્યું: ‘હે ઋષિકુમાર! શું મારી હાજરીને લીધે આપની સાધનામાં ખલેલ પડે છે! શું આપને આપની સાધનાભંગ થવાનો ભય છે?’

હવે ઋષ્યશૃંગે પ્રતિવાદ કરતાં કહ્યું: ‘આપે શું કહ્યું? મને અને સાધનાભંગનો ભય! ના, ના. મારી સાધનાનો ભંગ થઈ જ ન શકે. હું તો કેવળ પિતાજીની આજ્ઞાનું પાલન જ કરું છું.’

સાંભળીને તરુણીએ વ્યંગપૂર્વક કહ્યું: ‘હે કુમાર! આપના પિતાજીએ આપને શી આજ્ઞા કરી છે?’ એટલે ઋષ્યશૃંગે કહ્યું: ‘મારા પિતાજીએ કહ્યું છે કે એ માયાવી બ્રહ્મચારીને ન મળતો. એના તરફ આંખ ઊંચી કરીને પણ ન જોતો. નહિ તો તારી…’ એ સાંભળીને પેલી તરુણીએ કટાક્ષ કરતાં ઋષ્યશૃંગના અધૂરા વાક્યની પૂર્તિ કરી : ‘તમારી સાધનાનો ભંગ થશે. એમ જ ને?’ હવે ઋષિકુમારનો અહંકાર જાગ્યો. એમણે અભિમાનપૂર્વક કહ્યું: ‘ના રે ના. બ્રહ્મચારીજી. મારી સાધનાનો ભંગ ન થઈ શકે. હું તમને અવશ્ય મળીશ જ.’ આ શબ્દો સાંભળીને તરુણી પોતાના વિજય પર ગર્વ અનુભવવા મંડી. એનું બાણ બરાબર નિશાને જ વાગ્યું છે, એની એને ખાતરી થઈ. એણે ફરીથી પ્રેમપૂર્વક ઋષ્યશૃંગને આલિંગન કર્યું.

આજે ઋષ્યશૃંગને આ આલિંગનમાં વિચિત્રતાને બદલે એક નવા કુતૂહલનો અનુભવ થયો. આજે એ તરુણી એમને દૂર દૂર સુધી ફરવા લઈ ગઈ. અનેક રીતે એનું મનોરંજન કર્યું. વૃદ્ધ ઋષિના પાછા ફરવાનો સમય થવા આવ્યો. એટલે તરુણીએ પાછા ફરવા ઇચ્છ્યું. આ પહેલાં તરુણ વારાંગનાએ પાછા આવવાની વાત કહી હતી. આ વખતે ઋષ્યશૃંગે જ એને પાછા આવવા માટે આગ્રહ કર્યો. તપસ્વી ઋષ્યશૃંગના મનને આટલું ચંચળ બનાવીને તરુણી પોતાની સફળતા પર ગર્વથી રાજી થતી થતી ચાલી ગઈ.

થોડીવારમાં જ વિભાંડક ઋષિ આશ્રમમાં પાછા આવ્યા. આજે એમનો પુત્ર ઉત્સાહ અને જાગૃતિ સાથે કામ કરતો હતો. વૃદ્ધ ઋષિ ખુશ થયા અને મનમાં નિશ્ચિંતતા અનુભવી. પરંતુ પુત્ર ઋષ્યશૃંગની કાર્યતત્પરતા પાછળ એ બ્રહ્મચારી પ્રત્યેની પોતાની આસક્તિને છુપાવવાનો પ્રયત્ન પણ હતો. મારા પિતા ક્યાંક મારા હાવભાવ ન સમજી-જાણી જાય અને મેં આજે ફરીથી એ માયાવી બ્રહ્મચારી સાથે મુલાકાત કરી છે એ જાણી ન જાય એટલે આજે વિશેષ ઉત્સાહપૂર્વક યજ્ઞ વગેરે કાર્યોમાં ઋષ્યશૃંગ મગ્ન હતો.

સંયમની લગામ એકવાર ઢીલી થઈ જાય પછી એને બરાબર કસવી કઠિન બની જાય છે. ત્યાર પછીના દિવસે પેલી તરુણી ફરીથી આવી. આજે ઋષિકુમાર એમની રાહ જોતા હતા. એ આવી કે તરત જ એમણે આગળ આવીને એમનું સ્વાગત કર્યું અને કહ્યું: ‘હે બ્રહ્મચારી, ઘણીવારથી હું તમારી રાહ જોતો હતો. ચાલો, આપણે ક્યાંક દૂર ચાલ્યા જઈએ જ્યાં પિતાજીની દૃષ્ટિ આપણા પર ન પડી શકે.’ તરુણ વારાંગનાનો આ દાવ ખાલી ન ગયો. એમણે જોયું ઋષ્યશૃંગ એના મોહપાશમાં વધુ ને વધુ બંધાતા જાય છે. તરુણી એમને નાવમાં બનેલા કૃત્રિમ આશ્રમમાં લઈ ગઈ. આશ્રમનું અનુપમ સૌંદર્ય જોઈને ઋષ્યશૃંગ મુગ્ધ બની ગયા. અહીં પેલી તરુણી સાથે બીજી કેટલીક યુવાન સખીઓ પણ હતી. એ બધી સખીઓએ ઋષ્યશૃંગનું સ્વાગત કર્યું. વિવિધ રીતે એમણે ઋષ્યશૃંગનું મનોરંજન કર્યું.

પ્રૌઢ વારાંગનાની આજ્ઞાથી હોડીને ખોલી નાખવામાં આવી. નારી માત્રના નામથી અપરિચિત બાલ બ્રહ્મચારી ઋષ્યશૃંગ હવે કામિનીથી ચિરપરિચિત થઈ ચૂક્યા. એમને પોતાના પિતાના આશ્રમમાં પાછા ફરવાનો ખ્યાલેય ન આવ્યો. નાવના આશ્રમમાં તેઓ પેલી વારાંગના અને એમની સહેલીઓ સાથે આનંદ પ્રમોદમાં ડૂબી ગયા. ધીરે ધીરે નાવ મહારાજ લોમપાદની રાજધાનીમાં પહોંચી. હવે ઋષ્યશૃંગ અંગરાજના રાજમહેલમાં હતા. ઈંદ્રદેવે કૃપા કરી અને સમગ્ર દેશમાં મુશળધાર વર્ષાથી ભૂમિ પાણી પાણી થઈ ગઈ. રાજાના આગ્રહથી ઋષ્યશૃંગે તેમની પુત્રી શાંતાને પત્ની તરીકે સ્વીકારી. તપસ્વી નારીથી અપરિચિત હતા અને અપરિચયનું અવસાન ભોગ ઐશ્વર્યની આસક્તિમાં થયું.

આ બધું બન્યું કેવળ એક દૃષ્ટિપાતથી જ. માનવ મનના મર્મજ્ઞ ઋષિ વિભાંડકે પોતાના પુત્રને સાવધાન કરીને ચેતવણી આપતાં કહ્યું હતું: ‘એ માયાવી બ્રહ્મચારી તરફ નજર પણ ન કરતો.’ પણ ઋષ્યશૃંગ પિતાની આજ્ઞાનું પાલન ન કરી શક્યા. વાસનાના આવેગનું દમન જો આપણે પ્રારંભથી જ ન કરી દઈએ તો તે આપણને હરાવી દે છે. એના આકર્ષણના પાશમાં બંધાઈ ગયા પછી આપણે એના પર વિજય પ્રાપ્ત કરી શકતા નથી.

Total Views: 25

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.