ઈ. સ. પૂર્વે ની પ્રથમ શતાબ્દીમાં રોમમાં સિસેરો નામના એક વિલક્ષણ વિચારક અને વિદ્વાન થઈ ગયા. પોતાનાં સદાચાર, સદ્‌વિચાર અને નિષ્ઠાપૂર્ણ જીવનને કારણે લોકમાનસ પર તેનો ઘણો પ્રભાવ હતો.

રોમન સભ્યતા અને સંસ્કૃતિનો એ સુવર્ણ યુગ હતો. પશ્ચિમમાં બ્રિટન, રોમ અને સ્પેઈન, પૂર્વમાં મેસોપોટેમિયા અને બેબિલોન તથા દક્ષિણે ભૂમધ્ય સમુદ્ર કિનારાના આફ્રિકાના દેશો વિશાળ એવા રોમન સામ્રાજ્યના પ્રાંતો હતા. રોમના રસ્તાઓ પર વિદેશોમાંથી લાવેલાં સોના, સુંદરીઓ અને ગુલામોનાં પ્રદર્શનો સામંતો દ્વારા શાનથી યોજવામાં આવતાં. એ જમાનામાં દુનિયાના બધા રસ્તાઓ રોમ તરફ જતાં. (રોમ સભ્યતા, સંસ્કૃતિ શાન ને સમૃદ્ધિનું તેમજ સત્તાનું કેન્દ્ર હતું.)

આમોદ-પ્રમોદ, ભોગ-વિલાસ અને બૌદ્ધિક ચર્ચાઓ રોમન નાગરિકોની દિનચર્યા હતી. તર્ક-વિતર્કમાં અન્યને પરાજિત કરવામાં પોતાની પ્રતિષ્ઠા સમજવામાં આવતી. જો તર્ક-વિતર્કથી કોઈ નિર્ણય ન આવે તો સામસામી તલવારો પણ ખેંચાતી. રોજ, રોમના ચોકમાં વાદ-વિવાદ, તર્ક-વિતર્ક અને તલવાર યુદ્ધનાં દૃશ્યો જોવામાં આવતાં. સિસેરોનાં વ્યાખ્યાનો પણ ત્યાં યોજાતાં. તેમનો સિદ્ધાંત એ હતો કે લોકશાહી શાસન-પ્રણાલિ જ શ્રેષ્ઠ હતી. લોકો મંત્ર-મુગ્ધ બની તેને સાંભળતા.

એ સમયે સમાનતા અને ભાઈચારા વિશે કોઈ કાંઈ કહેતું નહોતું. ગુલામી પ્રથા પ્રચલિત હતી. સભ્ય ગણાતા રોમ અને ગ્રીસમાં ગુલામોને (સમૃદ્ધિ) સંપત્તિનો ભાગ ગણવામાં આવતા. અરબ અને આફ્રિકાના દેશોમાંથી લાવવામાં આવેલા સેંકડો ગુલામો રોમના સામંતો (સેનાપતિઓ)નાં ઘરોમાં રહેતા.

ઈશુના પચાસ વર્ષ પૂર્વે સેનાપતિ સીઝર સર્વેસર્વા, એકમાત્ર નેતા (સરમુખત્યાર) બની ગયો હતો. જેણે જેણે એનો વિરોધ કર્યો તેમને મારી નાખવામાં આવ્યા. પ્રાંતોમાં પણ વિદ્રોહના પ્રયાસને ક્રૂરતાથી દાબી દેવામાં આવ્યો, કચડી નાખવામાં આવ્યો. ‘સીઝર, મહાન સીઝર’ના નામથી લોકો ધ્રૂજતાં.

જો કે સિસેરો વ્યક્તિગત વિરોધ કરવામાં ન પડયો. પરંતુ લોક-સંમેલનમાં લોકશાહીના સિદ્ધાંતોનો દૃઢ રીતે પ્રચાર કરતો રહ્યો. એની લોક-પ્રિયતા જોઈને સીઝરે તેને મારી ન નાખ્યો, પણ માત્ર રાજધાનીમાંથી તેને કાઢી મૂક્યો.

પોતાના નજીકના કેટલાક શિષ્યો ગુલામોની સાથે એક ગામડામાં રહીને તે લોકશાહી પર ગ્રંથ લખવા માંડ્યો. દરમિયાન તેને સીઝરના આતંક અને અત્યાચારોના સમાચાર મળતા રહેતા.

સરમુખત્યારશાહી મહત્વાકાંક્ષી સરમુખત્યારો ઊભા કરે છે અને સરખમુખત્યારનો અંત પણ આ નવા મહત્વાકાંક્ષી સરમુખત્યારો વડે જ થાય છે; આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. એક દિવસ સીઝરના વિશ્વાસુ મિત્ર અને સેનાપતિ બ્રુટસને હાથે જ, સભાસદોની બેઠકમાં જ તેની હત્યા થઈ. મરતા સમયે સીઝર માત્ર એટલું જ બોલી શક્યો, ‘બ્રુટસ! તું પણ!’

રાજધાનીમાં અશાંતિ ફેલાઈ ગઈ. વિશાળ રોમન સામ્રાજ્યમાં અંધાધૂંધીનાં લક્ષણો દેખાવા લાગ્યાં. સેના લેપિડિસની સાથે હતી. રાજ્યકોષ (ભંડાર) અને સાધનો પ્રધાનમંત્રી એન્ટોની પાસે હતાં. (તેને હસ્તક હતા) પરંતુ સરમુખત્યારશાહીથી અતિ ત્રાસી ગયેલી જનતા, લોક, યુવક નેતા ઓકટેવિયસની સાથે હતી. ત્રણેય વચ્ચે યુદ્ધની તૈયારીઓ થવા લાગી.

ઓકટેવિયસે પોતાના ગુરુ સિસેરોને રોમ આવવાનું નિમંત્રણ આપતાં લખ્યું, ‘રોમની માથે ભયાનક વિપત્તિઓ આવી છે. બચપનથી જ આપના સિદ્ધાંતોને આવકારતો રહ્યો છું. જનતા અને લોકો મારી સાથે છે. પરંતુ ધન અને સેનાની ખોટ છે. તો જો અહીં આવી આ સંકટ સમયે મારી સહાયતા કરશો તો લોકશાહી તંત્રની સ્થાપના શક્ય બનશે.’

માતૃભૂમિ પ્રતિનું પોતાનું કર્તવ્યપાલન કરવા સિસેરો રોમ પહોંચ્યો. ઘણાં વર્ષો પછી તે અહીં આવ્યો હતો. વાળ સફેદ થઈ ગયા હતા, દાંત પડી ગયા હતા, શરીર જર્જરિત થઈ ગયું હતું. છતાં પણ વાણીની ઓજસ્વિતા એવી ને એવી જ હતી, પહેલાં જેવી જ હતી. તેની સભાઓમાં લાખોની સંખ્યામાં લોકો આવવા લાગ્યા. એન્ટોની અને લેપિડિસને ડર લાગ્યો કે જનતા વિદ્રોહ ન કરી બેસે (જનતાના વિદ્રોહનો ડર લાગ્યો).

આખરે એક દિવસ રોમની બહાર ત્રણેયની એક ખાનગી બેઠક મળી. બધા ભયભીત હતા. આખરે નક્કી થયું કે અંદરો અંદર લડાઈ કરવી નકામી છે, વ્યર્થ છે, શા માટે અંદરો અંદર લડવું. રોમન સામ્રાજ્યના ત્રણ વિભાગો થયા – રોમ, બ્રિટન અને સ્પેન; મેસોપોટેમિયા અને બેબીલોનિયા; આફ્રિકાનો પ્રદેશ. રાજ્યોના સંચાલન માટે વિપુલ ધનરાશિની જરૂરત હતી. ત્રણેયે પોતાના અતિ ધનવાન એવા મિત્રોનાં નામ કહ્યાં. એમને મારી નાખીને ધન-સંગ્રહ કરવાની યોજના બનાવી. ત્યારબાદ એન્ટોનીએ કહ્યું સુચારુ રીતે રાજ્યનું સંચાલન કરવામાં સહુથી વધારે નડતરરૂપ બુદ્ધિજીવીઓ હશે. તેથી મોડું કર્યા વગર, વિલંબ કર્યા વગર તેમને પણ સમાપ્ત કરવા પડશે. એવાં બુદ્ધિજીવીઓનાં નામની યાદી બનાવવામાં આવી. આવા નામોની યાદીમાં સૌથી પહેલું નામ સિસેરોનું હતું.

આથી ઓકટેવિયસ અકડી ગયો, કહેવા લાગ્યો, ‘જેની સહાયતાથી હું વર્તમાન (આજની) સ્થિતિએ પહોંચ્યો છું; જેઓ મારા માટે પિતા સમાન છે, તેમની હત્યા કરવા, હું કઈ રીતે સહમત થઈ શકું?’ સમજૂતિ એ દિવસે તો ના થઈ, પરંતુ બીજે દિવસે આ મહાન વિચારકની હત્યા માટે ત્રણેય સહમત થઈ ગયા. આ રીતે રોમન સામ્રાજ્યની વહેંચણી થઈ, વિભાગીકરણ થયું.

સિસેરોને આ સમાચાર મળ્યા. થોડા સમય બાદ પોતાના ‘રિપબ્લીકા’ ગ્રંથ પુરો કરીને, પુત્ર અને મિત્રોને આ ગ્રંથ સોંપતાં તેણે કહ્યું, ‘મારા જીવનનો ઉદ્દેશ્ય પુરો થયો, હવે તમોને કષ્ટ નહીં આપું.’ એ લોકોએ સમજાવવા પ્રયત્ન કર્યો, ‘સામે જ ઝડપથી ચાલતી નૌકા પડી છે. સહમતિ આપો તમને અમે સકુશળ ગ્રીસ પહોંચાડી દઈએ. ગ્રીસ આપનું સ્વાગત કરીને ગૌરવનો અનુભવ કરશે.’

સિસેરોનો જવાબ હતો, ‘મૃત્યુ અનિવાર્ય છે, થોડા વધારે દિવસો જીવવા માટે માતૃભૂમિનો ત્યાગ કરી, કયાંય જવા નથી માગતો. અહીંની માટીમાં જન્મ્યો અને એમાં જ મળી જવાથી મારા આત્માને શાંતિ થશે. મનુષ્યનો જન્મ કોઈ ઉદ્દેશ્યથી થાય છે અને તેની પૂર્તિ થાય એ જ એના જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. હવે જીવનનો મોહ શા માટે?’

આ સમાચાર રાજધાનીમાં પહોંચ્યા. સિસેરોના માથા સાટે બહુ મોટું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. કેટલાય સશસ્ત્ર સિપાહીઓ તેને કેદ કરવા આવ્યા. તેના સાથીઓએ પણ તલવારો ખેંચી. ‘સાવધાન, રક્તપાત નહીં, જરા પણ નહીં.’, એવું કહેતાં સિસોરેએ આત્મસમર્પણ કરી દીધું.’

સૈનિકો તેનું માથું અને હાથ કાપીને રોમ લઈ ગયા. રાજધાનીના એ જ ચોકમાં, તેના માથાને અને હાથને ઊંચે ટાંગવામાં આવ્યા, જ્યાં તેણે પોતાના સારગર્ભિત ઉપદેશોથી લોકોને પ્રભાવિત કર્યા હતા.

સિસેરોનું આત્મબલિદાન વ્યર્થ ન ગયું, તેનો ઉદ્દેશ્ય, ‘જનતંત્ર’ લોકમાનસમાં અમર બની ગયો. સમ્રાટ અને સામંતો ભોગ – તૃષ્ણા વધતી જ ગઈ. અત્યાચાર, વધતાં – વધતાં, થોડાં વર્ષો પછી સમ્રાટ નીરોના તોરીલાપણા અને ક્રૂરતા રૂપે સાકાર થવા લાગ્યાં. અમાપ ભોગ – તૃષ્ણાનું પગલું પતન તરફ લઈ જાય છે, એ જ થયું. લોકોમાં સરમુખત્યારશાહીથી મુક્તિ મેળવવા રૂપી ચીનગારીએ જ્વાલાનું રૂપ ધારણ કર્યું. એ આગ જ્વાલામાં નીરો ભસ્મીભૂત થયો. સામ્રાજ્ય વેર – વિખેર થઈ ગયું; અને એ વાતની સાક્ષી આપવા માત્ર ખંડેરો જ રહ્યાં.

(અનુવાદક : શ્રી ચંદ્રકાંતભાઈ દવે)

Total Views: 31

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.