પ્રસ્તાવના

વૈદિક સાહિત્ય ત્રણ કાંડમાં વહેંચાયેલું છે. કર્મકાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાનકાંડ. તેમાં કર્મ અને ઉપાસના કાંડમાં લૌકિક ફળોની પ્રાપ્તિ માટેની ક્રિયાઓ છે. જે ભાગને સંહિતા કહેવામાં આવે છે. જ્યારે જ્ઞાનકાંડમાં લૌકિક ફળની કોઈ વાત જ નથી. એમાં તો આત્મતત્ત્વની પ્રાપ્તિ, જીવનનો ઉદ્દેશ બ્રહ્મનું સ્વરૂપ વગેરેનું નિરુપણ છે. જે ભાગને આરણ્યક કહે છે. ઉપનિષદોનો સમાવેશ આ ભાગમાં થયેલો છે. આ ભાગ વેદનો અંતિમ ભાગ હોઈને તેને વેદાંત પણ કહેવામાં આવે છે. અહીં રજૂ થયેલું જ્ઞાન તો છે, ઋષિમુનિઓના તપોમય જીવન દ્વારા થયેલું, તેઓના વાસ્તવિક અનુભવોનાં દર્શનમાંથી પ્રગટેલું પરમતત્ત્વનું સર્વોચ્ચ રહસ્ય. આ બ્રહ્મવેત્તા ગુરુઓએ અનેકવિધ દૃષ્ટાંતો દ્વારા, પ્રસંગો તથા અનેક પ્રકારની યુક્તિ-પ્રયુક્તિ દ્વારા, કે પોતાની વિશિષ્ટ અભ્યાસ પદ્ધતિ દ્વારા, આ પરમ રહસ્ય જિજ્ઞાસુ શિષ્યોને સમજાવ્યું છે.

જિજ્ઞાસુ શિષ્ય ગુરુની સમીપ બેસીને, તેના અંતેવાસી બનીને જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, એ જ્ઞાન એટલે ઉપનિષદ. બ્રહ્મવિદ્યાની ઉપાસના માટે શિષ્યો હાથમાં સમિધ લઈને બ્રહ્મજ્ઞ ગુરુની પાસે જતા. આ સમિધ તો પ્રતીક છે, શિષ્યના હૃદયમાં બ્રહ્મવિદ્યા માટે પ્રજ્જવળતી રહેલી અભીપ્સાનું. ગુરુના આશ્રમમાં રહીને તેઓ તેમની સેવા કરતા અને સાથે સાથે ગુરુએ પ્રબોધેલા માર્ગે બ્રહ્મની ઉપાસના કરતા. ગુરુઓ પણ શિષ્યની કક્ષા અને પ્રકૃતિ પ્રમાણે તેમને આ મહાન જ્ઞાન માટે તૈયાર કરતા.

આ ઉપનિષદોની વિશિષ્ટતા એ છે કે એમાં આપેલું તત્ત્વજ્ઞાન એ નક્કર અનુભૂતિઓના પાયા પર રચાયેલું છે. ઋષિઓના સ્વાનુભવમાંથી એ નીપજેલું છે, અને મનુષ્ય જીવનની સર્વોચ્ચ ઉપલબ્ધિ કરાવવાની ક્ષમતા ધરાવે છે. તેથી આજે પણ ઉપનિષદો એના રચનાકાળ જેટલાં જ ઉપયોગી અને તાજાં છે. આવું વાઙમય વિશ્વસાહિત્યમાં બીજું જોવા મળતું નથી.

ગૂઢાતિગૂઢ એવા બ્રહ્મને ઋષિઓએ દૃષ્ટાંતો, પ્રતીકો દ્વારા હસ્તામલકવત્‌ બનાવી દીધું છે. ઉપનિષદોમાં આપેલી કથાઓ એ માત્ર દૃષ્ટાંત કથાઓ જ નથી પણ એમાંની ઘણી કથાઓ ઋષિઓનાં જીવનદર્શનનો એક ભાગ છે. ઋષિઓની આગવી શિક્ષણ પદ્ધતિ તેમાંથી પ્રગટ થાય છે. વિવિધ પ્રસંગે, વિવિધ સંજોગોમાં અપાયેલું એ શિક્ષણ છે. સત્યના શોધકની પ્રકૃતિ પ્રમાણે આ શિક્ષણ આપવાની રીત જાણે અલગ અલગ હોય, પણ શિક્ષણનું મૂળભૂત ધ્યેય તો એક જ છે, બ્રહ્મની અનુભૂતિ. અહીં ઉપનિષદોની કેટલીક કથાઓની પસંદગી એ રીતે કરવામાં આવેલી છે કે જેના દ્વારા વેદનું રહસ્ય સરળતાથી આપણે સમજી શકીએ.

વિજય કોણે અપાવ્યો?

એક વખત દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં દેવતાઓ જીત્યા. આથી દેવો એવું માનવા લાગ્યા કે તેઓ ખૂબ જ શક્તિશાળી છે, એટલે તેઓ અસુરોને હરાવી શકયા. તેઓ પોતાની શક્તિનો ગર્વ કરવા લાગ્યા. વળી દેવોમાં પણ અંદરો અંદર હુંસાતુંસી થવા લાગી ને દરેક એમ કહેવા લાગ્યા કે ‘હું જ બળવાન, મારે લઈને જ આ વિજય મળ્યો છે. એક વખત બધા દેવો એકત્ર થયા હતા, ત્યારે અગ્નિદેવે પોતાની બડાઈ હાંકતા કહ્યું; ‘આ વિજય તો મેં જ અપાવ્યો છે. મારી આગની સામે ભલભલા અસુરોય ઊભા રહી શકયા નહીં અને નાસી ગયાં. આ સાંભળીને વાયુદેવ બોલી ઊઠ્યા; ‘આ વિજય તો મારે લઈને જ મળ્યો છે. વાયુ વગર અગ્નિનું જોર ચાલે જ નહીં. મેં જ અસુરોની સેનાને નસાડવાનું કામ કર્યું છે.’ આ સાંભળીને ઈંદ્રદેવે કહ્યું; ‘તમે બણગા ફૂંકવા રહેવા દો, મારી વ્યૂહરચના એવી હતી કે અસુરોને નાસવું પડયું.’ આમ, ‘વિજય તો મેં જ અપાવ્યો છે.’ એમ કહી દરેક દેવ પોતાને મહાન માનવા લાગ્યા અને અભિમાન કરવા લાગ્યા કે જો તેણે પરાક્રમ ન દાખવ્યું હોત તો અસુરો પરાજિત થયા ન હોત.

દેવોમાં આવેલું આ અભિમાન જોઈને પરબ્રહ્મ પરમાત્માને થયું કે આ તો બરાબર ન કહેવાય. કોની શક્તિથી તેઓ વિજયી બન્યા છે, તે તો તેમને સ્પષ્ટ રીતે જણાવવું જોઈએ. પરંતુ જો સીધી રીતે તેઓ દેવતાઓને ઉપદેશ આપે તો વિજયના મદમાં મહાલતા દેવતાઓ એ સ્વીકારશે નહીં. કોઈ યુક્તિ દ્વારા જ એમને એમની શક્તિનું ભાન કરાવવું જોઈએ. આથી તેમણે એક સુંદર યક્ષનું સ્વરૂપ ધારણ કર્યું અને પ્રગટ થયા.

આવા સુંદર સ્વરૂપવાળા યક્ષને પ્રગટ થયેલા જોઈને દેવોને ભારે આશ્ચર્ય થયું. તેમને જિજ્ઞાસા પણ થઈ કે આ વળી કોણ હશે અને મનમાં શંકા પણ જાગી કે કયાંક કોઈ અસુર માયાવી રૂપ ધરીને તો આવ્યો નહીં હોય ને! આથી તેમણે પોતાને સર્વથી શ્રેષ્ઠ ગણાવતા અગ્નિદેવતાને કહ્યું : ‘હે અગ્નિ, તમે જઈને તપાસ તો કરો કે આ કોણ છે અને શા માટે અહીં આવ્યા છે?’

‘અરે, એ તો હું હમણાં જાણી લાવીશ, એમાં વળી કઈ મોટી વાત છે?’ આમ કહીને અગ્નિદેવ તો ઝડપથી યક્ષ પાસે પહોંચી ગયા. પણ યક્ષનું ઝળહળતું સ્વરૂપ જોઈને તેઓ અવાક્‌ થઈ ગયા. કંઈ પૂછી ન શકયા અને તેની પાસે ઊભા રહી ગયા. પોતાની સામે ચૂપચાપ ઊભેલા અગ્નિને જોઈને યક્ષે પૂછયું; ‘તું કોણ છે?’

‘હું અગ્નિ છું. અગ્નિના નામે ઓળખાતો જાત વેદ છું? પોતાની મહત્તા બતાવતાં અગ્નિએ ગર્વથી કહ્યું.

‘એમ? અગ્નિ અને જાતવેદ એવાં બે નામ ધરાવનારા છો? તો તો તમારામાં ઘણી શક્તિ હશે. ભલા, તમે શું કરી શકો તેમ છો?’ યક્ષે પૂછયું.

‘અરે, પૃથ્વી ઉપરના સઘળા પદાર્થોને હું ક્ષણમાં જ બાળીને ભસ્મ કરી દઈ શકું છું.’ અભિમાનથી અગ્નિ બોલી ઊઠ્યા. અજાણ્યા બનીને યક્ષે કહ્યું; ‘શું કહો છો?’

‘હા, તમને મારી શક્તિની ખબર નથી.’

અગ્નિનો આવો અહંકાર જોઈને યક્ષે મર્માળું સ્મિત કર્યું ને કહ્યું; ‘તો પછી તમે આ એક તણખલું બાળી આપો.’ એમ કહીને યક્ષે તેમની આગળ ઘાસનું એક સૂકું તણખલું મૂક્યું. યક્ષની આવી ચેષ્ટા જોઈને અગ્નિદેવ મનમાં તમતમી ઊઠ્યા, એમને આમાં પોતાની શક્તિનું અપમાન થતું જણાયું અને આ ક્ષણે જ તણખલાંને બાળી દઉં એમ કહી તણખલાને બાળવા લાગ્યા. પણ તણખલાંનો તો છેડોય ન બળ્યો. એ તો એમનું એમ જ રહ્યું! અગ્નિદેવે પોતાની તમામ દાહકશક્તિ વાપરી, તો ય તણખલાને તો કંઈ અસર જ ન થઈ, એ તો એમનું એમ જ પડયું રહ્યું. હવે અગ્નિને થયું કે ‘આમ કેમ થયું? સઘળા પદાર્થોને બાળી નાખવાની એની શક્તિ ક્યાં અદૃશ્ય થઈ ગઈ? પણ તેઓ સમજી શક્યા નહીં કે એ શક્તિ એની પોતાની નહોતી, એ તો પરમાત્માએ એમને આપેલી શક્તિ હતી અને એ શક્તિ પરમાત્માએ પાછી ખેંચી લીધી તો હવે એક તણખલાંને બાળવાની શક્તિ પણ તેમનામાં નહોતી. પરંતુ પોતાની સામે ઊભેલા યક્ષને તેઓ ઓળખી શકયા નહીં. એટલે શરમથી માથું ઝૂકાવીને તેઓ પાછા ફરી ગયા. દેવો પાસે જઈને તેમણે કહ્યું; ‘આ યક્ષ કોણ છે, તે હું જાણી શક્યો નહીં.’

અગ્નિદેવ યક્ષને જાણ્યા વગર જ પાછા આવ્યા એટલે હવે બધા દેવોની નજર વાયુદેવ તરફ ગઈ. તેઓએ કહ્યું; ‘આ કામ તો તમે જ કરી શકશો, વાયુદેવ.’ વાયુદેવને પણ પોતાની શક્તિનો ભારે ગર્વ હતો, એટલે તેમણે કહ્યું; ‘હા હું હમણાં જ તપાસ કરીને આવું છું.’ તેમણે વિચાર્યું કે અગ્નિ ભલે યક્ષને ન ઓળખી શકયો, પણ હું તો જરૂર ઓળખી લઈશ’ એમ માનીને વાયુદેવ ગર્વભેર ચાલતા ઝડપથી યક્ષ પાસે આવી પહોંચ્યા. પરંતુ યક્ષનું તેજસ્વી રૂપ જોઈને તેને પૂછવાની તેમની પણ હિંમત ન ચાલી. એટલે તેઓ પણ અગ્નિની જેમ જ યક્ષની સામે ઊભા રહી ગયા. તેને પોતાની સમીપ ઊભેલા જોઈને હવે યક્ષે જ તેમને પૂછયું; ‘તમે કોણ છો?’ વાયુદેવે પણ અભિમાનથી કહ્યું; ‘મારું નામ તો સહુ કોઈ જાણે છે. હું સુપ્રસિદ્ધ એવો વાયુ છું. પૃથ્વી, આકાશ ગમે ત્યાં હું જઈ શકું છું, માતરિશ્વાના નામથી પણ હું પ્રસિદ્ધ છું.’

‘ઓહો, તમારે પણ બે નામ છે, અને તમે માતરિશ્વાના એટલે કંઈ પણ આધાર વગર આકાશમાં ગતિ કરનારા છો! કહો, તમે શું કરી શકો છો?’ યક્ષે પૂછ્યું.

‘હું જો ઇચ્છું તો આ પૃથ્વી ઉપર જે કંઈ દેખાય છે, તેને પળવારમાં ઉડાડી દઉં.’

‘એમ કે? તમે તો ભારે શક્તિશાળી. તો પછી મારા આ એક તણખલાંને ઉડાડી આપોને!’ યક્ષે વાયુદેવની આગળ પણ એ સૂકા ઘાસનું તણખલું મૂક્યું.

યક્ષની આ વાતથી વાયુને પણ પોતાનું અપમાન થતું લાગ્યું અને એને થયું કે આ યક્ષને મારી શક્તિની ખબર નથી, પણ હમણાં હું એને બતાવી દઉં. તણખલું તો શું, ભલભલા પર્વતોને પણ ઉડાડી દઈ શકું છું! આમ માનીને વાયુદેવ તણખલા પાસે ગયા અને તેને ઉડાડી મૂકવા પોતાની શક્તિ વાપરી. પણ તણખલું તો હલ્યું પણ નહીં. આ જોઈને વાયુદેવે ડુંગરા ડોલાવનારી પોતાની પ્રચંડ શક્તિ વાપરી તોય તણખલાંને કંઈ અસર ન થઈ. આ શું કહેવાય? વાયુદેવને ભારે આશ્ચર્ય થયું કે આવું એક સૂકા ઘાસનું તુચ્છ તણખલુંય પોતે ઉડાડી શક્તા નથી! પરંતુ અગ્નિની જેમ એમને પણ સમજાયું નહીં કે પરબ્રહ્મે આપેલી શક્તિથી જ તેઓ બધાંને ઉડાડી શકતા હતા. એમની પોતાની એ શક્તિ કયાં હતી? હવે પરબ્રહ્મે એ શક્તિ પાછી ખેંચી લીધી તો તણખલાને ઉડાડવાની શક્તિ પણ તેમનામાં નહોતી. વાયુદેવ પણ શરમિંદા બનીને દેવો પાસે પાછા આવી પહોંચ્યા અને કહ્યું; ‘યક્ષ કોણ છે, એ હું જાણી શક્યો નથી.’

આવા બે સમર્થ દેવો જો યક્ષને જાણ્યા વગર પાછા આવ્યા તો બીજાંઓનું તો શું ગજું? એટલે પછી બધા દેવોએ દેવરાજ ઈંદ્રને વિનંતી કરી કે ‘આપ જ જઈને તપાસ કરો અને યક્ષ કોણ છે, તે જાણી લાવો.’

દેવરાજ ઈંદ્ર તો એવું સ્પષ્ટ પણે માનતા હતા કે તેમને લઈને જ અસુર સેના પર વિજય મળ્યો છે, એટલે તેઓ તો ગર્વભેર યક્ષ પાસે જવા લાગ્યા. હવે યક્ષ એટલે પરબ્રહ્મ પરમાત્માએ જોયું કે આનું અભિમાન તો પેલા બે દેવો કરતાંય ચઢી જાય તેવું છે આ અભિમાનને – અહંકારને જડમૂળમાંથી દૂર કરવાં જોઈએ. નહીંતર ભવિષ્યમાં અનર્થ સર્જાઈ જશે. એટલે ઈંદ્રને આવતા જોઈને યક્ષ અંતર્ધ્યાન થઈ ગયા. અગ્નિ અને વાયુ સાથે તો તેમણે વાત કરી, પણ ઈંદ્ર સાથે તો વાત પણ ન કરી!

યક્ષ એકાએક અદૃશ્ય થઈ ગયા એટલે ઈંદ્રને વિશેષ આશ્ચર્ય થયું. તેઓ ત્યાં ઊભા રહી ગયા અને વિચાર કરવા લાગ્યા કે આ યક્ષ કોણ હશે અને શા માટે અહીં આવ્યા હશે? તેઓ અગ્નિ ને વાયુની જેમ તાત્કાલિક પાછા ન ફર્યા. ત્યાં વળી તેમણે એક બીજું આશ્ચર્ય જોયું. જ્યાં યક્ષ અંતર્ધાન થયા હતા, ત્યાં અત્યંત લાવણ્યમયી, સુવર્ણના અલંકારોથી શોભતી એક સ્ત્રી પ્રગટ થઈ. એ હિમાલયની પુત્રી ઉમા છે, એમ જણાતા, ઈંદ્ર એની પાસે ગયા અને તે તો પરમાત્માની શક્તિ રૂપ હોઈને તેને યક્ષની ખબર હશે, એમ માનીને તેને પૂછયું; ‘હે માતા, કૃપા કરીને મને કહો કે, આમ દર્શન દઈને એકાએક અંતર્ધાન થઈ જનારા એ યક્ષ કોણ છે?’

‘અરે, એ તો સાક્ષાત્‌ પરબ્રહ્મ છે. તમે તમારા વિજયના મદમાં મહાલી રહ્યા છો, એટલે તમે તેમને ઓળખી ન શક્યા. ખરેખર બ્રહ્મની શક્તિથી જ તમને વિજય મળ્યો છે. અસુરોને જીતવામાં તમે તો માત્ર નિમિત્ત છો. તમારા સહુમાં બ્રહ્મે આપેલી શક્તિ જ કાર્ય કરી રહી છે. પરંતુ તમે એ ભૂલી ગયા ને મિથ્યાભિમાનમાં રાચવા લાગ્યા એટલે તમારા મદને દૂર કરવા બ્રહ્મ યક્ષ સ્વરૂપે તમારી પાસે આવ્યા હતા.’

હવે ઈંદ્રને યક્ષનું સ્વરૂપ સમજાઈ ગયું. તેઓ દેવો પાસે આવ્યા અને સઘળી હકીકત કહી જણાવીને પછી બોલ્યા; ‘આપણો એ મિથ્યાભ્રમ છે કે આ બધી આપણી શક્તિઓ છે, પણ ખરેખર આપણી અંદર બ્રહ્મની શક્તિ જ કાર્ય કરી રહી છે, એ હવે આપણે કદી ભૂલશું નહીં અને પછી બધા દેવો બ્રહ્મની સ્તુતિ કરવા લાગ્યા.

કેન ઉપનિષદના ત્રીજા અને ચોથા ખંડમાં બ્રહ્મને સમજાવવા માટે ગરુએ શિષ્યોને કહેલી આ ઉપાખ્યાયિકા બ્રહ્મની સર્વશક્તિમત્તા પ્રગટ કરીને આપણને એ સમજાવે છે કે પરબ્રહ્મ પરમાત્માની શક્તિ વગર સમસ્ત બ્રહ્માંડમાં કશું પણ થઈ શકતું નથી.

(પ્રસ્તુતિ : જ્યોતિબહેન થાનકી)

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.