રાજસ્થાનનાં શૌર્ય અને બલિદાનનો ઇતિહાસ વિશ્વમાં અજોડ છે. સન્માન અને સતીત્વની રક્ષા માટે બાળકોને ખોળામાં લઈ ધધકતી આગમાં કૂદી પડી પ્રાણ ત્યાગ કરવો એ અત્યંત અદ્વિતીય દૃષ્ટાંત છે. ભારત સિવાય બીજે ક્યાંય આવાં ઉદાહરણો જવલ્લે જ જોવા મળે. રણથંભોર અને ચિત્તોળમાં આવાં ઘણાં ‘જોહર’ થયાં છે. આવું એક જોહર ૧૦૨૪માં બિકાનેર પાસે ભાદ્રા ગામની પાસે ગોગામઢીમાં થયું હતું. આમાં ૭૦૦ કૂલવધૂઓ પોતાનાં બાળકોને ખોળામાં લઈને બળીને ભસ્મ થઈ ગઈ. જ્યારે ગઝનવીની ફોઝ મઢી પાસે પહોંચી ત્યારે તેને રાખનો ઢગલો અને અડધા બળેલા માંસના લોચા પર મંડરાતાં હજારો ગીધો જોવા મળ્યાં.

ગોગામઢીના ચૌહાણ સરદાર ગોગાજીનો એક અદ્‌ભુત ઇતિહાસ છે. યુરોપના ૧૨મી સદીના ક્રસેડ અભિયાનના કેટલાક નેતાઓ, ભારતમાં જયમલ, પત્તા અને વીરચૂડાવતના સરદારનાં બલિદાનો કરતાં પણ ગોગાજીનું બલિદાન અત્યંત ઉજ્વલ અને અનોખું છે.

મહમદ ગઝનવીની ૫૦ હજારની સુસજ્જ ફોજથી ડરીને લોહકોટ (લાહોર) અને મુલતાનના હિંદુ રાજાઓ પોતાની ફોજ સહિત તેમની સાથે ભળી ગયા. પછી તો રસ્તામાં આવતા સામંતો વગેરે તો અનાયાસે તેમનામાં ભળી જતા. મરુભૂમિની સીમાએ પહોંચતાં પહોંચતાં તેમની પાસે ૩૦ હજાર સવાર અને ૫૦ હજાર પાયદલ ફોજ થઈ ગઈ હતી.

જ્યાં સુધી સંભવ થઈ શકે ત્યાં સુધી મહમદ ગઝનવી સામંતો વગેરેની સાથે સંધી કરીને સોમનાથની પ્રસિદ્ધ મૂર્તિનો ધ્વંશ કરવા આગળ વધી રહ્યો હતો. તેણે ગુર્જરદેશની સમૃદ્ધિ વિશે સાંભળ્યું હતું. ત્યાં જઈને સિપાઈઓને લૂંટ કરવાની અને ગઝનવીને મહાદેવની મૂર્તિ તોડીને ગાઝી બનવાની લાલચ હતી.

તેમની ફોજને ભાટી પ્રદેશ (બિકાનેર) થઈને ઝાલોર મારવાડના માર્ગથી ગુજરાત (સૌરાષ્ટ્ર) જવાનું હતું. રસ્તામાં ગોગામઢી આવતી હતી, ત્યાંના વૃદ્ધ સરદાર ગોગાજીની યશોગાથા તેણે સાંભળી હતી. ગઝનવીએ એક દેશ-ધર્મદ્રોહી તિલક નામના ભારતીય સાથે પોતાના સેનાપતિ સાલાર મહમદને ગોગાબાપા પાસે હિરાજવેરાતના થાળ સાથે મોકલ્યા. તેણે કહ્યું કે અમીર ગઝનવી પોતાની ફોજ સાથે તમારા વિસ્તારમાંથી થઈને પ્રભાસપાટણ જઈ રહ્યા છે, તેમને તમારી સહાયતાની જરૂર છે.

૯૦ વર્ષના ગોગાબાપાના શરીરમાં ક્રોધની આગ વ્યાપી ગઈ. ગંભીર ગર્જના સાથે તેમણે કહ્યું: ‘તારો મીર ભગવાન સોમનાથના વિગ્રહને તોડવા જઈ રહ્યો છે અને તે માટે મારી સહાયતા માગે છે! તું હિંદુ થઈને તેની શેખાવત કરવા આવ્યો છો! જા, તારા માલિકને કહે કે ગોગાબાપા રસ્તો નહિ આપે.’ એમ કહીને હીરામોતીનો થાળ ઠોકર મારીને ફેંકી દીધો.

આ ગોગાબાપાને ૨૧ પુત્રો, ૭૪ પૌત્ર અને સવાસો પ્રપૌત્ર હતા. આ સિવાય તેમની પાસે ૯૦૦ શૂરવીરોની નાનકડી સેના હતી. ૧૫ દિવસ સુધી તૈયારી થતી રહી. કિલ્લાનું સમારકામ કરવામાં આવ્યું. હથિયાર તૈયાર કરવામાં આવ્યા. ચંડી અને મહારુદ્રના પાઠ થવા લાગ્યા.

એક દિવસ જોવામાં આવ્યું કે ગઝનવીની વિશાળ સેના ગોગામઢી પાસેથી અજગરની જેમ સરકતી પસાર થઈ રહી હતી. કદાચ તે ગોગાબાપાની સાથે અથડામણ નહોતા ઇચ્છતા. પ્રધાન પુજારી નંદી દત્તે કહ્યું: ‘બાપા, સંકટ ટળી ગયું છે. યવનોની ફોજ આગળ ચાલી ગઈ છે.’ બાપાની સફેદ મૂંછ અને દાઢી ફરકવા લાગી. તેમણે કહ્યું: ‘મહારાજ, આપણા શરીરમાં લોહીનું ટીપું રહે ત્યાં સુધી તે યવનો ભગવાન શંકરના વિગ્રહનો ધ્વંશ કરવા કેવી રીતે જઈ શકે? આપણે તે લોકોની પાછળ જઈશું. તમે કિલ્લામાં રહીને સ્ત્રીઓ અને બાળકોની સદ્‌ગતિ કરી દો. એવું ન થાય કે તેના હાથમાં મારા વંશની કોઈ જીવિત વ્યક્તિ આવી જાય.

યુદ્ધની તૈયારીના રણશિંગા ફૂકાયાં. ઘોડા-ઊંટ સજાવાયાં. કેસરિયા વાઘાં પહેરીને ૧૨૦૦ વીરો હાથમાં તલવાર, તીર અને ફરસાં વગેરે લઈને ગઝનવીની સવાલાખ ફોજનો વિધ્વંશ કરવા ચાલી નીકળી.

દસ વર્ષથી નાનાં બાળકો અને સ્ત્રીઓ માટે મોટી ચિતા તૈયાર કરીને પુરોહિત નંદી દત્તે તેમાં આગ પ્રજ્જ્વલિત કરી. તેમનો યુવાન પુત્ર તો બાપા સાથે યુદ્ધ માટે નીકળી પડ્યો હતો. પત્ની, પુત્ર અને કૂલવધૂ જોહરની આગમાં કૂદી પડ્યાં હતાં.

કિલ્લાની નીચે ઊભેલ યવન સેનાએ જોયું કે કેસરિયા વાઘાં પહેરેલ થોડાં વીરો ત્વરાથી તેના તરફ આવી રહ્યા છે. ‘અલ્લા-હુ-અકબર’ની ગર્જના થઈ. લીલી પાઘડી અને લાલ દાઢીવાળો મીર હાથી પર બેસીને પોતાની સેનામાં પોરસ ચઢાવી રહ્યો હતો.

૯૦ વર્ષના વયોવૃદ્ધ ગોગાબાપા યવન સેના પર વીજળીની જેમ ત્રાટકી પડ્યા. એકવાર તો ગઝનવીની સેનામાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. પરંતુ વીરોની સંખ્યાને સાજ સામગ્રીમાં એટલું બધું અંતર હતું કે થોડીવારમાં ચૌહાણ વીરો વીરગતિને પ્રાપ્ત થઈ ગયા. દુશ્મનના દસ ગણા માણસો માર્યા ગયા. ગોગાબાપાના વંશમાં તેમનો પૌત્ર સજ્જન અને પુત્ર સામંત બચી ગયા. કારણ કે તેઓ બંને પ્રભાસપાટણ મહમદ ગઝનવીના આક્રમણની અગાઉથી સૂચના આપવા ચાલ્યા ગયા હતા. પાછા વળતી વખતે ભાગી રહેલ લોકો પાસેથી બધી વિગત સાંભળી. થોડીવાર તો દુ:ખથી તેઓ રડવા લાગ્યા. પરંતુ પોતાની જાતને સંભાળીને પોતાનું કર્તવ્ય નિશ્ચિત કરી લીધું. સામંત ગતિશીલ ઊંટણી પર ચઢીને ગુર્જર નરેશ ભીમદેવ પાસે ચાલ્યા ગયા.

સજ્જન ચૌહાણ ઝાલોરના રાવલને મળવા ગયા. ઘણું સમજાવ્યા છતાં રાવલ માન્યા નહિ. તેમણે થોડા દિવસ પહેલાં જ ગઝનવીના દૂતને રસ્તો આપવાની સ્વીકૃતિ આપી હતી. તેમનું માનવું હતું કે ભીમદેવનું અભિમાન એટલું બધું વધી ગયું છે કે તેઓ તેમને તુચ્છ માને છે. હવે એમના પર સંકટ આવ્યું છે તો હું શા માટે તેને સહાયતા કરું? સજ્જને ઘણું સમજાવ્યું કે મહારાજ, આ તો ભીમદેવ અને તમારા વચ્ચેના સંબંધોનો પ્રશ્ન નથી, આ તો દેશ-ધર્મ પર સંકટ આવ્યું છે. આ સમયે પરસ્પરનો ભેદભાવ ભૂલીને યવનોનો નાશ કરવો જોઈએ. છતાં પણ રાવલ માન્યો નહિ ત્યારે વ્યર્થમાં સમય ન બગાડતાં પોતાની ઊંટણીને ગઝનવીની ફોજ તરફ દોડાવી. ત્રણ-ચાર દિવસ ત્વરાથી પથ કાપ્યા પછી તેમને સામે ગઝનવીનો દૂત અને સૈનિકોની ટૂકડી મળી. સાત સૈનિક સહિત દૂતને મારીને રાવલનો સ્વીકૃત પત્ર દૂતની કટાર અને ગુપ્ત નિશાન લઈને સજ્જન ગઝનવીની ફોજ તરફ ચાલી નીકળ્યો. આ સમયે ગઝનવીની ફોજમાં ૩૦ હજાર ઘોડેસવાર, ૫૦ હજાર તીરંદાજો અને ૩૦૦ હાથી હતા. ૪૦૦૦ ઊંટો પર ખાવા પીવાનો સામાન અને પાણી હતાં. આ પહેલાં આવડી મોટી ફોજ કોઈ સમ્રાટ પાસે છે એવું સાંભળ્યું ન હતું.

સજ્જને સેના નાયકને ગુપ્ત નિશાનો બતાવ્યા. તેથી સેનાપતિ સજ્જનને ગઝનવીની પાસે લઈ ગયો. એક મોટા તખ્ત પર અમીર બેઠો હતો. ચારે બાજુ ખુલ્લી તલવાર લઈને તાતારી સિપાઈઓ ઊભા હતા. સજ્જને દુભાષિયાના માધ્યમ દ્વારા અમીરને કહ્યું કે તેમના દૂતને રક્ષકો સહિત ઝાલોરના રાવલે મારી નાખ્યા છે. રાવલ અને મારવાડના રાજા રણમલની સેનાઓ સાથે મળીને લડાઈ માટે તૈયાર છે. નિશાની માટે લાવેલ દૂતની કટાર ગઝનવીના પગ પાસે રાખી દીધી. ત્રણ ચાર દિવસના થાક્યા અને ભૂખ્યા ચૌહાણની વાતો પર મહમદને વિશ્વાસ આવી ગયો. તેમણે પોતાનો પરિચય જેસલમેરના એક જાગીરદાર તરીકે આપ્યો અને તેમણે અમીરને કહ્યું, જો તેઓ ઇચ્છે તો સીધા રસ્તા દ્વારા માત્ર ૨૦-૨૨ દિવસોમાં જ સોમનાથ પહોંચાડી શકશે. એ રસ્તા પર કોઈ પણ પ્રકારની અથડામણની શંકા નથી. એના બદલામાં તે પોતાની જાગીરની પાસેના ૧૦૦ ગામ ઇચ્છે છે અને અત્યં સુંદર રીતે રસ્તાઓ અને ગામડાઓનો પરિચય આપ્યો કે સેનાપતિ અને બીજા બધા તેમની વાતને સાચી માનવા લાગ્યા.

બીજે દિવસે ગઝનવીએ પોતાની ફોજને રસ્તો બદલવાનો હુકમ આપ્યો. હવે તેઓ સીધા કોલાયત, બાફ અને જેસલમેરના રણમાં થઈને જવા લાગ્યા. સજ્જન પોતાની પ્રિય ઊંટણી પર બધાની આગળ ચાલ્યો. ચાર દિવસની યાત્રા પછી સેનાના જાણકારોએ શોરબકોર મચાવ્યો કે હવે પછીનો રસ્તો ભીષણ રણનો છે, ત્યાં માણસ તો શું પક્ષી પણ નથી જઈ શકતું. સેનાપતિ સાલાર મહમદે સજ્જનને ધમકાવ્યો, પણ સજ્જન પોતાની વાતમાં અડગ રહ્યો. અહીંથી પાછા વળવાથી પાંચ દિવસનો સમય લાગે એટલે તેઓ હિંમત કરીને આગળ વધ્યા. પાંચમે દિવસે બપોર થયો ત્યારે ભયાનક આંધી આવતી દેખાઈ. બળી રહેલી ગરમ-ગરમ રેતી રાક્ષસની સમાન વેગથી આવી રહી હતી. ચૌહાણ સજ્જનની ઊંટણી જાનના જોખમે પણ ગતિથી આગળ વધવા લાગી; અને પાછળ પાછળ મહમદની સેના. થોડા સમયમાં જ પ્રલયનું દૃશ્ય ઊભું થયું. રેતીના ઊડતા ઢગલાઓ પશુઓ અને મનુષ્યોને આંધળા બનાવવા લાગ્યા. ફોજ હતાશ થઈને પાછી ફરવા માગતી હતી પરંતુ પ્રલયકારી તૂફાનના તેજથી તથા થાકી ગયેલ અને માંદાં પશુઓને લઈને તેઓ પાછાં કેવી રીતે ફરે! ૧૦ હજાર ઊંટ, હાથી અને સિપાઈઓ ગરમ રેતીની નીચે દટાઈને મરી ગયાં. જે બચ્યા તેમાંથી ઘણાંને રાત્રે ભોંયરામાંથી નીકળેલ સાપોએ કરડી લીધા. એવું લાગતું હતું કે જાણે શિવે પોતાના ગણને યવનોની સેનાનો નાશ કરવા માટે મોકલી ન હોય!

વીર ચૌહાણે પણ પોતાની ઊંટણી સહિત આ મરુ ભૂમિમાં સમાધિ લીધી. આ રીતે દુશ્મન સેનાનો નાશ થવાથી તેના ચહેરા પર ઉલ્લાસ અને આનંદ હતો.

ગોગાબાપા અને તેમના વંશજોની પુણ્યકથા અહીં સમાપ્ત થઈ. તેમના યશોગાન ઉત્તર ભારતમાં મોઢે-મોઢે થાય છે. ભાદ્રપદ મહિનામાં ગોગામઢીમાં આ ઘટનાની પુણ્યસ્મૃતિમાં મોટો મેળો ભરાય છે. મહમદે પોતાની વધેલી સેનાને માંડ માંડ બચાવીને ઝાલોર મારવાડના રસ્તે થઈને સોમનાથ પર હુમલો કર્યો. આ કથાનો દેશના ઇતિહાસમાં પ્રમાણિત રૂપથી ઉલ્લેખ થયો છે.

Total Views: 22

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.