આજે સવારે શિષ્ય મઠમાં આવ્યો છે. સ્વામીજીના ચરણસ્પર્શ કરીને જેવો તે ઊભો થયો કે તરત જ સ્વામીજીએ કહ્યું: ‘તમે હજુ પણ શા માટે નોકરી કરવાનું ચાલુ રાખો છો ? કોઈ વેપારધંધામાં શા માટે નથી પડતા ?’ શિષ્ય તે દિવસોમાં એક કુટુંબમાં ખાનગી શિક્ષકની નોકરી કરતો હતો. શિક્ષણના ધંધા વિશે પૂછવામાં આવતાં સ્વામીજીએ કહ્યું: ‘જો છોકરાઓને ભણાવવાનો ધંધો માણસ લાંબો સમય કરે તો તેની બુદ્ધિ જડ બની જાય છે; તેનો વિકાસ થતો નથી. જો કોઈ રાતદિવસ છોકરાઓના ટોળામાં રહે તો ધીરે ધીરે તેની બુદ્ધિ જાડી થતી જાય છે.માટે છોકરાઓને ભણાવવાનું છોડી દો.’

શિષ્ય : તો પછી મારે શું કરવું ?

સ્વામીજી : કેમ, જો તમે સંસારી જીવન જીવવા માગતા હો અને કમાવાની તૃષ્ણા હોય તો અમેરિકા જાઓ. ધંધા અંગે હું તમને માર્ગદર્શન આપીશ. તમને અનુભવ થશે કે પાંચ વર્ષમાં તો ઘણા પૈસા કમાયા છો.’

શિષ્ય : હું કયો ધંધો કરું ? અને મને પૈસા ક્યાંથી મળવાના છે ?

સ્વામીજી : ‘તમે કેવી નકામી વાત કરો છો ! તમારામાં અદમ્ય શક્તિ રહેલી છે. માત્ર હું કંઈ નથી, હું કંઈ નથી, તેવો વિચાર કરવાથી નિર્બળ બની ગયા છો. તમે એકલા જ શા માટે ? આખી પ્રજા તેવી બની ગઈ છે. તમે એકવાર દુનિયાની મુસાફરી કરી આવો તો તમને ખબર પડશે કે બીજી પ્રજાઓનો જીવનપ્રવાહ કેવો જોરદાર વહે છે; અને તમે લોકો શું કરો છો ? આટલું ભણ્યા પછી પણ તમે બીજાના બારણે ભટકો છો અને ‘મને નોકરી આપો, મને નોકરી આપો’ એમ પોકારો છો. બીજાના પગ તળે ચગદાઈને – બીજાની ગુલામી કરીને તમે શું હજી સુધી માણસ રહ્યા છો !’ એક તણખલા જેટલી પણ તમારી કિંમત નથી. આ ફળદ્રૂપ દેશમાં જ્યાં પાણી પુષ્કળ છે, અને જ્યાં કુદરત સમૃદ્ધિ અને પાક બીજા દેશો કરતાં હજારગણો આપે છે ત્યાં ધરાઈને ખાવા જેટલું અન્ન નથી કે શરીર ઢાંકવા માટે કપડાં નથી !.. તમારા દેશના કાચા માલમાંથી પરદેશી લોકો સોનું પકવે છે, અને તમે લોકો ગધેડાની માફક તેનો માત્ર ભાર જ ખેંચ્યા કરો છો ! પરદેશના લોકો ભારતમાંથી કાચો માલ મગાવે છે, પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી અનેકવિધ વસ્તુઓ બનાવે છે અને સમૃદ્ધ બને છે, જ્યારે તમે તમારી બુદ્ધિને તાળું માર્યું છે, તમારી વારસાગત લક્ષ્મીને બીજાઓ પાસે ફગાવી દીધી છે, અને અન્નને માટે પણ કરુણ રુદન કરતાં કરતાં ટળવળ્યા કરો છો !’ 

(ભાગ-૯, પૃ.૫-૬)

Total Views: 19

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.