નિર્ભય વિજેતા ભયનો કોળિયો બને છે

એકવાર વૈજ્ઞાનિક પ્રવૃત્તિ તેમજ કહેવાતા નિર્ભય સ્વભાવવાળા એક યુવકે પોતાના મિત્રો દ્વારા એક પડકાર ઝીલી લીધો. એણે અડધી રાતે શહેરની બહાર આવેલ કબ્રસ્તાનમાં જઈને બરાબર એની વચ્ચે જ એક થાંભલો નાખવાનો હતો. એ યુવાન રાતે કબરની શોધખોળ કરીને એની ભીતર ભૂતપ્રેતોની હાજરીનું સત્યાપન કરવાની મહત્ત્વાકાંક્ષા રાખનારા એક નિર્ભય માનવી તરીકે ગામમાં પ્રસિદ્ધ હતો. પૂરેપૂરા વિશ્વાસ સાથે એ આગળ વધ્યો. એમની પાછળ પાછળ જનારા મિત્રો કબ્રસ્તાનના દરવાજે જ ઊભા રહ્યા અને તેના આવવાની રાહ જોવા લાગ્યા. તે યુવાન કબ્રસ્તાનમાં ગયો. મિત્રોએ ખાડો ખોદવાનું અને થાંભલો રાખવાનો અવાજ પણ સાંભળ્યો. થોડીવારમાં બધું શાંત થઈ ગયું.

મિત્રો તો પોતાના સાહસિક યુવાન મિત્રની હિંમતની પ્રશંસા કરવા લાગ્યા. તેઓ તો એના પાછા ફરવાની ઘણા સમય સુધી રાહ જોતા રહ્યા. પણ એમને મોટો આઘાત લાગવાનો હતો. મિત્રોએ એને મોટા સાદે બોલાવ્યો પણ કંઈ પ્રતિસાદ ન મળ્યો. પૂર્વ ક્ષિતિજ પર પ્રભાતની લાલીમા પ્રગટ થવા લાગી. યુવકો પોતાના મિત્રની શોધમાં કબ્રસ્તાનમાં પ્રવેશ્યા તે જમીન પર પડેલો જોવા મળ્યો. જ્યારે મિત્રોએ એની પાસે જઈને એને જગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે એનો દેહ તો બરફ જેવો ઠંડો થઈ ગયો છે. થોડા કલાક પહેલાં જ તે મરી ગયો હતો.

એ લોકોને તરત જ તેના મૃત્યુનું કારણ સમજાઈ ગયું. બન્યું એવું કે જમીનમાં થાંભલો ખોડતાં-ખોડતાં એની શાલનો એક છેડો થાંભલા સાથે દબાઈ ગયો એને આની ખબર પણ ન પડી. હથોડાથી થાંભલો ખોડી દીધા પછી જ્યારે તે ત્યાંથી ઊભો થઈને ચાલવા ગયો ત્યારે એને એવું લાગ્યું કે જાણે કોઈ એને પાછળ તરફ ખેંચી રહ્યું છે. આ રીતે પાછળ તરફ ખેંચનાર ભૂત સિવાય બીજું કોણ હોઈ શકે? તે ભૂતના ભયને લીધે મરણને શરણ થઈ ગયો.

ખેદની વાત એ છે કે જો એણે પાછા વળીને ખેંચનારને જોવાનો પ્રયાસ કર્યો હોત તો તેને પોતાના ભયનું કારણ જણાઈ જાત. જો એ પેલા થાંભલામાં ફસાઈ ગયેલી શાલને જોઈ જાત તો એ મરી ન જાત. આપણે પોતાને આતંકિત કરનારા ભયનાં કારણો અને એના સાચા સ્વરૂપનું વિશ્લેષણ કરવા સમર્થ બનવું જોઈએ. ધીરજ ગુમાવ્યા વિના આપણે એ ભયને જીતવાનો ઉપાય શોધવો પડે. ક્યારેક ક્યારેક ભયાવહ પરિસ્થિતિઓનો સામનો કરવો આપણા માટે અનિવાર્ય બની જાય છે. આપણે સર્વશક્તિમાન ઈશ્વરનું શરણું લેવું જોઈએ. તેઓ જ આપણા બધા ભયને દૂર કરી શકે છે. આપણે સાચા હૃદયથી પ્રાર્થના કરીને પોતાની જાતને એમની ઇચ્છામાં સમર્પિત કરી દેવી જોઈએ.

ભૈરવ સાથે નિર્ભય વાર્તાલાપ

દક્ષિણેશ્વરમાં પંચવટી એક નિર્જન સ્થાન છે. અહીં શ્રીરામકૃષ્ણે વિવિધ સાધનાઓ કરી હતી. એમની અદ્વૈત સાધનાના ગુરુ તોતાપુરી પરમ નિર્ભય સાધક હતા. એમની નિર્ભયતાના ભાવને દર્શાવતી એક ઘટના છે : એકવાર ગાઢ રાત્રીએ તેઓ ત્યાં ધૂણી ધખાવીને ધ્યાનમાં બેસવાની તૈયારી કરતા હતા. ચારેતરફ શ્મશાન જેવી શાંતિ હતી. મંદિરના કાંગરા અને આજુબાજુનાં વૃક્ષ પર બેઠેલ ઘૂવડ તેમજ તમરાંના અવાજ સિવાય બીજું કંઈ સંભળાતું ન હતું. હવામાં પણ શાંતિ છવાયેલી હતી. એકાએક પંચવટીનાં વૃક્ષોની ડાળીઓ હલવા લાગી અને દાનવ જેવો ભીમકાય પુરુષ વૃક્ષ પરથી નીચે ઊતર્યો. તોતાપુરીની સામે ટીકી-ટીકીને જોતો રહ્યો; ધીરે ધીરે ચાલીને ધૂણીની પાસે આવીને બેસી ગયો. એને જોઈને આશ્ચર્યચકિત થઈને તોતાપુરીએ એનો પરિચય પૂછ્યો. ઉત્તરમાં એમણે કહ્યું: ‘હું દેવયોનિ ભૈરવ છું. આ દેવસ્થાનની રક્ષા માટે આ વૃક્ષ પર રહું છું.’ એનાથી જરાય ભયભીત થયા વિના તોતાપુરી બોલ્યા : ‘સારું ભાઈ, તમે જે હો તે, હું પણ એ જ છું. તમે પણ બ્રહ્મનો પ્રકાશ છો ને હું પણ છું. આવો, બેસો, અને ધ્યાન ધરો.’ ભૈરવ તો હસતો હસતો હવામાં અદૃશ્ય થઈ ગયો. તોતાપુરી આ ઘટનાથી જરાય વિચલિત થયા વિના ધ્યાન કરવા લાગ્યા. બીજે દિવસે જ્યારે એમણે આ ઘટના શ્રીરામકૃષ્ણને કહી ત્યારે તેમણે કહ્યું: ‘હા, તેઓ અહીં જ રહે છે. મને પણ ઘણીવાર એમનાં દર્શન થયાં છે. ક્યારેક ક્યારેક તો એમણે મને ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓ પણ કહી હતી.’ તોતાપુરી આ અલૌકિક જીવોના સાચા સ્વરૂપને જાણતા હતા. એટલે જ તેઓ નિર્ભયતા સાથે ભૈરવનો સામનો કરી શક્યા.

પોતાની કલ્પનામાં જ વિચિત્ર ભૂતપ્રેતોની સૃષ્ટિ રચીને તેનાથી પીડિતદુ:ખી થનાર દુર્બળ હૃદયના લોકો પણ હોય છે. કલ્પનાની અધિકતાથી સર્જાતી ગરબડભરી મનોમુંઝવણોમાંથી છૂટકારો મેળવવા મનોચિકિત્સકો આપણને મદદ કરી શકે ખરા.

જો ક્યાંય ભૂત સાથે ભેટો થઈ જાય તો આપણે એનાથી ડરવાની જરૂર નથી. ખરેખર તો તેઓ આપણને ડરાવતાં નથી. નાનપણથી જ એમને વિશે સાંભળેલી ભયાનક વાર્તાઓને કારણે જ આપણે એમનાથી ડરીએ છીએ. આપણે એક બીજી દૃષ્ટિએ જ આ સમસ્યાને જોવી જોઈએ. ભૌતિક દેહ છોડીને જે જીવાત્માઓ સૂક્ષ્મ રૂપે રહે છે એને ભૂતપ્રેત કહે છે. જો આપણે હાડમાંસવાળા માનવોથી ન ડરતા હોઈએ તો આ અશરીરી ભૂતપ્રેતોથી ભલા શા માટે ભયભીત થવું જોઈએ. આપણે પોતાના ભયના કારણના પૃથક્કરણનો પ્રયત્ન કર્યા વિના નકામા હેરાન-પરેશાન થઈ જઈએ છીએ. આપણે શું, ક્યાં કેવી રીતે જેવા પ્રશ્નો પૂછવા આગળ વધતા નથી. એટલું સ્પષ્ટ છે કે વાસ્તવિકતા વિશેના આપણા અજ્ઞાનને કારણે જ ભય ઉદ્‌ભવે છે. ભૂતપ્રેતોથી ભયભીત રહેનાર લોકોના ભયને ‘આ એક માનસિક દુર્બળતાનો શિકાર છે કે મનોવિકારથી ગ્રસ્ત છે કે અંધશ્રદ્ધાળુ છે’ વગેરે કહીને ભયને લોકો ઉડાડી દેવાનો પ્રયત્ન કરે છે. આ લોકો ભૂતપ્રેતોને ભ્રાંતિ કહે છે અને બુદ્ધિવાદી તથા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળા કહેવાય છે. વાસ્તવિક રીતે આ લોકો ભયગ્રસ્ત લોકોને ક્યારેય શાંતિ કે રાહત આપી ન શકે. એમને સ્વયંને ભયના મૂળનું કોઈ જ્ઞાન નથી હોતું, તેઓ સર્વદા બીજાની સાંભળેલી કે સંભળાવેલી વાતોને પોપટની જેમ રટ્યા કરે છે, અને કહેતા રહે છે : ‘ભય તો કેવળ મનોવૈજ્ઞાનિક હોય છે’ અને આ રીતે તેઓ બીજાના ભયને તુચ્છ ગણીને ચાલે છે. કોઈ પણ રોગી આવા લોકો સમક્ષ પોતાની સમસ્યાઓ, આશંકાઓ થતા ચિંતાઓ મનખોલીને મૂકી ન શકે. ભયના સાચા સ્વરૂપને સમજનારા લોકો જ બીજાને ભયમુક્ત કરવામાં મદદ કરી શકે. તેઓ જ ભયને દૂર કરવાનું જાણે છે.

હતબુદ્ધિ પ્રેતાત્માઓ

એકવાર શ્રીરામકૃષ્ણે પોતાના શિષ્યોને સ્વયં અનુભવેલ એક વિચિત્ર વાત કહી. સ્વામી સારદાનંદજી ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ નામના પોતાના ગ્રંથમાં એનો ઉલ્લેખ કરે છે. એકવાર ભક્તિમયી ગોપાલની માના નિમંત્રણથી પોતાના શિષ્ય રાખાલ (સ્વામી બ્રહ્માનંદજી) સાથે શ્રીરામકૃષ્ણ એમને ઘરે ગયા. ભોજન પછી તેઓ વિરામ કરી રહ્યા હતા. થોડીવાર પછી ઓરડાના એક ખૂણામાંથી કંઈક દુર્ગંધ આવવા લાગી. તરત જ એ ખૂણામાંથી બે ભયાનક મૂર્તિઓ પ્રગટ થઈ. એમના શરીરમાંથી આંતરડા લટકી રહ્યાં હતાં અને તે બંને મેડિકલ કોલેજના સંગ્રહાલયના નરકંકાલ જેવી દેખાતી હતી. મૂર્તિઓએ વિનયપૂર્વક શ્રીરામકૃષ્ણને કહ્યું: ‘આપ અહીં શા માટે આવ્યા છો? મહેરબાની કરીને અહીંથી ચાલ્યા જાઓ. આપનાં દર્શનને લીધે અમને અમારી પોતાની દશાનું સ્મરણ થાય છે અને એને લીધે ઘણું કષ્ટ પણ થાય છે.’ એકબાજુએ આ પ્રેતાત્માઓ શ્રીરામકૃષ્ણને ત્યાંથી ચાલ્યા જવાની વિનંતી કરે છે અને બીજી બાજુએ રાખાલ ઊંઘી રહ્યા છે. આ પ્રેતાત્માઓનું દુ:ખકષ્ટ જોઈને શ્રીરામકૃષ્ણે તો બટવો અને ઝોળી ઉપાડ્યાં અને ત્યાંથી ચાલી નીકળવા તૈયાર થયા. બરાબર એ જ ક્ષણે રાખાલ જાગી ગયા અને શ્રીરામકૃષ્ણને પૂછવા લાગ્યા: ‘આપ ક્યાં જાઓ છો?’ શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘હું તને પછીથી બતાવીશ.’ આવું કહીને એમણે રાખાલનો હાથ પકડ્યો અને ગોપાલની મા પાસેથી (એમણે ભોજન વગેરે પતાવી દીધું હતું) રજા લઈને નાવમાં બેસી ગયા.  ત્યાં શ્રીરામકૃષ્ણે રાખાલને કહ્યું: ‘એ ઘરમાં બે ભૂત છે. અંગ્રેજોએ ફેંકેલ હાડકાંને સૂંઘીને પોતાનું પેટ ભરે છે. એવા ઘરમાં એકલા રહેતાં વૃદ્ધ સ્ત્રીને એ બતાવવાનું મને યોગ્ય ન લાગ્યું.’

ભૂતપ્રેતોને પોતાની સમસ્યાઓ અને દુ:ખપીડાં હોય છે. તેઓ તમારી મદદ મેળવવાના હેતુથી તમારી સામે પ્રગટ થઈ શકે છે. એમની મુક્તિ માટે પ્રાર્થના કર્યા સિવાય તમે એમના ભયથી ભયભીત થઈ જાઓ તો ભૂતપ્રેત નિરાશ થઈ શકે છે. જેમ માનવમાં દુષ્ટ લોકો હોય છે, એવી જ રીતે પ્રેતાત્માઓમાં પણ દુષ્ટ ભૂતપ્રેત હોય છે. આમ છતાંયે એમનાથી ડરીને આપણે સમસ્યાને વધુ બગાડી મૂકીએ છીએ. આપણે મનની મક્કમતાથી એ સ્થિતિનો સામનો કરવો જોઈએ. સમસ્યાનો મુકાબલો કરવો સંભવ છે. એનો સામનો કરવા માટેનાં સાધનો અને ઉપાય પણ છે. આપણે એ વિશે નિરર્થક ગભરાવાની કે હેરાન-પરેશાન થવાની જરૂર નથી.

હિંમતથી સામનો કરો

જ્યારે સ્વામી વિવેકાનંદ એક પરિવ્રાજક રૂપે ભારતમાં પરિભ્રમણ કરી રહ્યા હતા, એ દિવસોની એક વાત છે. એકવાર તેઓ વારાણસીમાં હતા. તેઓ દુર્ગામંદિરમાંથી દર્શન કરીને પાછા ફરતી વખતે એક સાંકળી ગલીમાંથી પગે ચાલીને આવતા હતા. એની એક બાજુએ દિવાલ અને બીજી બાજુએ મોટું તળાવ હતું. એ સાંકળા માર્ગમાંથી પસાર થઈને જતી વખતે એમની સામે વાંદરાનું એક ટોળું આવીને ઊભું રહ્યું. વાંદરા તો એમના પર ઝપટ મારવા માંડ્યા અને ભયંકર ચિચિયારી કરવા લાગ્યા. સાથે ને સાથે એમના પગમાં આળોટવા માંડ્યા. આ વાંદરાઓને જોઈને સ્વામીજી પાછું વળીને ભાગવા લાગ્યા. વાંદરાઓ એમની પાછળ પાછળ દોડવા લાગ્યા. એમનાથી બચવાનો કોઈ ઉપાય કે માર્ગ ન હતો. એવામાં એક વૃદ્ધ સંન્યાસીએ આ જોયું અને એમણે મોટેથી બૂમ પાડીને કહ્યું: ‘ઊભા રહો અને દૃઢતાથી સામનો કરો.’ સ્વામીજીએ પાછા વળીને ઉત્પાત મચાવતાં વાંદરાઓનો મક્કમતાથી સામનો કર્યો. જ્યારે એમણે હિંમત કરીને વાંદરાઓ સામે જોયું તો એ બધાં ધીમે ધીમે પાછળ હટીને ભાગી ગયાં.

વર્ષો પછી પોતાના ન્યૂયોર્કના એક વ્યાખ્યાનમાં સ્વામીજીએ આ ઘટનાનો ઉલ્લેખ કરતાં એના દ્વારા મળેલ બોધપાઠ તરફ સંકેત કરીને કહ્યું હતું : ‘જીવનભર માટે એક જ બોધપાઠ છે, જે કંઈ ભયાનક છે એનો સામનો કરો. હિંમતપૂર્વક એનો સામનો કરો. જ્યારે આપણે જીવનની મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ અને  નાસભાગ કરવાનું છોડીએ છીએ ત્યારે એ બધી મુસીબતો પેલા વાંદરાની જેમ પાછી હટી જાય છે. જો આપણે સ્વાધીનતા પ્રાપ્ત કરવાની હોય તો એ આપણને નાસભાગ કરવાથી નહિ, પરંતુ પ્રકૃતિ પર વિજય પ્રાપ્ત કરવાથી જ મળશે. કાયર ક્યારેય વિજય પ્રાપ્ત કરી શકતો નથી. જો આપણે ભયકષ્ટ તથા અજ્ઞાનને દૂર કરવા ઇચ્છતા હોઈએ તો આપણે એમની સાથે ઝઝૂમવું પડશે.’

Total Views: 25

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.