ભારતીય જીવન વિમા નિગમના એક વરિષ્ઠ અધિકારીએ એકવાર મને કહ્યું કે પોતાના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન પ્રેમ અને વિશ્વાસની મદદથી તેઓ તેમની નીચે કામ કરનારા સેંકડો કર્મચારોઓ ઉપર કેવી રીતે નિયંત્રણ સ્થાપિત કરવામાં સફળ થઈ શક્યા હતા. એની હકીકત આવી છે :

‘બધી કચેરીઓને જેમ મારી કચેરીમાં પણ ત્રણ પ્રકારના કર્મચારી હતા. એમાંથી બે કે ત્રણ કર્મચારી સાચા, ઈમાનદાર, કુશળ અને આજ્ઞાકારી હતા. બેએક કર્મચારી શિસ્ત વિનાના, વિધ્વંશક માનસિકતાવાળા, તોફાની અને કામચોર હતા. બાકીના બીજા બધા આ બે શ્રેણીઓની વચ્ચેના હતા. એ લોકો એક ટુકડીમાંથી બીજી ટુકડીમાં આવતા જતા. તેઓ બધા અનુકૂળ સ્વભાવવાળા હોવાથી ઇચ્છા થાય તો સારું કામ કરતા. એમાંથી બધાની સાથે એક જ પ્રકારનું વર્તન કરી ન શકાય. પ્રત્યેકનો સ્વભાવ ભિન્ન હતો. દરેક કર્મચારીનો સ્વભાવ અને એમનાં વ્યવહારવર્તન જાણવા તેની પશ્ર્ચાદ્ભૂમિનું અધ્યયન કરવું જરૂરી હતું. એમની નારાજગી અને અશિસ્તનાં કારણો કંઈક આવાં હતાં – પારિવારિક સમસ્યાઓ, પદોન્નતિની ઓછી તકોને કારણે ઊપજેલી નિરાશા, મારી પહેલાંના અધિકારી સાથેના વિવાદની કડવી સ્મૃતિઓ, પોતાની પસંદગીની જગ્યાએ બદલી ન થવાને કારણે મળેલી નિરાશા, નેતા બનવાની આકાંક્ષા, સ્વભાવગત આળસ, તોફાની સ્વભાવ વગેરે. આ સમસ્યાઓમાંથી એકનું પણ સમાધાન મેળવવું એ મારા વશની વાત ન હતી. હું તો કેવળ આ સમસ્યાઓના પ્રતિકૂળ પ્રભાવને ઓછો કરવાનો પ્રયત્ન કરી શકતો હતો અને એમની ભીતરમાંથી કાર્યકુશળતા વ્યક્ત કરાવી શકતો.

નિષ્ઠાવાન કર્મચારીઓ માટે મારે બહુ માથાકૂટ કરવી ન પડતી. હું ક્યારેક ક્યારેક એમનાં કાર્યો પ્રત્યે મારું અનુમોદન પ્રગટ કરીને એમને માટે મારો પ્રેમ, વિશ્વાસ અને આદર પ્રગટ કરતો રહેતો. આ બાબતમાં મેં એવી સાવધાની રાખી કે ક્યાંય એમાં કૃત્રિમતાનો આભાસ ન આવી જાય. કોઈ કાર્યાલયનું વાતાવરણ ઘણું જ સંવેદનશીલ હોય છે. જો એક સારા કર્મચારીની પ્રશંસા થાય તો બીજા કર્મચારી સામાન્ય રીતે ઇર્ષ્યાળુ બની જાય છે અને પછી તેઓ કામચોર અને આળસુ બની જાય, એવો ખતરો રહે છે. મારે અત્યંત સજાગ અને સચેત રહેવું પડતું. કેટલીકવાર હું કર્મચારીઓ સાથે એકાંતમાં બેસીને એમના પ્રત્યેની મારી પ્રસન્નતા અને પ્રશંસા વ્યક્ત કરતો. મારી આ પ્રશંસા યોગ્ય છે એ માટે પૂરતાં કારણ આપતો.

બીજી શ્રેણીના કર્મચારીઓ કોઈ રણનીતિના વશમાં ન હતા. તેઓ કર્મચારી સંઘના નેતાઓ હતા. એમના મનમાં એ પૂર્વગ્રહ હતો કે એક વર્ગના રૂપે અધિકારી જ એમના શત્રુ છે. જો કે તેઓ બુદ્ધિમાન અને સમજદાર હતા. સાથે ને સાથે તેઓ પોતાના પૂર્વગ્રહ પર અટલ હતા. તેઓ પૂર્વગ્રહભર્યા વિચારને છોડી શકતા ન હતા. મેં જોયું કે તેઓ પણ ક્યારેક ક્યારેક સદ્ભાવના રાખવા ઇચ્છતા હતા. પરંતુ વિરોધ કરવાની પોતાની ઘોષિત નીતિને કારણે તેઓ પોતાનું સારાપણું દબાવવાનો પ્રયત્ન કરતા. જો કે હું કર્મચારી સંઘના નેતાઓની સમસ્યાઓને જાણતો હતો, એટલે હું એમની સાથે સહાનુભૂતિ, સમજદારી અને મિત્રતાની માનવીય ભાવના રાખીને વર્તતો. આ મારા સ્વભાવને અનુકૂળ હતું. પ્રત્યેક વ્યક્તિને પોતાનો સ્વભાવ, પોતાની ક્ષમતા અને પોતાની સીમાઓ હોય છે. અંતે આ જ વાત મહત્ત્વની બને છે. પ્રત્યેક વ્યક્તિએ કોઈ બીજાની નકલ ન કરીને પોતાના સ્વભાવને અનુરૂપ હોય એવી જીવનપ્રણાલી અપનાવવી જોઈએ. મારો માર્ગ ઈમાનદારી અને સહાનુભૂતિનો હતો. એનું પરિણામ આવવામાં થોડો સમય લાગી શકે, પરંતુ પરિણામ દીર્ઘકાલીન હોય છે. કોઈપણ પ્રકારની યુક્તિ કે ચાલ મારા વશની બહાર હતી. હું અસ્થાયી ચમત્કારોમાં માનતો ન હતો. થોડાક કલાક કોઈને મૂર્ખ બનાવીને એમની પાસેથી કામ કઢાવી લેવું, એ મને સારું લાગતું ન હતું. મારી નીચેના કર્મચારીઓ મારી સાથે ઓછાંમાં ઓછાં ત્રણચાર વર્ષ સુધી રહેતા. આ એક દીર્ધકાલીન સંબંધ બની જતો. મારે કર્મચારીઓ સાથે વ્યવહારનો એક નિજી માર્ગ કે ઉપાય શોધવો પડતો. એ વાત નિ:સંદેહ છે કે અમારી કંપનીમાં અધિકારીઓ પાસે પૂરતા અધિકારો હતા, પણ એ કેવળ કાગળ ઉપરના ! કર્મચારીઓની વિરુદ્ધ એનો ઉપયોગ કરવો અત્યંત કઠિન હતો. આવા અધિકારોનો ઉપયોગ એટલે યુનિયનનો વિરોધ વ્હોરી લેવો. મને આ અનુભવના આધાર પર વિશ્વાસ હતો કે સાચું સમાધાન મેળવવા કાનૂની ઉપાયો અજમાવવા એ નકામું હતું. આ બધાં કારણોને લીધે કોઈપણ સમસ્યાનો ઉકેલ સમજવા મારી પાસે પ્રામાણિકતા, નિષ્ઠા અને માનવીય ગુણોનો પ્રયોગ કરવાનો વિકલ્પ રહેતો હતો.

શરૂઆતના થોડા મહિના તો કર્મચારીઓ શંકા સેવતા કે હું ક્યાંક એમને બનાવવાનો પ્રયાસ તો નથી કરતો ને ? ક્યારેક એમના આક્રમક વ્યવહારને પણ સહન કરી લેતો. જ્યારે જવાબ દેવો અનિવાર્ય બની જતો ત્યારે હું તેનો તર્કસંગત જવાબ દેતો. અસાવધાનીને કારણે કોઈ ભૂલ થઈ જાય તો હું એનો સ્વીકાર કરીને ભૂલ સુધારવાનો પ્રયત્ન પણ કરતો. પોતાના માટે નક્કી કરેલ કાર્યોને હું પૂરેપૂરી એકાગ્રતા સાથે પૂર્ણ કરતો. એ દિવસોમાં સવારના 9.30 વાગ્યાથી રાતના 9.00 વાગ્યા સુધી કામ કરતો. વસ્તુત: ત્યારે ઘણાં કામ કરવાનાં રહેતાં. આ ઉપરાંત પોતાના સ્ટાફની સાથે વિશ્વાસ જાળવી રાખવો પણ આવશ્યક હતો. ધીમે ધીમે મેં પૂરતાં જ્ઞાન અને અનુભવ પ્રાપ્ત કરી લીધાં. મારી ભીતર અસાધારણ આત્મવિશ્વાસ અને નૈતિક સાહસ આવી ગયાં. કાર્યાલયમાં બીજા લોકો કરતાં વધારે સમય સુધી રહેવા અને અધિકતમ કાર્ય પૂરાં કરી લેવાને કારણે મારામાં શ્રેષ્ઠતાનો ભાવ પણ જાગૃત થયો. મેં બીજાની પાસેથી કાર્ય કરાવવાનું નૈતિકબળ પણ મેળવ્યું. એની સાથે હું ધૈર્યના સદ્ગુણનો પણ અભ્યાસ કરતો રહ્યો. ક્રોધ અને ચીડિયાપણાને સંયમમાં રાખવાં મારે માટે પડકારરૂપ હતાં. મેં એ અનુભવ્યું હતું કે અનિયંત્રિત ભાવનાઓના વિસ્ફોટથી નાની એવી સમસ્યાઓ પણ ગંભીર રૂપ ધારણ કરી શકે ! ત્યારથી મેં સતત અભ્યાસ દ્વારા આત્મસંયમ કેળવવાનું વ્રત લીધું. એનાથી પ્રારંભમાં ગંભીર માનસિક તણાવ ઊભો થયો. પરંતુ હું બરાબર જાણતો હતો કે અનિયંત્રિત વાણી કેવી રીતે બધું બગાડી મારે છે. એટલે મેં ધીરે ધીરે આત્મનિયંત્રણની કલાને આત્મસાત્ કરી લીધી.

પરંપરાથી વિમા એજન્ટોને વિમાના કારોબારનો મેરુદંડ માનવામાં આવે છે. કેટલાક એજન્ટ ઝઘડાખોર હોય છે. તેઓ પોતાની માગોને તરત પૂરી કરવાની અપેક્ષા રાખે છે. જો એવું ન થાય તો તેઓ ગુસ્સે થઈને વરિષ્ઠ અધિકારીઓ પર નનામી ફરિયાદો કરે છે. એવા જ એક એજન્ટે એક સુવિધાની માગણી કરી. એ સ્વીકારી શકાય તેમ ન હતી. એટલે સંબંધિત અધિકારીએ એની મંજૂરી ન આપી. એ એજન્ટ ક્રોધે ભરાયો. તે અમારા અને અમારી કંપની વિશે મોટે મોટેથી જેમ તેમ બોલવા માંડ્યો, ‘તો પછી તમે એજન્ટોને તમારા કારોબારના મેરુદંડ શા માટે કહો છો ?’

પોતાના કર્મચારીઓનો બચાવ કરવાની ગરજથી મેં કહ્યું, ‘ભાઈ, મેરુદંડ તો હંમેશાં પાછળ હોય છે, એ સામે નથી હોતો.’ કાર્યાલયના બધા કર્મચારીઓ જોરથી હસવા લાગ્યા. એજન્ટે એમાં પોતાનું અપમાન માની લીધું અને ચાલ્યો ગયો. ઓફિસના કર્મચારીઓ ખુશ હતા. પણ પછીથી મને ખબર પડી કે એણે મારી વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરતી અરજી મોકલી છે. એ બધા અધિકારીઓ મારી સત્યનિષ્ઠાથી વાકેફ હતા એટલે એ ફરીયાદથી પ્રભાવિત ન થયા.

પ્રેમ કોઈ જાતિ કે વર્ગને ઓળખતો નથી. પવિત્ર પ્રેમમાં સ્થિર થયેલો માણસ પોતાને અધીન મનને જીતી શકે અને પોતાનાથી ઉચ્ચ અધિકારીઓની પ્રશંસા પણ મેળવી શકે. ખરેખર પ્રેમ એક જાદુઈ ચમત્કાર છે.                                                       (ક્રમશ:)

Total Views: 323

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.