(ગતાંકથી આગળ)

કોઈપણ સમાજમાં જો વિકસિત અને ઉન્નત વર્ગ નિર્બળ અને નિમ્નવર્ગનાં હિતસાધનનો પ્રયાસ ન કરે તો એવા ઉન્નત વર્ગાે પોતાની કબર પોતે જ ખોદે છે. તંદુરસ્ત સ્પર્ધા દ્વારા રોજગાર મેળવનારા બ્રાહ્મણો ખરેખર સુખી થઈ ગયા છે ? પોતાની આજીવિકા માટે તેઓ પોતાનાં ઘરબાર છોડીને એક સ્થળેથી બીજે સ્થળે ભટકતા રહ્યા, પોતાનાં પરંપરાગત આધ્યાત્મિક સાધન-સંપત્તિ ગુમાવી બેઠા, બીજા વર્ગાેની દુર્ભાવનાનું પાત્ર બન્યા અને પોતાનાં સંતાનોના ભવિષ્ય વિશે ચિંતિત રહેવા લાગ્યા.

પશ્ચિમના દેશોનું અનુકરણ કરીને આજે ભારતના લોકોએ પણ સ્પર્ધાની વાતનો સ્વીકાર કરી લીધો છે. પરંતુ પ્રયત્ન સાચો હોય તો પરસ્પરની દુર્ભાવનાની તીવ્રતાને ઘટાડી દેવી એ આપણા માટે કઠિન નથી. એક આધ્યાત્મિક પ્રવૃત્તિ આ લક્ષ્યને મેળવવામાં સાચી રીતે મદદરૂપ થઈ શકે. સમૂહ બનાવવો અને સામૂહિક ઓળખ ઉન્નત કરવી એ પ્રકૃતિનો નિયમ છે. પરંતુ જો આપણે ઘૃણાનાં બીજ રોપીએ તો સર્વાંગીણ વિનાશ તરફ આગળ વધવાના. બધા ધાર્મિક સમુદાયોમાં મોટે ભાગે અનેક મુખ્યસમૂહ અને ઉપસમૂહ હોય છે. ખ્રિસ્તી ધર્મમાં પણ લગભગ ૨૫૦ જેટલા મુખ્યસમૂહ અને ઉપસમૂહ છે. એવી રીતે મુસલમાનોમાં પણ ખરા. દોડભાગના આ સંસારમાં, રાજનૈતિક વિશ્વમાં નાનાં-મોટાં દળોમાં વહેંચાઈ જવું એ સ્વાભાવિક છે. આ વાત આવશ્યક પણ હોઇ શકે છે. પરંતુ આ સામૂહિક ચેતનાને વિકૃત બનાવીને એને બીજા વર્ગાે પ્રત્યેની દુર્ભાવનામાં પરિણત કરવી ન જોઈએ. આપણે એ ન ભૂલવું જોઈએ કે ઘૃણા એ ભયંકર ખરાબ શક્તિ છે. સમજણ અને સદ્ભાવ વધારવાના હેતુથી દરેક સમૂહના સભ્યોએ બીજા સમૂહોનાં મૂળ તેમજ વિશેષતાઓને મહત્ત્વપૂર્ણ માનીને એના પર ભાર દેવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં તો આ પાપ કર્મ મહાન ક્ષતિ તરફ દોરી જશે.

પ્રેમથી સહાનુભૂતિ જન્મે છે

ગોંદવલેકર બ્રહ્મચૈતન્ય મહારાજ એક સિદ્ધ મહાત્મા હતા. તેઓ ૧૯૧૪ સુધી જીવિત રહ્યા. એમના દ્વારા પોતાના એક શિષ્યને બચાવી લેવાની એક સ્મરણીય ઘટના છે:

‘એકવાર શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ પાસેથી દીક્ષા મેળવેલ એક માણસ કુસંગે ચડીને પાપાચારમાં પડીને પાપકૃત્યોમાં રત રહેવા લાગ્યો. એક કુચરિત્રવાળી સ્ત્રીના મોહમાં પડીને એણે પોતાની બધી સંપત્તિ ગુમાવી. એમનાં સગાંવહાલાંએ તેનો ત્યાગ કર્યો. બ્રહ્મચૈતન્ય મહારાજના બીજા શિષ્યો અને અનુયાયીઓ પણ એમનો આદર ન કરતા. એકવાર બ્રહ્મચૈતન્ય મહારાજ ગડગના ભીમરાવના ઘરે આવ્યા હતા. પેલો રખડુ ભક્ત એ ઘરની સામે ઊભો રહીને ભિખારીની જેમ અંદર પ્રવેશવા માટે યાચના કરતો હતો. બ્રહ્મચૈતન્ય મહારાજે એને બોલાવ્યો. ઘરમાં પ્રવેશતાં જ તે મહારાજનાં ચરણોમાં પડી ગયો અને બે હાથ જોડીને એમની સામે ઊભો રહ્યો. મહારાજે કહ્યું, ‘લોકોએ તો તને એક પતિત સમજીને ત્યજી દીધો છે. છતાં પણ હું તને પતિત રહેવા નહીં દઉં.’ આશ્વાસન અને સાંત્વનાની વાણી સાંભળીને તે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો. થોડીવાર પછી શાંત થયો એટલે બ્રહ્મચૈતન્ય મહારાજે કહ્યું, ‘જો તને ખરેખર હૃદયનો પસ્તાવો થતો હોય તો હું તારી જવાબદારી લેવા તૈયાર છું. તારાં પાપોની જવાબદારી હું સંભાળું છું. પણ તારે ઈશ્વરના નામે આટલા સોગંદ લેવા પડશે કે તું ભવિષ્યમાં ફરીથી આવાં કાર્ય ક્યારેય નહીં કરે.’

એ માણસે ગુરુજી પાસે દયાની ભીખ માગીને એમના પ્રત્યે નિષ્ઠાભક્તિ રાખીને સોગંદ લીધા. મહારાજનાં પ્રેમ અને સાહનુભૂતિએ એના પાપબોધને બાળીને ભસ્મ કરી દીધાં અને એનામાં જબરો આત્મવિશ્વાસ ભરી દીધો. એ માણસે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું અને અધ્યાત્મના પથે આગળ વધતો ગયો.

સકારાત્મક દૃષ્ટિકોણનું મહત્ત્વ

એક અંધ મહિલાનું ઉદાહરણ છે. એમણે જીવન પ્રત્યે ભાવાત્મક અભિગમથી પોતાના દુર્ભાગ્યનો સામનો કર્યો. તેઓ ઈશ્વર કે આધ્યાત્મિકતા વિશે કંઈ કહેતાં નહીં, પણ એમના ચરિત્રની ઉદારતા જ આપણને એમની મહાન આધ્યાત્મિક ઉપલબ્ધિનું ભાન કરાવે છેે. આ ઘટના ડૉ. પ્રભુશંકરના કન્નડ ભાષામાં લખાયેલ પુસ્તક ‘જનમન’ માંથી લીધી છે:

‘શ્રીમતી હેરિયટ એક અંધ અમેરિકન મહિલા હતાં. તેઓ ભારતમાં સંગીતના અધ્યયન માટે આવ્યાં હતાં. બાળપણમાં જ એક દુર્ઘટનામાં એમણે પોતાની આંખોની જ્યોતિ ગુમાવી દીધી હતી. પોતાનાં ધૈર્ય અને અધ્યવસાયથી એમણે બ્રેઈલ લિપિ શીખીને વિશ્વવિદ્યાલયની પદવી મેળવી. લેખકની સાથેના વાર્તાલાપ દરમિયાન એમણે દર્શાવ્યું કે જીવનમાં આ મુશ્કેલીઓનો સામનો કરીને ઉન્નતિ સાધવામાં એમનાં માતપિતાએ કેવી રીતે મદદ કરી હતી – ‘મારાં માતપિતા વિશ્વાસ અને સાહસિક વૃત્તિ ધરાવતાં હતાં, એમણે એક અંધપુત્રીની જવાબદારી સ્વીકારી લીધી અને ધીરે ધીરે નવી પરિસ્થિતિની સાથે બરાબર પનારો પાડ્યો. તેઓ પોતાનાં બીજાં બાળકોની જેમ મારી પણ સ્નેહપૂર્વક સંભાળ લેતાં’.

લેખક : એનું તાત્પર્ય શું છે ?

અંધમહિલા હેરિયટ : અંધાપાને લીધે મારા માટે વિશેષ સંભાળ અને સેવાની જરૂર છે એવું એમણે ન વિચાર્યું. એમણે મારા ક્રિયાકલાપો પર ક્યારેય અંકુશ ન લાદ્યો. હું દોડતી, પાણીમાં તરતી અને કૂદતી પણ ખરી. તેઓ તો કેવળ એટલું જ જોયા કરતાં કે મારી પ્રગતિ કેવી રીતે થઈ રહી છે. અત્યંત જરૂરી હોય અને ખરેખર ભયનો ખ્યાલ આવે ત્યારે તેઓ મારી મદદે આવતાં. એને લીધે મને ઘણી સહાયતા અને અનુકૂળતા મળી.

લેખક : એવી સહાયતા અને અનુકૂળતા કેવી રીતે મળી ?

અંધમહિલા હેરિયટ : એને લીધે મારામાં અત્યંત સાહસ અને આત્મવિશ્વાસ ઊત્પન્ન થયો. હું સ્વતંત્ર અને સ્વાધીનભાવથી મારી ઉન્નતિ કરી શકતી હતી. હું દૃષ્ટિહીન છું કે હું બીજાની જેમ જીવનમાં આગળ નહીં વધી શકું એવો વિચાર કે બોધ મારાં મનમાં ન આવતો.’ (ક્રમશ 🙂

Total Views: 316

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.