મહર્ષિ અત્રિની પુત્રી અપાલા ઋષિ માટે આશાસ્પદ સંતાન હતી. એકલી એ પુત્રી ઘરને કિલ્લોલતું રાખતી. ઋષિએ એને લાડકોડથી ઉછેરી હતી, ખૂબ ભણાવી-ગણાવી હતી, પણ દુર્ભાગ્યે બાળપણથી જ એના શરીરમાં નાના નાના સફેદ કોઢના દાગ દેખાવા લાગ્યા. એટલે પિતા ખૂબ જ ખિન્ન થઈ ગયા. ઋષિ બાળકો સાથે સુસંસ્કાર પામેલ અને સુંદર દેહવાળી પોતાની કન્યાના શરીર પરના આ દાગોને દૂર કરવા માટે ઋષિએ ભારે પ્રયત્નો આદર્યા, કેટલાય વૈદોની દવાઓ કરી, અનુલેખન કર્યા, પણ બધું વ્યર્થ નીવડ્યું; ઊલટું રોગ વધવા લાગ્યો. નાના દાગો મોટાં ધાબાં જેવા થઈ ગયા. છેવટે ઋષિ અત્રિ હારી ગયા અને બધી દવાઓ બંધ કરી દીધી!

હતાશ થયેલા અત્રિ ઋષિએ છેવટે પોતાની પુત્રીને એક અનુપમ વિદુષી બનાવવાનું નક્કી કર્યું અને અપાલાની શિક્ષા-દીક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. એમણે પ્રેમથી અપાલાને ભણાવવાનું શરૂ કર્યું. આશ્રમનું  પવિત્ર વાતાવરણ, ઋષિકુમારોનો નિષ્કપટ સહવાસ, અત્રિ ઋષિનું અલૌકિક અધ્યાપન કૌશલ એ બધાં અપાલાના અધ્યયનમાં સહાયક થયાં અને અપાલા ધીરે ધીરે સર્વ વેદવેદાંગોની વિદુષી બની ગઈ! સરસ્વતીના વિમલ પ્રવાહની પેઠે અપાલાની વાણી વહેવા લાગી. અપાલાનું વૈદુષ્ય સર્વત્ર ફેલાઈ ગયું. મોટા મોટા મુનિજન એથી આશ્ચર્ય પામી ઊઠ્યા!

ધીરે ધીરે અપાલા મોટી થવા લાગી બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થા તરફ ગતિ કરવા માંડી. ધીરે ધીરે એના જીવનમાંથી બાળપણની ચપળતા ચાલી જવા લાગી, યૌવનની ગંભીરતા અને વાસંતી વિકાસે એના શરીરમાં સ્થાન લીધું. અત્રિ ઋષિએ અપાલાનું આ શારીરિક પરિવર્તન જોયું અને એને માટે સુયોગ્ય પાત્રની શોધમાં લાગી ગયા. અનુરૂપ વર મળતાં તો વાર ન લાગી. કારણ કે બાહ્ય દેખાવ કરતાં જ્ઞાન-સંસ્કારનો મહિમા એ વખતે ઘણો મોટો હતો.

અપાલાનાં લગ્ન લેવાયાં. આશ્રમની આમ્ર્રકુંજમાં વિવાહવિધિ માટે વેદી બનાવાઈ. ઋત્વિજોએ વિધિવત્‌ જવ-તલ હોમ્યા. અપાલાએ પોતાના પતિદેવને પહેલવહેલો ત્યાં જ જોયો! ઘાટીલું શરીર, ઊંચું કપાળ, કપાળ પર ત્રિમુંડ્ર, વિનયની મૂર્તિ સમો અને વિદ્યાસમ્પન્ન એ યુવાન હતો. પહેલવહેલી જ એની સાથે અપાલાની ચાર આંખો થઈ અને અપાલાને ગાલે લજ્જાના શેરડા પડયા. એણે લાજાળુ આદર અનુભવ્યો. એની આંખો નીચે ઢળી ગઈ! પણ અપાલા એક ખમીરવંતી, વિશિષ્ટ વ્યક્તિત્વ સમ્પન્ન વિખ્યાત વિદુષી હતી, વૈદિક સૂક્તની દૃષ્ટા હતી, એણે પોતાની ગરિમાની રક્ષા માટે પોતાનું લલાટ ઊંચે રાખવાનો યત્ન કર્યો. પેલા યુવાનની લાજાળુ આંખોમાંથી પણ યૌવનસુલભ કૌતૂકમય ગાંભીર્ય નીતરતું હતું. એણે ઋષિમંડળ સમક્ષ અગ્નિની સાક્ષીએ અપાલાનું પાણિગ્રહણ કર્યું. એ વખતે એવું બન્યું કે એ યુવાન વરની ઉતાવળને લીધે એનું ઉત્તરીય વસ્ત્ર થોડુંક નીચે સરકી ગયું હતું અને અપાલાના કેશપાશમાં ગૂંથેલી જૂઈની માળા પણ સરકીને ભોંય પર પડી ગઈ હતી! શો સંકેત હશે આ?

અપાલા પરણીને સાસરે ગઈ! ત્યાં એને કશું બંધન ન હતું. પિતાના ઘર જેવી જ ત્યાં પણ સ્વતંત્રતા અને શાંતિ હતી. વૃદ્ધ સાસુ-સસરા હતાં. અપાલા એમની સેવાશુશ્રુષા કરતાં કરતાં ધન્યતાભર્યું જીવન જીવવા લાગી. પણ ગુલાબના ફૂલનાં જેમ કાંટો હોય છે, તેમ અપાલાના સ્વતંત્ર અને સુખી જીવનમાં પણ પેલા શરીર પરના સફેદ દાગો હૃદયમાં શૂળો ભોંકતા હતા.

અપાલાના પતિ કૃશાશ્વ એક સંસ્કારી પુરુષ હતા. તેઓ અપાલાને ઘણા જ કોમળ ભાવે પ્રેમ કરતા હતા આમ ઘણા વખત સુધી ચાલ્યું. પણ કયારેક કયારેક અનિવાર્ય રીતે માનવમાત્રમાં એની સહજવૃત્તિઓ અને બૌદ્ધિક અવધારણાઓ વચ્ચે ધમસાણ યુદ્ધ થયા વગર રહેતું નથી. કયારે પેલી પાશવી સહજવૃત્તિઓ માણસની સુનિશ્ચિત બૌદ્ધિક અવધારણાઓ ઉપર સવાર થઈ જાય છે એનો ભલભલા મુનિવર પણ ભરોસો કરી શકતા નથી. સંસ્કારી કૃશાશ્વનું પણ એવું જ થયું. એના પૂર્વજન્મના કોઈક સંસ્કારોનો ઉદય થઈ ગયો અને એની બુદ્ધિમાં પ્રતિષ્ઠિત થયેલો નિગ્રહ હારી ગયો. ધીરે ધીરે કૃશાશ્વના હદયમાં અપાલાના શરીરના સફેદ દાગોએ અપાલા તરફનું આકર્ષણ મંદ કરી નાખ્યું. હવે તેઓ તેના પ્રત્યે ઉદાસીનતા દાખવવા લાગ્યા. તેમના આશ્રમની સજીવતા જાણે કે ચાલી ગઈ! ઉદાસીનતાની મૂર્તિ સમા તે યંત્રની પેઠે દિનચર્યા કરવા લાગ્યા. કૃશાશ્વના હૃદય પર અને આશ્રમનાં વૃક્ષો પર જાણે કે કાળો પડદો પડી ગયો હોય એવું અપાલાને લાગ્યું.

અપાલા આ બધું ઘણા સમય સુધી જોયું ન જોયું કરતી હતી અને ભીતર ઝેરના ઘૂંટડા ભરતી રહી પણ સહનશીલતાને પણ એક સીમા હોય છે. જ્યારે કૃશાશ્વનો તિરસ્કાર એ પાતળી રેખાને પણ પાર કરી ગયો ત્યારે અપાલાનું સ્ત્રીત્વ હચમચી ઊઠ્યું; એની સહજ શાલીનતા ખળભળી ઊઠી. પગથી કચડાયેલી ફૂંફાડા મારતી નાગણની પેઠે એની ભીતરનું નારીત્વ જાણે પોતાની ગરિમા પ્રકટ કરવા માટે વ્યગ્ર થઈ ઊઠ્યું! એનું વિકરાળ રૂપ જોઈને કૃશાશ્વ ધ્રુજી ઊઠ્યા. સ્તબ્ધ નજરે તે અપાલા તરફ તાકી રહ્યા.

કાંપતા હોઠે અપાલા બોલી ઊઠી : – ‘સ્વામી, કયાં સુધી સહન કરવાનો છે મારે તમારો આ ઉપેક્ષાભાવ? ક્યાં સુધી સહન કરું હું તમારો આ તિરસ્કાર? ક્યાં સુધી વેંઢારું આ છાતી પરનો ભાર?’

‘મારો ઉપેક્ષાભાવ? મારો તિરસ્કાર?’, ચોંકીને કૃશાશ્વે કહ્યું.

‘હા, અત્યાર સુધી તો પ્રેમના નશામાં તમારા ગૂઢ તિરસ્કારને હું સમજી શકી ન હતી. મારાં પ્રેમળ નેત્રોએ બધી વસ્તુઓમાં એક મોહક સરસતા જ નિહાળી હતી. પણ ધીરે ધીરે પ્રેમ પાકટ થયો અને આડંબર ખરી પડયો ત્યારે મેં જોયું કે તમારા ચરિત્રમાં ઉપેક્ષાની કાળી રેખા છે. શાની છે આ ઉપેક્ષા? શાનો છે આ તિરસ્કાર? મારા આ સફેદ દાગોનો જ ને?’, અપાલાએ સ્પષ્ટ રીતે કહી જ દીધું.

કૃશાશ્વ એક નિખાલસ નિર્દંભી અને પારદર્શી પુરુષ હતા. તેઓ દુ:ખભર્યા શબ્દોમાં કહેવા લાગ્યા : ‘પ્રેમ અને વાસનાનું ઘોર અંતર્દ્વન્દ્વ અત્યારે મારા હૃદયમાં ચાલી રહ્યું છે. અપાલા! પ્રેમ કહે છે કે અપાલા દિવ્ય નારી છે, એ બ્રહ્મવાદિની છે, અને પ્રેમવેદી પર આત્મસમર્પણ કરનારી મહિલા છે અને રૂપવાસના કહે છે કે કુષ્ટરોગથી લાંછિત શરીરવાળી એ નારી છે. એના દેહદર્શને નેત્રોમાં રૂપવૈરાગ્ય પેદા થાય છે – ન રૂપ, ન લાવણ્ય, ન માધુરી! અપાલા! આ રીતે પ્રેમ અને વાસનાના પરસ્પર વિરોધી બોલ કાનમાં – હૈયામાં અથડાયા કરે છે. અપાલા! જ્યાં સુધી મેં વાસનાની વાત સાંભળી – ન સાંભળી કરી ત્યાં સુધી તો કેવળ પ્રેમની વાણી જ સાંભળતો રહ્યો છું. પણ કોણ જાણે કેમ આ ભીતરના દ્વન્દ્વ યુદ્ધમાં મારા હૃદયમાં એટલા ચીરા પડી ગયા છે કે બારીક કપડાથી ઢંકાયેલા ઘાવની પેઠે હું મારા હૃદયની આ કુરૂપતાને વધારે વખત છુપાવી શકતો નથી.’

કૃશાશ્વનાં આવાં સ્પષ્ટ અને ધૃષ્ટતાભર્યાં વચનો સાંભળીને અપાલા ક્રોધાગ્નિથી કાળઝાળ થઈ ઊઠી. બાણથી વીંધાયેલી દુર્દાન્ત સિંહણની પેઠે એ ગરજી ઊઠી: ‘શું ખરેખર જ, પુરુષજાત સ્ત્રીજાતિની આટલી હદે ભર્ત્સના કરી શકે છે? ખરેખર જ શું પ્રેમવેદિ પર સર્વસ્વ સમર્પણ કરનાર નારીની પુરુષને હાથે આટલી તર્જના થઈ શકે છે? શું પુરુષપ્રકૃતિ આટલી બધી કામનાથી કલુષિત હોય છે કે જે નારીના સંવેદનશીલ હૃદયરૂપી ફૂલને નિર્દયતાથી કચડી નાખી શકે? ઓહ ઈશ્વર! આ તો ભયંકર વિષમતા! પરસ્પર સાવ વિરોધી વિષમતાઓનો સહચાર તેં કેમ રચ્યો છે? હે પ્રભુ! સ્ત્રીજાતિના ભાવપ્રવણ, સાત્ત્વિકભાવના સૌરભવાળા વિમલ હૃદયને આ પુરુષ જાતિ કયારે સમજી શકશે? કયારે એનો આદર કરતાં શીખશે? નારીજીવન તો સ્વાર્થત્યાગની ઉજ્જવલ પરાકાષ્ઠા છે. નારીહૃદય તો કોમલ, કરુણા અને વિમલ મૈત્રીનો શિખરરાશિ! વિષાદ – તિરસ્કાર – ઉપેક્ષાને પોતાની છાતીમાં ધરબી દઈને પુરુષોનાં કરતૂતો સહતી આવી છે! એણે કયારેય પોતાની ક્ષુદ્ર સ્વાર્થસિદ્ધિ કરી નથી. પણ પુરુષોનાં કરતૂતો તો વર્ણવ્યાં જાય એવાં નથી! આ પુરુષો રૂપના લોભી, બાહ્યાડંબરના પ્રેમી, ક્ષણભંગુર ચળકાટના વ્યામોહમાં પડીને નારીના કોમળ હૃદયને ઠોકર મારતા જ રહ્યા છે!’

અપાલા બોલતી જ રહી : ‘હું આત્મપ્રશંસા કરતી નથી; પણ મેં વેદવેદાંગોનું ઊંડાણથી અધ્યયન કર્યું છે. ગુરુકૃપાથી સરસ કાવ્યમાધુરી પણ મેં આસ્વાદી છે! હું અપાલા કોઈ સાધારણ સ્ત્રી નથી. કૃશાશ્વ! આ અપાલા જેવી અપ્રતિમ બુદ્ધિ અને સંવેદનશીલ હૃદય મળવાં તો દુર્લભ છે. પણ ખરે જ, આ તો ભાગ્યની વિટંબણા છે કે શારીરિક રૂપભાવના એક જ દોષથી આ દુર્દશામાં ધકેલાઈ ગઈ છું. અનેક ગુણવાળા ચંદ્રનો એક કલંકદોષ તો ડૂબી ગયો પણ આ હતભાગી અપાલાની વિશાળ ગુણરાશિમાં સફેદ ધાબાં ડૂબી ન શક્યાં!’

અપાલા જેમ જેમ બોલતી જતી હતી તેમ તેમ તેની લાલચોળ આંખમાંથી આગ ઝરતી જતી હતી! આ છેતરાયેલી નારીના ક્ષુબ્ધ શબ્દો સાંભળીને કૃશાશ્વ એકદમ ભોંઠા પડી ગયા. તેઓ પહેલાં તો સ્તબ્ધ જ બની ગયા, પછી મૂંગા રહ્યા અને છેવટે મૌનના સંકેતથી જ અપાલાનો એમણે અસ્વીકાર પ્રકટ કરી દીધો. અપાલા એ સમજી અને ઉદ્દિગ્ન થઈ ઊઠી, તરછોડાયેલી અપાલાએ પતિનો આશ્રમ છોડ્યો. હવે પોતાના પિતાના તપોવનમાં જવા સિવાય એની પાસે અન્ય કોઈ ઉપાય હતો નહિ. આખરે સબળ પુરુષની સામે અબળાને પોતાનો પરાજય સ્વીકારવો જ પડયો.

અપાલા પિતા અત્રિના આશ્રમે પહોંચી. સવારનો પહોર હતો પણ આજે એ સવાર સોહામણું લાગતું ન હતું અને પૂર્વક્ષિતિજ પર ચડી આવેલી ઉષા જાણે એક  દગાનો ભોગ બનેલી નારીની ક્રોધભરી લાલચોળ આંખો જેવી લાગતી હતી. એના તેજે આશ્રમની મલિનતા દૂર ન થઈ શકી. તરછોડાયેલી અપાલાને જોઈને એનાં માતાપિતાનાં વિષાદભર્યાં હૈયાંની સહાનુભૂતિથી આશ્રમનાં સજીવ – નિર્જીવ – બધાં જ – પદાર્થોમાં એક વિચિત્ર ઉદાસીનતા છવાઈ ગઈ હતી. સૂર્યનારાયણનાં કિરણો તો ફેલાવા લાગ્યાં. પરંતુ માનસિક સાથે આરોપિત અચેતના દૂર ન થઈ.

પરંતુ અપાલાની મનોદશા તો અનોખી જ 

હતી! એના મનમાં વિષાદની લેશમાત્ર પણ છાયા ન હતી. આળસનો છાંટોય એના દિલને સ્પર્શ્યો ન હતો પણ કચડાયેલી નાગણ જેવી રીતે ફેણ ઊંચી કરી ફૂંકાડા મારતી હોય, તેવી રીતે તે તો તરછોડાયાની પીડાથી ધુંવાફુવાં થતી નારીના સાચા રૂપને દર્શાવવા કટિબદ્ધ થઈ ગઈ! કુષ્ટરોગના નિવારણના બધા ભૌતિક ઉપાયોને નકામા ગણીને હવે એણે આધ્યાત્મિક ઉપાયોને ખોળી કાઢવાનો મનસૂબો કર્યો.

અપાલાએ તપ આદર્યું. માનસિક દુર્બળતાઓને દૂર કરવાનું અને દુષ્ટ પ્રવૃત્તિઓને ડામી દેવાનું એ જ તો અમોઘ સાધન છે. તપસ્યાની આગમાં કેટલાય ક્ષુદ્ર માનવભાવ બળીને ખાખ થઈ જાય છે. તપ્ત કાંચનની પેઠે સમ:પૂત માનવહૃદય વિશુદ્ધ અને ઓજસ્વી બની જાય છે. અપાલાએ ઈંદ્રની આરાધના આરંભી, સવારના પહોરમાં સમિધોથી સળગતા અગ્નિમાં રોજ એ હોમ કરવા લાગી. અને પછી પૂજા અને જપમાં તલ્લીન થઈ જવા લાગી. ઉષાનાં સોનેરી કિરણો કુશાસનસ્થ અપાલાનું સ્વાગત કરતાં, સવારનો મંદ સમીર એના શરીરને નવો ઉત્સાહ અને નવી શક્તિ આપતો, બપોરનો બળબળતો સૂર્ય એની પંચાગ્નિ સાધનામાં પાંચમા અગ્નિનું કામ કરતો. સંધ્યાની કાળપ આપાલાના ઊંચા લલાટ ફલક ઉપર જાણે કે લાવણ્યની લલિત રેખાઓ પાથરી દેતી અને રાતનો અંધકાર એને શ્યામલ સાગરમાં સ્નાન કરાવતો રહેતો. કોઈક વાર ચંદ્રકિરણો પણ એના શરીરને અમૃતથી નવડાવતાં.

આમ તપશ્ચર્યા કરતાં કરતાં દિવસો પછી રાતો અને રાતો પછી દિવસો વીતતાં ચાલ્યાં. વર્ષોએ આવ્યાં અને ગયાં. પણ અપાલાની શ્રદ્ધા અડગ જ રહી; એકધારી રહી. અપાલા ધીર હતી, શ્રદ્ધાવાન હતી, ગરિમાપૂર્ણ હતી, એની તપશ્ચર્યા ચાલુ જ રહી. ઈંદ્રદેવની પ્રસન્નતાની અભિલાષાનો અખંડ દીપક પ્રજ્વલિત રાખીને એ કાર્યસિદ્ધિ માટે મથતી રહી.

અપાલાને ખબર હતી કે ઈંદ્રને પ્રસન્ન કરવાનું સૌથી મોટું સાધન સોમરસનું દાન છે. ગાયના દૂધમાં ઘોળેલા સોમરસનો ચષકો પીવાથી ઈંદ્રના મનમાં જેટલો આનંદ થાય છે તેટલો કોઈ વસ્તુથી થતો નથી. વેગીલા તરવરિયા તોખારો અને વેગીલી નદીઓની પેઠે સોમના ઘૂંટડા ઈંદ્રના હૃદયને ઉછાળે છે. સોમપાનના કેફથી જ એ વજ્રપાણિ  અસુરસંહાર કરે છે અને પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે. મારે સોમ મેળવવો ક્યાંથી? મૂજવાત પર્વત પર ઊગતી એ સોમવલ્લી તો મેળવવી ઘણી કઠિન હતી.

અપાલા વિચારવા લાગી : સોમવલ્લી ક્યાંથી મેળવવી? મનુષ્યમાં નિષ્ઠા હોય, શ્રદ્ધા હોય તો એ નિ:સંશય વિશુદ્ધ આસ્થા ફળ આપ્યા વગર રહેતી જ નથી. શ્રદ્ધા તો આત્માની આંખ છે. ભૌતિક આંખો ન જુએ, તે આત્માની આંખ જોઈ શકે છે અપાલાની એ શ્રદ્ધામય આંખ સોમવલ્લી શોધ કરવા તત્પર થઈ.

એક દિવસની વાત છે. સંધ્યાનો વખત હતો. અપાલા હાથમાં કલશ લઈ પાણી ભરવા માટે સરોવર તરફ ચાલી. પાણી ભરીને એ પાછી વળી રહી હતી ત્યાં એની નજર – રસ્તા પર ઊગેલી એક વિશેષ પ્રકારની લતા પર પડી. આકાશમાં ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હતો. એ સોમ-ચંદ્રના પ્રકાશમાં આ સોમવલ્લીને ઓળખી કાઢવામાં અપાલાને જરા પણ વાર ન લાગી. એ જ્ઞાની તો હતી જ. એણે જલદીથી એ લતાને તોડી લીધી. અને સ્વાદ પારખવા માટે પોતાના દાંતોથી એને એ ચાવવા લાગી! સાચે જ એ સોમવલ્લી હતી! અપાલાની શ્રદ્ધા આજે ફળીભૂત થઈ ગઈ! એનું ભાગ્ય પલટાઈ ગયું.

વેલને દાંતોથી ચાવવાના થયેલા અવાજથી આકર્ષાઈને ઈંદ્રદેવ સ્વયં અપાલાની સન્મુખ ઉપસ્થિત થઈ ગયા! ઈંદ્રના મનમાં તો એમ હતું કે યજ્ઞમાં ઈંદ્રને (પોતાને) પીરસવા માટે સોમવલ્લીમાંથી પાષાણખંડોને પીસીને રસ કઢાઈ રહ્યો છે, એનો આ અવાજ છે. પણ આ તો એ અભિષવકાર્ય – શિલાખંડોને પીસવાના કાર્યના અવાજને બદલે દાંતોના પીસાવાનો અવાજ નીકળ્યો! ખેર!

અપાલાને પોતાના ઉપાસ્ય ઈંદ્રદેવને ઓળખતાં જરા પણ વાર ન લાગી. જોયા કે તરત જ ઓળખીને એણે એમને પ્રણામ કર્યા.

‘અપાલા! તેં તો મને સોમરસ પીરસવાની પ્રતિજ્ઞા કરી હતી ને?’ – ઈંદ્રે પૂછ્યું.

અપાલાએ ઉત્તર આપ્યો : ‘હા, પણ પ્રભુ! લતાને ઓળખ્યા વગર, એનો સ્વાદ જાણ્યા વગર તો હું આપને સોમરસનું પાન કેવી રીતે કરાવી શકું? એટલે પહેલાં હું જ એનો સ્વાદ ચકાસી રહી છું.’

‘ઠીક, એમ છે ત્યારે’ – એવું કહી ઈંદ્ર પાછા જવા લાગ્યા. ત્યારે અપાલા બોલી ઊઠી : ‘ઊભા રહો ભગવન્‌! આપ તો ભક્તોના આવાહને તરત જ સ્વયં હાજરાહજૂર જ થઈ જાઓ છો! લો, અહીં જ હું આપનું સ્વાગત કરું છું.’ આટલું બોલીને અપાલા પોતના દાંતોમાંથી ઝરતાં સોમરસનાં બિન્દુઓને ઉદ્દેશીને કહેવા લાગી : ‘હે સોમબિન્દુઓ! તમે ધીરે ધીરે અહીંથી વહીને ઈંદ્રદેવ તરફ આગળ વધો કે જેથી તમને પીવામાં એમને કશી મુશ્કેલી ન પડે.’

આ રીતે મઘવાએ-ઈંદ્રે સોમરસનું પાન કર્યું; પ્રસાદ ગ્રહણ કર્યો. બસ, ભક્તનો અભિલાષ ઝૂમી ઊઠ્યો! કૃતાર્થતાની નોબત બજી ઊઠી! અપાલાના આનંદનો પાર ન રહ્યો!

‘વરદાન માગ અપાલા!’ ઈંદ્રની પ્રસન્નતા વૈખરીનું રૂપ ધારણ કરી રહી.

‘મારા પિતાના ટાલિયા મસ્તક પર વાળ ઊગો.’ અપાલાએ વરદાન માગ્યું.

‘ભલે એમ થાઓ’- ઈંદ્રે વરદાન આપ્યું. અને કહ્યું : ‘બીજો વર માગ અપાલા!’

‘મારા પિતાનાં ઉજ્જડ ખેતરો હરિયાળાં બની જાઓ.’ અપાલાએ માગ્યું.

‘ભલે એમ થાઓ, ત્રીજો વર બોલ!’ ઈંદ્રે કહ્યું.

‘દેવાધિદેવ! જો હજુ પણ આપની કૃપા હોય તો આ દાસીનો કુષ્ટરોગ મૂળ સહિત નાશ પામી જાઓ’ – અપાલાએ અંતિમ વરદાન માગી લીધું.

‘ઘણું સરસ’, ઈંદ્ર બોલ્યા, ‘મારી ઉપાસિકાનો મનોરથ સફળ થાઓ.’ આટલું કહીને ઈંદ્રદેવે અપાલાનો હાથ પકડી લીધો અને ત્રણવાર એને રથના છેદમાંથી પસાર કરીને બહાર કાઢીને એના શરીરનાં ત્રણ આવરણોને કાઢી નાખ્યાં. પહેલું આવરણ શાહુડીનું, બીજું આવરણ કાચંડાનું અને ત્રીજું આવરણ ઘોનું હતું. એનો કુષ્ટરોગ જડમૂળથી નષ્ટ થયો. ઈંદ્રકૃપાથી શરીર સ્વર્ણકાન્તિ થઈ ગયું. એના પર નજર નાખનાર એની આભાથી નવાઈ પામીને અંજાઈ જવા લાગ્યા તથાકથિત અબલાના વાસ્તવિક – સહજ – સબલા સ્વરૂપને જોઈ સંસારે અચરજથી જોયા કર્યું! દેવોય દંગ થઈ રહ્યા!

હવે તે જવાબદારી નિભાવવા પતિના આશ્રમે પાછી પહોંચી. આજે એને મન સોનાનો સૂરજ ઊગ્યો હતો. સવારનો પહોર હતો તે જ્યારે પહોંચી ત્યારે સૂર્યકિરણો તેને જાણે કે વધાવી રહ્યાં હતાં. હરિયાળી ચાદર એને આવકારી રહી હોય એવું લાગ્યું. કૃશાશ્વે અપાલાને દૂરથી આવતી જોઈ! એ આભા બની ગયા! આવા કાંચનવરણા દેહપરિવર્તનનો તો તેમને સ્વપ્નેય ખ્યાલ ક્યાંથી હોય? નારીશક્તિની અદ્‌ભુતતા જોઈને તેઓ તો ગદ્‌ગદ થઈ ઊઠ્યા! પશ્ચાત્તાપ અને આનંદના ઉદ્રેકથી તેઓ દોડીને અપાલાને ભેટી જ પડ્યા! એમની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. એમના હૃદયની આવી કરુણ પરિસ્થિતિ જોઈને અપાલા પણ ચમત્કૃત થઈ ગઈ! અપાલાએ પોતાની નારીશક્તિને ધન્ય માની.

અને બન્ને રોમાંચિત થઈ કેટલાય વખત સુધી ભેટી જ રહ્યાં અને ખુદ કાળ એમની અવસ્થા જોતો જોતો થોભી રહ્યો!

સંદર્ભો :-

(૧) ઋગ્વેદ, ૮/૨૧.

(૨) બૃહદ્અએવતા – ૬/૯૯-૧૦૬.

(૩) સર્વાનુક્રમણી – ૮/૯૧.

(૪) સાયણભાષ્ય – ૮/૯૧.

(૫) નીતિમંજરી – પૃ. ૨૭૮-૮૧.

Total Views: 28

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.