ભયને આશરો ન આપો

સ્વામી વિવેકાનંદે પ્રચંડ સાહસ અને હિંમત સાથે એક ભયંકર પરિસ્થિતિનો સામનો કર્યો હતો, એવી એક બીજી મહત્ત્વપૂર્ણ ઘટના પર વિચાર કરી જોઈએ. આ ઘટના સ્વામીજીના ઈંગ્લેન્ડના પ્રથમ પ્રવાસ દરમિયાન બની હતી. એકવાર તેઓ પોતાના એક અંગ્રેજ મિત્ર તથા મિસ મૂલર સાથે ટહેલતાં ટહેલતાં એક ખેતરમાંથી પસાર થતા હતા. એ વખતે એક ગુસ્સે થયેલ સાંઢ અત્યંત ઉગ્રતા અને આક્રોશ સાથે એ લોકો તરફ ધસી આવ્યો. પેલા અંગ્રેજ સજ્જન તો દોડીને નજીકના ટેકરાની બીજી બાજુએ સુરક્ષિત સ્થાને પહોંચી ગયા. મિસ મૂલર શક્તિ પ્રમાણે દોડ્યાં અને આગળ દોડી ન શકતાં જમીન પર જ પડી ગયાં. સ્વામીજીએ આ બધું જોયું. સાંઢથી પોતાની જાતને બચાવવાનો ઉપાય દેખાતો ન હતો એટલે બંને હાથે અદબ વાળીને છાતી ટટ્ટાર કરીને એની સામે ઊભા રહ્યા. મનમાં વિચારવા પણ લાગ્યા : ‘આજે તો અંતિમ સમય આવી જ ગયો લાગે છે.’ ત્યાર પછી એમણે કહ્યું હતું કે એ સમયે એનું મન એવી ગણતરી કરવા લાગ્યું કે સાંઢ એમને ક્યાંય દૂર ફેંકી દેશે. પરંતુ એ સાંઢ થોડા કદમ ચાલીને એકાએક ઊભો રહી ગયો અને થોડીવારમાં ત્યાંથી પાછો ફરીને ચાલ્યો ગયો.

આવું એક સાહસ સ્વામીજીએ પોતાની કિશોર અવસ્થામાં બતાવ્યું હતું. એમણે કોલકાતાની ગલીઓમાં અનિયંત્રિત બનીને દોડતા એક ઘોડાને સહજભાવે આગળ વધીને પકડી લીધો અને એ રીતે એની સાથે જોડાયેલ બગીમાં બેઠેલ એક મહિલાના પ્રાણ પણ બચાવ્યા હતા. સ્વામીજીએ કહ્યું હતું: ‘જ્યારે ક્યારેય સંકટ આવે છે ત્યારે મૃત્યુની સંભાવના હોય છતાં પણ મારું મન શાંત, સ્થિર અને નિર્ભય રહે છે.’

પોતાની મનોદશાની વાત કરતાં એકવાર એમણે કહ્યું હતું: ‘જેમણે ઈશ્વરનાં ચરણ સ્પર્શી લીધાં છે એમને માટે કંઈ પણ ભયપ્રદ નથી હોતું.’ અહીં મહારાષ્ટ્રના સુખ્યાત સંત સ્વામી રામદાસની એક ઉક્તિનો ઉલ્લેખ કરી શકાય : ‘મહાપુરુષ તે જ છે કે જેઓ સ્વયં નિર્ભય છે અને બીજામાં ભયનો સંચાર કરતા નથી.’

મહાપુરુષ શબ્દનું તાત્પર્ય એવા લોકો સાથે છે કે જેમણે સર્વશક્તિમાન ઈશ્વર કે સર્વવ્યાપી આત્માની અનુભૂતિ કરી લીધી છે. આ અનુભૂતિનાં બે ફળ છે – મનોબળ અને નિર્ભયતા. સાચા ભગવદ્ભક્ત અને જ્ઞાની લોકો નિર્ભય હોય છે. એમના સાંનિધ્યમાં આવનારાં પશુપક્ષી સુધ્ધાં પણ નિર્ભયતાના ભાવનો અનુભવ કરે છે. જો આપણે શ્રદ્ધા તેમજ દૃઢતાપૂર્વક મહાપુરુષોના જ્ઞાનબોધનું અનુસરણ કરીએ તો આપણે પણ નિર્ભય બની શકીએ.

ભગવદ્ કૃપા અને રક્ષણ

ક્યારેક ક્યારેક અણધારી રીતે સંકટની ક્ષણ આપણી સામે આવી પહોંચે છે. એ વખતે પ્રાય: એમનો સામનો કરવા માટેની તૈયારીની કોઈ તક આપણા માટે રહેતી નથી. એકાએક આવી પડેલ સંકટનો સામનો કરવા એક સબળ મન અને ઉત્કૃષ્ટ પ્રત્યુત્પન્ન (તત્કાલ) બુદ્ધિની આવશ્યકતા રહે છે. આ ક્ષમતાઓ મેળવવી આસાન નથી. અણધારી પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો? શું કોઈ વ્યક્તિ પૂર્ણપણે નિર્ભય હોઈ શકે ખરી? આ વિષયમાં સ્વામી વિવેકાનંદના પરિભ્રમણના દિવસોની એક ઉલ્લેખનીય ઘટના એમના જ શબ્દોમાં વર્ણવીએ:

‘એ દિવસોમાં હું હિમાલય વિસ્તારનાં વિભિન્ન ઘરોમાં જઈને ભિક્ષાટન કરતો. મોટા ભાગનો સમય હું ધ્યાનમાં રહેતો. ભિક્ષામાં મેળવેલું ભોજન અત્યંત સામાન્ય પ્રકારનું રહેતું અને વળી તે મારી ભૂખને શાંત કરવા અપૂરતું પણ હતું. એક દિવસ મેં વિચાર્યું કે મારું જીવન જ વ્યર્થ છે. આ પહાડી વિસ્તારના લોકો ઘણા ગરીબ હતા. તેઓ પોતાનાં પરિવાર તથા બાળબચ્ચાંનું પણ ભરણપોષણ કરી ન શકતા. આમ છતાં પણ પોતાના ભોજનનો એક અંશ એ લોકો મારા માટે રાખવાનો પ્રયાસ કરતા હતા. મને લાગ્યું કે આવી રીતે જીવન જીવવું યોગ્ય નથી. મેં ભિક્ષાટન માટે બહાર જવાનું છોડી દીધું. બે દિવસ સુધી હું ભૂખ્યો રહ્યો. તરસ લાગે એટલે ઝરણાનું વહેતું પાણી પી લેતો. એક દિવસ હું ગાઢ વનમાં જઈને એક વૃક્ષ નીચે ધ્યાનમાં બેસી ગયો. આંખ ખૂલી તો મેં મારી સામે એક મોટા વાઘને જોયો. એણે પોતાની ભયંકર આંખે મારી તરફ જોયું. મેં વિચાર્યું કે અંતે આજે મને શાંતિની પ્રાપ્તિ થઈ જશે. વાઘને શિકારની જરૂર છે, એની ભૂખ ભાંગીને મારું પણ જીવન સાર્થક થઈ જશે. હું આંખો બંધ કરીને વાઘ મારા પર તરાપ મારે એની રાહ જોતો હતો. થોડી મિનિટ પસાર થઈ, પણ વાઘે મારા પર આક્રમણ ન કર્યું. મેં આંખો ખોલી અને ચારે તરફ જોવા લાગ્યો. વાઘ તો જંગલ તરફ પાછો ચાલ્યો જતો હતો. હું આશ્ચર્યચકિત થઈ ગયો. મને સમજાયું કે ઈશ્વર મારી રક્ષા કરે છે. મને એ જ્ઞાન થયું કે મારે હજુ થોડું કાર્ય પૂરું કરવાનું છે અને એની પહેલાં મને આ સંસારમાંથી મુક્તિ નહિ મળી શકે.’

આ ઘટનામાં ભયનો કોઈ પૂર્વાભાસ ન હતો. ધ્યાન પછી જ્યારે સ્વામીજીએ આંખો ખોલી ત્યારે એમણે એક ભયંકર વાઘને સામે ઊભો રહીને પોતાના તરફ ઘુરકતો જોયો. સ્વામીજી ભયભીત ન થયા. તેઓ એ વાઘને પોતાનો દેહ ભોજન રૂપે દેવા તત્પર થયા. વાઘ દ્વારા પોતે ખવાઈ જાય એ માટે તૈયાર થઈને તેઓ ધ્યાનમાં બેસી ગયા. એમણે કોઈ દૈવી મદદની અપેક્ષાયે કરી ન હતી. આમ છતાં પણ વાઘ પોતે જ ત્યાંથી પાછો ફરીને ચાલ્યો ગયો. ક્યારેક ક્યારેક જીવનમાં એવી ઘટનાઓનો સામનો કરવો પડે છે કે જેમાં પ્રાકૃતિક નિયમોથી પર છે એ બધી શક્તિઓ ક્રિયાશીલ હોય જ છે. ઈશ્વર તથા અલૌકિક ઘટનાઓમાં વિશ્વાસ ન રાખનારા તર્કવાદી આવી ઘટનાઓને નિરર્થક સંયોગ જ માની શકે. આમ છતાં પણ અનુભવસિદ્ધ લોકો અને ભક્તગણ એમાં ઈશ્વરની અદૃશ્ય શક્તિનો હાથ જુએ છે.

સ્વામીજીએ કહ્યું છે: ‘હું સમજી ગયો કે ઈશ્વર મારી રક્ષા કરે છે.’ ભક્તોને અનુભવ થાય છે કે ભગવાન જ એમની રક્ષા કરે છે. ભગવાન માટે કંઈ અસંભવ નથી. ક્યારેક ક્યારેક એવું લાગે કે ભગવાને કોઈ એક વ્યક્તિને વિપત્તિમાં ડૂબાડી દીધો, પરંતુ શ્રદ્ધાળુ લોકો એમાં પણ ભગવાનનો આધ્યાત્મિક ઉદ્દેશ જ જુએ છે. આવી અનોખી ઘટનાઓ કેવળ સંતો કે મહાપુરુષોના જીવનમાં ઘટે છે એવું નથી. પરંતુ બધા યુગોના બધા દેશોના વિભિન્ન ધર્મ-સંપ્રદાયના સામાન્ય લોકોના જીવનમાં પણ આવી ઘટનાઓ જોવા મળે છે.

રીંછનો સામનો

ભારતચીનના સીમાવિવાદ દરમિયાન સૈન્યના એક જવાને પોતાની અનુભવ કથાનું વર્ણન કર્યું: ‘એક સાંજે તે એકલો જ હિમાલયના ક્ષેત્રમાં ફરવા ગયો હતો. લગભગ ચાર કિ.મિ. ચાલ્યા પછી એણે સામેની દિશાએથી આવતા એક સફેદ રીંછને જોયું. ભયને લીધે તે જવાનના હોશ ઊડી ગયા. એને બરાબર ખ્યાલ હતો કે આવા બરફવાળા પ્રદેશના રીંછ પોતાના રસ્તામાં આવનાર કોઈ પણ વ્યક્તિ ઉપર આક્રમણ કરે છે અને એને મારી પણ નાખે છે. સાથે પિસ્તોલ ન લાવવાનો પસ્તાવો થવા લાગ્યો. મનમાં વિચાર્યું કે હવે મારો અંત નજીક છે. ઘર અને સ્વજનોથી દૂર એક વેરાનમાં એક રીંછના હાથે મરવાનું મારા ભાગ્યમાં નિર્માણ થયું છે.’ એમણે આગળ વર્ણન કરતાં કહ્યું: ‘ઘરના બધા લોકોનાં ચિત્ર અને આરાધ્ય હનુમાનજીની મૂર્તિ મારી આંખો સામે તરવાં લાગ્યાં. હું સ્થિર બનીને રીંછની તરફ તાકીને ઊભો રહ્યો. મારાથી આશરે દસ-પંદર ફૂટ અંતર સુધી આવી ગયેલ એ રીંછ એકાએક અટકી ગયું, થોડી ક્ષણ સુધી મારી સામે તાકીને જોઈ રહ્યું અને પછી એકાએક ત્યાંથી છાનું માનું પાછું ફરી ગયું. રીંછ આમ પાછું ફર્યું એ માટે કોઈ સ્પષ્ટ કારણ ન હતું. ઈશ્વરે જ મારી રક્ષા કરી છે એવા વિશ્વાસ સાથે હું પાછો ફર્યો. શિબિરના બીજા લોકો પણ મારી સાથે બનેલી આ ઘટનાને સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા.

દસ-બાર દિવસ પછી દક્ષિણભારતથી મારા પિતાનો પત્ર મળ્યો. એમાં એમણે લખ્યું હતું : ‘હનુમાનજી મારા સ્વપ્નમાં પ્રગટ થયા અને કહ્યું – મેં તમારા પુત્રને સંકટમાંથી બચાવી લીધો છે, તત્કાળ પત્ર લખીને તારા કુશળ સમાચાર મને જણાવજે.’

સંતો, સામાન્ય લોકો તેમજ ભક્તોના જીવનમાં ઘટેલી ઘટનાઓના અનુભવોથી આટલું સિદ્ધ થાય છે કે સર્વશક્તિમાન પરમાત્મા પાસે સહાયની પ્રાર્થના કરવાથી આપણા જીવનની મુસીબતો અને સંકટોમાંથી મુક્તિ મેળવવી સંભવ છે. શ્રદ્ધા અને ભક્તિની સહાયતાથી બધી સમસ્યાઓનો હલ મેળવવો સંભવ છે. એના માટે અધ્યવસાય, સત્સંગ અને અભ્યાસની આવશ્યકતા છે.

અભ્યાસ દ્વારા ભયનો નાશ કરવો

ધૈર્ય અને અધ્યવસાય દ્વારા આપણે કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક પ્રક્રિયાને પોતાની ટેવ, આદત અને સ્વભાવનો એક હિસ્સો બનાવી શકીએ. કઈ રીતે અભ્યાસ અને અધ્યવસાય દ્વારા ટેવ કેળવાય છે એ વાત અહીં આપેલું ઉદાહરણ દર્શાવે છે :

સ્નાન કરવાની ટેવ પાડીને માનવ સ્વચ્છ રહે છે. દાનની ટેવથી માનવ ઉદાર બને છે. ધ્યાન અને અભ્યાસ દ્વારા મનુષ્ય પ્રબુદ્ધતા કેળવે છે. ક્ષમાની ટેવથી માનવી દયાળુ બને છે. હંમેશાં ચિંતા કરતાં રહેવાથી માનવ હતાશાને નોતરે છે. આત્મવિશ્વાસ વિકસિત કરીને માનવ સફળતા મેળવે છે. નિરંતર ભયભીત રહેવાથી મનુષ્ય કાયરતાને શરણે જાય છે. સહાનુભૂતિના અભ્યાસથી માનવ ઉદારતા કેળવે છે.

કોઈ વ્યવહારને કે કાર્યને યોજનાબદ્ધ રૂપે થોડા સમય સુધી ચાલુ રાખવાથી તે ટેવમાં ફેરવાઈ જાય છે. કોઈ ટેવને સરળતાથી દૂર કરી શકાતી નથી. એને છોડવાથી જાણે કે આપણી કોઈ સારી વસ્તુ ખોવાઈ ગઈ છે એવું લાગે છે. કોઈ ટેવમાં વિઘ્ન કે નડતર આવે તો આખા દિવસનું કાર્ય વ્યર્થ જાય છે. સારા ચારિત્ર્ય અને સદાચારના વિકાસ માટે સારી ટેવો એક આધારભૂમિ જેવી છે. મનમાં વારંવાર આવનારાં વિચાર અને ભાવનાઓ આપણાં સ્વભાવ અને ચરિત્રનું નિર્માણ કરે છે. જેમ કે ચિંતા અને પ્રફૂલ્લતા, ક્રોધ અને શાંતિ, મનની એવી દશાઓ છે કે જે ટેવમાંથી ઉદ્ભવે છે. નિર્ભયતા પણ એવી જ એક ટેવ છે. આપણા સ્વભાવનું અંગ બની ચૂકેલ આ ટેવ નિયમિત તેમજ વ્યવસ્થિત અભ્યાસનું પરિણામ છે. જો આપણે સતત નિયમિતતા સાથે પોતાના મનમાં નિર્ભયતા તેમજ સાહસપૂર્ણ વિચારોને પોષતા રહીએ તો આપણો ભય દૂર થઈ જશે. સાથે ને સાથે નિર્ભયતા આપણા મનનો એક સ્થાયી ભાવ બની જશે.

એક બાળક કેવી રીતે કક્કો-બારાક્ષરી શીખે છે, એને લખવાની કળા શીખે છે એ વિશે જરા વિચાર કરો. તે પ્રત્યેક અક્ષરના વણાંકને વારંવાર નિહાળે છે અને પછી નિરંતર એને લખવાનો અભ્યાસ કરતાં કરતાં પ્રત્યેક અક્ષર શીખી લે છે. કોઈ ટેવ પાડવા કે એને દૂર કરવા ઇચ્છનાર વ્યક્તિએ આ માટે ખૂબ ધૈર્યપૂર્વક આગળ વધવું પડે. ધીરે ધીરે પરંતુ દૃઢતાપૂર્વક આગળ વધવાથી પ્રગતિ સાધી શકાય. ધૈર્ય ગુમાવીએ તો આપણને કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મળતી નથી.

એક લીટીનાં બિંદુઓને ક્રમશ: જોડીને આપણે વર્તુળ, ચતુષ્કોણ, ત્રિકોણ, ષટ્કોણ, અષ્ટકોણ જેવાં અગણિત રૂપ આપી શકીએ છીએ. જ્યારે આપણે નાનાં નાનાં કાર્યમાં પણ એકાગ્રતા રાખીએ અને એને સુવ્યવસ્થિત રૂપે કરીએ ત્યારે જ આપણા ચારિત્ર્યને એક આકાર મળી રહે છે.

કઠિન પરિસ્થિતિઓનો ખાંડણિયો

મુશ્કેલીઓ, દુ:ખકષ્ટ તથા અસહાયતાની દશા મનુષ્યને એવાં ચિંતા અને વિષાદના અગ્નિમાં તપાવે છે કે જેનું વર્ણન ન થઈ શકે. આ વિશે આપણે કેટલીક વાસ્તવિક ઘટનાઓનું વર્ણન જોઈએ:

આપણા જીવનનાં દુ:ખદર્દને સહન કરવામાં અક્ષમ તથા અત્યંત વિચલિત મનવાળી એક સ્ત્રીએ કહ્યું: ‘બાળપણમાં જ માનું મૃત્યુ થવાથી હું અનાથ બની ગઈ. હું મારાં ભાઈ-ભાભીના ઉદાસીન અને અવગણનાવાળા વ્યવહારને અધીન રહીને મોટી થઈ, ઊછરી. દુર્ભાગ્યવશ મારાં લગ્ન એક નિર્દય માનવ સાથે થયાં. એ શરાબી અને ખરાબ ચારિત્ર્યવાળો હતો. અટાણે હું બે બાળકોની મા છું. મોટો નવ વર્ષનો છે અને નાનો ચાર વર્ષનો છે. મારા દુ:ખની કોઈ સીમા નથી. એક બાજુએ મને પતિનો આધાર નથી અને બીજી બાજુએ મારાં બધાં સગાં-સંબંધીઓથી પણ હું દૂર થઈ ગઈ છું. જેની સાથે હું કે મારાં બાળકો અમારા મનની વાત કહી શકીએ એવું કોઈ અમારું નથી, પણ ઈશ્વર અમારો સાથ નહિ છોડે એવી એક મીઠી આશામાં અનેક વર્ષો વીતાવી દીધાં. પણ હવે આ આશાયે ધીમે ધીમે વિલીન થવા લાગી છે. મારા પતિ ઘણી વખત કહે છે, ‘ભગવાનને માટે મારો પીંડ છોડી દે, તારા રોવાધોવા પર કોઈ નજર નાખવાનું નથી.’ તેઓ પહેલાં આટલા ક્રૂર ન હતા અને અત્યારે તો એમણે જાણે કે મને નરકમાં ધકેલી દીધી છે. મને તેઓ દૈહિક અને માનસિક રૂપે ખૂબ પીડે છે. એક બાજુએ એમની લંપટતા ઘણી વધી ગઈ છે. મારી બધી આશાઓ ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે.  હવે મારી વધુ જીવવાની ઇચ્છા નથી. આ બાળકોની ચિંતા પણ મને આત્મહત્યાના વિચારમાંથી રોકી શકતી નથી.’

શું આ અભાગી નારી માટે કોઈ ઉપાય છે ખરો? એક મહાત્માએ એને હિંમત આપતાં કહ્યું: ‘નિરાશ ન થાઓ. ઈશ્વર તમારાં દુ:ખકષ્ટથી અજાણ છે એવી વાત નથી. એમના પ્રત્યેની શ્રદ્ધા ન ગુમાવશો. અત્યાર સુધીમાં તમે એટલું સમજી ગયા હશો કે આ સંસાર દુ:ખમય છે. આ સંસાર એવા લોકોથી ભર્યો છે કે જેઓ ઉપરથી ઈમાનદાર અને ઉદાર દેખાય પણ દિલથી છે ઘોર સ્વાર્થી. વળી એવુંયે ન વિચારતાં કે ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળતા નથી. તમે એમને દિવસમાં બેવાર પ્રાર્થના કરો છો. એ પ્રાર્થનામાં વધુ ઉત્સાહ અને ભાવ લાવીને ભક્તિભાવનાં આંસું સાથે પ્રાર્થના કરતા રહો. તાત્કાલિક તમને ભલે ફળપ્રાપ્તિ ન થાય પણ ભવિષ્યમાં એનું ફળ મળવાનું જ. દરેકે દરેક વ્યક્તિ તમારી સહાય ન કરી શકે. માત્ર ભગવાન જ વાસ્તવિક રીતે મનુષ્યને આ જીવનના કાદવકીચડમાંથી બહાર કાઢી શકે છે. ભૂતકાળને ભૂલી જાઓ. શું તમે બે દિવસ પહેલાં કરેલ ભોજનને યાદ કરવાનો પ્રયત્ન કરો છો ખરા? ભૂતકાળની ઘટનાઓ તમને આજે પણ શા માટે હેરાન-પરેશાન કરે છે? વીતેલી ગઈકાલ પાછી આવતી નથી. પણ હવેથી જાગ્રત બનો અને સાવધાની સાથે પગલું આગળ ભરો. પોતાનાં બાળકોને પ્રાર્થના અને એના મહત્ત્વ વિશે કહો. પોતાના પતિના મંગલ માટે પણ નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરો. એનાથી તમારું કલ્યાણ થશે. એથી તમારા સૌભાગ્યનો ઉદય થશે. નિષ્ઠાપૂર્વક તમારી સાધના કરતાં રહો. બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને પ્રભુની પ્રાર્થના કરો. આખા દિવસનું કાર્ય પૂરું કર્યા પછી પણ પૂજાઘરમાં જઈને પ્રભુને પ્રણામ કરીને આર્તભાવે પ્રાર્થના કરો. જો તમે દુ:ખમાં ડૂબેલા હો તો પોતાના મનોભાવ પ્રમાણે એમને પ્રાર્થો. ધીરજ રાખો, ઉતાવળે એમના વિશે કોઈ ધારણા બાંધી ન લો. જીવન બહુમૂલ્ય છે. આ મૂલ્યવાન જીવનને પામીને એના લક્ષ્યને ભૂલો નહિ.

કોઈ મુશ્કેલી અકારણ આવતી નથી. ઈશ્વર કોઈ મજા માણવા માટે લોકોને પરેશાનીની કેદમાં નાખતા નથી. તેઓ અનાસક્ત છે અને સાક્ષીભાવે બધું જોયે રાખે છે. જે સાચા હૃદયથી સહાયતા માટે વ્યાકુળ બને તેને ખરે સમયે ચોક્કસ મદદ મળવાની જ. ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા રાખવી પડે. કર્મ કે ભાગ્યના પ્રભાવને નષ્ટ કરવા માટે ઈશ્વર પાસે અનુનય વિનય કરવા પડે. માનવજીવન વાદળાંથી ઢંકાયેલ આકાશ જેવું છે. એમાં ચારે તરફ ધૂમાડા જેવા અને ઝાંકળિયાં ગાઢ વાદળાં ઘેરાતાં રહે છે. આ સંસારમાં કોઈનેય સાચું સુખ મળતું નથી. એવી સલાહ દઈએ તો લોકો શ્રદ્ધાવિશ્વાસ ન કરે, પણ માનવીએ પોતે જ અનુભવો દ્વારા જીવન વિશે શીખવું જોઈએ. જાગતિક જીવનની તુચ્છતા વિશે દૃઢ વિશ્વાસ થઈ જાય પછી આપણે એના પ્રલોભનમાંથી મુક્ત થઈએ છીએ.

Total Views: 19

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.