‘જીવનની કઠણાઈઓની ગાંઠ ખોલવી સરળ નથી. કેવળ પ્રાર્થના અને ભગવન્નામના જપથી જ ક્રમશ: આ ગાંઠ ઢીલી થઈ શકે છે. આધ્યાત્મિક જીવનમાં સફળતાનું આ જ સાચું રહસ્ય છે. આ વાત સમયસાધ્ય છે. તમે ધૈર્ય સાથે કષ્ટદુ:ખ સહન કરતાં કરતાં આટલો લાંબો કાળ વીતાવી દીધો છે. હવે શાંતિ મેળવવા આધ્યાત્મિક સમાધાનને પણ જરા અજમાવી જુઓ. જેમ ભોજન કર્યા પછી કલાકો સુધી  તેના સ્વાદના ઓડકાર આવતા રહે છે. એવી જ રીતે સંભવ છે કે થોડા સમય સુધી તમને દુ:ખદ ભૂતકાળની યાદ પરેશાન કરતી રહે પણ એનાથી નિરાશ થવાની જરૂર નથી. આવનારા દિવસો સારા જ હશે.’

એક બીજી ઘટના

પાંત્રીસ વર્ષનાં મહિલા હતાં. રાતે બધા સૂઈ ગયા પછી તોફાન આવ્યું અને એના ઘરની સામેનું ઝાડ મૂળથી ઉખડી પડ્યું. પતિ, પત્ની તથા બાળકો ઊંઘતાં હતાં. બીજાં બધાં લોકો બચી ગયાં. પરંતુ પાંચ બાળકોની માના પગ પર ઝાડની એક ડાળી પડવાથી ઘાયલ થઈ ગયાં હતાં. તેની કમરની નીચેના ભાગમાં લકવા થઈ ગયો. બધી ચિકિત્સા વ્યર્થ ગઈ. એ બહેન ઊઠી શકવામાં અસમર્થ બની ગયાં. હવે એમને પૂરેપૂરી રીતે બીજાનો આધાર રાખવો પડતો. 

એમના શબ્દોમાં કહીએ તો ‘ગરદનની નીચેની પીડા અસહ્ય છે. મારા કમનસીબનો પાર નથી. હમણાં હમણાં તાવ આવી જવાથી મારી હાલત વધુ બગડી ગઈ છે. હું પૂર્ણપણે તૂટી ગઈ છું. ગરીબીની આગ પણ અમને તાવે છે. હવે મને મરવાની છૂટ અપાય એવી એક માત્ર પ્રાર્થના છે. મારે જીવવાની કોઈ ઇચ્છા નથી. 

મારી મોટી બહેને પૂજા-અનુષ્ઠાન અને તીર્થયાત્રા કરી. એક બીજી બહેને મોટાની સેવા કરીને પુણ્યની કમાણી કરી. તીર્થયાત્રાની વાત તો જવા દો, મને તો મારા પિતાની સેવા કરવાનોય મોકો નથી મળ્યો. પગની બધી શક્તિ ચાલી જવાથી હું મારા પતિનીયે સેવા કરી શકતી નથી. હવે આ કઠણાઈઓની વચ્ચે મારે જીવતા રહેવું જ નથી.’

જીવન આટલું કઠોર બની શકે એની એમણે સ્વપ્નમાંયે કલ્પના કરી ન હતી. એમનાં દુ:ખોને નજર સામે જોનાર સગાં-વહાલાંએ કહ્યું: ‘ગયાં છ વર્ષથી તેઓ આ જગ્યાએથી હલી પણ શક્યા નથી. તે પડખુંયે બદલી શકતી નથી. તેઓ જ્યાં જેવી રીતે પડ્યાં હોય એવી જ રીતે એમને એમ પડ્યા રહે છે. એમની પીઠમાં મોટાં ઘારાં પડી ગયાં છે. આખા શરીરમાં પીડા થાય છે. એમના પતિની આર્થિક દશા વધુ બગડી ગઈ છે. એમની દશા એટલી ખરાબ છે કે એ લોકોને બાળકોને પુરસ્કાર રૂપે મળેલી નાની મોટી ચીજવસ્તુઓ વેચવી પડે છે. 

આવી ભયંકર કઠણાઈમાં પણ એમના પતિ અહીંથી ભાગી જવાનો પ્રયાસ નથી કરતા અને દિવસરાત કઠોર મહેનત કરીને ઘણી મુશ્કેલીથી પોતાની આજીવિકા ચલાવે છે, એ પણ એક ચમત્કાર જેવું છે. હવે પૂરતા પ્રમાણમાં નુકશાન થઈ ચૂક્યું છે. એમની હાલત વધારે ન બગડી જાય એટલા માટે અમે લોકો યથાશક્તિ એમને મદદ કરીએ છીએ. આટલી વાત તો સ્પષ્ટ છે કે માનવીય સહાયતાને પણ પોતાની સીમામર્યાદા હોય છે.’

આવી બધી મુશ્કેલીઓ અને કઠણાઈઓથી આપણે પોતાની જાતને કેવી રીતે બચાવી શકીએ? એક ઉન્નત સાધક આ વિશે આમ કહે છે: ‘જીવનચક્ર ફરતું રહે છે, એ દરમિયાન સુખ અને દુ:ખ એકબીજાની આગળ પાછળ આવતાં રહે છે. જો સતત મુશ્કેલીઓ આવે તો હિંમત ન હારો. ભક્તિ અને નિષ્ઠા સાથે ભગવાનનાં નામનો જપ કરો. વીતેલી વાતોને યાદ કરીને દુ:ખી ન થાઓ. પ્રભુ પોતાના શરણમાં આવેલ લોકોને ત્યજતા નથી એ વાત ન ભૂલો. ચિંતા ન કરો, ધીરજ રાખો. તેઓ બધાની રક્ષા કરશે, ભયની કોઈ વાત જ નથી.’ આ આશ્વાસન પૂરેપૂરું સાચું છે. આપણે ભયભીત શા માટે છીએ? આપણાં બધાં દુ:ખો અને ચિંતાઓનું કોઈને કોઈ કારણ છે ખરું અને આવી રીતે આપણાં સારાં કર્મ પણ સારાં ફળ અવશ્ય લાવશે. એક અટલ નિયમ પ્રમાણે પ્રત્યેક કર્મનું ફળ અવશ્યંભાવિ છે. આપણે એટલું વિચારી લેવું જોઈએ કે ઈશ્વરની ઇચ્છાથી જ આપણા જીવનમાં બધાં દુ:ખ આવે છે. એટલે જ આપણે એમના તરફ આગળ જઈએ છીએ. આપણાં સાહસ અને દૃઢ સંકલ્પ સાથે જીવનમાં આગળ વધવું પડે. જેમ સોનાને તપાવીને એને વિશુદ્ધ કરી શકાય તેમ મુશ્કેલીઓમાંથી પસાર થવાથી જ જીવનને સાર્થકતા મળે છે. 

ભયની કોઈ વાત નથી. બધાં દુ:ખકષ્ટોનું એક જ સ્થાયી સમાધાન છે. તે એ છે કે આપણે ઈશ્વરનાં ચરણોમાં આત્મસમર્પણ કરી દઈએ. દુ:ખદર્દથી રડતાં કે વિલાપ કરતાં બાળકના ક્રંદનથી દરેક મા દ્રવી ઊઠે છે. મા સ્વભાવથી જ દયાળુ હોય છે. ઈશ્વર પણ મા જેવા છે. આપણે એમના નામનો જપ કરતા રહેવું જોઈએ. તેઓ બધું જાણે છે. નિરંતર પ્રાર્થના જ ચિંતામાંથી મુક્ત થવાનો એક માત્ર ઉપાય છે. ભગવાન દરેક ભક્તની આવશ્યકતાઓને જાણે છે. ભાવપૂર્ણ પ્રાર્થના, પવિત્ર વિચાર, સ્વાધ્યાય તથા કર્મ આ જ માનવ હિતને સુનિશ્ચિત કરવાનાં સાધન છે.’

આ આશ્વાસન એક અનુભૂતિ પ્રાપ્ત કરેલ મહાપુરુષે આપ્યું હતું. એમણે સેંકડો યુવાનોમાં આશા અને ઉત્સાહ સીંચ્યાં હતાં. લોકોને અસાધ્ય લાગતાં કઠણાઈઓ તેમજ દુ:ખકષ્ટો જોઈને ઘણી સહાનુભૂતિ પૂર્વક ઈશ્વર પાસે આર્તભાવે પ્રાર્થના કરતા. પોતાના અંગત અનુભવના આધારે એમને દૃઢ વિશ્વાસ હતો કે પ્રાર્થના દ્વારા કાયાકલ્પ થઈ શકે છે. ઠીક ઠીક પ્રમાણમાં વિચારી વિચારીને જ તેઓ કંઈક બોલતા કે કહેતા. એમના સ્વભાવમાં સ્વાર્થ કે અહં લેશમાત્ર ન હતા.

નાસ્તિક કહેવાતા તર્કવાદી તથા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળા લોકોને કદાચ આવા વિચાર ગમે નહિ. પણ જીવનની કઠણાઈઓથી પીડાતા લોકો માટે એમની પાસે આશ્વાસનના બીજા શબ્દો ન હતા, કેવળ સામાજિક, આર્થિક કે રાજનૈતિક સુધારણાથી માનવીય પીડા દૂર થઈ શકતી નથી.

ધનથી સુખશાંતિ મળતી નથી

જીવનમાં સુખશાંતિ કેવળ ધન પર આધાર રાખતાં નથી. આ વાતને કેટલાંય ઉદાહરણો દ્વારા પ્રમાણિત કરી શકાય:

સમાજના એક ગણ્યમાન્ય વ્યક્તિ કેટલીયે સામાજિક સંસ્થાઓના પદાધિકારી છે. તેમણે જનકલ્યાણનાં કાર્ય કર્યાં છે અને પોતાના વિસ્તારના અનેક પરિવારોને લાભ પહોંચાડ્યો છે. એમનો જન્મ એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો. તેઓ સત્યનિષ્ઠ વ્યક્તિ છે. એમણે કઠોર પરિશ્રમ કરીને પોતાના પરિવારની સ્થિતિ સુધારી હતી. આમ છતાં પણ હમણાં જ એક ભાઈ તથા ચાર પુત્ર-પુત્રીઓવાળા એમના પરિવારમાં વિભાજન થઈ ગયું છે.

આજે તેઓ વયોવૃદ્ધ અવસ્થામાં પોતાનાં પત્ની છોકરાં અને ઘરથી દૂર રહે છે. તેઓ અત્યંત માનસિક તણાવ તથા ક્ષોભથી પીડાય છે. આર્થિક દૃષ્ટિએ સમૃદ્ધ હોવા છતાં પણ તેઓ પોતે જ નહિ પરંતુ એમના ઘરનાં દરેક સભ્ય કોઈને કોઈ માનસિક પીડાથી ત્રસ્ત છે. આજે પિતા અને એમનાં સંતાનો કોર્ટકચેરી અને મુકદ્દમા બાજીમાં ફસાઈ ગયાં છે. અદાલતોમાં આંટા ફેરા કરે છે. આમ બન્યું કેમ? આવું બને છે કેમ? શું એમના નસીબમાં કેવળ દુ:ખ જ ભોગવવાનું હતું? આ વૃદ્ધ સજ્જનનો ઉદ્ધાર કેવી રીતે થાય? એમના મનની પ્રસન્નતા કેવી રીતે પાછી લાવી શકાય? ધન જો સુખ અને શાંતિ લાવી શકતું ન હોય તો પછી એની ઉપયોગીતા શી છે?

કાયદાના એક વિખ્યાત પ્રાધ્યાપકનો પુત્ર છે. ૮-૯ વર્ષની ઉંમરમાં એ બાળક એક દુકાનમાંથી કાચનો એક ટુકડો લઈ આવ્યો. એ દીકરાની મા કહે છે કે એ જ દિવસથી એમનું દુર્ભાગ્ય શરૂ થઈ ગયું. જે દિવસે કાચનો ટુકડો લાવ્યો એ દિવસથી માંડીને ગયા છ સાત વર્ષ સુધી  એ બાળકની માનસિક સ્થિતિ સ્વસ્થ ન હતી. એ વાતનો કોઈનેય ખ્યાલ આવતો નથી કે ત્રણ-ત્રણ આલ્સેશિયન કૂતરા દ્વારા સુરક્ષિત મકાનોમાંથી ઘડિયાળ કે ટેપરેકોર્ડર એ કેવી રીતે ઊઠાવી લાવે છે. એનાથી પણ વિચિત્ર વાત તો એ છે કે એને બીજાનાં મકાનોની આજુબાજુ મળત્યાગ કરવાની ખરાબ ટેવ પડી ગઈ છે. 

એમાં વળી એક બીજી પણ વિચિત્ર આદત છે, તે કોઈના ય ઘરે જઈને ઘરનો દરવાજો ખખડાવે છે અને ઘરમાં કોઈ હાજર હોય તો કહેવા લાગે છે: ‘માફ કરજો, હું ભૂલથી અહીં આવી ગયો.’ પણ ઘરમાં જો કોઈ ન હોય તો ઘરમાંથી મનપસંદ વસ્તુ ઉપાડી લે છે. એ ઘરોમાં ઘૂસે છે કેવી રીતે? તે બારીના સળિયાને સરળતાથી મરડી નાખે છે. ચોરેલી ચીજનું એ શું કરે 

છે? એ બધી ચીજો ક્યાંક છુપાવી દે છે. તે પોતાનાં માતપિતાને અપશબ્દો પણ સંભળાવે છે. એક ડાયરીમાં પોતાના નિત્ય કરેલ કાર્યોને લખી રાખે છે. પોતાની કક્ષાની એક છોકરી સાથે એમણે પત્ર લખવાનું પણ શરૂ કર્યું. એમ કરીને એણે એ છોકરીનો વિશ્વાસ મેળવી લીધો છે. એને સતત ધૂમ્રપાન કરવાની લત લાગી ગઈ છે. 

એક મનોચિકિત્સકે એને સોશ્યોપૈથનો રોગી બતાવ્યો. મનોચિકિત્સકે એનાં માતપિતાને આશ્વાસન આપતાં કહ્યું કે પ્રેમ અને ધીરજપૂર્વક ચિકિત્સા સેવા કરવાથી એમનો પુત્ર થોડાં વર્ષોમાં સારો-સાજો થઈ જશે. થોડા સમય પછી એનો વ્યવહાર અસહ્ય થઈ ગયો. એનાં માતપિતાએ એને મનોચિકિત્સાલયમાં દાખલ કરી દીધો. ત્યાંથી પણ એણે નાસી છૂટવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. એકવાર તો એણે આપઘાત કરવાનો પણ પ્રયત્ન કરી લીધો. આજે તે પોતાનાં માતપિતાને ધમકી આપીને કહે છે: ‘પરીક્ષાનું પરિણામ આવવા દો. પછી હું તમને મારી નાખીશ.’ વિશેષજ્ઞો કહે છે કે પ્રેમ અને સ્નેહથી એ બાળકનો ઉપચાર થવો જોઈએ. પરંતુ એ વાત તો કેટલી કઠિન છે!

એ બાળકનાં દાદીમા કહે છે: ‘અરેરે, આવા દુ:ખદાયી બાળકો આપણાં પૂર્વજન્મનાં કુકર્મોનું ફળ છે. આ બાળક જ આપણી નિયતિ છે. કોઈ એમાં શું કરી શકે?’ આ બાળકના પિતા બુદ્ધિવાદી અને તર્કવાદી છે અને તે પોતાના પુત્રના આરોગ્ય માટે આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં શ્રદ્ધા ધરાવે છે. એમને ભગવાન કે પ્રાર્થનામાં શ્રદ્ધાવિશ્વાસ નથી. એની મા અત્યાર સુધી એ નક્કી નથી કરી શકતી કે કયા દેવતાની માનતા માનવી. આ બાળક સમગ્ર પરિવાર માટે એક માથાનો દુ:ખાવો બની ગયો છે.

શું આપણે આ કષ્ટમાંથી બહાર નીકળી શકીએ ખરા? આ સમસ્યાનો કોઈ ઉકેલ જ નથી એવું નથી. મન હોય તો માળવે જવાય.

Total Views: 22

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.