શીખ ગુરુ નાનક તરીકે શ્રીરામકૃષ્ણ

બુદ્ધ, મહાવીર તીર્થંકર અને શંકર વિશે શ્રીરામકૃષ્ણે સાંભળ્યું હતું અને એમના સંદેશ પર પોતાના કેટલાક બોધને તેમણે આધારિત કર્યો હતો. બુદ્ધ વિશે એમણે કહ્યું હતું કે: ‘બુદ્ધ એક અવતાર હતા. એમના ધર્મ અને વૈદિક જ્ઞાનમાર્ગ વચ્ચે કશું અંતર નથી.’ દક્ષિણેશ્વરના ઠાકુરના ઓરડામાં તીર્થંકર મહાવીરની એક પથ્થરની પ્રતિમા હતી અને ઈસુની છબી હતી; એ બંને આગળ ઠાકુર ધૂપ ફેરવતા. પોતે એમનો આદર કરવા છતાં નાનકથી ગોવિંદસિંહ સુધીના શીખોના દસ ગુરુઓને કે જૈન તીર્થંકરોને એમણે કદી ઈશ્વરના અવતાર નથી કહ્યા. શીખોના દસ ગુરુઓ માટે તેઓ કહેતા કે, ‘એ સૌ સંત જનકના અવતારો છે. રાજર્ષિ જનકને મોક્ષ મળે તે પહેલાં પોતે માનવજાતનું કંઈક હિત કરવા ચાહતા હતા એમ મેં કેટલાક શીખ લોકો પાસેથી સાંભળ્યું છે. માટે તો એ દસવાર, નાનકથી ગોવિંદ સુધી, દસ ગુરુઓ તરીકે અવતર્યા હતા. શીખોમાં ધર્મની સ્થાપના કરી તેઓ સદાને માટે પરબ્રહ્મમાં લીન થઈ ગયા હતા. શીખોની આ વાતને ન માનવા માટે કોઈ કારણ નથી.

રામ, કૃષ્ણ, ઈસુ, ચૈતન્ય અને બીજાઓ ઠાકુરના દેહમાં સમાઈ ગયા હતા એમ રામકૃષ્ણ-સાહિત્યમાં જણાવવામાં આવ્યું છે પણ, બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય કે નાનકે તેમ કર્યાનો ઉલ્લેખ નથી.

ઠાકુરના સમયમાં દક્ષિણેશ્વરમાં ઉદ્યાનમંદિર પાસે સરકારી દારૂગોળાનું કારખાનું હતું. એની ચોકી માટે શીખ સૈનિકોની એક બેરક ત્યાં રહેતી. આધ્યાત્મિક માર્ગદર્શન માટે એ સૈનિકો કોઈવાર ઠાકુર પાસે આવતા અને કોઈવાર એ લોકો ઠાકુરને પોતાની સાથે ભોજન માટે નોતરતા.’ એ દારૂખાનાના શીખ ચોકિયાતો આરંભમાં ઠાકુરને ‘પરમહંસ’ તરીકે સંબોધતા,’ એમ સ્વામી અંબિકાનંદે જણાવ્યું છે.’ બીલીના વૃક્ષ નીચે ઠાકુર આનંદથી નિર્વસ્ત્ર ટહેલતા. પંજાબી લોકોને સાધુઓ પ્રત્યે ખૂબ આદર હોય છે અને સાધુઓને તેઓ ખૂબ આદરપૂર્વક સેવે છે. ઠાકુરની ઉચ્ચ દશા જોઈને એ લોકો કહેતા કે, ‘જુઓ, આ માણસ પરમહંસ છે!’ ત્યારથી ઠાકુરનું નામ ‘રામકૃષ્ણ પરમહંસ’ પડી ગયું.’

‘જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ એમ સર્વ પ્રકારની સાધના મેં કરી છે,’ એમ ઠાકુરે એકવાર કહ્યું હતું. ‘લાંબું જીવવા માટે હઠયોગનો વ્યાયામ પણ મેં કર્યો છે. આ દેહમાં એક બીજો પુરુષ વસે છે. નહીં તો, સમાધિ પ્રાપ્ત કર્યા પછી, ભક્તો સાથે રહીને પ્રભુપ્રેમ હું શી રીતે માણી શકું? કુંવરસિંહ મને કહેતો કે, ‘સમાધિકક્ષાએ પહોંચ્યા પછી કોઈને પાછો આવતાં મેં જોયો નથી. ગુરુ નાનક સિવાય આપ અન્ય કોઈ નથી!’

એક વેળા નારાયણ શાસ્ત્રીની સાથે ઠાકુર શીખ લોકોના વાસમાં ગયા. પોતાની મેળે એમને આવેલા જોઈને એ લોકો રાજીના રેડ થઈ ગયા. ઠાકુરને પ્રણમીને એમની આધ્યાત્મિક વાતો સાંભળવા તેઓ સૌ બેઠા. ઠાકુર બોલતા હતા અને એ સૌ સાંભળતા હતા. પણ, જ્ઞાનયોગ વિશેની ઠાકુરની વાતમાં નારાયણ શાસ્ત્રી વચ્ચે જરા કૂદી પડ્યા. આથી સૈનિકો બધા ગુસ્સે થયા અને નારાયણ શાસ્ત્રીને એમણે તલવાર ઉગામી ધમકી આપી. એમણે શાસ્ત્રીને કહ્યું કે, ‘તમે તો સંસારી જીવ છો – જ્ઞાન વિશે બોલવાનો તમને અધિકાર નથી.’ પછી એ ક્રોધે ભરાયેલા શીખોને ઠાકુરે મધુર વચનો કહી શાંત પાડ્યા’, એમ અક્ષયસેને લખ્યું છે.

અહીં વર્ણવેલી આ ઘટના એના થોડા સમય પહેલાં બની હતી. બ્રિટિશ સેનાપતિ નીચે શીખોની ટુકડી કોલકાતાના કિલ્લા તરફ જઈ રહી હતી. એ જ સમયે, મથુર સાથે એની ગાડીમાં ઠાકુર પસાર થતા હતા. ઠાકુરને જોઈને એ સૈનિકોએ પોતાની બંદૂકો જમીન પર રાખી દીધી અને ઠાકુરને પ્રણામ કરી બોલી ઊઠ્યા: ‘ગુરુનો જય હો.’ આવાં કૃત્યો લશ્કરી નિયમો હેઠળ સ્વીકાર્ય નથી અને એ ગંભીર ગુનો બને. અક્ષય સેને લખ્યું છે કે, ‘સૈનિકોને સેનાપતિએ પૂછ્યું કે, ‘તમે રજા વગર હથિયાર હેઠાં કેમ મૂકી દીધાં?’ એમણે કહ્યું કે, ‘ગુરુ પ્રત્યે આદર દર્શાવવો એ અમારા ધર્મનો રિવાજ છે. અમારી જિંદગી જાય તો તેની અમને પરવા નથી, પણ.. અમારા ગુરુને અમારે પ્રણામ કરવા જ જોઈએ.’ પોતાનો હાથ ઊંચો કરીને, ઠાકુરે એમને આશીર્વાદ આપ્યા. ઠાકુરની કૃપાથી બ્રિટિશ સેનાપતિ પછી કંઈ બોલ્યો નહીં.’

Total Views: 32

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.