સંશયનું વિષ

શંકા તથા ચિંતા અને ભય તથા તણાવ આ બધાં સાથે ને સાથે રહે છે અને માનવને પીડતા રહે છે. એ બધા અવિભાજ્ય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિના મનમાં સંદેહ કે સંશય ઘુસે એટલે તે વિનાશ તરફ વળી જાય છે. એનું જીવન એક ભયંકર ત્રાસવાદ બની જાય છે. અહીં આપેલી કેટલીક ઘટનાઓ એનું પ્રમાણ છે :

‘દિનેશ નામનો એક યુવાન પોલીસ અધિકારી પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વને લીધે પોતાના પરિવાર અને મિત્રોમાં ઘણો પ્રિય બની ગયો. તે પોતાની પત્ની સાથે ખરીદી કરવા ગયો. સંજોગવશાત્‌ એ જ વખતે એની પાસે ઊભેલી એક યુવતી એના તરફ જોઈને મરકવા લાગી. દિનેશની પત્નીએ આ જોયું અને તત્કાળ પોતાના પતિ પર શંકા કરી બેઠી. એ ચિંતિત અને ઈર્ષ્યાળુ બની ગઈ. એના મનમાં એવું ઠસી ગયું કે પેલી યુવતી એના પતિની પ્રેમિકા જ છે. ત્યારથી તે નિરંતર પોતાના પતિને મેણાટોણા, ધાકધમકી આપીને પરેશાન કરતી રહેતી. દિનેશ ભલે ને ગમે તેટલી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે પણ એની વાતોથી પત્નીને જરાય આશ્વાસન કે શાંતિ ન મળી. સંદેહ અને ઈર્ષ્યાને લીધે તે ગાંડા જેવી થઈ ગઈ. ક્યારેક ક્યારેક ટેલિફોન કરીને પેલી સ્ત્રીને ધમકાવતાં કહેતી : ‘ધનના લોભમાં તેં મારા પતિને મોહિત કરીને એક સુખી પરિવારને ઉજાડી નાખ્યો છે. તું એક દુષ્ટા, દુશ્ચરિત્ર સ્ત્રી છો.’ દિનેશ એકવાર એક ક્લબમાં એક સ્ત્રી સાથે વાતો કરતો હતો એ વખતે એની પત્નીએ ત્યાં પહોંચીને ઘણી મોટી ધમાલ કરી મૂકી. બિચારો દિનેશ બધાની સામે અત્યંત લજ્જિત થઈ ગયો. એણે તો પોતાની પત્નીને તલાક આપવાનો પણ અસફળ પ્રયત્ન કર્યો. થોડો સમય સુખદ લગ્નજીવન વીતાવ્યા પછી તે પોતાની પત્નીથી અત્યંત દુ:ખી દુ:ખી થઈ ગયો. તે એક એવાં લગ્ન સંબંધમાં ફસાયો છે કે જે પતિ અને પત્ની બંને માટે એક નરક બની ગયો છે. શું આના ઉદ્ધાર માટે કોઈ ઉપાય નથી?

લક્ષ્મીદેવી એક અવિવાહિત પ્રૌઢ મહિલા છે. એમની પાસે પોતાનું મકાન અને પૈતૃક સંપત્તિ છે. એમનો સમય ઘરનાં કાર્યો, સેવાપૂજા, પ્રાર્થના અને સ્વાધ્યાયમાં પસાર થાય છે. એની નાની બહેન સારું ભણી છે અને કોલેજમાં પ્રાધ્યાપિકા છે. એ પણ અવિવાહિત છે. એ બંને બહેનોનો એક ભાઈ છે. એની ચાલીસ વર્ષથી વધારે ઉંમર છે. બંને બહેનો એનાં લગ્ન કરવા ઇચ્છે છે. એને લીધે એની વંશપરંપરા ચાલતી રહે. પણ એમને પોતાના પ્રયત્નોમાં સફળતા મળતી નથી. ૮૦ વર્ષની ઉંમરના એમના એક નજીકના સંબંધી મનઘડંત વાતો ફેલાવીને એમાં વારંવાર વિઘ્ન નાખતા રહે છે. ક્યાંક વળી સગાઈનું નક્કી થાય તો દર વખતે કંઈને કંઈ અફવા ફેલાવીને કે સામેવાળાને ખોટી સૂચના આપીને એ સગાઈ ફોક કરાવી દેતા. બંને બહેનો આ દુષ્ટ વૃદ્ધનાં ષડ્‌યંત્રોથી કંટાળી હતી. એમનો ભાઈ સાંત્વના આપતાં કહે છે : ‘બહેનો, તમે ચિંતા ન કરો. મને અવિવાહિત જ રહેવા દો. વિવાહમાં છે શું ભલા?’ પોતાની દુર્ભાગ્યપૂર્ણ દુર્દશાનું દુ:ખ ભોગવવા છતાં બંને બહેનોએ ભાઈને પરણાવવાની આશા છોડી નહિ. આમ છતાં પણ તેઓ પૂરેપૂરી રીતે અસહાય જ બની રહેતી. શું એમનાં દુ:ખોનો અંત આવશે ખરો?

રાજુ પોતાની પસંદગીની એક છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છે છે. પરંતુ એનાં માતપિતા એની પસંદગીને અનુમોદન નથી આપતાં. કોઈકે એ છોકરીની વિરુદ્ધ એમના કાનમાં ઝેર રેડી દીધું હતું. એનાં માબાપ રાજુને ધમકાવતાં કહે છે: ‘અમે ગુંડા દ્વારા તને માર ખવડાવશું; જાદુમંતરથી તને આંધળો કરી દઈશું. જો તું એ છોકરી સાથે લગ્ન કરીશ તો અમારો અભિશાપ તમને બંનેને બરબાદ કરી દેશે.’ હવે રાજુના મગજનું સમતુલન પણ જવા લાગ્યું છે. આમ હોવા છતાં પણ કેટલાક લોકોએ એને સહાયતા માટે ભગવાનને પ્રાર્થના કરવાની સલાહ આપી. એવું એ કરી શકે તેમ ન હતો, કારણ કે એને ઈશ્વર, પ્રાર્થના, ધર્મ વગેરે બાબતમાં જરાય શ્રદ્ધા ન હતી. તે પોતાને વૈજ્ઞાનિક મનવાળો માને છે. હવે આ યુવક વિષાદગ્રસ્ત બનીને અત્યંત નિરાશ થઈ ચૂક્યો છે. શું એને માટે આ મુશ્કેલીમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય છે ખરો?

હવે હું શું કરું?

કેટલાક લોકોનો આવો અનુભવ હોય છે: ‘મેં તો ભગવાનની પ્રાર્થના કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ કોણ જાણે કેમ મારું ચિત્ત એકાગ્ર થતું નથી. મારા મનની શાંતિ ચાલી ગઈ છે. હું જલદી ઉદ્વિગ્ન થઈને અયોગ્ય વાતો બકી નાખું છું. પછીથી મને મારી ભૂલ પર પસ્તાવો થાય છે. પણ હવે શું? હું પોતે એમાં સુધારો લાવી શકું તેમ નથી. હું સફળતાની આશા સાથે સુવર્ણમય ભવિષ્યનાં સપનાં જોયાં કરતો. હવે મને અનુભવ થયો છે કે હું એ વિશે સાવ નિષ્ફળ રહ્યો! હું ઠીંગણો છું એટલે લોકો મારી મશ્કરી કરતા રહે છે. આટલાં બધાં અપમાન અને દુ:ખકષ્ટ મારે કેવી રીતે સહન કરવાં? અજાણ્યે જ હું અનૈતિકતા આચરી બેસું છું. આમ કરતાં એક દિવસ હું અપરાધી બની જાઉં, એમાં કોઈ આશ્ચર્યની વાત નહિ.’

પ્રાર્થના, સત્સંગ, સારા અને પવિત્ર ગ્રંથોનો નિયમિત પાઠ અને સારી ટેવો પાડીને કોઈ પણ વ્યક્તિ પોતાના મનને સંયમમાં રાખવાનું શીખી શકે છે. ધૈર્ય, અધ્યવસાય અને ઈમાનદારી સાથે ઉપર્યુક્ત નિર્દેશોનું પાલન કરવાથી સફળતા મળે છે. જ્યારે આપણે ભોજન અને વિરામ માટે યોગ્ય સમય કાઢીએ છીએ તો પછી આ જીવનમાં અત્યંત વ્યસ્ત હોવાને કારણે આપણે પ્રાર્થના કરવા સમય કાઢી શકતા નથી, એમ કહેવું ઠીક નથી. નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવાથી આપણે ચોક્કસ આવો સમય કાઢી શકવાના. વિલિયમ જેમ્સ કહે છે : ‘આપણે તો પોતાની પ્રયત્નશીલતાને સચેત રાખવાની છે.’ જો આપણે દૃઢ સંકલ્પ સાથે આગળ વધતા રહીએ તો આપણી પ્રગતિ છે અને છે જ.

વર્ષા ઋતુના પ્રારંભમાં આપણે આવશ્યકતાનું અનુમાન કરીને ખાદ્યાન્ન એકઠું કરીએ છીએ. વીજળી જવાની સંભાવના હોય તો લોકો એ સ્થિતિને નિપટવા તૈયાર રહે છે. મા જો દૂર ગઈ હોય તો આપણે ગમે તે રીતે ભોજનની વ્યવસ્થા કરી લઈએ છીએ. ધોબી ન આવે તો આપણે પોતે જ કપડાં ધોઈ નાખીએ છીએ. કલાકો સુધી બેસીને આપણે ટેલિવિઝન અને સિનેમા જોતા રહીએ છીએ તો પછી સર્વશક્તિમાન પ્રભુના મહિમાનું ચિંતન કરવા આપણે દરરોજની ૨૪ કલાકમાંથી ૨૪ મિનિટનો પણ સમય કાઢી શકતા નથી!

હવે તો શરૂ કરી જ દો

પોતાની સીમિત બુદ્ધિ અને અંતર્દૃષ્ટિ દ્વારા આટલાં બધાં દુ:ખ આપણે કેમ ભોગવીએ છીએ અને આપણાં દુ:ખકષ્ટોનું તાત્પર્ય કે તેમનો ઉદ્દેશ શો છે એ વાત સમજવી કે એને વર્ણવવી ઘણી કઠિન છે. પરંતુ જો આપણે દુ:ખકષ્ટમાંથી મુક્ત થવાની સાચી પ્રયુક્તિ શીખી જાણી લઈએ તથા પરિસ્થિતિનો સામનો કરવાનો ઉચિત ઉપાય કરીએ તો અત્યંત કષ્ટકારી કઠણાઈઓમાંથી આપણે ચોક્કસ મુક્ત થઈ શકીએ. અનેક લોકોએ મુસીબતોના આ મહાસમુદ્રને સફળતાપૂર્વક પાર કર્યો છે. એમના પગલેપગલે ચાલીને આપણે પણ પોતાની બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકીએ. નરી આંખે જે પદાર્થો ન દેખાય તે પદાર્થો સુક્ષ્મદર્શક યંત્ર દ્વારા સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે. અવકાશના તારા દૂરવર્તી પદાર્થોને એક ટેલિસ્કોપની મદદથી જોઈ શકાય છે. આ બ્રહ્માંડ સૂક્ષ્મ તથા અબોધગમ્ય નિયમો દ્વારા પરિચાલિત છે. સાધારણ માણસનું મન પૂરી રીતે આ પ્રક્રિયાને સમજી શકતું નથી. સુખદુ:ખ આપણા પૂર્વ જન્મમાં કરેલાં કર્મોનું પરિણામ છે. હવે પછીના એક અધ્યાયમાં આ વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. આપણે પોતાની વર્તમાન સમસ્યા કે સંકટનું કારણ સમજી શકતા નથી. પરંતુ દરેકેદરેક વસ્તુને ચોક્કસપણે કોઈ પણ એક કારણ તો હોવાનું જ. આપણે એટલું યાદ રાખવું જોઈએ કે આપણા અત્યારના દુ:ખ આપણાં સત્કર્મોનું પરિણામ તો નથી જ. બીજા શબ્દોમાં કહીએ તો સત્કર્મોના પરિણામથી ક્યારેય દુ:ખકષ્ટ આવે નહિ. એ સ્વાભાવિક છે કે કર્મના સૂક્ષ્મ નિયમ કે કાર્યકારણનો સંબંધ ક્યારેક ક્યારેક સામાન્ય લોકોને ભ્રમણામાં નાખી દે છે. આમ છતાં પણ આપણે આટલું જાણી લેવું જોઈએ કે પ્રત્યેક ઘટના આ સૂક્ષ્મ અને અનિવાર્ય નિયમોને અનુરૂપ રહીને ઘટે છે.

ભલા અને સજ્જન લોકો પણ કેમ આટલાં દુ:ખ ભોગવે છે, એ વાત પર આપણને આશ્ચર્ય થાય છે. સત્કર્મોમાં રત સજ્જનો અને ભગવદ્‌ભક્તોને પણ પોતાના જીવનમાં આટલાં દુ:ખકષ્ટ કેમ ભોગવવાં પડે છે? આ વાત મોટા ભાગના લોકો સમજી શકતા નથી અને એને લીધે એમની ભગવાન પરની શ્રદ્ધા ચાલી જાય છે. કોઈ પ્રશ્નનો ઉત્તર ન જાણવાથી ‘આનો કોઈ ઉત્તર જ ન હોઈ શકે’ એમ વિચારનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. એટલે જ સમસ્યાઓ ભલે ગમે તેટલી મોટી કેમ ન હોય પણ એનું કોઈ ને કોઈ સમાધાન તો હોય જ છે. માનવે પોતાના હાથમાં આવતા અવસરોનો સર્વોત્તમ ઉપયોગ કરવામાં વધારે ધ્યાન દેવું જોઈએ. ઘરમાં આગ લાગી હોય ત્યારે વ્યર્થ ચર્ચા કરવામાં સમય ગુમાવવો એ નિરર્થક છે, એટલું જ નહિ એ ખતરનાક પણ સાબિત થઈ શકે. આપણે તો જેટલી બને તેટલી ત્વરાથી એ આગને હોલવવાના કાર્યમાં લાગી જવું જોઈએ. એક બાળકનું ઉદાહરણ જોઈએ. જો આ બાળકને તમે આકાશના કોઈ મોટા તારા વિશે કહેશો તો તે પૂરેપૂરું મન લગાડીને સાંભળી ભલે લે પણ અસંખ્ય આકાશગંગાઓ વગેરેની કલ્પના તે નહિ કરી શકે. એનું મગજ થોડું પરિપક્વ થાય ત્યાર પછી તે એ બધા અવકાશી પદાર્થોને સાચા પરિપ્રેક્ષ્યમાં સમજી શકે. અનુભવ તથા પ્રાર્થના દ્વારા પરિપક્વ અને સંયમિત મન જ જીવનનાં ઉચ્ચતર મૂલ્યો, આધ્યાત્મિક નિયમો વગેરેની ધારણા કરી શકે છે. આગળ પ્રગતિ કરવા માટે પ્રબુદ્ધ લોકોએ બતાવેલા પથ પર ચાલવા સિવાય બીજો કોઈ માર્ગ છે ખરો? ભગવાનનાં શ્રીચરણોનો સ્પર્શ પામીને ધન્ય બનેલ મહાત્માઓમાં વિશ્વાસ-શ્રદ્ધા રાખ્યા સિવાય આપણે બીજું કરી પણ શું શકીએ? આપણે નિ:સંદેહ અને નિ:સંકોચ એમના ઉપદેશો કે બોધપાઠો પર આધાર રાખવો પડે. ઈશ્વરમાં શ્રદ્ધા કે વિશ્વાસ તેમજ પ્રાર્થના ન કરીએ તો ખોટમાં તો આપણે જ રહેવાના. ‘જો તમે મારા જીવનને પૂર્ણપણે નિર્વિઘ્ન, સુચારુ તથા બધી ચિંતાઓ અને સમસ્યાઓ વિનાનું નહિ બનાવો તો હું આપનામાં શ્રદ્ધા-વિશ્વાસ નહિ રાખું’ જો આપણે ઈશ્વરને ધમકી આપતાં આમ કહીએ તો એમાં ઈશ્વરનું તો કંઈ બગડી જવાનું નથી. દુ:ખ અને કષ્ટ આપણને સબળ બનાવવા તેમજ આપણાં મન અને હૃદયને શુદ્ધ કરવા માટે આવે છે. બધાએ સમર્પણ અને પૂર્ણ ભક્તિનિષ્ઠાભાવે પ્રામાણિકતાથી ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. આનાથી આપણું પરમ કલ્યાણ થશે અને થશે જ. ભગવાન આપણને માર્ગદર્શન પણ આપશે.

નિરંતર દુ:ખ

આપણે ‘જીવનની સમસ્યાઓ’ એ શબ્દનો પ્રયોગ કર્યો છે. અહીં એનો અર્થ ભોજન, વસ્ત્ર અને મકાનના અભાવ જેવી આર્થિક મુશ્કેલી નથી. આમ તો ભારત જેવા ગરીબ દેશમાં આ સમસ્યાઓ સર્વાધિક મહત્ત્વની છે. સમગ્ર સમાજના સાથે મળીને થતા એકનિષ્ઠ પ્રયત્નો દ્વારા યોગ્ય સામાજિક રાજનૈતિક તેમજ આર્થિક સુધારણા અપનાવીને દુષ્કાળ કે અભાવજન્ય સમસ્યાઓનું સમાધાન થઈ શકે. પશ્ચિમનાં કેટલાંક રાષ્ટ્રોએ આ સમસ્યાને સફળતાપૂર્વક ઉકેલી છે. પણ જીવનની કેટલીક મુળભૂત સમસ્યાઓ અને ગરીબીની વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. એમને બાહ્ય કે ભૌતિક સાધનો દ્વારા ઉકેલી ન શકાય. આ અસ્તિત્વ સંબંધી સમસ્યાઓને ‘દુ:ખ’ કહી શકાય. એક ગરીબ વ્યક્તિ કોઈ ધનવાન વ્યક્તિ કરતાં વધારે પ્રસન્ન અને સંતોષી હોઈ શકે. આ તથ્ય એ બતાવે છે કે આપણું દુ:ખનું જ્ઞાનભાન કે આપણાં સુખદુ:ખ ભૌતિક સંપત્તિ પર આધારિત નથી.

કોઈ વ્યક્તિએ અનુભવેલ દુ:ખની તીવ્રતા તેના પોતાના વ્યક્તિત્વ પર આધાર રાખે છે. અસ્તિત્વ વિશેની આ મર્યાદાઓ અને અભાવના અર્થમાં જ ગૌતમ બુદ્ધે આ સંસારને દુ:ખમય કહ્યો હતો. રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આવી સમસ્યાઓ હતી. બુદ્ધનાં જીવન તથા ચિંતન એનાથી ઠીક ઠીક પ્રભાવિત થયાં હતાં. એમને કેવળ કોઈ એક ભૂખ્યો વ્યક્તિ સામે મળ્યો હોત તો એને ભાવતું ભોજન આપીને એ સમસ્યા ઉકેલી લેત. તેઓ ગરીબીની સમસ્યાનો હલ શોધવા ખેતી અને આર્થિક ઉપાય બતાવી શકતા હતા. પણ એમણે તો મનુષ્યના દુ:ખનું મૂળ કારણ શોધવાનો પ્રયાસ કર્યો.

તમે એમ પૂછી શકો: ‘સાંસારિક સાધનોની મદદથી આપણે માનવજીવનની આ મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ કેમ કરી શકતા નથી?’ ભય, ચિંતા, અસંતોષ, પ્રેમ, ઘૃણા જેવી ભાવનાઓ કે અનુભૂતિઓ માનવના વ્યક્તિત્વ સાથે જટિલ રૂપે રસબસ ભરી છે. આ સમસ્યાઓ માનવના અંગત અસ્તિત્વ સાથે અવિભાજ્ય રૂપે જોડાયેલી છે. બાહ્ય પરિવેશ, બીજા લોકો વગેરે આપણાં દુ:ખકષ્ટનું મુખ્ય કારણ નથી. આ બધી સમસ્યાઓનું મૂળ આપણી ચેતનાની ગહનતામાં છે. આપણે ત્યાં જ એનો ઉકેલ શોધવાનો છે. આપણે આ બધી સમસ્યાઓનો આધ્યાત્મિક ઉકેલ શોધવો જોઈએ. એનો બીજો કોઈ ઉપાય છે જ નહિ.

સુખનું મૃગજળ

દુર્યોધને વિદુરજીને હસ્તીનાપુરમાંથી કાઢી મૂક્યા. તેઓ હસ્તીનાપુર છોડીને સાધુ વેશમાં ગાઢ જંગલમાં વિચરણ કરતા રહ્યા. વર્ષો પછી તેઓ શ્રીકૃષ્ણના એક પરમભક્ત ઉદ્ધવને મળ્યા. એમણે મહાભારતના યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા લાખો લોકોના સમાચાર સાંભળ્યા. એમણે શ્રીકૃષ્ણના દેહત્યાગ અને યદુવંશીઓના વિનાશ વિશે પણ સાંભળ્યું. ભાગ્યના આ ક્રૂર અને અબોધગમ્ય ખેલથી વિદુર તો સ્તબ્ધ રહી ગયા. થોડા સમય સુધી તેઓ ગહન ચિંતનમાં લીન રહ્યા. પછી તેઓ ઋષિ મૈત્રેયીના આશ્રમમાં ગયા અને પોતાના હૃદયના દુ:ખની વાત એમને સંભળાવી : ‘લોકો સુખની શોધમાં અહીં તહીં ભટકતા રહે છે. સુખી થવા માટે જાત જાતનાં કાર્યોમાં મગ્ન રહે છે. પ્રાણને ભોગે સુખ મેળવવા લોકો પ્રયત્ન કરતા રહે છે. પરંતુ તેઓ કેવળ સાચું સુખ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય છે. સાથે ને સાથે ભવિષ્યમાં પોતાનાં કાર્યોને લીધે અનેક મુસીબતોમાં ફસાઈ જાય છે. હે મહર્ષિ! દુ:ખના આ દલદલમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય ખરો? મુશ્કેલીઓના આ બોજથી પીડાયેલા લોકોને માટે આપની કઈ સલાહ છે?’

આવો પ્રશ્ન પૂછનાર વિદુરજી કોઈ સાધારણ વ્યક્તિ ન હતી. તેઓ પોતાના સમયના મહાનતમ ચિંતકો અને પરમજ્ઞાનીઓમાંના એક હતા. વિદુરના આ પ્રશ્નનો ઋષિ મૈત્રેયીએ શું ઉત્તર આપ્યો? શું એમણે વિદુરને કોઈ પ્રભાવક મોટા લોકોને મળવાની સલાહ આપી? ના. શું એમણે સમાજસુધારણા કરવા કહ્યું? ના, એમ પણ ન કહ્યું. તો શું એમણે રાજનીતિ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાની સલાહ આપી? ના, એમ પણ નહિ. એમણે આવું કંઈ ન કહ્યું. ઋષિ મૈત્રેયીએ કેવળ ભગવાનના મહિમાનું વર્ણન કર્યું. કહેવાનું તાત્પર્ય એ છે કે એમણે જીવનની સમસ્યાઓનો એક આધ્યાત્મિક ઉકેલ શોધવાનો ઉપાય બતાવ્યો.

સાચું પૂછો તો સડી ગયેલા અને કોહવાયેલા ઘાને સુગંધિત પુષ્પોથી ઢાંકવાથી શો લાભ? બધાં બંધનોથી પૂર્ણ મુક્તિ મેળવવી સહજ નથી. આપણે આપણા મર્ત્ય દેહ અને મન દ્વારા આરોપાયેલી મર્યાદાઓથી પીડાઈએ છીએ. બીજા લોકો દ્વારા આપણા પર નખાતા દુષ્પ્રભાવથી પૂરી રીતે બચી જવું એ પણ શક્ય નથી. પ્રકૃતિના પ્રકોપથી આવી પડેલ દુ:ખોમાંથી આપણે પોતાને પૂર્ણપણે મુક્ત કરી શકતા નથી. કોઈ વિશેષ પરિસ્થિતિમાં આપણને થોડીઘણી રાહત મળે ખરી, પણ અંતે તો આ રાહત આંશિક અને અસ્થાયી હતી એવો અનુભવ આપણને થયા વગર રહેતો નથી. અને આ રાહત પણ માથા પર રાખેલું વજન ખભા પર ઉપાડવા જેવું છે. એટલે જ સાંસારિક રાહત કે ભૌતિક ઉકેલ અસ્થાયી તો છે અને અપૂરતોયે છે.

(ક્રમશ:)

Total Views: 25

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.