નાનપણમાં અમે જોતા કે ઘરમાં મા કે કાકી કે મોટી ઉંમરની બહેનોને પ્રણામ કરતા ત્યારે એમને સાત પુત્રની મા થજે એવા આશીર્વાદ બહેનોને મળતા. અમારા મહોલ્લામાં પણ એક માજી હતાં. એમને સાત દીકરા, એમની વહુઓ અને ઘણાં પૌત્રપૌત્રીઓ હતાં. વાર-તહેવારે સધવા સ્ત્રીઓ એમના આશીષ લેવા આવતી. સાત પુત્રોની મા હોવું એ સમયે ગૌરવ અને શુભલક્ષણની વાત મનાતી.

આમ જોઈએ તો જમીનના પ્રમાણમાં વસતી ઘણી ઓછી. યાંત્રિક ખેતી હતી નહિ, એટલે ખેતીના કામમાં તેમજ તેના ઉત્પાદનમાં વધુ માણસોની જરૂર રહેતી. વળી, નાનાં નાનાં રાજ્યો હતાં. અંદરોઅંદર લડતાં રહેતાં. એટલે સૈનિકોની આવશ્યકતા રહેતી.

વિધવા કે સંતાનવિહોણી સ્ત્રીને અશુભ માનવામાં આવતી. દેશવિદેશ જતી વખતે સંજોગવશાત્‌ આવી સ્ત્રીઓ રસ્તામાં મળી જાય તો અપશુકન સમજીને ઘણા જવાનુંયે મુલતવી રાખતા. વિદાય વેળાએ સગી કાકી કે ફોઈ જો વિધવા હોય તો એ સામે આવીને આશીર્વાદ ન આપતી. આ સંદર્ભમાં મને એ દિવસની એક ઘટના યાદ આવે છે.

અમારા મહોલ્લામાં લક્ષ્મીબહેન એક સર્વમાન્ય અને સર્વપ્રિય નારી હતાં. નાનાં મોટાં બધાં એનું માન જાળવતાં. પોતાનાં માતપિતાનું એ પહેલું સંતાન હતું. એના પછી પાંચ પુત્રો થયા અને ઘરમાં ધનસંપત્તિ પણ ઘણી વધી ગઈ.

એ દિવસોમાં છોકરીઓનાં લગ્ન નાનપણમાં જ થઈ જતાં. લક્ષ્મી તો વહાલી દીકરી હતી. ચૌદ વર્ષ સુધી એને સૌ કોઈ બાલિકા જ ગણતા. છેવટે તરતપાસ કરીને એક સંપન્ન પરિવારમાં એમનાં લગ્ન નક્કી થયાં. લગ્નમાં માતપિતાએ મન મૂકીને ખર્ચ કર્યો. વરપક્ષને કરિયાવરની સાથે પોતાની દીકરીને કીમતી ઘરેણાંગાંઠાં, કીમતી વસ્ત્રો આપીને વિદાય કરી. સાસરામાં સાસુ તો વિવાહ પહેલાં જ ગુજરી ગયાં હતાં. બે જેઠાણીઓ હતી. એ બંનેને લક્ષ્મીનાં રૂપ અને ધનની ઈર્ષ્યા થવા લાગી. ઘડીએ ઘડીએ લક્ષ્મીને તે બંને જેઠાણી કટુવચન સંભળાવતી. બધાંને ખુશ રાખવા લક્ષ્મી તો રાતદિવસ કામમાં જ મગ્ન રહેતી. પીયર જતી ત્યારે ઘણી ચીજવસ્તુઓ સાથે લાવતી, એ બધું જેઠાણી પાસે મોકલતી. આમાં પણ પેલી બંનેને લક્ષ્મીના પિતાના ધનનો દેખાડો દેખાતો.

ત્રણચાર વર્ષ સુધી એમને કોઈ સંતાન ન થયું. એટલે પોતાના દીયરના કાન ભંભેરવા શરૂ કર્યા. બીજાં લગ્ન કરી લેવાં જોઈએ, આ વહુથી સંતાન-બંતાન મળશે નહિ. પતિ પોતાની બીમારી વિશે જાણકાર હતો પણ પુરુષ ક્યારેય પોતાનો દોષ સ્વીકારે છે ખરો?

લક્ષ્મી જ્યારે જ્યારે પિતાના ઘરે આવતી ત્યારે ખૂબ ઉદાસ રહેતી. મા કે ભોજાઈઓ વારંવાર પૂછે પણ એ વાત ટાળી દેતી. થોડા દિવસો પછી ક્ષય રોગને કારણે એના પતિનું અવસાન થયું. એ સમયે ક્ષય રોગ અસાધ્ય ગણાતો. ૨૨ વર્ષની ઉંમરે લક્ષ્મી વિધવા બનીને વિલાપ કરતી પિતાને ઘરે આવી ગઈ.

ત્યાર પછી બે-એક વાર તે સાસરે ગઈ હતી. પરંતુ એમની સાથે ત્યાં બેહૂદુ વર્તન થયું અને કેટકેટલું સાંભળવું પણ પડ્યું. શરૂઆતથી જ લક્ષ્મી સ્વાભિમાની સ્વભાવની હતી. પિતાના ઘરે માનસન્માનના વાતાવરણમાં ઊછરી હતી. એટલે બધાં ઘરેણાંગાઠાં અને કપડાં સાસરિયામાં સોંપીને કેવળ એક સાડી પહેરીને પિતાને ઘરે આવી ગઈ. ત્યાર પછી સાસરીયાંએ ક્યારેય એના ખબર-અંતર પૂછ્યા નહિ.

થોડાં વર્ષો પછી લક્ષ્મીબહેનનાં માતપિતાનું અવસાન થયું. હવે તેઓ જ આ સાધનસંપન્ન પરિવારનાં વાસ્તવિક માલિક હતાં. ભાઈ-ભાભીઓ પણ એમની ઇચ્છા અને આજ્ઞાને માન આપતાં. સવારથી સાંજ સુધી સાધુ સંન્યાસી, ગરીબ-ગુરબાં અને જરૂરતવાળા લોકો એમને ઘેર આવતાં. બધાંને પ્રેમપૂર્વક જવાબ આપતાં અને જરૂરી મદદ પણ કરતાં.

પોતાને તો કોઈ સંતાન ન હતું પરંતુ ગરીબ બ્રાહ્મણોની કેટલીયે કન્યાઓનાં લગ્ન એમણે કરાવી આપ્યાં અને કન્યાદાન પણ પોતે આપતાં. વિવાહ પછી વાર-તહેવારે પણ એ બધી બહેનોને બોલાવતાં. રાજસ્થાનના આ ઈલાકામાં કેટલીયેવાર દુષ્કાળ પડતા. એ દિવસોમાં લક્ષ્મીબહેન પાસે એમના ભાઈઓના આસામીઓ આવતા રહેતા. કેટલાકને કરજમાં થોડી રાહત જોઈતી હતી, તો કેટલાક વળી નવું કરજ માગતા. એમની પાસે આવનાર કોઈ ક્યારેય નિરાશ થઈને પાછો ન ફરતો.

ક્યારેક ક્યારેક ભાઈઓ નાખુશ પણ થઈ જતા. પણ બહેનની વાતને ટાળવાની હિંમત ન કરતા. પોતાનાં મા-બાપથી આ ભાઈઓ ડરતા ન હતા પણ આ લક્ષ્મીબહેન સામે સાચીખોટી વાત કરવી કે ઝઘડા-ઝંઝટ કરવાની કોઈનામાં હિંમત ન હતી. ક્યારેક ક્યારેક અંદરોઅંદર લડી લેતા પણ પછી બંને પક્ષ લક્ષ્મીબહેન પાસે જ ફરિયાદ લઈને આવી પહોંચતા.

સમય થતાં પ્રથમ ભત્રીજાનાં લગ્ન લેવાયાં. જાન બાજુના ગામમાં જવાની હતી. જાન વિદાય વખતે વર ઘોડે ચડે ત્યારે આરતી કરવાનું કામ ફઈબા જ કરતાં. આ વરને ફઈબાએ જ પાળીપોષીને મોટો કર્યો હતો. ભત્રીજો એને પોતાના પેટના દીકરા કરતાં પણ વધારે વહાલો હતો. પોતે વિધવા હતાં અને વળી નિ:સંતાન હતાં. અપશુકનના ભયે આરતી માટે એમણે કોઈ દૂરના સંબંધી ફઈબાને બોલાવી રાખ્યાં હતાં. બધું બરાબર ચાલતું હતું. એમાં લક્ષ્મીબહેનને પોતાના ભત્રીજાને સહેરા સાથે વરરાજાના વેશમાં જોવાની ઇચ્છા થઈ. આ એમના મનની ઘણા દિવસની ઇચ્છા હતી.

નોકરોને દાન-દાપુ અપાયાં પછી જાનને રવાનગીનો સમય આવી ગયો. રિવાજ પ્રમાણે ઘોડી પર ચડતાં પહેલાં વરરાજા વૃદ્ધોને પગે લાગે છે. માતપિતાનાં ચરણનો સ્પર્શ કરીને જ્યારે વરરાજા ફઈ તરફ જવા આગળ વધ્યો ત્યારે એમના પિતાએ એને રોકી લીધો. બહેનને પણ ગુસ્સામાં ને ગુસ્સામાં ઘણું સંભળાવી દીધું, સલાહ પણ આપી કે આવી શુભવેળાએ તમારે કંઈક તો ખ્યાલ રાખવો જોઈએ ને! અપશુકન કરવા હરવખતે વચ્ચે ને વચ્ચે આવ્યાં કરો છો!

કદાચ, એકાંતમાં સમજાવીને કહ્યું હોત તો એ પોતે આવત પણ નહિ. અહીં તો સેંકડો સગાંસંબંધીઓની વચ્ચે આ રીતે અણધાર્યા અપમાનથી ફઈબાનું હૃદય ઊકળી ઊઠ્યું. જાણે કે કોઈએ એમને સિંહાસન પરથી ઊતારીને કાદવમાં ફેંકી દીધી હોય એવું લાગ્યું. થોડીવાર તો ફાટે ડોળે બધું જોતાં રહ્યાં પછી વધુ જોરથી આક્રંદ કરીને કહેવા લાગ્યાં: ‘વરસોથી તમારા ઘરમાં રાતદિવસ મહેનત કરું છું. ઠંડી, ગરમીની પરવા કર્યા વિના તમારાં બાળકોને પાળીપોષીને મોટાં કર્યાં છે અને આજે હું કુલક્ષણી અને અમંગળી થઈ ગઈ! અને મારા ગીરધારીની જાનને પણ હું જોઈ ન શકું! જેને વીસ-વીસ વર્ષ સુધી પાળ્યો-પોષ્યો છે, ભાઈ, શું એનું હું અમંગળ ઇચ્છું ખરી!’ રોતાં રોતાં બેભાન થઈને કપાયેલા વૃક્ષની જેમ ધરતી પર પડી ગયાં.

લક્ષ્મીબહેન પ્રત્યે લોકોના મનમાં અતૂટ શ્રદ્ધાભક્તિ હતાં. આ અણધાર્યા દુ:ખદાયી બનાવથી એ બધાનાં મનમાં પણ ભય વ્યાપી ગયો. હવે એમનો ભાઈ પણ ખૂબ પસ્તાતો હતો. પણ કહેલા શબ્દો પાછા ન વાળી શકાય. જાનનું મુહૂર્ત વીતી જતું હતું. આમ છતાં પણ વરરાજા બીજા બધાં બાળકોની સાથે ફઈબાની પાસે બેસીને બાળકની જેમ વિલાપ કરવા લાગ્યો. ખૂબ સમજાવ્યો પણ એ ત્યાંથી ઊભો થવા જ ઇચ્છતો ન હતો. થોડીવાર પછી લક્ષ્મીબહેન ભાનમાં આવ્યાં. વસ્તુસ્થિતિ જાણી. લક્ષ્મીબહેન સુસંસ્કૃત અને પ્રતિષ્ઠિત કુટુંબની દીકરી હતી. ભલા-બૂરાનાં પૂરાં જાણકાર હતાં. તરત જ એમણે એક નિર્ણય કરી લીધો. વરરાજાને ભેટીને એમને વિદાય કરવાનો આદેશ આપીને એમણે પોતાના ઓરડામાં જઈને ઓરડાનું બારણું બંધ કરી દીધું.

Total Views: 40

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.