સાધુનિવાસ અને અધ્યક્ષના કાર્યાલયનું મંગળ ઉદ્‌ઘાટન

૨૬ એપ્રિલ, સોમવારે સવારના ૧૧ વાગ્યે કોલકાતા અદ્વૈતઆશ્રમના અધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ-મિશનની સંવાહક સમિતિના સભ્ય અને ટ્રસ્ટીશ્રી શ્રીમત્‌ સ્વામી બોધસારાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પટાંગણમાં પુનર્નિર્મિત સાધુનિવાસ અને અધ્યક્ષના કાર્યાલય ભવનનું મંગળ ઉદ્‌ઘાટન થયું હતું. આ પ્રસંગે વિશેષ પૂજા, હવન, રામનામસંકીર્તનનો કાર્યક્રમ ભક્તજનોએ માણ્યો હતો.

૨૮ એપ્રિલે મહારાજશ્રીના વરદ્‌ હસ્તે ધાણેટી (કચ્છ)ના વિવેકાનંદ વિદ્યાલયના નવા વર્ગખંડનો શિલાન્યાસ વિધિ સંપન્ન થયો હતો.

૨ મેના રોજ ‘શ્રીરામકૃષ્ણ અને આધુનિક યુગ’ એ વિશે શ્રીમત્‌ સ્વામી બોધસારાનંદજી મહારાજનું વક્તવ્ય મંદિર નીચેના હોલમાં સંધ્યા આરતી પછી બહોળી સંખ્યામાં ભક્તજનોએ માણ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિક મહોત્સવ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વાર્ષિક મહોત્સવના ઉપલક્ષ્યમાં ૮ મે, શનિવારથી ૨૩ મે, રવિવાર સુધી યોજાયેલ વિવિધ કાર્યક્રમો આ પ્રમાણે ઉજવાયા હતા.

૮ થી ૧૩મે સુધી રામકૃષ્ણ મિશન, રાયપુરના સચિવ શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજનાં મંદિર નીચેના હોલમાં રાતના ૭.૪૫ કલાકે યોજાયેલ શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના બીજા અધ્યાય પરનાં ‘સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો’ વિષયક વ્યાખ્યાનો બહોળી સંખ્યામાં ભાવિકોએ માણ્યાં હતાં.

૧૪ મે, શુક્રવારે મંદિર નીચેના હોલમાં રાતના ૭.૪૫ કલાકે યોજાયેલી જાહેરસભામાં અધ્યક્ષસ્થાને શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી અને વિશેષ વક્તાઓ રૂપે રામકૃષ્ણ મિશન, ચંડીગઢના સ્વામી બ્રહ્મેશાનંદજી અને રાજકોટના સ્વામી સર્વસ્થાનંદજીનાં ‘સ્વામી વિવેકાનંદનું જીવન અને સંદેશ’ પરનાં વ્યાખ્યાનોના અમૃતરસનું ભક્તજનોએ પાન કર્યું હતું.

૧૫ મે, શનિવારે મંદિર નીચેના હોલમાં રાતના ૭.૪૫ કલાકની જાહેરસભામાં અધ્યક્ષસ્થાને શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી અને વક્તાઓ રૂપે રામકૃષ્ણ મિશન, ચંડીગઢના સ્વામી બ્રહ્મેશાનંદજી; રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીનાં ‘શ્રીમા સારદાદેવીનું જીવન અને સંદેશ’ પરનાં વ્યાખ્યાનો બહોળી સંખ્યામાં લોકોએ માણ્યાં હતાં.

૧૬ મે, રવિવારે મંદિર નીચેના હોલમાં રાતના ૭.૪૫ કલાકે યોજાયેલી જાહેરસભામાં અધ્યક્ષસ્થાને શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી અને વિશેષ વક્તાઓ રૂપે સ્વામી બ્રહ્મેશાનંદજી અને રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં વક્તવ્યો દ્વારા ભાવિકજનોએ શ્રીરામકૃષ્ણદેવનાં જીવન અને સંદેશની અમરવાણીનો લાભ લીધો હતો.

રવિવારે ૧૬ મેએ સવારે ૮ થી ૧૨.૩૦ સુધી અગાઉથી નોંધાયેલા ભક્તજનો માટેની આધ્યાત્મિક શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં  શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીનાં જીવન-સંદેશમાંથી દોહન કરીને ભક્તજનોએ આધ્યાત્મિક સાધના અને અત્યારના વિષમ સંજોગોમાં મન-હૃદયને આધ્યાત્મિકતા તરફ કેવી રીતે વાળવાં એ વિશે માર્ગદર્શન સ્વામી સત્યરૂપાનંદજી, સ્વામી બ્રહ્મેશાનંદજી, સ્વામી આદિભવાનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આપ્યું હતું. ભક્તજનોની પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રસપ્રદ રહ્યો હતો.

આ ઉપરાંત ૯ મે રવિવારથી ૧૬ મે સુધી યોજાયેલ વિશેષ ‘જપયજ્ઞ’માં ગુજરાતમાંથી ૫૦ ભક્તજનોએ ભાગ લીધો હતો.

૧૭ થી ૨૧ મે સુધી મંદિર નીચેના હોલમાં સંધ્યા આરતી પછી પાતંજલ યોગસૂત્ર પર સ્વામી બ્રહ્મેશાનંદજીનાં વિશેષ આધ્યાત્મિક વ્યાખ્યાનોનો લાભ  ભક્તજનોએ લીધો હતો.

૨૨ મે શનિવાર અને ૨૩ મે રવિવાર, ‘ગીતા સાર સંગીત પ્રસ્તુતિ’નો ભાવભક્તિમય સંગીતનો કાર્યક્રમ મુંબઈનાં સુખ્યાત સંગીતકાર શ્રીમતી સીતાદેસાઈએ શ્રીરામકૃષ્ણ આશ્રમના વિવેક હોલમાં સાંજના ૭.૪૫ કલાકથી રજૂ કર્યો હતો. ઘણી મોટી સંખ્યામાં ભાવિકો આ ગીતાસાર સંગીત પ્રસ્તુતિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ દરમિયાન અનન્ય ભાવભક્તિમય વાતાવરણનો અનુભવ કર્યો હતો.

રામકૃષ્ણ મિશન, લીંબડી

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૧૫ થી ૨૨ એપ્રિલ સુધી ટાવર બંગલામાં ધો.૫ થી ૭ના વિદ્યાર્થીઓ માટે ‘બાલભારતી જ્ઞાનયજ્ઞ’નું આયોજન થયું હતું. ૧૫મીએ ઉદ્‌ઘાટન પ્રસંગે મહેમાનોએ પ્રાસંગિક પ્રવચનો આપ્યાં હતાં. ૧૬મીએ ડો. પી.વી. ભટ્ટે આરોગ્ય વિષયક માર્ગદર્શન આપ્યું હતું. ૧૭મીએ શ્રી આર. આર. રાઠોડ સાહેબે ચિત્રકામ વિશે સમજણ આપી હતી. ૧૮મીએ શ્રી બુધાભાઈ પરમારે યોગાસન વિશે નિદર્શન સાથે માર્ગદર્શન આપ્યું હતું. ૧૯મીએ ગજેન્દ્રભાઈ પરમારે બાળકોને કોમ્પ્યુટરનો પરિચય કરાવ્યો હતો. ૨૦મીએ જીવન જીવવાની કળા વિશે શ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને પ્રેરણાભર્યું માર્ગદર્શન આપ્યું. ૨૧મીએ સુલેખનકળા વિશે શ્રી આર. આર. રાઠોડે નિદર્શન, માર્ગદર્શન આપ્યું હતું. ૨૨મીએ વિદ્યાર્થીઓના પ્રતિભાવો અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લીંબડીના ધારાસભ્ય અને વનવિભાગના મંત્રી કિરીટસિંહ રાણા અને લીંબડી સિવિલ હોસ્પિટલના નેત્ર ચિકિત્સક ડો. વછેટિયને બાળકોને સંબોધન કર્યું હતું.

‘જલધારા’ પ્રકલ્પ

ઝાલાવાડની રૂખીસૂકી ધરતીમાં પાણીના અભાવે લોકો અને પશુઓને મોટું કષ્ટ પડે છે. એમાંથી મુક્ત કરવા માટે રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ‘શ્રીરામકૃષ્ણ જલધારા પરિયોજના’ હેઠળ ૪૫ જેટલાં ગામમાં તળાવો ઊંડાં કરીને જળસ્રોત વૃદ્ધિ કરવામાં આવી છે.

૧૧ એપ્રિલના રોજ ચુડાના અચારડા ગામમાં ૪૬મું તળાવ ઊંડું કરવાનું કામ ચાલું થયું હતું જે ૨૨ એપ્રિલે પૂર્ણ થયું છે. ૧૭ એપ્રિલના રોજ લીંબડી તાલુકાના પાંદરી ગામમાં ૪૭મું તળાવ ઊંડું કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.

રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં વાર્ષિક મહોત્સવ

૨૬ માર્ચે, દરબાર શ્રી પુંજાવાળા બાપુએ પોતાની રસભર શૈલીમાં કૃષ્ણ દીવાની મીરાં, ભક્તિના રંગે રંગાયેલ સંત અમરબાઈના વાર્તાપ્રસંગો રજૂ કરીને ભાવિકોને મુગ્ધ કરી દીધા હતા.

૨૭ માર્ચે, ભજનસંધ્યામાં રાજકોટના સ્વામી વિનિર્મુક્તાનંદજીએ શાસ્ત્રીય સંગીતની સુરાવલિઓમાં ભજનસરવાણી વહાવી હતી.

૨૮ માર્ચે, ૯ થી ૧૨.૩૦ વાગ્યા સુધી યોજાયેલ આધ્યાત્મિક શિબિરમાં રામકૃષ્ણ મિશન, લીંબડીના સ્વામી આદિભવાનંદજી, નાગપુરના સ્વામી બ્રહ્મસ્થાનંદજીનાં પ્રેરક પ્રવચનોનો લાભ ભાવિકોએ લીધો હતો. એ જ દિવસે સાંજે ૭ થી ૮.૩૦ સુધી સ્વામી નારાયણ ગુરુકુળના અધ્યક્ષ હરિપ્રસાદજીના અધ્યક્ષ સ્થાને જાહેર સભાનું આયોજન થયું હતું. સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ પર રાજકોટના સ્વામી ધ્રુવેશાનંદજી, શ્રીમા સારદાદેવીનાં જીવન અને સંદેશ વિશે સ્વામી આદિભવાનંદજી; અને રામકૃષ્ણદેવનાં જીવનસંદેશ વિશે સ્વામી બ્રહ્મસ્થાનંદજીએ વિષદ્‌ચર્ચા સાથે વ્યાખ્યાનો આપ્યાં હતાં.

Total Views: 24

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.