(જૂન ૨૦૧૦થી આગળ)

કમલાકર ભાટ્ટે લગભગ ઈ. ૧૯૧૨માં ‘નિર્ણયસિન્ધુ’ નામનો એક ખૂબ વિસ્તૃત અને વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ લખ્યો. આ ગ્રંથમાં સો સ્મૃતિઓ અને ત્રણસો ધર્મશાસ્ત્રના નિબંધકારોનાં નામો અપાયાં છે એમાં કાલ, વ્રત, સંસ્કાર, અગ્નિહોત્ર, શ્રાદ્ધ, કલિવર્જ્ય (કળિયુગમાં નિષિદ્ધ કર્મો), અશૌચ અને સંન્યાસની વાતો ચર્ચી છે.

એક સ્મૃતિચંદ્રિકા નામનો નિબંધગ્રંથ સર્વ-સ્મૃતિઓના સાર જેવો લખાયો છે. ધર્મશાસ્ત્રીય નિબંધોમાં એ સુવિખ્યાત છે. એ દેવન્નાભટ્ટે ૧૧૫૦થી ૧૨૨૫ના સમયગાળામાં લખ્યો છે. એનો કર્તા ઘણું કરીને દક્ષિણ ભારતનો હતો.

એમાં સમાવાયેલા વિષયો – વર્ણાશ્રમધર્મો, સંસ્કારો, દ્વિજોનાં દૈનિક કાર્યો, સંધ્યા, શ્રૌત અને સ્માર્ત કર્મો, આહારનિયમો, પાંચ દૈનિક યજ્ઞો, ન્યાયાલયોની પ્રક્રિયાઓ, દાયભાગ અને શ્રાદ્ધ – એટલા છે. જો કે આ સ્મૃતિચંદ્રિકા ઘણા લેખકોએ લખેલ લખાણોમાં સંગ્રહ છે. પણ દેવન્નાભટ્ટની જ આ પ્રમાણભૂત રચના ગણવામાં આવી છે. એટલે એ જ એના સંકલક અને લેખક છે.

‘સ્મૃતિ-કૌસ્તુભ’ નામનો એક ગ્રંથ ઈ.સ. ૧૬૪૫ થી ૧૬૯૫ના ગાળામાં લખાયેલો છે. એના લેખક અનંતદેવ છે. એ સુવિખ્યાત મરાઠી સંત એકનાથ – ના પૌત્ર હતા. આ પણ એક સુંદર સંકલન છે. એમાં સોળ સંસ્કારો, દત્તક લેવાના નિયમો, તહેવારો, ઉત્સવો, વાસ્તુશાસ્ત્ર, રાજ્યાભિષેક, હોમ અને શાંતિ જેવા વિષયો સંગ્રહાયેલા છે.

આવો જ એક બીજો ‘સ્મૃતિરત્નાકર’ નામનો નિબન્ધગ્રંથ છે. ઈ.સ. ૧૩૧૪માં ચંડેશ્વરે એ લખ્યો છે. આ ગ્રંથ વિશાળ છે. ચંડેશ્વર મિથિલાના રાજા ભાવેશ્વરનો પ્રધાન હતો. આને ‘રત્નાકર’ નામથી પણ ઓળખવામાં આવે છે. આ ગ્રંથમાં સાત પ્રકરણો છે. દરેકને ‘રત્નાકર’ નામ અપાયું છે. જેમકે, ક્રિયારત્નાકર, દાનરત્નાકર, શુદ્ધિરત્નાકર, પૂજારત્નાકર, વ્યવહારરત્નાકર, વિવાદરત્નાકર અને ગૃહસ્થરત્નાકર. આ પ્રકરણોમાં સંક્ષેપમાં વ્રતો, ગૃહસ્થધર્મો, ભેટના વિવિધ પ્રકારો, નાગરિક અને ગુનગારોના કાનૂનો, અશૌચ અને પૂજાવિધિના વિષયો છે.

એક ‘સ્મૃતિતત્ત્વ’ નામનો ગ્રંથ રઘુનન્દને ઈ.સ.૧૫૧૦ થી ૧૫૮૦ના ગાળામાં લખ્યો. આ રઘુનંદન બંગાળના ધર્મશાસ્ત્ર વિષયના સૌથી છેલ્લા મોટા લેખક હતાં. આ ગ્રંથનાં ૨૮ પ્રકરણો છે. દરેકને ‘તત્ત્વ’ નામ આપ્યું છે; જેમકે તિથિતત્ત્વ, દુર્ગાપૂજાતત્ત્વ, દયાતત્ત્વ વગેરે. એમાં પવિત્રીકરણની વિધિઓ, સંસ્કારો, જન્માષ્ટમી જેવા તહેવારો, દુર્ગોત્સવ, નાગરિક કાનૂન, સમાજ સંગઠન, ધાર્મિક વ્રતોપવાસાદિ, મંદિર નિર્માણ અને શ્રાદ્ધ આદિ વિષયો વર્ણવેલા છે.

મિત્રમિશ્રનો ‘વીર મિત્રોદય’ ગ્રંથ પણ ધર્મશાસ્ત્રનું મોટું સંકલન છે. કદમાં એ બીજે ક્રમે આવે છે. ૧૬૧૦-૧૬૪૦ના અરસામાં એ લખાયો છે એનાં પ્રકરણોને ‘પ્રકાશ’ નામ આપવામાં આવ્યું છે.

જેમકે વ્યવહારપ્રકાશ, સંસ્કારપ્રકાશ, રાજનીતિપ્રકાશ વગેરે. એમાં આહ્‌નિક, પૂજા, યાત્રા, નાગરિક કાનૂન, સંસ્કાર, રાજનીતિ, ભેટનિયમો, શુદ્ધીકરણ, શ્રાદ્ધ, પ્રાયશ્ચિત્ત, ભક્તિ અને મોક્ષ – આ વિષયો વર્ણવાયા છે.. આમ વેદકથાઓ, નવ સૂત્રગ્રંથો, પંદરેક સ્મૃતિગ્રંથો, આઠેક નિબંધગ્રંથો ઉપરાંત પણ આ ધર્મશાસ્ત્રના તે તે ગ્રંથો પર ધર્મવિદોએ લખેલી ટીકાઓથી ધર્મશાસ્ત્ર સાહિત્ય વિશાળ – સમૃદ્ધ બન્યું છે. આ ટીકાકારોએ મૂળની સમજૂતી આપી છે, એની સૂક્ષ્મતાને સ્પષ્ટ કરી છે, એના સિદ્ધાંતને વિસ્તાર્યા છે, શંકાઓને નાબૂદ કરી છે, ગેરસમજણો દૂર કરી છે, મૂળના વિવિધ નિયમોના અમલ કરવાની સાચી દિશા આપી છે, અમલ સરળ બનાવ્યો છે, અને નિયમો સ્પષ્ટ કરી દીધા છે.

એના ઉદાહરણરૂપે ગૌતમ ધર્મસૂત્રો પરની ‘આશય’ અને ‘મસ્કરિન્‌’ની ટીકા તથા મનુસ્મૃતિ પર મેધાતિથિ, કુલ્લુક અને અન્ય પાંચનાં ભાષ્યો, તેમજ યાજ્ઞવલ્કય સ્મૃતિ પરની વિશ્વરૂપની ‘બાલક્રીડા’, વિજ્ઞાનેશ્વરની ‘મિતાક્ષરા’ અને શૂલપાણિની ‘દીપાલિકા’ ગણાવી શકાય. સાથોસાથ પારાશરસ્મૃતિ ઉપરની નંદ પંડિતની ‘વિદ્યન્મનોહરા’, અને માધવાચાર્ય (વિદ્યારણ્ય)ની ‘પારાશર માધવીય’ પણ અવિસ્મરણીય છે.

આ ઉપરાંત, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર (ઈ. પૂ. ૩૦૦), એના ઉપરની યજવન માધવની નયચંદ્રિકા અને ભટ્ટ સ્વામિન્‌ની ‘પ્રતિપદપંચિકા’ પણ ધર્મશાસ્ત્રના વ્યાવહારિક વિભાગ, રાજધર્મ વગેરે પણ ઘણું ઘણું કહે છે. રામાયણ અને મહાભારતમાં પણ ઠેર ઠેર ધર્મશાસ્ત્રની સામગ્રી ભરપૂર ભરી છે. રાજધર્મ, એકહથ્થુ સત્તાની અસરો, પાતકો, પ્રાયશ્ચિત્તો, કર્તવ્યો, રાજાની જવાબદારીઓ, તર્પણવિધિ, સત્યમહિમા, સ્ત્રીઓના ગુણો અને કર્તવ્યો, અહિંસા, વર્ણાશ્રમધર્મ, આચાર, આપદ્‌ધર્મ, યાત્રા, દાન, દાયભાગ,  આહારનિયમો, રાજનીતિ, વિવાહ શ્રાદ્ધ વગેરે ઘણા બધા ધર્મશાસ્ત્રીય વિષયો બંને મહાકાવ્યોમાં અત્ર-તત્ર-સર્વત્ર, કયાંક વિસ્તૃત તો કયાંક સંક્ષેપમાં પથરાયેલા પડ્યા છે.

પુરાણો અને ઉપપુરાણોમાં પણ એની કોઈ કમી નથી. એટલા જ માટે ધર્મશાસ્ત્રના નિબંધકારોએ આ બધાંમાંથી પુષ્કળ ઉદાહરણો પોતાની કૃતિઓમાં નોંધ્યાં છે. પુરાણોમાં ખાસ કરીને આહ્‌નિક, આચાર, અશૌચ વર્ણાશ્રમ ધર્મ, આહારશુદ્ધિ, દાન, કલિવર્જ્ય (કળિયુગમાં નિષિદ્ધ કાર્ય), પાતકો, પ્રાયશ્ચિત્તો, રાજધર્મ, સંસ્કારો શાંતિ શ્રાદ્ધ, યાત્રા, વ્રતો, વ્યવહાર અને યુગધર્મો ચર્ચવામાં આવ્યા છે.

હિન્દુ સમાજનો ઇતિહાસ છેલ્લા અઢી હજાર વર્ષોથી રંગબેરંગી રહ્યો છે. એટલે એનું ધર્મશાસ્ત્ર પણ વિવિધ રંગે ફૂલ્યું ફાલ્યું છે અને એ કેવળ કદમાં જ નહિ પણ ઉચ્ચતમ સંસ્કાર યુક્ત પરિષ્કાર પામતું રહ્યું છે અને એ જ અવારનવાર થતા રહેલા સુધારાઓએ એની એકતા જાળવી રાખવાનું મજબૂત બનાવવાનું મહત્ત્વનું બળ ઘણે અંશે પૂરું પાડ્યું છે.

ધર્મશાસ્ત્ર આવું કરી શકયા કારણ કે : (૧) એણે માનવનાં વૈશ્વિક – સનાતન – અને પાયાનાં જીવનમૂલ્યોને માટે ‘ધર્મ’ શબ્દનો અન્વર્થક ઉપયોગ કર્યો; (૨) એણે હક્કો અને અધિકારો કરતાં ફરજો અને જવાબદારીઓ પર ખૂબ ભાર મૂકીને વ્યક્તિને સમાજાભિમુખી કરી; (૩) એણે સમય પરિવર્તનની સાથોસાથ કદમ મિલાવવા માટે આવશ્યક અનુકૂલન કરી આપીને તત્કાલીન સમાજને આવશ્યકતાઓને પૂરી કર્યે રાખી; (૪) એણે કોઈપણ સામાજિક કે રાજકીય સત્તાને સંપૂર્ણ સત્તા આપી જ નહિ, પણ શાસ્ત્રસંમત સુસ્થાપિત નિયમોને જ પ્રથમ પસંદગી આપી.

હિન્દુ શાસકોના શાસન દરમિયાન તો આ શાસ્ત્રવિહિત વર્તનની ભાત અને કાનૂન તેમજ વ્યવસ્થાની સ્થિતિ સમાજમાં ઠીકઠાક રહ્યાં પણ જ્યારે સત્તા વિદેશી નિષ્ઠુર શાસકોના હાથમાં ચાલી ગઈ, ત્યારે માનભેર સુરક્ષિત રહેવાનું પણ મુશ્કેલ બની ગયું, એટલે પછી ધાર્મિક અને સામાજિક નેતાઓ સામે પૂરે તરીને સમાજની એકતા અને પ્રામાણિકતા જાળવવા માટે ભગીરથ મથામણ કરવા લાગ્યા! તેઓ યથાશક્ય રીતે આચાર અને પ્રાયશ્ચિત્તોમાં સુધારા કરવા લાગ્યા, પણ વ્યવહારનો ભાગ તેમના હાથમાંથી છટકી ગયો! એમના હાથમાં ન રહ્યો!

એક એવો આક્ષેપ કરવામાં આવે છે ઈ.સ. ૧૦૦૦ પછીના ધર્મશાસ્ત્રના લેખકોએ સાવ નાની તુચ્છ વસ્તુઓના વર્ણનમાં નકામી પીંજણ કરી મૂકી છે! પણ એ ભૂલવું ન જોઈએ કે એ વખતે ધર્મશાસ્ત્ર મહત્ત્વનો અધ્યયન વિષય હતો અને શિક્ષિત વર્તુળો તેમજ વિદ્વાનોમાં એની જ ચર્ચા એ વખતે થયા કરતી હતી, પાઠશાળાઓ – મઠો – વિદ્યાલયો જેવી પરંપરાગત સંસ્થાઓમાં એ જ ભણાવાતો એટલે એનું વૈદુષ્ય અપેક્ષિત ગણાતું.

ધર્મશાસ્ત્ર ઉપર એક બીજો આક્ષેપ એ છે કે આ શાસ્ત્ર કેવળ ઉપલા ત્રણ વર્ણો માટે (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય માટે જ) હતો! શૂદ્રો કે અન્યોને એની સાથે કોઈ લેવા દેવા ન હતી. એનો ઉત્તર એ છે કે તત્કાલીન સમાજ એવો હતો અને તેથી તત્કાલીન ધર્મશાસ્ત્રમાં દર્શાવેલાં કાર્યો તે જ વર્ણોનાં ગણાતાં! આ સમયનાં લખાયેલાં પુસ્તકોના નિરીક્ષણ – પરીક્ષણ પરથી એક ચોંકાવનારું સત્ય એ તરી આવે છે કે આ સામાજિક સીડી – ચડતાક્રમની નીરસણીમાં જે માણસ જેટલો ઉચ્ચતર હતો, તેટલા તેને પાળવાના – તેને બાંધવાના – માર્ગદર્શન આપવાના કાયદા વધુમાં વધુ કડક બનતા જતા હતા! એટલે આ આક્ષેપ પર આંગળી ચીંધી શકાય તેમ તો છે જ નહિ!

વળી, ધર્મશાસ્ત્રોએ સામાન્ય રીતે કાળે કાળે એ નિયમ તો જાળવી જ રાખ્યો છે કે જે નિયમ લોકોની બહુમતીને ન રુચે તો તેને સ્થાને અન્ય અનુકૂળ નિયમ આપવો. ઉદાહરણરૂપે આપણે કલિવર્જ્ય અને આપદ્‌ ધર્મના સિદ્ધાંતને મૂકી શકીએ તેમ છીએ.

ભારતમાં રાજકીય સ્વાતંત્ર્ય મેળવ્યા પછી સામાન્ય કાનૂન અને હિન્દુ કાનૂનના માળખામાં ધરમૂળનું પરિવર્તન કરી નાખવામાં આવ્યું છે. ભૂતકાળના અસંતુલિત કેટલાય કાનૂનો ફેરવાયા છે, સુધારાયા છે. આમ છતાં સમાજમાં નબળા વર્ગને યોગ્ય ન્યાય મળતો નથી. દેખીતી રીતે જ આ દોષનું મૂળ કયાંક બીજે પડ્યું છે.

માનવને સામાજિક રીતે ઉપયોગી જીવન જીવવા માટે, અને પરિણામે એના વ્યક્તિગત જીવનમાં પણ સુખ – શાંતિ લાવવા માટે આપણા ઋષિઓએ વૈશ્વિક માનવીય મૂલ્યનિષ્ઠ ધર્મનો માર્ગ બતાવ્યો છે. ઋષિઓએ પોતે એને જીવ્યો છે અને આપણને જીવવાનો આદર્શ આપ્યો છે.

આપણા તથાકથિત આધુનિક શિક્ષણને પરિણામે આપણા દેશના ઘણા લોકો જીવનનાં સ્થાયી મૂલ્યના જ્ઞાનથી પણ વંચિત થયા છે. ભવ્ય સંસ્કૃતિનાં ભવ્ય મૂલ્યો પણ ખોવાતાં-ધોવાતાં ચાલ્યાં છે! ધર્મનો મૂળ જીવનધારક અર્થ ઉવેખાઈને, ‘બિનસાંપ્રદાયિક રાષ્ટ્રમાં ધર્મને કોઈ સ્થાન જ નથી.’ એવી વિકૃત અને જૂઠ્ઠી ધારણામાં ભ્રમિત થઈને સંપ્રદાય ત્યાગને બદલે સમૂળગા ધર્મત્યાગને રવાડે લોકો ચડી ગયા – કે ચડાવામાં આવ્યા!

ધર્મશાસ્ત્રનું કોઈ પુસ્તક નિન્દ્ય એટલા માટે નથી કે તેમાંથી કોઈએ પોતે પૂર્ણ છે, સર્વકાલીન છે, વૈશ્વિક છે, એવો દાવો કર્યો નથી. બધાં એ સમય સાપેક્ષ છે. તત્કાલીન સમાજનાં કેવળ પ્રતિબિંબો છે. કેવળ પરિવર્તનશીલ સમાજના ઐતિહાસિક તબક્કાઓ છે.

Total Views: 23

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.