રવીન્દ્રનાથની ‘ભાનુસિંહેર પદાવલિ’ વાંચીને ભ્રમિત બનેલા બંગાળી વિદ્વાનોએ ભાનુસિંહ નામના કોઈક પ્રાચીન બંગાળી કવિની ખોજ આદર્યા પછી મોડે મોડે પર્દાફાશ થયો કે એ ભાનુસિંહનાં પદો તો બંગાળી બાઉલોનાં ગીતો હતાં!

આ બાઉલો વાસ્તવિક રીતે તો એક પ્રકારના મધ્યયુગીન ચારણો જેવા કવિઓ હતા. એને પોતાનું આગવું પરંપરિત સંગીત હતું. એટલું જ નહિ, એને પોતાનો એક ધર્મસંપ્રદાય પણ હતો. આ ધર્મસંપ્રદાય હિન્દુ વૈષ્ણવો, સૂફી મુસ્લિમો, હિન્દુ તાંત્રિકો (કર્તાભજા જેવા) અને સહજિયા બૌદ્ધતાંત્રિકોના મિશ્રણમાંથી ઉદ્‌ભવેલો હતો.

આ બાઉલ સંપ્રદાયના પાયાના સિદ્ધાંતો તપશ્ચર્યા અને અનાસક્તિ છે. આ બાઉલો એક વિચરતી જાતિ છે. એ કયાંય સ્થાયી રહેતા નથી અને ઓછામાં ઓછી વસ્તુઓથી જીવનનિર્વાહ ચલાવે છે. એમને જોઈને જ આપણા મનમાં બ્રહ્માંડવ્યાપી વિનિર્મુક્ત, અનવરુદ્ધ, નિર્વિશેષ ગાઢ અસર ઊપજે તો નવાઈ નહિ! દુનિયાના ઘોંઘાટથી દૂર તેઓ પોતાની ટોળી સાથે રહે છે. કોઈ ધર્મસંપ્રદાયની કંઠી બાંધ્યા વગરના આ બાઉલો પરમતત્ત્વની એવી મૂર્તિનું ચિન્તન કર્યા કરવાની માન્યતા સેવે છે કે જે ભૌતિક દૃષ્ટિની પેલી પારની છે; જે લોકોત્તરના ચિંતનમાં જ સ્પષ્ટ થાય છે. આ રીતે ચિંતનમાં જ તેમને રાધા – કૃષ્ણનું દિવ્ય પ્રેમયુગલ દર્શન આપે છે. ઘરમાં રાખેલી રાધા – કૃષ્ણની મૂર્તિને તેઓ પૂજતા નથી. સાંસારિક જ્ઞેય વસ્તુઓને તેઓ આ રીતે સૂક્ષ્મ જીવનમાં પરિવર્તિત થવાની ક્ષમતા અર્પે છે. સાંસારિકતાને આધ્યાત્મિક – રહસ્યમયી ચાળણીથી ચાળી – ગાળીને પરિષ્કૃત બનાવે છે.

વ્યુત્પત્તિની દૃષ્ટિએ આ ‘બાઉલ’ શબ્દ સંસ્કૃતના ‘બાતુલ’ કે ‘વ્યાકુલ’ શબ્દ ઉપરથી નીકળ્યો લાગે છે એનો અર્થ, ‘દિવ્યભાવમાં તલસતો’ એવો થાય છે’ ‘આર્યપદ’ નામના બૌદ્ધ સ્તોત્રે ‘બાઉલ’ શબ્દનો સામાન્ય સંદર્ભ આપ્યો છે. એ ઉપરથી આપણે એવું અનુમાન કરી શકીએ કે ઈસ્વી સનની છઠ્ઠી સદીમાં એ રીતે આ રહસ્યવાદી બાઉલોની ‘બાઉલ’ નામ આપીને એક આગવા સમાજ તરીકે સ્થાપના થઈ હશે. જો કે બંગાળી સાહિત્યમાં ‘બાઉલ’ શબ્દનું પ્રચલન તો ઠેઠ પંદરમી સદી પછી જ શરૂ થયું અને મહાપ્રભુ ચૈતન્યે જ એની આગવી ઓળખ આપી છે. આ ‘બાઉલ’ શબ્દ સાંપ્રદાયિક અર્થ કયારે પામ્યો, એ કહેવું પણ કઠણ છે. બાકી તો બાઉલો પોતાના અનાસક્તિના સિદ્ધાંત મુજબ ઇતિહાસને પાને ચડવાની જરાય ખેવના ધરાવતા નથી.

પંદરમી સદીમાં બાઉલોની ઓળખ આપનાર ચૈતન્ય મહાપ્રભુ પોતે પણ એક વૈષ્ણવ રહસ્યવાદી જ હતા. ‘ગીતગોવિંદ’ના પ્રણેતા મહાકવિ જયદેવના તેઓ અનુયાયી હતા. અને એમના હૃદયમાં પણ એ મહાકાવ્યમાં વર્ણિત રાધાકૃષ્ણનો દિવ્યપ્રેમ બાઉલનાં રાધાકૃષ્ણનાં પદોના દિવ્યપ્રેમની પેઠે જ ઉછાળા મારી રહ્યો હતો.

એ જમાનો એવો હતો કે જ્યારે આ દિવ્યપ્રેમના નશામાં રહેતા અકિંચન હિન્દુઓ અને સૂફી મુસ્લિમોને તેમની જાતિના રૂઢિવાદી પુરોહિતો – મુલ્લાંઓ – નિર્દયતાથી હેરાન – પરેશાન કરતા હતા. તેમને ‘બાઉલ’નું તુચ્છકારભર્યું નામ આપી વગોવતા રહેતા. (બાઉલનો અર્થ ‘રખડું ભિખારી’ થાય છે.) આવે અણીને વખતે મહાપ્રભુ ચૈતન્ય તેમની વહારે ધાયા. મહાપ્રભુ ચૈતન્યે તેમનો વ્યાપક લોકોત્તર તત્ત્વનો ચિંતન પ્રવાહ પારખ્યો અને એમનાં વિચારો અને રહેણીકરણીને નવો વળાંક આપ્યો. ચૈતન્ય મહાપ્રભુએ તેમને અખંડ માનવતાનો, ભેદભાવ વગરની માણસાઈનો બોધ આપ્યો. અને પોતાના શિષ્યો દ્વારા એ બાઉલોને પ્રગતિકારક પંથે વાળ્યા. એમાં જાતિ – પાંતિના ભેદોને ભાંગી નાખવાનો ઉપદેશ મુખ્ય હતો, વર્ગવિહીન સમાજ અને વિશ્વપ્રેમ, સર્વની કલ્યાણકામના અને સમાજનું સન્માન કરવાની વાતો એમાં સમાઈ જતી હતી.

ચૈતન્ય મહાપ્રભુ પછી બાઉલોનું બીજું પુનરુત્થાન વૈણષ્વ સંત નિત્યાનંદના પુત્ર વીરભદ્રના સમયમાં થયું. (પંદરમી સદી). અને પછી ઉત્તરોત્તર ચડતાં અઢારમી સદીમાં એક મુખ્ય ધર્મસંપ્રદાય તરીકે એ ઉપસી આવ્યા.

આ બાઉલો કોઈ ધર્મ, સંપ્રદાય, જાતિ-પાંતિ, સ્ત્રી-પુરુષના ભેદો વગેરેનાં બંધનોનું ઘોર વિરોધી એક સામાજિક જૂથ છે. લાલન ફકીર (૧૭૭૪-૧૮૦૦) તેમના અગ્રણી નેતા હતા. તેમણે કહ્યું છે : ‘જાતિ-પાંતિમાં શું બળ્યું છે મારા ભાઈ? મેં તો એને આ આંખે કદીયે દીઠી નથી.’

આ બાઉલોની રહેણીકરણી ભાતીગળ છે. કેટલાક બાઉલો ગૃહસ્થી છે અને કેટલાક તપસ્વી છે. અત્યારે બંનેનું અસ્તિત્વ છે. તપસ્વી – ત્યાગી બાઉલો પરણતા નથી અને વ્રત – તપ – વગેરે નિયમોનું સખ્ત પાલન કરી જીવન ગુજારે છે. એમને રહેવાનું કોઈ ઘર હોતું નથી. તેઓ પોતાના એક અખાડામાંથી બીજામાં ફરતા જ રહે છે. આવા અખાડાઓ બાઉલોના સ્વર્ગસ્થ ગુરુઓની સમાધિ – કે કબરોની આસપાસનાં સ્થાનોમાં અવારનવાર ઊભા થયા કરે છે. આ અખાડાઓ ગ્રામજનોની વસતિથી થોડા દૂર હોય છે.

સામાન્ય રીતે આવા બાઉલો અડધી ધોતી અને ઉપર અલ્કલા નામનું ઉત્તરીય પહેરે છે. એ બંનેનો રંગ ભગવો હોય છે. પરંપરા પ્રમાણે બાઉલો પોતાના વાળ કપાવતા નથી. એટલે એને વાળીને ઊભી જટાના રૂપમાં માથાના ઉપરના ભાગે રાખે છે. ગળામાં તેઓ તુલસીની માળા પહેરે છે અને ખભે મોટો જોળો લટકાવતા હોય છે..

પરંતુ, જેઓ ગૃહસ્થી બાઉલો હોય છે, તેઓ ગામને છેવાડે રહીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે. તેઓ ગ્રામજનોની સાથે સામાન્ય રીતે હળતાભળતા હોતા નથી. બાઉલો કોઈપણ પ્રકારના સ્થાપિત ધર્મસંપ્રદાયની કંઠી બાંધતા નથી. આ રીતે તેઓ સ્વૈરવિહારી અને અલગારી હોય છે; તેઓ મૂર્તિને ન માનનારા માનવતાવાદી છે. તેમની સમગ્ર સાધના ભીતરના આત્માને પામવાની હોય છે. ધ્યાનથી જ તેઓ પરમસત્યની પ્રાપ્તિ કરવાની ઝંખના સેવે છે; તેમણે સહજિયા અને સૂફીઓની ભક્તિવિભાવનાઓને એક સાથે જોડી છે. તેઓ માને છે કે માનવશરીર સર્વ સત્યોનું અધિષ્ઠાન છે. અને એ ખ્યાલને કેન્દ્રમાં રાખીને તેઓ કોઈક રહસ્યમય ભક્તિની સાધના કરી રહ્યા છે! સમય જતાં એમાં તત્કાલીન બૌદ્ધધર્મનું સંક્રમણ થયું અને બાઉલોમાં કેટલાંક ભારે પરિવર્તનો થયાં એનાથી એમના મૂલગત ધ્યાનના સિદ્ધાંતમાં તાંત્રિક વિધિવિધાનોય ઘૂસી ગયાં. એથી એમનું ધ્યાન થોડો સમય એક બાજુ મૂકાઈ ગયું અને એની જગ્યાએ પ્રકૃતિના રૂપમાં નાડી જોડાઈ ગઈ! આ પ્રકૃતિ એટલે સૃષ્ટિની સર્જક! શક્તિ એટલે સામર્થ્ય. આ રીતે ધીરે ધીરે નારી સાધકની સાધિકા – સહચારિણી – સેવાદાસી – સાધકની સારસંભાળ લેનારી ક્રમશ: બની ગઈ!

આ રીતે સમય જતાં ધીરે ધીરે બાઉલોની કેટલીયે ધાર્મિક સાધનાઓ સ્ત્રીપુરુષના યુગલ દ્વારા જ સાધ્ય થઈ શકે તેવી ઊભી થઈ ગઈ. આ રીતે તેમનો ધર્મ આ સિદ્ધાંત માનવા લાગ્યો કે ‘દેહની પૂર્ણ અભિવ્યક્તિ અને મનની પૂર્ણ અભિવ્યક્તિ મળીને એક અખંડ તત્ત્વ રચે છે.’ તેઓ પોતાની રહસ્યમય શક્તિરૂપ માનેલા ‘ચાર ચાંદ’ (ચંદ્રનાં ચાર પાસાંઓ)નું વિશેષત: ધ્યાન કરે છે. આ ચાર ચંદ્ર પાસાંઓ ચાર પરિવર્તન પામતા દેહોનાં તેમજ નવ દ્વારના સંયમની સાધના – દમની સાધનાનાં પ્રતીકો છે.

બાઉલોની સુપ્રસિદ્ધ મુખ્ય પાંચ ગોત્ર શાખાઓ છે એને ‘ગુરુધારા’ એવું નામ આપવામાં આવ્યું છે. એ ‘ધારા અથવા ધારણા’ પણ કહેવાય છે : લાલોન શાહી,  પંજૂ શાહી, દેલબાર શાહી, ઉજલ શાહી તેમજ પંચુ શાહી – એમ ગુરુઓ ઉપરથી તેમનાં નામ પડયાં છે. બાઉલોનો ‘કર્તાભજા’ નામનો એક ખાસ પંથ છે. આ કર્તાભજાઓ વૈષ્ણવ પરંપરા સ્વીકારે છે. તેમને ‘સતી માયેર ઘર’ પણ કહેવામાં આવે છે. આ ઘરોમાં પણ પરસ્પરના કેટલાક ભેદપ્રભેદો છે. લાલન શાહીની પરંપરામાં સૂફીઓનું, સહજિયાઓનાં વિધિવિધાનોનું, અને તંત્રોની માન્યતાઓનું પ્રભુત્વ વરતાય છે, જ્યારે પૂંજી શાહીની પરંપરામાં એવી કોઈ તાંત્રિક માન્યતા અથવા સહજિયાની સાધનાનો સદંતર અભાવ છે.

આ બાઉલોનાં લોકસંગીતે અને એનાં લોકગીતોએ જેમિની રોય જેવા લોક સંગીતના મર્મજ્ઞને એના દિવ્ય આનંદથી આકર્ષી લીધા છે. બંગાળના લોકસાહિત્યના ખેડાણના તેઓ એક વિખ્યાત અગ્રણી સંશોધક છે.

બાઉલ ગીતો આપણને દિવ્ય પ્રેમાવેશમાં શાશ્વત તરબોળ કરી દે તેવાં હોય છે. આ પાગલ બનાવી દેતાં ગીતો મર્મસ્પર્શી હોય છે. સમય જતાં આ બાઉલ ગીતોમાં પણ પરિવર્તનો આવ્યાં કર્યાં છે. એનાં કારણોમાં વૈષ્ણવ કીર્તનોનો પ્રભાવ તેમજ સૂફીઓનો પ્રભાવ ગણાવી શકાય. અત્યારે આ બાઉલ ગીતો પશ્ચિમ બંગાળ તેમજ બાંગ્લાદેશ – બંને દેશોમાં પ્રચલિત છે. છતાં પશ્ચિમ બંગાળનાં બાઉલ ગીતોમાં સહજિયા વૈષ્ણવોનો પ્રભાવ વધુ વરતાય છે, જ્યારે બાંગ્લાદેશનાં બાઉલ ગીતોમાં સૂફીઓની ગઝલોનો પ્રભાવ વધારે જોવામાં આવે છે.

નમૂનાની એક ગીતકડીનો ગદ્યાનુવાદ બાઉલ ગીતોના પ્રેમાવેશનો ખ્યાલ આવે, તે માટે આપવામાં આવ્યો છે. આ બાઉલગાન સુપ્રસિદ્ધ છે અને બધાં ગીતોની પેઠે આમાં પણ માનવીય પ્રેમ અને દિવ્ય પ્રેમના બંને અર્થો સમાયેલા છે. બાઉલોએ આ બંને પ્રેમને ‘ઉચ્ચ પ્રેમ’ અને ‘નિમ્ન પ્રેમ’ એવી સંજ્ઞાઓ આપી છે. ગીતકડીનો ગુજરાતી ગદ્યાનુવાદ આ પ્રમાણે છે :

‘મારા હૈયાના ઉજાસ સમા એ ચંદ્રોદયના સૌંદર્ય વિના તો હું ખિન્ન – નીરસ બની ગઈ છું. એને હું આંખો ભરીને પૂર્ણ રીતે જોવા માટે ઝંખી રહી છું. મારા હૈયાના હાકેમને હું ધરાઈ ધરાઈને જોવા ઝંખું છું.’…

બાઉલ ગીતો સાંભળીને આપણામાં તીવ્ર તલસાટની લાગણી ઉદ્દીપ્ત થઈ જાય એવી તાકાત તો એ ગીતોમાં અવશ્ય જ છે. બાઉલો એ આદેશ – ઉપદેશના વૈતાલિકો છે કે ‘માનવશરીર સર્વ સત્યોનું નિવાસસ્થાન છે અને જીવનમાં સદ્‌ગુરુની પરમ આવશ્યકતા છે.

વધુ એકવાર બાઉલોના એક સુવિખ્યાત ગીતની કડીનો ગુજરાતી અનુવાદ એના ઉદાહરણ રૂપે જોઈએ :

‘ઓ મારા પ્રિયતમ! પ્રેમલીલામાં તને મળવાની મારી ઝંખના છે, પણ એ કંઈ ફક્ત મારી એકલીની જ ઝંખના નથી, એ તો તારી યે છે! કારણ કે તારા હોઠો ઉપરનું હાસ્ય અને તારી બંસીનું સંગીત જ તારા આનંદમાં અને મારા પ્રેમમાં ભરપૂર ભર્યાં છે! એટલે જ તો મારો તલસાટ એ તારો પણ તલસાટ છે.’

બાઉલ ગીતોમાં શાસ્ત્રીય રાગરાગિણીઓની કશી સજાવટ હોતી નથી છતાં પણ એ ગીતોમાં બે રાગો પ્રચલિત છે : (૧) રાગ દૈન્ય અને (૨) રાગ પ્રવર્ત. બધાં બાઉલ ગીતો આ બે રાગોમાં જ બંધાયેલાં છે સામાન્ય રીતે બાઉલ ગીતોના બે સ્વરલયો હોય છે : (૧) ગીતના પૂર્વાર્ધનો અને (૨) ગીતના ઉત્તરાર્ધનો. જ્યારે ગીતનો અંત આવે છે, ત્યારે એનું જલ્દી ઉચ્ચ સ્વરે પુનરાવર્તન કરવામાં આવે છે. ગીતનો પહેલો ઉપાડ- પૂર્વાર્ધ ખૂબ મહત્ત્વનો ગણાય છે. એને ‘ધૂય’ ‘મુચ’ કે ‘મોહાડા’ નામ અપાયું છે. ઉચ્ચ સ્વરે ગવાતાં એ ગીતોનો પહેલો ભાગ દરેક બીજા ભાગ પછી બેવડાય છે. બાઉલ ગીતોમાં સામાન્ય રીતે દરેક ગીતકડી પછી ધ્રુવપદ આવે છે. ગ્રામ પંચાલીમાં વ્યવસ્થાપિત ગીતોમાં સામાન્ય રીતે નૃત્ય સામેલ હોય છે. પણ અખાડામાં આયોજિત ગીતોમાં એવું હોતું નથી. કેટલાંક ગીતો ચડતા અને ઊતરતા બંને લયોમાં છે. ગીતોના તાલોમાં સામાન્ય રીતે દાદરા, કહેરવા, એકતાલ, ઝૂમરા અને ઝપતાલ હોય છે. સમૂહગીતો, અને એકગાન બંને પ્રકારો પણ જોવા મળે છે.

બાઉલ ગાયકો શરૂઆતથી જ સંગીત સાથેનાં ઉપકરણોની આળપંપાળથી દૂર રહ્યા છે. એમનાં ગાનમાં કોઈ શિષ્ટ ઉપકરણ હોતું નથી. બાઉલોએ પોત પોતાનાં સીધાં – સાદાં ઉપકરણો બનાવી લીધાં છે. પોતાનો માત્ર એકતારો લઈને બાઉલ ગાય છે – સીધો સાદો બસ એકતારો! એકતારાના ગળૂંભી સૂરો એને આત્મા – પરમાત્માની એકતા સાધનારાં ગેબી ગુંજનો સંભળાવતાં રહે છે!, તૂંબડાંની સૂકી છાલમાંથી કોતરી ને તળિયે વાંસની સળીઓ રાખી બનાવેલ હુલ બીજું વાદ્ય છે, તબલાનું ટૂંકું સ્વરૂપ ‘ડુગી’ પણ એવું જ લોકવાદ્ય છે. આ ડુગી બાઉલો પોતાને ડોકે બાંધી ગાય છે – વગાડે છે ગુબગુબી અથવા આનંદલહરી પણ એમનું એક વાદ્ય છે. લાકડાને કોતરીને ઢોલક – નગારા – જેવું એ બનાવાય છે. ટૂંકમાં આવાં ડુગડુગી, દોતરા, સરીન્દા, ઢોલક, મંદિરા (ઝાંઝ), ખંજરી, રામયાકી, બંસી, ઢોલ, ખોલ વગેરે કેટલાંય વાદ્યો વપરાય છે. બને ત્યાં સુધી ઓછાં વપરાય છે.

આપણે શરૂઆતમાં કહ્યા પ્રમાણે બાઉલ ગીતોની અસર રવીન્દ્રનાથ ટાગોર પર સારા પ્રમાણમાં હતી. એના પ્રમાણરૂપે એમના બાઉલની અસરવાળા એક ગીતનું ગુજરાતી ભાષાંતર રસપ્રદ થશે. ગીતાનું શીર્ષક છે : ‘મારા હૈતનો માલિક મારી ભીતર વસી રહ્યો છે!’ આ રહ્યો અનુવાદ :

‘જ્યાં જ્યાં મારી નજર ફરે છે. ત્યાં ફકત એ જ દેખાય છે.
નજરે નજરે પ્રકાશે પ્રકાશે બસ એ જ, હું એને કદી છોડી શકું નહિ!
અત્ર – તત્ર – સર્વત્ર જ્યાં જ્યાં ફરું આગળ કે પાછળ!
ત્યાં ત્યાં બસ એ જ! એ જ. એ જ.’

રવીન્દ્રનાથના ઉદય પહેલાં બંગાળી પ્રજાના શિષ્ટ વર્ગમાં સામાન્ય રીતે આ બાઉલો રખડતા લઘરા ભિખારી તરીકે જ ગણાતા હતા ટાગોરે પોતાની યુવાવસ્થામાં લાલન ફકીરનો વ્યક્તિગત પરિચય મેળવ્યો. એમના રવીન્દ્ર સંગીતે, એમની કવિતાએ અને એમની ફિલસૂફીએ લાલનની જબરી અસર સ્પષ્ટ રીતે ઝીલી છે. એટલું જ નહિ પણ રવીન્દ્રનાથ પોતે બાઉલ આંદોલનમાં રસ લેવા લાગ્યા. તેમના ઓક્‌સફર્ડનાં હાર્બર્ટ પ્રવચનો દરમિયાન (ઈ.સ. ૧૯૩૦) (પાછળથી જે પ્રવચનો ‘The religion of man’માં સંગૃહીત થયું છે તેમાં) તેમણે આ અનાસક્ત રહસ્યવાદી બાઉલોનાં પેટ ભરીને ઉચ્ચ સ્વરે વખાણ કર્યાં છે. એમનો દૃષ્ટિકોણ એમને આકર્ષી ગયો છે.

વર્તમાન સમયમાં જોઈએ તો આ બાઉલો અકિંચન, રખડતા રામ, વગોવાયેલા હોવા છતાં પણ તેમણે બંગાળી સભ્યતા પર ભારે અસર કરી છે, એ અવશ્ય કહેવું જોઈએ. આ બાઉલોને યુનેસ્કોએ ઈ.સ. ૨૦૦૫માં, ‘માનવતાના મૌલિક અને અમૂર્ત વારસા’ તરીકે ગણીને એને માનવંતું સ્થાન આપ્યું છે. નવાનીદાસ બાઉલના પુત્ર પ્રેમદાસ બાઉલે આખા વિશ્વનો પ્રવાસ કરીને બાઉલોની વંશ પરંપરાગત કલાનો પરિચય જગતને કરાવ્યો છે. એણે કેટલાંય બાઉલ ગીતોને લખીને અને સ્વરાંકન કરીને ભારત, અમેરિકા, યુરોપ અને જાપાનમાં આલ્બમો બનાવ્યાં છે. ઈ.સ. ૧૯૬૭માં તે વખતના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદ દ્વારા પૂર્ણદાસ બાઉલને ‘ધ એમ્પરર ઓફ બાઉલ’નું પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. એટલું જ નહિ, એના જીવન ઉપરથી તો એક ફિલ્મ પણ ઉતારવામાં આવી છે.

દર વરસે, જાન્યુઆરીમાં પશ્ચિમ બંગાળમાં બીરભૂમ જિલ્લાના કેન્દુલી પાસે અજોય નદીને રહેણાંક કાંઠે એક મેળો ભરાય છે. એમાં આ ચાર દિવસો દરમિયાન તેઓ મહાકવિ જયદેવનાં જતનથી જાળવેલા વારસાને યાદ કરે છે. આ ઉપરાંત દર વરસે ફાગણ માસમાં પૂનમથી માંડીને ત્રણ દિવસ સુધીનો મેળો ક્રુશ્તિયાના ચઉરિયા ગામમાં આવેલ લાલન શાહના અખાડામાં પણ ભરાય છે. આ શુભ પ્રસંગોએ સાધુઓ પણ આવી મળે છે. આ અવસરોમાં ટ્રેનોમાં નાચતા કૂદતા અને નિષ્કારણ અહીં – તહીં દોડતા – રખડતા બાઉલો નજરે પડે છે. આ સમયે બાઉલોનું ચંચળ રૂપ જોવા મળે છે. લી લોઝોવીકના વડપણ હેઠળ પશ્ચિમમાં અને અમેરિકામાં પણ હવે આધ્યાત્મિકતાની ભૂમિ પર બાઉલોનું વિચિત્ર જૂથ દેખા દે છે. પણ પશ્ચિમના એ બાઉલો  ભારતના બાઉલો જેવા જ સિદ્ધાંત ધરાવતા હોવા છતાં પણ ઉપર આભ અને નીચે પર્વતાળ પ્રદેશમાં જીવન ગુજારતા રહીને ઉપદેશોને અનુસરતાં પોતાની સાધના પૂરી કરે છે :

‘આકાશનો આયનો મારા આત્માનું પ્રતિબિંબ પાડે છે.
અરે મારા આત્માના બાઉલ! અરે વિચરતા બાઉલ!
તને કોણે બાંધી રાખ્યો છે? કોણે તને ઓરડાને એક ખૂણે ગોંધી રાખ્યો છે?’

(જૂના વાંચેલા કોઈ લેખનાં મળેલાં ટાંચણને આધારે)

Total Views: 20

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.