કર્તવ્યપાલન : આધ્યાત્મિક જીવનનું ચરમબિંદુ

‘તરતાં રહો, ક્યારેય હાર ન સ્વીકારો, ક્યારેય સાહસ ન છોડો, કિનારે પહોંચીને વિજયી બનો.’ સંતોના આ ઉપદેશનું એક વૃદ્ધ માતાએ લગભગ અક્ષરશ: પાલન કર્યું. એક સમૃદ્ધ જીવન વીતાવીને પણ તેઓ ક્યારેય એમાં આસક્ત ન રહ્યાં. પોતાનો અંતકાળ આવતા તેઓ પોતાના પુત્રને બોલાવીને જીવનમાં શીખેલ બોધપાઠ કહેવા લાગ્યાં:

‘બાળપણમાં જ મેં સાંભળ્યું હતું કે પ્રભુનું સ્મરણ ન કરનાર મન અપવિત્ર બને છે. જે દિવસે ઈશ્વરને યાદ ન કરીએ તે દિવસ અશુભ બને છે. મેં બાળપણથી જ આ વાતને માની લીધી અને એ પ્રમાણે જીવવા લાગી. પરમાત્મા આપણા હૃદયમંદિરમાં બેસીને સદૈવ આપણાં કર્મોને જોતા રહે છે, એ બાળપણથી જ હું સમજી ગઈ હતી. એટલે જ મેં પોતાનાં કાર્યને સુવ્યવસ્થિત અને સુરીતિ સાથે કરવાનું શીખી લીધું. જ્યારે મને એમ કહેવામાં આવ્યું કે પતિ પરમેશ્વર છે ત્યારે મેં એમની છાયા બનીને રહેવાનો પ્રયાસ કર્યો. ક્યારેય એમને નાખુશ કરવાની વાત મારા મનમાં આવી નહિ. ક્યારેક ક્યારેક એમની આશા કે અપેક્ષાને અનુરૂપ ન ચાલી શકું તો એમની ક્ષમાયાચના પણ કરી લેતી. મેં આંસું સારતાં ભગવાનને આવી પ્રાર્થના કરી:

‘હે પ્રભુ! હું સાંસારિક ચીજવસ્તુઓની ઇચ્છામાં લોભાઉં નહિ, એવું કરજે. હું તમારાં નામજપમાં આનંદરસનું આસ્વાદન કરું એમ કરજો. મને એવી શ્રદ્ધા આપો કે તમારી આ દુનિયાના બધા લોકો તમારા જ પ્રતિનિધિ છે. મને એટલી શક્તિ આપો કે હું પૂર્ણ ધૈર્ય સાથે કોઈ પણ પ્રકારનાં દુ:ખ કે અપમાનને સહન કરી શકું.’ હું ઈશ્વરને આવી પ્રાર્થના કર્યા કરતી. મને દૃઢ શ્રદ્ધા હતી કે બાળકો તો ભગવાનની ભેટ છે અને એમની જરૂરતો પૂરી કરતાં હું મનમાં ને મનમાં આવું વિચારતી રહેતી –

પ્રભુ મને જોઈ રહ્યા છે. મારે બાળકોની સારસંભાળ લેવાની છે અને પતિને ખુશ પણ રાખવાના છે. આ વિશ્વાસ સાથે હું પોતાનાં કર્તવ્યોનું પાલન કરતી રહેતી. બાળકોનાં કલરવ, ઘોંઘાટ તથા એમની ચંચળતા મારા પતિદેવથી સહન ન થતાં. ભગવાન આ દ્વારા પણ મારી પરીક્ષા લઈ રહ્યો છે, એવી મારી દૃઢ શ્રદ્ધા હતી. જ્યારે મને એક એવી પુત્રવધૂ મળી કે જે અમારી જીવનશૈલી સાથે સુમેળ સાધી શકતી ન હતી. એકવાર આંસુંભરી આંખે પ્રભુને પ્રાર્થના કરી. ભગવાને કયો સંદેશ આપ્યો એ તને ખબર છે :

‘પુત્રી ધૈર્ય રાખ. જો સર્વકંઈ તમારી ઇચ્છાને અનુકૂળ થતું રહે તો તું આ માયામય સંસારમાં વધારે ને વધારે ફસાતી જઈશ. હવે તારે જગદંબાનાં દર્શન માટે તૈયારી કરવી જોઈએ. ભાગ્યે જ તારી પુત્રવધૂને આવી પ્રવૃત્તિ દીધી છે કે જેથી તું મોહમાર્ગથી દૂર રહી શકે અને તારું ધૈર્ય પ્રબળ બને.’

ત્યારથી મને પોતાના પૌત્રોની દેખભાળ કરવાનું કામ મળી ગયું. જેમ સોની સોનાને ભઠ્ઠીમાં નાખીને તેનું શોધન કરે છે, તેવી રીતે ભગવાન પણ મારી આકરી કસોટી દ્વારા આવું શોધન કરે છે, આવું વિચારીને મેં મારી જાતને સાંત્વના આપી. હું મારા પૌત્રોની દેખભાળ કરવા લાગી અને દિવસરાત એના પર જાગતી નજર પણ રાખતી. મારા આ કાર્ય માટે મને કોઈ પ્રશંસા ન મળી, પણ જેવું મને લાગ્યું કે આ સંસાર મને લોભાવે છે ત્યારે મેં મારી પ્રાર્થનાની તીવ્રતા વધારી દીધી.

વત્સ! હવે હું બધું છોડીને જવા તૈયાર છું. આ દુનિયામાં કોઈ અમર નથી. હું અભણ છું, ભણીગણી નથી, મેં કોઈ પરીક્ષા પાસ કરી નથી. આમ છતાં પણ મને એવો અનુભવ થાય છે કે મારું જીવન ઉન્નત થઈ ગયું છે. એનું કારણ એ છે કે હું મારા પતિ પ્રત્યે પૂર્ણ નિષ્ઠાવાળી હતી. ભગવાન પ્રત્યે અમાપ શ્રદ્ધા રાખતી અને મારા વડીલોની આજ્ઞા પાળતી. પોતાના જીવનનાં દુ:ખકષ્ટોને ભગવાન દ્વારા લેવાતી પરીક્ષા રૂપે સ્વીકારી લો, એમને સહન કરો અને ભગવાન સમક્ષ આંસુંવાળી આંખે નિરંતર પ્રાર્થના કરતા રહો. આનાથી તમને ચોક્કસ ચિરંતન સુખ અને આનંદ પ્રાપ્ત થશે. વત્સ, તમે પણ પોતાના જીવનમાં આ જીવનપથને અપનાવો, એમ હું ઇચ્છું છું.

બાળકોમાં ઈશ્વરનું દર્શન કરતાં કરતાં એમની સેવા કરવી, એ પણ એક પ્રકારની ઉપાસના છે. ભગવાનના રાજ્યમાં વિનમ્રતા, સેવાભાવ અને ધૈર્યને અમૂલ્ય ગણવામાં આવ્યાં છે. પરંતુ આપણે સૌ આપણા જીવનમાં ખરેખર આ બધા ગુણ વિકસિત કરીએ છીએ ખરા! ઈશ્વર વિશેની વાત પુરાણકથા જેવી છે. વિષયભોગ જ જીવનનું સર્વસ્વ છે અને સ્વાર્થસિદ્ધિ જ જીવનનું પરમ લક્ષ્ય છે. આવા વિચાર કરનારા લોકોએ જે સમાજ કે સરકારની રચના કરી છે, એને આધ્યાત્મિક જીવનના મહત્ત્વનું જરાય જ્ઞાન થઈ ન શકે. રાષ્ટ્રના સંરક્ષણ માટે સરકાર કરોડો રૂપિયા વાપરે છે. એની સાથે લોકોમાં ઘૃણા, ભય કે ઈર્ષ્યાનું બીજારોપણ ન થાય તેમજ પરસ્પરના પ્રેમ અને સૌહાર્દ્રની ભાવના વધે એવાં કામ કે ઉપાય યોજાય તો દેશનું અને પ્રજાનું ઘણું મોટું કલ્યાણ થઈ શકે. આ એક અત્યંત રચનાત્મક યોજના બની શકે. ક્રોધ અને ઈર્ષ્યારૂપી વિષનો નાશ કરવામાં આ એક મોટું પ્રબળ હથિયાર બની શકે.

એક પવિત્ર સ્મૃતિ

ભારતની આ પુણ્યભૂમિમાં માતૃત્વના આદર્શનું અનુસરણ કરનાર અને ચંદનની જેમ ત્યાગ અને સેવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર અસંખ્ય નારીઓ છે. સંતાનને જન્મ આપવાથી જ કોઈ સ્ત્રી આદર્શમાતા બની જતી નથી. આધ્યાત્મિક પૃષ્ઠભૂમિમાં જ એનાં માતૃત્વનો સાચો વિકાસ થાય છે. નિ:સ્વાર્થભાવનાના શિખર પર આરોહણ કરનાર આવા મહાન લોકો સત્યના શોધકો માટે ચિર પ્રેરણાનું સ્રોત બની રહે છે. સુપ્રસિદ્ધ વિદ્વાન લેખક શ્રી ડી.વી. ગુંડપ્પાએ કન્નડમાં ‘ભગવદ્‌ ગીતા તાત્પર્ય’ નામનો લોકપ્રિય ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથ એમણે એક મહિલાને નામે સમર્પિત કર્યો છે. ઉપર્યુક્ત પુસ્તકમાં એ નારીના જીવનના માધ્યમથી જ ગીતાના સંદેશને ઘણી સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે. ચાલો આપણે એ વાત લેખકના પોતાના જ શબ્દોમાં સાંભળીએ :

આ ગ્રંથ મારી નાની બહેન લક્ષ્મીદેવમ્માને અર્પણ કરું છું. એમણે શાંતભાવે બાલવૈધવ્યને ભાગ્યના એક અટલ વિધાન રૂપે સ્વીકારી લીધું. એમણે ભગવદ્‌ ભક્તિના સહારે આધ્યાત્મિક જીવન વીતાવ્યું અને વૃદ્ધો તેમજ અપંગોની સેવા, અનાથ લોકોની સારસંભાળ તથા ગરીબોને સહાય કરીને પોતાના જીવનની બધી મુસિબતો પર વિજય પ્રાપ્ત કર્યો. તેઓ અમારા માટે એક પવિત્ર સ્મૃતિ મૂકી ગયાં છે.

આપણા દેશમાં ‘ત્યાગ અને સેવા’ કોઈના પર પરાણે લાદવા જેવા ગુણો નથી. એ ગુણો તો સમર્પણની ભાવના સાથે સ્વેચ્છાપૂર્વક સ્વીકારેલ ઉચ્ચ આદર્શની સાધના છે. ભગવાનમાં અટલ વિશ્વાસ તેમજ મક્કમ મનના સમર્પણભાવ વિના આવા આદર્શનું અનુસરણ સંભવ નથી.

ઈશ્વરના અસ્તિત્વનું ભંજન કરનારા જ્ઞાન, બુદ્ધિ તથા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને સૂચક માનનારા આજના કહેવાતા ભણેલાગણેલા લોકો શું ક્યારેય પોતાના જીવનમાં આવા આદર્શની મહાનતા સમજી શકશે ખરા? શું આ બધા લોકો એમાં રસરુચિ દાખવશે ખરા? તેઓ ભલે ઈશ્વરના અસ્તિત્વ પર શ્રદ્ધાવિશ્વાસ ન રાખે, એમને આવા વિચાર પસંદ પણ ન આવે, પણ એમણે એટલું સમજવું જોઈએ કે સત્ય સદૈવ સત્ય જ રહેશે. આપણે પોતાની મનમાની કે રુચિ અનુસાર એમને બદલી શકતા નથી.

આ દેશના ઋષિમુનિઓને આ અનુભૂતિ થઈ હતી કે ઈશ્વર કે આ વિશ્વની આદિશક્તિને અસંખ્ય પથે ચાલીને મેળવી શકાય. એમણે જગતમાં આ મહાન સત્યનો પ્રચાર કર્યો હતો. આપણા આ યુગમાં પણ શ્રીરામકૃષ્ણદેવે આ આદર્શનું અનુસરણ કરીને પરમાત્માની અનુભૂતિ કરી હતી. પોતાના શિષ્યોને માર્ગદર્શન પણ આપ્યું અને આધ્યાત્મિક જીવનના સત્યને પુન: સ્થાપિત કર્યું.

શ્રીરામકૃષ્ણે કહ્યું હતું: ‘ઈશ્વરની ઉપાસના પિતાને રૂપે કરી શકાય છે, ઈશ્વરની ઉપાસના માતાના રૂપે પણ કરી શકાય છે. માતાના રૂપે ઈશ્વરની ઉપાસના કરીને આપણે ઝડપથી ભક્તિ પ્રાપ્તિ કરી શકીએ છીએ. સખ્ય કે દાસ્યભાવથી ઈશ્વરની ઉપાસના કરીને પણ આધ્યાત્મિક ઉન્નતિ કરી શકાય છે.’ એમણે કહ્યું હતું: ‘જેટલા મત એટલા પથ – ભિન્ન ભિન્ન સ્વભાવના લોકો માટે ઈશ્વરપ્રાપ્તિના ભિન્ન ભિન્ન પથ છે. પરંતુ ઈશ્વરનાં ચરણોમાં પહોંચવા માટે માતૃભાવ કે માતૃરૂપે ઈશ્વરની ઉપાસના જ સરળતમ અને શીઘ્રતમ પથ છે.’

ઈશ્વરને માતા સમજવા અને બધા મનુષ્યોમાં મા જગદંબાનાં જ દર્શન કરવા એ બધી આધ્યાત્મિક સાધનાઓનું લક્ષ્ય છે. શ્રીરામકૃષ્ણદેવે પોતાનાં ઉપદેશો તથા આચરણ દ્વારા એ સિદ્ધ કરી બતાવ્યું છે કે માતૃત્વમાં ઈશ્વરની ધારણા દૃઢ બની જાય પછી મનુષ્ય સહજભાવે પોતાની બધી સીમાઓ પાર કરીને શીઘ્રાતિશીઘ્ર દિવ્યતાની પ્રાપ્તિ કરી શકે છે.

સંસાર ઊંહકારા નાખે છે!

ભારતની વર્તમાન દુરવસ્થાને માટે લોકતાંત્રિક શાસન પ્રણાલી પણ જવાબદાર છે. લોકતંત્ર એ કોઈ સાવ નિષ્કલંક શાસન પ્રણાલી નથી. આજનો દરેકેદરેક શિક્ષિત માણસ એ સમજી ગયો છે કે નાગરિક જીવનની સુયોગ્ય તાલીમ તેમજ તૈયારીના અભાવને લીધે ભારતનું લોકતંત્ર વિકૃત બન્યું છે અને એ પોતાનું અત્યંત ઘૃણાજનક રૂપ પ્રગટ કરી રહ્યું છે. ‘એક વ્યક્તિ એક વોટ’ના નારામાં માનવની સમતાનો સિદ્ધાંત અને એ સિદ્ધાંતમાં શ્રદ્ધા વ્યક્ત થાય છે. બધાને સમાન તક મળવી જોઈએ, એ ખરેખર સાવ ઉચિત છે. પરંતુ એને વ્યવહારમાં કેવી રીતે લાવવું! કેટલાક પ્રાચીન ચિંતકોએ બતાવ્યું છે કે ‘સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા’ – ફ્રાંસની ક્રાંતિનો આ નારો વ્યવહારમાં કેટલો બધો વિકૃત બની ગયો છે. અને એ લોકો માટે સ્વતંત્રતાનો આવો અર્થ થઈ ગયો છે – ‘સ્વેચ્છાચારની સ્વાધીનતા’. સમાનતાનો અર્થ છે, ‘મારાથી સારો કોઈ નહિ’. બંધુત્વના ભાવનું તાત્પર્ય બની ગયું છે – ‘જરૂર પડે તો આપની ચીજવસ્તુ કે મિલકત પણ મારી – મારું તો મારા બાપનું પણ તમારુંયે મારા બાપનું!’

આર્થિક સમાનતા અને કાનૂની સમાનતા તો લોકો પર બળપૂર્વક લાગુ કરી શકાય છે. આમ છતાં પણ બુદ્ધિ, મનોબળ, સમજદારી, વિચારોની મૌલિકતા, નિર્ણયશક્તિ અને નૈતિક સત્યનિષ્ઠાની બાબતમાં પણ શું ખરેખર લોકોની વચ્ચે સાચી સમાનતા છે ખરી? સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો આ સંસારમાં પોતાની જાતને સાચા સજ્જનને રૂપે પ્રસ્તુત કરનારા મોટા ભાગના લોકો પોતાના અશાંત મનને સંયમનિયમમાં લાવવા અસમર્થ છે. ઈંદ્રિય સુખભોગોમાં આસક્ત બનીને નિમ્નકક્ષાના લોકો દરેક પ્રકારના સુખને પોતાની પાશવિક સંસ્કૃતિના સ્તર સુધી નીચે ઊતારી દે છે. જાહેર પ્રચાર-પ્રસારના લોકો, સીનેમાના નિર્માતાઓ, લેખકો, નાટક તથા ફિલ્મોના અભિનેતા, હોટેલના માલિક વગેરે સત્ય, ન્યાય તેમજ શિષ્ટાચારના બધા સિદ્ધાંતોને નેવે મૂકીને લોકો પાસેથી ધન કમાઈ લેવાનો જ પ્રયાસ કરે છે. સત્તા લોલુપ રાજનેતા મત મેળવવા લોકોના તાલે નાચે પણ છે. સત્તા પર બેઠેલ અને વિપક્ષના લોકો પોતાને અનુસાર ન ચાલનારા લોકોની વિરુદ્ધ દરેક પ્રકારનો નીચામાં નીચી કક્ષાનો દુષ્પ્રચાર પણ કરે છે. રાજનીતિજ્ઞો એક બીજા પર કાદવ-કીચડ ઉછાળતા રહે છે. પોતે સદ્‌ભાવ કે સદ્‌વિચાર વિનાના બનીને લોકોની સદ્‌ભાવના અને સદ્‌વિચારોને નષ્ટ કરે છે. આને લીધે વ્યક્તિનું ચારિત્ર્યઘડતર અને સમગ્ર સમાજના કલ્યાણનો વિચાર કરનાર નિ:સ્વાર્થ અને સમાજના મહાન લોકોનો સમયનો સાદ અરણ્યરુદન બની જાય છે. ગીતામાં કામક્રોધ અને લોભને નરકનાં દ્વાર કહ્યાં છે. પોતાના ધર્મવિરોધી વિચારોની સાથે આજનું ભૌતિકવાદી દર્શન આ માઠી પ્રવૃત્તિઓને ઉશ્કેરે છે. આઈન્સ્ટાઈનના આ શબ્દો યાદ રાખવા જેવા છે: ‘વિજ્ઞાન પ્લુટોનિયમને તો શુદ્ધ કરી શકે છે, પણ માનવ હૃદયની દુષ્ટતાને નહિ.’

Total Views: 23

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.