આ દર્શન પછી લગભગ દોઢ વર્ષે ભૈરવી બ્રાહ્મણી દક્ષિણેશ્વર આવ્યાં. એક દહાડો, વાતચીત કરતાં, પોતાનાં આ દર્શનની વાત ઠાકુરે એમને કરી. એમણે જવાબ આપ્યો કે : ‘બેટા, તારું દર્શન સાચું હતું. આ વેળા શ્રીચૈતન્ય નિત્યાનંદના દેહમાં પ્રગટ થયા છે. શ્રીચૈતન્ય અને નિત્યાનંદ બેઉ પ્રગટીને તારામાં વસી રહ્યા છે. એટલે તને એ દર્શન થયું હતું.’ પાછળથી હૃદયે આ વાત કરી ત્યારે, ચૈતન્ય ભાગવતમાંથી ભૈરવીએ ગાયેલા એ શ્લોકોની વાત એણે કરી હતી : ‘પોતાના હાથ અદ્વૈતાચાર્યના ગળામાં ભરાવી શ્રી ચૈતન્ય મહાપ્રભુ પુન: પુન: કહેવા  લાગ્યા કે, ‘મારી દિવ્ય લીલા હું ફરીવાર ખેલીશ. કીર્તન દરમિયાન આનંદરૂપે મારું સ્વરૂપ પ્રગટ થશે.’ ગૌર (શ્રીચૈતન્યનું બીજું એક નામ) પોતાની દિવ્યલીલા હજુ ખેલી રહ્યા છે; થોડા ભાગ્યવંતો જ એ જોઈ શકે છે.’

રામચંદ્ર દત્ત ઠાકુરને મળ્યા તે પછી તરત તેમણે શ્રીશ્રી ચૈતન્ય ચરિતામૃત વાંચવું શરૂ કર્યું. એ પુસ્તક બંગાળીમાં લખાયેલું શ્રી ચૈતન્યનું જીવનચરિત્ર છે. એ ઈશ્વરમસ્ત જીવનકથા રામ જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ, શ્રીરામકૃષ્ણ અને શ્રીચૈતન્ય એક જ છે તેમ તેમને લાગવા મંડ્યું. પણ કોઈ વેળા એમને શંકા ઊઠતી. ઠાકુરની વિનંતીથી એકવાર રામ દક્ષિણેશ્વરમાં રાત રોકાયા. ઠાકુર સાથે તેઓ એકલા હતા ત્યારે, તેમની ભણી તેઓ અચરજપૂર્વક જોવા લાગ્યા.

‘તમે શેના સામું જુઓ છો?’ ઠાકુરે પૂછ્યું.

‘આપની સામે.’

‘મારે વિશે તમે શું ધારો છો?’

‘હું આપને ચૈતન્ય માનું છું.’

થોડી ક્ષણ માટે ઠાકુર મૂંગા થઈ ગયા. પછી બોલ્યા: ‘વારુ, ભૈરવી બ્રાહ્મણી પણ એ જ કહેતી હતી.’

બીજે પ્રસંગે રામને ઠાકુરે પૂછ્યું કે : ‘તમારે શું જોઈએ છે?’ લાગણીના આવેશમાં આવી જઈ રામે ઉત્તર આપ્યો કે, ‘પ્રભુ, શું માગવું તે હું જાણતો નથી. આપ જ નિર્ણય કરો.’ ‘તમને સ્વપ્નમાં મેં આપેલો મંત્ર મને પાછો આપો’, કહી ઠાકુર સમાધિસ્થ થઈ ગયા. તરત જ રામે ઠાકુરને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ઠાકુરને ચરણે ફૂલની માફક,  એણે માનસિક રીતે મંત્ર ધર્યો. ધીમે ધીમે ઠાકુર સ્વસ્થ થયા.

ઠાકુરે રામને કહ્યું કે, ‘કંઈ પણ જોવાની તમને ઇચ્છા હોય તો, તમે મારી સામે જુઓ.’ રામે તેમ કર્યું તો, ઠાકુરે પોતાના ઈષ્ટનું રૂપ ધારણ કર્યું  છે એમ તેમને દેખાયું. પછી ઠાકુરે રામને કહ્યું કે : ‘તમારે હવે સાધના કરવાની જરૂર નથી. અવારનવાર અહીં આવો અને માત્ર મને જુઓ અને આવો ત્યારે એક પૈસાની કિંમતનું કશુંક ધરવા માટે લેતા આવવું.’

એક દિવસ, ઉત્સાહી રામે, મહાન ભક્ત ગિરીશ ઘોષ પાસે પોતાની માન્યતા પ્રગટ કરી : ‘ભાઈ ગિરીશ, તમે જાણો છો કે આ વેળા શ્રીચૈતન્ય, નિત્યાનંદ અને અદ્વૈત, એ ત્રણેનો ત્રિવેણી સંગમ ઠાકુરમાં થયો છે. આ અવતારમાં પ્રેમ, ભક્તિ અને જ્ઞાન સમાન રીતે પ્રગટ થયાં છે.’

મનમોહન મિત્રનાં મા શ્યામાસુંદરીએ ઠાકુર વિશે કહ્યું હતું કે : ‘ઠાકુર કંઈ સાધુ કે મહાત્મા નથી; તેઓ સાક્ષાત્‌ ઈશ્વર છે. નવદ્વીપમાં તેઓ ચૈતન્ય રૂપે જન્મ્યા હતા અને, આજે એ જ મહાપ્રભુ દક્ષિણેશ્વરના મંદિરમાં રામકૃષ્ણરૂપે વસી પોતાની દિવ્યલીલા વડે આત્માઓનો ઉદ્ધાર કરી રહ્યા છે.’

સ્વામી શારદાનંદે લખ્યું છે કે :

નરેન્દ્ર અમને એક સાંજે કોર્નવોલિશ સ્કવેર (આજના આઝાદ હિંદ ચોક)માં ફરવા લઈ ગયા હતા. ઠાકુરની કૃપાથી પોતાને થયેલી દિવ્ય અનુભૂતિઓની વાત એમણે અમને રસ્તે જતાં કહી. થોડીવાર માટે એ પોતાની જાતમાં ખોવાઈ ગયા અને પછી અંતરના આનંદને પોતાના દિવ્ય સ્વરે વર્ણવવા લાગ્યા :

પ્રેમામૃત પીરસે છે ગોરા* રાય;
કોઠી પછી કોઠી એ ઢોળતા જાય,
ને છતાંય એનો અંત ન આવે!
મીઠડા નીતાઈ ** સૌને બોલાવે;
આજ્ઞા કરી પ્રિય ગોરા બોલાવે;
શાંતિપુર*** છે લગભગ ડૂબ્યું
ને નદિયા છે પ્રેમમાં ડૂબ્યું!

——————————————

* ગૌરાંગ એ શ્રીચૈતન્યનું હુલામણું નામ.

** ચૈતન્યનો પટ્ટશિષ્ય.

*** શાંતિપુર અને નદિયા ચૈતન્યના જીવન સાથે સંકળાયેલાં સ્થાનો.

ગીત ગાઈ લીધા પછી નરેન્દ્ર મંદ સ્વરે સ્વગત બોલવા લાગ્યા : ‘ઠાકુર ખરે જ પ્રેમ પીરસી રહ્યા છે. પ્રેમ, ભક્તિ, જ્ઞાન, મુક્તિ અને આપણે જે માગીએ તે – પોતાની ઇચ્છા મુજબ ગોરા (શ્રીરામકૃષ્ણ) આપણી ઉપર વરસાવી રહ્યા છે. કેવી અદ્‌ભુત શક્તિ !

થોડીવાર મૂંગા રહ્યા પછી તેઓ આગળ બોલ્યા : ‘એકવાર બારણું વાસીને હું મારી પથારીમાં સૂતો હતો. અચાનક એમણે મને આકર્ષ્યો – ખરેખર તો આ દેહમાં વસતા આત્માને આકર્ષ્યો – અને મને દક્ષિણેશ્વર ખેંચી લીધો. મારી સાથે એમણે વિવિધ વિષયોની વાત કરી. મને સલાહ આપી અને અંતે મને પાછો ઘેર જવા દીધો. એ ગમે તે કરી શકે છે – દક્ષિણેશ્વરના આ ગોરા ધારે તે કરી શકે છે.’

સ્વામી વિવેકાનંદને ઠાકુરે એકવાર કહ્યું કે, ‘નદિયાના ગૌરાંગ વિશે તેં કશું સાંભળ્યું નથી? હું એ ગૌરાંગ છું.’ સંગીતકાર નીલકંઠે ઠાકુરમાં ગૌરાંગ નિહાળ્યા હતા.

શ્રી રામકૃષ્ણ કથામૃતમાં એ દૃશ્યને મ.એ વર્ણવ્યું છે : ઠાકુરે નીલકંઠને કહ્યું કે : ‘તમારું કોલકાતામાં સાંભળ્યું હતું તે ગીત મારે સાંભળવું છે.’

મ. : ‘શ્રી ગૌરાંગ વિશેનું?’ ઠાકુર : ‘હા, હા!’

નીલકંઠે ગીત ગાયું, ‘સુંદર ગૌરાંગ, યુવા નર્તક, તપ્ત કાંચન કાય.’ ‘પ્રેમના પૂરમાં બધું તણાયે જાય.’ એ પંક્તિ ઠાકુરે ફરી ફરી ગાઈ અને નીલકંઠ તથા બીજા ભક્તો સાથે તેઓ નાચ્યા. એ અવર્ણનીય નૃત્ય જોનાર એને કદી ભૂલવાના ન હતા. દિવ્યાનંદમાં મસ્ત લોકોથી ઓરડો ભરેલો હતો. પોતાના સાથીઓ સાથે ચૈતન્ય નૃત્ય કરતા હોય એમ લાગતું હતું.

ઠાકુરે બીજી વાર ગાયું, આ વેળા ગૌરાંગ – નિત્યાનંદ વિશે :

‘જુઓ, જુઓ બે ભાઈ આવ્યા છે, હરિનામ લેતાં જે આંસુ સારે છે…’

નીલકંઠની અને બીજા ભક્તોની સાથે તેઓ ખૂબ નાચ્યા અને ગીતની પંક્તિમાં ફેરફાર કરતા રહ્યા :

‘જુઓ, જુઓ બે ભાઈ આવ્યા છે,એ રાધાના પ્રેમમાં મસ્ત છે.’

મોટે અવાજે ગવાતા સંગીતને સાંભળીને ઓરડા પાસે અનેક લોકો એકઠા થઈ ગયા. ઠાકુરે મા કાલીને પ્રણામ કર્યા અને કહ્યું :

‘ભાગવત – ભક્ત – ભગવાન. જ્ઞાનીઓને મારા પ્રણામ, યોગીઓને મારા પ્રણામ, ભક્તોને મારા પ્રણામ.’

નીલકંઠ અને બીજા ભક્તો સાથે ઠાકુર અર્ધગોળ ઓસરીમાં બેઠા હતા. પાનખરનો ચંદ્ર બધાં નિવાસોને પ્રકાશિત કરી રહ્યો હતો. શ્રીરામકૃષ્ણ અને નીલકંઠ વાતો કરતા હતા.

નીલકંઠ : ‘ગૌરાંગ સિવાય આપ બીજું કોઈ નથી.’

ઠાકુર : તમારે આમ શા માટે કહેવું જોઈએ? હું તો સૌના દાસનો દાસ છું.’

(ક્રમશ:)

Total Views: 26

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.