‘અર્વાચીન ભારતના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા’ આ પુસ્તક શિક્ષકોએ વારંવાર વાંચવા જેવું છે.

આ પુસ્તક છે માત્ર ૩૨ પાનાંનું પણ હાલના સમયનું ખૂબ પ્રસ્તુત દર્શન તેમાં સમાયું છે. સ્વામી વિવેકાનંદે સ્થાપેલ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલાં પ્રવચનોનો અનુવાદ આ પુસ્તકમાં છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તરફથી આ પુસ્તકનું પ્રકાશન થતાં એક ઉમદા કાર્ય થયું છે.

શિક્ષણમાં વહીવટી વ્યવસ્થાપનના વધતા જતા મહત્ત્વની વચ્ચે રાષ્ટ્ર શું ઝંખે છે તેની સચોટ વાત સ્વામીજીએ આ પુસ્તકમાં કહી દીધી છે.

પ્રારંભમાં તેમણે ગંભીર પ્રશ્ન મૂક્યો છે કે ભારતે સ્વતંત્રતા મેળવ્યા પછી શું? ગરીબાઈ, પછાતપણું, નિરક્ષરતા, કોમવાદી વફાદારી આ સમસ્યાઓનાં પરિપ્રેક્ષ્યમાં શિક્ષકોની જવાબદારી શું છે તેની વિશદ સમજણ સ્વામીજીએ નાગરિકતાના પરિમાણમાં આપી છે. આપણાં બાળકોનાં મન ખૂબ ગ્રહણપટુ હોય છે. તેની કક્ષાએ જઈ તેમના જીવનઘડતરમાં રાષ્ટ્રભાવના રેડવામાં શિક્ષકોની જવાબદારી વધે છે.

સ્વામીજીએ આ જવાબદારી નિભાવવા માટે અભિગમ બદલવાની આવશ્યકતા જણાવી છે. તેઓ કહે છે ‘કોઈ જ કામ નાનું કે મોટું નથી.’ આપણો અભિગમ એને તેવું બનાવે છે…

– શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવતાં ભણાવતાં પ્રેરણા પણ આપતા હોય છે તેથી જ ચારિત્ર્યનિર્માણ થતું હોય છે.

– વ્યક્તિ તરીકે તમે જનીનમર્યાદિત અસ્તિત્વ છો, .. પણ જેવા તમે વિકસિત વ્યક્તિ બનો છો તેવા તમે વિકાસ પામો છો, બીજાઓના જીવનમાં પ્રવેશવા.. સમર્થ બનો છો.

માનવ સંશાધન વિકાસના સંદર્ભે આપણા રાષ્ટ્રિય આદર્શો ત્યાગ અને સેવા છે એમ સમજાવતાં સ્વામીજીએ આપેલું તંત્રસુશાસનનું દૃષ્ટાંત વાંચવા જેવું છે, એમ અત્રે લખવું પડે છે. આ રહ્યું એ દૃષ્ટાંત.

રામકૃષ્ણ મિશન ઇન્સ્સ્ટ્યિૂટ ઓફ કલ્ચરમાં એક આંતરરાષ્ટ્રિય સદન છે, જેમાં મેનેજર તરીકે એક ડચ મહિલા હતાં પણ તેઓ બ્રિટિશ નાગરિક હતાં.

એક દિવસ ખૂબ આનંદતિ થઈને મારી પાસે આવ્યાં અને કહેવા લાગ્યાં: ‘સ્વામીજી, મને ઈંગ્લેન્ડથી પત્ર મળ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે વૃદ્ધત્વના પેન્શનની હું હક્કદાર છું અને તેની સાથે ચેક પણ છે. એ માટેના મારા હક્કની મને કશી ખબર જ ન હતી!’

હવે આનો અર્થ જરા સમજો. બ્રિટિશ સરકાર પાસેથી પોતાને શું મળવાપાત્ર છે એ વિશે એ બાનુ અજ્ઞાત હતી; પણ લંડન સ્થિત ઓફિસ પરિસ્થિતિનો બરાબર તાગ મેળવતી હતી અને દૂર દૂર ભારતમાં રહેતા પોતાના એક નાગરિકને એના માગ્યા વિના કે ઓફિસના ઉંબરા ઘસ્યા વિના એનો હિસ્સો સામેથી આપે છે!

પરસેવો પાડીને મેળવેલા પેન્શન માટે ભારતમાં તમારે ઓફિસના દરવાજા કેટલા ખખડાવા પડે છે! એ બતાવે છે કે આપણા શિક્ષણે માત્ર સ્વકેન્દ્રી વ્યક્તિઓના ઘાણ પછી ઘાણ જ કાઢ્યા કર્યા છે અને સામાજિક ઉત્તરદાયિત્વવાળી વ્યક્તિઓ બહુ થોડી છે.

ત્યાગ અને સેવાની આ ભાવનાનો વિકાસ, સાદા વ્યક્તિત્વમાંથી વિકસિત વ્યક્તિત્વનો આ વિકાસ શિક્ષણ સમક્ષ આજનું સૌથી અગત્યનું કાર્ય છે.

માનવીય અને વૈજ્ઞાનિક મિજાજ ધરાવતી પ્રજામાં સર્જનશીલતા-ગતિશીલતા કેળવવામાં શિક્ષકોની ભૂમિકા ખૂબ અગત્યની છે. પશુ અને માનવનો વિચારશક્તિને લીધે તફાવત પણ વિવેચક તરીકે સ્વામીજીએ તેમાં સ્પષ્ટપણે કર્યો છે.

બીજાં બધાં ક્ષેત્રે નિષ્ફળ નિવડીને અંતિમ આશરા રૂપે શિક્ષણસેવામાં જોડાયેલા હોય તેવા આપણા શિક્ષકો ન હોવા જોઈએ. જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનવિતરણને સમર્પિત હોય તે જ શિક્ષક બની શકે. પ્રેરણાનું પ્રત્યાયન શિક્ષકનાં વ્યક્તિત્વમાંથી પ્રગટે છે, તેમ કહી સ્વામીજી શિક્ષકની વિશિષ્ટ ભૂમિકા સમજાવે છે. તેઓનો એક અનુભવ અત્રે પ્રસ્તુત છે. એક પ્રવચનમાં મેં સ્વામી વિવેકાનંદનું એક વાક્ય ટાંક્યું હતું. ‘શિક્ષક તરીકે પાંચ વરસ કાર્ય કરનાર મૂર્ખ બને છે!’

તરત જ એક શિક્ષકે ઊભા થઈને કહ્યું, ‘વિવેકાનંદ અતિ ઉદાર છે, બે વરસ તો ઘણાં! અને બધા ખડખડાટ હસી પડ્યા. એનો અર્થ શો છે? આપણે પુરાણાં પુસ્તકોમાંથી પઢાવ્યે જઈએ છીએ, આપણે જરાય તાજા નથી. પછી આપણે સાચા શિક્ષકો કેવી રીતે બની શકીએ?

સારાં પુસ્તકોના વાચન દ્વારા શિક્ષકોએ પોતાના મગજને તરોતાજા રાખવું જોઈએ. દા.ત., ‘ભારતમાં આપેલાં ભાષણો’ અને ‘સ્વામી વિવેકાનંદના પત્રો’. સ્વામી વિવેકાનંદનાં અનેક પુસ્તકોમાંથી આ બે પુસ્તકો વાંચનાર શિક્ષક પ્રભાવક શિક્ષક બનશે.

આ બે પુસ્તકોએ અર્વાચીન ભારતમાં રાષ્ટ્રિય ચેતના જગાડી છે અને તેમણે દેશભક્તોના અનેક જૂથોને પ્રેરણા આપી છે.

પંડિત જવાહરલાલ નહેરુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, શ્રી અરવિંદ, ગાંધીજી – સૌએ એમાંથી પ્રેરણા લઈને ભારતને ચાહવાની અને તેની સેવા કરવાની પ્રેરણા મેળવ્યાનું સ્વીકાર્યું છે.

શિક્ષકો પોતાની (વિદ્યાર્થીરૂપી) નિપજને સચિવાલયોમાં, રાજકારણમાં, શિક્ષણમાં, બેંકોમાં, વીમા કંપનીઓમાં અને વ્યવસાયોમાં મોકલે છે. આ નીપજ અણઘડ, સ્વાર્થી અને રાષ્ટ્રિય જવાબદારીની ભાવનાવિહોણી હોય તો તે આપ સૌ શિક્ષકોને લીધે છે. એક સમગ્ર વર્ગ રૂપે તમે તમારા વિદ્યાર્થીઓને આરોગ્યપ્રદ વિચારોનું શિક્ષણ આપ્યું નથી.

માધ્યમિક શાળાઓના શિક્ષકો તરીકે તમે રાષ્ટ્રનાં તાજાં સંવેદનશીલ મન સાથે કામ પાડી રહ્યા છો. એ બધા મન ઉપર ઉચ્ચ માનવીય મૂલ્યોના સંસ્કારો પાડવાની જવાબદારી શિક્ષકની છે અને તમે એ જવાબદારી અદા કરો છો ત્યારે તમારું સ્થાન શોભે છે.

તમારી જાતને માત્ર નોકરિયાત ગણવાને બદલે ઉચ્ચ રાષ્ટ્રિય જવાબદારી અદા કરનાર નાગરિક તરીકે ગણો, એ મોટું પરિવર્તન છે.

સમાંતરે… તેઓએ ભારતના પ્રભાવને વણી લીધું છે અને કેળવણીને ચેતવણીના રૂપમાં પ્રગટ કરી મૂલ્યોને અપનાવવાની મુખ્ય જવાબદારી – ભૂમિકા જણાવી છે.

ટૂંકમાં નાનું છતાં મોટાં ગજાનું આ પુસ્તક પ્રત્યેક શિક્ષણજનના હાથમાં આવે તો સ્વપ્રશિક્ષણ માટે અંતર દૃષ્ટિનાં કમાડ ખૂલે અને સર્વત્ર અજવાળાં પથરાય તેમ છે એટલું જરૂર કહી શકાય.

Total Views: 31

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.