ગુપ્તયુગની કલાની આગવી વિશિષ્ટતા છે એની ભારતીયતા. વિભિન્ન કલાધામોનાં શિલ્પો અને આલેખનોનાં તેમજ અજન્તાનાં વિશ્વના નામાંકિત કલાવિવેચકોએ મુગ્ધભાવે અને મુક્તકંઠે વખાણ કર્યાં છે.

કલાકારીગીરીમાં પ્રાચીન ભારતની સર્જનપ્રતિભા ગુપ્તકાળમાં પૂર્ણકળાએ પાંગરી હતી. ગુપ્તયુગ કલાસ્થાપત્યનો સુવર્ણયુગ હતો. આ યુગની કલાનાં વિવિધ વહેણોની વિશિષ્ટ અને સ્પષ્ટ લાક્ષણિકતાઓ પારખવાનું કામ વધુ મુશ્કેલ છે.

ચિત્રકલા – આ યુગમાં ચિત્રકલાના વિકાસ અને વિશિષ્ટતાનાં કોઈ જ્વલંત દૃષ્ટાંતો જોવા મળતાં નથી. અજન્તાનાં ભીંતચિત્રોનું કાર્ય ગુપ્તકાળ પૂર્વે શરૂ થઈને કેટલીય સદીઓ સુધી ચાલ્યું હતું.

શિલ્પકલા – બીજી-ત્રીજી સદીથી મુસ્લિમ વિજય (બારમી સદી) સુધીનો લગભગ એક હજાર વર્ષનો સમય શિલ્પ અને સ્થાપત્યમાં અત્યંત સમૃદ્ધ હતો.

શિલ્પોમાં લય, સૌંદર્ય અને સ્વધર્મના ભાવો પ્રગટ કરવાની ક્ષમતા આવી હતી. શિલ્પકળા માનવીની એક પ્રવૃત્તિ પૂરતી સીમિત ન રહેતાં, ધર્મનું અવિભાજ્ય અંગ બની હતી.

હિંદુ ધર્મના પુનરુત્થાને પણ આ કાળની શિલ્પકલા પર પ્રત્યક્ષ અસર પાડી હતી. આ કાળમાં વૈષ્ણવ અને શૈવ દેવોનાં શિલ્પો વ્યાપક બન્યાં હતાં. ગુપ્તકાળમાં મોટા ભાગનાં હિંદુ શિલ્પોમાં શિવનું આલેખન છે. ગુપ્ત યુગમાં શુદ્ધ ધાર્મિક શિલ્પો ઉપરાંત કહેવાતાં અર્ધ-સંસારી અને સંસારી શિલ્પોના ક્ષેત્રોમાં પણ ચોક્કસ પ્રગતિ થઈ હતી.

ગાંધાર શૈલીનાં નિર્માલ્ય અનુકરણો છોડી દઈને શિલ્પકારોએ શુદ્ધ ભારતીય શૈલીમાં અનેકાનેક મૂર્તિઓ આ કાળમાં ઘડી હતી. શિલ્પમાં પણ સંગીતકલાનાં વિવિધ વાજિંત્રોનાં દર્શન થાય છે.

શિલ્પના નમૂનાઓમાં પ્રાંતીય વિવિધતા જોવા મળે છે. શિલ્પકળાના ક્ષેત્રમાં વધારે સમરૂપ પરંપરા વિકસવા લાગી હતી. આ યુગની મૂર્તિઓ આરસ, પથ્થર, સોનું, અન્ય ધાતુ, હાથીદાંત, માટી વગેરેમાંથી ઘડવામાં આવી હતી.

સારનાથ અને મથુરામાંથી પ્રાપ્ત થયેલ બુદ્ધની મૂર્તિઓ અને કરાંચીમાંથી મળેલી બ્રહ્માની મૂર્તિ ગુપ્તયુગના ઉત્તમ નમૂના છે.

ભોપાલથી 68 કિ.મી. દૂર ઈશાન ખૂણામાં એક પહાડી પર સુપ્રસિદ્ધ બૌદ્ધતીર્થ સાંચીનું તીર્થ આવેલું છે. સમ્રાટ અશોકે ઈ.સ.પૂર્વેની ત્રણ સદી પહેલાં આ કલાત્મક સ્તૂપોની રચના કરી હતી. આ તીર્થ વિશ્વપ્રસિદ્ધ અવન્તિ નગરીથી સાવ નજીક હતું અને અશોકનાં મહારાણીએ ત્યાં એક બૌદ્ધવિહાર બંધાવ્યો હતો. એટલે અશોકના શાસનકાળથી બૌદ્ધ ધર્મનું આ અગત્યનું તીર્થ બની ગયું.

બુદ્ધની 80 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા નાલંદામાં હતી. પદ્મપાણિ બુદ્ધ, એલિફંટાની ત્રિમૂર્તિ, તાંજોરની નટરાજમૂર્તિ, શ્રવણબેલગોલાની વિરાટ પ્રતિમા વગેરે 1000 વર્ષની શિલ્પગાથાના સર્વોત્તમ નમૂના છે. આ નમૂના ભારતીય શિલ્પકલાને માનવ-શિલ્પકલામાં અગ્રસ્થાન અપાવી રહ્યા છે.

એક નાનકડા કિલ્લામાં રચાયેલું ભગવાન શિવનું એક મોટું બૃહદીશ્ર્વર મંદિર તાંજોરમાં છે. આ મંદિરનું શિખર મોટી શિલાનો બનેલો ઘુમ્મટ ધરાવે છે. તેમાં અનેક શિલ્પકૃતિઓ અને મૂર્તિઓ કંડારાયેલાં છે. અહીંચાર ફૂટ ઊંચાઈ અને સાત ફૂટ ઘેરાવો ધરાવતું શિવલિંગ છે. મંડપમાં નંદી પણ કેટલો બધો ભવ્ય! બાર ફૂટ ઊંચો, સાડીઓગણત્રીસ ફૂટ લાંબો અને સવા આઠ ફૂટ પહોળો ! ભારતભરમાં સૌથી મોટા નંદીમાં એનું સ્થાન બીજા ક્રમે છે.

બુદ્ધનાં શિલ્પો મુખારવિંદના ભાવો, આંતરિક શાંતિ અને કરુણા દર્શાવે છે. ઉત્તરપ્રદેશના દેવગઢના વિષ્ણુમંદિરનું દશાવતારનું અર્ધશિલ્પ અને રામગઢના વરાહ અવતારનું શિલ્પ ગુપ્તયુગનાં હિંદુ શિલ્પોમાં સૌંદર્યવંતાં છે. શિલ્પસૃષ્ટિમાં બુદ્ધના જીવનપ્રસંગો, જાતક કથાનાં ચિત્રાંકનો, બુદ્ધનાં છબિચિત્રો, યક્ષિણીઓની આકૃતિઓ, વિવિધ ભાતો, નિસર્ગ દૃશ્યો, દૈનંદિન જીવનની ઘટનાઓ, રાજદરબારના પ્રસંગો ઇત્યાદિનું આલેખન થયેલું જોવા મળે છે.

બુદ્ધની મૂર્તિપૂજાની પ્રથાથી શિલ્પને વિશેષ વેગ મળતાં શિલ્પકળા ભારત બહાર પણ પહોંચી હતી. તેનાં દૃષ્ટાંતો છે – સિયામમાંથી મળી આવેલું બુદ્ધશીર્ષ, કંબોડિયાની હરિહરમૂર્તિ, જાવાના બોરોબુદરની અસંખ્ય બૌદ્ધમૂર્તિઓ – આ બધું વિશ્વવિજય નહીં તો બીજું શું!

સ્થાપત્યકલા – ગુપ્તયુગ કલાસ્થાપત્યનો સુવર્ણયુગ હતો. આ યુગમાં અનેક હિંદુ મંદિરો, બૌદ્ધ ધર્મસ્થાનો અને જૈનાલયો બંધાયાં હતાં. ગુપ્તકાળમાં ધાર્મિક સ્થાપત્યોનો નવીન વિકાસ નોંધપાત્ર હતો.

ગુપ્તકાળમાં ગુફાસ્થાપત્ય વિશેષ વિકસ્યું હતું. ઉદયગિરિની ગુફાઓ અને અજન્તાની કેટલીક ગુફાઓ ગુપ્તયુગની છે.

અજન્તાની ગુફાઓ સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકલાના શ્રેષ્ઠ નમૂના છે. ઇલોરાનાં ગુફામંદિર (શિવમંદિર)નું શિલ્પ જગપ્રસિદ્ધ છે. તેમાં કોતરવામાં આવેલ દેવ-દેવીઓ, રામાયણ-મહાભારતનાં દૃશ્યો વગેરે અદ્‌ભુત છે. દક્ષિણનાં કાંચીનાં મંદિરો તથા મહાબલિપુરમ્નાં રથમંદિરોનું કોતરકામ પણ શિલ્પ-સ્થાપત્યના નોંધપાત્ર નમૂના છે.

શિવકાંચીમાં કૈલાસનાથનું મંદિર છે. તેમાં 16 પાસાંવાળું પાંચ ફૂટ ઊંચું શિવલિંગ છે, જેનો વ્યાસ ચાર ફૂટનો છે. અહીં વામન ભગવાનની 18 ફૂટની વિરાટકાય મૂર્તિ છે. વિષ્ણુકાંચીમાં શ્રી વરદરાજસ્વામીનું મંદિર છે.  આ મંદિરને પાંચ પરિક્રમાપથ છે.

શિવકાંચીમાં અને વિષ્ણુકાંચીમાં બંને સ્થળોએ બંને દેવોનાં અતિ પ્રાચીન મંદિરો આવેલાં છે, જે તેની વિશેષતા સાબિત કરે છે.

બંગાળના ઉપસાગરને કાંઠે ચેન્નાઈથી 60 માઈલ દૂર મહાબલિપુરમ્ નામના સ્થળે પલ્લવ રાજવીઓએ વિશાળ ખડકમાંથી એક શિલ્પ કોતરાવ્યું જે 30 મીટર લાંબું તેમજ 8 મીટર ઊંચું છે. આ શિલ્પમાં ભગીરથ, ઊડતા ગાંધર્વો, મોટા હાથીઓ, હરણો, વાંદરા વગેરે લાક્ષણિક રીતે અંકિત થયાં છે. અહીંની 9 ગુફાઓમાં હિન્દુ ધર્મના સુંદર શિલ્પ ઉપરાંત પાંચ પાંડવના રથ જેવાં મંદિરોનું સ્થાપત્ય પણ રચાયું છે. મહિષાસુરમર્દિનીની ગુફા ખૂબ સુંદર છે.

કાર્બેનું ચૈત્ય તો ભારતનું સૌથી મોટું ગુફામંદિર છે. આખું સંકુલ જોતાં એક ખડકને કોતરીને બનાવાયેલું માલૂમ પડે છે. તેથી તેની ભવ્યતા વિસ્મયકારક છે.

અલગ ચિત્રકામ ન થતાં, આ કાળનાં ગુફામંદિરનાં ભીંતચિત્રો ભવ્યાતિભવ્ય છે. ટૂંકમાં કહીએ તો, જે કંઈ મોટું છે એ બધું અને જે કંઈ નાનું છે એ બધું ભીંતચિત્રો પર અંકિત છે. ચિત્રોમાં સંગીતનાં વિવિધ વાદ્યોનું રેખાંકન થયેલું છે. અજન્તાનાં ગુફાચિત્રો ચિત્રકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. અહીંનાં ભીંતચિત્રો ભારતીય કલા અને વિશ્વની કલાનાં ખરેખરાં ઉત્કૃષ્ટ સર્જનો છે. પૂર્વનાં આ ચિત્રાંકનોએ આવનારી સંસ્કૃતિ ઉપર પણ ખરેખર પારાવાર અસર પાડી હતી.

ગુપ્તયુગના અંતમાં બૌદ્ધધર્મની પડતીના પરિણામે બૌદ્ધ શિલ્પ-સ્થાપત્યના સર્જનના નિયમોમાં અમુક ફેરફારો થયા હતા.

Total Views: 327

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.