કલાના ક્ષેત્રમાં ગુજરાતનું પ્રદાન પણ પ્રાચીન સમયથી અમૂલ્ય રહ્યું છે. વાવ, મંદિરો, વિશિષ્ટ શિલ્પકૃતિઓ, અનેકવિધ હસ્તકળાઓ, ભરતગૂંથણ, સંગીત, ચિત્રો અને ટેકનોલોજીના પરિમાણથી સર્જાયેલ નવીન સર્જનો પૈકી કેટલાંક કલાસર્જનો અહીં પ્રસ્તુત છે.
અડાલજની વાવ
અમદાવાદથી 18 કિ.મી. દૂર મહેસાણાના ધોરી માર્ગ પર આ વાવ આવેલી છે. તેમાં ત્રણ બાજુથી પ્રવેશી શકાય તેવાં ત્રણ મુખ છે. આ વાવમાં 22.5 ફૂટનો મંડપ છે. મંડપની બાજુમાં ઝરૂખામાં બેસીને આવજા કરનારને નિહાળવા માટે વ્યવસ્થા છે. વાવને અસાધારણ રીતે શણગારેલી છે. તેના ગોખમાં સમાજજીવનની કોતરણી કરવામાં આવી છે. આ વાવમાં કોતરણીવાળા શોભતા ઝરૂખા(ગોખ), નવગ્રહ પલંગ, પાણીમાં કમળાકૃતિ જેવાં પ્રતીક, સપ્રમાણ બેસાડેલા સ્તંભ, નિશ્ર્ચિત માપના પથ્થરો પૂર્ણ અને સમાયુક્ત નિર્માણની સાક્ષી આપે છે. મૂળ મંદિર એક સમયે ચોમુખ તેમજ મૂર્તિશિલ્પોથી અલંકૃત સ્તંભાવલિઓથી શોભતી વાવ હશે તેમ મનાય છે. ચંદ્રપ્રભ, સુપાર્શ્ર્વનાથનાં નાનાં મંદિરો ફરતો પ્રાકાર હતો જેનું હવેના સમયમાં પુનર્નિર્માણ થયું છે. તેની લંબાઈ 251 ફૂટ છે. બન્ને બાજુએ ગોળાકાર સીડીઓ છે. વાવના લેખ પ્રમાણે સં. 1551માં દંડાહીના વાઘેલા રાજા મોકળસિંહના વંશજ વીરસિંહની પત્ની રૂડાં દેવીએ પોતાના પતિના પુણ્યાર્થે કરાવી હતી. વાવની આયોજના એકદમ પૂર્ણ અને સમાયુક્ત છે. કલાકૃતિના નિર્માણમાં સંસ્કૃતિ જળવાઈ રહે એ જ ભારતીય કલાની ઓળખ છે.
વડનગરનું હાટકેશ્ર્વર મંદિર
મહેસાણા જિલ્લામાં આવેલ વડનગર ગામ તેના હાટકેશ્ર્વર મંદિર માટે જાણીતું છે. પ્રાચીન સમયમાં ‘અનંતપુર, આનર્તપુર, આનંદપુર કે ચમત્કારપુર’ના નામે ઓળખાતું. નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્ર્વર મહાદેવનું મૂળ સ્થાન આ વડનગરનું હાટકેશ્ર્વર મંદિર ગણાય છે.
હાટક એટલે સુવર્ણ શિલ્પસમૃદ્ધ સંપન્ન હોય એવું આ મંદિર છે. જેમાં ગર્ભગૃહ, સભામંડપ, ત્રણ શૃંગારચોકી, મંડોવર પીઠ, વેદિકાઓ પર નવગ્રહો, દિગ્પાલો, દેવ-દેવીની મૂર્તિઓ, કૃષ્ણ-પાંડવોના જીવન પ્રસંગોની કોતરણી અહીં જોવા મળે છે.
આ નગર સાથે ‘તાના-રીરી’ની લોકકથા પણ જોડાયેલી છે. વડનગરનું તોરણ શિલ્પકલાનું ઉત્તમ ઉદાહરણ છે. આ બે તોરણો ‘શામળશાની ચોરી’ ના નામે ઓળખાય છે. અહીં 14મીટર ઊંચો કીર્તિસ્તંભ તેમજ શહેરને ફરતો કોટ છે. અહીંનાં ખંડેરો વડનગરના ભવ્ય ભૂતકાળની યાદ અપાવે છે. ચીની યાત્રાળુ હ્યુ-એન-સંગે વડનગરની મુલાકાત લીધી હતી અને તેના પુસ્તકમાં વડનગરની ભવ્યતાનું વર્ણન જોવા મળે છે.
આ શહેરની મધ્યમાં ‘શર્મિષ્ઠા તળાવ’ આવેલું છે. વડનગરમાં 6 દરવાજા આવેલા છે. એમાં અર્જુનબારી દરવાજામાં આવેલા શિલાલેખમાં વડનગરની ભવ્યતા અને સમૃદ્ધિનું વર્ણન છે.
આ મંદિરમાં મત્સ્યાવતાર વિષ્ણુનું શિલ્પ છે. તે શાસ્ત્રીય પ્રતિમાવિધાનનું એક સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. ભારતીય કલા અવતારના પ્રાગટ્યનું પણ શિલ્પમાં નિરૂપણ કરવાની વિશેષ ખૂબી ધરાવે છે. અહીં વળી ભારતીય કલાની ભક્તવત્સલતા એ રીતે દેખાય છે કે અહીં વિષ્ણુએ નીચલા શંખયુક્ત હાથ વડે નીચે હાથ જોડીને બેઠેલા ભક્તને સ્પર્શ કર્યો હોય.
આ મંદિર હાલમાં નવું કલેવર ધારણ કરવાની દિશામાં છે.
વંથલીનું સૂર્યપરિકર મંદિર
જૂનાગઢ મ્યુઝિયમમાં સુરક્ષિત એક શિલ્પકૃતિ વંથલીમાંથી મળી આવેલ ત્રણ ભાગમાં વિભાજિત સૂર્યપરિકરની છે. ભૂમિતિનું એક સરસ ઉપકરણ પરિકર છે, જે વિદ્યાર્થીઓ તેમજ ઇજનેરી ક્ષેત્રના અભ્યાસુઓમાં ખૂબ પ્રચલિત છે. આ સૂર્યપરિકરમાં 11 સૂર્ય કોતરાયેલા જોવા મળે છે. ઊર્ધ્વ ભાગે મધ્ય ગોળમાં કંડારાયેલ મુખ્ય સૂર્યને છ હસ્ત દેખાય છે, જેમાં એકમાં વરદ મુદ્રા, બીજામાં પદ્મ, ત્રીજામાં થોડું અસ્પષ્ટ, ચોથામાં બિજોરું, પાંચમાં તેમજ છઠ્ઠામાં પદ્મ દેખાય છે.
આ કલાકૃતિમાં સાત અશ્ર્વો દ્વારા હંકારાતા રથમાં ઉત્કટાસનમાં સૂર્યદેવ બિરાજમાન જણાય છે. અહીં સૂર્યદેવની બેય બાજુએ જે ગોખ છે તેની બહારના ભાગમાં અંધકારનું ભેદન કરતી ઉષા અને પ્રત્યુષાની આકૃતિઓ કોતરાયેલી જોવા મળે છે. બાજુના ગોખમાં સમભંગ સ્થિતિમાં સૂર્યદેવ ઊભા દેખાય છે. તેમના ચરણ પાસે બન્ને બાજુ દ્વારપાળ છે. અપ્સરાઓ અને મકરમુખનાં સ્થાન તો બહાર જ હોય ને ? આ ભારતીય દૃષ્ટિ છે. પ્રાર્થનામુદ્રામાં દેવાંગના છે અને આખુંય પરિકર ફૂલવેલ-ભાતથી સજાયેલું છે. આ કલાકૃતિનું સર્જન 14મી સદીમાં થયું હોવાનું મનાય છે. કંઈક અંશે બ્રહ્માંડદર્શન કે વર્ણનનું જે દૃશ્ય કલાકારને પ્રાપ્ત થયું હોય, તેને આ કલાકારે કલાકૃતિ દ્વારા વ્યક્ત કર્યાનું અનુમાન આપણે કરી શકીએ છીએ.
મોઢેરાનું સૂર્યમંદિર
મોઢેરાનું પ્રાચીન નામ ‘ભગવદ્ ગામ’ છે. પુષ્પાવતી નદીના કિનારે આવેલા પ્રાચીન સૂર્યમંદિર માટે અને વણિકોના ‘મોઢેરા માતા’ના સ્થાન માટે આ શહેર જાણીતું છે. અહીંનું સૂર્યમંદિર કર્કવૃત્ત રેખા પર આવેલું છે. અમદાવાદથી 102 કિ.મી. દૂર આવેલ મોઢેરાનું સૂર્યમંદિર ઈ.સ. પૂર્વે 1026-27માં પાટણના ‘રાજા ભીમદેવ પહેલા’ના સમયમાં બંધાયેલ મધ્યયુગની શિલ્પકલાનો ઉત્તમ નમૂનો છે. મોઢેરાનું સૂર્યમંદિર સભાગૃહ તથા ગર્ભગૃહની કોતરણીથી સુશોભિત છે. મંદિરની સામે ‘રામકુંડ’ની ચારે બાજુ પગથિયાં છે.
કલાકારો પોતાની કલાના સર્જનમાં કલાને ભૂગોળ સાથે પણ અનુબંધિત કરતા હોય છે. તેનું ઉત્તમ ઉદાહરણ મોઢેરા સ્થિત સૂર્યમંદિર છે.
આ મંદિરનું નિર્માણ ભૌગલિક સંરચના સાથે તાલબદ્ધ છે. સૂર્યના વિષુવવૃત્તિય ક્ષેત્રના આગમન સમયે સૂર્યની અવર્ણનીય છબી તેનાં ગર્ભગૃહમાં જે ઝીલાય છે તે દર્શનીય છે. અહીં ભીંતચિત્રો છે જેમાં રામાયણ, મહાભારતના પ્રસંગોનું ચિત્રણ છે. ત્રણ હાથ, ત્રણ પગ અને ધડવાળી કૃતિ ખાસ જોવી ઘટે. તત્કાલીન લોકોની જીવનશૈલી, દેવ-દેવીઓની મૂર્તિઓ, સૂર્યકાંડ-રામકાંડની 108 રચના નાનકડી દેરીઓમાં આલેખાયેલી જોવા મળે છે. વિશિષ્ટ નવવિચારથી નિર્માણ પામેલું આ સ્થાપત્ય વિચારકો તેમજ ચિંતકો માટેની ખાણ કહી શકાય.
જામનગરના લાલપુરનું સૂર્યમંદિર
ઊગતા સૂર્યને સુવર્ણસમૃદ્ધિનું પ્રતીક ગણવામાં આવે છે. સૂર્ય સમગ્ર સૃષ્ટિના પાલકપિતા છે માટે જ ભારતમાં અનાદિકાળથી સૂર્યદેવતાની પૂજા કરવામાં આવે છે. આજે પણ પુરાણાં સૂર્યમંદિરો અડીખમ ઊભાં છે. જામનગર જિલ્લાના લાલપુર નજીક આવેલ મોટી ગોપનું સૂર્યમંદિર ભારતનું જૂનામાં જૂનું સૂર્યમંદિર છે. છેક છઠ્ઠી સદીમાં નિર્માણ પામેલું આ પૂર્વાભિમુખ સ્થાપત્ય ચારેબાજુ નાનાં નાનાં પગથિયાંવાળી ઊંચી વિશિષ્ટ ઊભણી (પરથાળ) પર ખડું છે, જે બીજાં કોઈ મંદિરોમાં જોઈ શકાતું નથી.
શિખર પર બૌદ્ધના સ્તૂપ જેવી જ ચંદ્રશિલાઓ કંડારાયેલી છે. તેની અંદર ચંદ્રશિલામાં ગણેશ-પાર્વતીનાં શિલ્પો મોજૂદ છે. મંદિરની એક શાખામાં સાત શબ્દોના લેખ છે, જે બ્રાહ્મીલિપિમાં છે. આ બ્રાહ્મીલિપિ બૌદ્ધિક સંસ્કૃતની અપભ્રંશલિપિ ગણાતી.
બીજી અનેકાનેક વિશિષ્ટતાઓ ધરાવતા આ બેનમૂન સ્થાપત્યને નિહાળી, હજારો વર્ષ જૂની આપણી સંસ્કૃતિની જાહોજહાલી, સમૃદ્ધિ અને તે કાળનાં કલા-કૌશલ્યની નિપુણતાનાં દર્શન કરી શકાય છે. રાજપૂતકાળ પહેલાંના આ સ્થાપત્યમાં અત્યારે બહારથી મુકાયેલ રામ, લક્ષ્મણ, વિષ્ણુ અને સ્ક્ધદની પ્રતિમાઓ ગર્ભગૃહમાં બિરાજમાન છે. પૂર્વમાંથી ઊગતા સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે તેવી અદ્ભુત સંરચના આ સૂર્યમંદિરમાં છે. પર્યટકો, કલારસિકો માટે આ સૂર્યમંદિર કોઈ ખજાનાથી કમ નથી.
ઘુમલીનું નવલખા મંદિર
આ મંદિર કદાચ દસમી સદીમાં જેઠવાઓએ ઘુમલી જીતતાં બંધાવ્યું હશે. સ્તંભ, છત તથા ટેકાઓની શોભા પૂર્વ ચાલુક્યકાળ કરતાં જુદી જ છે. મંદિરનો પરથાળ 153.5102 ફૂટનો છે. તે મંદિર પ્રદક્ષિણામાર્ગ, મંડપ તથા પ્રવેશદ્વારોનું બનેલું છે. તે મંદિર ચોરસ છે અને ઘુમ્મટની છત સાદી છે. પાટડા ઉપર ધાર્મિક પક્ષીઓની આકૃતિઓ છે. લિંગ પોરબંદરના કેદારનાથ મંદિરમાં ખસેડાયું હતું. પ્રદક્ષિણામાર્ગને ત્રણ બારીઓ હતી. પાયો પદ્માકૃતિઓ, કીર્તિમુખો વગેરેથી શણગારાયો છે. અહીં અશ્ર્વરથ નથી પરંતુ ગજરથની સામે તથા ગર્ભાગારની સામે બે મોટા હાથીઓ અને કૂદતો સિંહ છે. બારી નીચે પ્રદક્ષિણામાર્ગ છે. દક્ષિણે બ્રહ્મા-સરસ્વતી, પશ્ચિમે ઉમા-મહેશ્ર્વર અને ઉત્તરે લક્ષ્મી-વિષ્ણુ છે. તેઓની જંઘા પર દેવદેવીઓની આકૃતિઓ છે. મંડપ બે માળનો છે. ત્રણ બાજુ પ્રવેશદ્વાર છે. મંડપનો અંદરનો ભાગ ઘુમ્મટ આકારની છતથી ઢંકાયેલો છે, જેના પર બીજા બે માળના સ્તંભો છે. દરેક ટેકા જુદા જુદા શિલ્પથી શણગારાયેલા છે. લગભગ 17 પ્રકારનાં શિલ્પો છે, જેમાં કીર્તિમુખો, હાથી, મત્સ્ય, હંસ, વૃષભ વગેરે મુખ્યત્વે છે.
સિદ્ધપુરનો રુદ્રમાળ
મહેસાણા જિલ્લાના સિદ્ધપુરમાં મૂળરાજે દસમી સદીમાં રુદ્રમાળ બંધાવ્યો હતો. સિદ્ધરાજે તેનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો તેવો ઉલ્લેખ જોવા મળે છે. મુસ્લિમ બાદશાહોએ તેનો નાશ કર્યો હતો. આજે તેના માત્ર અવશેષો જોવા મળે છે. કેટલાક અવશેષોની નજીક મસ્જિદ ઊભી કરવામાં આવી હતી. લોકવાયકા પ્રમાણે રુદ્રમાળને 1600 થાંભલાઓ હતા. માણેકમોતી જડિત 8000 મૂર્તિઓ હતી. આ મંદિર પર 30000 સુવર્ણ કળશ હતા. તેના શિખર પર 1700 જેટલી ધજાઓ ફરકતી હતી. સિદ્ધપુર માતૃશ્રાદ્ધ અને ધાર્મિક સ્થળ તરીકે પ્રસિદ્ધ છે.
Your Content Goes Here