(પુસ્તક-પરિચયના લેખક: શ્રી બકુલેશ શ. ધોળકિયા હાલમાં રામકૃષ્ણ મઠ-મિશન સલાહકૃત, ગુજરાત રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના કન્વીનર છે.)

પુસ્તક :  સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યો: સ્વામી અબ્જજાનંદ

ભારતમાંથી ઉદ્‌ભવતું અધ્યાત્મ સમયે સમયે નવીન આવિષ્કારોને સ્વીકારીને માનવજાતને જીવન-પથ દર્શાવતું રહયું છે. સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચતા વાચકોને ક્યારેક પ્રશ્ન સતાવતો હોય છે કે સ્વામી વિવેકાનંદ પછી કોણ ? આનો જવાબ એક તો એ હોઈ શકે કે રામકૃષ્ણ મઠ- રામકૃષ્ણ મિશન. તે થકી બીજો જવાબ એ છે ‘સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યો’ આ નામે નવપ્રકાશિત થયેલ પુસ્તકના પ્રારંભે જ ‘હું જ્યારે લખાવું ત્યારે તમારામાંના એક એ લખી લે’ સ્વામી વિવેકાનંદના આ ઉદ્‌ગાર આ પુસ્તકને વાંચવા માટે આકર્ષણ જન્માવી દે છે. સ્વામી શુદ્ધાનંદજીએ આ પડકાર ઝીલી લીધો હતો. અદ્‌ભુત સ્મૃતિશક્તિ ધરાવતા સ્વામી શુદ્ધાનંદજીએ સ્વામી વિવેકાનંદનાં ભાષણોને લખીને, તેને ફેલાવવામાં અનોખું જીવન-સમર્પણ કર્યું હતું.

‘તમે કંઈ જાણતા નથી એનો સ્વીકાર કરવો એ સ્વયં એક મહાન ઉપદેશ છે’ એમ કહી સ્વામી વિવેકાનંદે સ્વામી વિરજાનંદને બીજાની મુક્તિ માટે કાર્ય કરવા અને દેશ-વિદેશમાં વ્યાખ્યાનો આપવા પ્રેરિત કરી દીધા હતા! વળી, રસ પડે એવી વાત તો આ પુસ્તકમાં એ છે કે તોફાની નરેનને નાનપણમાં ઝાડ પર ચઢતા અટકાવવા, જે દાદાએ બ્રહ્મરાક્ષસની બીક બતાવી હતી એ દાદા કોણ હતા? એ પ્રશ્નનો જવાબ આ પુસ્તકમાંથી જાણવા મળે છે.

અમેરિકામાં વેદાંતનો જયઘોષ કરીને સ્વામી વિવેકાનંદ ભારત પાછા આવ્યા ત્યારે કોલકાતામાં એમના સ્વાગત-સમારંભમાં ઉપસ્થિત રહીને, એમની પ્રતિભાથી આકર્ષાઈને સંસાર ત્યાગીને એમના શિષ્ય બન્યા એ સ્વામી વિમલાનંદજી. દ્વૈત અને અદ્વૈત વચ્ચેની પ્રતિબદ્ધતામાં અટવાયેલા રહેતા આ સ્વામી વિમલાનંદજીની શંકાનું નિવારણ કેમ થયું? એનું નિરૂપણ વાચકને પકડી રાખે છે.

ભગિની નિવેદિતાએ જેમના તરફ ખૂબ અહોભાવ અને કૃતજ્ઞતા પ્રગટ કર્યાં હતાં એ સ્વામી સ્વરૂપાનંદ, સ્વામી વિવેકાનંદની નજરે બાહોશ શિષ્ય હતા, જેમને અંગ્રેજી સામયિક ‘પ્રબુદ્ધ ભારત’નું સંપાદનકાર્ય સંયોગવશાત્‌ સ્વામી વિવેકાનંદે સોંપ્યું હતું. માનવીય ગુણોથી સભર તેજસ્વી વ્યક્તિત્વ કેવું હોય! એવું એમનું જીવનદર્શન આ પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે.

સ્વામી વિવેકાનંદનાં જોશભર્યાં વચનોથી અને ગાઢ આલિંગનથી સંચારિત થઈને, જેમણે જીવન આપી દીધું એ સ્વામી પ્રકાશાનંદજી સત્સંગશીલ મિત્રવર્તુળ ધરાવતા હતા. એમનાં વક્તવ્યની શૈલી શ્રોતાઓને સ્વામી વિવેકાનંદની શૈલી સમાન લાગતી હતી. તેઓને વેદાંતના પ્રચાર માટે ઢાકા મોકલાવામાં આવ્યા હતા.

કિશોરાવસ્થામાં જેમની શાળાના આચાર્ય સ્વામી વિવેકાનંદ હતા, જેને જોવા-નીરખવામાં તત્પર રહેતા એ સ્વામી બોધાનંદજી કેટલા બધા કૃપાપાત્ર કહેવાય એ તો એમનું જીવનચરિત્ર વાંચીએ ત્યારે ખ્યાલ આવે! શ્રીશ્રીમાને રોટલી પણ વણી આપનાર આ સ્વામી બોધાનંદજીએ અમેરિકામાં વેદાંત-ચળવળના ઇતિહાસમાં વિશિષ્ઠ સ્થાન મેળવ્યું હતું, એની ખબર તો આ પુસ્તક વાંચવાથી જ પડે છે!

સ્વામી વિવેકાનંદની નજરે ચારેય યોગોનું સુંદર સંયોજન હોય એવા એમના એક શિષ્ય હતા; સ્વામી આત્માનંદ. ‘યોગ્ય સાધનો દ્વારા સાધ્ય જરૂર પ્રાપ્ત થાય’ એવું સરળ છતાં સચોટ એમનું વિધાન જિજ્ઞાસુના જીવનમાં પ્રકાશ રેલાવી દે છે! સ્વામી વિવેકાનંદના સંસ્પર્શે સ્ટેશન-માસ્ટરમાંથી સંન્યાસી બનેલા શિષ્ય એ સ્વામી સદાનંદજી માત્ર છેંતાલીસ વર્ષ જીવીને, ‘શિવભાવે જીવસેવા’ કેમ કરતા એ એમનું જીવન-કવન વાંચીએ ત્યારે ખ્યાલ આવે!

સ્વામી વિવેકાનંદે તેમના હિમાલયના વિચરણ દરમિયાન જોયું કે ભ્રમણ કરતા સાધુઓ-યાત્રાળુઓ બીમારીમાં તથા અંત સમયે કેવી દયનીય દશામાં હોય છે! માત્ર સૈદ્ધાંતિક નહીં પણ વ્યાવહારિક વેદાંતને આચરણમાં પ્રગટ કરનારા પ્રત્યક્ષ ઉદાહરણીય બે શિષ્યો સ્વામી વિવેકાનંદે આધુનિક જગતને આપ્યા, જેમનાં નામ છે સ્વામી કલ્યાણાનંદજી અને સ્વામી નિશ્ચયાનંદજી. મહર્ષિ દધીચિની તોલે આવે એવા આ બન્ને સ્વામીજીઓનાં બયાન આ પુસ્તકમાં વર્ણવેલ છે.

જીવનમાં જેમનું ધ્યેય સમાજમાંથી ભ્રષ્ટાચાર અને અન્યાય દૂર કરવાનું હતું, એવા પોલીસમેન પણ સ્વામી વિવેકાનંદના વિશાળ વ્યક્તિત્વથી પ્રેરાઈને તેમના શિષ્ય બની ગયા હતા, જે આગળ જતાં સ્વામી અચલાનંદજી તરીકે જાણીતા થયા હતા. સ્વામી વિવેકાનંદને તેઓ પ્રેમનું સાક્ષાત્‌ સ્વરૂપ ગણતા અને વિવેકાનંદે આપેલી શીખ ‘ગુરુ અને મઠના અધ્યક્ષ બેઉ એક જ છે’ સ્વામી અચલાનંદજીએ કાયમ યાદ રાખી હતી.

વારાણસીમાં અનાથાશ્રમ શરૂ કરનાર સ્વામી શુભાનંદજીને સ્વામી વિવેકાનંદે માત્ર કરુણા નહીં, પણ સેવાનું પરિમાણ સમજાવી સમગ્ર જીવનનું સત્ય સ્પષ્ટ કરી દીધું હતું! વારાણસીના સેવાશ્રમનો એક એક કણ સ્વામી શુભાનંદજીના આધ્યાત્મિક જીવનનું ગીત છે, એમ આ પુસ્તકમાં કહેવાયું છે.

માત્ર સત્તર વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરનાર સ્વામી પરમાનંદજી સ્વામી વિવેકાનંદ પાસે દોડી ગયા હતા અને સ્વામી રામકૃષ્ણાનંદજીને મિત્ર, ફિલસૂફ અને માર્ગદર્શક બનાવ્યા હતા. અમેરિકામાં મહત્તમ સમય વેદાંત-પ્રસારક વ્યાખ્યાનો આપનાર આ સ્વામી પરમાનંદજી કદી થાક્યા નહોતા! એ વાત આ પુસ્તક વાંચતાં બળપ્રેરક બની રહે છે.

આવો, આ પુસ્તકને વાંચીએ-વંચાવીએ અને પ્રકાશનને જીવનઘડતર મૂલક બનાવીએ.

Total Views: 133

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.