ગતાંકોમાં આપણે વાંચન અને તે માટેના વાતાવરણ વિશે ચર્ચા કરી.

વાંચનમાંથી મનના તરંગોની દિશાઓ નક્કી થઈ જતી હોય છે. જીવનને કઈ રીતે જીવવા લાયક બનાવવું તે પણ વાંચન પર અવલંબે છે.

વિદ્યાર્થીજગત માત્ર પાઠ્યપુસ્તકોના વાંચનથી ભ્રાંત સ્થિતિમાં મુકાઈ જતું હોય એવું દાર્શનિકોના વેદનાસભર ધ્વનિમાં સંભળાયા કરે છે. આ પ્રશ્નનો ઉત્તર કદાચ ઈતર અને સદ્વાંચન હોઈ શકે છે.

શિક્ષણના વ્યવસ્થાપન તંત્રમાં ઈતર વાંચન માટેના પ્રયાસો ક્યાંક થતા જણાય છે પણ તે પ્રયાસો પૂરતા લાગતા નથી. શ્રીરામકૃષ્ણદેવ કોઈના ઘેર જતા અને પોતાના બેસવાના સ્થાને જો છાપંુ પડ્યું હોય તો તે દૂર રખાવી દેતા. આ ઘટના શું સૂચવે છે? એ જ કે શું વાંચવું અને વંચાવવું જોઈએ અને શું ન વાંચવું અને ન વંચાવવું જોઈએ એ આપણે નક્કી કરવું જોઈએ. બીજી એક ઘટના જોઈએ તો જ્યારે સ્વામી વિવેકાનંદ માસ્ટર મહાશયની સાથે દક્ષિણેશ્વરમાં શ્રીઠાકુરના ઓરડાના વરંડામાં બેસીને તે સમયના વિદ્યાર્થીઓની અધોગતિ અને કુસંસ્કારો વિશે જ્યારે વાત કરતા હતા તો ત્યારે શ્રીઠાકુરે માસ્ટર મહાશયને ઠપકો આપીને આપણને એ સમજાવ્યું છે કે મન અતિ સંવેદનશીલ છે અને જેવા પ્રકારના સંસ્કારો આપણે આપીએ, પછી ભલે તે ગમે તે ઉદ્દેશ માટે હોય, હાનિ તો થાય જ છે.

વિદ્યાર્થી મિત્રો, મનને માયકાંગલું બનાવે એવું વાંચન ન કરવું જોઈએ. આપણા મન અને બુદ્ધિને સ્થિર અને શુદ્ધ બનાવે એવું વાંચવું એ આપણા સહુના અને રાષ્ટ્રના હિતમાં છે.

જે વાંચન માત્ર બાહ્ય રૂપરંગના જ મહિમામાં લઈ જાય તે વાંચનથી કોઈની કંઈ પ્રગતિ થઈ હોય એવું દેખાય એ તો ભ્રમણા છે. વાંચનમાં સ્વાતંંત્ર્ય શોભે પણ સ્વચ્છંદતા ન ચાલે. વિદ્યાર્થીમિત્રો અને વિદ્યાર્થીજગતના તમામ સ્તરના માર્ગદર્શકો અને તેને સંબંધિત તંત્રએ વાંચનવિવેક પર ચિંતન કેળવવું પડશે.

વાંચનસામગ્રી અત્યારની ટેકનોલોજીથી તરત સુલભ બની જતી હોય છે. પણ તેમાંની કેટલી સામગ્રી મૂલ્યવાન છે તેના વિશે આપણે કદી ચિંતા કરી છે ખરી? વાંચનસામગ્રી ખરીદતી વખતે, અપનાવતી વખતે આપણે એ અવશ્ય જોવું પડે છે કે તેનું મથાળું કેટલું ભ્રામક છે અને કેટલું યથાર્થ છે. પુસ્તકનાં પાનાં ઉથલાવતાં વેંત તે નક્કી થઈ શકતું નથી. સહુ પ્રથમ તો પુસ્તકના વાંચનસામગ્રીના લેખક કે રચયિતા કોણ છે તે જોવું ઘટે. એ ખરેખર સાચી વાત છે કે હાલમાં ઘણાં બધાં અપ્રમાણિક અને ભ્રામક પુસ્તકો ઉપલબ્ધ છે કે જેનાથી આપણે સાવધ રહેવું જોઈએ.

બૌદ્ધિક વાંચન એ આજના સમયની જાણે કે એક ફેશન થઈ પડી છે. શું આ ‘ફેશનેબલ રીડીંગ’થી આપણા પ્રશ્નોનો જવાબ મળી જશે ?

જે વાંચન હૃદયને શુદ્ધ કરેે, જન્મોજન્મના કુસંસ્કારોને બાળે અને જ્ઞાનનો ભાર ન લાગવા દે તે જ સાચુ વાંચન છે. જે વાંચન લાગણીસભર બનાવીને સેવા તરફ લઈ જાય, દુ :ખીજનોનાં આંસુ લૂછવા માટે પ્રયત્નશીલ બનાવે એ ખરું વાંચન કહેવાય. આપણું આયુષ્ય બહુ ઝડપથી વહેતું જાય છે તેથી એટલા ઓછા સમયમાં દુનિયાભરની વાંચનસામગ્રીને કેવી રીતે વાંચીને પહોંચી વળવાના છીએ !

આપણને મળેલા અલ્પ આયુષ્યમાં કેટલું જથ્થાત્મક નહીં, પણ કેટલું ગુણાત્મક વાંચી શકીએ એ નક્કી કરવું તે આપણા જ હાથમાં છે.

Total Views: 255

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.