(શ્રી બકુલેશભાઈ ધોળકિયા રામકૃષ્ણ મિશનના એક સંનિષ્ઠ કાર્યકર્તા અને નિવૃત્ત આચાર્ય છે. ભાવપ્રચાર કેન્દ્રોની પ્રવૃત્તિઓમાં તેઓનું મહત્ત્વનું યોગદાન છે. -સં.)

એક વખત એવો વિચાર આવી ગયો કે જો સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ સંઘની સ્થાપના ન કરી હોત તો? દુનિયાનું શું થાત એવી ચિંતા કરવાનું મારું ગજું નથી પણ જે કંઈ સૂઝ્યું એવું લખવાનું સાહસ કરી નાખ્યું.

સૌથી પ્રથમ તો એ કે જો સ્વામીજીએ આ ન કર્યું હોત તો ભારત હતું એના કરતાં વધુ જડ અને રૂઢિચુસ્ત બની ગયું હોત.

સ્વામીજી બહુ બહુ તો વિશ્વધર્મપરિષદ ગજાવીને વિલીન થઈ ગયા હોત. એમણે વિદેશમાં જે વ્યાખ્યાનો આપ્યાં એ વિદેશમાં જ પ્રસરેલાં રહી જાત.

શ્રીરામકૃષ્ણ કોણ, એની ખબર બહુ થોડાને પડી હોત. શ્રીરામકૃષ્ણે કરેલા સાક્ષાત્કારની જાણકારી તો જૂજ લોકોને જ હોત. જંગલમાં ઊગેલાં, ખીલેલાં ફૂલોની નોંધ કોણ લેતું હોય છે? અલબત્ત, એને કોઈ નોંધ લે કે નહીં એની બહુ કંઈ પડી હોતી નથી. આવું જ કંઈક આ ઘટનામાં બન્યું હોત.

ભારતના લોકોમાં ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, મા કાલી, હનુમાન, બ્રહ્મ, સાકાર-નિરાકાર, દ્વૈત-અદ્વૈત- અનુભૂતિ—આ બધાંનાં ચિંતનમાં, શ્રદ્ધામાં પ્રાણસંચાર થવાની ખબર ન પડત, જો સ્વામીજીએ મિશન ન સ્થાપ્યું હોત તો.

જો એમણે આ મઠ-મિશન ન સ્થાપ્યું હોત તો સેવા કેમ કરવી, તેનું વ્યવસ્થાપન કેમ કરવું એ  લોકોને કે તંત્રને કેમ આવડત એ પ્રશ્ન, પ્રશ્ન જ રહી જાત.

સ્વામીજીના જન્મ પહેલાં કેટલાય લોકો ઘરબાર છોડીને ક્યાં ને ક્યાંય ભટકી જતા હતા ને જેમ તેમ જીવન વેડફી નાખતા હતા, (હજીય ઘણાંનું આમ બને છે) એમ બન્યા કરત અને કેટલાંય માનવજીવન બરબાદ થયા કરત.

‘પોતાના આત્માનો મોક્ષ અને જગતનું કલ્યાણ’ એ મંત્ર સ્વામીજીનો સ્વરચિત છે એ આપણને કોણ આપત?

સેવા શિવભાવે થાય એમ આપણને કોણ શિખવાડત?

દરિદ્ર નારાયણ છે, એમ કોણ કહેત?

પહેલાં આત્મવિશ્વાસ, પછી ઈશ્વરમાં વિશ્વાસ એ નવધર્મ કોણ સમજાવત?

પૂર્ણતાના પ્રગટીકરણની નવી સમજ શિક્ષણ માટે કોણ આપત?

ભારતના ગૌરવની પુન: સ્થાપનાના પ્રયત્નો કોઈ કરત ખરું કે? ભારતનું—આપણા દેશનું માતૃભાવથી ઋણ અદા કરવાનું ક્યાંથી શીખવા મળત?

ખરેખર મૂર્તિમાં ચિન્મયી સ્વરૂપ જોઈને પૂજા કરાય એની ખબર આપણને કોણ પહોંચાડત?

માનવજીવનનું ધ્યેય શું છે, એની સાર્થકતા શેમાં છે, આ બધી વાત આપણને આ રામકૃષ્ણ સંઘ સિવાય કોણ સચોટ રીતે કહી શકે?

જીવનની રીતભાત, શૈલી, સંસ્કૃતિ, કળા, સાહિત્ય, સંગીત, વિજ્ઞાન, ઈતિહાસ એવાં કેટલાંય ક્ષેત્રોમાં ભારતીય, સનાતન તેમજ શાશ્વતતાનું આજના નાગરિકોને સાચું દર્શન આપણા સંઘ સિવાય કોણ કરાવી શકે એમ છે?

વિવિધતાઓથી ભરપૂર ભારતમાં ઐક્ય સ્થાપી શકે અને એ પણ નાત, જાત, ધર્મ કે  સંપ્રદાયના કે કોઈ પણ જાતના ભેદભાવ વગર એવી હકીકતોનું સાહિત્ય કોણ આપણા સુધી પહોંચાડત?

નિ:સ્વાર્થ અને અનાસક્ત કર્મથી યોગ (ઇશ્વર સાથે જોડાણ) થાય, ઈશ્વરમાં સતત અનુરક્તિને ભક્તિ કહેવાય, એનાથી યોગ (ઈશ્વર સાથે જોડાણ) થાય, ઈશ્વરને જાણવો એનું નામ જ્ઞાન એવું અનુભવવાથી યોગ (ઈશ્વર સાથે જોડાણ) થાય અને રાજમાર્ગે પણ યોગ (ઈશ્વર સાથેનું જોડાણ) થાય એવી ખબર જિજ્ઞાસુઓને કે મુમુક્ષુઓને આ રામકૃષ્ણ સંઘ વગર કોણ પહોંચાડત?

આ કોઈ એકતરફી વાત નથી, પણ હકીકત છે એટલે તો એની શાખા-પ્રશાખાઓ વૈશ્વિક સ્તરે વિસ્તરતી જ રહેવાની છે. કેમ કે સમયાનુરૂપ શ્રીરામકૃષ્ણદેવ એમનું લીલામંડળ સાથે લઈને અવતર્યા અને એની પાછળ એક અજોડ સંગઠન મૂકતા ગયા. જેથી સહુ કોઈ માનવો એમાં જોડાઈને પોતાની  કક્ષાનુસાર ઉત્ક્રાંત અને સંસ્કૃત થતાં, આગળ વધતાં રહે ને માનવજીવન સાર્થક બનાવતાં રહે, નહીંતર અત્યારે આધુનિક ટેક્નોલોજીના યુગના ઉપયોજનથી અશાંતિ વધતી રહેત કે શું?

સ્વામી વિવેકાનંદે વિદેશયાત્રાના અનુભવે જ ભવિષ્યનું ભારતદર્શન કરી, આ ભારતીય મિશન-મઠ સ્થાપ્યું અને વિશ્વને બતાવી દીધું કે ભારત શું છે!

Total Views: 474

One Comment

  1. Pravin Kumar NARANBHAl jatiya December 17, 2022 at 5:31 am - Reply

    અહોભાગ્ય છે અમારૂં કે અમે અમારા ગુરૂ છે ધોળકીયા સાહેબ

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.