જ્યોતિર્મય તત્ત્વરૂપે શ્રીરામકૃષ્ણ

હૃદયને થયેલાં એક દર્શનનું સ્વામી શારદાનંદે વર્ણન કર્યું છે.

એક રાતે ઠાકુરને પંચવટી તરફ જતા હૃદયે જોયા. એમને પાણીના લોટાની અને ટુવાલની જરૂર પડશે એમ ધારી, એ લઈ હૃદય ઠાકુરની પાછળ ગયો. ચાલતાં ચાલતાં હૃદયને અદ્ભુત દર્શન થયું. એને દેખાયું કે ઠાકુર લોહીમાંસના બનેલા માનવી નથી. એમના દેહમાંથી પ્રકાશ નીકળતો હતો અને એ સમગ્ર પંચવટીને અજવાળી રહ્યો હતો. ઠાકુર ચાલતા હતા ત્યારે એમના દેદીપ્યમાન પગ ધરતીને અડતા ન હતા પણ હવામાં ચાલતા હતા. આ દૃષ્ટિભ્રમ છે એમ માની હૃદયે વારંવાર આંખો ચોળી. આસપાસના બીજા પદાર્થો તરફ અને પછી જ્યોતિર્મય ઠાકુર ભણી એણે જોયું. વૃક્ષો, લતાઓ, ગંગા, કુટિર પહેલાંની જેમ જ દેખાતાં હતાં અને ઠાકુરનું દેદીપ્યમાન રૂપ એને ફરી ફરી દેખાતું હતું. અચરજ પામી હૃદય વિચાર કરવા લાગ્યો કે : ‘ઠાકુર મને આમ દેખાય છે તો મારામાં શો ફેરફાર થયો છે?’ પછી પોતાની ભણી નજર કરતાં એને પોતાનો દેહ પણ તેજથી ચળકતો દેખાયો. ઈશ્વર સાથે રહેતો અને એની સનાતન સેવા કરતો પોતે ખરે જ સેવક છે એમ એને લાગ્યું. ઈશ્વરના એ દિવ્ય સ્વરૂપનો પોતે અંશમાત્ર છે અને એની સેવા માટે પોતે જુદો દેહ ધારણ કર્યો છે એમ એને લાગ્યું. આ દર્શન થતાં પોતાના જીવનનું રહસ્ય હૃદયને સમજાયું અને એના અંતરમાંથી આનંદની લહર પસાર થઈ ગઈ. પછી એ જાતને ભૂલી ગયો, જગતને ભૂલી ગયો અને, બીજાઓ પોતાને પાગલ કહેશે તેને પણ ભૂલી ગયો. ભાવમાં આવી જઈ એ વારંવાર પોકારવા લાગ્યો : ‘ઓ રામકૃષ્ણ, ઓ રામકૃષ્ણ, આપણે મનુષ્યો નથી. આપણે અહીં શા માટે છીએ? ચાલો, આપણે સ્થળે સ્થળે જઈએ અને માનવ આત્માઓનો ઉદ્ધાર કરીએ. તમે ને હું એક જ છીએ.’

આ બાબત ઠાકુરે પછીથી કહ્યું હતું કે : ‘આ બૂમ સાંભળીને મેં કહ્યું હતું કે : ‘એય, મૂંગો રહે, મૂંગો. આમ રાડો શા માટે પાડે છે? કોઈ આફત આવી પડી છે એમ માની લોકો અહીં દોડી આવશે. પણ મારા શબ્દોને એણે કાને જ ન ધર્યા. એટલે હું એની પાસે દોડી ગયો અને એની છાતીએ હાથ ફેરવી બોલ્યો કે, ‘મા, આ મૂરખને ફરી જડ ને અક્કલ વગરનો કરી દે.’

હૃદયે કહ્યું છે કે, ઠાકુર આ બોલ બોલ્યા તેવું જ પોતાનું દર્શન અને પોતાનો આનંદ અદૃશ્ય થઈ ગયાં અને પોતે પૂર્વવત્ બની ગયો. એ અનન્ય આનંદની દશામાંથી અચાનક થયેલા પતને એના મનને ખિન્ન કરી મૂક્યું. ડૂસકાં ખાતાં એણે પૂછ્યું : ‘મામા, તમે મને એમ શા માટે કર્યું? હું અક્કલ વગરનો બની જઉં એમ તમે શા માટે કહ્યું? હવે એ આનંદમય દર્શન મને ફરી થશે નહીં.’ એને આશ્વાસન આપતાં ઠાકુરે કહ્યું કે ‘તું કાયમ માટે અક્કલ વગરનાં થઈ જા એવો મારો કહેવાનો અર્થ નથી. હું તો તને ટાઢો પાડવા માગતો હતો. તારા એ નજીવાં દર્શન વિશે તું એટલી બૂમાબૂમ કરતો હતો કે મારે એમ કહેવું પડ્યું હતું. હું તો રોજ અનેક દિવ્ય દર્શનોનો અનુભવ કરું છું પણ હું આવો ઉત્પાત મચાવું છું? દર્શનો માટે તું હજી પક્વ નથી. અત્યારે શાંત થઈ જા; સમય થતાં તને ઘણા બધા અનુભવો થશે.’

સને ૧૯૦૦ના આરંભમાં, ઠાકુરના જ્યોતિર્મય રૂપનું દર્શન કરનાર દક્ષિણેશ્વરના મંદિરના એક માળીને સ્વામી વિશુદ્ધાનંદ મળ્યા હતા. એ સ્વામીએ લખ્યું છે :

મથુરના સમયમાં મંદિરના બાગમાં કામ કરનાર છોતેર સત્યોત્તેર વર્ષના એક માળીને હું મળ્યો હતો. ઠાકુરના ઓરડાથી પંચવટી સુધીના માર્ગને એક સાવરણાથી ખૂબ કાળજીપૂર્વક સાફ કરતાં મેં એને જોયો. ઉંમરને લઈને એ થોડો વાંકો વળી ગયેલો હતો. સરુની ઝાડી અને બિલીવૃક્ષ સુધીના કેડાને ખૂબ કાળજીપૂર્વક સાફ કરતો મેં એને જોયો. રોજ એને એમ કરતાં જોઈ મને થોડી જિજ્ઞાસા થઈ. એક દિવસે મેં એને પૂછ્યું : ‘તમે ઠાકુરને જોયા હતા?’ સાવરણાને નીચે મૂકી એ મારી તરફ આશ્ચર્યથી જોઈ રહ્યો અને બોલ્યો કે : ‘હું તો હુકમનું પાલન કરું છું. ઠાકુરે મને કહ્યું હતું કે, ‘મારા ઘણા શિષ્યો આવશે. એટલે એમને માટે હું આ કેડો સાફ રાખું છું,’ વધારે બોલવા એ અચકાતો હતો. વધારે વાત કરવા મેં આગ્રહ કર્યો તો એણે મને આ આશ્ચર્યકારક વાત કરી :

‘એક ઉનાળાની રાતે હું ઊંઘી શક્યો નહીં એટલે, હું બગીચામાં ટહેલવા લાગ્યો. પંચમુંડી જગ્યા તરફથી મને પ્રકાશ આવતો દેખાયો. હું ત્યાં ગયો તો બિલીના ઝાડ નીચે ઠાકુરને સમાધિમાં ડૂબેલા મેં જોયા; એમના દેહમાંથી પ્રકાશ નીકળતો હતો. હું ડરી ગયો ને ત્યાં વધુ વાર રહી શક્યો નહીં. વળતી સવારે હું એમની પાસે ગયો, એમને પગે લાગ્યો અને રોઈ પડ્યો. ‘શું છે?’ એમણે પૂછ્યું. ‘આજે તારામાં આટલી બધી ભક્તિ કેમ ઉભરાય છે?’ હું માત્ર એટલું જ બોલ્યો કે, ‘ઠાકુર, કૃપા કરી મને આશીર્વાદ આપો.’ મારા મનમાં શું ચાલી રહ્યું હતું તે તેઓ સમજી ગયા. મને ઊભો કરી તેઓ બોલ્યા : ‘ગઈ રાતે તને જે સ્વરૂપ દેખાયું તેનું જ તું ધ્યાન કરજે. પંચવટીની કેડી ચોખ્ખી રાખજે. ભવિષ્યમાં ઘણા ભક્તો આવશે.’ ઠાકુરના એ તેજોમય રૂપનું ધ્યાન હું કરું છું અને એ કેડો રોજ સાફ રાખું છું.’

Total Views: 28

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.