સમ્ર્રાટ હરિશ્ચન્દ્રના હૈયામાં જરાય આનંદ ન હતો. ઈક્ષ્વાકુ વંશના એ એકછત્ર અધિપતિનું મન ઉદાસ હતું કારણ કે મહેલો, વૈભવો, સત્તા, સો રાણીઓ અને અન્ય સર્વવાતે સુખી હોવા છતાં સંતાનની ખોટ સમ્ર્રાટ્ને સાલતી હતી.

સંયોગવશાત્ એક દિવસ નારદઋષિ રાજાને મળવા આવ્યા. સર્વોપકારક મુનિનો રાજાએ ભાવથી સત્કાર કર્યો. રાજાના મોં પરની ઉદાસીનતા જોઈ મુનિએ એનું કારણ પૂછયું. રાજાએ વિનયપૂર્વક પોતાના વિષાદનું કારણ જણાવ્યું અને પૂછયું : ‘હે મહર્ષે! એવું તે કયું કારણ છે કે પશુપક્ષીથી માંડીને માનવપર્યન્ત સર્વે સંતાનની ઝંખના કરતાં હશે?’

મુનિ બોલ્યા : ‘સાચી વાત છે રાજા! પુત્ર તો ગૃહસ્થ જીવનનો મુખ્ય પાયો છે. પિતૃઋણથી મુક્ત થવા માટે એ અનિવાર્ય છે; પિતાની મુક્તિ પુત્રપ્રાપ્તિ વિના થતી નથી, પુત્ર તો પિતાનું તેજ છે.

રાજાએ કહ્યું : ‘હે ભગવન્! આપ સાવ સાચું કહો છો. પણ પુત્ર-પ્રાપ્તિનો કોઈ ઉપાય ખરો?’

નારદે કહ્યું : ‘રાજન્’, ઉપાયો તો ઘણા છે તમે પૂર્ણ શ્રદ્ધાથી વરુણદેવની ઉપાસના કરો તે અવશ્ય તમારી કામના પૂર્ણ કરશે.’

નારદનાં વચનો સાંભળીને પછી રાજાએ શ્રદ્ધાથી વરુણની આરાધના શરૂ કરી અને અતિ આવેશથી એનાથી બોલાઈ ગયું : ‘હે વરુણદેવ! મને જો પુત્ર ઉત્પન્ન થશે તો એને હું આપને સમર્પી દઈશ!!’

******

આજે હરિશ્ચન્દ્રને ત્યાં પુત્રજન્મ થયો છે. સર્વત્ર આનંદમંગળ વરતાય છે જ્યાં ત્યાં સંગીત-નૃત્ય સંભળાય છે. પ્રકૃતિ પણ જાણે અનુકૂળ થઈ ગઈ છે. મંદાનિલે ઝૂમતી લતાઓ, કોકિલોના ટહૂકા પણ જાણે આનંદમાં ભાગીદાર બન્યા છે! રાજાની આંખો આનંદથી છલકાય છે. પણ ત્યાં તો વરુણદેવ આવી ઊભા રહ્યા સુવર્ણશરીરી પાશધારી વરુણદેવ બોલ્યા ‘રાજન્! તારી પ્રતિજ્ઞા પૂરી કર! લાવ, એ બાળક મને આપી દે!’

છોભીલો પડેલો બિચારો રાજા બોલ્યો : ‘દેવ! બાળક તો ‘સદ્યોજાત’ (તરતનો જન્મેલો) છે અને તેથી અપવિત્ર છે. યજ્ઞ માટે તો એ અપવિત્ર કહેવાય ને? દસ દિવસ પછી જ એ પવિત્ર થશે.’

વરુણ એ વખતે પાછા ફર્યા પણ દસ દિવસ પછી પાછા ઉઘરાણી કરવા આવ્યા ‘લાવ બાળક!’ રાજાએ બહાનું બતાવ્યું : ‘જાતકને દાંત આવે ત્યારે જ એ પવિત્ર થાય છે. એને દાંત આવવા દો.’ બાળકને દાંત આવ્યા અને વરુણ આવી ઊભા : ‘લાવ બાળક’ રાજાએ નવું બહાનું બનાવ્યું : ‘કાચા દાંત પડી ગયા પછી પાકા દાંત આવે ત્યારે જ બાળક પવિત્ર થાય છે.’ વરુણ થાક્યા નહિ. પાકા દાંત આવ્યા ત્યારે આવીને ઊભા રહ્યા, બોલ્યા : ‘રાજા લાવ પુત્ર! તારી પ્રતિજ્ઞા પૂરી કર.’ રાજાએ વળી પાછું ક્ષત્રિયોચિત કવચધારણની યોગ્યતાનું બહાનું બતાવ્યું. વરુણે એ બહાનું પણ સ્વીકાર્યું.

હવે એ રાજપુત્ર રોહિત જ્યારે કવચધારણ કરવા યોગ્ય થયો ત્યારે એને પોતાની પાસે બોલાવીને રાજાએ બધી ઘટનાઓ સંભળાવી દીધી. રાજાએ કહ્યું : ‘બેટા, વરુણના વરદાનથી તું જન્મ્યો છે. અને હવે મારે મારી પ્રતિજ્ઞાનું પાલન કરવાનો સમય પાકી ગયો છે. તો હવે તું તૈયાર થઈ જા! દેવ માટે દેહસમર્પણ તો ઉત્તમ કાર્ય છે.’

હરિશ્ચન્દ્રની બધી વાતો રોહિત સાંભળી રહ્યો! પછી બાપની વાતને અવગણીને તે જંગલ તરફ નાઠો! યુવાન શરીર, વીરત્વની સ્ફુર્તિ, ગરમ લોહી! આવો છોકરો કંઈ એક નમાલાની પેઠે દેવનો બલિ થોડો થઈ જાય? હાથમાં ધનુષબાણ લઈને એ તો ચાલ્યો જંગલને માર્ગે! દિવસો વીત્યા, મહિના વીત્યાં, વરસો વીત્યાં! બાર બાર વરસો વીત્યા છતાં રોહિત પાછો ન ફર્યો! વરુણે તો એક જ વરસ રાહ જોઈ. પછી તો ક્રોધથી એણે રાજા હરિશ્ચન્દ્રના શરીરમાં ભીષણ રોગ દાખલ કરી દીધો! જલોદર રોગ રાજાને ઘેરી વળ્યો. જોત જોતામાં એનું પેટ વધી ગયું, ચહેરો પીળો પડી ગયો. આખી પ્રજા ચિંતિત થઈ ગઈ! આ પ્રત્યક્ષ દેવકોપથી સર્વત્ર હાહાકાર છવાઈ રહ્યો!

*****

રાજાના રોગની વાત સર્વત્ર દાવાનળની પેઠે ફેલાઈ ગઈ. ધીરે ધીરે આ વાત જંગલમાં ઘૂમતા રોહિતને કાને પણ આવી પહોંચી. સાંભળતાં જ રોહિતના મનમાં એક વિચિત્ર વળાંક આવી ગયો! એનો વનભ્રમણનો ઉત્સાહ જતો રહ્યો, એનું મન અશાંત થઈ ગયું; એને વનમાં ભાગી આવવાનું પોતાનું કાર્ય હલકું જણાયું, બાપ પર આવી પડેલી અચાનક આપત્તિનું કારણ એને પોતાનામાં જણાયું, એની આંખો સમક્ષ પિતાનો પૂર્વનો ચમકદાર ચહેરો દેખાયો! આજે રોગથી એનું માલિન્ય કલ્પતાં એનાં રૂવાડાં ઊભાં થઈ ગયાં. એણે પાછા વળવાનું વિચાર્યું. પણ વળી પાછો સ્વાર્થબુદ્ધિએ ધક્કો માર્યો : ‘ભાઈ શા માટે સ્વૈરવિહારી જીવનને તાળું મારે છે? જઈશ તો તો વરુણનો ભોગ બની જ જવાનો!’ આમ સ્વાર્થ – પરમાર્થ બુદ્ધિનું અંતર્દ્વન્દ્વ એ ઘણા સમય સુધી અનુભવી રહ્યો. એક તરફ જીવનરક્ષણ અને બીજી બાજુ હરિશ્ચન્દ્રને લાગતું કીર્તિનું કલંક!

છેવટે પરમાર્થ – બુદ્ધિનો વિજય થયો અને રોહિત પિતૃગૃહ તરફ ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં એને એક વિચિત્ર પુરુષનો ભેટો થયો. એના બળવાન ભરાવદાર શરીર પર બ્રહ્મતેજ પ્રકાશી રહ્યું હતું. રોહિતને સંબોધીને એ કહેવા લાગ્યો : ‘હે રોહિત! અમે સાંભળ્યું છે કે થાકી જનાર મનુષ્યને લક્ષ્મી વરતી નથી. ઉદ્યોગશીલ અને કર્મઠ પુરુષને જ લક્ષ્મી પસંદ કરે છે. પરમ ગુણીજન પણ ભાઈભાંડુઓ સાથે ઘરમાં જ પડ્યો રહે તો એ સમાજમાં અતિતુચ્છ જ લેખાય છે! ઈંદ્ર તો ઘૂમતા – ભમતાનો જ મિત્ર બને છે. તું ઘૂમતો રહે, ભમતો રહે, પણ ઘેરે પાછો ન જતો.’

એ પુરુષનો ઉપદેશ રોહિતના મનમાં વસી ગયો અને એક વરસ સુધી એ વનમાં ઘૂમતો – ફરતો જ રહ્યો. બીજા વરસે વળી થયું કે ‘લાવ, પાછો ઘરે જાઉં.’ પણ વળી પાછા એ જ વિચિત્ર પુરુષ – બ્રાહ્મણ દેવતા આવીને ઉદ્યોગની સ્તુતિ કરવા લાગ્યા : ‘પર્યટકની બંને જાંઘો લતાની પેઠે શોભિત થાય છે, એનો આત્મા ફલયુક્ત થાય છે. એનાં પાપ સદાને માટે તીર્થદર્શનથી સૂઈ જાય છે, એટલે તું ભમતો ફરતો જ રહે.’

વળી પાછું વધુ એક વરસ રોહિત વનભ્રમણ કરતો રહ્યો. ત્રીજે વરસે ઘર તરફ વળતી વખતે વળી એ જ વ્યક્તિએ આવીને એને રોક્યો. ચોથે અને પાંચમે વરસે પણ એવું જ બનતું રહ્યું રોહિતને ઘરે જતો રોકનાર અને ભ્રમણની પ્રેરણા આપનાર એ પુરુષ ઈંદ્ર હતા. એમણે રોહિતને વારંવાર એ ઉપદેશ દીધા કર્યો કે, ‘હાથ-પગ હલાવ્યા વગર બેસી રહેનારનું ભાગ્ય બેઠેલું જ રહે છે. પુરુષાર્થીનું ભાગ્ય ગતિશીલ રહે છે. સુષુપ્તિ કળિયુગ છે, નિદ્રાત્યાગ દ્વાપરયુગ છે, ઉત્થાન ત્રેતાયુગ અને સંચરણ સતયુગ છે… પર્યટનથી જ મધુ પ્રાપ્ત થાય છે.’ વગેરે વગેરે…

ઈંદ્રના ઉપદેશ પ્રમાણે ભ્રમણ કરતા રોહિતના મનમાં એક નવી વાત ઊગી નીકળી : ‘મારે બદલે કોઈ બીજા મનુષ્યનો બલિ આપીને આ કરજ હું ચૂકતે કરી શકું ખરો કે? યજ્ઞોમાં આમ પ્રતિનિધિ દ્વારા અનુષ્ઠાન કરવાનો રિવાજ તો ખૂબ પ્રચારમાં છે જ ને? આમ તો બેય વાતો સિદ્ધ થઈ જાય! વરુણેય પ્રસન્ન થાય અને મારું જીવન પણ બચી જાય!’

*****

સાંજનો સમય હતો. સૂર્યાસ્ત થતો જતો હતો અને અંધકાર ફેલાતો જતો હતો. એ વખતે રોહિતના મનમાં પેલું પહેલાંનું અંતર્દ્વન્દ્વ ઘમસાણ મચાવી રહ્યું હતું. એક બાજુ જીવનરક્ષા અને બીજી બાજુ પિતાનું કીર્તિકલંક! શું કરવું? એટલામાં એની નજરે એક ટૂટી-ફૂટી પર્ણકુટિ પડી. એને દરવાજે પાંચ વ્યક્તિઓ બેઠી હતી. એ પોતાના ભાગ્ય અને કર્મને રોઈ રહી હતી. અનાજ ન મળવાથી એનાં શરીર હાડપિંજર બની ગયાં હતાં. નિર્જન વનમાં એમની ભૂખ શમાવનાર કોઈ જ ન હતું દુ:ખસાગરથી બચવાનો એમને કોઈ આરોઓવારો દેખાતો ન હતો. એ પાંચમાં બ્રાહ્મણ પતિ પત્ની અને એમના ત્રણ પુત્રોનો સમાવેશ થતો હતો. બ્રાહ્મણનું નામ અજીગર્ત સૌયવસિ અને એના પણ પુત્રોનાં નામ અનુક્રમે શુન:પુચ્છ, શુન:શેપ અને શુનોલાંગુલ હતાં.

રોહિતે એ જોયું તેથી એ તરફ વળ્યો. એના જેવા ઓજસ્વી, પરાક્રમી અને પ્રભાવશાળી પુરુષને એકાએક પોતાની પાસે આવતો જોઈને એ લોકોએ થોડો હાશકારો અનુભવ્યો. રોહિતને પણ એમના મનોભાવો પારખતાં વાર ન લાગી. રોહિતને એમનું કશુંક ભલું કરવાનું મન થયું પણ પોતાના સ્વાર્થના ભોગે તો નહિ! એટલે એના મનમાં વિચાર આવ્યો કે આ બ્રાહ્મણપુત્રોમાંથી એકને ખરીદી લઉં તો કેવું? બ્રાહ્મણનું દુ:ખેય દૂર થશે અને મારી જિંદગીયે બચશે! પણ વળી પાછો વિચાર આવ્યો: ‘અરે, માબાપની ગોદમાંથી એનાં સંતાનને ઉઠાવી લેવાનું યોગ્ય છે શું?’ … ‘આ બિચારાં ગરીબ છે, ભૂખની ભૂતાવળે ભરખાયેલાં જેવાં છે. ભૂખના દુ:ખે પુત્ર વિક્રયનું પાપ ઉઠાવવાયે તૈયાર છે! પણ એમની પાસે એવો મર્મઘાતક પ્રસ્તાવ મૂકવો યોગ્ય છે શું?’…

રોહિતે પોતાના હૈયાની ગડમથલને પરાણે દબાવી બુદ્ધિનો આશરો લીધો અને માંડ માંડ બ્રાહ્મણ પાસે પોતાનો પ્રસ્તાવ મૂક્યો : ‘મારે એક બાળકને મારો પ્રતિનિધિ બનાવવાની જરૂર પડી છે. હું સો ગાયો આપવા તૈયાર છું તમે બંને વિચાર કરી લો.’

બ્રાહ્મણ દંપતીએ હકારમાં માથું હલાવ્યું એટલે રોહિતે મોટા દીકરા શુન:પુચ્છને પોતાની સાથે આવવા કહ્યું. આ સાંભળતાંવેંત અજીગર્ત વિહ્વળ થઈ બોલી ઊઠયો : ‘બેટા, પુત્ર તો પિતાની બધી આશાઓનો આધાર છે.’ હું તને કદાપિ નહિ વેચું.’ એટલે સૌથી નાના દીકરાને રોહિતે સાથે આવવા કહ્યું ત્યાં તો એની માતા બરાડી ઊઠી : ‘ભલે હું વેચાઈ જાઉં પણ આ નાનકાને તો નહિ જ વેચું! આ નાનકો તો મારો પ્રાણ છે!’ હવે તો લાચાર બની ને રોહિતે વચેટને જ – શુન:શેપને જ પોતાની સાથે લેવો પડ્યો. બિચારો વચેટ શુન:શેપ સો ગાયોના બદલામાં વેચાઈ ગયો!

*****

રાજકુમાર રોહિત આખરે હેમખેમ ઘેરે પાછો ફર્યો. સર્વત્ર આનંદ છવાઈ રહ્યો! રોહિતે પોતાનું માથું પિતાને ચરણે ઝુકાવ્યું. તે ગદ્‌ગદિત થઈ ઊઠયો! પિતાએ પુત્રનું મસ્તક સૂંઘ્યું. હરિશ્ચન્દ્રનું શરીર રોગસાગરમાં ડૂબતું જતું હતું. આજે જાણે કે એ ડૂબતાને તરણું મળી ગયું! એના ફીકા મોં પર આજે આશાનું સ્મિત રમી રહ્યું! કરમાયેલો ચહેરો ખીલી ઊઠયો. પુત્રના પાછા વળવા સાથે જીવવાની આશા પણ પાછી આવી! પણ પુત્રના બલિદાનનો વિચાર આવતાં એનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં! રોહિત તો એનું જીવન સર્વસ્વ હતો. રાજા રોહિતના ભવ્ય વ્યક્તિત્વને નિહાળી જ રહ્યો! આવા ભવ્ય પુત્રનું વરુણને બલિદાન આપવાનો વિચાર આવતાં જ હરિશ્ચન્દ્રનું હૈયું ચીરાઈ ગયું! પુત્રૈષણામાં આવેશમાં બોલાઈ ગયેલી પ્રતિજ્ઞાને એ નિંદવા લાગ્યો. પુત્રપ્રેમ અને લોકપ્રેમ – પ્રતિજ્ઞા પ્રેમ વચ્ચે એના મનમાં ધમસાણ મચી રહ્યું. પુત્રપ્રેમ અને પ્રતિજ્ઞાપ્રેમની એષણાઓ (તૃષ્ણાઓ)નું અંતદ્વન્દ્વ મચી રહ્યું!

છેવટે રાજાનો પ્રતિજ્ઞાપ્રેમ – (કર્તવ્યબુદ્ધિ) જીત્યો. પછીથી જ્યારે એને ખબર પડી કે રોહિતે પોતાનો પ્રતિનિધિ તૈયાર કર્યો છે એ જાણીને રાજાના આનંદનો પાર ન રહ્યો, એણે એ પ્રસ્તાવ વરુણદેવ આગળ મૂક્યો- ક્ષત્રિયપશુને બદલે બ્રાહ્મણપશુના બલિથી વરુણ તો રાજી થઈ ગયા. એમણે રાજાને કહ્યું કે ‘તો પછી હવે વાર શાની છે? રાજસૂયના અભિષેચનીય યાગમાં આ પશુનું આલંભન – બલિદાન – થવું જોઈએ’, આમ, વરુણનો સ્વીકાર પામી હરિશ્ચન્દ્ર હરખથી ઘેલો થઈ ઊઠયો. અંતર્દ્વન્દ્વ શમી ગયું.’

*****

હરિશ્ચન્દ્રની રાજધાનીમાં રાજસૂય યજ્ઞની અંતર્ગત અભિષેચનીય યાગ કરવાની જોરશોરથી તૈયારીઓ થવા માંડી – ફાગણ સુદિ એકમના રોજ યજ્ઞનો પ્રારંભ થવાનો છે, ત્યારથી બરાબર એક વરસ પછી ચૈત્ર સુદિ એકમે અભિષેચનીય યાગની દીક્ષાનું શુભ મુહૂર્ત છે. રાજાએ વિધિવત્ દીક્ષા લીધી. હવે પાંચ દિવસ સુધી ‘ઉપસદ’નું અનુષ્ઠાન થતું રહ્યું. પાંચમો દિવસ ‘સુત્યા દિવસ’ છે હવે સોમલતાનું અભિષવણ કરીને એને પીસીને રસ કાઢીને – આહુતિ દેવાનો વિધિ છે. આજે નરપશુના બલિદાનનો વારો છે. દર્શકોમાં ભારે કૌતુક અને ઔત્સુક્ય છે. અનુષ્ઠાનને મોભાદાર કરવા રાજાએ વિદ્વાન મહર્ષિઓ નિમંત્ર્યા છે. વિશ્વામિત્ર હોતા, જમદગ્નિ અધ્વર્યુ, વસિષ્ઠ, બ્રહ્મા અને અયાસ્ય ઉદ્‌ગાતા બન્યા છે. સામે વેદીઓમાં સમિધાથી જ્વાલામય અગ્નિઓ જલી રહ્યા છે, એના ધૂમાડે આકાશ ભરાઈ ગયું છે. ખદીરમાંથી બનેલો યૂપ દેખાય છે એની પાસે સુગંધી પુષ્પમાળાથી શણગારેલો શુન:શેપ નસીબની એરણ પર ઘણની રાહ જોતો જાણે કે ઊભો છે. જમદગ્નિએ કુશયુક્ત પ્લક્ષવૃક્ષની શાખાથી શુન:શેપને મંત્રથી અભિમંત્રિત કર્યો અને ઉપાકરણવિધિ પૂરો કર્યો. પણ પુરુષની કમર, માથું અને પગ દોરડાંથી બાંધવાની ક્ષણ આવતાં જ તેમનું હૈયું હચમચી ગયું! એમનું કોમળ હૃદય ક્રૂર-કર્મની વાત આવતાં જ પીગળી ગયું! એમનું આ અસામર્થ્ય જોઈને વસિષ્ઠે આ કામ અજીગર્ત કરે એવો પ્રસ્તાવ મૂક્યો. સગા બાપે એક સો ગાયો વધુ લઈને પુત્રને દોરડાંથી બાંધી યજ્ઞ સ્તંભ સાથે મુશ્કેટાટ બાંધ્યો અને એના આગલા ભાગને યૂપ સાથે જોડી દીધો!

પ્રેક્ષકોમાં ખળભળાટ મચી ગયો, સૌના મોંમાંથી ધિક્કાર શબ્દ નીકળી ગયો! ત્યાર પછી અધ્વર્યુએ ‘આપ્રી મંત્રો’થી વધ્ય પશુના આપ્રી સંસ્કાર કર્યા. દર્ભની ત્રણવાર પ્રદક્ષિણા કરી, ‘પર્યગ્નિકરણ’ પણ કરાયું. પણ શુન:શેપના આલંભન-વધનો સમય આવતાં જ જમદગ્નિ દર્યાર્દ્ર થઈને પાછા ફર્યા! હવે? આ તો મોટી આફત!  આલંભન – વધ – વગર તો અનુષ્ઠાન પૂરું કેમ થાય? બધા ઋષિઓ નિરાશ થઈ હાથ પર હાથ રાખી બેસી રહ્યા! પણ અજીગર્તના હૃદયમાં તૃષ્ણા – તાંડવનૃત્ય કરી રહી હતી. હજુયે જો સો ગાયો વધારે મળે તો તે પોતાના જ હાથે સગા દીકરાની હત્યા કરવા તૈયાર હતો!!

યૂપે બાંધેલ બિચારો શુન:શેપ તો હજુએ એવા ખ્યાલમાં હતો કે પર્યગ્નિકરણ સંસ્કાર પછી એને યૂપથી છોડવામાં આવશે. કારણ કે નરમેધમાં એવી પ્રાચીન પ્રથા હતી. પણ જ્યારે એણે પોતાના પિતાના હાથમાં ચમકતી તલવાર જોઈ, ત્યારે એને નક્કી થઈ ગયું કે હવે આવી બન્યું! તલવારની તીક્ષ્ણ ધાર પર નજર માંડતા અજીગર્તને જોઈને શુન:શેપ અને પ્રેક્ષકોના આશ્ચર્યની સીમા ન રહી. કોઈને પોતાની આંખો પર વિશ્વાસ બેસતો ન હતો! સગો બાપ ધનની તૃષ્ણાએ પોતાના પુત્રને ગળે તલવાર ચલાવવા તૈયાર થાય, એનું હૃદય કઈ ધાતુનું ઘડાયેલું હશે? કાંચનની તૃષ્ણાએ હૈયાના ટુકડાને સ્વહસ્તે જ હણનાર આ તે કેવો પિતા?

શુન:શેપની માનસિક વ્યથાનો તો કોઈ પાર જ ન હતો! એને પોતાનું શૈશવ યાદ આવ્યું, ત્યારનું અજીગર્તનું હેત પણ યાદ આવ્યું. આજે કેમ આ તદ્દન વિપરીત ચિત્ર છે? હાય રે ધનની માયા! સજ્જનને ય કુમાર્ગે લઈ જનારી ધનતૃષ્ણા! સજ્જનને ય દુર્જન બનાવનાર હે સુવર્ણ! સંસાર પર તારું આટલું બધું સામ્ર્રાજ્ય? અજીગર્ત જેવો પ્રેમાળ પિતા પણ કાંચન માટે કલંકિત થઈને સમાજમાં ફિટકારને પાત્ર બની ગયો! સાચી વાત છે : ભૂખ ભૂંડી છે માણસ ભૂંડો નથી…

ખેર, નિરુપાય બનેલા શુન:શેપે હવે ઋત્વિજોની સલાહથી વિશ્વસંચાલક અને વિશ્વસંરક્ષક ઈશ્વરીય વિભૂતિઓની પ્રાર્થના આદરી. એણે પ્રજાપતિ, વિશ્વેદેવા, અગ્નિ, ઈંદ્ર, અશ્વિન, ઉષા તથા વરુણની સ્તુતિ શરૂ કરી. એની ગાઢ હૃદયભક્તિ મંત્રરૂપે વહેવા માંડી. વરુણ સ્તુતિના મંત્રોએ અને સૂક્તોએ યજ્ઞમંડપ અને સભામંડપ ગજાવી મૂક્યો :

‘હે સર્વજ્ઞ હે અંતર્યામી વરુણ! આપ પોતાની વ્યાપક દર્શનશક્તિથી પ્રાણીઓના હૃદયની વાતોને જાણી લો છો. હે દિવ્ય દેવ! હું તો તમારી પ્રજા છું. મેં રોજ આપના નિયમોનો ભંગ કર્યા કર્યો છે. એટલા માટે મને શત્રુના પ્રાણઘાતક શસ્ત્રોનો ભોગ ન બનાવો અને કોઈ વેરીના ક્રોધનું પાત્ર પણ ન બનાવો. આપ તો સમ્ર્રાટ – સુવર્ણકવચધારી અને મહાલયનિવાસી છો, ચોમેર દૂતોથી આપ ઘેરાયેલા છો આપને મારી એક જ વિનંતી છે કે આપ મારા ઉપરના, કમરનાં અને પગના  પાશને – બંધનને – દૂર કરી દો; મારી જીવનરક્ષા કરો.’

સાચા ભક્તની પ્રાર્થના કદી વિફળ જતી નથી. સભાજનોની અચરજભરી આંખોએ જોયું કે એક ક્ષણમાં શુન:શેપને બાંધનારાં દોરડાં તૂટી ગયાં! વરુણે બલિનો સ્વીકાર કરી લીધો. શુન:શેપ મુક્ત થઈ ગયો! આનંદ અને આશ્ચર્યથી સભાજનોએ જયઘોષ કરીને સભામંડપ ગજાવી મૂક્યો.

સમ્ર્રાટ હરિશ્ચન્દ્ર પણ એક ક્ષણમાં વ્યાધિમુક્ત થઈ ગયા.ઋત્વિજોના હૃદયમાં દેવસ્તુતિનું ત્વરિત ફળ જોઈને આનંદ થયો. તેમણે વરુણના કૃપાપાત્ર બનેલા શુન:શેપને જ અભિષેચનીય યાગની સમાપ્તિ (સંસ્થા) માટે ચૂંટયો. શુન:શેવે ‘અંજ:સવ’ નામના સોમયાગનું સુંદર સંચાલન કર્યું. પહેલાં બે પ્રસ્તરખંડોથી પીસીને એનો અભિષવ – રસ – કાઢવામાં આવ્યો. પછી એને દ્રોણકલશમાં રાખીને ‘ઊર્ણા’થી બનેલ પવિત્રથી ગાળવામાં આવ્યો. પછી ખાસ મંત્રોથી શુન:શેપે અગ્નિમાં આહુતિ આપી. અગ્નિમાંથી જવાળાઓ ઊઠવા લાગી. યજ્ઞ પૂરો થયો.

******

સ્વજનોના દુર્વ્યવહારની અસર બહુ ઊંડી હોય છે. ઘરનાં જ ઘાતકી બને તે જોઈને તો લાગણીશીલ હૃદય પારાવાર વેદના અનુભવે છે. એવે વખતે ભાંગેલું હૈયું ભાવની શોધમાં ઘૂમે છે. શુન:શેપની દશા એવી હતી. શુન:શેપે પિતાને રત્ન માન્યા પણ એ તો અંગારો નીકળ્યા! એણે માનેલી રેશમની દોરી ઝેરીલો સાપ નીકળી! અજીગર્તના દુર્વ્યવહારે શુન:શેપના હૃદયના ટુકડા કરી નાખ્યા. હવે એ ક્યાંય સ્નેહ મળે એની શોધમાં નીકળ્યો. એની નજર વિશ્વામિત્ર પર પડી એ કારુણ્યમૂર્તિ જોઈને એનું હૃદય પીગળી ગયું. એ એને શરણે ગયો. પણ અજીગર્તને એ ગમ્યું નહિ. એણે પોતાના પુત્રને કહ્યું : ‘તું તો આંગીરસ ગોત્રનો અને અજીગર્તનો પુત્ર છે; વિદ્વાન અને મંત્રદૃષ્ટા ઋષિ છે. પૈતૃક તંતુને તોડીશ નહિ. પિતા તરીકે હું હાજર હોવા છતાં વિશ્વામિત્રનો પુત્ર બનવાનું તને છાજતું નથી.’

હજુ હમણાં જ ભયંકર કૃત્ય કરવા તૈયાર થયેલા પિતાનાં અત્યારે આવાં મીઠાં વચન સાંભળી શુન:શેપ ક્રોધથી ધુવાંપુવાં થઈ કહેવા લાગ્યો : ‘શૂદ્ર પણ ન કરે તેવું પુત્રવધનું અધમાધમ કૃત્ય કરનાર કરાલ માનવ જ મને તમારામાં દેખાઈ રહ્યો છે! તમને તમારા દીકરા કરતાં ત્રણસો ગાયો વધારે વહાલી લાગી હતી!’

અજીગર્ત બોલ્યો : ‘પસ્તાવો તો પાપ ધોનાર ઝરણું છે. બેટા, હું એ માટે ખૂબ જ પસ્તાઉં છું. આ ગાયો તારી છે, તું જ એને લઈ લે.’

શુન:શેપ બોલ્યો : ‘ઘોરતમ પાપનું પ્રાયશ્ચિત્ત હોતું જ નથી! એકવાર પાપના કીચડમાં ફસાયેલો મનુષ્ય પછી કોઈ દિવસ પાપાચરણથી અટકતો નથી. સામાન્ય જનો તો ભૂલ કરે પણ શાસ્ત્રજ્ઞની નાની શી ભૂલ અક્ષમ્ય જ છે. હૃદયને કોઈક ખૂણે પુત્રપ્રેમ જેવું કંઈક હોય તો તો હજુયે ઠીક પણ તમારામાં તો એનો છાંટોય નથી. તમે પોતાને હાથે, પોતાના પુત્રનો વધ કરવા તૈયાર થયા!’

આ સંવાદ સાંભળતા વિશ્વામિત્રે વાતચીત પૂરી કરવા થોડે ઊંચે અવાજે અજીગર્તને ટપાર્યો : ‘ખરેખર આ નીચ કામનું નિરાકરણ કોઈ પ્રાયશ્ચિત્તથી નહિ થાય! ઋત્વિજોએ તને ત્યારે જ પારખી લીધો હતો કે જ્યારે ભરી સભામાં પુત્રવધ માટે તલવારની તું ધાર કાઢી રહ્યો હતો! સગા બાપનું આવું દયાહીન હૃદય! મનની આટલી તૃષ્ણા!! સામાન્ય સંબંધોનો આટલો ઉપહાસ! આજથી શુન:શેપ મારો પુત્ર બન્યો છે. તારી લાલચુ નજર એના પરથી હટાવી લે,જા હવે!’ અજીગર્તનો ચહેરો કરમાઈ ગયો; માથું નીચે ઢળી ગયું. લોભી બાપે ધનની વેદી પર પુત્રનું બલિદાન કરી દીધું! હવે પિતા-પુત્ર વચ્ચે હમેશ માટે કશી લેવાદેવા ન રહી! હૈયાંની ભાવના આગળ લોહીની સગાઈ શરમાઈ ગઈ.

સંદર્ભો :  (૧) ઋગ્વેદ, ૧/૨૪/૩૦;  (૨) ઐતરેય બ્રાહ્મણ, ૭/૧;  (૩) નીતિમંજરી પૃ.૨૦ – ૨૫.

Total Views: 24

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.