રામકૃષ્ણ મિશન, મુંબઈમાં ‘ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની આગવી પરિકલ્પના’ વિશેના ૨૨ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ યોજાયેલ પરિસંવાદમાં પોતાના મુખ્ય અને ઉદ્‌ઘાટન સંભાષણમાં રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજે આપેલ અંગ્રેજી વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. – સં.

 શબ્દકોષ પ્રમાણે ‘રિજ્યુવિનેશન’ એટલે પુન: સંજીવન બનવું, તરોતાજાં બનવું કે નવયુવાન બનવું. વિસ્તૃતિથી જોઈએ તો આ શબ્દના આવા અર્થો કરી શકાય. પુનર્જન્મ, ધાર્મિક કે સામાજિક નવસુધારણા, નવજાગરણ, વગેરે. પુન: પ્રાપ્તિ, તાજગી, પુનર્જાગૃતિ એવો પણ એનો અર્થ થાય છે.

કેટલાક લોકોએ સ્વામી વિવેકાનંદને પુનરુત્થાનવાદી હોવાની ટીકા કરી છે. આ ટીકામાં એક ઘૃણાનો ભાવ પણ છે. સાથે ને સાથે બીજા કેટલાક લોકોએ ભારતના નવસુધારણાના યુગમાં કંઈક છડીદાર તરીકે કામ કર્યું છે એ માટે એમની પ્રશંસા પણ કરી છે. પણ બુદ્ધિવાદીઓ કે તર્કવાદી ઇતિહાસકારો આ દાવાને પણ પડકારે છે ખરા. જેમ ઈટાલીમાં બન્યું હતું તેમ સ્વામી વિવેકાનંદે ખરેખર કલા, કેળવણી, સ્વશિક્ષણ વગેરેની બાબતમાં પુનર્જાગૃતિનો મહાન રસ ઊભો કર્યો હતો કે કેમ એ વિશે આવા લોકો પ્રશ્નાર્થ સેવે છે. અમારો સુનિશ્ચિત અભિપ્રાય એ છે કે એમની પરિકલ્પના મુજબનું ભારત પુનર્જાગૃત ભારત બનશે. સ્વામી વિવેકાનંદનું સાહિત્ય પોતાની ભાવિભારતની પરિકલ્પનાનાં બે ચિત્ર આપણી સામે સ્પષ્ટપણે રજૂ કરે છે. પહેલું, તેમણે પોતે જ કહ્યું છે : ‘પ્રથમ પરિકલ્પના તો હું મારી નજર સમક્ષ સ્પષ્ટપણે જીવનની જેમ જોઈ શકું છું – એટલે કે પહેલા હતી તેના કરતાં પણ વધુ ભવ્ય રીતે આ પ્રાચીન ભારતમાતા ફરીથી જાગી છે અને પુનર્જાગૃત અને સંજીવની પ્રાપ્તિ કરીને પોતાના સિંહાસન પર બિરાજેલી છે.’ બીજું એમણે જે પોતાની દૂરંદેશીથી જોયું તે એ હતું કે આ નવજાગૃત ભારતે વિશ્વ માટે થોડું વધારે અને મહત્ત્વનું પ્રદાન પણ કરવાનું છે. તેમણે એ પણ જોયું હતું કે પૂર્વે ન જોયેલાં એવાં સુધારણાનાં ઐતિહાસિક પરિબળો વિશ્વમાં વ્યાપી જશે અને એમણે ઉદ્‌ઘોષણા કરી – ‘આવે સમયે ભારત એમનું મધ્યસ્થ કેન્દ્ર હશે.’ સુધારણા કરતાં પુનર્જાગરણ વાસ્તવિક રીતે અલગ છે. વિવેકાનંદના સમયના રાષ્ટ્રિય નેતાઓની પણ આ જ તાતી માગ હતી. આમાંના દરેકે દરેક પરિવર્તન અને સુધારણા માટે પોતાની ઇચ્છા પ્રમાણે સામાજિક પ્રણાલિકા નીપજાવવા પ્રયત્નશીલ રહ્યા હતા. સ્વામી વિવેકાનંદ જે મૂળભૂત અને પાયાનાં પરિવર્તનો આવશ્યક હતાં, તેને બદલે આવી સામાજિક સુધારણાના તેઓ સંપૂર્ણપણે વિરોધમાં હતા. નવજાગરણ કે સમાજસુધારણાની સ્વામીજીની કામ કરવાની પ્રણાલી પણ પેલા નેતાઓ કરતાં અલગ હતી. તેમણે કહ્યું છે: ‘એ બધા કહેવાતા સુધારકોની પ્રણાલી ખંડનાત્મક છે અને મારી પ્રણાલી રચનાત્મક છે. હું આવી સુધારણામાં માનતો નથી. પરંતુ હું તો વિકાસમાં માનું છું.’

ભગિની નિવેદિતાએ લખ્યું છે : ‘ભારત સ્વામીજીના હૃદયમાં ધડકતું હતું. એની નાડીઓમાં ભારતના ધબકારા હતા. ભારત તો એનું દીવાસ્વપ્ન હતું. એમને માટે ભારત ઓથાર હતું.’ તેમણે એમ પણ કહ્યું છે કે તેમનાં હૃદયપ્રાણ સંપૂર્ણપણે ભારતનું અગ્નિકણ સમું મહાકાવ્ય હતું. એમના નામમાત્રથી એક અદ્‌ભુત પ્રેમપ્રવાહને તેઓ સ્પર્શી જતા. એક વખત સ્વામીજીએ કહ્યું હતું તેમ તેઓ ‘ઘનીભૂત ભારત’ બન્યા. ભારત અને તેના લોકો માટેની પ્રેમભર્યાં ચિંતા, સમજણ, માન-આદર જેટલાં સ્વામીજી પાસે હતાં તેટલાં ભાગ્યે જ બીજા કોઈ ભારતીય પાસે હશે!

ભારતના ભવ્ય અને ગૌરવભર્યા ભૂતકાળ, તેમજ માનવ ઇતિહાસના ભિન્ન ભિન્નકાળે વિવિધ સંસ્કૃતિઓને પ્રેરણા મૂલ્યોના ખજાના રૂપે ભારતની દૃઢ સંકલ્પના સ્પષ્ટપણે ધરાવતા હતા. એનાથીયે વધારે મહત્ત્વનું તો એ છે કે તેઓ પ્રાણપણે માનતા હતા કે ભારતનું નવજાગરણ આવશ્યક હતું અને તે પણ માત્ર પોતાના માટે નહિ પરંતુ સમગ્ર વિશ્વનાં ક્ષેમકલ્યાણ માટે. પોતાના મનમાં આ સ્પષ્ટ ધ્યેય સાથે સ્વામીજીએ પોતાના સંક્ષિપ્ત જીવનકાળ દરમિયાન શાશ્વત-સનાતન ભારતમાં પોતાની માતૃભૂમિમાં નવી તાજગીભરી શક્તિ ઉમેરવા તથા તેમને નવજાગૃત કરવાના પ્રયત્ન કર્યા.

આમ હોવા છતાં પણ હું માનું છું કે પોતાના સમયના ભારતના નવજાગરણની પોતાની આગવી દૃષ્ટિ પ્રમાણે સ્વામી વિવેકાનંદના નવજાગરણ વિશેની પરિકલ્પનાની આપણને બધાને બહુ પડી નથી. વિચારો અને આદર્શોથી તરબોળ એવા પૂરેપૂરા મૂલ્યવાન તર્કો કે વિચારો એમણે આપણી સામે મૂક્યા છે. સાથે ને સાથે તેમાંથી આજના ભારતને વધુ ને વધુ પ્રેરણા પણ સાંપડી રહે તેમ છે. એ વાતમાં શંકા નથી કે છેલ્લા એકાદ સૈકાથી ભારતમાં વિસ્તૃત પરિવર્તનો આવ્યાં છે. સ્વામી વિવેકાનંદે ભવિષ્યવાણી કરી હતી તે પ્રમાણે ભારતને રાજકીય સ્વાતંત્ર્ય તો તેના સમયે મળી ગયું. પરંતુ આ સ્વાતંત્ર્યપ્રાપ્તિ લોહીયાળ બની રહી. ભૌગોલિક દૃષ્ટિએ અખંડ ભારતને પ્રથમ વખત બે ભાગમાં વહેંચવામાં આવ્યું. પાછળથી એના ત્રણ ખંડ પણ થયા. (ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ) એમાંથી ભારત એક મોટા રાષ્ટ્ર તરીકે ઉપસી આવ્યો.

ભારત રાષ્ટ્રરૂપી ઘરનો પુનરુદ્ધાર કરવો કે એમાં પશ્ચિમની કેટલીક તાજી હવા લાવવી એનાથી સ્વામીજી સંતુષ્ટ ન હતા. વર્તમાનનાં મૂળિયાં ભૂતકાળમાં હોય છે. અને એટલા માટે ભૂતકાળ પ્રત્યેની આદર અને પ્રશંસાની દૃષ્ટિ આવશ્યક છે. સાથે ને સાથે ઉજ્જ્વળ ભાવિ માટે બીજા અન્ય સ્રોતમાંથી જ્ઞાન અને કૌશલ્યને આવકારવા મનની ઉઘાડી બારી પણ જરૂરી છે. એક વખત વિવેકાનંદે કહ્યું હતું : ‘પાછળ દૃષ્ટિ કરો.. પાછળ રહેલા શાશ્વત સ્વયંભૂ ઊંડા ઝરણાનું પૂરેપૂરું પાન કરો.. આપણા અસ્તિત્વનાં તત્ત્વોને આપણે શીખવાં પડે. આપણી નસોમાં વહેતા લોહીને પણ જાણવું પડે. આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ.. આપણા ભૂતકાળમાં. આ શ્રદ્ધામાંથી તેમજ આપણા ભૂતકાળની મહાનતાની જાગૃતિમાંથી આપણે ભારતભૂમિ હતી તે કરતાં પણ વધારે સારી અને મહાન ભૂમિનું સર્જન કરવું જોઈએ.’

સ્વામી વિવેકાનંદની આ ઐતિહાસિક દૂરંદેશિતાએ એમને આવી ઉદ્‌ઘોષણા કરાવી કે ધર્મ જ ભારતનો મેરુદંડ છે. ‘ધર્મને જે રીતે સમાજમાં લાગુ કરવો જોઈતો હતો એ રીતે લાગુ કર્યો નથી’ આ હકીકતમાં જ આપણા સમાજની બધી બુરાઈઓનું મૂળ કારણ રહેલું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધર્મમાં જ આપણા જીવનની સમસ્યાઓનો સામનો અને ઉકેલ છે, જીવન જ વિકાસ કે ઉન્નતિની રીતિરેખા છે અને ભારતનાં ક્ષેમકલ્યાણની ઢબછબ પણ ધર્મ જ છે. ઈશ્વર અને સત્ય જ ભારતની સંસ્કૃતિમાં એક માત્ર રાજનીતિ છે, એવી દૃઢ શ્રદ્ધા સાથે તેમણે સ્પષ્ટપણે ભારતીય મૂલ્ય પ્રણાલીના સ્વરૂપને ઓળખી કાઢ્યું. એમની દૃષ્ટિએ લોકોની આવશ્યકતાઓનો નિકાલ ‘આપણા ધર્મને વળગી રહીને તેમજ સમાજના લોકોને સ્વાતંત્ર્ય આપીને’ લાવી શકાય. સ્વામી વિવેકાનંદે ત્યાગ અને સેવા એ જ ભારતના બે રાષ્ટ્રિય આદર્શ છે એ શોધી બતાવ્યું. તેમણે વધુમાં કહ્યું છે : ‘આ આદર્શોમાં ભારતને વહેતું કરો અને બાકીનું બીજું તો બધું એની મેળે થઈ રહેશે.’ ‘પશુમાનવમાંથી ઈશ્વર તુલ્ય માનવ સુધીનું પુન: સંજીવનીકરણ’ એ ભારતનું મિશન છે. એટલે જ ભારતનું અંતિમ ધ્યેય સમગ્ર માનવજાતના આધ્યાત્મિકીકરણમાં હોવું જોઈએ.

‘ધ વંડર ધેટ વોઝ ઈંડિયા’ નામના પોતાના પુસ્તકમાં પ્રોફેસર એ.એલ.બાશામે ભારપૂર્વક કહ્યું છે કે ભારતની પ્રાચીન સંસ્કૃતિએ ઇજિપ્ત, મેસોપોટેમિયા, ગ્રીસ, જેવી પ્રાચીન સંસ્કૃતિઓ કરતાં કોઈ પણ ભંગાણ કે પતન વિના પોતાની પ્રાચીન પ્રણાલીઓને વધુ સારી રીતે જાળવી રાખી છે. એમની દૃષ્ટિએ માનવતા અને સંસ્કારિતા એ ભારતની પ્રાચીન સંસ્કૃતિનું સૌથી નજરે ચડી આવતું લક્ષણ છે. ઉપર્યુક્ત શીર્ષકના પોતાના ગ્રંથના બીજા ભાગમાં પ્રો. એસ.એ.એ. રિઝવીએ પણ બતાવ્યું છે કે જે રીતે પર્શિયા – ઈરાનમાં મુસ્લિમોના આક્રમણ વખતે થયું તે પ્રમાણે ભારતમાં મુસ્લિમ શાસન વખતે દેશની પ્રાચીન સંસ્કૃતિનો વિનાશ ન થયો. બ્રિટિશ શાસન દરમિયાન પણ આ દેશ પોતાની પ્રાચીન સંસ્કૃતિનાં મૂળ તત્ત્વોને વળગી રહ્યો. ૧૯૪૭માં આપણને મળેલી સ્વતંત્રતા પછી આના પર પ્રહારો પણ થયા છે. ૧૯૯૮માં આપણી આઝાદીનાં પચાસ વર્ષમાં આપણા દેશના વિકાસનું ચિત્ર આવું છે :

હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્ષ (એચડીઆઈ) દ્વારા ભારતને વિશ્વનાં ૧૭૪ રાષ્ટ્રોમાંથી ૧૨૮મું સ્થાન આપ્યું છે. વસ્તી તો એક અબજને આંબી ગઈ છે. આ વસ્તીના ૫૫.૭ % લોકો – જેમની ઉંમર ૧૫ અને તેથી વધુ છે, – ભણેલા છે. કુલ વસ્તીના ૧૯ % લોકોને પીવાનું શુદ્ધ જળ પણ મળતું નથી, ૨૫ % લોકોને આરોગ્ય સેવાઓ સાંપડતી નથી. ૭૧ % લોકોને ઘરની તંદુરસ્તી જળવાઈ તેવી ગટર વગેરેની વ્યવસ્થા પણ નથી. ૩૫ % લોકો ગરીબીરેખા હેઠળનું જીવન જીવે છે. રાષ્ટ્રીય આવકનો ૮.૧ % ભાગ ૨૦ % જેટલા અત્યંત ગરીબોને ફાળે જાય છે. એની સામે દેશના ૨૦ % ધનિકો આ રાષ્ટ્રીય આવકનો ૪૬.૧ % જેટલો હિસ્સો ભોગવે છે. આ છે આપણા વિકાસમાં જેની પાસે છે અને નથી એવા વચ્ચેની ઊંડી ખાઈનું ચિત્ર.

બીજી બાજુએ વિવિધ ગણતરી પ્રમાણે ભારતનું પર્યાવરણ એટલું ખરાબ નથી. ૧૯૯૦ થી ૯૫ના સમયગાળા દરમિયાન જંગલો કાપવાનો વાર્ષિક દર શૂન્ય હતો. કાર્બન વાયુનું પ્રમાણ ૧૯૯૬માં ૪.૨ % હતું જે યુ.એસ.એ.માં ૨૨.૨ % છે. ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રમાં કાર્ય કરતા વૈજ્ઞાનિકોની સંખ્યામાં વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે, એ પણ ગૌરવની વાત છે.

અલબત્ત, આ બધાં મૂલ્યાંકનો યુરોપિયન વિકાસલક્ષી આદર્શના આધારે થયાં છે. આ આદર્શ આર્થિક, સામાજિક, રાજનૈતિક, નાગરિક અને સાંસ્કૃતિક એ પાંચ કક્ષાના હક્કને લોકશાહીમાં અપાતાં માન-આદરની ઉદ્‌ઘોષણા કરે છે. અહીં આ પાંચ કક્ષાને જ માન્ય ગણવામાં આવે છે. ધર્મ અને આધ્યાત્મિકતાને એમાં ક્યાંય સ્થાન નથી. ઉદારમતના ચિંતકોએ આ આદર્શને પૂરતો ગણ્યો નથી અને ઇતિહાસના અભ્યાસ દ્વારા પણ એ જોઈ શકાય કે આ આદર્શ પ્રમાણમાં ઓછો પૂર્ણ છે. આની સામે સ્વામી વિવેકાનંદે દરેક માનવ મૂળભૂત રીતે દિવ્ય છે આધ્યાત્મિક છે, એ આદર્શ પર આધારિત એક અનુસરણીય પથ રજૂ કર્યો છે. ભૌતિકવાદી સંસ્કૃતિ કે સભ્યતા એ અપૂર્ણ છે. ઉપરાંત આધ્યાત્મિકતાની આધારભૂમિકાવાળી સંસ્કૃતિ માનવને પોતાની જીવનરીતિના વિકાસમાં મદદ કરે છે. એટલું જ નહિ, આઘાતોને ઝીરવી શકે છે અને શાંતિ તથા સુખાકારી તરફ દોરી જતા સુદીર્ઘકાળના વિકાસને સ્થિતિસ્થાપક બનાવે છે.

એક બાજુ દેશના વિભાજનની અસરો, સામાજિક આર્થિક પરિસ્થિતિમાં અસંતુલિત વિકાસ, હાલના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રની પ્રગતિ અને સામાજિક, રાજનૈતિક વિચારોમાં સંપૂર્ણ અને પાયાનાં પરિવર્તનોએ આ દેશની મૂલ્યનિષ્ઠ પ્રણાલીને હચમચાવી દીધી છે. ભારત ઘણા સુદીર્ઘકાળથી શાંતિ અને સંવાદિતાની ભાવના અને ચાહના માટે સુખ્યાત છે. એને સ્થાને કોમ-કોમ વચ્ચેની વિસંવાદિતાની ભૂમિમાં એ પરિવર્તિત થઈ રહ્યું છે અને ત્રાસવાદનો શિકાર પણ બની રહ્યો છે. યુ.એન.ડી.પી.ના ૨૦૦૦ના વિશ્વના વિકાસના અહેવાલ પ્રમાણે આજની વૈશ્વિક પરિસ્થિતિ વિશે આપણે કહી શકીએ કે વિશ્વવ્યાપી ક્ષેત્રે આર્થિક, સામાજિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક અસંતુલન આજે જેટલું છે એનાથી વધારે ક્યારેય ન હતું. વૈશ્વિકીકરણ અને પ્રૌદ્યોગિકીય ઉત્ક્રાંતિએ સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે તેમજ જુદા જુદા સમાજોમાં અસંતુલનના નવા વર્ગો ઊભા કર્યા છે. આની આડઅસરના પ્રભાવે વિરોધી ભાવના તણાવને આંતરરાષ્ટ્રિય, રાષ્ટ્રિય અને સ્થાનિક કક્ષાએ અણધારી રીતે વધારી દીધા છે.

ભારતનો ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં ભારતની મોટા ભાગની વસતી રહે છે, ત્યાં લોકો આજે પણ જીવનના ધ્યેય રૂપે આધ્યાત્મિકતાને વળગી રહ્યા છે. આની સામે શહેરી વિસ્તારના લોકો આંધળાની જેમ પશ્ચિમની ભૌતિકવાદી સભ્યતા કે સંસ્કૃતિની વાનરનકલ કરી રહ્યા છે. એમને એનું પણ ભાન નથી કે આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ એ અનન્ય અને શાશ્વત ટકી રહેનારી છે. નિખાલસ રીતે વાત કરીએ તો શહેરી સમાજને પશ્ચિમની ભૌતિક સંસ્કૃતિનું ઘેલું લાગ્યું છે, એમાંના બહુ થોડાઘણા લોકો પ્રાચીન માન્યતામાં સહભાગી બને છે પણ સર્વસ્વીકૃત ધોરણે લોકોના વર્તનને નિયમનમાં રાખવો મુશ્કેલ બની ગયો છે. નૈતિક કે સદાચારની દૃષ્ટિએ સુગઠિત બનવાને બદલે તેમજ સર્વસ્વીકૃત વર્તનના નિયમ પર વિશ્વાસ રાખવાને બદલે આજના સમાજો મૂંઝવણમાં ફસાઈ ગયા છે. એનું કારણ એ છે કે અત્યારે સર્વસ્વીકૃત વર્તન-ધોરણના માનાંકોમાં અચોક્કસતા જોવા મળે છે. અને વળી વિશ્વ તો એક વૈશ્વિક ગ્રામ તરફ આગળ વધી રહ્યું છે. તેમજ બીજા દેશોમાં અને એમાંય ખાસ કરીને પશ્ચિમમાં આવતાં ઝડપી પરિવર્તનોને કારણે સમસ્યાઓ પણ વધતી જ જાય છે. આપણા ભારતદેશના પ્રબળ સાંસ્કૃતિક વારસાને અપ્રત્યાસિત રીતે પડકાર ફેંકતા અને એનો બોજ સહન કરતા સમાજમાં પરિવર્તનનો પવન ફૂંકાઈને સર્વત્ર પ્રસરી ગયો છે. આ પડકારનો આપણે ચોતરફથી સામનો કરવો રહ્યો.

Total Views: 24

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.