મહાન ભારત

‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું. આ એ જ આર્યાવર્ત છે કે જેની આધ્યાત્મિકતાનું પ્રતિનિધિત્વ જાણે કે સાગર સરખી ધસમસતી સરિતાઓ ભૌતિક ભૂમિ ઉપર કરી રહી છે; આ એ જ ભારત છે, જ્યાં પુરાતન નગાધિરાજ હિમાલય હિમના થર ઉપર થર ચઢાવીને તુષારમંડિત શિખરો વડે ખુદ આકાશનું રહસ્ય ભેદવાનો જાણે કે પ્રયત્ન કરી રહ્યો છે; આ એ જ ભારતભૂમિ છે, જેની ધરતીને જગતમાં થઈ ગયેલા મહાનમાં મહાન ઋષિઓના પાવનકારી ચરણોનો સ્પર્શ થયેલો છે. માનવીની પ્રકૃતિ વિશેની તેમ જ આંતરજગત વિશેની ખોજ પહેલ વહેલી આ ભૂમિમાં જ થઈ. આત્માના અમરત્વનો સિદ્ધાંત સૌ પહેલાં, આ ભૂમિમાંથી જ ઊઠ્યો; ધર્મના અને ફિલસૂફીના ઉચ્ચમાં ઉચ્ચ આદર્શો તેમના સર્વોચ્ચ શિખરે આ ભૂમિમાં પહોંચ્યા. જ્યાંથી આધ્યાત્મિકતા અને ફિલસૂફીએ વારંવાર ભરતીનાં મોજાંની પેઠે બહાર ધસી જઈને દુનિયાને તરબોળ કરી મૂકી તે ભૂમિ આ જ છે; અને માનવજાતિની અધ:પતિત પ્રજાઓમાં ચેતના અને જોમ પૂરવા અર્થે આવી ભરતી ફરી એકવાર જ્યાંથી ઊઠવી જોઈએ તે ભૂમિ પણ આ જ છે. આ એ જ ભારતવર્ષ છે, જે સદીઓના આઘાતો, સેંકડો પરદેશી આક્રમણો તેમજ રીતભાતો અને રિવાજોની સેંકડો ઉથલપાથલો સામે ટક્કર ઝીલીને ઊભું છે. આ એ જ ભૂમિ છે, જે અદમ્ય જોમ અને અવિનાશી જીવન લઈને દુનિયા પરના કોઈ પણ પહાડ કરતાં વધુ મજબૂત થઈને ઊભેલી છે. એનું જીવન આત્મા સરખા જ સ્વભાવનું અનાદિ, અનંત અને અવિનાશી છે: આવા દેશનાં આપણે સંતાનો છીએ.’

ભારતનાં સંતાનોને ભારતના ભવ્યભૂતકાળનું આ રીતે દર્શન કરાવતાં સ્વામી વિવેકાનંદ ‘ભારતનું ભાવિ’ પરના ભાષણમાં કહે છે: ‘ભૂતકાળના મહિમાનું તમને ફરી સ્મરણ કરાવવામાં મારો હેતુ ફક્ત આ જ છે કે, ભૂતકાળના સનાતન ઝરણાંમાંથી આકંઠ પાન કરી લો; ત્યાર પછી આગળ વધો અને ભારત પૂર્વે હતું તેના કરતાં તેને વધુ ઉજ્જ્વળ વધુ મહાન અને વધુ ઉન્નત બનાવો.’

એક સૈકા પૂર્વે સ્વામી વિવેકાનંદે જ્યારે આ શબ્દો ઉચ્યાર્યા હતા, ત્યારે તો ભારત ગુલામ હતું. પરતંત્રતાની બેડીઓથી જકડાયેલું હતું. તેની ચેતના લુપ્ત થઈ ગઈ હતી. પોતાના ભવ્ય ભૂતકાળને તે વિસરી ગયું હતું. એક હજાર વર્ષથી તે જાણે તમસની, દીર્ઘ રાત્રિમાં સરી પડ્યું હતું. પોતાની શક્તિને તે ગુમાવી બેઠું હતું. બ્રિટિશરો અને અન્ય દેશો ભારતને જાદુગરો અને મદારીઓના દેશ તરીકે ઓળખાવતા હતા. ભારતના મહાન હિંદુધર્મને ખ્રિસ્તી મિશનરીઓ અનૈતિકતાના પર્યાય તરીકે જાહેરમાં ગણાવતા હતા. અને તેની સામે કોઈ પડકાર કરી શકતું નહીં. ‘ભારતમાં સંસ્કૃતિ જેવું છે જ નહીં, એટલે ત્યાં લોકોને સંસ્કાર અને ધર્મનું શિક્ષણ આપવા ખ્રિસ્તી મિશનરીઓને મોકલવાની ખૂબ જરૂર છે.’ એવું કહીને બ્રિટિશ શાસકો પશ્ચિમના લોકોને ભરમાવતા. જ્યારે હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની મહાનતાનું તેમણે પ્રત્યક્ષ દર્શન કર્યું ત્યારે એ દિવસથી એમના ભ્રમ પરથી પરદો સરી પડ્યો.  ૧૮૯૩માં શિકાગોમાં મળેલી વિશ્વના મહાન ધર્મોની સભામાં ભારતથી આવેલા, ભારતની કોઈપણ ધાર્મિક સંસ્થાનું પ્રતિનિધિત્વ નહીં પામેલા ત્રીસ વર્ષના યુવાન સાધુએ ફક્ત એક નાનકડું ભાષણ આપ્યું, અને તેણે હિંદુધર્મની શાશ્વતા, વ્યાપકતા અને સર્વ ધર્મો પ્રત્યેના આદરભાવને એવી રીતે વ્યક્ત કર્યો કે હજારો શ્રોતાઓ મંત્રમુગ્ધ બની હિંદુ ધર્મના મહાન સ્વરૂપને પ્રત્યક્ષ નિહાળવા લાગ્યા. એ જ ક્ષણથી ભારતની મહાન સંસ્કૃતિ અને તેના સનાતન વૈદિક ધર્મની ઉચ્ચભાવના વિશ્વના તખ્તા ઉપર છવાઈ જવાની શરૂઆત થઈ ગઈ. બીજા દિવસે અમેરિકાના વિખ્યાત છાપાંઓમાં આગળના પાને ભારતના આ યુવાન સાધુના ફોટાઓ અને પ્રશંસાસભર સમાચારો છપાયા. પ્રસિદ્ધ દૈનિક ન્યુયોર્ક હેરોલ્ડે લખ્યું: ‘સ્વામી વિવેકાનંદ શિકાગોની વિશ્વધર્મસભાના મુખ્ય નાયક છે.’ પછી તો વિશ્વધર્મસભા જેટલા દિવસ ચાલી, તેટલા દિવસો આ મહાનાયકે હિંદુધર્મની લાક્ષણકિતાઓ, હિંદુધર્મનાં મહાન સત્યો, રહસ્યો, ઉદાત્તતત્ત્વો અને સર્વવ્યાપી સિદ્ધાંતો – પોતાની અસ્ખલિત ઓજસ્વી વાણીમાં વિશ્વધર્મોના ધુરંધર પ્રતિનિધિઓ અને ઉપસ્થિત રહેલા અમેરિકા અને પાશ્ચાત્ય દેશોના વિદ્વાનો સમક્ષ એવી રીતે રજૂ કર્યાં કે અત્યારસુધી પાશ્ચાત્ય મિશનરીઓ દ્વારા વર્ણવાયેલા હિંદુધર્મના વિકૃત સ્વરૂપની માન્યતાઓના ચૂરેચૂરા થઈ ગયા અને જગતનો ઉદ્ધાર કરનાર જો કોઈ એક માત્ર ધર્મ હોય તો તે ભારતનો વેદાંતિક ધર્મ છે, એની સર્વને પ્રતીતિ થઈ ગઈ. પછી તો સ્વામી વિવેકાનંદ ચાર વર્ષ સુધી અમેરિકા અને યુરોપમાં રહ્યા. તેમણે પાશ્ચાત્ય દેશોને વેદાંતનું અમૃત પીવડાવી એમના સાચા સ્વરૂપનું ભાન કરાવ્યું. અનેક વ્યાખ્યાનો દ્વારા, વેદાંતના વર્ગો દ્વારા, વાર્તાલાપો દ્વારા તેમણે ભારતના મહાન તત્ત્વજ્ઞાનને પશ્ચિમના લોકોની સમક્ષ ખુલ્લું કર્યું. સ્વામીજીનાં આ વ્યાખ્યાનો વિષે ‘ધ બ્રુકલિન સ્ટેન્ડર્ડ’ નામના વર્તમાનપત્રે લખ્યું હતું: ‘વેદોના પ્રાચીન ઋષિઓની એ વાણી હતી; હિંદુ સાધુ સ્વામી વિવેકાનંદના પ્રેમ અને સહિષ્ણુતાના મધુર શબ્દો દ્વારા એ વ્યક્ત થઈ રહી હતી, ભારતીય ધર્મના એમના સુંદર અને છટાદાર બચાવને સાંભળવા માટે શહેરના તમામ ભાગોમાંથી, અનેક સન્નારીઓ, ડોક્ટરો, વકીલો, ન્યાયધીશો, શિક્ષકો અને તમામ વ્યવસાયોમાં રોકાયેલા લોકો આવેલા હતા… તેઓને નિરાશા ન મળી. સ્વામી વિવેકાનંદ વિશે તેમણે સાંભળ્યું હતું એથી પણ તેઓ વધુ મહાન નિકળ્યા. ખ્રિસ્તીઓની નૈતિકતા અને બૌદ્ધોની ફિલસૂફીનો સમન્વય સાધતા નૂતન ધર્મના એ ફિરસ્તા છે.’

નૂતનધર્મના એ ફિરસ્તાએ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને હિંદુધર્મની મહાનતાને પુન: પ્રતિષ્ઠિત કરી દીધી. પછી ૧૮૯૭માં જ્યારે તેઓ ભારત પાછા આવ્યા ત્યારે ભારતમાં તેમનું અભૂતપૂર્વ સ્વાગત થયું. અનેક શહેરોમાં હજારો લોકોની  હાજરીમાં તેમના સન્માન સમારંભો યોજાયા. આ સમારંભોમાં તેમણે ભારતની ચેતનાને જાગૃત કરતા અગ્નિમય શબ્દોવાળાં ભાષણો આપ્યાં. કોલંબોથી અલમોડા જતાં પ્રેરક અને અગ્નિસમા ભાષણો તેમણે આપ્યાં. એથી સદીઓથી ગુલામીમાં સૂતેલું ભારત જાગી ઊઠ્યું. સમગ્ર દેશમાં, સ્વામી વિવેકાનંદના શબ્દોએ જડતાને હચમચાવી નાખી અને નવી ચેતનાની લહર પ્રસરાવી દીધી. કાકા સાહેબ કાલેલકરે કહ્યું હતું કે ‘અમે ત્યારે યુવાનો હતા. સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચ્યા તેથી આત્મવિશ્વાસ વધ્યો અને ભારતમાતાની ગુલામીની બેડીઓ તોડવાનો સંકલ્પ દૃઢ થયો. એમનાં એ ભાષણો આજે પણ એટલાં પ્રાણવાન અને શક્તિશાળી છે કે એના વાચકમાં તે પ્રાણશક્તિ, વિદ્યુતશક્તિનો સંચાર કરીને વાચકને એની સામાન્યતામાંથી ઊંચે ઉઠાવીને પ્રચંડ શક્તિપૂંજ બનાવી દે છે.’

ઓ ભારત! વિશ્વ પર વિજય મેળવ!

૧૮૯૭માં મદ્રાસના ભાષણમાં એમણે કહ્યું હતું: ‘જગતમાં મહાન વિશ્વ વિજય મેળવનારી પ્રજાઓ થઈ છે. આપણે પણ મહાન વિજેતાઓ થયા છીએ. આપણા વિજયની ગાથાને ધર્મ અને આધ્યાત્મિકતાના વિજયની ગાથા તરીકે ભારતના પેલા મહાન સમ્ર્રાટ અશોકે વર્ણવી છે. ફરી એકવાર ભારતે વિશ્વનો વિજય કરવો જ જોઈએ… આપણી સમક્ષ આ મહાન આદર્શ છે. અને દરેકે ભારત દ્વારા વિશ્વનો વિજય કરવા માટે તૈયાર થવાનું છે; એનાથી જરા ય ઓછું નહીં. આપણે સહુએ આને માટે કમર કસવાની છે, તનતોડ પ્રયાસ કરવાનો છે. ભલે પરદેશીઓ આવીને તેમનાં લશ્કરોથી દેશને ભરી દે. કંઈ પરવા નહીં. ઓ ભારત! તું ખડો થઈ જા, અને તારી આધ્યાત્મિકતાથી વિશ્વપર વિજય મેળવ!’ સ્વામી વિવેકાનંદે ભારતના આત્માને આહ્‌વાન આપ્યું અને તેના સૂતેલા આત્મામાં પ્રાણ પૂરી પોતાની અગ્નિમય વાણીથી આદેશ આપ્યો કે ભારત સમગ્ર વિશ્વ પર પોતાની આધ્યાત્મિકતાથી વિજય મેળવે. તેમણે ભારતની પ્રજાને વિશ્વવિજયી ભારતનું સ્વપ્ન સેવવા હાકલ કરી. વિકાસશીલ દેશમાંથી ભારત માત્ર વિકસિત દેશ બને તો શું તેઓ આનંદિત થશે? તે માત્ર ભૌતિક પ્રગતિ કરી આગળ પડતો દેશ બને તો શું તેઓ પ્રસન્ન થશે? નહીં નહીં. જ્યાં સુધી ભારત સમગ્ર વિશ્વ પર વિજય પ્રાપ્ત કરી વિશ્વવિજયી નહીં બને ત્યાં સુધી સ્વામી વિવેકાનંદજીને પ્રસન્નતા નહીં થાય. તેમણે કહ્યું હતું – ભારતે સમસ્ત વિશ્વ પર વિજય કરવો જ પડશે.’ (India must conquer the whole world.) એનાથી ઓછું કંઈ જ તેમને આનંદ આપી શકે તેમ નથી. ભારતને વિશ્વવિજયી બનાવવા માટે તેમણે ભારતની પ્રજાના પ્રમાદને અને ધર્મના કહેવાતા બાહ્યાચારોને ખંખેરી નાખતા શબ્દોમાં કહ્યું: ‘હવે પછીનાં પચાસ વર્ષ સુધી માત્ર આ જ આપણું કાર્યક્ષેત્ર બનશે – આ આપણી મહાન માતા ભારતભૂમિ. બીજાં બધાં નકામા દેવ-દેવીઓ ભલે આપણાં મનમાંથી ભૂંસાઈ જતા.’ ભારત માતાના આત્માની સાથે તદ્રૂપ થઈને સ્વામી વિવેકાનંદના અંતરમાંથી ઉદ્‌ભવેલી આવી શક્તિશાળી વાણીએ પ્રજાના મન પર જાદુ પાથરી દીધો. આવી અસ્ખલિત વાણીના પ્રવાહથી પ્રજાની ધરબાઈ ગયેલી રાષ્ટ્રીય ચેતના જાગૃત થવા લાગી. આ અગ્નિમય શબ્દોએ અનેક વીરોને માતૃભૂમિને માટે બલિદાન આપવા પ્રેર્યા. સુભાષચંદ્ર બોઝ, ભગિની નિવેદિતા, શ્રીઅરવિંદ, મહાત્મા ગાંધીજી, ચક્રવર્તી રાજગોપાલાચારી, ડો. રાધાકૃષ્ણન્‌, આ બધા દેશભક્તો ઉપરાંત ફાંસીના ગાળિયાને ફૂલમાળાની જેમ પહેરીને વંદેમાતરમ્‌નો જયઘોષ કરતાં માતૃભૂમિની મુક્તિ માટે પ્રાણ ત્યજી દેનારા અનેક ક્રાન્તિકારી યુવાનોના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ હતા. ક્રાન્તિકારીઓના ઘરની તલાશ લેતાં બ્રિટિશ અધિકારીઓને ભૌતિક બોંબ તો નહોતા મળતા, પણ ‘એટમબોમ્બ’થી પણ વધારે શક્તિશાળી એવાં બે પુસ્તક રૂપી બોમ્બ તો જરૂર મળતા, અને તે હતા આ સ્વામી વિવેકાનંદનું બંગાળી ભાષામાં લખાયેલું પુસ્તક ‘પત્રાવલી’ અને બીજું શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા. ‘પત્રાવલી’ ક્રાન્તિવીરોનું પ્રેરણાસ્રોત હતું. ‘પત્રાવલી’ની જનમાનસ ઉપર આટલી પ્રચંડ અસર જોઈને બ્રિટિશ સરકારે તેના પ્રકાશન પર પ્રતિબંધ લગાડવાનો પ્રયત્ન કર્યો હતો.

સ્વામી વિવેકાનંદે પોતાની આંતરદૃષ્ટિથી જોઈ લીધું હતું કે જ્યાં સુધી ભારત સ્વાધીન નહીં થાય, ત્યાં સુધી આપણા ધર્મને લોકો સમજી નહીં શકે. ગુલામ દેશના લોકોના ધર્મ અને સંસ્કૃતિ ગમે તેટલાં મહાન હોય, તો પણ તે ગુલામ-પરાધીન દેશનાં હોવાથી, વિશ્વના દેશો એની મહત્તાનો ક્યારેય સ્વીકાર નહીં કરે. આથી જ ભારતની સ્વાધીનતાની તેમને સૌ પ્રથમ આવશ્યક્તા જણાઈ હતી. આ સ્વાધીનતાની પ્રાપ્તિ માટે પ્રજાના માનસમાં ઘર કરી ગયેલી ગુલામ મનોદશાને દૂર કરવાની અને પ્રજાના મનમાં રાષ્ટ્રીય ભાવનાને જાગૃત કરવાની તાતી જરૂર જણાતાં તેમણે અમેરિકાથી ભારત આવ્યા પછીના એમના જીવનનાં મૂલ્યવાન સાત વર્ષમાં આજ કાર્ય કર્યું. ભારતની પ્રજાના માનસમાં સૈકાઓથી વ્યાપેલી જડતાને હચમચાવી અને તેમાં ચૈતન્યનો પ્રવાહ રેડવાનું કાર્ય કર્યું.

સ્વામી વિવેકાનંદની આર્ષદૃષ્ટિ

સ્વામી વિવેકાનંદ ભવિષ્યવેત્તા નહોતા. પણ યુગદૃષ્ટા હતા. એક વખત સાંજે તેઓ બેલુડમઠમાં ગુરુભાઈઓ સાથે બેઠા હતા. ત્યારે અચાનક બોલી ઊઠ્યા, ‘જોઈ લીધા, જોઈ લીધા, ભારતના ઈતિહાસના છસ્સો વર્ષનાં પાનાં જોઈ લીધાં.’ આ સાંભળીને તેમના ગુરુભાઈઓને આશ્ચર્ય થયું કે, ‘તેઓ શું કહી રહ્યા છે?’ પણ તેઓ એટલું જ બોલ્યા કે, ‘જોવાઈ ગયાં.’ તેમની ત્રિકાલજ્ઞ દૃષ્ટિની સમક્ષ ભારતનો ભવ્ય ભૂતકાળ અને એથી જ વધુ ભવ્ય ભવિષ્ય પ્રગટ થયું હતું. આ ભવિષ્યદર્શનની બેચાર વાતો આકસ્મિક રીતે એમના મુખમાંથી નીકળી ગઈ હતી. ૧૮૯૭માં એમણે કહ્યું હતું કે આજથી પચાસ વર્ષ પછી ભારત સ્વાધીન થશે. અને તે પણ અણધારી રીતે ને કોઈ પણ જાતના લોહી રેડ્યા વગર. તે સમયે તો હજુ અહિંસાનો વિચાર હવામાં પણ નહોતો. ગાંધીજીનું ભારતમાં આગમન પણ થયું નહોતું.  તે વખતે તેમણે આ કહ્યું હતું. અને બરાબર પચાસ વર્ષ પછી ૧૯૪૭માં તેમણે જેમ કહ્યું હતું, તેમ લોહી રેડ્યા વગર અણધારી રીતે જ ભારત સ્વતંત્ર થયું. ૧૮૯૩માં શિકાગો ધર્મસભા સપ્ટેમ્બરમાં યોજાઈ તે પહેલાં સ્વામીજી બોસ્ટનમાં રહેતા હતા. એક દિવસ તેઓ પ્રો. જ્હોન હેન્રિ રાઈટ સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. ત્યારે તેમણે કહ્યું: ‘જ્યારે બ્રિટિશર્સ ભારત છોડી દેશે, પછી એવી સંભાવના છે કે ચીન ભારત પર આક્રમણ કરે.’ શ્રીમતી રાઈટે પોતાની ડાયરીમાં સ્વામી વિવેકાનંદના આ શબ્દો નોંધી લીધા હતા, એમ સીસ્ટર ગાર્ગીએ – મેરી લુઈ બર્કે, છ ભાગમાં પ્રકાશિત પોતાના પુસ્તક Swami Vivekananda in the West New Discoveriesમાં જણાવ્યું છે. ત્યારે ચીન ભારત પર આક્રમણ કરે એવી તો કોઈ કલ્પના પણ કરી શકે નહીં. એ સમયે એમણે ઉચ્ચારેલા આ શબ્દો ૧૯૬૨માં સાચા પડ્યા. આ ઉપરાંત ચીન અને રશિયા સોશ્યલ ફ્રન્ટ પર આગળ વધશે અને તેમનું પુન:જાગરણ થશે, એ વાત પણ તેમણે કરી હતી. એ પછી ૧૯૧૭માં રશિયામાં ક્રાન્તિ આવી ને સામ્યવાદ અસ્તિત્વમાં આવ્યો. આ જ રીતે તેમણે ભારતના ઉજ્જ્વળ ભવિષ્યને પણ પોતાની યૌગિક દૃષ્ટિ સમક્ષ પ્રગટતું જોયું હતું. જેની વાત તેમણે ભારતમાં આપેલાં પ્રવચનોમાં કરી હતી. તેમણે કહ્યું: ‘હું ભવિષ્યમાં મીટ માંડતો નથી; તેમ જ ભૂતકાળને જોવાની પરવા પણ કરતો નથી. પરંતુ એક દૃશ્ય હું આપણા અસ્તિત્વ જેટલું જ સ્પષ્ટ જોઈ રહ્યો છું કે આપણી પ્રાચીન ભારતમાતા ફરી પાછી એક વાર જાગી ઊઠી છે અને પૂર્વે કદીય હતી તેના કરતાં વધુ યૌવનસંપન્ન અને વધુ મહિમાવાન બનીને પોતાના સિંહાસન પર વિરાજમાન થઈ છે.’ સ્વામીજીએ ભારતમાતાના ભવ્ય ને દિવ્ય સ્વરૂપને વિશ્વના સિંહાસન પર વિરાજમાન થયેલું સ્પષ્ટપણે જોયું છે. એ પણ આપણા અસ્તિત્વ જેટલું જ સ્પષ્ટ રૂપે જોયું છે એટલે એ સ્વરૂપ અવશ્ય પ્રગટ થશે જ. પણ ક્યારે પ્રગટશે? ક્યારે તે વિશ્વની સામ્રાજ્ઞી બનશે? ક્યારે સમગ્ર વિશ્વ તેનાં ચરણોમાં ઝૂકશે? આ પ્રશ્નો આપણા હૃદયમાં ઊઠે છે. કેમ કે, અત્યારની પરિસ્થિતિ જોતાં તો સ્વામી વિવેકાનંદનું આ સ્વપ્ન સાચું પડે તેવી શક્યતા આપણને જણાતી નથી. આપણા દેશની બાહ્ય પરિસ્થિતિ જોતાં આપણને નિરાશા ને હતાશા જ સાંપડે છે. દેશના ૨૨% લોકો ગરીબીની રેખાની નીચે જીવી રહ્યા છે. ૩૫% પુરુષો અને ૫૦% સ્ત્રીઓ નિરક્ષર છે. આર્થિક ક્ષેત્રે ભારત ઘણું પાછળ છે. સામાજિક ક્ષેત્રે તે અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે અને રાજકીય ક્ષેત્રની તો વાત જ કરી શકાય તેમ નથી. આ રીતે ચારેબાજુથી નિરાશા ઉપજે તેવી પરિસ્થિતિમાં ભારત સમગ્ર વિશ્વ પર વિજય પ્રાપ્ત કરીને આખા જગતને પ્રકાશ પ્રત્યે દોરશે એ વાત અશક્ય લાગે છે. પરંતુ અશક્યને શક્ય જ નહીં પણ સિદ્ધિમાં પલટાવી નાખનારી સ્વામીજીની વાણી આપણા હૃદયમાં આશા, ઉત્સાહ, બળ અને પ્રેરણા જગાડીને, આપણા મનમાં કંડારાયેલા ભારતના ભાવિના નિરાશાજનક ચિત્રને પલટાવી નાખે છે. તેઓ કહે છે; ‘અનેક ઉજ્જ્વલ સૈકાઓથી અખંડ ચાલ્યા આવતા પ્રવાહ સામે હું સ્તબ્ધ બનીને જોઈ રહું છું; પણ બીજી જ ક્ષણે તે વધારે તેજથી ઝળકી ઊઠે છે. અને આમ મારી માતૃભૂમિ ગૌરવભર્યા પગલાં માંડતી આગળ ને આગળ ચાલતી જાય છે. પશુમાનવને દેવમાનવની સ્થિતિએ લઈ જવાની પોતાની ગૌરવમય નિયતિને પૂર્ણ કરવા માટે આગળ જાય છે: તેની આ ગતિને પૃથ્વી કે સ્વર્ગની કોઈ સત્તા રોકી શકશે નહીં.’ સમગ્ર માનવજાતિને પશુતામાંથી દિવ્યતા પ્રત્યે લઈ જવાનું કાર્ય પરમાત્માએ ભારતને સોંપ્યું છે. પોતાની આ નિયતિને ભારત પોતાની આધ્યાત્મિકતા દ્વારા પૂર્ણ કરશે, એ ભવિષ્ય પણ સ્વામીજીએ જોયું હતું. કોલકાતાના સ્ટાર થિયેટરમાં ૧૮૯૮માં, ૧૧મી માર્ચે ભરાયેલી વિશાળ જનસંખ્યાવાળી જાહેરસભામાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું; ‘ભારતમાં આધ્યાત્મિકતા એટલી બધી ભરપૂર હતી, એટલી બધી હતી કે તેની મહત્તાએ તેને એ કાળની જગતની તમામ પ્રજાઓમાં સૌથી મહાન પ્રજા બનાવી હતી. અને જો પ્રાચીન પરંપરા અને આશા પર ભરોસો મૂકાતો હોય તો આપણા એ સોનેરી દિવસો પાછા આવશે.’

ભારતનું ગૌરવમય અતીત

આપણું પ્રાચીન ભારત મહાન હતું. ભારતના ઋષિઓના તપોમય જીવને આપણી સંસ્કૃતિનું ઘડતર કર્યું હતું એટલે વિશ્વની અન્ય સંસ્કૃતિઓ – ગ્રીસ., ઇજિપ્ત, રોમની સંસ્કૃતિ કાળના ગર્તામાં ક્યાંય વિલીન થઈ ગઈ, પણ ભારતની સંસ્કૃતિ આજ પર્યંત ટકી રહી છે. આપણી આર્યસંસ્કૃતિ એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ છે. પાશ્ચાત્ય, ઈતિહાસકારો તો એવું કહે છે કે આર્યો બહારથી આવ્યા છે. પણ ‘આર્યન ઈન્વેઈઝન થીયરી’ હવે જૂઠી સાબિત થઈ છે. આર્યો બહારથી આવ્યા નથી પણ તેઓ ભારતમાં જ સરસ્વતીના તીરે વસતા હતા એ વાત હવે પાશ્ચાત્ય વિદ્વાનોએ સાબિત કરી છે. કચ્છના રણમાં સેટેલાઈટ દ્વારા ચિત્રો લેવામાં આવ્યાં અને તે દ્વારા સાબિત થયું છે કે લુપ્ત થયેલી સરસ્વતીનો પ્રવાહ ત્યાં વહેતો હતો. આપણી વૈદિક સંસ્કૃતિ-મહાન ભારતીય સંસ્કૃતિ સરસ્વતીના કિનારે પાંગરી હતી. જ્યારે પશ્ચિમના લોકો હજુ બર્બરતામાંથી બહાર નહોતા આવ્યા, સભ્યતા શું કહેવાય એની તેઓને ખબર નહોતી ત્યારે અમૂલ્ય જ્ઞાનના ભંડાર એવા વેદોથી આપણી સંસ્કૃતિ પ્રકાશી રહી હતી. આપણી સુસંસ્કૃત સંસ્કૃત ભાષા પણ ત્યારે અસ્તિત્વમાં હતી. આજે કમ્પ્યુટર નિષ્ણાતો સંસ્કૃત ભાષાની અદ્‌ભુત રચના અને સઘનતા જોઈને આશ્ચર્ય અનુભવે છે. તેઓ કહે છે કે સંસ્કૃત કમ્પ્યુટર માટેની શ્રેષ્ઠ ભાષા છે. એ ભાષામાં રચાયેલું સાહિત્ય પણ કેટલું મહાન છે! ભારતનાં એ પ્રાચીન મહાકાવ્યો, નાટકો, વાર્તાઓ, વિશ્વસાહિત્યનો અમૂલ્ય નિધિ બની રહ્યાં છે.

વિશ્વની બોધકથાઓ, નીતિકથાઓનાં મૂળ ભારતીય કથાસરિત્સાગર, પંચતંત્ર અને હિતોપદેશની, વાર્તાઓમાં રહેલાં છે. જર્મનીના મહાન કવિ ગેટે કવિ કાલિદાસના, ‘અભિજ્ઞાન શાકુંતલમ્‌’ નાટકથી એટલા તો મુગ્ધ બની ગયા હતા કે તેને મસ્તક પર મૂકીને નાચી ઊઠ્યા હતા! પ્રાચીન ભારત સાહિત્યક્ષેત્રે તો અજોડ હતું જ, પણ અન્ય ક્ષેત્રોમાં પણ તે અગ્રેસર હતું. સંગીતમાં સૂરસપ્તમ્‌ એ ભારતની દેન છે. ચિત્રકળા, શિલ્પ, સ્થાપત્યકલામાં ભારતની બરોબરી કોઈ રાષ્ટ્રો કરી શકે તેમ ન હતાં. અજંતા-ઇલોરાની ગુફાઓનાં ચિત્ર અને સ્થાપત્ય જોઈને આજે પણ પાશ્ચાત્ય ચિત્રકારો અને સ્થપતિઓ દંગ થઈ જાય છે. ઈલોરાનું કૈલાસમંદિર તો ફક્ત એક જ ખડકમાંથી બનેલું છે. આજ સુધી આવું શિલ્પસ્થાપત્ય ક્યાંય કંડારાયું નથી. નૃત્ય અને અભિનય કલામાં પણ ભારત મોખરે હતું. ફક્ત લલિત કલાઓમાં જ નહીં પણ વિજ્ઞાન અને ગણિતમાં પણ ભારત આગળ હતું. રાઈટ બંધુઓએ વિમાનની શોધ કરી તેના વર્ષો પહેલાં ભારતના વૈજ્ઞાનિક શિવકર બાબુજી તલવાડેએ તેની શોધ કરી હતી. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં વિભિન્ન પ્રકારનાં વિમાનોનું માત્ર વર્ણન જ નહિ, પણ ઋષિ ભરદ્વાજના ‘વ્યામાનિક શાસ્ત્ર’માં તો ઘણી ટેકનિકલ માહિતી આપવામાં આવી છે. આજે પાશ્ચાત્ય દેશો ગૌરવ લે છે કે અમારા ન્યુટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો, પણ ખરેખર ગુરુત્વાકર્ષણની શોધ તો સર્વ પ્રથમ ભારતમાંથી જ થઈ હતી. આઠમી શતાબ્દીમાં ભાસ્કરાચાર્યે ‘સિદ્ધાંત શિરોમણિ’ નામનો ગ્રંથ બે ભાગમાં લખ્યો હતો. તેમાં તેણે ગુરુત્વાકર્ષણનો શ્લોક આપ્યો છે. તેમણે લખ્યું છે: ‘આકૃષ્ટ શક્ત્યા:’ – પૃથ્વીમાં રહેલી આકર્ષણશક્તિને લઈને પદાર્થો નીચે પડે છે. આ વાત સૈકાઓ પછી ન્યુટને કહી હતી! એ જ રીતે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, તે આર્યભટ્ટે હજારો વર્ષો પહેલાં જણાવ્યું હતું. અંકગણિત, બીજગણિત અને ભૂમિતિની શોધ પણ સર્વપ્રથમ ભારતમાં જ થઈ. દશાંશપદ્ધતિ પણ ભારતે જ જગતને આપી છે. આજે સમગ્ર સોફટવેર પદ્ધતિ જેના ઉપર ઊભી છે, એ શૂન્યની ભેટ પણ ભારતે જ આપી છે. શૂન્ય કાઢી નાખો તો બધી જ પદ્ધતિઓ ઠપ્પ થઈ જાય તેમ છે. દરેક ક્ષેત્રમાં ભારતનું મહત્ત્વનું પ્રદાન રહેલું છે. તે સમયે ઔષધિવિજ્ઞાન અને ચિકિત્સાવિજ્ઞાન પણ ખૂબ વિકાસ પામેલાં હતાં. સુશ્રુત જેવા સર્જન હતા, ચરક જેવા નિષ્ણાત ચિકિત્સક હતા, જેમના ગ્રંથો સુશ્રુત સંહિતા અને ચરકસંહિતા આજે પણ સર્જરી અને ચિકિત્સા વિજ્ઞાનના પ્રમાણભૂત આધાર તરીકે આયુર્વેદના અભ્યાસમાં માનવામાં આવે છે. આર્થિક ક્ષેત્રે તો ભારત એટલું મહાન હતું કે તેને ‘સોને કી ચિડિયા’ કહેવામાં આવતું હતું. વ્યાપાર-વાણિજ્ય, હુન્નર ઉદ્યોગો વિકાસ પામેલા હતા. રાજા અને પ્રજા વચ્ચે પિતા અને સંતાનો જેવો પ્રેમભર્યો સંબંધ હતો. પ્રજા સુખી અને સંતોષી હતી. બહારના વિદેશી પર્યટકો તો ભારતની સમૃદ્ધિ અને જાહોજલાલી જોઈને મોઢામાં આંગળાં નાંખી જતાં. એક વિદેશી પર્યટકે તો નોંધ્યું છે કે ‘ભારતમાં એક વિચિત્ર પ્રથા જોવા મળી. અહીં તો રાજા વરસમાં એક વખત પ્રજાને માટે પોતાનો ખજાનો ખુલ્લો મૂકે છે, પ્રજાને જે જોઈએ તે તેમાંથી લઈ શકે છે. એમાં કોઈ નિયંત્રણ હોતું નથી. પણ આશ્ચર્યની વાત તો એ છે કે એ ખજાનામાંથી દ્રવ્ય લેવા માટે કોઈ આવતું જ નથી. જેવો રાજા ઉદાર છે, એવી જ પ્રજા પણ સંતોષી અને સમૃદ્ધ છે. પ્રજા ઈમાનદાર છે. અણહક્કનું લેવામાં કોઈ માનતા નથી.’ આવું સમૃદ્ધ હતું એ ભારત! ભારતના લોકોની નીતિમત્તા ઘણી ઊંચી હતી. લોકો તે વખતે દરવાજાને તાળું મારતા જ નહોતા. બિહારમાં ખોદકામ કરતાં રાજગીર અને નાલંદા વિદ્યાપીઠોના અવશેષો મળી આવ્યા. ત્યાંનું બાંધકામ જોતાં એવું જણાયું છે કે તેમાં ક્યાંય દરવાજાઓ જ નહોતા! જ્યાં કોઈ ચોર જ ન હોય ત્યાં દરવાજાઓની જરૂર જ ક્યાંથી હોય!

આવું મહાન અને સમૃદ્ધ ભારત હતું, એ આજે માની શકાતું નથી. સ્વામી વિવેકાનંદ તો કહે છે કે ભારત ફરીથી મહાન બનશે. અને એટલું મહાન બનશે કે એનું પૂર્વનું ગૌરવ અને મહિમા ઝાંખા પડી જશે. આ શક્ય બનશે ભારતની આધ્યાત્મિકતા દ્વારા. રામનદમાં થયેલા તેમના અભૂતપૂર્વ સ્વાગતનો પ્રત્યુત્તર આપતાં વ્યાખ્યાનમાં તેમણે કહ્યું હતું: ‘… આધ્યાત્મિકતામાં તમને શ્રદ્ધા હો યા ન હો, પરંતુ રાષ્ટ્રીય જીવનને ખાતર તમારે આધ્યાત્મિકતાને એક હાથે પકડી રાખવાની છે. તેને જ વળગી રહેવાનું છે. ત્યાર પછી જ બીજો હાથ લાંબો કરીને બીજી પ્રજાઓ પાસેથી મળે એટલું ભલે મેળવો. પરંતુ એ બધું પેલી એક માત્ર જીવનના આદર્શથી નીચી કક્ષાએ જ રાખવાનું છે. એમાંથી જ અદ્‌ભુત, મહિમાવંતુ, ભાવિ ભારત બહાર આવશે; અને મારી ખાતરી છે, કે પૂર્વે કદીયે હતું તેના કરતાં મહાન ભારત અવતરી રહ્યું છે; પ્રાચીન કાળમાં હતા તે બધા કરતાં વધુ મહાન ઋષિઓ નીકળી આવવાના છે.’

પાશ્ચાત્ય જડવાદી સભ્યતાના દુષ્પરિણામ

સ્વામી વિવેકાનંદની આ વાણીને આપણે આજે થોડા અંશે ચરિતાર્થ થતી જોઈ રહ્યા છીએ. ભૌતિકવાદના મહારાક્ષસના હાથમાં સપડાયેલું વિશ્વ આજે ભારતની આધ્યાત્મિકતાને પ્રાપ્ત કરવા માટે આતુર થઈ ઊઠ્યું છે. અમેરિકા, યુરોપ અને જાપાને આજે ભૌતિકક્ષેત્રે હરણફાળ ભરી છે, અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. પણ તેનાં સુખશાંતિ હરાઈ ગયાં છે. આજે અમેરિકામાં ‘ગન કલ્ચર’ આવી ગયું છે. અમેરિકામાં ૪૮% લોકો બંદૂક ધરાવે છે. બાકીના લોકો પણ બંદૂકનું લાઈસન્સ મેળવવા લાઈનમાં ઊભા છે! ટેકસાસમાં બહેનો એકલી બહાર જઈ શકતી નથી. અમેરિકામાં લોકોને હવે પોતાની સલામતિનો ભય લાગે છે. વાતાવરણમાં હિંસા વ્યાપેલી છે. લોકો અજંપો અનુભવે છે. બાળકો પણ બંદૂક લઈને નિશાળે જવા લાગ્યા છે. આ ‘ગન કલ્ચર’ ક્યાં જઈને અટકશે, તેની શાણા ચિંતકો ભારે ચિંતા કરી રહ્યા છે. અમેરિકાના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ વિભાગે એક સર્વે કર્યો તો પ્રત્યેક અમેરિકન કુટુંબમાંથી સરેરાશ એક સભ્ય નિયમિત રીતે ‘સાઈકીએટ્રિક’-મનોચિકિત્સક-પાસે જતો જોવા મળ્યો. માનસિક અજંપો, અશાંતિ, તાણ અને અસલામતિને લઈને અમેરિકનો અપાર ભૌતિક સમૃદ્ધિ અને સુખ સગવડ આપનારાં અનેકવિધ વૈજ્ઞાનિક ઉપકરણોની વચ્ચે પણ સુખી નથી. એવી જ પરિસ્થિતિ ભૌતિક રીતે સમૃદ્ધ બનેલાં જાપાનમાં સો નવી ‘મેન્ટલ હોસ્પિટલો’ ખૂલી રહી છે. ત્યાં ૪૪ વર્ષની ઉપરના ૪૨% કર્મચારીઓ માનસિક રોગોનો ભોગ બનેલા છે. મોટાભાગના વિકાસશીલ દેશોની આ જ કરુણ હાલત છે. માનસિક તાણ અને અજંપામાંથી છૂટવા માટેનો એક માત્ર માર્ગ તેમને દેખાય છે-અને તે છે, આત્મહત્યાનો માર્ગ.  અમેરિકામાં ડેરેફ હમ્ફીસે લખેલ ‘ફાઈનલ એક્ઝીટ’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. આ પુસ્તક ખૂબ વેચાય છે. આ પુસ્તકમાં આપઘાત કેવી રીતે કરવો, તે બતાવવામાં આવ્યું છે. આવું જ આપઘાત અંગેનું બીજું પુસ્તક જે જાપાનમાં ‘બેસ્ટ-સેલર’ પુરવાર થયું છે, તે છે; ‘Kanzen Jisatsu Manyuaru’ ‘ધ કંપ્લીટ મેન્યુઅલ ઓફ કમિટિંગ સુઈસાઈડ’. એક જ વર્ષમાં તેની સાડાત્રણ લાખ નકલો વેંચાઈ ગઈ છે. આ જ બતાવે છે કે ભૌતિક રીતે સમૃદ્ધિ વધે પણ જો સાથે આધ્યાત્મિકતા નહીં આવે તો અશાંત અને તનાવગ્રસ્ત બનેલા મનુષ્યો શાંતિ માટે આપઘાત તરફ વળશે. રશિયામાં એક લાખ વ્યક્તિએ ૬૫ માણસો આપઘાત કરે છે. જ્યારે અમેરિકામાં તે પ્રમાણ ૨૮નું અને જાપાનમાં ૩૩નું છે. એની સરખામણીમાં ભારતમાં એ પ્રમાણ ફક્ત નવનું જ છે. આ ઉપરથી જાણી શકાય છે કે ભારતમાં અત્યારે મોટાભાગના લોકો ભલે આર્થિક રીતે સમૃદ્ધ નથી પણ સુખી તો જરૂર છે. વિકસિત દેશો કરતાં ભારતમાં એ પ્રમાણ ઘણું ઓછું ગણાવી શકાય. એનું કારણ એ છે કે ભારતના લોકો પાસે હજુ ધર્મના સંસ્કાર છે. ઈશ્વરમાં શ્રદ્ધા છે. કર્મના કાયદાને તેઓ માને છે. આજે પણ હજુ લાખો લોકો ભગવાનની કથા સાંભળવા માટે એકત્ર થાય છે. ભલે લોકો અભણ છે, પણ અજ્ઞાની નથી. પૈસે ટકે ગરીબ છે, પણ મનથી દરિદ્ર નથી. લોકોને રાત્રે ઊંઘવા માટે ગોળીઓ લેવી પડતી નથી. પોતાની સલામતી માટે બંદૂક રાખવી પડતી નથી. લોકો કોઈપણ જાતના ફફડાટ વગર શાંતિથી ઊંઘી શકે છે. સાચું ભારત જે ગુલામીને પરિણામે નિદ્રિત બની ગયું હતું તે હવે જાગી રહ્યું છે. રામનદના વ્યાખ્યાનમાં ઉચ્ચારેલા સ્વામીજીના શબ્દો આજે સાર્થક થતા જણાય છે. તેમણે કહ્યું હતું: ‘આપણી આ માતૃભૂમિ પોતાની દીર્ઘ ગાઢ નિદ્રામાંથી જાગૃત થઈ રહી છે. હવે એનો કોઈ સામનો કરી શકે તેમ નથી. હવે એ કદી પાછી ઊંઘી જવાની નથી; કારણ કે એક વિરાટકાય અસ્તિત્વ પોતાના પગ ઉપર ઊભું થઈ રહ્યું છે.’

Total Views: 20

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.